પ્રધાનમંત્રીનું કાર્યાલય
મન કી બાત (106મી કડી)પ્રસારણ તારીખ:29-10-2023
Posted On:
29 OCT 2023 11:52AM by PIB Ahmedabad
મારા પ્રિય પરિવારજનો, નમસ્કાર, ‘મન કી બાત’માં આપનું ફરી સ્વાગત છે. આ એપીસોડ એવા સમયમાં થઇ રહ્યો છે. જયારે સમગ્ર દેશમાં તહેવારોનો ઉમંગ છે. આપ સહુને આવનારા બધા તહેવારોના ખૂબ ખૂબ અભિનંદન.
સાથીઓ, તહેવારોના આ ઉમંગની વચ્ચે, દિલ્લીના એક સમાચારથી જ હું મન કી બાતની શરૂઆત કરવા માંગું છું. આ મહિનાની શરૂઆતમાં ગાંધી જયંતિના અવસર પર દિલ્લીમાં ખાદીનું વિક્રમજનક વેચાણ થયું. અહીં કોનોટ પ્લેસમાં, એક જ ખાદી સ્ટોરમાં, એક જ દિવસમાં, દોઢ કરોડથી વધુ રૂપિયાનો સામાન લોકોએ ખરીદ્યો. આ મહિને ચાલી રહેલા ખાદી મહોત્સવે ફરી એક વાર વેચાણના પોતાના બધા જ જૂના વિક્રમો તોડી નાંખ્યા છે. તમને એક બીજી વાત જાણીને પણ સારૂં લાગશે, 10 વર્ષ પહેલાં દેશમાં જ્યાં ખાદી ઉત્પાદનોનું વેચાણ ખૂબ મુશ્કેલીથી 30 હજાર કરોડ રૂપિયાથી પણ ઓછું હતું, હવે તે વધીને સવા લાખ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી રહ્યું છે. ખાદીનું વેચાણ વધવાનો અર્થ છે, તેનો ફાયદો શહેરથી લઇ ગામ સુધીમાં અલગ-અલગ વર્ગો સુધી પહોંચે છે. આ વેચાણનો લાભ આપણા વણકરો, હસ્તશિલ્પના કારીગરો, આપણા ખેડૂતો, આયુર્વેદિક છોડ લગાવનારા કુટિર ઉદ્યોગ બધાને મળી રહ્યો છે, અને આ જ તો ‘વોકલ ફોર લોકલ’ અભિયાનની તાકાત છે અને ધીરેધીરે આપ સહુ દેશવાસીઓનું સમર્થન પણ વધતું જઇ રહ્યું છે.
સાથીઓ, આજે હું મારો એક અનુરોધ તમારી સામે ફરી કહેવા માંગું છું અને ખૂબ જ આગ્રહપૂર્વક ફરીથી કહેવા માંગું છું. જયારે પણ તમે પર્યટન પર જાવ, તીર્થાટન પર જાવ, તો ત્યાંના સ્થાનિક કલાકારો દ્વારા બનાવવામાં આવેલાં ઉત્પાદનોને અવશ્ય ખરીદો. તમે તમારી એ યાત્રાના કુલ બજેટમાં સ્થાનિક ઉત્પાદનોની ખરીદીને એક મહત્વપૂર્ણ પ્રાથમિકતાના રૂપમાં જરૂર રાખો. 10 ટકા હોય, 20 ટકા હોય, જેટલું તમારૂં બજેટ બેસતું હોય, લોકલ પર જરૂર ખર્ચ કરજો અને ત્યાંજ ખર્ચ કરજો.
સાથીઓ, દર વખતની જેમ, આ વખતે પણ, આપણા તહેવારોમાં આપણી પ્રાથમિકતા ‘વોકલ ફોર લોકલ’ હોય અને આપણે મળીને તે સપનાને પૂરૂં કરીએ, આપણું સપનું છે ‘આત્મનિર્ભર ભારત’. આ વખતે એવા ઉત્પાદનથી જ ઘરને પ્રકાશિત કરીએ જેમાં મારા કોઇ દેશવાસીના પરસેવાની સુગંધ હોય, મારા દેશના કોઇ યુવાનની પ્રતિભા હોય, તેના બનવામાં મારા દેશવાસીને રોજગાર મળતો હોય, રોજીંદી જીંદગીની કોઇપણ આવશ્યકતા હોય- આપણે લોકલ જ લઇશું. પરંતુ, તમારે, એક બીજી વાત પર ધ્યાન રાખવું પડશે. ‘વોકલ ફોર લોકલ’ની આ ભાવના માત્ર તહેવારોની ખરીદી સુધી જ સીમીત નથી અને ક્યાંક તો મેં જોયું છે, દિવાળીનો દિવડો લે છે અને પછી સોશિયલ મિડિયા પર મૂકે છે ‘વોકલ ફોર લોકલ’. ના જી, તે તો શરૂઆત છે. આપણે ઘણું આગળ વધવાનું છે, જીવનની દરેક આવશ્યકતા- આપણા દેશમાં, હવે, બધું જ ઉપલબ્ધ છે. આ દ્રષ્ટિકોણ માત્ર નાના દુકાનદારો અને લારીગલ્લા પરથી સામાન લેવા સુધી સીમીત નથી. આજે ભારત, દુનિયાનું મોટું મેન્યુફેક્ચરીંગ હબ બની રહ્યું છે. અનેક મોટી બ્રાન્ડ અહીં પોતાની પ્રોડક્ટ તૈયાર કરી રહી છે. જો આપણે તે પ્રોડક્ટને અપનાવીએ તો, મેક ઇન ઇન્ડિયાને ઉત્તેજન મળે છે, અને એ પણ, ‘લોકલ માટે વોકલ’ જ થવાનું હોય છે, અને હા, આવા પ્રોડક્ટને ખરીદતાં સમયે આપણા દેશની શાન યુપીઆઇ ડીજીટલ પેમેન્ટ સીસ્ટમથી પેમેન્ટ કરવાના આગ્રહી બનીએ, જીવનમાં ટેવ રાખીએ, અને તે પ્રોડક્ટની સાથે, અથવા, તે કારીગરની સાથે સેલ્ફી નમો એપ પર મારી સાથે શેર કરો અને તે પણ મેડ ઇન ઇન્ડિયા સ્માર્ટ ફોનથી. હું તેમાંથી કેટલીક પોસ્ટને સોશિયલ મિડિયા પર શેર કરીશ જેથી બીજા લોકોને પણ ‘વોકલ ફોર લોકલ’ની પ્રેરણા મળે.
સાથીઓ, જયારે તમે, ભારતમાં બનેલા, ભારતીયો દ્વારા બનાવવામાં આવેલા ઉત્પાદનોથી તમારી દિવાળીને ઝગમગ કરશો, પોતાના પરિવારની પ્રત્યેક નાનીમોટી જરૂરિયાત લોકલથી પૂરી કરશો તો દિવાળીની ઝગમગાહટ ઓર વધશે જ વધશે, પરંતુ, તે કારીગરોની જીંદગીમાં, એક, નવી દિવાળી આવશે, જીવનનું એક પ્રભાત આવશે, તેમનું જીવન શાનદાર બનશે. ભારતને આત્મનિર્ભર બનાવો, મેક ઇન ઇન્ડિયા જ પસંદ કરતા જાવ, જેથી તમારી સાથે સાથે અન્ય કરોડો દેશવાસીઓની દિવાળી શાનદાર બને, જાનદાર બને, પ્રકાશિત બને, રસપ્રદ બને.
મારા પ્રિય દેશવાસીઓ, 31 ઓકટોબરનો દિવસ આપણા બધા માટે ખૂબ જ વિશેષ હોય છે. આ દિવસે આપણા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જયંતિ મનાવીએ છીએ. આપણે ભારતવાસી, તેમને, અનેક કારણોથી યાદ કરીએ છીએ, અને શ્રદ્ધાપૂર્વક નમન કરીએ છીએ. સૌથી મોટું કારણ છે- દેશનાં 580થી વધુ રજવાડાને જોડવામાં તેમની અતુલનીય ભૂમિકા. આપણે જાણીએ છીએ પ્રત્યેક વર્ષે 31 ઓકટોબરે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એકતા દિવસ સાથે જોડાયેલો મુખ્ય સમારોહ થાય છે. આ વખતે તે ઉપરાંત દિલ્હીમાં કર્તવ્ય પથ પર એક ખૂબ જ વિશેષ કાર્યક્રમ આયોજીત થવા થઇ રહ્યો છે. તમને યાદ હશે, મેં ગત દિવસોમાં દેશના દરેક ગામમાંથી, દરેક ઘરમાંથી માટી સંગ્રહિત કરવાનો અનુરોધ કર્યો હતો. દરેક ઘરથી માટી સંગ્રહિત કર્યા પછી તેને કળશમાં રાખવામાં આવી અને પછી અમૃત કળશ યાત્રાઓ કાઢવામાં આવી. દેશના ખૂણેખૂણેથી એકત્રિત કરવામાં આવેલી આ માટી, આ હજારો અમૃતકળશ યાત્રાઓ હવે દિલ્હી પહોંચી રહી છે. અહીં દિલ્હીમાં તે માટીને એક વિશાળ ભારત કળશમાં નાંખવામાં આવશે અને આ પવિત્ર માટીથી દિલ્લીમાં ‘અમૃતવાટિકા’નું નિર્માણ થશે. આ દેશની રાજધાનીના હૃદયમાં અમૃત મહોત્સવના ભવ્ય વારસાના રૂપમાં હાજર રહેશે. 31 ઓકટોબરે જ દેશભરમાં ગત અઢી વર્ષથી ચાલી રહેલા સ્વતંત્રતાના અમૃત મહોત્સવનું સમાપન થશે. આપ સૌએ મળીને તેને આ દુનિયામાં સૌથી લાંબા સમય સુધી ચાલનારા મહોત્સવમાંનો એક બનાવી દીધો. પોતાના સેનાનીઓનું સન્માન હોય કે પછી હર ઘર તિરંગા, સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં, લોકોએ પોતાના સ્થાનિક ઇતિહાસને, એક નવી ઓળખ આપી છે. આ દરમ્યાન, સામુદાયિક સેવાનું પણ અદભૂત ઉદાહરણ જોવા મળ્યું છે.
સાથીઓ, હું આજે તમને એક બીજા ખુશખબર સંભળાવવા જઇ રહ્યો છું, ખાસ કરીને મારા નવયુવાન દિકરા-દિકરીઓને, જેમના મનમાં દેશ માટે કંઇક કરવાની ધગશ છે, સપના છે, સંકલ્પ છે. આ ખુશખબર દેશવાસીઓ માટે તો છે જ, મારા નવયુવાન સાથીઓ તમારા માટે વિશેષ છે. બે દિવસ બાદ જ 31 ઓકટોબરે એક ખૂબ જ મોટા રાષ્ટ્રવ્યાપી સંગઠનનો પાયો નાંખવામાં આવશે અને તે પણ સરદાર સાહેબની જયંતિના દિવસે. આ સંગઠનનું નામ છે- મેરા યુવા ભારત, અર્થાત્ માય ભારત. માય ભારત સંગઠન, ભારતના યુવાનોને રાષ્ટ્રનિર્માણના વિભિન્ન આયોજનોમાં પોતાની સક્રિય ભૂમિકા ભજવવાનો અવસર આપશે. આ, વિકસિત ભારતના નિર્માણમાં ભારતની યુવાશક્તિને એક કરવાનો એક અનોખો પ્રયાસ છે. મેરા યુવા ભારતની વેબસાઇટ માય ભારત પણ શરૂ થવાની છે. હું યુવાનોને અનુરોધ કરીશ, વારંવાર અનુરોધ કરીશ કે તમે સહુ મારા દેશના નવયુવાનો, તમે સહુ મારા દેશના દિકરા-દિકરી MyBharat.Gov.in પર રજીસ્ટર કરો અને વિભિન્ન કાર્યક્રમો માટે સાઇન અપ કરો. 31 ઓકટોબરે પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ પણ છે. હું તેમને પણ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.
મારા પરિવારજનો, આપણું સાહિત્ય, લિટરેચર, એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રગાઢ કરવાનું સૌથી સારા માધ્યમો પૈકીનું એક છે. હું તમારી સાથે તમિળનાડુના ગૌરવશાળી વારસા સાથે જોડાયેલા બે ખૂબ જ પ્રેરક પ્રયાસોને વહેંચવા માંગું છું. મને તમિળનાં પ્રસિધ્ધ લેખિકા બહેન શિવશંકરીજી વિશે જાણવાનો અવસર મળ્યો છે. તેમણે એક પ્રોજેક્ટ કર્યો છે- Knit India, Through Literature તેનો અર્થ છે- સાહિત્યથી દેશે એક સૂત્રમાં પરોવવું અને જોડવું. તેઓ આ પ્રોજેક્ટ પર ગત 16 વર્ષોથી કામ કરી રહ્યાં છે. આ પ્રોજેક્ટ દ્વારા તેમણે 18 ભારતીય ભાષાઓમાં લખાયેલા સાહિત્યનો અનુવાદ કર્યો છે. તેમણે અનેકવાર કન્યા કુમારીથી કાશ્મીર સુધી અને ઇમ્ફાલથી જેસલમેર સુધી દેશભરમાં યાત્રાઓ કરી, જેથી અલગ-અલગ રાજયોના લેખકો અને કવિઓના ઇન્ટરવ્યુ કરી શકે. શિવશંકરીજીએ અલગ-અલગ જગ્યાઓ પર પોતાની યાત્રા કરી, ટ્રાવેલ કોમેન્ટરી સાથે તેમને પ્રકાશિત કરી છે. તે તમિળ અને અંગ્રેજી બંને ભાષાઓમાં છે. આ પ્રોજેક્ટમાં ચાર મોટા ભાગ છે અને દરેક ભાગ ભારતના અલગઅલગ હિસ્સાઓને સમર્પિત છે. મને તેમની આ સંકલ્પ શક્તિ પર ગર્વ છે.
સાથીઓ, કન્યાકુમારીના થિરૂ એ.કે.પેરૂમલજીનું કામ ખૂબ જ પ્રેરિત કરનારૂં છે. તેમણે તમિળનાડુની જે વાર્તાકથનની પરંપરા છે તેને સંરક્ષિત કરવાનું પ્રશંસનીય કામ કર્યું છે. તેઓ પોતાના મિશનમાં ગત 40 વર્ષથી જોડાયેલા છે. તેના માટે તેઓ તમિળનાડુના અલગ-અલગ હિસ્સાઓની મુસાફરી કરે છે અને લોકકળાના રૂપોને શોધીને તેને પોતાના પુસ્તકનો હિસ્સો બનાવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમણે અત્યારસુધી આવા લગભગ 100 પુસ્તકો લખી નાંખ્યા છે. તે ઉપરાંત પેરૂમલજીને બીજો એક શોખ પણ છે. તમિળનાડુની મંદિર સંસ્કૃતિ વિશે સંશોધન કરવાનું તેમને ખૂબ જ પસંદ છે. તેમણે લેધર પપેટ પર પણ ઘણું સંશોધન કર્યું છે જેનો લાભ ત્યાંના સ્થાનિક કલાકારોને મળી રહ્યો છે. શિવશંકરીજી અને એ.કે.પેરુમલજીના પ્રયાસ પ્રત્યેક માટે ઉદાહરણ છે. ભારતને પોતાની સંસ્કૃતિને સુરક્ષિત કરનારા આવા દરેક પ્રયાસ પર ગર્વ છે, જે આપણી રાષ્ટ્રીય એકતાને મજબૂતી આપવાની સાથે જ દેશનું નામ, દેશનું માન, બધું જ વધારે.
મારા પરિવારજનો, આવનારી 15 નવેંબરે સમગ્ર દેશ જનજાતિય ગૌરવ દિવસ મનાવશે. આ વિશેષ દિવસ ભગવાન બિરસા મુંડાની જયંતિ સાથે જોડાયેલો છે. ભગવાન બિરસા મુંડા આપણા બધાના હૃદયમાં વસેલા છે. સાચું સાહસ શું છે અને પોતાની સંકલ્પ શક્તિ પર અડગ રહેવાનું કોને કહે છે, આ આપણે તેમના જીવનમાંથી શીખી શકીએ છીએ. તેમણે વિદેશી શાસનને કયારેક સ્વીકાર ન કર્યો. તેમણે એવા સમાજની પરિકલ્પના કરી હતી, જયાં અન્યાય માટે કોઇ જગ્યા નહોતી. તેઓ ઇચ્છતા હતા કે દરેક વ્યક્તિને સન્માન અને સમાનતાનું જીવન મળે. ભગવાન બિરસા મુંડાએ પ્રકૃતિ સાથે સદભાવથી રહેવું તેના પર સદા ભાર મૂક્યો. આજે આપણે જોઇ શકીએ છીએ કે આપણા આદિવાસી ભાઇબહેન પ્રકૃતિની દેખભાળ અને તેના સંરક્ષણ માટે દરેક રીતે સમર્પિત છે. આપણા બધા માટે, આપણા આદિવાસી ભાઇ-બહેનોનું આ કામ ખૂબ મોટી પ્રેરણા છે.
સાથીઓ, કાલે એટલે કે 30 ઓકટોબરે ગોવિંદ ગુરૂજીની પુણ્યતિથિ પણ છે. આપણા ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી અને વંચિત સમુદાયોના જીવનમાં ગોવિંદ ગુરૂજીનું ખૂબ જ વિશેષ મહત્વ રહ્યું છે. ગોવિંદ ગુરૂજીને પણ હું મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. નવેંબર મહિનામાં આપણે માનગઢ નરસંહારની વરસી પણ મનાવીએ છીએ. હું આ નરસંહારમાં શહીદ, મા ભારતીનાં બધા સંતાનોને નમન કરૂં છું.
સાથીઓ, ભારત વર્ષમાં આદિવાસી યોદ્ધાઓનો સમૃદ્ધ ઇતિહાસ રહ્યો છે. આ ભારત ભૂમિ પર મહાન તિલકા માંઝીએ અન્યાય વિરૂધ્ધ શંખ ફુંક્યો હતો. આ ધરતી પરથી સિદ્ધો-કાન્હૂ એ સમાનતાનો અવાજ ઉઠાવ્યો. આપણને ગર્વ છે કે યોદ્ધા ટંટ્યા ભીલે આપણી ધરતી પર જન્મ લીધો. આપણે શહીદવીર નારાયણસિંહને પૂરી શ્રદ્ધા સાથે યાદ કરીએ છીએ, જે કઠિન પરિસ્થિતિઓમાં પોતાના લોકો સાથે ઉભા રહ્યા. વીર રામજી ગોંડ હોય, વીર ગુંડાધુર હોય, ભીમા નાયક હોય, તેમનું સાહસ આજે પણ આપણને પ્રેરિત કરે છે. અલ્લુરી સીતારામ રાજૂએ આદિવાસી ભાઇ-બહેનોમાં જે અલખ જગાડ્યો, દેશ તેને આજે પણ યાદ કરે છે. ઇશાનમાં કિયાંગ નોબાંગ અને રાણી ગાઇદિન્લ્યુ જેવા સ્વતંત્રતા સેનાનીમાંથી પણ આપણને ઘણી પ્રેરણા મળે છે. આદિવાસી સમાજમાંથી જ દેશને રાજમોહીની દેવી અને રાણી કમલાપતિ જેવી વિરાંગનાઓ મળી. દેશ આ સમયે આદિવાસી સમાજને પ્રેરણા આપનારા રાણી દુર્ગાવતીજીની 500મી જયંતિ મનાવી રહ્યો છે. હું આશા કરું છું કે દેશના વધુમાં વધુ યુવાનો પોતાના ક્ષેત્રની આદિવાસી વિભૂતિઓ વિશે જાણશે અને તેમનામાંથી પ્રેરણા લેશે. દેશ પોતાના આદિવાસી સમાજનો કૃતજ્ઞ છે, જેમણે રાષ્ટ્રના સ્વાભિમાન અને ઉત્થાનને સદૈવ સર્વોપરી રાખ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, તહેવારોની આ ઋતુમાં, આ સમયે દેશમાં રમતગમતનો ઝંડો પણ લહેરાઇ રહ્યો છે. ગત દિવસોમાં એશિયાઇ રમતો પછી પેરા એશિયન ગેમ્સમાં પણ ભારતીય ખેલાડીઓએ જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરી છે. આ રમતોમાં ભારતે 111 ચંદ્રકો જીતીને એક નવો ઇતિહાસ રચી દીધો છે. હું પેરા એશિયન ગેમ્સમાં રમનારા બધા જ એથ્લેટ્સને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ, હું તમારૂં ધ્યાન સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સની તરફ પણ લઇ જવા માંગું છું. તેનું આયોજન બર્લિનમાં થયું હતું. આ પ્રતિયોગિતા આપણા ઇન્ટેલેક્ચ્યુઅલ ડીસેબીલીટી વાળા એથ્લીટોની અદભૂત ક્ષમતા સામે લાવે છે. આ પ્રતિયોગિતામાં ભારતીય ટુકડીએ 75 સુવર્ણ ચંદ્રકો સહિત 200 ચંદ્રકો જીત્યા. પછી રોલર સ્કેટીંગ હોય, બીચ વોલીબોલ હોય, ફૂટબોલ હોય કે લૉન ટેનિસ, ભારતીય ખેલાડીઓએ ચંદ્રકોનો વરસાદ વરસાવી દીધો. આ ચંદ્રક વિજેતાઓની જીવનયાત્રા ઘણી પ્રેરણાદાયક છે. હરિયાણાના રણવીર સૈનીએ ગોલ્ફમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. બાળપણથી જ ઑટીઝમ સામે લડી રહેલા રણવીર માટે કોઇપણ પડકાર ગોલ્ફ માટેના તેના જનૂનને ઘટાડી શક્યો નહીં. તેમની માતા તો ત્યાં સુધી કહે છે કે પરિવારમાં આજે બધા ગોલ્ફર બની ગયા છે. પુડુચેરીના 16 વર્ષના ટી.વિશાલે 4 ચંદ્રકો જીત્યા. ગોવાની સીયા સરોદે પાવર લિફ્ટીંગમાં ૨ સુવર્ણચંદ્રક સહિત 4 ચંદ્રકો પોતાના નામે કર્યા. 9 વર્ષની ઉંમરમાં પોતાની માતાને ખોયા પછી તેમણે પોતાને નિરાશ ન થવા દીધા. છત્તીસગઢના દુર્ગના રહેનારા અનુરાગ પ્રસાદે પાવરલિફટીંગમાં 3 સુવર્ણ અને 1 રજતચંદ્રક જીત્યા છે. આવી જ પ્રેરક ગાથા ઝારખંડના ઇન્દુ પ્રકાશની છે, જેમણે સાયકલિંગમાં 2 ચંદ્રકો જીત્યા છે. ખૂબ જ સાધારણ પરિવારમાંથી આવવા છતાં, ઇન્દુએ ગરીબીને ક્યારેય પોતાની સફળતા સામે દિવાલ બનવા નથી દીધી. મને વિશ્વાસ છે કે, આ રમતોમાં ભારતીય ખેલાડીઓની સફળતા ઇન્ટેલેક્ચ્યુઅલ ડીસેબીલીટીનો સામનો કરી રહેલા અન્ય બાળકો અને પરિવારોને પણ પ્રેરિત કરશે. મારી આપ સહુને પણ પ્રાર્થના છે કે તમારા ગામમાં, તમારા ગામની આસપાસ, આવા બાળકો, જેમણે આ રમતગમતમાં ભાગ લીધો છે કે વિજયી થયા છે, તમે સપરિવાર તેમની સાથે જાવ. તેમને અભિનંદન આપો. અને કેટલીક પળો તે બાળકો સાથે વિતાવો. તમને એક નવો જ અનુભવ થશે. પરમાત્માએ તેમની અંદર એક એવી શક્તિ ભરી છે, તમને પણ તેના દર્શનનો અવસર મળશે. જરૂર જજો.
મારા પરિવારજનો, તમે બધાએ ગુજરાતના તીર્થક્ષેત્ર અંબાજી મંદિર વિશે તો અવશ્ય સાંભળ્યું જ હશે. તે એક મહત્વપૂર્ણ શક્તિપીઠ છે, જયાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન માટે પહોંચે છે. અહીં ગબ્બર પર્વતના રસ્તામાં તમને વિભિન્ન પ્રકારની યોગ મુદ્રાઓ અને આસનોની પ્રતિમાઓ જોવા મળશે. શું તમે જાણો છો કે આ પ્રતિમાઓની વિશેષ શું વાત છે ? હકીકતમાં તે સ્ક્રેપથી બનેલા શિલ્પો છે, એક રીતે ભંગારથી બનેલા અને જે ખૂબ જ અદભૂત છે. એટલે કે આ પ્રતિમાઓ વપરાઇ ચૂકેલી, ભંગારમાં ફેંકી દેવામાં આવેલી જૂની ચીજોમાંથી બનાવવામાં આવી છે. અંબાજી શક્તિપીઠ પર દેવીમાના દર્શનની સાથેસાથે આ પ્રતિમાઓ પણ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઇ છે. આ પ્રયાસની સફળતાને જોઇને, મારા મનમાં એક સૂચન પણ આવી રહ્યું છે. આપણા દેશમાં એવા ઘણા બધા લોકો છે, જે વેસ્ટમાંથી આ પ્રકારની કલાકૃતિઓ બનાવી શકે છે. તો મારો ગુજરાત સરકારને અનુરોધ છે કે તેઓ એક પ્રતિયોગિતા શરૂ કરે અને આવા લોકોને આમંત્રિત કરે. આ પ્રયાસ, ગબ્બર પર્વતનું આકર્ષણ વધારવાની સાથે જ સમગ્ર દેશમાં ‘વેસ્ટ ટુ વેલ્થ’ અભિયાન માટે લોકોને પ્રેરિત કરશે.
સાથીઓ, જયારે પણ સ્વચ્છ ભારત અને ‘વેસ્ટ ટુ વેલ્થ’ની વાત આવે છે, તો આપણને, દેશના ખૂણેખૂણેથી અગણિત ઉદાહરણ જોવા મળે છે. આસામના કામરૂપ મેટ્રોપોલીટન જીલ્લામાં અક્ષર ફોરમ નામની એક સ્કૂલ બાળકોમાં, ટકાઉ વિકાસની ભાવના ભરવાનું, સંસ્કારનું, એક નિરંતર કામ કરી રહી છે. અહીં ભણનારા વિદ્યાર્થી દર સપ્તાહે પ્લાસ્ટીક વેસ્ટ એકત્ર કરે છે, જેનો ઉપયોગ ઇકો ફ્રેન્ડલી ઇંટો અને ચાવીનાં કી ચેઇન જેવા સામાન બનાવવામાં થાય છે. અહીં વિદ્યાર્થીઓને રીસાયકલીંગ અને પ્લાસ્ટીક વેસ્ટમાંથી પ્રોડક્ટ બનાવવાનું પણ શીખવાડાય છે. નાની ઉંમરમાં જ પર્યાવરણ પ્રત્યે આ જાગૃતિ, આ બાળકોને દેશના એક કર્તવ્યનિષ્ઠ નાગરિક બનાવવામાં ખૂબ જ મદદ કરશે.
મારા પરિવારજનો, આજે જીવનનું કોઇ એવું ક્ષેત્ર નથી, જયાં આપણને નારીશક્તિનું સામર્થ્ય જોવા ન મળતું હોય. આ યુગમાં, જયારે બધી તરફ તેમની ઉપલબ્ધિઓને પ્રશંસવામાં આવે છે, તો આપણે ભક્તિની શક્તિ દેખાડનારી એક એવી મહિલા સંતને પણ યાદ રાખવાની છે, જેનું નામ ઇતિહાસના સોનેરી પૃષ્ઠોમાં અંકિત છે. દેશ આ વર્ષે મહાન સંત મીરાબાઇની પાંચસો પચ્ચીસમી જયંતિ ઉજવી રહ્યો છે. તે દેશભરના લોકો માટે અનેક કારણોથી એક પ્રેરણાશક્તિ રહી છે. જો કોઇની સંગીતમાં રૂચિ હોય, તો તેઓ સંગીત પ્રત્યે સમર્પણનું મોટું ઉદાહરણ જ છે, જો કોઇ કવિતાઓનાં પ્રેમી હોય, તો ભક્તિરસમાં ડૂબેલા મીરાબાઇના ભજન, તેને અલગ જ આનંદ આપે છે. જો કોઇ દૈવીય શક્તિમાં વિશ્વાસ રાખતું હોય, તો મીરાબાઇનું શ્રીકૃષ્ણમાં લીન થઇ જવું તેના માટે એક મોટી પ્રેરણા બની શકે છે. મીરાબાઇ, સંત રવિદાસને પોતાના ગુરૂ માનતા હતા. તેઓ કહેતા પણ હતા-
ગુરૂ મિલિયા રૈદાસ, દીન્હી જ્ઞાન કી ગુટકી
દેશની માતાઓ-બહેનો અને દિકરીઓ માટે મીરાબાઇ આજે પણ પ્રેરણાપુંજ છે. તે કાળખંડમાં પણ તેમણે પોતાના ભીતરના અવાજને જ સાંભળ્યો અને રૂઢિવાદી ધારણાઓની વિરૂદ્ધ ઊભા રહ્યાં. એક સંતના રૂપમાં પણ તેઓ આપણને સૌને પ્રેરિત કરે છે. તેઓ ભારતીય સમાજ અને સંસ્કૃતિને સશક્ત કરવા માટે ત્યારે આગળ આવ્યા, જયારે દેશ અનેક પ્રકારના આક્રમણોનો સામનો કરી રહ્યો હતો. સરળતા અને સાદગીમાં કેટલી શક્તિ હોય છે, તે આપણને મીરાબાઇના જીવનકાળમાંથી જાણવા મળે છે. હું સંત મીરાબાઇને નમન કરૂં છું.
મારા પ્રિય પરિવારજનો, આ વખતે ‘મન કી બાત’માં આટલું જ. તમારી બધા સાથે થતો દરેક સંવાદ મને નવી ઉર્જાથી ભરી દે છે. તમારા સંદેશાઓમાં આશા અને સકારાત્મકતા સાથે જોડાયેલી સેંકડો ગાથાઓ મારા સુધી પહોંચતી રહે છે. મારો ફરીવાર તમને અનુરોધ છે- આત્મનિર્ભર ભારત અભિયાન પર ભાર આપો. સ્થાનિક ઉત્પાદનો ખરીદો, લોકલ માટે વોકલ બનો. જેવી રીતે તમે તમારા ઘરને સ્વચ્છ રાખો છો, તેવી જ રીતે તમારી શેરી અને શહેરને સ્વચ્છ રાખો અને તમને ખબર છે, ૩૧ ઓકટોબર સરદાર સાહેબની જયંતિ, દેશ એકતાદિવસના રૂપમાં મનાવે છે, દેશમાં અનેક સ્થાનો પર રન ફોર યુનિટીના કાર્યક્રમો થાય છે, તમે પણ 31 ઓકટોબરે રન ફોર યુનિટી કાર્યક્રમ આયોજીત કરો. બહુ મોટી સંખ્યામાં તમે પણ જોડાવ, એકતાના સંકલ્પને મજબૂત કરો. ફરી એકવાર હું આવનારા પર્વો માટે અનેક-અનેક શુભકામનાઓ આપું છું. તમે બધા પરિવાર સાથે ખુશીઓ મનાવો, સ્વસ્થ રહો, આનંદમાં રહો, આ મારી કામના છે. અને હા, દિવાળીના સમયે ક્યાંક એવી ભૂલ ન થઇ જાય કે કયાંક આગની કોઇ ઘટના ન થઇ જાય. કોઇના જીવન પર જોખમ થઇ જાય તો તમે જરૂર સંભાળો, પોતાને પણ સંભાળો અને પૂરા ક્ષેત્રને પણ સંભાળો. ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1972761)
Visitor Counter : 216
Read this release in:
Kannada
,
Telugu
,
Assamese
,
Manipuri
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam