પ્રધાનમંત્રીનું કાર્યાલય

એશિયાઈ રમતોત્સવ 2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા રમતવીરો સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 01 NOV 2023 8:57PM by PIB Ahmedabad

સાથીઓ,

હું તમને બધાને મળવાની તક શોધતો જ રહું છું અને રાહ પણ જોતો રહું છું, ક્યારે મળીશ, ક્યારે તમારા અનુભવો સાંભળીશ અને મેં જોયું છે કે તમે દરેક વખતે નવા ઉત્સાહ સાથે આવો છો, નવા ઉત્સાહ સાથે આવો છો. અને આ પણ પોતાનામાં એક બહુ મોટી પ્રેરણા બની જાય છે. તેથી, સૌ પ્રથમ તો હું ફક્ત એક જ કામ માટે તમારી વચ્ચે આવ્યો છું, અને તે છે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપવા. તમે લોકો ભારતની બહાર હતા, ચીનમાં રમતા હતા, પણ કદાચ તમને ખબર નહીં હોય, હું પણ તમારી સાથે હતો. હું દરેક ક્ષણે તમારી દરેક પ્રવૃત્તિને, તમારા પ્રયત્નોને, તમારા આત્મવિશ્વાસને, હું અહીં બેઠા બેઠા  જીવી રહ્યો હતો. તમે બધાએ જે રીતે દેશનું ગૌરવ વધાર્યું છે તે ખરેખર અભૂતપૂર્વ છે. અને તે માટે, અમે તમને, તમારા કૉચને અને તમારા પરિવારજનોને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. અને દેશવાસીઓ વતી હું તમને આ ઐતિહાસિક સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ અભિનંદન.

સાથીઓ,
તમે લોકો સારી રીતે જાણો છો કે રમતગમત હંમેશા અત્યંત સ્પર્ધાત્મક હોય છે. તમે દરેક રમતમાં એકબીજા સાથે સ્પર્ધા કરો છો
, એકબીજાને જોરદાર ટક્કર આપો છો. પણ હું જાણું છું કે તમારી અંદર પણ એક મુકાબલો ચાલતો રહે છે. તમે દરરોજ તમારી સાથે પણ સ્પર્ધા કરો છો. તમારે તમારી જાત સાથે લડવું પડે છે, સંઘર્ષ કરવો પડે છે અને તમારી જાતને વારંવાર સમજાવવી પણ પડે છે. કેટલીકવાર તમે જોયું હશે કે આપનું મન કરે કે કાલે સવારે નથી ઉઠવું, પરંતુ ખબર નહીં શું કઈ ઊર્જા છે, એકદમ જગાડી દે છે અને દોડાવે છે. જો તમને તાલીમ લેવાની ઈચ્છા ન હોય તો પણ લેવી પડે છે અને બધા ટ્રેનિંગ સેન્ટરથી ઘરે ચાલ્યા ગયા હોય તો પણ, ક્યારેક-ક્યારેક તમારે થોડા વધુ કલાકો સુધી પરસેવો પાડવો પડે છે, અને વધારે મહેનત કરવી પડે છે. અને જેમ કહેવાય છે ને કે સોનું જેટલું તપે એટલું વધારે નિખરે છે, એટલું જ વધારે ખરું નીકળે છે. અને એ જ રીતે આપ સૌ તપીને ખરા ઉતર્યા છો. અહીં જે જે લોકો આ ગેમ માટે સિલેક્ટ થયા છે, કોઇ ત્યાંથી જીતીને આવ્યું, કોઇ ત્યાંથી શીખીને આવ્યું, આપમાંથી એકેય હારીને નથી આવ્યું. અને મારી તો બહુ સિમ્પલ ડેફિનેશન છે. રમતમાં બે જ બાબતો હોય છે, કાં તો જીતવું અથવા શીખવું, હારવા-બારવાનું હોતું જ નથી. હમણાં જ્યારે હું આપ સૌની સાથે વાત કરી રહ્યો હતો ત્યારે કેટલાક કહી રહ્યા હતા કે આ વખતે એક ઓછો આવ્યો, હું આવતી વખતે વધારે જમ્પ લગાવીશ. એટલે એ શીખીને આવે છે, નવો વિશ્વાસ લઈને આવે છે. ઘણાં લોકો છે જે આ વખતે ગયા હશે, કેટલાંક લોકો પહેલી વાર ગયા હશે. પણ 140 કરોડ દેશવાસીઓમાંથી આપનું સિલેક્ટ થવું એ પણ એક વિજય જ છે.

ઘણા પડકારોનો સામનો કર્યા પછી તમે મજબૂત બન્યા છો. અને આ ફક્ત તમારા ગ્રૂપનાં પરિણામોમાં, ફક્ત આંકડાની વાત નથી ભાઈ, દરેક દેશવાસી ગર્વ અનુભવી રહ્યો છે. એક નવો વિશ્વાસ દેશની અંદર  ભરાઈ જાય છે. એવું નથી કે તમે બધાએ માત્ર અગાઉના રેકોર્ડ જ તોડ્યા છે, પરંતુ કેટલાંક ક્ષેત્રોમાં તો તમે તે રેકોર્ડ ધરાશાયી કરી દીધા છે, કેટલાક લોકો વિચારશે કે હવે બે-ત્રણ ગેમ સુધી તો અહીં સુધી પહોંચી શકાશે નહીં, તમે લોકોએ આ સ્થિતિ સર્જી દીધી છે. અને તમે લોકો 111 મેડલ સાથે ઘરે પાછા ફર્યા છો...111. આ કોઈ નાનો આંકડો નથી. મને યાદ છે, જ્યારે હું રાજકારણમાં નવોસવો હતો. પક્ષનાં સંગઠનમાં કામ કરતો હતો. અને લોકસભાની ચૂંટણીમાં અમે 12 બેઠકો પર ચૂંટણી લડ્યા અને ગુજરાતમાં 12માંથી 12 બેઠકો જીતી ગયા. તેથી અમે તો એમ જ ચાલો જીત્યા છીએ એટલે, અમે દિલ્હી આવ્યા, તે મારા માટે આશ્ચર્યજનક હતું. તે સમયે, અમારા નેતા અટલ બિહારી વાજપેયીજી, તેમણે મને ગળે લગાવીને કહ્યું, તને ખબર છે બાર શું હોય છે? બારમાંથી બાર જીતવાનો મતલબ શું હોય છે, તને ખબર છે? તેમણે કહ્યું, આખા દેશમાંથી આપણે ક્યારેય બાર નહોતા, તમે એક રાજ્યમાંથી બાર લઈ લાવ્યા છો. અને બારમાં જીત્યા પછી પણ, જ્યાં સુધી અટલજીએ મને કહ્યું નહીં, ત્યાં સુધી મારું ધ્યાન એ દિશામાં ગયું ન હતું. હું તમારા માટે પણ આ કહું છું. આ 111 માત્ર 111 નથી. આ 140 કરોડ સપનાં છે. 2014માં એશિયન પેરા ગેમ્સમાં ભારતે જેટલા મેડલ જીત્યા હતા, આ એનાથી પણ 3 ગણા વધુ છે. 2014 કરતા આપણને આ વખતે લગભગ 10 ગણા વધુ ગોલ્ડ મેડલ્સ મળ્યા છે. 2014માં, આપણે ઓવરઓલ પરફોર્મન્સમાં 15મા સ્થાને હતા, પરંતુ આ વખતે તમે બધા દેશને ટોપ 5માં લાવીને મૂકી દીધો છે. છેલ્લાં નવ વર્ષમાં અર્થતંત્રની દ્રષ્ટિએ દેશ વિશ્વમાં દસમાંથી પાંચમા સ્થાને પહોંચ્યો છે. અને આજે તમે પણ દેશને દસમાંથી પાંચ પર પહોંચાડી દીધો છે. આ બધું તમારી મહેનતનું પરિણામ છે અને તેથી તમે બધા ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છો.

સાથીઓ,

ભારતમાં રમતગમત માટે છેલ્લા કેટલાક મહિનાઓ અદ્‌ભૂત રહ્યા છે. અને તેમાં તમારી સફળતા એ  સોને પે સુગાહા જેવી છે. ઑગસ્ટ મહિનામાં આપણે બુડાપેસ્ટમાં વર્લ્ડ ઍથ્લીટિક્સ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. એશિયન ગેમ્સમાં ભારતની બૅડમિન્ટન મેન્સ ડબલ્સ ટીમે તેનો પહેલો ગોલ્ડ જીત્યો. ભારતની પ્રથમ મહિલા ડબલ્સ જોડીએ એશિયન ગેમ્સમાં ટેબલ ટેનિસનો મેડલ જીત્યો. ભારતીય મેન્સ બૅડમિન્ટન ટીમે 2022નો થોમસ કપ જીતીને ઈતિહાસ રચ્યો. આપણા ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, જેમાં 28 ગોલ્ડ મેડલ સહિત કુલ 107 મેડલ જીત્યા હતા. હવે તમે એશિયન પેરા ગેમ્સમાં અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે.

સાથીઓ,

તમારું આ પ્રદર્શન જોઈને આખો દેશ ઉત્સાહિત છે. અને હું તમને જણાવી દઉં કે મિત્રો, અન્ય રમતોમાં જ્યારે કોઈ ખેલાડી મેડલ લાવે છે. તો રમતગમતની દુનિયા, અને ખેલાડીઓ, નવા ખેલાડીઓ, તે બધા માટે એક મોટી પ્રેરણા બને છે, ઉમંગનું કારણ બને છે. પરંતુ જ્યારે એક દિવ્યાંગ વિજયી બનીને આવે છે ને ત્યારે તે માત્ર રમતગમતમાં જ નહીં પરંતુ જીવનનાં દરેક ક્ષેત્રમાં તે પ્રેરણા બની જાય છે. જીવનનાં દરેક ક્ષેત્ર માટે તે એક પ્રેરણારૂપ બની જાય છે. નિરાશામાં ડૂબેલી કોઈ પણ વ્યક્તિ, આપની સફળતા જોઈને ઉભો થઈને વિચારે છે કે ઈશ્વરે મને તો બધું જ આપ્યું છે, તેણે મને હાથ, પગ, મગજ, આંખો બધું જ આપ્યું છે, અરે, કેટલીક ખામીઓ હોવા છતાં, તેઓ કમાલ કરી રહ્યા છે. અને હું સૂતેલો પડ્યો છું, તે ઊભો થઈ જાય છે. તમારી સફળતા તેના માટે એક બહુ મોટી પ્રેરણા બની જાય છે. અને તેથી જ્યારે તમે સફળ થાઓ છો, જ્યારે કોઈ તમને રમતા જુએ છે, તે માત્ર રમતનાં મેદાન સુધી કે રમતગમતની દુનિયા પૂરતું સીમિત નથી રહેતું, તે જીવનનાં દરેક ક્ષેત્રમાં દરેક માટે પ્રેરણા સ્ત્રોત બની જાય છે અને તમે તે કામ કરી રહ્યા છો, દોસ્તો.

સાથીઓ,

આપણે બધા સ્પોર્ટિંગ કલ્ચર અને સ્પોર્ટિંગ સોસાયટીનાં રૂપમાં ભારતની પ્રગતિને દિવસે દિવસે જોઈ રહ્યા છીએ. એક અન્ય કારણ છે જેનાં લીધે ભારતમાં આગળ વધવાનો આત્મવિશ્વાસ આવ્યો છે. હવે આપણે 2030 યુથ ઑલિમ્પિક અને 2036 ઑલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

સાથીઓ,

તમે જાણો છો, રમતગમતમાં કોઈ શોર્ટકટ નથી હોતો. સ્પોર્ટ્સ પર્સનના ભાગે સખત મહેનત, જો તમારે જે કામ કરવાનું હોય તે બીજું કોઈ ન કરી શકે, તે તમારે જાતે જ કરવું પડે છે. રમતગમતની દુનિયામાં તેણે તમામ મહેનત જાતે જ કરવી પડે છે. ત્યાં કોઈ પ્રોક્સી નથી હોતું, તમારે તે જાતે જ કરવું પડે છે. ખેલાડીઓએ રમતનાં તમામ દબાણને જાતે જ હૅન્ડલ કરવું પડે છે. પોતાની ધીરજ અને પોતાનો પરિશ્રમ જ સૌથી વધુ કામ આવે છે. દરેક વ્યક્તિ પોતાની તાકાતથી ઘણું બધું કરી શકે છે. જ્યારે તેને કોઈનો સાથ મળી જાય, ત્યારે તેની શક્તિ અનેક ગણી વધી જાય છે. પરિવાર, સમાજ, સંસ્થાઓ અને અન્ય સહાયક ઇકોસિસ્ટમ્સ ખેલાડીઓને નવી ઊંચાઈ સુધી પહોંચવા પ્રોત્સાહિત કરે છે. આપણા ખેલાડીઓને ટેકો આપવા માટે તેઓ જેટલા વધુ એક સાથે આવશે, તે તેમના માટે એટલું જ સારું રહેશે. હવે તમે પરિવારને જ લઈ લો, તો આપણાં ઘરનાં લોકો તેમનાં બાળકોને રમતગમત તરફ આગળ વધારવા માટે વધુ ટેકો આપી રહ્યા છે. જ્યારે આપમાંથી અને લોકો જ્યારે તમને કદાચ થોડો મોકો મળ્યો હશે, ઘરમાંથી થોડું પ્રોત્સાહન મળતું હશે, પણ એ પહેલાંનાં લોકો તો, નહીં વાગી જશે, તને આ થઈ જશે, પછી કો જોશે, તને ત્યાં કોણ સંભાળશે, નથી જવાનું, ઘરમાં જ રહો, ઘણાં આમાંથી પસાર થઈને આવ્યા. આજે હું જોઉં છું કે દરેક પરિવાર બાળકોને આ ક્ષેત્રમાં પણ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. દેશમાં આ નવી સંસ્કૃતિનો ઉદય થવો એ બહુ મોટી વાત છે. જો સમાજની વાત કરીએ તો લોકોમાં મોટો બદલાવ આવ્યો છે. હવે તમે પણ જોતા હશો, પહેલાં તો ખેલકૂદમાં હોય તો સારું-સારું ભણતો નથી, તમે જઈને કહેશો હું મેડલ લઈને આવ્યો, અરે, આ જ કરે છે કે શું? ભણતો નથી કે શું? ક્યાંથી ખાઈશ? ક્યાંથી કમાઈશ? એવું જ પૂછતા હતા, હવે, અરે તું લઈ આવ્યો, લાવ જરા હું સ્પર્શી લઉં, હું પણ જરા સ્પર્શી જોઉં, આ બદલાવ આવ્યો છે.

સાથીઓ,

તે સમયે, જો કોઈ રમતગમતમાં હોય, તો તેને સેટલ માનવામાં આવતું ન હતું. તેને પૂછવામાં આવતું હતું - પણ તમે સ્થાયી થવા માટે શું કરશો? આવું જ પૂછવામાં આવતું હતું, પરંતુ હવે સમાજ પણ રમતગમતને એક વ્યવસાય તરીકે સ્વીકારી રહ્યો છે.

સાથીઓ,

જો હું સરકારની વાત કરું તો પહેલા એવું કહેવામાં આવતું હતું કે ખેલાડીઓ સરકાર માટે છે. પરંતુ હવે કહેવાય છે કે સરકાર આખી ને આખી ખેલાડીઓ માટે છે. જ્યારે સરકાર અને નીતિ નિર્માતાઓ જમીન સાથે જોડાયેલા હોય, સરકાર ખેલાડીઓનાં હિત પ્રત્યે સંવેદનશીલ હોય છે, જ્યારે સરકાર ખેલાડીઓના સંઘર્ષને, તેમનાં સપનાઓને સમજે છે ત્યારે તેની સીધી અસર સરકારની નીતિઓમાં પણ જોવા મળે છે. અભિગમમાં પણ દેખાય છે. તે વિચારમાં પણ દેખાય છે. દેશમાં અગાઉ પણ શ્રેષ્ઠ ખેલાડીઓ હતા, પરંતુ તેમને સમર્થન આપવા માટે કોઈ નીતિઓ નહોતી. ન તો સારી કૉચિંગ વ્યવસ્થા, ન આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે ન તો જરૂરી આર્થિક મદદ, તો પછી આપણા ખેલાડીઓ પોતાનો ધ્વજ કેવી રીતે લહેરાવે. છેલ્લાં 9 વર્ષમાં દેશ એ જૂની વિચારસરણી અને જૂની વ્યવસ્થામાંથી બહાર નીકળી આવ્યો છે. આજે દેશમાં એવા ઘણા ખેલાડીઓ છે જેમના પર ચારથી પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. સરકારનો અભિગમ હવે ઍથ્લીટ સેન્ટ્રીક છે. સરકાર હવે ઍથ્લીટ્સ સામેના અવરોધો દૂર કરી રહી છે અને તકો ઊભી કરી રહી છે. એવું કહેવાય છે કે, પોટેન્શિયલ+ પ્લેટફોર્મ = પર્ફોર્મન્સ. જ્યારે સંભાવનાને યોગ્ય પ્લેટફોર્મ મળે છે, ત્યારે પ્રદર્શન વધુ સારું બને છે. 'ખેલો ઈન્ડિયા' જેવી યોજનાઓ ખેલાડીઓ માટે એક એવું પ્લેટફોર્મ બની ગઈ છે, જેણે પાયાનાં સ્તરે આપણા ઍથ્લીટ્સને શોધવા અને સપોર્ટ કરવાનો માર્ગ ખોલ્યો છે. તમારામાંથી ઘણા જાણતા હશે કે કેવી રીતે ટોપ્સ ઇનિશિયેટિવ આપણા ઍથ્લીટ્સને તેમનું પ્રદર્શન સુધારવામાં મદદ કરે છે. પેરા ઍથ્લીટ્સને મદદ કરવા માટે, અમે ગ્વાલિયરમાં ડિસેબિલિટી સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના પણ કરી છે. અને તમારામાંથી જે લોકો ગુજરાતથી પરિચિત હશે તેઓ જાણતા હશે કે આ દુનિયામાં પ્રવેશ કરવાનો પ્રથમ પ્રયાસ ગુજરાતમાંથી શરૂ થયો હતો. અને ધીમે ધીમે સમગ્ર કલ્ચર વિકસિત થઈ ગયું. આજે પણ તમારામાંથી ઘણા એવા છે જેઓ કદાચ ત્યાં તાલીમ લેવા જાય છે, ગાંધીનગરની એ સંસ્થામાં તાલીમ લેતા રહે છે. કહેવાનો મતલબ એ છે કે જ્યારે બધી સંસ્થાઓ આકાર લે છે ત્યારે તેમનાં સામર્થ્યની ખબર પડતી નથી. પરંતુ જ્યારે ત્યાં નિરંતર સાધના થાય છે ત્યારે દેશ તેનાં સામર્થ્યનો અનુભવ કરવા લાગે છે. હું માનું છું કે આ બધી જે સુવિધાઓ છે, દેશને તમારા જેવા ઘણા વધુ વિજેતાઓ મળવાના છે, મને પૂરો વિશ્વાસ છે.

સાથીઓ,

તમારા 300થી વધુ લોકોનાં ગ્રૂપમાં, મેં પહેલાં જ કહ્યું છે કે કોઈ પણ હાર્યું નથી. અને મારો જે મંત્ર છે, હું ફરીથી કહું છું, કેટલાક જીતીને આવ્યા છે , કેટલાક શીખીને આવ્યા છે. તમારે ચંદ્રકો કરતા વધારે તમારી જાતને અને તમારા વારસાને જુઓ, કારણ કે તે જ સૌથી મોટી વાત છે. તમે જે મુશ્કેલીઓનો સામનો કર્યો અને જે રીતે તમે તેને દૂર કરવા માટે તમારી તાકાત બતાવી તે જ આ દેશ માટે તમારું સૌથી મોટું યોગદાન છે. તમારામાંથી ઘણાં નાનાં શહેરો, સામાન્ય પૃષ્ઠભૂમિ અને મુશ્કેલ સંજોગોમાંથી નીકળીને અહીં આવ્યા છે. ઘણાં લોકોએ જન્મથી જ શારીરિક સમસ્યાઓનો સામનો કર્યો છે, ઘણાં દૂરનાં ગામડાઓમાં રહે છે, કેટલાકની સાથે એવી દુર્ઘટના થઈ છે જેણે તેમનું આખું જીવન બદલી નાખ્યું છે, પરંતુ તમે હજી પણ અડગ છો. સોશિયલ મીડિયા પર તમારી સફળતા જુઓ, કદાચ આજકાલ કોઈ રમતને એટલી ખ્યાતિ નથી મળતી જેટલી તમને લોકોને મળે છે. દરેક વ્યક્તિ, જેમને રમતમાં કોઈ સમજ નથી, તે પણ જોઈ રહ્યો છે. અરે, આ બાળક કરી રહ્યું છે, તેનાં શરીરમાં તકલીફ હોવા છતાં, તે આટલું મોટું કરી રહ્યો છે, લોકો જોઈ રહ્યા છે, તે તેમનાં ઘરમાં બાળકોને બતાવે છે, જુઓ કે બાળકો કેવી રીતે કરી રહ્યાં છે. તમારાં જીવનની વાતો, ગામડાનાં દીકરા-દીકરીઓ, નાનાં શહેરોનાં લોકો, આજે શાળા-કૉલેજોમાં, ઘરમાં, મેદાનમાં, બધે જ ચર્ચાઈ રહી છે. તમારો સંઘર્ષ અને આ સફળતા તેમનાં મનમાં પણ એક નવું સ્વપ્ન વણી રહી છે. આજે સંજોગો ગમે તે હોય, તે મોટું વિચારી રહ્યો છે અને મહાન પ્રેરણા મેળવી રહ્યો છે. મહાન બનવાની ઈચ્છાઓ તેમનામાં વધી રહી છે. દરેક ટુર્નામેન્ટમાં તમારી ભાગીદારી, માનવ સપનાંની જીત છે. અને આ જ તમારો સૌથી મોટો વારસો છે.

અને તેથી જ મને વિશ્વાસ છે કે તમે આવી જ મહેનત કરશો અને દેશનું ગૌરવ વધારતા રહેશો. અમારી સરકાર તમારી સાથે છે, દેશ તમારી સાથે છે. અને સાથીઓ, નિશ્ચયમાં મોટી શક્તિ હોય છે. જો તમે મૃત વિચાર સાથે ચાલશો ને, તો તમે ન તો દુનિયા ચલાવી શકો છો અને ન તો તમે કંઈપણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. તમે ઘણા લોકોને જોયા હશે કે તમે કહો કે ભાઈ જરા અહીંથી રોહતક જઈને આવો તો 50 વાર વિચારશે કે બસ મળશે કે નહીં, ટ્રેન મળશે કે નહીં, હું કેવી રીતે જઈશ, હું શું કરીશ. અને કેટલાક લોકો, ઠીક છે રોહતક જવું છે, ઠીક છે હું જઈને સાંજે આવીશ. તે વિચારતો નથી, તે હિંમત કરે છે. વિચારવાની શક્તિ હોય છે. અને તમે જોયું જ હશે કે સો પાર કહેવું એમ જ નથી થતું જી. એક લાંબી વિચારસરણી પણ હોય છે, પૂર્ણ પરિશ્રમનો રેકોર્ડ પણ હોય છે અને પછી આત્મવિશ્વાસ ભરીને સંકલ્પ સાથે નીકળી પડે છે, આ વખતે સોને પાર, અને પછી 101 પર અટકતા નથી, 111 પાર કરીને આવીએ છીએ. આજે જ્યારે હું કહું છું કે મિત્રો, આ મારો ટ્રેક રેકોર્ડ છે અને તેથી જ હું કહું છું કે એ આપણે જ છીએ જે દસ નંબરની અર્થવ્યવસ્થામાંથી પાંચમા નંબર પર પહોંચ્યા છીએ અને હું ડંકાની ચોટ પર કહું છું કે આ જ દાયકામાં આપણે ત્રીજા નંબર પર પહોંચી જઈશું. આ જ આધારે હું કહું છું કે 2047માં આ દેશ વિકસિત ભારત બનીને રહેશે. જો મારા દિવ્યાંગ લોકો તેમનાં સપના પૂરાં કરી શકે છે  તો 140 કરોડની તાકાત એક પણ સ્વપ્ન અધૂરું નહીં રહેવા દે, આ મારો વિશ્વાસ છે.

સાથીઓ,

હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, તમને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું, પણ આપણે અહીં અટકવાનું નથી, અને નવા સંકલ્પો, અને નવો આત્મવિશ્વાસ, દરેક સવાર નવી સવાર, ત્યારે જ તો મંઝિલ આપણી સમક્ષ આવે છે, દોસ્તો.

ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ શુભકામનાઓ.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1974001) Visitor Counter : 160