પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અયોધ્યા ધામ જંકશન રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યું
પ્રધાનમંત્રીએ બે નવી અમૃત ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા અમૃત ભારત ટ્રેનો દોડાવવાનું શરૂ કર્યું
પ્રધાનમંત્રીએ છ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી
Posted On:
30 DEC 2023 4:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પુનઃવિકસિત અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું તથા નવી અમૃત ભારત ટ્રેનો અને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. તેમણે અન્ય કેટલીક રેલવે પરિયોજનાઓનું પણ લોકાર્પણ કર્યું હતું.
ત્યારબાદ એક જાહેર કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અયોધ્યા ધામ રેલવે સ્ટેશન 10,000 લોકોનું સંચાલન કરે છે, હવે નવીનીકરણ પૂર્ણ થયા પછી આ સંખ્યા 60,000 સુધી પહોંચી જશે. પ્રધાનમંત્રીએ વંદે ભારત અને નમો ભારત પછીની નવી ટ્રેન શ્રેણી 'અમૃત ભારત' ટ્રેનો વિશે માહિતી આપી હતી તથા પ્રથમ અમૃત ભારત ટ્રેન અયોધ્યામાંથી પસાર થઈ રહી છે એ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉત્તરપ્રદેશ, દિલ્હી, બિહાર, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકનાં લોકોને આજે આ ટ્રેનો દોડાવવા બદલ અભિનંદન આપ્યાં હતાં.
પ્રધાનમંત્રી શ્રીએ ગરીબોની સેવાની ભાવના પર પ્રકાશ પાડ્યો હતો, જે આધુનિક અમૃત ભારત ટ્રેનો અંતર્ગત છે. "જે લોકો ઘણીવાર તેમના કામને કારણે લાંબા અંતરની મુસાફરી કરે છે, અને જેમની પાસે એટલી આવક નથી, તેઓ પણ આધુનિક સુવિધાઓ અને આરામદાયક મુસાફરી માટે હકદાર છે. આ ટ્રેનોની રચના ગરીબોનાં જીવનની ગરિમાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે." પ્રધાનમંત્રીએ વિકાસને વિરાસત સાથે જોડવામાં વંદે ભારત ટ્રેનોની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. "દેશની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કાશીથી દોડી હતી. આજે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશના 34 રૂટ પર ચાલી રહી છે. વંદે ભારત કાશી, કટરા, ઉજ્જૈન, પુષ્કર, તિરુપતિ, શિરડી, અમૃતસર, મદુરાઈ, આસ્થાના આવા દરેક મોટા કેન્દ્રને જોડે છે. આ શ્રેણીમાં, આજે અયોધ્યાને વંદે ભારત ટ્રેનની ભેટ પણ મળી છે, એમ પીએમ મોદીએ જણાવ્યું હતું.
240 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પુનર્વિકસિત અયોધ્યા રેલવે સ્ટેશનનો પ્રથમ તબક્કો - જે અયોધ્યા ધામ જંકશન રેલ્વે સ્ટેશન તરીકે ઓળખાય છે - વિકસાવવામાં આવ્યો છે. ત્રણ માળની આધુનિક રેલવે સ્ટેશનની ઇમારતમાં લિફ્ટ, એસ્કેલેટર, ફૂડ પ્લાઝા, પૂજાની જરૂરિયાત માટેની દુકાનો, ક્લોક રૂમ, ચાઇલ્ડ કેર રૂમ, વેઇટિંગ હોલ જેવી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. સ્ટેશનની ઇમારત 'બધા માટે સુલભ' અને 'આઇજીબીસી પ્રમાણિત ગ્રીન સ્ટેશન બિલ્ડિંગ' હશે.
અયોધ્યા ધામ જંકશન રેલવે સ્ટેશન પર આયોજિત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ દેશમાં નવી શ્રેણીની સુપરફાસ્ટ પેસેન્જર ટ્રેનો – અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. અમૃત ભારત ટ્રેન એલએચબી પુશ પુલ ટ્રેન છે, જેમાં નોન એરકન્ડિશન્ડ કોચ છે. વધુ સારી ગતિ માટે આ ટ્રેનના બંને છેડા પર લોકો છે. તે સુંદર અને આકર્ષક ડિઝાઇનવાળી બેઠકો, વધુ સારી લગેજ રેક, યોગ્ય મોબાઇલ હોલ્ડર સાથે મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, એલઇડી લાઇટ્સ, સીસીટીવી, જાહેર માહિતી સિસ્ટમ જેવી વધુ સારી સુવિધાઓ રેલ મુસાફરો માટે પ્રદાન કરે છે. પ્રધાનમંત્રીએ છ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી પણ આપી હતી.
પ્રધાનમંત્રીએ દરભંગા-અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ અમૃત ભારત એક્સપ્રેસ અને માલદા ટાઉન-સર એમ. વિશ્વેશ્વરૈયા ટર્મિનસ (બેંગાલુરુ) અમૃત ભારત એક્સપ્રેસ જેવી બે નવી અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી.
પ્રધાનમંત્રીએ અમૃત ટ્રેનોની ઉદ્ઘાટન યાત્રામાં મુસાફરી કરી રહેલા સ્કૂલનાં બાળકો સાથે વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ છ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી પણ આપી હતી. તેમાં શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, અમૃતસર-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ; કોઇમ્બતુર-બેંગ્લોર કેન્ટ વંદે ભારત એક્સપ્રેસ; મેંગ્લોર-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ; જાલના-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ અને અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ વંદે ભારત એક્સપ્રેસ સામેલ છે.
પ્રધાનમંત્રીએ પ્રદેશમાં રેલ માળખાને મજબૂત કરવા માટે રૂ. 2300 કરોડના ત્રણ રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. પ્રોજેક્ટ્સમાં રૂમા ચકેરી-ચંદેરી થર્ડ લાઇન પ્રોજેક્ટ, જૌનપુર-અયોધ્યા-બારાબંકી ડબલિંગ પ્રોજેક્ટના જૌનપુર-તુલસી નગર, અકબરપુર-અયોધ્યા, સોહાવલ-પતંગા અને સફદરગંજ-રસૌલી વિભાગો; અને મલ્હૌર-ડાલીગંજ રેલ્વે વિભાગના ડબલીંગ અને ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
CB/JD
(Release ID: 1991784)
Visitor Counter : 172
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam