પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 26 ફેબ્રુઆરીનાં રોજ આશરે રૂ. 41,000 કરોડનાં મૂલ્યનાં 2000થી વધારે રેલવે માળખાગત પ્રોજેક્ટનું ભૂમિપૂજન, ઉદઘાટન અને લોકાર્પણ કરશે
પ્રધાનમંત્રી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રૂ. 19,000 કરોડથી વધારેનાં ખર્ચે 553 રેલવે સ્ટેશનોનાં પુનર્વિકાસ માટે શિલારોપણ કરશે
પ્રધાનમંત્રી પુનઃવિકસિત ગોમતી નગર રેલવે સ્ટેશનનું ઉદઘાટન પણ કરશે
પ્રધાનમંત્રી દેશભરમાં આશરે રૂ. 21,520 કરોડનાં ખર્ચે 1500 રોડ ઓવર બ્રીજ અને અંડરપાસનો શિલાન્યાસ, ઉદઘાટન અને લોકાર્પણ કરશે
Posted On:
25 FEB 2024 3:29PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરીનાં રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રૂ. 41,000 કરોડથી વધારે મૂલ્યનાં આશરે 2000 રેલવે માળખાગત પ્રોજેક્ટનું શિલારોપણ, ઉદઘાટન અને લોકાર્પણ કરશે.
પ્રધાનમંત્રીએ અવારનવાર રેલવે સ્ટેશનો પર આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ પ્રદાન કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો છે. આ પ્રયાસમાં મોટું પગલું ભરતા પ્રધાનમંત્રી અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત 553 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલારોપણ કરશે. 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા આ સ્ટેશનોને 19,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ફરીથી વિકસિત કરવામાં આવશે. આ સ્ટેશનો શહેરની બંને બાજુ એકીકૃત કરતા 'સિટી સેન્ટર્સ' તરીકે કામ કરશે. તેમાં રૂફ પ્લાઝા, સુંદર લેન્ડસ્કેપિંગ, ઇન્ટર મોડલ કનેક્ટિવિટી, સુધારેલા આધુનિક અગ્રભાગ, કિડ્સ પ્લે એરિયા, કિઓસ્ક, ફૂડ કોર્ટ વગેરે જેવી આધુનિક પેસેન્જર સુવિધાઓ ઉપલબ્ધ હશે. તેમને પર્યાવરણને અનુકૂળ અને દિવ્યાંગ મૈત્રીપૂર્ણ તરીકે પુનઃવિકસિત કરવામાં આવશે. આ સ્ટેશન ઇમારતોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને સ્થાપત્યથી પ્રેરિત હશે.
ઉપરાંત પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશમાં ગોમતી નગર સ્ટેશનનું ઉદઘાટન કરશે, જેને આશરે રૂ. 385 કરોડનાં ખર્ચે પુનઃવિકસિત કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં મુસાફરોની વધતી જતી સંખ્યાને પહોંચી વળવા માટે, આ સ્ટેશને આગમન અને પ્રસ્થાન સુવિધાઓને અલગ કરી છે. તે શહેરની બંને બાજુને સંકલિત કરે છે. આ કેન્દ્રીય વાતાનુકૂલિત સ્ટેશન પર આધુનિક પેસેન્જર સુવિધાઓ જેવી કે એર કોનકોર્સ, કન્જેશન ફ્રી સર્ક્યુલેશન, ફૂડ કોર્ટ અને ઉપલા અને નીચલા ભોંયરામાં પાર્કિંગની પૂરતી જગ્યા છે.
પ્રધાનમંત્રી 1500 રોડ ઓવર બ્રીજ અને અંડરપાસનો શિલાન્યાસ, ઉદઘાટન અને દેશને સમર્પિત પણ કરશે. 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા આ રોડ ઓવર બ્રીજ અને અંડરપાસમાં આ પરિયોજનાઓનો કુલ ખર્ચ આશરે 21,520 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટથી ગીચતામાં ઘટાડો થશે, સુરક્ષા અને કનેક્ટિવિટી વધશે, ક્ષમતામાં સુધારો થશે અને રેલવે પ્રવાસની કાર્યદક્ષતા વધશે.
AP/GP/JD
(Release ID: 2008834)
Visitor Counter : 282
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam