પ્રધાનમંત્રીનું કાર્યાલય

નવી દિલ્હીમાં 21મી હિંદુસ્તાન ટાઇમ્સ લીડરશિપ સમિટમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ

Posted On: 04 NOV 2023 10:58PM by PIB Ahmedabad

શોભના ભરતિયાજી, હિંદુસ્તાન ટાઇમ્સમાં તમારી ટીમના તમામ સભ્યો, અહીં ઉપસ્થિત તમામ અતિથિઓ, દેવીઓ અને સજ્જનો.

સૌ પ્રથમ તો હું તમારી સહુની માફી માંગું છું, કારણ કે હું ચૂંટણીના પ્રચારમાં હતો એટલે ત્યાંથી અહીં પહોંચવામાં થોડું મોડું થઈ ગયું છે. પણ તમારી વચ્ચે સીધો હવાઈમથક પરથી આવ્યો છું. શોભનાજી બહુ સારું બોલી રહ્યાં હતાં, એટલે કે તેમનાં મુદ્દાઓ સારાં હતાં. ચોક્કસ, ક્યારેક વાંચવા મળશે. ચાલો, તેમાં મોડું થઈ ગયું.

સાથીદારો,

તમને બધાને નમસ્કાર. હિંદુસ્તાન ટાઇમ્સ લીડરશિપ શિખર સંમેલનમાં એક વાર ફરી તમે મને અહીં આમંત્રણ  આપ્યું, આ માટે હું હિંદુસ્તાન ટાઇમ્સ ગ્રૂપનો આભાર માનું છું. જ્યારે વર્ષ 2014માં અમારી સરકાર બની હતી અને અમારો સેવાકાળ શરૂ થયો હતો, એ સમયે આ જ શિખર સંમેલનનો વિષય હતો - Reshaping India એટલે કે ભારતને નવી દિશા આપવી, ભારતની કાયાપલટ કરવી. કહેવાનો અર્થ એ છે કે, હિંદુસ્તાન ટાઇમ્સ જૂથ એવું માનીને ચાલી રહ્યું હતું કે, આગામી સમયમાં ભારતમાં પરિવર્તનનો પવન ફૂંકાશે, ભારતની કાયાપલટ થશે. જ્યારે વર્ષ 2019માં અમારી સરકારે અગાઉથી વધારે મોટી બહુમતી સાથે પુનરાગમન કર્યું હતું, ત્યારે એ વર્ષે તમારો વિષય હતો - Conversations for a Better Tomorrow એટલે કે ઉજ્જવળ ભવિષ્ય માટે સંવાદ. તમે હિંદુસ્તાન ટાઇમ્સ શિખર સંમેલનના માધ્યમથી દુનિયાને સંદેશ આપ્યો છે કે, ભારત એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાના માર્ગે અગ્રેસર છે. જ્યારે અત્યારે વર્ષ 2023માં આગામી વર્ષે આયોજિત લોકસભાની ચૂંટણીઓની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે તમારો વિષય છે - Beyond Barriers...એટલે કે અવરોધોને પાર કરવા. હું જનતા વચ્ચે રહેનારો, જીવતો માણસ છું, રાજકીય માણસ તો છું જ અને સાથે સાથે જનપ્રતિનિધિ પણ છું. એટલે મને આમાં એક સંદેશ દેખાય છે. સામાન્ય રીતે ઓપિનિયન પોલ કે જનતાના અભિપ્રાય ચૂંટણીઓના થોડાં અઠવાડિયાઓ અગાઉ આવે છે અને જણાવે છે કે ચૂંટણીમાં સામાન્ય નાગરિકોનો ઝુકાવ કેવો રહેવાનો છે, કોના પ્રત્યે રહેવાનો છે. પરંતુ તમે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, દેશની જનતા આ ચૂંટણીમાં તમામ અવરોધો તોડીને અમારું સમર્થન કરવાની છે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામો તમામ અવરોધો દૂર કરી દેશે.

સાથીદારો,

ભારતને નવી દિશા આપવાથી લઈનેઅવરોધોને પાર કરવાસુધીની ભારતની આ સફરે આગામી ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાંખ્યો છે. આ પાયા પર વિકસિત ભારતનું નિર્માણ થશે, ભવ્ય અને સમૃદ્ધ ભારતનું નિર્માણ થશે. લાંબા સમય સુધી, ભારત અને આપણે ભારતીયોને અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો છે. આપણાં પર હુમલાઓ થયા અને લાંબો સમય ગુલામીની જંજીરોમાં આપણે જકડાયેલા રહ્યાં હતાં. આઝાદીના આંદોલન સમયે એક ભરતી આવી, એક જુસ્સો પેદા થયો, સામૂહિક લડતાની જે ભાવના પેદા થઈ, તેણે અનેક બંધનો તોડી નાંખ્યાં હતાં. આઝાદી પછી એવી આશા જન્મી હતી કે, આ જે વેગ પેદા થયો છે, જે જુસ્સો પેદા થયો છે, તે આગળ પણ જળવાઈ રહેશે. પણ કમનસીબે એવું ન થયું. અનેક પ્રકારનાં અવરોધો આપણા દેશમાં પેદા થયા, આપણે એ ઝડપથી આગળ વધી ન શક્યાં, જેટલી તાકાત આપણી અંદર હતી. આ માટે એક મોટું કારણ જવાબદાર હતું – એક બહુ મોટો માનસિક અવરોધ હતો, કેટલાંક અવરોધો વાસ્તવિક હતાં, હકીકતમાં હતાં. કેટલાંક અવરોધો કલ્પિત હતાં, ઊભા કરવામાં આવ્યાં હતાં અને કેટલાંક અવરોધોમાં અતિશયોક્તિ હતી, આપણી સામે વધારીને રજૂ કરવામાં આવ્યાં હતાં. વર્ષ 2014 પછી જ ભારત સતત આ અવરોધો તોડવા માટે મહેનત કરી રહ્યો છે. મને સંતોષ છે કે, અમે અનેક અવરોધો દૂર કર્યા છે અને હવે આપણે અવરોધો પાર કરવાનીવાત કરી રહ્યાં છીએ. અત્યારે ભારત દરેક અવરોધોને તોડીને ચંદ્ર પર પહોંચી ગયો છે. ચંદ્રનાં જે છેડાં પર અગાઉ કોઈ દેશ પહોંચ્યો નહોતો, ત્યાં ભારત પહોંચી ગયો છે. અત્યારે ભારતે દરેક અવરોધને પાર કરીને ડિજિટલ નાણાકીય વ્યવહારોની સંખ્યામાં ટોચનું સ્થાન મેળવ્યું છે. અત્યારે ભારત દરેક અવરોધો તોડીને મોબાઇલ ઉત્પાદનમાં મોખરાનું સ્થાન મેળવી રહ્યો છે. હાલ ભારત સ્ટાર્ટઅપ્સની દુનિયામાં ટોચના ત્રણ દેશોમાં સામેલ છે. અત્યારે ભારત દુનિયામાં સૌથી વધુ કૌશલ્ય ધરાવતી માનવમૂડી ધરાવે છે. અત્યારે ભારત જી20 જેવા આયોજનોમાં પોતાનો ઝંડો લહેરાવી રહ્યો છે. હાલ ભારત પોતાના દરેક બંધનમાંથી આઝાદ કરીને આગળ વધી રહ્યો છે. તમે સાંભળ્યું જ હશે – સિતારો સે આગે જહાં ઔર ભી હૈ. ભારત અહીં અટકવાનો નથી.

સાથીદારો,

હું હાલ જે વાત કરી રહ્યો હતો એમાં સૌથી મોટો અવરોધ તો આપણે ત્યાં માનસિકતાનો જ હતો, માનસિક અવરોધ હતો. આ જ માનસિકતાને કારણે આપણને કેવી કેવી વાતો સાંભળવા મળતી હતી. આ દેશનું કશું ન થઈ શકે...આ દેશમાં કશું બદલાઈ ન શકે...અને આપણે ત્યાં આવું જ ચાલે છે...જો કોઈ મોડું આવે તો પણ કહેતા હતા – ભારતીય સમય, બહુ ગર્વ સાથે કહેતા હતા. ભ્રષ્ટાચાર – અરે, આ સમસ્યા સર્વવ્યાપક છે, આનું દેશમાં કશું ન થાય, આની સાથે જીવવાનું શીખી લો...કોઈ ચીજવસ્તુ સરકાર બનાવે તો એની ગુણવત્તા સારી ન જ હોય. સાહેબ, આ તો સરકારી છે..પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે, જે સમગ્ર દેશની માનસિકતાને બદલીને બહાર આવવા માટે પ્રેરિત કરે છે. ગાંધીજીએ દાંડીયાત્રામાં એક મુઠ્ઠી મીઠું ઉપાડ્યું હતું, પરંતુ તેમની સાથે આખો દેશ ઊભો થઈ ગયો, તેમની સાથે જોડાઈ ગયો, આપણે આઝાદી મેળવી શકીએ છીએ એવો વિશ્વાસ લોકોની અંદર પેદા થયો હતો. હજુ ચંદ્રાયાનની સફળતાથી કોઈ 140 કરોડ દેશવાસીઓ એકાએક વૈજ્ઞાનિક બની ગયા નથી, અંતરિક્ષયાત્રી બની ગયા નથી, પરંતુ દેશમાં એક આત્મવિશ્વાસથી સભર વાતાવરણ આપણે અનુભવી રહ્યાં છીએ. લોકોની અંદર આત્મવિશ્વાસ પેદા થયો છે – આપણે મોટી ઉપલબ્ધિ મેળવી શકીએ છીએ, આપણે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકીએ છીએ. અત્યારે દરેક ભારતીયનો જુસ્સો વધી ગયો છે. તેમની અંદર ઉત્સાહ પેદા થયો છે. તમને સ્વચ્છતાનો વિષય યાદ હશે. કેટલાંક લોકો કહેતા હતા કે, લાલ કિલ્લાની દિવાલો પરથી પ્રધાનમંત્રી દ્વારા સ્વચ્છતાની વાત કરવી, શૌચાલયની વાત કરવી, આ પ્રધાનમંત્રી પદની ગરિમાને ઉચિત નથી. સેનિટરી પેડ એવો શબ્દ હતો, જેને લોકો, ખાસ કરીને પુરુષ સામાન્ય બોલચાલની ભાષામાં પણ બોલવામાં ખચકાટ અનુભવતા હતા. મેં લાલ કિલ્લા પરથી આ વિષયને ઉઠાવ્યો. ત્યાંથી માનસિકતા બદલવાની શરૂઆત થઈ. અત્યારે સ્વચ્છતા એક જન આંદોલન બની ગયું છે. તમે યાદ કરો, ખાદીને કોઈ ભાવ પૂછતું નહોતું. ખાદી એટલે અમારા જેવા નેતાઓને વિષય. તે પણ ચૂંટણીમાં લાંબો કૂર્તો પહેરીને પહોંચી જવું. ખાદી આટલા પૂરતી મર્યાદિત થઈ ગઈ હતી. પરંતુ છેલ્લાં 10 વર્ષમાં ખાદીનું વેચાણ ત્રણ ગણાથી વધારે વધી ગયું છે.

સાથીદારો,

જન ધન બેંક ખાતાના અભિયાનની સફળતાથી દેશવાસીઓ સારી રીતે પરિચિત છે. પરંતુ જ્યારે અમે આ યોજના રજૂ કરી હતી, ત્યારે કેટલાંક નિષ્ણાતો કહેતા હતા કે, આ ખાતું ખોલવા પાછળ સંસાધનો બરબાદ થઈ રહ્યાં છે, ગરીબો તેમાં એક રૂપિયો પણ ઉમેરશે નહીં. વાત ફક્ત રૂપિયાની નથી. વાત હતી માનસિક અવરોધ તોડવાની, વિચારસરણી બદલવાની. આ લોકો ગરીબના એ અભિયાનને, તેમના સ્વાભિમાનને ક્યારેય સમજી શક્યાં નહોતા, જે જન ધન ખાતાની યોજનાએ ગરીબોમાં પેદા કર્યું છે. ગરીબોમાં તો બેંકોના દ્વાર સુધી જવાની હિંમત નહોતી, તેઓ ડરતા હતા. તેમને મન બેંક ખાતું હોવું એ ધનિકોનો વિશેષાધિકાર હતો. જ્યારે તેમણે જોયું કે, બેંક પોતે તેમના દ્વાર પર આવી રહી છે, તો તેમની અંદર આત્મવિશ્વાસ જાગ્યો, સ્વાભિમાનની લાગણી પેદા થઈ, તેમના મનમાં એક નવું બીજ પાંગર્યું. અત્યારે તેઓ સ્વાભિમાન સાથે પોતાના ખિસ્સામાંથી રુપે કાર્ડ કાઢે છે, રુપે કાર્ડનો ઉપયોગ કરે છે. અને આપણે તો જાણીએ છીએ કે, આજથી પાંચથી દસ વર્ષ અગાઉ સ્થિતિ કેવી હતી. કોઈ મોટી હોટેલમાં ધનિકો ભોજન લેવા જઈ રહ્યાં હતાં તો તેમની વચ્ચે પણ સ્પર્ધા થતી હતી. જ્યારે તેઓ પાકીટ કાઢતા હતા, ત્યારે તેઓ ઇચ્છતાં હતાં કે તેઓ જુએ કે તેમના પાકીટમાં 15થી 20 કાર્ડ છે, કાર્ડ દેખાડવું પણ એક ફેશન હતી, કાર્ડની સંખ્યા તેમના દરજ્જાનો વિષય હતી. મોદીએ આ કાર્ડને ગરીબોના ખિસ્સામાં પહોંચાડી દીધું. માનસિક અવરોધ આ રીતે તોડી શકાય છે.

મિત્રો,

અત્યારે ગરીબો માને છે અને અનુભવે છે કે, હાલ જે ધનિકો પાસે છે, એ તેમની પાસે પણ છે. આ બીજને વટવૃક્ષ બનીને અગણિત ફળ આપ્યાં છે. વાતાનૂકૂલિત ઓરડાની સંખ્યા અને વિભાવનાની દુનિયામાં રહેતા લોકો, ગરીબના આ મનોવૈજ્ઞાનિક સશક્તિકરણને ક્યારેય સમજી નહીં શકે. પરંતુ હું એક ગરીબ પરિવારમાંથી આવ્યો છું, ગરીબીને જીવીને અહીં સુધી પહોંચ્યો છું. એટલે હું જાણું છું કે, સરકારના આ પ્રયાસોએ કેટલાં અવરોધો તોડવાનું કામ કર્યું છે. માનસિકતામાં આ પરિવર્તન દેશની અંદર અને સાથે સાથે દેશની બહારના લોકોમાં પણ જોવા મળ્યું છે. અગાઉ આતંકવાદી હુમલાઓ થતા હતા, એટલે આપણી સરકાર દુનિયાને અપીલ કરતી હતી કે, અમારી મદદ કરો, વૈશ્વિક મત ઊભો કરવા દોડવું પડતું હતું. આતંકવાદીઓને રોકો. અમારી સરકારમાં આતંકવાદી હુમલા થયા, તો હુમલા માટે જવાબદાર દેશ દુનિયા સામે પોતાને બચાવવા માટે અપીલ કરે છે. ભારતની કામગીરીએ દુનિયાની માનસિકતા બદલી નાંખી છે. દસ વર્ષ અગાઉ દુનિયા વિચારતી હતી કે, ભારત આબોહવામાં પરિવર્તન સામે લડવાની કામગીરીના સંકલ્પોમાં અવરોધ છે, એક અંતરાય છે, નકારાત્મક કામગીરી કરી રહ્યો છે. પરંતુ અત્યારે ભારત આબોહવાના પરિવર્તન સામે લડવાના સંકલ્પોમાં દુનિયાનું નેતૃત્વ કરી રહ્યો છે, પોતાના લક્ષ્યાંકો પૂર્વનિર્ધારિત સમય અગાઉ હાંસલ કરીને દેખાડી રહ્યો છે. અત્યારે માનસિકતામાં પરિવર્તનની અસર આપણે રમતગમતની દુનિયામાં પણ જોઈ રહ્યાં છીએ. લોકો રમતવીરોને કહેતા હતા કે, રમત તો રમો છો, પણ કારકિર્દીનું શું, નોકરી ક્યાં કરશો? સરકારો પણ રમતવીરોને ભગવાન ભરોસે છોડી દેતી હતી. તેમને ન તો આર્થિક મદદ મળતી હતી, ન રમતગમતની માળખાગત સુવિધાઓ વધારવા પર ધ્યાન આપવામાં આવતું હતું. અમારી સરકારે આ અવરોધોને પણ દૂર કર્યા છે. અત્યારે એક પછી એક રમતગમત સ્પર્ધાઓમાં, ટૂર્નામેન્ટોમાં આપણી રમતવીરો મોટી સંખ્યામાં ચંદ્રકો જીતી રહ્યાં છે, દેશનું નામ રોશન કરી રહ્યાં છે.

મિત્રો,

ભારતકે ભારતીયોમાં સામર્થ્ય નથી એવું નથી, આપણે ત્યાં સંસાધનોની પણ ઊણપ નથી. આપણી સામે એક બહુ મોટો અને વાસ્તવિક અવરોધ છે – ગરીબીનો. ગરીબો સામે સૂત્રોથી નહીં, પણ સમાધાનો કરીને લડી શકાય છે. ગરીબીને સૂત્રોથી નથી, નીતિ અને નિયતથી પરાસ્ત કરી શકાય છે. અમારે ત્યાં અગાઉની સરકારોની વિચારસરણી રહી છે એનાથી દેશના ગરીબો સામાજિક અને આર્થિક રીતે આગળ વધી ન શક્યાં. મારું માનવું છે કે, ગરીબીમાં એટલું સામર્થ્ય છે કે તે ગરીબી સામે લડી શકે અને એ લડાઈમાં વિજય મેળવી શકે. આપણે એને ટેકો આપવો પડે છે, તેમને મૂળભૂત સુવિધાઓ આપવી પડે છે, તેમને સક્ષમ બનાવવા પડે છે. એટલે અમારી સરકારે આ અવરોધો તોડવા માટે ગરીબોને સક્ષમ બનાવવાનો – એ કામને અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા સ્વરૂપે લીધું છે. અમે લોકોનું જીવન બદલવાની સાથે ગરીબોને ગરીબીમાંથી બહાર નીકળવામાં મદદ પણ કરી છે. એનું પરિણામ આજે દેશ સ્પષ્ટ રીતે જોઈ રહ્યો છે. વળી હમણાં શોભનાજી કહી રહ્યાં હતાં કે, ફક્ત પાંચ વર્ષોમાં 13 કરોડથી વધારે લોકો ગરીબીની રેખામાંથી બહાર નીકળ્યાં છે. એટલે કે આપણે કહી શકીએ છીએ કે 13 કરોડ લોકોએ પોતાની ગરીબીના અવરોધને તોડી નાંખ્યો છે અને દેશનાં નવ મધ્યમવર્ગમાં સામેલ થયા છે.

સાથીદારો,

ભારતના વિકાસની સામે એક બહુ મોટો વાસ્તવિક અવરોધ રહ્યો છે – પરિવારવાદ અને ભાઈ-ભતીજાવાદ. જે વ્યક્તિ કોઈ વિશેષ પરિવાર સાથે જોડાયેલો હોય કે કોઈ વગદાર માણસથી પરિચિત હોય એ જ સરળતાથી આગળ વધી શકતી હતી. દેશનો સામાન્ય નાગરિક લાચાર હતો. રમતગમતનું ક્ષેત્ર હોય, રાજકારણ હોય કે પહ્મ પુરસ્કારો હોય, દેશના સામાન્ય નાગરિકને લાગતું હતું કે જો તેઓ કોઈ મોટા પરિવાર સાથે સંબંધિત નથી તો એના માટે સફળતા મેળવવાની સંભાવના બહુ ઓછી છે. પરંતુ તમે છેલ્લાં થોડાં વર્ષોમાં જોયું છે કે, આ તમામ વિસ્તારોમાં દેશનો સામાન્ય નાગરિક, હવે સક્ષમ અને પ્રોત્સાહનની લાગણી અનુભવી રહ્યો છે. હવે એ ચિંતા નથી કે, તેને કોઈ વગદાર માણસની આસપાસ ચક્કર મારવા પડશે, તેની મદદ મેળવવા વિનંતી કરવી પડશે. ગઈકાલે જે વાસ્તવિક નાયકોને કોઈ જાણતું નહોતું તેઓ હાલ દેશના નાયકો છે!

મિત્રો,

ભારતમાં વર્ષો સુધી આધુનિક માળખાગત સુવિધાની ઊણપ આપણા દેશના વિકાસમાં માર્ગમાં એક બહુ મોટો વાસ્તવિક અવરોધ સમાન રહી છે. અમે એનું સમાધાન કર્યું છે. ભારતમાં દુનિયાનું સૌથી મોટું માળખાગત સુવિધાઓના નિર્માણનું અભિયાન શરૂ થયું. અત્યારે દેશમાં અભૂતપૂર્વ માળખાગત વિકાસ થઈ રહ્યો છે. હું તમને થોડા ઉદાહરણ આપું, જેનાથી તમને ભારતની ઝડપ અને મોટા પાયે કામગીરીનો અંદાજ મળશે. વર્ષ 2013-14માં દરરોજ 12 કિલોમીટરનો રાજમાર્ગ બનતો હતો. મારો સેવાકાળ શરૂ થયા અગાઉની વાત કરી રહ્યો છું. વર્ષ 2022-23માં અમે લગભગ દરરોજ 30 કિલોમીટરની લંબાઈ ધરાવતા રાજમાર્ગનું નિર્માણ કરી રહ્યાં છીએ. વર્ષ 2014માં દેશમાં પાંચ શહેરોમાં મેટ્રો રેલના જોડાણની સુવિધા હતી. વર્ષ 2023માં દેશના 20 શહેરોમાં મેટ્રો રેલ જોડાણની સુવિધા ઊભી થઈ છે. વર્ષ 2014માં દેશમાં લગભગ 70 હવાઈમથકો કાર્યરત હતા. વર્ષ 2023માં એની સંખ્યા લગભગ 150 થઈ ગઈ છે, એટલે કે આ સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. વર્ષ 2014માં દેશમાં લગભગ 380 મેડિકલ કૉલેજ હતી. વર્ષ 2023માં આપણી પાસે 700થી વધારે મેડિકલ કૉલેજ છે. વર્ષ 2014માં ગ્રામપંચાયતો સુધી ફક્ત 350 કિલોમીટર ઑપ્ટિક ફાઇબર પહોંચ્યું હતું. વર્ષ 2023 સુધી અમે લગભગ 6 લાખ કિલોમીટર ઑપ્ટિક ફાઇબર પાથરીને ગ્રામપંચાયતોને જોડી છે. વર્ષ 2014માં 55 ટકા ગામડાં જ પ્રધાનમંત્રી ગ્રામ માર્ગ યોજના સાથે જોડાયેલા હતા. અમે 4 લાખ કિલોમીટરની લંબાઈ ધરાવતા માર્ગોનું નિર્માણ કરીને આ આંકડો 99 ટકા સુધી પહોંચાડી દીધો છે. વર્ષ 2014 સુધી ભારતમાં લગભગ 20 હજાર કિલોમીટર રેલવે લાઇનોનું વીજળીકરણ થયું હતું. ધ્યાનથી સાંભળો. છેલ્લાં 70 વર્ષમાં 20 હજાર કિલોમીટર રેલવે લાઇનોનું વીજળીકરણ. જ્યારે અમારી સરકારે છેલ્લાં 10 વર્ષમાં લગભગ 40 હજાર કિલોમીટર રેલવે લાઇનોનું વીજળીકરણ કરી દીધું છે. આ વર્તમાન ભારતની કામગીરીની ઝડપ છે, મોટા પાયે થઈ રહેલી કામગીરીને બયાન કરે છે અને ભારતની સફળતાનું પ્રતીક છે.

સાથીદારો,

છેલ્લાં થોડાં વર્ષોમાં આપણો દેશ કેટલાંક કથિત કે કલ્પિત અવરોધોમાંથી પણ બહાર નીકળ્યો છે. આપણે ત્યાં એક સમસ્યા આપણા નીતિનિર્માતાઓ, આપણા રાજકીય નિષ્ણાતોના મનમાં હતી. તેઓ એવું માનતા હતા કે, સારું અર્થતંત્ર એ ક્યારેય સારું રાજકારણમાં જ પરિણમી શકે. અનેક સરકારોએ પણ આ વાત માની લીધી અને એનાં પગલે દેશને રાજકીય અને આર્થિક એમ બંને મોરચા પર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પણ અમે સારું અર્થતંત્ર અને સારું રાજકારણ એમ બંનેનો સમન્વય કરી દેખાડ્યો છે. અત્યારે તમામ લોકો સ્વીકારી રહ્યાં છે કે, સારું અર્થતંત્ર, સારું રાજકારણ પણ છે. આપણી શ્રેષ્ઠ આર્થિક નીતિઓએ દેશમાં પ્રગતિના નવા માર્ગો ખોલી નાંખ્યા છે. એનાથી સમાજના દરેક વર્ગનું જીવન બદલાઈ ગયું છે અને આ જ લોકોએ આપણને આટલી મોટી બહુમતી સાથે દેશમાં સ્થિર સરકાર માટે મતદાન કર્યું છે. ચીજવસ્તુઓ અને સેવા વેરો (જીએસટી) હોય, બેંકિંગની કટોકટીનું સમાધાન હોય, કોવિડ સંકટમાંથી બહાર નીકળવા માટે બનાવેલી નીતિઓ હોય.....અમે હંમેશા એ નીતિઓને પસંદ કરી છે, જે દેશને લાંબા ગાળાના સમાધાન આપે છે અને નાગરિકોને લાંબા ગાળાના લાભની ખાતરી આપે છે.

સાથીદારો,

કથિત અવરોધોનું અન્ય એક ઉદાહરણ છે, મહિલા અનામત માટેનો ખરડો કે બિલ. દાયકાઓ સુધી વિલંબમાં રહ્યાં પછી એવું લાગતું હતું કે આ ખરડો ક્યારેય પસાર નહીં થાય. પણ હવે આ અવરોધ પણ અમે દૂર કરી દીધો છે. નારીશક્તિ વંદન કાયદો હાલ એક વાસ્તવિકતા છે.

મિત્રો,

તમારી સાથે વાત કરીને શરૂઆતમાં મેં અન્ય એક વિષય વિશે જાણકારી આપી હતી – અતિશયોક્તિપૂર્ણ અવરોધો વિશે વાત કરી હતી. આપણા દેશમાં કેટલાંક અવરોધો, કેટલીક સમસ્યાઓ એવી પણ રહી છે, જેને અગાઉની સરકારો દ્વારા અને પંડિતો દ્વારા, વાદવિવાદ કરતા લોકો દ્વારા, પોતાના રાજકીય સ્વાર્થ માટે બહુ મોટી ગણાવવામાં આવી હતી. ઉદાહરણ સ્વરૂપે, જ્યારે પણ કોઈ બંધારણની કલમ 370ને જમ્મુ અને કાશ્મીરમાંથી દૂર કરવાની વાત કરતું હતું, ત્યારે અનેક વાતો થતી હતી. એક રીતે મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું કરવામાં આવતું હતું કે, જો આવું થયું તો બહુ મોટી ઊથલપાથલ થઈ જશે. પણ કલમ 370નો અંત આવી ગયો છે અને સંપૂર્ણ વિસ્તારમાં શાંતિ, સમૃદ્ધિ અને વિકાસનો નવો માર્ગ ખુલી ગયો છે. લાલ ચોકની તસવીરો જણાવે છે કે, જમ્મુ-કાશ્મીરની કાયાપલટ કેવી રીતે થઈ રહી છે. અત્યારે ત્યાં આતંકવાદનો અંત આવી રહ્યો છે, પ્રવાસન ક્ષેત્ર વિકાસના નવા સીમાચિહ્નો સર કરી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચે એ માટે અમે કટિબદ્ધ છીએ.

સાથીદારો,

અહીં ઉપસ્થિત અનેક લોકો મીડિયાના ક્ષેત્રમાં છે. આપણા સુધી બ્રેકિંગ ન્યૂઝ પહોંચાડતા મીડિયાની પ્રાસંગિકતા ઘણી વધારે રહી છે. નિયમિત સમયે બ્રેકિંગ ન્યૂઝ આપવાની પરંપરા તો ઠીક છે, પણ આ વિશ્લેષણ પણ જરૂરી છે કે અગાઉ કેવા પ્રકારની બ્રેકિંગ ન્યૂઝ હતી અને અત્યારે કેવી હોય છે. વર્ષ 2013થી વર્ષ 2023 વચ્ચે ભલે એક દાયકાનો જ સમય પસાર થયો હોય, પણ આ દરમિયાન થયેલા પરિવર્તનોમાં જમીન અને આકાશનું અંતર છે. જે લોકોએ વર્ષ 2013માં અર્થતંત્રને કવર કર્યું છે, તેમને યાદ હશે કે કેવી રીતે રેટિંગ એજન્સીઓ ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ની ધારણામાં ઘટાડો કરતી હતી. પણ વર્ષ 2023માં બિલકુલ વિપરીત થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને રેટિંગ સંસ્થાઓ હવે આપણી વૃદ્ધિની ધારણાઓમાં અવારનવાર વધારો વ્યક્ત કરી રહી છે. વર્ષ 2013માં બેંકિંગ ક્ષેત્રની હાલત અતિ નબળી હોવાના સમાચારો આવતા હતા. પણ અત્યારે વર્ષ 2023માં આપણી બેંકો પોતાના અત્યાર સુધીના સૌથી વધારે નફા અને શ્રેષ્ઠ કામગીરીને પ્રદર્શિત કરી રહી છે. વર્ષ 2013માં દેશમાં સમૂહ માધ્યમોમાં ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડના સમાચારો છવાયેલા હતા. પણ વર્ષ 2023માં અખબારો અને સમાચાર ચેનલ્સોમાં ભારતના સંરક્ષણ ક્ષેત્રની નિકાસ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયાના સમાચારો છવાયેલા છે. વર્ષ 2013-14ની સરખામણીમાં આ ક્ષેત્રની નિકાસમાં 20 ગણાથી વધારે વૃદ્ધિ થઈ છે. વિક્રમ કૌભાંડોમાંથી વિક્રમ નિકાસો સુધી – આપણે લાંબી મજલ કાપી છે.

સાથીદારો,

વર્ષ 2013માં તમારામાંથી ઘણાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રકાશનો ઉપલબ્ધ થશે, જેમાં એવા હેડલાઇનો કે મથાળાં હતાં કે ભારતમાં મુશ્કેલ આર્થિક સ્થિતિસંજોગોને કારણે મધ્યમ વર્ગનું સ્વપ્ન રોળાઈ રહ્યું છે. પરંતુ સાથીદારો, વર્ષ 2023માં પરિવર્તન કોણ કરી રહ્યું છે? રમતગમતનું ક્ષેત્ર હોય, સ્ટાર્ટઅપ હોય, અંતરિક્ષનું ક્ષેત્ર હોય કે પછી ટેકનોલોજીનું ક્ષેત્ર હોય – દેશનો મધ્યમ વર્ગ દરેક વિકાસ યાત્રામાં સૌથી આગળ છે અને એ ઊડીને આંખે વળગે છે. છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન ભારતનાં મધ્યમ વર્ગે ઝડપથી પ્રગતિ કરી છે. તેમની આવક વધી છે, તેમનો આકાર કે કદ મધ્યો છે. વર્ષ 2013-14માં લગભગ સાડા ચાર કરોડ લોકો આવકવેરાના રિટર્ન ભરતા હતા. વર્ષ 2023-24માં આ સંખ્યા બમણી થઈ ગઈ છે અને સાડા સાત કરોડથી વધારે લોકોએ આવકવેરાના રિટર્ન ભર્યા છે. કરવેરાની માહિતી સાથે સંબંધિત એક અભ્યાસ દર્શાવે છે કે, વર્ષ 2014માં જે સરેરાશ આવક સાડા ચાર લાખ રૂપિયાથી પણ ઓછી હતી, એ વર્ષ 2023માં વધીને 13 લાખ રૂપિયા થઈ ગઈ છે. એનો અર્થ એ છે કે, ભારતમાં લાખો લોકો ઓછી આવક ધરાવતા જૂથોમાંથી ઊંચી આવક ધરાવતા જૂથો તરફ અગ્રેસર થઈ રહ્યાં છે. મને યાદ છે, હિંદુસ્તાન ટામ્સમાં થોડાં દિવસો અગાઉ એક લેખ પ્રકાશિત થયો હતો, જેમાં આવકવેરાના આંકડા સાથે સંબંધિત રસપ્રદ હકીકતો જણાવવામાં આવી હતી. તેમાં એક બહુ રસપ્રદ આંકડો છે – વર્ષ સાડા પાંચ લાખ રૂપિયાથી લઈને પચ્ચીસ લાખ રૂપિયાનો પગાર મેળવતા લોકોનો. વર્ષ 2021-22માં પગારના આ વર્ગમાં કમાણી કરતાં લોકોની કુલ આવકનો સરવાળો કરો તો આ આંકો હતો – લગભગ પોણા ત્રણ લાખ કરોડ રૂપિયા. એટલે કે એ સમયે ભારતમાં સાડા પાંચ લાખ રૂપિયાથી પચ્ચીસ લાખ રૂપિયાનો પગાર મેળવતા લોકોનો કુલ પગારનો સરવાળો પોણા ત્રણ લાખ કરોડ રૂપિયાથી પણ ઓછો હતો. વર્ષ 2021 સુધી આ વધીને સાડા ચૌદ (14) લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. એનો અર્થ છે – તેમાં પાંચ ગણાનો વધારો થયો છે. એના બે કારણો સ્પષ્ટ છે – સાડા પાંચ લાખ રૂપિયાથી 25 લાખ રૂપિયા સુધીનો પગાર મેળવતાં લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે અને આ વર્ગમાં લોકોના પગારમાં પણ ઘણો વધારો થયો છે. હું તમને ફરી યાદ અપાવું છું – આ વિશ્લેષણ ફક્ત પગારદાર આવક પર આધારિત છે. જો તેમાં વ્યવસાયથી થયેલી આવક, મકાનની સંપત્તિમાંથી થયેલી આવક, અન્ય રોકાણોમાંથી થયેલી આવકને સામેલ કરવામાં આવે તો આ આંકડો એનાથી પણ અનેકગણો વધી જશે.

સાથીદારો,

ભારત બે પરિબળ એક બહુ મોટા આર્થિક ચક્રનો આધાર બની રહ્યાં છે – પ્રથમ, ભારતમાં મધ્યમ વર્ગમાં મોટા પાયે વધારો અને બે, ગરીબ વર્ગમાં ઘટાડો. જે લોકો ગરીબીમાંથી બહાર નીકળી રહ્યાં છે, જેઓ નવમધ્યમ વર્ગનો હિસ્સો બની રહ્યાં છે, તે લોકો હવે દેશની ઉપભોક્તા વૃદ્ધિને વેગ આપતા એક બહુ મોટા પ્રેરકબળ સ્વરૂપે બહાર આવી રહ્યાં છે. આ માગને પૂર્ણ કરવાની જવાબદારી આપણો મધ્યમ વર્ગ જ ઉઠાવી રહ્યો છે. જો એક ગરીબને નવા જૂતાં ખરીદવાનું મન થાય, તો મધ્યમ વર્ગની દુકાનમાંથી ખરીદે છે. એનો અર્થ એ છે કે, મધ્યમ વર્ગની આવક વધે છે, ગરીબોનું જીવન બદલાઈ રહ્યું છે. હાલ ભારત સમયના એક શ્રેષ્ઠ ચક્રમાંથી પસાર થઈ રહ્યો છે. એટલે દેશમાં ગરીબી ઘટી રહી છે, ગરીબોની સંખ્યા ઘટી રહી છે, મધ્યમ વર્ગને પણ લાભ થઈ રહ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગના આ લોકોની જ આકાંક્ષા અને ઇચ્છાશક્તિ – હાલ દેશના વિકાસને આગળ વધારી રહી છે, પ્રગતિના પંથે દોરી રહી છે. આ લોકોની શક્તિએ જ ભારતને દુનિયાના સૌથી મોટા 10મા અર્થતંત્રમાંથી પાંચમા સૌથી મોટા અર્થતંત્ર બનાવી દીધું છે. અને હવે આ જ ઇચ્છાશક્તિ અમારી સરકારના ત્રીજા શાસનકાળમાં ભારતને દુનિયાનું ત્રીજી સૌથી મોટું અર્થતંત્ર બનાવશે.

સાથીદારો,

આ અમૃત કાળમાં દેશ વર્ષ 2047 સુધી વિકસિત ભારત બનવા માટે કામ કરી રહ્યો છે. મને ખાતરી છે કે, આપણે દરેક અવરોધ પાર કરીને પોતાના લક્ષ્યાંક સુધી પહોંચવામાં સફળ રહીશું. આજે અતિ ગરીબ વ્યક્તિથી લઈને દુનિયાના સૌથી ધનિક રોકાણકારોને પણ ખાતરી છે કે, હાલ ભારતનો સમય છે - This is Bharat’s Time. દરેક ભારતીયનો આત્મવિશ્વાસ જ આપણી સૌથી મોટી શક્તિ છે. એના બળ પર આપણે કોઈ પણ અવરોધને પાર પાડી શકીશું. વળી મને વિશ્વાસ છે કે, વર્ષ 2047માં અહીં બેઠેલામાંથી કોણ હશે, કેટલાં હશે એ મને ખબર નથી, પરંતુ હું ખાતરી સાથે કહું છું કે, જ્યારે વર્ષ 2047માં હિંદુસ્તાન ટાઇમ્સ લીડરશિપ શિખર સંમેલન યોજાશે, ત્યારે તેની થીમ કે તેનો વિષય હશે – વિકસિત રાષ્ટ્ર, પછી શું? (Developed Nation, What Next?) એક વાર ફરી આ શિખર સંમેલન માટે તમને બધાને મારી ખૂબ શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1974816) Visitor Counter : 142