પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઉત્તર પ્રદેશના લખનઉમાં વૈશ્વિક રોકાણકાર સંમેલનના ચોથા ગ્રાઉન્ડબ્રેકિંગ સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
19 FEB 2024 5:46PM by PIB Ahmedabad
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ, ઊર્જાવાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, મંત્રીમંડળમાં મારા સહયોગી અને દેશના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહજી, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી, વિધાનસભાના અધ્યક્ષ શ્રી, અન્ય મહાનુભાવો, દેશ- વિદેશથી અહીં ઉપસ્થિત રહેલા ઔદ્યોગિક ક્ષેત્રના તામ પ્રતિનિધિઓ અને મારા પરિવારજનો.
આજે આપણે અહીંયા વિકસિત ભારત માટે વિકસિત ઉત્તર પ્રદેશનું નિર્માણ કરવાના સંકલ્પ સાથે એકજૂથ થયા છીએ. અને મને કહેવામાં આવ્યું હતું કે, અત્યારે તકનીકના માધ્યમથી આપણી સાથે ઉત્તર પ્રદેશની 400 થી વધુ વિધાનસભા સીટો પર લાખો લોકો આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે. તકનીક દ્વારા આ કાર્યક્રમ સાથે જોડાયેલા મારા તમામ પરિવારજનોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજથી 7-8 વર્ષ પહેલાં આપણે કલ્પના પણ ન હતા કરી શકતા કે ઉત્તર પ્રદેશમાં પણ રોકાણ અને નોકરીઓના સંદર્ભમાં આવું વાતાવરણ સર્જાશે. ચારેબાજુ ગુનાખોરી, રમખાણો, તફડંચીના સમાચારો આવતા રહેલા હતા. તે દરમિયાન જો કોઇ એમ કહેતું કે હું ઉત્તર પ્રદેશને વિકસિત બનાવીશ તો કદાચ કોઇ સાંભળવા તૈયાર ન હોત, માનવાનો સવાલ જ નહોતો. પરંતુ આજે જુઓ, ઉત્તર પ્રદેશની ધરતી પર લાખો કરોડ રૂપિયાનું રોકાણ ઉતરી રહ્યું છે. અને હું ઉત્તર પ્રદેશનો સાંસદ છું. અને જ્યારે મારા ઉત્તર પ્રદેશમાં કંઇક થાય છે, ત્યારે સૌથી વધુ આનંદ મને થાય છે. આજે હજારો પરિયોજનાઓ પર કામ શરૂ થઇ રહ્યું છે. આ ફેક્ટરીઓ જે અહીં આવી રહી છે, આ ઉદ્યોગો જે આવી રહ્યા છે, તે ઉત્તર પ્રદેશની તસવીર બદલી નાખવાના છે. હું ખાસ કરીને તમામ રોકાણકારોને અને ખાસ કરીને ઉત્તર પ્રદેશના તમામ યુવાનોને અભિનંદન પાઠવું છું.
સાથીઓ,
ઉત્તર પ્રદેશમાં ડબલ એન્જિનની સરકાર બની તેને 7 વર્ષ થઇ ગયા છે. છેલ્લાં 7 વર્ષમાં રાજ્યમાં જે લાલ ફિતા શાહીની જે સંસ્કૃતિ હતી તેને ખતમ કરીને લાલ જાજમની સંસ્કૃતિનું નિર્માણ થયું છે. છેલ્લાં 7 વર્ષમાં ઉત્તર પ્રદેશમાં ગુનાખોરીમાં ઘટાડો થયો છે પરંતુ વ્યવસાયની સંસ્કૃતિનું વિસ્તરણ થયું છે. છેલ્લાં 7 વર્ષમાં ઉત્તર પ્રદેશમાં વેપાર, વિકાસ અને વિશ્વાસના માહોલનું સર્જન થયું છે. ડબલ એન્જિન સરકારે બતાવી દીધું છે કે, જો પરિવર્તનનો સાચો ઇરાદો હોય તો તેને કોઇ રોકી જ શકે તેમ નથી. વિતેલા કેટલાક વર્ષોમાં ઉત્તર પ્રદેશમાંથી કરવામાં આવતી નિકાસ હવે બમણી થઇ ગઇ છે. વીજ ઉત્પાદન હોય કે પછી ટ્રાન્સમિશન, આજે ઉત્તર પ્રદેશ પ્રશંસનીય કામ કરી રહ્યું છે. આજે ઉત્તર પ્રદેશ એવું રાજ્ય છે જે દેશમાં સૌથી વધુ એક્સપ્રેસ વે ધરાવે છે. આજે ઉત્તર પ્રદેશ એવું રાજ્ય છે જે દેશમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય હવાઇમથકો ધરાવે છે. આજે ઉત્તર પ્રદેશ એવું રાજ્ય છે જ્યાં દેશની પ્રથમ રેપિડ રેલ દોડી રહી છે. પશ્ચિમી સમર્પિત ફ્રેઇટ કોરિડોર અને પૂર્વીય સમર્પિત ફ્રેઇટ કોરિડોરનું મોટું નેટવર્ક પણ ઉત્તર પ્રદેશમાંથી જ પસાર થાય છે. ઉત્તર પ્રદેશમાં નદીઓના વિશાળ નેટવર્કનો ઉપયોગ માલવાહક જહાજો ચલાવવા માટે પણ થઇ રહ્યો છે. આના કારણે ઉત્તર પ્રદેશમાં અવરજવર સરળ બની રહી છે, પરિવહન ઝડપી થયું અને સસ્તું પણ થયું છે.
સાથીઓ,
આજના આ કાર્યક્રમનું મૂલ્યાંકન, હું માત્ર રોકાણના દૃષ્ટિકોણથી નથી કરી રહ્યો. અહીં ઉપસ્થિત તમામ રોકાણકારોમાં મને જે આશાવાદ જોવા મળી રહ્યો છે, વધુ સારા વળતરની જે અપેક્ષા દેખાઇ રહી છે, તે ખૂબ વ્યાપક સંદર્ભ ધરાવે છે. આજે તમે દુનિયામાં ભલે ગમે ત્યાં જાઓ, ત્યાં ભારત વિશે અભૂતપૂર્વ સકારાત્મકતા જોવા મળી રહી છે. ચાર-પાંચ દિવસ પહેલાં હું UAE અને કતારની વિદેશ યાત્રા પરથી પરત આવ્યું છું. દરેક દેશને ભારતની વિકાસગાથામાં વિશ્વાસ છે, તેઓ ભરોસાથી છલકાઇ રહ્યા છે. આજે દેશમાં મોદીની ગેરંટીની ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. પરંતુ આજે સમગ્ર દુનિયા, ભારતને વધુ સારા વળતરની ગેરંટી માની રહી છે. ઘણીવાર આપણે જોયું છે કે, ચૂંટણી નજીક હોય ત્યારે લોકો નવા રોકાણ કરવાનું ટાળતા હોય છે. પરંતુ આજે ભારતે આ ધારણાનું પણ ખંડન થતું જોવા મળે છે. આજે દુનિયાભરના રોકાણકારોને ભારતમાં સરકારની નીતિઓ અને સ્થિરતામાં સંપૂર્ણ વિશ્વાસ છે. આ જ વિશ્વાસની ઝલક અહીં ઉત્તર પ્રદેશ અને લખનઉમાં પણ જોવા મળે છે.
ભાઇઓ અને બહેનો,
હું જ્યારે વિકસિત ભારતની વાત કરું છું ત્યારે તેને નવી વિચારસરણીની પણ જરૂર હોય છે, તેને નવી દિશાની જરૂર હોય છે. દેશમાં જે પ્રકારની વિચારધારા આઝાદી પછીના અનેક દાયકાઓ સુધી પ્રવર્તેલી હતી તે જોતાં આ બધું શક્ય નહોતું. તે વિચારધારા શું હતી? વિચારધારા હતી, કે દેશના નાગરિકોનું જેમ-તેમ કરીને ગુજરાન ચલાવો, તેમને દરેક પાયાની સુવિધા માટે વલખાં મારવા પડે તેવું રાખો. પહેલાંની સરકારો એવું વિચારતી હતી કે જો તેઓ સુવિધાઓ બનાવવી હોય તો 2-4 મોટા શહેરોમાં તે હોવી જોઇએ, જો તેઓ નોકરીની તકો ઊભી કરે છે તો તે અમુક પસંદગીના શહેરોમાં હોવી જોઇએ. આવું કરવાનું સહેલું હતું કારણ કે તેમાં ખાસ કંઇ મહેનત કરવાની જરૂર પડતી ન હતી. પરંતુ તેના કારણે દેશનો મોટો હિસ્સો વિકાસથી વંચિત રહી ગયો. ઉત્તર પ્રદેશ સાથે ભૂતકાળમાં પણ આવું જ બન્યું હતું. પરંતુ ડબલ એન્જિન સરકારે એ જૂની રાજકીય વિચારસરણી બદલી નાખી છે. અમે ઉત્તર પ્રદેશના દરેક પરિવારનું જીવન સરળ બનાવવા માટે મહેનત કરી રહ્યા છીએ. જ્યારે જીવન સરળ હશે ત્યારે વેપાર-ધંધો કરવાનું આપોઆપ સરળ થઇ જશે. તમે જ જુઓ, અમે ગરીબો માટે 4 કરોડ પાકાં મકાનો બનાવ્યાં છે. પરંતુ સાથે જ, અમે શહેરોમાં રહેતા મધ્યમ વર્ગના પરિવારોને તેમના સપનાના ઘરની માલિકી મળ તે સપનું પૂરું કરવા માટે લગભગ 60 હજાર કરોડ રૂપિયાની મદદ પણ આપી છે. આ પૈસાથી શહેરોમાં રહેતા મધ્યમ વર્ગના 25 લાખ પરિવારોને વ્યાજમાં છૂટ મળી છે. આમાં 1.5 લાખ લાભાર્થી પરિવારો મારા ઉત્તર પ્રદેશના જ છે. અમારી સરકારે આવકવેરામાં જે ઘટાડો કર્યો છે તેનાથી મધ્યમ વર્ગને પણ ઘણો ફાયદો થયો છે. 2014 પહેલાં માત્ર 2 લાખ રૂપિયાની આવક પર જ આવકવેરા ન હતો લાગતો. જ્યારે ભાજપ સરકારના શાસનમાં હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ આવકવેરો ભરવાનો હોતો નથી. જેના કારણે મધ્યમ વર્ગના હજારો કરોડ રૂપિયાની બચત થઇ શકી છે.
સાથીઓ,
અમે ઉત્તર પ્રદેશમાં ‘ઇઝ ઓફ લિવિંગ’ અને ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ પર એક સમાન ભાર આપ્યો છે. ડબલ એન્જિન સરકારનો ઉદ્દેશ્ય એવો છે કે કોઇ પણ લાભાર્થી કોઇ પણ સરકારી યોજનાથી વંચિત ન રહી જાય. તાજેતરમાં યોજવામાં આવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ઉત્તર પ્રદેશના લાખો લાભાર્થીઓને તેમના ઘરની નજીકમાં જ આ યોજનાઓ સાથે જોડવામાં આવ્યા છે. મોદીની ગેરંટીની ગાડી દરેક ગામ અને શહેરમાં પહોંચી ગઇ છે. સંતૃપ્તિનો અર્થ થાય છે કે જ્યારે સરકાર 100 ટકા લાભાર્થીઓને સુધી યોજનાનો લાભ પહોંચાડે, તો તે સાચો સામાજિક ન્યાય થયો કહેવાય. આ જ સાચી બિનસાંપ્રદાયિકતા છે. તમને યાદ કરો, ભ્રષ્ટાચાર અને ભેદભાવનું એક ખૂબ જ મોટું કારણ શું હોય છે? અગાઉની સરકારોમાં લોકોને પોતાના જ લાભો મેળવવા માટે લાંબી લાંબી કતારોમાં ઉભા રહેવું પડતું હતું. કાગળો લઇને એક બારીએ બીજી બારી સુધી ભાગદોડ કરવી પડતી હતી. હવે, અમારી સરકાર જાતે જ ગરીબોના ઘરના દ્વારે આવી રહી છે. અને આ મોદીની ગેરંટી છે કે, જ્યાં સુધી દરેક લાભાર્થીને તેમનો હક નહીં મળે ત્યાં સુધી અમારી સરકાર શાંતીથી બેસવાની નથી. ભલે રાશન આપવાનું હોય, મફત સારવાર હોય, પાકું ઘર હોય, વીજળી- પાણી- ગેસ કનેક્શન આપવાના હોય, દરેક લાભાર્થીને તે મળતું રહેશે.
સાથીઓ,
મોદી આજે તેમને પણ પૂછી રહ્યા છે, જેમને પહેલાં કોઇએ પૂછ્યું પણ ન હતું. શહેરોમાં આપણા જે રેકડી, પાથરણા વાળા શેરી પરના ફેરિયાઓ હોય છે, આપણા આ ભાઇ-બહેનો હોય છે તેમની મદદ કરવા અંગે અગાઉ કોઇ સરકારે વિચાર પણ ન હતો કર્યો. આ લોકો માટે અમારી સરકાર પીએમ સ્વનિધિ યોજના લઇને આવી છે. અત્યાર સુધીમાં, સમગ્ર દેશમાં શેરી પરના વિક્રેતાઓને 10,000 કરોડ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવી છે. અહીં ઉત્તર પ્રદેશમાં પણ 22 લાખ શેરી પરના ફેરિયાઓને આનો ફાયદો મળ્યો છે. પીએમ સ્વનિધિ યોજનાની જે અસર છે તેમાં જોવા મળે છે કે જ્યારે ગરીબોને સશક્ત બનાવવામાં આવે છે, ત્યારે તેઓ કંઇ પણ કરી શકે છે. પીએમ સ્વનિધિ યોજનાના અભ્યાસમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત સામે આવી છે કે, સ્વનિધિની મદદ મેળવનારા સાથીઓની વાર્ષિક કમાણીમાં સરેરાશ 23 હજાર રૂપિયાનો વધારાનો વધારો થયો છે. તમે જ મને કહો, આવા સાથીઓ માટે આ વધારાની કમાણી કેટલી મોટી તાકાત બની જાય છે. પીએમ સ્વનિધિ યોજનાએ શેરી પરના વિક્રેતાઓની ખરીદ શક્તિમાં પણ વધારો કરી દીધો છે. અન્ય એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે, સ્વનિધિ યોજનાના લગભગ 75 ટકા લાભાર્થીઓ દલિત, પછાત અને આદિવાસી ભાઇઓ અને બહેનો છે. આમાં પણ લગભગ અડધી લાભાર્થીઓ તો આપણી બહેનો જ છે. અગાઉ, તેમને બેંકો તરફથી કોઇ પણ મદદ મળી ન હતી, કારણ કે તેમની પાસે બેંકોને આપવા માટે કોઇ ગેરંટી નહોતી. આજે તેમની પાસે મોદીની ગેરંટી છે, અને તેથી તેઓ બેંકોમાંથી પણ મદદ મેળવી રહ્યા છે. આ સામાજિક ન્યાય છે, જેનું સપનું એક સમયે જે.પી.એ જોયું હતું, જે સપનું એક સમયે લોહિયાજીએ જોયું હતું.
સાથીઓ,
અમારી ડબલ એન્જિન સરકારના નિર્ણયો અને તેની યોજનાઓ સામાજિક ન્યાય અને અર્થતંત્ર બંનેને લાભ થાય તેવી હોય છે. તમે લખપતિ દીદીના સંકલ્પ વિશે તો જરૂર સાંભળ્યું જ હશે. છેલ્લાં 10 વર્ષો દરમિયાન, અમે સમગ્ર દેશમાં 10 કરોડ બહેનોને સ્વ-સહાય જૂથો સાથે જોડી છે. તેમાંથી અત્યાર સુધી તમે તો ઉદ્યોગજગતના લોકો છો, જરા આ આંકડો સાંભળો, અત્યાર સુધીમાં 1 કરોડ બહેનોને લખપતિ દીદી બનાવવામાં આવી છે. અને હવે સરકારે નક્કી કર્યું છે કે કુલ 3 કરોડ બહેનોને લખપતિ દીદી બનાવીને જ રહીશું. આપણા દેશમાં લગભગ 2.5 લાખ ગ્રામ પંચાયતો છે. જો 3 કરોડ લખપતિ દીદીઓ બનાવવામાં આવે તો દરેક ગ્રામ પંચાયતની ખરીદ શક્તિ કેટલી વધી જશે તેની કલ્પના કરો. આનાથી બહેનોના જીવનની સાથે સાથે ગ્રામીણ અર્થતંત્ર પર ખૂબ જ સકારાત્મક અસર પડી રહી છે.
ભાઇઓ અને બહેનો,
જ્યારે આપણે વિકસિત ઉત્તર પ્રદેશની વાત કરીએ છીએ, તો તેની પાછળ એક અન્ય તાકાત રહેલી છે. આ તાકાત છે અહીંના MSME એટલે કે નાના, લઘુ અને કુટીર ઉદ્યોગોની આ તાકાત છે. ડબલ એન્જિન સરકારની રચના પછી, ઉત્તર પ્રદેશમાં MSMEનું અભૂતપૂર્વ વિસ્તરણ થયું છે. અહીં MSMEને હજારો કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. આ જે સંરક્ષણ કોરિડોરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને જે નવા ઇકોનોમિક કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યા છે તેનાથી પણ MSMEને ઘણો ફાયદો થવાનો છે.
સાથીઓ,
ઉત્તર પ્રદેશના લગભગ દરેક જિલ્લામાં કુટીર ઉદ્યોગોની એક જૂની પરંપરા છે. ક્યાંક તાળાઓ બનાવવામાં આવે છે, તો ક્યાંક પિત્તળનું કામ કરવામાં આવે છે, ક્યાંક ગાલીચા બનાવવામાં આવે છે, તો ક્યાંક બંગડીઓ બનાવવામાં આવે છે, ક્યાંક માટીની કળા હોય છે, તો ક્યાંક ચિકનકારીનું કામ કરવામાં આવે છે. અમે આ પરંપરાને ‘વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ’ એટલે કે, એક જિલ્લો, એક ઉત્પાદન યોજના દ્વારા મજબૂત બનાવી રહ્યા છીએ. તમે રેલવે સ્ટેશનો પર પણ જોશો કે કેવી રીતે એક જિલ્લો - એક ઉત્પાદન યોજનાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યં છે અને કેવી રીતે તેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. હવે તો અમે 13 હજાર કરોડ રૂપિયાની પીએમ વિશ્વકર્મા યોજના પણ લાવ્યા છીએ. આ યોજના ઉત્તર પ્રદેશમાં પરંપરાગત રીતે હસ્તકળા સાથે સંકળાયેલા લાખો વિશ્વકર્મા પરિવારોને આધુનિકતા સાથે જોડશે. તે પોતાના વ્યવસાયનું વિસ્તરણ કરવા માટે બેંકો પાસેથી સસ્તી અને અસુરક્ષિત લોન મેળવવામાં મદદ કરશે.
ભાઇઓ અને બહેનો,
અમારી સરકાર કેવી રીતે કામ કરી રહી છે તેની એક ઝલક તમને રમકડાંના ઉત્પાદન ક્ષેત્રમાં પણ જોવા મળશે. અને હું તો કાશીનો સાંસદ હોવાને કારણે ત્યાં બનેલા લાકડાના રમકડાંનો પ્રચાર કરતો જ રહું છું.
સાથીઓ,
થોડા વર્ષો પહેલાં સુધી ભારત તેમના બાળકો માટેના મોટાભાગના રમકડાં વિદેશમાંથી આયાત કરતું હતું. આ તે સ્થિતિ હતી જ્યારે ભારતમાં રમકડાંની એક સમૃદ્ધ પરંપરા હતી. લોકો પેઢીઓથી રમકડાં બનાવવાનું કૌશલ્ય ધરાવે છે. પરંતુ ભારતીય રમકડાંને પ્રોત્સાહન આપવામાં આવ્યું જ ન હતું, કારીગરોને આધુનિક વિશ્વ સાથે અનુકૂલન કરવામાં મદદ આપવામાં આવી ન હતી. તેના કારણે ભારતના બજારો અને ઘરો પર વિદેશી રમકડાંઓએ કબજો કરી લીધો હતો. હું આ સ્થિતિમાં પરિવર્તન લાવવા અને દેશભરના રમકડાં ઉત્પાદકો સાથે ઉભો રહેવા માટે, તેમને મદદ કરવા માટે અને તેમને આગળ વધવાની અપીલ કરવાનું મનમાં નક્કી કરી લીધું હતું. આજે સ્થિતિ એવી છે કે, આપણી આયાતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને રમકડાંની નિકાસ અનેક ગણી વધી ગઇ છે.
સાથીઓ,
ઉત્તર પ્રદેશમાં ભારતનું સૌથી મોટું પ્રવાસન હબ બનવાનું સામર્થ્ય છે. આજે દેશનો દરેક વ્યક્તિ વારાણસી અને અયોધ્યાની મુલાકાત લેવા માંગે છે. દરરોજ લાખો લોકો આ સ્થળોએ દર્શન કરવા માટે આવી રહ્યા છે. તેના કારણે અહીં ઉત્તર પ્રદેશમાં નાના ઉદ્યોગ સાહસિકો, એરલાઇન્સ કંપનીઓ અને હોટેલ અને રેસ્ટોરન્ટના માલિકો માટે અભૂતપૂર્વ તકો ઊભી થઇ રહી છે. અને મારી એક વિનંતી છે કે, હું દેશના તમામ પ્રવાસીઓને અનુરોધ કરવા માંગું છું, હું દેશના તમામ પ્રવાસીઓને વિનંતી કરું છું કે જ્યારે પણ તમે પ્રવાસ પર જવાનું બજેટ બનાવો, ત્યારે તમારા બજેટના 10% તમે જ્યાં જઇ રહ્યા છો તે સ્થળેથી કંઇકને કંઇક ખરીદી કરવા માટેનું જરૂર રાખો. તે તમારા માટે મુશ્કેલ નથી, કારણ કે તમે હજારો રૂપિયા ખર્ચીને પ્રવાસ પર નીકળ્યા છો. જો 10 ટકા રકમથી તમે જ્યાં જઇ રહ્યા છો ત્યાંથી સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરશો તો તે જગ્યાની અર્થવ્યવસ્થા આકાશને આંબવા લાગશે. આજકાલ હું એક બીજી વાત પણ કહું છું કે, આ મોટા મોટા ધનવાન લોકો ત્યાં બેઠા છે ને, તેનાથી તેમને થોડું વધારે દુઃખ થાય છે પણ હું મારી આદતને કારણે કહેતો રહું છું. આજકાલ, કમનસીબે, દેશમાં એવી ફેશન ચાલી રહી છે કે, અમીર હોવું એટલે વિદેશ જવું, વિદેશમાં બાળકોના લગ્ન કરવા. શું તમારા બાળકો ભારતમાં આટલા મોટા દેશમાં લગ્ન ન કરી શકે? વિચારો, કેટલા લોકોને રોજગાર મળશે? અને જ્યારથી મેં ‘વેડ ઇન ઇન્ડિયા’ની શરૂઆત કરી છે, ત્યારથી મને ઘણા પત્રો મળી રહ્યા છે. સાહેબ, અમે પૈસા જમા કરાવ્યા હતા, વિદેશમાં લગ્ન કરવાના હતા, પરંતુ તમે કહ્યું એટલે હવે તેને રદ કરી દીધા છે અને હવે અમે ભારતમાં જ લગ્ન કરીશું. ભગતસિંહની જેમ ફાંસી પર લટકી જઇએ તો જ દેશની સેવા કરી શકાય એવું નથી હોતું. મિત્રો, દેશ માટે કામ કરીને પણ દેશની સેવા કરી શકાય છે. અને તેથી જ હું કહું છું કે વધુ સારી સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીની મદદથી, ઉત્તર પ્રદેશમાં મુસાફરી કરવાનું હવે ખૂબ જ સરળ થઇ ગયું છે. વારાણસીના માર્ગે તાજેતરમાં અમે દુનિયાની સૌથી લાંબી ક્રુઝ સેવા પણ શરૂ કરી છે. 2025માં કુંભ મેળાનું પણ આયોજન થવા જઇ રહ્યું છે. ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થા માટે પણ આ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. આગામી સમયમાં અહીં પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રે મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન થવાનું છે.
સાથીઓ,
અમારો એવો પ્રયાસ છે કે, અમારી જે તાકાત છે, તેને પણ આધુનિકતા સાથે જોડવામાં આવે, તેને પણ સશક્ત કરવામાં આવે અને નવા ક્ષેત્રોમાં પણ કમાલ કરવામાં આવે. આજે ભારત ઇલેક્ટ્રિક પરિવહન અને હરિત ઊર્જા પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અમે ભારતને આવી તકનીકો અને વિનિર્માણમાં વૈશ્વિક કેન્દ્ર બનાવવા માંગીએ છીએ. અમારો એવો પ્રયાસ છે કે દેશના દરેક ઘર, દરેક પરિવાર સૌર ઊર્જા ઉત્પાદક બને. તેથી, અમે પીએમ સૂર્ય ઘર- મફત વીજળી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ 300 યુનિટ વીજળી મફતમાં મળશે અને લોકો વધારાની વીજળી સરકારને વેચી પણ શકશે. હાલમાં આ યોજના 1 કરોડ પરિવારો માટે છે. જેમાં દરેક પરિવારના બેંક ખાતામાં 30 હજારથી અંદાજે 80 હજાર રૂપિયા સીધા જ જમા કરવામાં આવશે. એટલે કે જે લોકો દર મહિને 100 યુનિટ વીજળી પેદા કરવા માગે છે તેમને 30 હજાર રૂપિયાની સહાય મળશે. જે લોકો 300 યુનિટ અથવા તેનાથી વધુ વીજળી ઉત્પન્ન કરવા માગે છે તેમને લગભગ 80 હજાર રૂપિયા મળશે. આ સિવાય, બેંકો તરફથી ખૂબ જ સસ્તી અને સરળ લોન પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એવો અંદાજ છે કે, આ પરિવારોને મફતમાં વીજળી મળશે એટલું જ નહીં, તેઓ એક વર્ષમાં 18 હજાર રૂપિયા સુધીની વીજળી વેચીને વધારાની આવક પણ મેળવી શકશે. એટલું જ નહીં, તે ઇન્સ્ટોલેશન, પુરવઠા શૃંખલા અને જાળવણી સંબંધિત ક્ષેત્રોમાં લાખો નોકરીઓનું સર્જન કરશે. આનાથી લોકોને 24 કલાક વીજળી પૂરી પાડવાનું સરળ બનશે અને એક નિશ્ચિત સંખ્યામાં યુનિટ સુધી મફત વીજળી પણ પૂરી પાડવામાં આવશે.
સાથીઓ,
સૌર ઊર્જાની જેમ જ, અમે ઇલેક્ટ્રિક વાહનો અંગે પણ મિશન મોડ પર કામ કરી રહ્યા છીએ. ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરી રહેલા ભાગીદારોને PLI યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર કરમાં છૂટ આપવામાં આવી છે. આનું પરિણામ એ આવ્યું છે કે, છેલ્લાં 10 વર્ષમાં લગભગ 34.5 લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. અમે ઝડપી ગતિએ ઇલેક્ટ્રિક બસો શરૂ કરી રહ્યા છીએ. એટલે કે, સૌર હોય કે ઇલેક્ટ્રિક વાહન, ઉત્તર પ્રદેશમાં બંને ક્ષેત્રમાં ઘણી બધી સંભાવનાઓ રહેલી છે.
સાથીઓ,
થોડા દિવસો પહેલાં જ અમારી સરકારને ખેડૂતો માટે તારણહાર કહેવાતા ચૌધરી ચરણસિંહજીને ભારત રત્ન આપવાનું સૌભાગ્ય મળ્યું હતું. ઉત્તર પ્રદેશની માટીના પનોતા પુત્ર ચૌધરી સાહેબનું સન્માન એ દેશના કરોડો શ્રમિકો અને કરોડો ખેડૂતોનું સન્માન છે. પરંતુ દુર્ભાગ્યવશ, કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને આ વાત સમજાતી જ નથી. તમે જોયું જ હશે કે, જ્યારે સંસદમાં ચૌધરી ચરણસિંહજીની ચર્ચા થઇ રહી હતી ત્યારે કોંગ્રેસના લોકોએ કેવી રીતે ચૌધરી સાહેબ વિશે બોલવાનું પણ મુશ્કેલ કરી દીધું હતું. કોંગ્રેસના લોકો ભારત રત્ન પર માત્ર એક જ પરિવારનો અધિકાર માને છે. તેથી જ કોંગ્રેસે દાયકાઓ સુધી બાબા સાહેબ આંબેડકરને પણ ભારત રત્ન આપ્યો ન હતો. આ લોકો પોતાના જ પરિવારના સભ્યોને ભારત રત્ન આપતા રહ્યા. વાસ્તવમાં, કોંગ્રેસ ગરીબો, દલિતો, પછાત લોકો, ખેડૂતો અને શ્રમિકોનું સન્માન કરવા માંગતી જ નથી, આ તેમની વિચારસરણીમાં નથી. ચૌધરી ચરણસિંહજીના જીવનકાળ દરમિયાન પણ કોંગ્રેસે તેમની સાથે સોદાબાજી કરવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. ચૌધરી સાહેબે પ્રધાનમંત્રી તરીકેનો હોદ્દો તો છોડી દીધો પણ પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન નહોતું કર્યું. તેમને રાજકીય સોદાબાજીથી નફરત હતી. પરંતુ દુ:ખની વાત એ છે કે, તેમના નામ પર રાજનીતિ કરતા ઉત્તર પ્રદેશના તમામ પક્ષોએ ચૌધરી સાહેબની વાત માની નહોતી. ચૌધરી સાહેબે નાના ખેડૂતો માટે જે કંઇ પણ કર્યું તે આખો દેશ ક્યારેય ભૂલી શકે તેમ નથી. આજે ચૌધરી સાહેબ પાસેથી પ્રેરણા લઇને અમે દેશના ખેડૂતોને નિરંતર સશક્ત બનાવી રહ્યા છીએ.
સાથીઓ,
અમે દેશની ખેતીને નવા માર્ગ પર લઇ જવા માટે ખેડૂતોને મદદ કરી રહ્યાં છીએ અને તેમને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. કુદરતી ખેતી અને બરછટ ધાન્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા પાછળનો ઉદ્દેશ્ય પણ આ જ છે. આજે ઉત્તર પ્રદેશમાં ગંગા નદીના કિનારે મોટા પાયે કુદરતી ખેતી શરૂ થઇ છે. આ એક એવી ખેતી છે જે ખેડૂતોને ઓછા ખર્ચે વધુ નફો આપે છે. અને તેના કારણે ગંગા જેવી આપણી પવિત્ર નદીઓનું પાણી પણ દૂષિત થવાથી બચી રહ્યું છે. આજે હું ખાદ્ય પ્રસંસ્કરણ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને પણ ખાસ વિનંતી કરવા માંગુ છું. તમારે ‘ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ’ મંત્ર પર જ કામ કરવું જોઇએ. તમારે માત્ર એક જ ધ્યેય સાથે કામ કરવું જોઇએ કે દુનિયાભરના દેશોના ડાઇનિંગ ટેબલ પર કોઇને કોઇ મેડ ઇન ઇન્ડિયા ફૂડ પેકેટ જરૂર હોવા જોઇએ. આજે તમારા સૌના પ્રયાસોથી સિદ્ધાર્થ નગરનું કાળું મીઠું, ચોખા અને ચંદૌલીના કાળા ચોખાની મોટા પ્રમાણમાં નિકાસ થવા લાગી છે. ખાસ કરીને બરછટ ધાન્ય એટલે કે શ્રી અન્નને અંગે મને એક નવું ચલણ જોવા મળી રહ્યું છે. આ સુપરફૂડમાં રોકાણ કરવા માટે પણ આ યોગ્ય સમય છે. આના માટે તમારે ખેડૂતોને તેમના ઉત્પાદનની કિંમત કેવી રીતે વધારવી, તેનું પેકેજ કેવી રીતે તૈયાર કરવું, મારા ખેડૂતો જે ઉત્પાદન કરે છે તેને વૈશ્વિક બજારમાં કેવી રીતે પહોંચાડવું તે જણાવવા માટે તમારે આગળ આવવું જોઇએ. આજે સરકાર પણ નાના નાના ખેડૂતોને મોટી બજાર શક્તિ બનાવવામાં જોડાયેલી છે. અમે ખેડૂત ઉત્પાદક સંઘો - FPO અને સહકારી મંડળીઓનું સશક્તિકરણ કરી રહ્યા છીએ. આ સંસ્થાઓ સાથે તમારે કેવી રીતે મૂલ્યવૃદ્ધિ થઇ શકે, તમે તેમને તકનીકી જ્ઞાન કેવી રીતે આપી શકો છો, તમે તેમનો માલ ખરીદવાની ખાતરી કેવી રીતે આપી શકો છો. ખેડૂતને જેટલો ફાયદો થશે, માટીને જેટલો ફાયદો થશે, તેટલો જ ફાયદો તમારા ધંધાને પણ થવાનો છે. ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થા અને કૃષિ આધારિત અર્થવ્યવસ્થાને આગળ વધારવામાં ઉત્તર પ્રદેશે તો હંમેશા મોટી ભૂમિકા ભજવી છે. તેથી, તમારે આ તકનો મહત્તમ લાભ લેવો જોઇએ. મને ઉત્તર પ્રદેશના મારા પરિવારના સભ્યોની તાકાત અને ડબલ એન્જિન સરકારની મહેનત પર પૂરો વિશ્વાસ છે. આજે જે શિલાન્યાસ કરવામાં આવ્યો છે તે ઉત્તર પ્રદેશ અને દેશની પ્રગતિનો શિલાન્યાસ બનશે અને હું યોગીજી તેમજ ઉત્તર પ્રદેશ સરકારને વિશેષ અભિનંદન આપું છું. દરેક ભારતીય ગૌરવ અનુભવે છે, જ્યારે આપણને સાંભળવા મળે છે કે ઉત્તર પ્રદેશે એક ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાનું નક્કી કર્યું છે. હું દેશના તમામ રાજ્યોને વિનંતી કરીશ કે રાજનીતિ તેની પોતાની જગ્યાએ છોડી દો, ઉત્તર પ્રદેશ પાસેથી શીખો અને તમારા રાજ્યને એક ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવો, સંકલ્પ સાથે મેદાનમાં આવો, તો જ દેશ આગળ વધશે. ઉત્તર પ્રદેશની જેમ, દરેક રાજ્ય મોટા સપનાં અને મોટા સંકલ્પો સાથે આગળ વધી રહ્યા છે અને મારા ઉદ્યોગજગતના મિત્રો પણ અનંત તકો મળી રહી છે. આવો, તાકાત લગાવો, અમે તૈયાર બેઠા છીએ.
સાથીઓ,
જ્યારે લાખો લોકો ઉત્તર પ્રદેશમાં આજે આ વાત સાંભળી રહ્યા છે. 400 જગ્યાએ હજારોની સંખ્યામાં લોકો બેઠા છે, ત્યારે હું તેમને પણ ખાતરી આપું છું કે, તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે ઉત્તર પ્રદેશ તેના તમામ સંકલ્પો આટલી ઝડપથી પૂર્ણ કરશે. ચાલો, આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. આ શુભેચ્છા સાથે, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર!
AP/GP/JD
(Release ID: 2007248)
Visitor Counter : 211
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam