પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 'Viksit Bharat @2047: Voice of Youth' લોન્ચ કર્યું

"ભારતના ઇતિહાસનો આ સમયગાળો છે જ્યારે દેશ મોટી છલાંગ લગાવવા જઈ રહ્યો છે"

"ભારત માટે, આ સમય, યોગ્ય સમય છે (યહી સમય હૈ, સહી સમય હૈ)"

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જ્યારે રાષ્ટ્રીય પ્રયાસો એક જ ધ્યેય – સ્વતંત્રતા પર કેન્દ્રીત થયા છે, ત્યારે આપણી પાસે આપણી આઝાદીની લડત ખૂબ જ પ્રેરણારૂપ છે."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે તમારા લક્ષ્યાંકો, તમારા સંકલ્પો એક જ હોવા જોઈએ – વિકસિત ભારત"

"આઈડિયા' એક 'હું'થી શરૂ થાય છે, જેવી રીતે 'ભારત'ની શરૂઆત 'હું'થી થાય છે, વિકાસના પ્રયાસોની શરૂઆત 'હું'થી થાય છે.

"જ્યારે નાગરિકો, કોઈપણ ભૂમિકામાં, તેમની ફરજ બજાવવાનું શરૂ કરે છે, ત્યારે દેશ આગળ વધે છે"

"દેશના નાગરિક તરીકે આપણા માટે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આપણી સામે અમૃત કાળના ૨૫ વર્ષ છે. આપણે દિવસના 24 કલાક કામ કરવું પડે છે."

"યુવાશક્તિ પરિવર્તનનો એજન્ટ પણ છે અને પરિવર્તનનો લાભાર્થી પણ છે."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "પ્રગતિનો રોડમેપ માત્ર સરકાર જ નહીં, પરંતુ રાષ્ટ્ર દ્વારા નક્કી કરવામાં આવશે. વિકસિત ભારતનું નિર્માણ માત્ર સબકા પ્રયાસો દ્વારા જ કરવાનું છે."

Posted On: 11 DEC 2023 11:40AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 'વિકસિત ભારત @2047: વોઈસ ઑફ યુથ'નો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ આ પહેલની શરૂઆત કરવા માટે દેશભરમાં રાજભવનોમાં આયોજિત કાર્યશાળાઓમાં વિશ્વવિદ્યાલયોના ઉપકુલપતિઓ, સંસ્થાઓના વડાઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત વિક્સિત ભારતના વિકાસ માટે આજની કાર્યશાળાના આયોજન માટે તમામ રાજ્યપાલોનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરીને કહ્યું હતું કે, આજનો દિવસ આ સંકલ્પને લગતો વિશેષ અવસર છે. તેમણે વિકસિત ભારત 2047નાં લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં દેશનાં યુવાનોને માર્ગદર્શન આપવાની જવાબદારી ધરાવતાં તમામ હિતધારકોને એકમંચ પર લાવવાનાં તેમનાં યોગદાનની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસમાં શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે કોઈ પણ રાષ્ટ્ર તેના લોકોના વિકાસથી જ વિકસિત થાય છે. વર્તમાન યુગમાં વ્યક્તિત્વ વિકાસનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ વોઈસ ઑફ યુથ વર્કશોપની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ દેશનાં જીવનમાં ઇતિહાસ એક એવો સમયગાળો પ્રદાન કરે છે, જ્યારે દેશ તેની વિકાસલક્ષી સફરમાં હરણફાળ ભરી શકે છે. ભારત માટે, "આ અમૃત કાળ ચાલુ છે" અને "ભારતના ઇતિહાસનો આ સમયગાળો છે જ્યારે દેશ મોટી છલાંગ લગાવવા જઈ રહ્યો છે". તેમણે નજીકના ઘણા દેશોના ઉદાહરણો આપ્યા કે જેમણે નિર્ધારિત સમયમર્યાદામાં આટલો મોટો કૂદકો લગાવ્યો અને વિકસિત રાષ્ટ્રોમાં ફેરવાઈ ગયા. તેમણે કહ્યું હતું કે, "ભારત માટે આ સમય, યોગ્ય સમય છે (યહી સમય હૈ, સહી સમય હૈ)" તેમણે ઉમેર્યું હતું કે, આ અમૃત કાળની દરેક પળનો ઉપયોગ થવો જોઈએ.

પ્રધાનમંત્રીએ પ્રેરણાના સ્ત્રોત તરીકે સ્વતંત્રતા માટેના ગૌરવશાળી સંઘર્ષનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સત્યાગ્રહ, ક્રાંતિકારી માર્ગ, અસહકાર, સ્વદેશી અને સામાજિક અને શૈક્ષણિક સુધારા જેવા દરેક પ્રયાસો એ સમય દરમિયાન સ્વતંત્રતા તરફ મંડાયેલા છે. આ સમયગાળામાં કાશી, લખનઉ, વિશ્વ ભારતી, ગુજરાત વિદ્યાપીઠ, નાગપુર યુનિવર્સિટી, અન્નામલાઈ, આંધ્ર અને કેરળ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓએ દેશની ચેતનાને મજબૂત કરી હતી. રાષ્ટ્રની સ્વતંત્રતાને સમર્પિત યુવાનોની એક આખી પેઢી અસ્તિત્વમાં આવી, જેનો દરેક પ્રયાસ સ્વતંત્રતાના લક્ષ્ય તરફ દોરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે, દરેક સંસ્થા અને દરેક વ્યક્તિએ એક સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ કે દરેક પ્રયાસ અને કાર્ય વિક્સિત ભારત માટે હશે. તમારા લક્ષ્યાંકો, તમારા સંકલ્પોનો ઉદ્દેશ માત્ર એક જ હોવો જોઈએ વિકસિત ભારત" . પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, શિક્ષકો અને યુનિવર્સિટીઓ ભારતને ઝડપથી વિકસિત દેશ બનાવવાનાં માર્ગો શોધવા પર વિચાર કરે છે તથા વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં સુધારા માટે ચોક્કસ ક્ષેત્રોની ઓળખ પણ કરે છે.

પ્રધાનમંત્રી મોદીએ 'વિકસિત ભારત'નાં સામાન્ય લક્ષ્યાંકને હાંસલ કરવા માટે દરેક યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ અને યુવાનોની ઊર્જાનો સંચાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વિચારોની વિવિધતાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે તમામ પ્રવાહોને જોડવા પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ દરેકને વિકસીત Bharat@2047 વિઝનમાં પ્રદાન કરવા માટે પોતાની મર્યાદાથી આગળ વધવા અપીલ કરી હતી. વધુમાં વધુ યુવાનોને આ અભિયાન સાથે જોડવા માટે દેશની દરેક કોલેજ અને યુનિવર્સિટીમાં ખાસ ઝુંબેશ ચલાવવાનું સૂચન તેમણે કર્યું હતું. પ્રધાનમંત્રીએ વિકસીત ભારત સાથે સંબંધિત આઇડિયાઝ પોર્ટલ લોંચ કરવાનો ઉલ્લેખ કર્યો હતો અને જાણકારી આપી હતી કે, 5 વિવિધ થીમ પર સૂચનો આપી શકાય છે. "શ્રેષ્ઠ 10 સૂચનો માટે ઇનામની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે MyGov પર પણ તમારા સૂચનો આપી શકો છો." પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "વિચારની શરૂઆત 'આઈ'થી થાય છે, જેવી રીતે ભારતની શરૂઆત 'આઈ'થી થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિકાસનો વિચાર માત્ર 'આઈ'થી જ શરૂ થઈ શકે છે.

સૂચનો મેળવવાની કવાયતનું વિસ્તૃત વિવરણ કરતાં પ્રધાનમંત્રીએ અમૃતની એક એવી પેઢીનું નિર્માણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જે રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખે. તેમણે શિક્ષણ અને કુશળતાથી આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને નાગરિકોમાં રાષ્ટ્રીય હિત અને નાગરિક ભાવના માટે સજાગતા માટે હાકલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જ્યારે નાગરિકો, કોઈ પણ ભૂમિકામાં, તેમની ફરજ બજાવવાનું શરૂ કરે છે, ત્યારે દેશ આગળ વધે છે." તેમણે જળ સંચય, વીજળીની બચત, ખેતીમાં ઓછા રસાયણોનો ઉપયોગ અને જાહેર પરિવહનના ઉપયોગ દ્વારા કુદરતી સંસાધનોની જાળવણીના ઉદાહરણો આપ્યા હતા. તેમણે શિક્ષણવિદ સમુદાયને સ્વચ્છતા અભિયાનને નવી ઊર્જા પ્રદાન કરવા, જીવનશૈલીને લગતા મુદ્દાઓનો સામનો કરવા અને યુવાનો દ્વારા મોબાઇલ ફોનથી આગળ વિશ્વની શોધ કરવાના માર્ગો સૂચવવા જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને આદર્શ બનવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, શાસનમાં પણ સામાજિક વિચારસરણી પ્રતિબિંબિત થાય છે અને તેમણે ઉપસ્થિત જનમેદનીને એ જોવા જણાવ્યું હતું કે, ડિગ્રીધારકોમાં ઓછામાં ઓછું એક વ્યાવસાયિક કૌશલ્ય હોવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, "તમારે દરેક કેપ, દરેક સંસ્થા અને રાજ્ય સ્તરે આ વિષયો પર મનોમંથનની વિસ્તૃત પ્રક્રિયા હાથ ધરવી જોઈએ."

'વિકસિત ભારત'ના વિકાસનાં સમયગાળાની સરખામણીને પરીક્ષાનાં સમયગાળા સાથે જોડીને પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓનાં આત્મવિશ્વાસ, તૈયારી અને સમર્પણનો ઉલ્લેખ કર્યો હતો તેમજ આ લક્ષ્યાંક હાંસલ કરવા જરૂરી શિસ્ત જાળવવામાં કુટુંબોનાં પ્રદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ટિપ્પણી કરી હતી કે દેશના નાગરિક તરીકે આપણા માટે પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. "આપણી સામે અમૃત કાળના 25 વર્ષ છે. વિકસિત ભારતના લક્ષ્ય માટે આપણે ૨૪ કલાક કામ કરવું પડશે. એક પરિવાર તરીકે આપણે આ જ પ્રકારનું વાતાવરણ ઊભું કરવાનું છે."

દેશની ઝડપથી વધી રહેલી વસતિને યુવાનો દ્વારા સશક્ત બનાવવામાં આવી છે તેની નોંધ લઈને શ્રી મોદીએ માહિતી આપી હતી કે, આગામી 25-30 વર્ષ સુધી કાર્યકારી વયની વસતિની દ્રષ્ટિએ ભારત અગ્રણી બનશે અને દુનિયા તેને ઓળખે છે. પીએમ મોદીએ કહ્યું કે, "યુવા શક્તિ પરિવર્તનનો એજન્ટ છે અને પરિવર્તનના લાભાર્થી પણ છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગામી 25 વર્ષ આજની કોલેજો અને યુનિવર્સિટીઓમાં યુવાનોની કારકિર્દી માટે નિર્ણાયક બની રહેશે. ભવિષ્યમાં યુવાનો જ નવા પરિવારો અને નવા સમાજનું નિર્માણ કરવા જઈ રહ્યા છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિકસિત ભારત કેવું હોવું જોઈએ તેનો નિર્ણય લેવાનો અધિકાર તેમને જ છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આ જુસ્સા સાથે સરકાર દેશનાં દરેક યુવાનને વિકસિત ભારતનાં કાર્યયોજના સાથે જોડવા ઇચ્છે છે. પ્રધાનમંત્રીએ વિકસિત ભારતનાં નિર્માણ માટે નીતિગત વ્યૂહરચનામાં દેશનાં યુવાનોનાં અવાજને ઢાળવા પર ભાર મૂક્યો હતો તથા યુવાનો સાથે મહત્તમ સંપર્ક જાળવી રાખતી શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રગતિનો રોડમેપ માત્ર સરકાર જ નહીં, પણ દેશ નક્કી કરશે. "દેશના દરેક નાગરિકના તેમાં ઇનપુટ અને સક્રિય ભાગીદારી હશે." શ્રી મોદીએ જણાવ્યું હતું કે, મોટામાં મોટા સંકલ્પો પણ સબ કા પ્રયાસ એટલે કે જનભાગીદારીના મંત્ર દ્વારા પૂર્ણ કરી શકાય છે. તેમણે સ્વચ્છ ભારત અભિયાન, ડિજિટલ ઇન્ડિયા અભિયાન, કોરોના રોગચાળા દરમિયાન સ્થિતિસ્થાપકતા અને વોકલ ફોર લોકલનાં ઉદાહરણો ટાંક્યાં હતાં, જેમાં સબ કા પ્રયાસોની શક્તિ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "વિકસિત ભારતનું નિર્માણ ફક્ત સબ કા પ્રયાસો મારફતે જ થવાનું છે." શ્રી મોદીએ આ પ્રસંગે ઉપસ્થિત વિદ્વાનો પાસેથી ઊંચી અપેક્ષાઓનો પુનરોચ્ચાર કર્યો હતો, કારણ કે તેમણે જ દેશનાં વિકાસનાં વિઝનને આકાર આપ્યો હતો અને યુવાશક્તિને દિશા આપી હતી. પ્રધાનમંત્રીએ સમાપન કરતાં કહ્યું હતું કે, "દેશનું ભવિષ્ય લખવા માટે આ એક મહાન અભિયાન છે." પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, તેઓ વિકસિત ભારતની ભવ્યતાને વધારવા માટે તેમનાં સૂચનો રજૂ કરે.

પાશ્વ ભાગ

દેશની રાષ્ટ્રીય યોજનાઓ, પ્રાથમિકતાઓ અને લક્ષ્યાંકોની રચનામાં દેશના યુવાનોને સક્રિયપણે સામેલ કરવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ 'વિકસિત ભારત @2047: વોઇસ ઓફ યુથ' પહેલ દેશના યુવાનોને વિકસિત ભારત @2047ના વિઝનમાં વિચારોનું પ્રદાન કરવા માટે એક મંચ પ્રદાન કરશે. આ કાર્યશાળાઓ વિકસિત ભારત @2047 માટે યુવાનોને તેમના વિચારો અને સૂચનો વહેંચવા માટે સંલગ્ન કરવાની પ્રક્રિયા શરૂ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે.

વિકસિત ભારત @2047 એ આઝાદીના 100 મા વર્ષ, 2047 સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું વિઝન છે. આ વિઝનમાં આર્થિક વૃદ્ધિ, સામાજિક પ્રગતિ, પર્યાવરણને અનુકૂળતા અને સુશાસન સહિત વિકાસનાં વિવિધ પાસાંઓનો સમાવેશ થાય છે.

 

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1984899) Visitor Counter : 183