પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

નવી દિલ્હીમાં ભારત મંડપમ્‌ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

Posted On: 02 FEB 2024 8:43PM by PIB Ahmedabad

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદારો શ્રી નીતિન ગડકરીજી, નારાયણ રાણેજી, પિયુષ ગોયલજી, હરદીપ સિંહ પુરીજી, મહેન્દ્ર નાથ પાંડેજી, ઉદ્યોગના તમામ દિગ્ગજ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!

હમણાં જ હું પિયુષજીને સાંભળી રહ્યો હતો, તેઓ કહેતા હતા કે તમે આવો તો અમારું મનોબળ વધી જાય છે. પણ હું જોઇ રહ્યો હતો કે અહીં તો બધા હોર્સ પાવરવાળા લોકો બેઠા છે. ત્યારે નક્કી થઈ ગયું કે કોને ક્યાંથી મનોબળ મળવાનું છે. સૌ પ્રથમ તો હું આ શાનદાર આયોજન કરવા બદલ ઓટોમોટિવ ઉદ્યોગને ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું. હું આજે દરેક સ્ટોલની મુલાકાત તો લઈ શક્યો નથી, પરંતુ મેં જેટલા પણ સ્ટોલ જોયા, તે ખૂબ જ પ્રભાવિત કરનારા હતા. આપણા દેશમાં આ બધું થઈ રહ્યું છે, આપણે તેને જોઈએ છે તો વધુ આનંદ અનુભવીએ છીએ. મેં તો ક્યારેય કાર ખરીદી નથી, તેથી મને કોઈ અનુભવ નથી, કારણ કે મેં ક્યારેય સાયકલ પણ ખરીદી નથી. હું દિલ્હીના લોકોને પણ કહીશ કે આ એક્સ્પો જોવા જરૂર આવે. આ આયોજન મોબિલિટી કોમ્યુનિટી અને સમગ્ર સપ્લાય ચેનને એક પ્લેટફોર્મ પર એકસાથે લાવે છે. હું ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કદાચ તમારામાંથી કેટલાક લોકોને યાદ હશે કે જ્યારે મારો પ્રથમ કાર્યકાળ હતો, ત્યારે મેં વૈશ્વિક સ્તરની એક મોબિલિટી કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું. અને જો તમે તે સમયની વાતો-વસ્તુઓ કાઢીને જોશો તો શા માટે આપણે બૅટરી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, આપણે ઝડપથી ઇલેક્ટ્રિક વાહનો તરફ કેવી રીતે આગળ વધવું જોઈએ, આ બધા વિષયો પર બહુ વિસ્તારપૂર્વક સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, વૈશ્વિક નિષ્ણાતો આવ્યા હતા. અને આજે મારા બીજા કાર્યકાળમાં હું જોઈ રહ્યો છું કે ઘણી સારી પ્રગતિ થઈ રહી છે. અને મને વિશ્વાસ છે કે ત્રીજી ટર્મમાં... સમજદારને ઈશારો પૂરતો હોય છે. અને તમે લોકો તો મોબિલિટી- ગતિશીલતાની દુનિયામાં છો, તેથી આ ઈશારો ઝડપથી દેશમાં પહોંચશે.

સાથીઓ,

આજનું ભારત 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનાં લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. આ લક્ષ્યને હાંસલ કરવામાં મોબિલિટી સેક્ટર એક બહુ મોટી ભૂમિકા ભજવશે. અને મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું - હું આજે ફરી તે યાદ અપાવી રહ્યો છું. એમાં મારું એક વિઝન પણ હતું, મારો વિશ્વાસ પણ હતો અને એ વિશ્વાસ મારો પોતાનો ન હતો. 140 કરોડ દેશવાસીઓનાં સામર્થ્યનાં કારણે એ વિશ્વાસ શબ્દોમાં વ્યક્ત થયો હતો. અને તે દિવસે મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું - આ જ સમય છે, યોગ્ય સમય છે. આ મંત્ર તમારાં ક્ષેત્રમાં સંપૂર્ણ રીતે બંધબેસે છે. એક રીતે ઈન્ડિયા ઈઝ ઓન મૂવ એન્ડ ઈઝ મૂવિંગ ફાસ્ટ (ભારત આગળ વધી રહ્યું છે, અને ઝડપથી આગળ વધી રહ્યું છે). એક રીતે, ભારતનાં મોબિલિટી સેક્ટર માટે આ સુવર્ણ સમયગાળાની શરૂઆત છે. આજે ભારતનું અર્થતંત્ર ઝડપથી વિસ્તરી રહ્યું છે. અને મેં અગાઉ કહ્યું તેમ, અમારી સરકારના ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું નિશ્ચિત છે. અમારી સરકારના પ્રયાસોને કારણે છેલ્લાં 10 વર્ષમાં લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. અને જ્યારે તે ગરીબીમાંથી બહાર આવે છે ત્યારે તેનાં સપનામાં પહેલી પાંચ વસ્તુઓમાં શું હોય છે? એક તમે હોવ છે. તે સાઈકલ ખરીદવા માગે, પછી તે સ્કૂટી ખરીદવા માગશે,  સ્કૂટર હોય અને શક્ય હોય તો ફોર વીઈલર! તેનું પ્રથમ ધ્યાન તમારા પર જ જવાનું છે. અને આ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આજે ભારતમાં મોટી સંખ્યામાં નિયો મિડલ ક્લાસની રચના થઈ છે, જેની પોતાની આશાઓ છે, પોતાની આકાંક્ષાઓ છે. કદાચ આકાંક્ષાનું સ્તર તે સમાજમાં હોય છે, તે આર્થિક સ્ટાર્ટઅપમાં હોય છે, તે ભાગ્યે જ બીજે ક્યાંક હોય છે જી. જે રીતે વ્યક્તિનાં જીવનમાં 14થી 20 વર્ષનો સમયગાળો એક રીતે અલગ જ હોય છે, તે જ રીતે તેમનાં જીવનમાં પણ થાય છે. અને જો આપણે આને સંબોધિત કરીએ તો આપણે કલ્પના કરી શકીએ કે આપણે ક્યાંથી ક્યાં પહોંચી શકીએ છીએ જી. આ નીઓ મિડલ ક્લાસ તેની આકાંક્ષાઓ અને બીજી બાજુ આજે ભારતમાં મધ્યમ વર્ગનો વ્યાપ પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, મધ્યમ વર્ગની આવક પણ વધી રહી છે. આ તમામ પરિબળો ભારતનાં મોબિલિટી ક્ષેત્રને નવી ઊંચાઈઓ આપવા જઈ રહ્યા છે. વધતી જતી અર્થવ્યવસ્થા અને વધતી જતી આવક વચ્ચે, વધતા જતા કેટલાંક આંકડા તમારા સેક્ટરનું મનોબળ વધારવાના છે, મોદી નહીં આ આંકડા.

2014 પહેલાનાં દસ વર્ષમાં ભારતમાં લગભગ 12 કરોડની આસપાસ વાહનોનું વેચાણ થયું હતું. જ્યારે 2014થી અત્યાર સુધીમાં દેશમાં 21 કરોડથી વધુ ગાડીઓનું વેચાણ થયું છે. દસ વર્ષ પહેલા ભારતમાં દર વર્ષે બે હજાર જેટલાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થતું હતું. હવે ભારતમાં દર વર્ષે લગભગ 12 લાખ ઇલેક્ટ્રિક ગાડીઓનું વેચાણ થઈ રહ્યું છે. છેલ્લાં 10 વર્ષમાં પેસેન્જર વાહનોનાં વેચાણમાં 60 ટકાનો વધારો થયો છે. ભારતમાં ટુ-વીઈલરનાં વેચાણમાં પણ 70 ટકાથી વધુનો વધારો થયો છે. ગઈકાલે જ આવેલા આંકડા દર્શાવે છે કે જાન્યુઆરી મહિનામાં કારનાં વેચાણે તેના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જેનાં વેચાઈ ગયા છે તેઓ અહીં બેઠા છે ને? ચિંતા કરશો નહીં, આવકવેરાવાળા સાંભળી રહ્યા નથી, ગભરાશો નહીં. એટલે કે તમારા બધા માટે, મોબિલિટી ક્ષેત્રમાં અભૂતપૂર્વ હકારાત્મક વાતાવરણ આજે ધરતી પર દેખાય રહ્યું છે. તમારે આગળ વધવું પડશે અને તેનો લાભ લેવાનો છે.

સાથીઓ,

આજનું ભારત ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવી નીતિઓ બનાવી રહ્યું છે. અને આમાં મોબિલિટી ક્ષેત્ર માટે ચોક્કસપણે એક વિશેષ સ્થાન છે. ગઈકાલે રજૂ થયેલાં બજેટમાં પણ તમે આ વિઝન જોઈ શક્યા જ હશો, આ તો વચગાળાનું બજેટ છે, સંપૂર્ણ બજેટ ત્યારે આવશે જ્યારે અમે ત્રીજી વખત આવીશું. 2014માં ભારતનો મૂડી ખર્ચ 2 લાખ કરોડ રૂપિયાથી પણ ઓછો હતો, આજે તે 11 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયો છે. કેપિટલ એક્સપેન્ડિચર પર રૂ. 11 લાખ કરોડ ખર્ચવાની જાહેરાત, ભારતના મોબિલિટી સેક્ટરમાં ઘણી વિવિધ તકો લઈ આવી છે. આનાથી માત્ર અર્થતંત્રને જ મજબૂતી નહીં મળે, પરંતુ રોજગારીની નવી તકો પણ ઊભી થશે. આ અભૂતપૂર્વ રોકાણને કારણે આજે ભારતમાં રેલ-રોડ-એરવે-વોટરવે ટ્રાન્સપોર્ટ એટલે કે દરેક ક્ષેત્રની કાયાપલટ થઈ રહી છે. આપણે સમુદ્ર અને પર્વતોને પડકાર આપી રહ્યા છીએ અને એક પછી એક એન્જિનિયરિંગ અજાયબી બનાવી રહ્યા છીએ, તે પણ રેકોર્ડ સમયમાં. અટલ ટનલથી લઈને અટલ સેતુ સુધી, ભારતનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. છેલ્લાં 10 વર્ષમાં ભારતમાં 75 નવાં એરપોર્ટ બનાવવામાં આવ્યાં છે. લગભગ 4 લાખ કિલોમીટરના ગ્રામીણ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. 90 હજાર કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનાવવામાં આવ્યા છે. 3500 કિલોમીટરના હાઇ સ્પીડ કોરિડોર વિકસાવવામાં આવ્યા છે. 15 નવાં શહેરોમાં મેટ્રો રેલ અને 25 હજાર કિલોમીટરના રેલ રૂટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વખતનાં બજેટમાં વંદે ભારત ટ્રેનના કોચની જેમ 40 હજાર રેલવે કોચને આધુનિક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ 40 હજાર કોચ સામાન્ય ટ્રેનોમાં લગાવવામાં આવશે. આનાથી ભારતીય રેલવેની તસવીર બદલાઈ જશે તે નિશ્ચિત છે.

સાથીઓ,

અમારી સરકારની આ ઝડપ અને વ્યાપે ભારતમાં ગતિશીલતાની વ્યાખ્યા પણ બદલી નાખી છે. અમારી સરકારનો ભાર એ રહ્યો છે કે પ્રોજેક્ટ સમયસર પૂરા થવા જોઈએ, અટવાઈ ન જાય, ભટકાય નહીં, લટકે નહીં. પરિવહનને સરળ બનાવવા અને લોજિસ્ટિક્સ સંબંધિત પડકારોને ઘટાડવા માટે પણ, અમારી સરકારે ઐતિહાસિક ફેરફારો કર્યા છે. આજે પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન હેઠળ દેશમાં સંકલિત પરિવહનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ અને શિપ લીઝિંગ માટે નિયમનકારી માળખું બનાવવામાં આવ્યું છે. લોજિસ્ટિક્સ ચેનને આધુનિક બનાવવા માટે સરકારે નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી બનાવી છે. માલસામાનનાં પરિવહનનો સમય અને ખર્ચ ઘટાડવા માટે સમર્પિત ફ્રેટ કોરિડોર વિકસાવવામાં આવ્યા છે. ગઈકાલે બજેટમાં જાહેર કરાયેલા ત્રણ રેલવે ઈકોનોમિક કોરિડોર પણ ભારતમાં પરિવહનની સરળતા- ઈઝ ઑફ ટ્રાન્સપોર્ટેશન વધારવાનું કામ કરશે.

સાથીઓ,

આજે, રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને આધુનિક એક્સપ્રેસ વેનાં નિર્માણ દ્વારા ભારતમાં કનેક્ટિવિટી સતત મજબૂત કરવામાં આવી રહી છે. જીએસટીએ માત્ર માલસામાનની અવરજવરને ઝડપી બનાવી નથી, પરંતુ રાજ્યોની સરહદો પર જે ચેકપોસ્ટ રહેતી હતી એને પણ નાબૂદ કરી છે. ફાસ્ટ-ટેગ ટેક્નોલોજી પણ ઉદ્યોગ માટે ઇંધણ અને સમય બંનેની બચત કરાવી રહી છે. એક અભ્યાસ મુજબ ફાસ્ટેગથી અર્થવ્યવસ્થાને દર વર્ષે 40 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે.

સાથીઓ,

આજે ભારત વિશ્વનું આર્થિક પાવરહાઉસ બનવાની અણી પર છે. ઓટો અને ઓટોમોટિવ કમ્પોનન્ટ ઇન્ડસ્ટ્રીની આમાં મોટી ભૂમિકા રહેવાની છે. દેશની કુલ નિકાસમાં તમારા ઉદ્યોગનું વિશાળ પ્રતિનિધિત્વ છે. ભારત આજે પેસેન્જર વાહનોની દ્રષ્ટિએ વિશ્વનું ત્રીજું સૌથી મોટું બજાર છે. આપણે વિશ્વમાં કોમર્શિયલ વાહનો બનાવનારા ત્રીજા સૌથી મોટા દેશ છીએ. આપણો ઘટકોનો ઉદ્યોગ પણ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની રહ્યો છે. હવે અમૃતકાલમાં આપણે આ બધાં ક્ષેત્રોમાં વિશ્વમાં ટોચ પર આવવાનું છે. અમારી સરકાર તમારા તમામ પ્રયાસોમાં તમારી સાથે ઊભી છે. હું આ તમારા માટે કહી રહ્યો હતો. સરકારે તમારા ઉદ્યોગ માટે 25 હજાર કરોડ રૂપિયાથી વધુની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ બનાવી છે. તે આપણી સમગ્ર મૂલ્ય શૃંખલાને આત્મનિર્ભર બનાવવા અને એમએસએમઈને સશક્ત બનાવવામાં મોટી ભૂમિકા ભજવી રહી છે. સરકારે બૅટરી સ્ટોરેજ માટે 18 હજાર કરોડ રૂપિયાની પીએલઆઈ સ્કીમ આપી છે. અને જ્યારે બેટરી સ્ટોરેજની વાત આવે છે, ત્યારે હું તમને જણાવી દઉં કે હું શું વિચારું છું. જો હું સ્વચ્છ રસોઈ ચળવળને આગળ ધપાવું. ધારો કે દેશમાં 25 કરોડ ઘરો છે અને રૂફટોપ સોલર અને બૅટરી સ્ટોરેજની સિસ્ટમ અને તેના દ્વારા રસોઈ બનાવવાની વ્યવસ્થા, ક્લિન કૂકિંગની વ્યવસ્થા 25 કરોડ બૅટરીની જરૂરિયાત, એટલે કે તમારાં વાહનોની બેટરીની જરૂરિયાત કરતાં સેંકડો ગણી વધારે, જે પોતે જ ગાડીની બૅટરીને એકદમ સસ્તી કરી દેશે. હવે તમે આરામથી આ ક્ષેત્રમાં આવો, સંપૂર્ણ પેકેજ લઈને આવો અને કાલે સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે અમે પ્રથમ તબક્કે એક કરોડ પરિવારોને રૂફટોપ સોલર દ્વારા ઓછામાં ઓછા તેની 300 યુનિટ મફત વીજળી પ્રદાન કરીશું, અને મારી તો યોજના છે કે તેનાં ઘરમાં જ તેનાં ઇલેક્ટ્રિક વાહન માટે રૂફટોપ ચાર્જિંગ સિસ્ટમ હોય, તેની ગાડી રાતે આવે, , સ્કૂટી આવે, સ્કૂટર આવે, તે ચાર્જ થઈ જાય અને સવારે ચાલવા લાગે. એટલે કે, એક રીતે, વિકેન્દ્રિત વ્યવસ્થા સંપૂર્ણ રીતે રૂફ ટોપ સોલર સિસ્ટમ સાથે જોડવાની કલ્પના છે. તમે તમારી ભવિષ્યની યોજનાઓમાં આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને યોજના બનાવો, હું તમારી સાથે છું.

સંશોધન અને પરીક્ષણને વધુ સારું બનાવવા માટે રાષ્ટ્રીય પ્રોજેક્ટને 3200 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશનની મદદથી ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનાં ઉત્પાદનને નવી ગતિ મળી છે. ઇવીની માગને વધારવા માટે સરકારે લગભગ 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. અમારી સરકારની ફેમ સ્કીમ પણ ઘણી સફળ રહી છે. આ જ યોજના હેઠળ રાજધાની દિલ્હી સહિત ઘણાં શહેરોમાં હજારો ઈલેક્ટ્રિક બસો દોડવા લાગી છે. સરકાર ઈવી ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે પણ સબસિડી આપી રહી છે.

સાથીઓ,

જેમ મેં કહ્યું તેમ, ગઈકાલનાં બજેટમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહિત કરવા માટે 1 લાખ કરોડ રૂપિયાનાં ફંડની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર્ટઅપ્સ માટે ઉપલબ્ધ કર મુક્તિને વધુ વિસ્તૃત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયોથી પણ મોબિલિટી સેક્ટરમાં નવી શક્યતાઓ ઊભી થશે. આજે EVs સામે સૌથી મોટો પડકાર તેની કિંમત અને બૅટરી છે. આ ભંડોળનો ઉપયોગ આ ક્ષેત્રમાં સંશોધન માટે કરી શકાય છે. અમારી રૂફટોપ સોલર સ્કીમમાં પણ ઈવી મૅન્યુફેક્ચરિંગ સંબંધિત એક ઘટક છે, જેનાથી ઓટો સેક્ટરને પણ મદદ મળશે. જ્યારે સોલર રૂફ ટોપની સંખ્યા વધે છે, ત્યારે તે સ્વાભાવિક છે કે મોટી સંખ્યામાં બૅટરીની પણ જરૂર પડશે. આ ક્ષેત્રમાં પણ તમારા માટે વૃદ્ધિની વિશાળ તકો છે. અને હું તો બીજી એક વાત કહીશ. ભારતમાં ઉપલબ્ધ કાચા માલમાંથી જ નવી રીતની બૅટરીઓ બનાવી શકાય તે માટે આપણો ઉદ્યોગ આ પ્રકારનું સંશોધન કેમ નથી કરતું? કારણ કે આ કાચો માલ કેટલો સમય ચાલશે અને પછી શું થશે તેની ચિંતા દુનિયાને છે. આપણે અત્યારથી જ વૈકલ્પિક કેમ નથી લેતા? હું સમજી શકું છું કે દેશ પ્રદાન કરી શકે છે, ઘણા લોકો સોડિયમ પર કામ કરી પણ રહ્યા છે. અને માત્ર બૅટરી જ નહીં, ઓટો સેક્ટરે ગ્રીન હાઈડ્રોજન અને ઈથેનોલનાં ક્ષેત્રમાં પણ નવાં સંશોધનને પ્રોત્સાહન આપવું જોઈએ. આપણાં સ્ટાર્ટઅપ્સે ભારતમાં ડ્રોન સેક્ટરને નવી ઉડાન આપી છે. આ ફંડનો ઉપયોગ ડ્રોન સંબંધિત સંશોધનમાં પણ થઈ શકે છે. આજે આપણા જળમાર્ગો પરિવહનનાં ખૂબ ખર્ચ અસરકારક માધ્યમ તરીકે ઉભરી આવ્યા છે. ભારતનું શિપિંગ મંત્રાલય હવે સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને હાઇબ્રિડ જહાજો બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. તમારે પણ આ દિશામાં જરૂર આગળ આવવું જોઈએ.

સાથીઓ,

આજે, તમે બધા ઉદ્યોગના દિગ્ગજ લોકો વચ્ચે, બજારની આટલી બધી ચર્ચાઓ વચ્ચે, હું તમારું ધ્યાન એક માનવીય પાસાં તરફ પણ દોરવા માગું છું. આપણા લાખો ડ્રાઇવર સાથી આ મોબિલિટી ક્ષેત્રનો એક બહુ મોટો ભાગ છે. જે ટ્રક ચલાવે છે,  જે ટેક્સી ચલાવે છે, ડ્રાઈવરો આપણી સામાજિક અને આર્થિક વ્યવસ્થાનો અભિન્ન ભાગ છે. ઘણી વખત આ ડ્રાઇવરો કલાકોના કલાકો સુધી સતત ટ્રક ચલાવે છે, અને માલિક પણ શું, સમયસર કેમ ન આવ્યો, ત્યાંથી જ શરૂ કરે છે, ક્યાં અટકી ગયો હતો, તેમની પાસે આરામ કરવાનો સમય નથી હોતો. આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઘણી વખત આ લોકો માર્ગ અકસ્માતનો ભોગ પણ બને છે. આ ટ્રક ડ્રાઈવરોની આ ચિંતા, તેમના પરિવારોની આ ચિંતાને પણ અમારી સરકાર સારી રીતે સમજે છે. મને તમને જણાવતા આનંદ થાય છે કે કેન્દ્ર સરકારે મુસાફરી દરમિયાન ડ્રાઇવરોને આરામ આપવા માટે એક નવી યોજના પર કામ શરૂ કર્યું છે. આ યોજના હેઠળ તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ડ્રાઈવરો માટે નવી સુવિધાઓ સાથે આધુનિક ભવનોનું નિર્માણ કરવામાં આવશે. આ ભવનોમાં ડ્રાઈવરો માટે ભોજન, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય, પાર્કિંગ અને આરામ કરવાની સંપૂર્ણ વ્યવસ્થા હશે. સરકારની તૈયારી આ યોજનાના પ્રથમ તબક્કામાં દેશભરમાં આવાં એક હજાર ભવનો બનાવીને શરૂઆત કરવાની છે. ટ્રક અને ટેક્સી ડ્રાઇવરો માટે બનાવવામાં આવેલ આ ભવન, ડ્રાઇવરોની ઈઝ ઑફ લિવિંગ અને ઈઝ ઑફ ટ્રાવેલિંગ-મુસાફરીની સરળતા બંનેમાં વધારો કરશે. આનાથી તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને અકસ્માતોને રોકવામાં પણ ઘણી મદદ મળી શકશે.

સાથીઓ,

આગામી 25 વર્ષમાં મોબિલિટી સેક્ટરમાં અપાર સંભાવનાઓ બનવાની છે. પરંતુ આ શક્યતાઓનો સંપૂર્ણ ઉપયોગ થાય, તે માટે ઉદ્યોગની પણ એ જવાબદારી છે કે તે પોતાની જાતને ઝડપથી બદલી નાખે. મોબિલિટી સેક્ટરને ટેકનિકલ વર્કફોર્સ અને પ્રશિક્ષિત ડ્રાઇવર્સની જરૂર છે. આજે દેશમાં 15 હજારથી વધુ આઈટીઆઈ આ ઉદ્યોગને માનવબળ પૂરું પાડે છે. શું ઉદ્યોગના લોકો આ આઈટીઆઇ સાથે મળીને અભ્યાસક્રમોને વધુ સુસંગત ન બનાવી શકે? તમે જાણો છો કે સરકારે એક સ્ક્રેપેજ નીતિ બનાવી છે. આ અંતર્ગત જૂનાં વાહનોને સ્ક્રેપિંગ માટે આપવામાં આવે તો નવાં વાહનો ખરીદવામાં આવે ત્યારે રોડ ટેક્સમાં છૂટ આપવામાં આવે છે. શું ઓટો ઈન્ડસ્ટ્રી પણ લોકોને પ્રોત્સાહિત કરવા માટે આવાં પ્રોત્સાહનો ન આપી શકે?

સાથીઓ,

તમે આ એક્સ્પોને ટેગલાઈન આપી છે - બિયોન્ડ બાઉન્ડ્રીઝ...આ શબ્દો ભારતની ભાવના દર્શાવે છે. આજે આપણે જૂના અવરોધોને તોડીને સમગ્ર વિશ્વને સાથે લાવવા માગીએ છીએ. આપણે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં ભારતની ભૂમિકાને વિસ્તારવા માગીએ છીએ. ભારતીય ઓટો ઈન્ડસ્ટ્રીની સામે શક્યતાઓનું સંપૂર્ણ આકાશ છે. આવો, અમૃતકાલનાં વિઝન પર આગળ વધીએ. ચાલો આપણે આ ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક લીડર બનાવીએ. અને હું હમણાં જ ટાયરવાળાનાં ક્ષેત્રમાં ચક્કર મારીને આવ્યો છું. અને મારો પહેલા દિવસથી જ આ ટાયરવાળી દુનિયા સાથે ઝઘડો રહે છે. મને હજી પણ સમજાતું નથી કે ભારત જે ખેતીપ્રધાન દેશ છે. તેણે શા માટે રબરની આયાત કરવી પડે છે? શું ટાયર ઉદ્યોગનું જે એસોસિએશન છે, તે ખેડૂતો સાથે બેસીને જે કંઈ ટેક્નોલોજી દરમિયાનગીરીઓ કરી રહ્યા હોય, જે કંઈ તેમને માર્ગદર્શન આપવાનું હોય અને જે એમને બજારની ખાતરી આપવાની છે. હું દ્રઢપણે માનું છું કે ભારતીય ખેડૂતો તમારી રબરની જરૂરિયાતો પૂરી કરી શકે છે. આજે, સંશોધન કરીને આનુવંશિક રીતે સંશોધિત કરાયેલાં રબરનાં વૃક્ષો પર ઘણું કામ કરવામાં આવ્યું છે. ભારતમાં અત્યારે તેનો એટલો ઉપયોગ થતો નથી. હું ટાયર ઉત્પાદકો અને રબર ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગોને આગ્રહ કરીશ કે જરા ખેડૂતો સાથે જોડાવ તો ખરા. ચાલો એક સંકલિત વ્યાપક સર્વગ્રાહી અભિગમ સાથે આગળ વધીએ. ચાલો આપણે ટુકડાઓમાં ન વિચારીએ. રબર બહારથી મળી જાય છે, ચાલો યાર, આપણે બનાવીએ, ફરી બનાવીએ, અરે, ક્યારેક એ તો વિચારો કે આપણો ખેડૂત મજબૂત થશે તો મારા દેશમાં ચાર ગાડી વધારે ખરીદશે. અને ગાડી ગમે તે ખરીદે, ટાયર તો તમારું જ લાગવાનું છે. મારું કહેવાનું તાત્પર્ય  એ છે કે મિત્રો, જ્યારે તમે પહેલી વાર આટલી મોટી સંખ્યામાં ભેગા થયા છો, ત્યારે તમે નવેસરથી કેવી રીતે વિચારી શકો, કેવી રીતે એકબીજાના મદદગાર બનીને નવા નવા વિચારો સાથે આગળ વધી શકો છો. અને આજે આપણે એવા તબક્કે છીએ, આપણે જેટલું વધુ સાથે મળીને કામ કરીશું, આપણી શક્તિ અનેકગણી વધશે અને આપણે દુનિયામાં છવાઈ જવાની તક જવા દઈશું નહીં.

સાથીઓ,

ડિઝાઇનનાં ક્ષેત્રમાં પણ, આજે વિશ્વનાં તમામ મોટાં મોટાં ક્ષેત્રો છે,  ભાગ્યે જ કોઈ એવું હશે જેની સંશોધન પ્રયોગશાળા ભારતમાં ન હોય. ભારતમાં પ્રતિભા છે, ડિઝાઇનિંગની પ્રતિભા છે. હવે આપણે એવી ડિઝાઈન લાવવી જોઈએ જે આપણા લોકોના મગજમાંથી નીકળી હોય, દુનિયાને  લાગે યાર ગાડી તો હિંદુસ્તાનની જોઈએ, તે અવાજ ઉઠવો જોઈએ. રસ્તેથી પસાર થનાર કોઈપણ વ્યક્તિ ગર્વથી કહે, અરે, આ તો આપણી મેડ ઈન ઈન્ડિયા છે, જરા જુઓ ગાડી તો જુઓ જરા. હું માનું છું કે આ મિજાજ પેદા કરવો જોઈએ. અને જો તમને તમારામાં ભરોસો હશેને તો દુનિયા તમારા પર ભરોસો કરશે. જ્યારે હું યોગની વાત દુનિયા સમક્ષ લઈ ગયો હતો, મેં યુએનમાં યોગ વિશે વાત કરી હતી, પછી જ્યારે હું ભારત પાછો આવ્યો ત્યારે ઘણા લોકો મને પૂછતા હતા કે શું મોદીજી યુએનમાં પહેલું ભાષણ આપવા ગયા હતા અને તમે આ કરીને આવ્યા, પણ આજે આખી દુનિયા નાક પકડીને બેસી ગઈ છે. તમારામાં ભરોસો રાખો, સામર્થ્ય સાથે ઊભા થઈ જાવ, દુનિયામાં એવો કોઈ રસ્તો ન હોવો જોઈએ જ્યાં તમે ન દેખાવ દોસ્તો. તમારી નજર જ્યાંથી પસાર થાય ત્યાં તમને તમારી ગાડી દેખાય. આપ સૌને ઘણી ઘણી શુભકામનાઓ! આભાર.

CB/GP/JD


(Release ID: 2002111) Visitor Counter : 187