પ્રધાનમંત્રીનું કાર્યાલય
શિરડીમાં વિવિધ પ્રોજેક્ટનાં શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
Posted On:
26 OCT 2023 6:52PM by PIB Ahmedabad
છત્રપતિ પરિવાર નમસ્કાર.
મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રમેશ બૈસજી, અહીંના કર્મઠ મુખ્યમંત્રી શ્રીમાન એકનાથ શિંદેજી, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્રજી, અજીતજી, કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને વિશાળ સંખ્યામાં આપણે સૌને આશીર્વાદ આપવા આવેલા મારા પરિવારજનો!
શિર્ડીચ્યા યા પાવન ભૂમીલા માઝે કોટી નમન! પાંચ વર્ષાપૂર્વી યા પવિત્ર મંદિરાલા શંભર વર્ષ પૂર્ણ ઝાલેલે હોતે, તેવ્હા મલા સાઈદર્શનાચી સંઘી મિલાલી હોતી. આજે અહીં સાઈબાબાના આશીર્વાદથી સાડા સાત હજાર કરોડ રૂપિયાનાં વિકાસ કાર્યોનો પણ શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. પાંચ દાયકાથી મહારાષ્ટ્ર જેની રાહ જોઈ રહ્યું હતું તે નિલવંડે ડેમ...એ કામ પણ પૂરું થયું છે અને હું ભાગ્યશાળી છું કે મને હમણાં ત્યાં જળ પૂજન કરવાનો લહાવો મળ્યો છે. આજે જે મંદિર સંબંધિત પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયું છે, તેનો શિલાન્યાસ કરવાની તક પણ મને જ મળી હતી. દર્શન ક્યુ પ્રોજેકટ પૂર્ણ થતાં દેશભરના અને વિદેશના શ્રદ્ધાળુઓ માટે પણ ખૂબ જ સુવિધા રહેશે.
સાથીઓ,
આજે સવારે જ મને દેશનાં એક અમૂલ્ય રત્ન, વારકરી સંપ્રદાયનો વૈભવ, હરિ ભક્ત, બાબામહારાજ સાતારકરના વૈકુંઠ-ગમનના દુઃખદ સમાચાર મળ્યા. તેમણે કીર્તન અને પ્રવચન દ્વારા જે સામાજિક જાગૃતિનું કાર્ય કર્યું છે તે આવનારી પેઢીઓને સદીઓ સુધી પ્રેરણા આપશે. તેમની વાત કરવાની સરળ રીત, તેમની પ્રેમાળ વાણી, તેમની શૈલી, લોકોને મંત્રમુગ્ધ કરી દેતી. તેમની વાણીમાં ‘જય-જય રામકૃષ્ણ હરિ’ ભજનનો અદ્ભૂત પ્રભાવ આપણે જોયો છે. હું બાબામહારાજ સાતારકરજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
મારા પરિવારજનો,
દેશને ગરીબીથી મુક્તિ મળે, ગરીબમાં ગરીબ પરિવારને આગળ વધવાની તક મળે, આ જ સાચો સામાજિક ન્યાય છે. અમારી સરકાર સબકા સાથ, સબકા વિકાસના મંત્ર પર ચાલે છે. અમારી ડબલ એન્જિન સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા ગરીબ કલ્યાણ છે. આજે જ્યારે દેશની અર્થવ્યવસ્થા વધી રહી છે ત્યારે ગરીબ કલ્યાણ માટેનું સરકારી બજેટ પણ વધી રહ્યું છે.
આજે મહારાષ્ટ્રમાં 1 કરોડ 10 લાખ આયુષ્માન કાર્ડ આપવામાં આવી રહ્યા છે. આવા તમામ કાર્ડ ધારકોને 5 લાખ રૂપિયાની મફત સારવારની ગૅરંટી છે. આયુષ્માન ભારત યોજના હેઠળ, દેશમાં ગરીબોને મફત સારવાર આપવા માટે 70 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. ગરીબોને મફત રાશનની યોજના પર પણ દેશ 4 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરી ચૂક્યો છે. સરકારે ગરીબો માટે ઘર બનાવવા માટે પણ 4 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ પણ 2014 પહેલાનાં 10 વર્ષની સરખામણીમાં લગભગ 6 ગણા વધારે છે. દરેક ઘરમાં પાણી પહોંચાડવા માટે પણ અત્યાર સુધીમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી ચૂક્યો છે. પીએમ સ્વનિધિ યોજના દ્વારા, જેઓ શેરી વિક્રેતાઓ અથવા ફૂટપાથ પર દુકાનો લગાવે છે તે સાથીઓને હજારો રૂપિયાની મદદ મળી રહી છે.
હમણાં સરકારે વધુ એક નવી યોજના શરૂ કરી છે - પીએમ વિશ્વકર્મા. આનાથી, સુથાર, સુવર્ણકાર, કુંભાર અને શિલ્પકારોના એવા લાખો પરિવારોને પ્રથમ વખત સરકાર તરફથી મદદની ખાતરી આપવામાં આવી છે. આ યોજના પર પણ 13 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. અત્યારે હું આ બધા આંકડાઓ જણાવી રહ્યો છું, લાખો-કરોડોના આંકડાઓ કહી રહ્યો છું, 2014 પહેલા પણ તમે આંકડા સાંભળતા હતા પણ તે આંકડા શું રહેતા હતા, આટલા લાખોનો ભ્રષ્ટાચાર, આટલા કરોડનો ભ્રષ્ટાચાર, આટલા લાખ-કરોડોનાં કૌભાંડો. અત્યારે શું થઈ રહ્યું છે, આ કામ માટે આટલા લાખ કરોડ ખર્ચાયા, આટલા લાખ કરોડ તે કામ માટે ખર્ચ કરવામાં આવ્યા.
મારા પરિવારજનો,
આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આપણા શેતકરી (ખેડૂત) મિત્રો પણ હાજર છે. સૌ પ્રથમ તો હું એ બાલિકાઓને અભિનંદન આપવા માગું છું કે જેમણે આપણા શેતકરીય સમાજને એક સંદેશ આપવા માટે આપણી સમક્ષ ખૂબ જ સરસ નાટિકા 'ધરતી કહે પુકાર' પ્રસ્તુત કરી. તમે ચોક્કસપણે તેમાંથી એક સંદેશ લઈ જશો. હું તે તમામ દીકરીઓને ખૂબ અભિનંદન આપું છું.
મારા પરિવારજનો,
અગાઉ કોઈ ખેડૂતોને સૂંઘતું પણ નહોતું. અમે પીએમ કિસાન સન્માન નિધિ આ મારા શેતકરીય ભાઈ-બહેનો માટે શરૂ કરી છે. તેની મદદથી દેશભરના કરોડો નાના ખેડૂતોને 2 લાખ 60 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. અહીં મહારાષ્ટ્રના નાના ખેડૂતોનાં બૅન્ક ખાતામાં પણ 26 હજાર કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મને એ વાતની ખુશી છે કે મહારાષ્ટ્ર સરકારે નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજના શરૂ કરી છે. આ અંતર્ગત મહારાષ્ટ્રના શેતકરી પરિવારોને 6,000 રૂપિયા વધુ આપવામાં આવશે. મતલબ કે હવે અહીંના નાના ખેડૂતોને સન્માન નિધિના 12 હજાર રૂપિયા મળશે.
મારા પરિવારજનો,
ખેડૂતોનાં નામે મતની રાજનીતિ કરનારાઓએ તમને પાણીનાં એક-એક ટીપા માટે તરસાવ્યા છે. આજે નિલવંડે પરિયોજના પર જળ પૂજા થઈ છે. તેને 1970 માં સ્વીકૃતિ મળી હતી, 1970માં. વિચારો, આ પરિયોજના પાંચ દાયકાથી લટકી રહી હતી. જ્યારે અમારી સરકાર આવી ત્યારે આના પર ઝડપથી કામ થયું. હવે લોકોને ડાબા કાંઠાની કેનાલમાંથી પાણી મળવાનું શરૂ થયું છે અને ટૂંક સમયમાં જમણા કાંઠાની કેનાલ પણ શરૂ થવા જઈ રહી છે. બલિરાજા જલ સંજીવની યોજના પણ રાજ્યના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે વરદાન સાબિત થઈ રહી છે. દાયકાઓથી લટકેલી મહારાષ્ટ્રની વધુ 26 સિંચાઈ યોજનાઓને પૂર્ણ કરવામાં કેન્દ્ર સરકાર વ્યસ્ત છે. તેનાથી બહુ મોટો લાભ આપણા ખેડૂતોને થશે, દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને થશે. પરંતુ આજે જ્યારે આ ડેમમાંથી પાણી મળવાનું શરૂ થયું છે ત્યારે મારી તમામ ખેડૂત ભાઈ-બહેનોને એક પ્રાર્થના છે કે, આ પાણી પરમાત્માનો પ્રસાદ છે, પાણીનું એક ટીપું પણ વેડફાય નહીં - પર ડ્રોપ મોર ક્રોપ જેટલી પણ આધુનિક ટેક્નૉલોજી ઉપલબ્ધ છે આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ.
મારા પરિવારજનો,
અમે સાચી નિયત સાથે ખેડૂતોનાં સશક્તીકરણમાં રોકાયેલા છીએ. પરંતુ કેટલાક લોકોએ મહારાષ્ટ્રમાં ખેડૂતોનાં નામ પર માત્ર રાજનીતિ કરી છે. મહારાષ્ટ્રના એક વરિષ્ઠ નેતા ઘણા વર્ષો કેન્દ્ર સરકારમાં કૃષિ પ્રધાન રહ્યા છે, જોકે હું વ્યક્તિગત રીતે તેમનું સન્માન પણ કરું છું. પરંતુ તેમણે ખેડૂતો માટે શું કર્યું? પોતાના 7 વર્ષના કાર્યકાળ દરમિયાન, તેમણે દેશભરમાં ખેડૂતો પાસેથી માત્ર, આ આંકડો યાદ રાખજો, 7 વર્ષમાં દેશભરના ખેડૂતો પાસેથી માત્ર 3.5 લાખ કરોડ રૂપિયાનું અનાજ એમએસપી પર ખરીદ્યું. જ્યારે અમારી સરકાર 7 વર્ષમાં, એમએસપીનાં રૂપમાં, એટલા જ સમયમાં, ખેડૂતોને 13.5 લાખ કરોડ રૂપિયા આપી ચૂકી છે. 2014 પહેલાં, કઠોળ અને તેલીબિયાં આ ખેડૂતો પાસેથી માત્ર 500-600 કરોડ રૂપિયાની ખરીદી એમએસપી પર થતી હતી. જ્યારે અમારી સરકાર કઠોળ અને તેલીબિયાં ખેડૂતોનાં બૅન્ક ખાતામાં 1 લાખ 15 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ આપી ચૂકી છે. જ્યારે તેઓ કૃષિ મંત્રી હતા ત્યારે ખેડૂતોને તેમના પૈસા માટે પણ વચેટિયાના ભરોસે રહેવું પડતું હતું. મહિનાઓ-મહિનાઓ સુધી ખેડૂતોને પેમેન્ટ થતું ન હતું. અમારી સરકારે એમએસપીના પૈસા સીધા ખેડૂતોનાં બૅન્ક ખાતામાં મોકલવાની વ્યવસ્થા કરી છે.
સાથીઓ,
તાજેતરમાં રવી પાક માટે એમએસપીની જાહેરાત કરવામાં આવી છે. ચણાના એમએસપીમાં 105 રૂપિયા, ઘઉં અને કુસુમના એમએસપીમાં 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આનાથી મહારાષ્ટ્રમાં આપણા શેતકારી સાથીઓને ઘણો લાભ થશે. અમે શેરડીના ખેડૂતોનાં હિતનું પણ સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યા છીએ. શેરડીનો ભાવ વધારીને 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે. છેલ્લાં 9 વર્ષમાં લગભગ 70 હજાર કરોડ રૂપિયાના ઈથેનોલની ખરીદી કરવામાં આવી છે. આ નાણાં પણ શેરડીના ખેડૂતો સુધી પહોંચી ગયા છે. શેરડીના ખેડૂતોને સમયસર ચુકવણી સુનિશ્ચિત કરવા માટે, સુગર મિલો અને સહકારી મંડળીઓ માટે હજારો કરોડ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવી છે.
મારા પરિવારજનો,
અમારી સરકાર સહકારી ચળવળને સશક્ત કરવા માટેનું કામ પણ કરી રહી છે. દેશભરમાં 2 લાખથી વધુ સહકારી મંડળીઓની રચના થઈ રહી છે. દેશના ખેડૂતોને સંગ્રહ અને કોલ્ડ સ્ટોરેજની સુવિધા વધુ મળી રહે તે માટે પણ સહકારી મંડળીઓને અને PACSને મદદ પૂરી પાડવામાં આવી રહી છે. એફપીઓ એટલે કે ખેડૂત ઉત્પાદક સંગઠનો દ્વારા નાના ખેડૂતોને સંગઠિત કરવામાં આવી રહ્યા છે. સરકારના પ્રયાસોને કારણે અત્યાર સુધીમાં દેશભરમાં 7500થી વધુ એફપીઓની રચના થઈ ચૂકી છે.
મારા પરિવારજનો,
મહારાષ્ટ્ર અપાર સામર્થ્ય અને અસંખ્ય સંભાવનાઓનું કેન્દ્ર રહ્યું છે. જેટલી ઝડપથી મહારાષ્ટ્રનો વિકાસ થશે તેટલી જ ઝડપથી ભારત વિકસિત થશે. થોડા મહિના પહેલા મને મુંબઈ અને શિરડીને જોડતી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવાની તક મળી હતી. મહારાષ્ટ્રમાં રેલવેનાં વિસ્તરણનો આ સિલસિલો સતત ચાલુ છે. જલગાંવ અને ભુસાવલ વચ્ચે ત્રીજી અને ચોથી રેલ લાઈન શરૂ થવાથી મુંબઈ-હાવડા રેલ માર્ગ પરની અવરજવર સરળ બનશે. એ જ રીતે સોલાપુરથી બોરગાંવ સુધી ફોર લેન રોડનાં નિર્માણથી સમગ્ર કોંકણ પ્રદેશની કનેક્ટિવિટી વધારે સારી બનશે. તેનાથી ઉદ્યોગોને તો ફાયદો થશે જ એટલું જ નહીં, શેરડી, દ્રાક્ષ અને હળદરના ખેડૂતોને પણ ફાયદો થશે. આ કનેક્ટિવિટી માત્ર પરિવહન માટે જ નહીં પરંતુ પ્રગતિ અને સામાજિક વિકાસ માટે પણ નવો માર્ગ બનાવશે. ફરી એકવાર તમે મને આશીર્વાદ આપવા માટે આટલી મોટી સંખ્યામાં આવ્યા, હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, અને ચાલો આપણે સાથે મળીને 2047માં જ્યારે આઝાદીનાં 100 વર્ષ થશે, ભારતનું નામ વિશ્વમાં 'વિકસિત ભારત' રૂપે હશે, એ સંકલ્પ લઈને ચાલીએ.
ખૂબ ખૂબ આભાર
CB/GP/JD
(Release ID: 1971724)
Visitor Counter : 177
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam