ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ઝારખંડનાં હઝારીબાગમાં મુખ્ય અતિથિ તરીકે સરહદ સુરક્ષા દળ (બીએસએફ)નાં 59મા સ્થાપના દિવસ સમારોહને સંબોધન કર્યું
દેશની સરહદોનું રક્ષણ કરતા બહાદુર સૈનિકો દેશના વિકાસનો પાયો છે
બીએસએફના જવાનોનું જીવન માત્ર સરહદોનું જ રક્ષણ નથી કરતી, પરંતુ દેશના યુવાનોને શિસ્તનો સંદેશ પણ આપે છે
ભારત ટૂંક સમયમાં ડાબેરી ઉગ્રવાદથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે
આગામી બે વર્ષમાં સમગ્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડરને ફેન્સિંગ દ્વારા સુરક્ષિત કરવામાં આવશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પીપલ ઇન્ક્લુઝિવ બોર્ડર મેનેજમેન્ટ પોલિસીએ સીમા પ્રહરીસના કામના ભારણમાં ઘણો ઘટાડો કર્યો છે
નાર્કોટિક્સ સામે મોદી સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ બીએસએફે નશીલા દ્રવ્યોના વેપારને અંકુશમાં લેવા માટે મોટું કામ કર્યું છે
Posted On:
01 DEC 2023 4:03PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ઝારખંડનાં હઝારીબાગમાં મુખ્ય અતિથિ તરીકે સરહદ સુરક્ષા દળ (બીએસએફ)નાં 59મા સ્થાપના દિવસનાં સમારંભને સંબોધન કર્યું હતું. શ્રી અમિત શાહે બીએસએફના વાર્ષિક સામયિક 'બોર્ડરમેન'નું વિમોચન પણ કર્યું હતું. આ પ્રસંગે બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી અમિત શાહે પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, "જીવન પર્યંત કર્તવ્ય" એ માત્ર બીએસએફનું સૂત્ર નથી, પણ અત્યાર સુધીમાં 1,900થી વધારે સીમા પ્રહરીઓએ પોતાના જીવનનું સર્વોચ્ચ બલિદાન આપીને આ વાક્યને પૂર્ણ કર્યું છે. તેમણે કહ્યું હતું કે, લાખો સીમા પ્રહરીઓએ કપરા સંજોગોમાં પોતાનાં પરિવારથી દૂર રહીને જીવનનાં સોનેરી સમયગાળાને વિતાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, દેશની સરહદોની સંરક્ષણની પ્રથમ હરોળ તરીકે બીએસએફે જે રીતે દેશની દુર્ગમ સરહદોને સુરક્ષિત કરી છે, તેનાથી સમગ્ર દેશને સીમા સુરક્ષા દળના આ બહાદુર સૈનિકો પર ગર્વ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી વાજપેયીએ એક સરહદ પર એક સુરક્ષા દળની તૈનાતીનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું કે, આ નિર્ણય હેઠળ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સૌથી દુર્ગમ સરહદોની સુરક્ષાની જવાબદારી સીમા સુરક્ષા દળને સોંપવામાં આવી હતી અને બીએસએફે આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી છે. તેમણે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરનાં બરફીલા વિસ્તારો હોય, પૂર્વોત્તરનાં પર્વતો હોય, ગુજરાત અને રાજસ્થાનનાં રણપ્રદેશો હોય, ગુજરાતનાં ભેજવાળાં વિસ્તારો હોય કે પછી સુંદરવન અને ઝારખંડનાં ગાઢ જંગલો હોય, બીએસએફ હંમેશા સતર્ક રહ્યું છે અને દુશ્મનોનાં નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યું છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનોમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે સેવા અને બહાદુરીના નવા ધોરણો સ્થાપિત કર્યા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, જે દેશની સરહદો સુરક્ષિત નથી, તે ક્યારેય વિકસી શકે નહીં અને સમૃદ્ધ થઈ શકે નહીં.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારતે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે અને આ ત્યારે જ શક્ય છે જ્યારે આપણી સરહદોનું રક્ષણ આપણાં બહાદુર સૈનિકોનાં ત્યાગ, સમર્પણ અને બહાદુરીથી થાય. તેમણે કહ્યું હતું કે, દેશની સરહદોનું રક્ષણ કરતા બહાદુર સૈનિકો દેશના વિકાસનો પાયો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, બીએસએફનાં જવાનો માત્ર સરહદોનું જ રક્ષણ કરતાં નથી, પણ દેશનાં યુવાનોને શિસ્તનો સંદેશો પણ આપે છે. તેમણે કહ્યું કે આજે કુલ 23 સૈનિકોને બહાદુરી મેડલ આપવામાં આવ્યા છે અને 5 સૈનિકોને મરણોપરાંત મેડલ આપવામાં આવ્યા છે. આ 23 સૈનિકોમાંથી 11ને શૌર્ય માટે પોલીસ મેડલ, 1 સૈનિકને જીવન રક્ષા પદક અને 11 સૈનિકોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ આપવામાં આવ્યો છે. શ્રી શાહે મરણોપરાંત મેડલ મેળવનારા પાંચ શહીદોના પરિવારજનોને જણાવ્યું હતું કે, તેમના નુકસાનની ભરપાઈ કોઈ કરી શકે તેમ નથી પરંતુ દેશના 130 કરોડ લોકોને આ શહીદોના બલિદાન પર હંમેશા ગર્વ થશે. તેમણે કહ્યું કે બીએસએફને ઘણા ચંદ્રકો અને પુરસ્કારો પ્રાપ્ત થયા છે, જેમાં 1 મહાવીર ચક્ર, 4 કીર્તિ ચક્ર, 13 વીર ચક્ર અને 13 શૌર્ય ચક્રનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશા સરહદની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. શ્રી મોદીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં સરહદોની સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં અનેક પગલાં લેવામાં આવ્યાં છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે સુરક્ષા, વિકાસ અને લોકતાંત્રિક પ્રક્રિયાને મહત્ત્વ આપ્યું છે. તેમણે કહ્યું કે, મોદી સરકારે હજારો કરોડ રૂપિયાના બજેટથી સરહદી વિસ્તારોમાં મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું શરૂ કર્યું હતું. સરહદી ગામોમાં અનેક કલ્યાણકારી યોજનાઓ સાથે સીમા સુરક્ષા દળ અને અન્ય તમામ દળોને જોડીને પ્રધાનમંત્રી મોદીએ સુરક્ષાદળોના માધ્યમથી સુરક્ષાની સાથે જનકલ્યાણનો નવો કોન્સેપ્ટ પણ શરૂ કર્યો હતો. શ્રી શાહે જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારોમાં રેલવે, રોડ, વોટર-વે કનેક્ટિવિટી અને ટેલિકમ્યુનિકેશન સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, જમીન સરહદનાં વેપારની સાથે-સાથે લોકો વચ્ચેનાં જોડાણમાં પણ વધારો થયો છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં છેલ્લાં 10 વર્ષમાં સરહદો પર આશરે 560 કિલોમીટરની વાડ ઊભી કરીને ઘૂસણખોરી અને દાણચોરીને અટકાવવા માટે કામગીરી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે મોદી સરકારે નિર્ણય કર્યો છે કે આગામી બે વર્ષમાં સમગ્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદને ફેન્સિંગ દ્વારા સુરક્ષિત કરવામાં આવશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, સરહદનાં 1100 કિલોમીટરનાં વિસ્તારમાં ફ્લડલાઇટ સ્થાપિત કરવામાં આવી છે, 542 નવી સરહદી ચોકીઓ અને 510 ઓબ્ઝર્વેશન પોસ્ટ ટાવર્સ સ્થાપિત કરવામાં આવ્યાં છે અને પ્રથમ વખત હરામી નાળા વિસ્તારમાં ઓબ્ઝર્વેશન ટાવર્સનું નિર્માણ થયું છે. 637 ચોકીઓ પર વીજળી અને 500 જેટલા સ્થળોએ પાણીના જોડાણો પણ પૂરા પાડવામાં આવ્યા છે. આ સિવાય 472 જગ્યાએ સોલર પ્લાન્ટ લગાવીને સરહદની સુરક્ષા કરતા સૈનિકોની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની પીપલ ઇન્ક્લુઝિવ બોર્ડર મેનેજમેન્ટ નીતિએ સીમા પ્રહરીઓના કામના ભારણમાં ઘણો ઘટાડો કર્યો છે. તેમણે કહ્યું કે બીએસએફે છેલ્લા 5 વર્ષમાં 30,000 કિલોગ્રામથી વધુ નશીલા પદાર્થો જપ્ત કર્યા છે. તેમણે કહ્યું હતું કે નાર્કોટિક્સ દેશની ભાવિ પેઢીને ખોખલું બનાવે છે એટલું જ નહીં, તેનાથી પેદા થતાં નાણાં આતંકવાદને પણ નાણાં પૂરાં પાડે છે અને સરહદ પરની આ ટ્રેડ લિંકનો ઉપયોગ શસ્ત્રોની દાણચોરી માટે પણ થાય છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ ત્રણ કારણોથી સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય સરહદ પર નશીલા દ્રવ્યોનાં વેપાર પ્રત્યે આપણી પાસે કડક, શૂન્ય સહિષ્ણુતા અને સંવેદનશીલ નીતિ હોવી અતિ મહત્ત્વપૂર્ણ છે તથા બીએસએફે આ કામગીરી સારી રીતે કરી છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સીમા સુરક્ષા દળે 2500થી વધારે શસ્ત્રો જપ્ત કર્યા છે અને તેણે એન્ટી-ડ્રોન ટેકનોલોજી જેવી ટેકનોલોજી વિકસાવવા માટે ખૂબ જ સારા પ્રયોગો કર્યા છે. તેમણે કહ્યું કે બીએસએફે અત્યાર સુધીમાં 90થી વધુ વિદેશી ડ્રોનને તોડી પાડ્યા છે અને વિદેશી ડ્રોનના માર્ગોને ઓળખવા માટે નવી દિલ્હીમાં બીએસએફ ડ્રોન અને સાયબર ફોરેન્સિક લેબ સ્થાપિત કરીને સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં પણ ખૂબ જ સારું કામ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારે એરિયા ડોમિનેશન માટે ફિલ્ડ ફોર્મેશનની સાથે 100 ડ્રોન પૂરાં પાડ્યાં છે, જેનો બીએસએફના સૈનિકો દ્વારા ખૂબ જ સારી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, 5 વર્ષમાં 5 કરોડ રોપાઓ રોપવાનું સૂત્ર આપવામાં આવ્યું હતું અને આપણા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)એ અત્યાર સુધીમાં 5 કરોડ રોપાઓનું વાવેતર કર્યું છે અને દરેક રોપા સાથે એક સૈનિકને જોડીને પોતાના બાળકોની જેમ વૃક્ષનું જતન કરવાની વ્યવસ્થા પણ કરી રહ્યાં છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ 5 કરોડ રોપાઓમાંથી 92 લાખ રોપાઓનું વાવેતર સીમા સુરક્ષા દળનાં સીમા પ્રહરીઓએ કર્યું છે. આ રોપાઓ ભવિષ્યમાં મોટા વૃક્ષો બની જશે અને તેમને રોપનારા સૈનિકોની યાદને વળગી રહેશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે એ દિવસ દૂર નથી જ્યારે દેશ ડાબેરી ઉગ્રવાદથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે છેલ્લા 10 વર્ષોમાં આ દિશામાં સતત પ્રયાસો કર્યા છે. તેમણે કહ્યું કે મોદી સરકારના પ્રયાસોના પરિણામે હિંસાની ઘટનાઓમાં 52 ટકાનો ઘટાડો થયો છે, મૃત્યુની ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે અને ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત જિલ્લાઓ 96 થી ઘટીને 45 થઈ ગયા છે. શ્રી શાહે કહ્યું હતું કે, ડાબેરી ઉગ્રવાદમાં ઘટાડો થઈ રહ્યો છે અને હવે સીઆરપીએફ, બીએસએફ અને આઇટીબીપી નવા સાહસ અને ઉત્સાહ સાથે તેને અંતિમ ફટકો આપવા તૈયાર છે. તેમણે કહ્યું કે મોદી સરકાર આગામી દિવસોમાં દેશને ડાબેરી ઉગ્રવાદથી મુક્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે આ વિસ્તારોમાં સુરક્ષા શૂન્યાવકાશ ભરવા માટે 2019થી 199 નવા શિબિરો ખોલવામાં આવ્યા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, નવી શિબિરો સ્થાપિત કરીને અને પેટ્રોલિંગ વધારીને ડાબેરી ઉગ્રવાદીઓનાં તમામ સંસાધનો પર અંકુશ મેળવી લેવામાં આવ્યો છે અને આનાં પરિણામે અમે બુદ્ધા પહાડ અને ચકરબંદા જેવા મહત્ત્વપૂર્ણ વિસ્તારોને ડાબેરી ઉગ્રવાદમાંથી સંપૂર્ણપણે મુક્ત કરવામાં સફળતા મેળવી છે. તેમણે કહ્યું કે, કોલ્હાન અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ડાબેરી પાંખના ઉગ્રવાદ સામે અંતિમ જંગ ચાલી રહ્યો છે અને અમે આ જંગ ચોક્કસ જીતીશું.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સમગ્ર દેશમાં 40 લાખથી વધારે આયુષ્માન સીએપીએફ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્ર મોદીએ આશરે 13,000 સૈનિકોને ઘર પણ પૂરાં પાડ્યાં છે, 113 નવી બેરેકનું નિર્માણ થયું છે અને ટૂંક સમયમાં જ સૈનિકોને 11,000 વધારે મકાનો આપવામાં આવશે અને 108 બેરેક પણ બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષનાં અંત સુધીમાં છેલ્લાં 5 વર્ષમાં 24,000થી વધારે સૈનિકોને મકાન પ્રદાન કરવાની કામગીરી પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત સીએપીએફ ઇ-હાઉસિંગ પોર્ટલ દ્વારા 70,000થી વધુ સૈનિકોને ખાલી મકાનો ફાળવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે એર કુરિયર સેવાઓ, એક્સ-ગ્રેશિયામાં સમાનતા લાવવા અને સેન્ટ્રલ એક્સ-ગ્રેશિયાની રકમ વધારવા જેવા અનેક કાર્યો કર્યા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્ર મોદીનાં 10 વર્ષનાં શાસન દરમિયાન અમે જમ્મુ અને કાશ્મીર, ડાબેરી ઉગ્રવાદથી અસરગ્રસ્ત વિસ્તારો અને પૂર્વોત્તર એમ ત્રણેય હોટસ્પોટમાં લડાઈ જીતવામાં સફળતા મેળવી છે. તેમણે કહ્યું કે આજે કાશ્મીરમાં આતંકવાદ પર સુરક્ષા દળોનું સંપૂર્ણ પ્રભુત્વ છે. પૂર્વોત્તરમાં હિંસાની સ્થિતિમાં પણ ઘણો સુધારો થયો છે અને અમે ડાબેરી ઉગ્રવાદ સામેની લડાઈ જીતવાના આરે છીએ અને બીએસએફના સૈનિકોએ આ તમામ મોરચે આ લડાઈમાં મોટું યોગદાન આપ્યું છે.
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1981576)
Visitor Counter : 192