પ્રધાનમંત્રીનું કાર્યાલય

મહારાષ્ટ્રમાં 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 19 OCT 2023 7:48PM by PIB Ahmedabad

નમસ્કાર.

 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રીમાન એકનાથ શિંદેજી, નાયબ મુખ્યમંત્રી ભાઈ દેવેન્દ્ર ફડણવીસજી, અજિત પવારજી, શ્રી મંગલ પ્રભાત લોઢાજી, રાજ્ય સરકારના અન્ય તમામ મંત્રીઓ, દેવીઓ અને સજ્જનો.

નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. આજે માતાનાં પાંચમા સ્વરૂપ સ્કંદમાતાની આરાધનાનો દિવસ છે. દરેક માતાની એ કામના હોય છે કે તેનાં બાળકને સુખ મળે, યશ મળે. આ સુખ અને યશની પ્રાપ્તિ શિક્ષણ અને કૌશલ્ય દ્વારા જ શક્ય છે. આવા પાવન સમયે મહારાષ્ટ્રનાં આપણા દીકરા-દીકરીઓનાં કૌશલ્ય વિકાસ માટે આટલા મોટા કાર્યક્રમનો શુભારંભ થઈ રહ્યો છે. અને મારી સામે બેઠેલા જે લાખો નવયુવાનો બેઠા છે અને જેમણે કૌશલ્ય વિકાસના માર્ગે આગળ વધવાનો સંકલ્પ કર્યો છે, તેમના માટે મારે કહેવું છે કે આ પ્રભાત તેમનાં જીવનમાં એક મંગળ પ્રભાત બની ગઈ છે. મહારાષ્ટ્રમાં 511 ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોની સ્થાપના થવા જઈ રહી છે.

સાથીઓ,

આજે સમગ્ર વિશ્વમાં ભારતના કુશળ યુવાનોની માગ વધી રહી છે. એવા ઘણા દેશો છે જ્યાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યા ઘણી વધારે છે, વૃદ્ધ લોકોની સંખ્યા વધી રહી છે અને પ્રશિક્ષિત યુવાનો બહુ મુશ્કેલીથી મળે છે. આ અંગે કરવામાં આવેલા સર્વેક્ષણો દર્શાવે છે કે વિશ્વના 16 દેશો લગભગ 40 લાખ કુશળ યુવાનોને પોતાને ત્યાં નોકરી આપવા માગે છે. આ દેશોમાં કુશળ વ્યાવસાયિકોના અભાવને કારણે આ દેશો અન્ય દેશો પર નિર્ભર છે. કન્સ્ટ્રક્શન સેક્ટર, હેલ્થકેર સેક્ટર, ટુરિઝમ ઈન્ડસ્ટ્રી, હૉસ્પિટાલિટી, એજ્યુકેશન અને ટ્રાન્સપોર્ટ જેવાં ઘણાં સેક્ટર છે જ્યાં આજે વિદેશોમાં ઘણી માગ છે. તેથી, આજે ભારત માત્ર પોતાના માટે જ નહીં પરંતુ વિશ્વ માટે પણ કુશળ વ્યાવસાયિકો તૈયાર કરી રહ્યું છે.

આ નવાં કૌશલ્ય વિકાસ કેન્દ્રો જે મહારાષ્ટ્રનાં ગામડાઓમાં ખોલવામાં આવી રહ્યાં છે તે પણ યુવાનોને વિશ્વભરની તકો માટે તૈયાર કરશે. આ કેન્દ્રોમાં બાંધકામ ક્ષેત્ર સાથે સંબંધિત કૌશલ્યો શીખવવામાં આવશે. આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેતી કેવી રીતે થાય તેને લગતાં કૌશલ્યો શીખવવામાં આવશે. મહારાષ્ટ્રમાં મીડિયા અને એન્ટરટેઈનમેન્ટનું કામ એટલું મોટું કામ છે. આ માટે પણ વિશેષ તાલીમ આપતાં અનેક કેન્દ્રો સ્થાપવામાં આવશે. આજે ભારત ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેરનું બહુ મોટું હબ બની રહ્યું છે. આવી સ્થિતિમાં ડઝનબંધ કેન્દ્રો પર આ ક્ષેત્ર સાથે સંબંધિત કૌશલ્યો પણ શીખવવામાં આવશે. હું મહારાષ્ટ્રના યુવાનોને આ કૌશલ્ય વિકાસ કેન્દ્રો માટે ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું અને તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

અને હું સરકારને પણ આગ્રહ કરીશ, શિંદેજી અને તેમની આખી ટીમને કે આપણે તેમના કૌશલ્ય વિકાસ માટે સોફ્ટ-ટ્રેનિંગ તરફ પણ થોડો સમય ફાળવવો જોઈએ. જેમાં, જો આપણા આ નવયુવાનોને વિદેશ જવાનો મોકો મળે, તો સામાન્ય વ્યવહારની જે વાતો હોય છે, જે અનુભવ હોય છે, દુનિયામાં કામ આવે એવા 10-20 સારા વાક્યોનો ઉપયોગ કરવાનો હોય અથવા AI દ્વારા તેમને દુભાષિયા તરીકે ભાષાની સમસ્યા ન આવે, તો આ બધી વસ્તુઓ વિદેશ જતા લોકો માટે ખૂબ જ ઉપયોગી થાય છે. અને આ રીતે, જેઓ પહેલેથી જ તૈયાર હોય છે, કંપનીઓ પણ તેમને ઝડપથી ભરતી કરે છે જેથી તેઓ ત્યાં ગયા પછી તરત જ આ કામ માટે લાયક બની જાય છે. તેથી હું ઈચ્છું છું કે સોફ્ટ-સ્કીલ્સ માટે પણ થોડી જોગવાઈ કરવામાં આવે, કેટલાક ઓનલાઈન મોડ્યુલ વિકસાવવામાં આવે, જો આ બાળકો બાકીના સમયમાં ઓનલાઈન પરીક્ષા આપતા રહે તો બની શકે છે કે તેમનામાં કોઈ વિશેષ વિદ્યાનો વિકાસ થાય.

સાથીઓ,

લાંબા સમય સુધી, સરકારો પાસે કૌશલ્ય વિકાસ અંગે ન તો એવી ગંભીરતા હતી કે ન તો એવી દૂરદર્શિતા હતી. આના કારણે આપણા યુવાનોએ બહુ મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. ઉદ્યોગમાં માગ હોવા છતાં, યુવાનોમાં ટેલેન્ટ હોવા છતાં, કૌશલ્ય વિકાસના અભાવે યુવાનો માટે નોકરી મેળવવી અત્યંત મુશ્કેલ બની ગઈ હતી. આ અમારી સરકાર છે જેણે યુવાનોમાં કૌશલ્ય વિકાસની ગંભીરતા સમજી છે. અમે કૌશલ્ય વિકાસ માટે એક અલગ મંત્રાલય બનાવ્યું છે, અને ભારતમાં પ્રથમ વખત, આ એક વિષય માટે એક સમર્પિત મંત્રાલય છે, જેનો અર્થ છે કે દેશના નવયુવાનોને સમર્પિત એક નવું મંત્રાલય છે. અલગ બજેટ નક્કી કર્યું અને ઘણી યોજનાઓ શરૂ કરી. કૌશલ્ય વિકાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં 1 કરોડ 30 લાખથી વધુ યુવાનોને વિવિધ ટ્રેડ્સમાં તાલીમ આપવામાં આવી છે. સરકારે દેશભરમાં સેંકડો પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્રો પણ સ્થાપ્યાં છે.

સાથીઓ,

કૌશલ્ય વિકાસના આવા પ્રયાસોથી સામાજિક ન્યાય પણ ખૂબ જ મજબૂત બન્યો છે. બાબા સાહેબ આંબેડકર પણ સમાજના નબળા વર્ગોના કૌશલ્ય વિકાસ પર ખૂબ ભાર મૂકતા હતા. બાબા સાહેબનું ચિંતન જમીની વાસ્તવિકતા સાથે જોડાયેલ હતું. તેઓ એ વાત સારી રીતે જાણતા હતા કે આપણા દલિત અને વંચિત ભાઈ-બહેનો પાસે એટલી જમીનો નથી. દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓને ગૌરવપૂર્ણ જીવન મળે તે માટે તેઓ ઔદ્યોગિકીકરણ પર ખૂબ ભાર મૂકતા હતા. અને ઉદ્યોગોમાં કામ કરવા માટેની સૌથી આવશ્યક શરત છે સ્કીલ-કૌશલ્ય. ભૂતકાળમાં, સમાજના આ જ વર્ગો મોટી સંખ્યામાં કૌશલ્યોના અભાવે સારાં કામ અને સારી રોજગારીથી વંચિત હતા. અને આજે ભારત સરકારની કૌશલ્ય યોજનાઓનો સૌથી વધુ લાભ ગરીબ, દલિત, પછાત અને આદિવાસી પરિવારોને જ મળી રહ્યો છે.

સાથીઓ,

માતા સાવિત્રીબાઈ ફુલેએ ભારતમાં મહિલાઓનાં શિક્ષણ માટે સામાજિક બંધનોને તોડવાનો માર્ગ બતાવ્યો હતો. તેમનો અતૂટ વિશ્વાસ હતો કે જેમની પાસે જ્ઞાન અને કૌશલ્ય હોય છે તે જ સમાજમાં પરિવર્તન લાવી શકે છે. માતા સાવિત્રીબાઈની પ્રેરણાથી સરકાર દીકરીઓનાં શિક્ષણ અને તાલીમ પર પણ સમાન ભાર મૂકી રહી છે. આજે ગામેગામ મહિલાઓને સ્વ-સહાય જૂથો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. મહિલા સશક્તીકરણ કાર્યક્રમ હેઠળ 3 કરોડથી વધુ મહિલાઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે. હવે દેશ ડ્રોન દ્વારા ખેતી અને વિવિધ કાર્યોને પણ પ્રોત્સાહિત કરી રહ્યો છે. આ માટે પણ ગામની બહેનોને વિશેષ તાલીમ આપવામાં આવશે.

સાથીઓ,

આપણે ત્યાં દરેક ગામમાં એવા પરિવારો છે, જેઓ પેઢી દર પેઢી પોતાના હુન્નરને આગળ ધપાવે છે. એવું કયું ગામ હશે કે જ્યાં વાળ કાપનાર, જૂતાં બનાવનાર, કપડાં ધોનાર, કડિયા, સુથાર, કુંભાર, લુહાર, સુવર્ણકાર વગેરે જેવા કુશળ કુટુંબો ન હોય. આવા પરિવારોને ટેકો આપવા માટે જ, હવે ભારત સરકારે પીએમ વિશ્વકર્મા યોજના પણ શરૂ કરી છે, જેનો ઉલ્લેખ અજીત દાદાએ પણ હમણાં કર્યો. આ અંતર્ગત સરકાર તાલીમથી લઈને આધુનિક સાધનો અને કામને આગળ વધારવા માટે દરેક સ્તરે આર્થિક મદદ કરી રહી છે. કેન્દ્ર સરકાર આના પર 13 હજાર કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહી છે. મને કહેવામાં આવ્યું છે કે આ 500થી વધુ ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રો જે મહારાષ્ટ્રમાં બનવા જઈ રહ્યાં છે તે પણ પીએમ વિશ્વકર્મા યોજનાને આગળ વધારશે. આ માટે હું ખાસ કરીને મહારાષ્ટ્ર સરકારને અભિનંદન આપીશ.

સાથીઓ,

કૌશલ્ય વિકાસ માટેના આ પ્રયાસો વચ્ચે આપણે એ પણ વિચારવું પડશે કે ક્યાં ક્ષેત્રોમાં કૌશલ્ય વધારવાથી દેશને તાકાત મળશે. જેમ આજે મૅન્યુફેક્ચરિંગમાં સારી ગુણવત્તાની પ્રોડક્ટ, શૂન્ય ખામીવાળાં ઉત્પાદનો દેશની આવશ્યકતા છે. ઇન્ડસ્ટ્રી 4.0 માટે નવાં કૌશલ્યોની જરૂર છે. સર્વિસ સેક્ટર, નોલેજ ઈકોનોમી અને આધુનિક ટેક્નૉલોજીને ધ્યાનમાં રાખીને સરકારોએ પણ નવાં કૌશલ્યો પર ભાર મૂકવો પડશે. આપણે જોવાનું છે કે કેવા પ્રકારનાં ઉત્પાદનોનું ઉત્પાદન આપણને આત્મનિર્ભરતા તરફ લઈ જશે. આપણે આવાં ઉત્પાદનોનાં ઉત્પાદન માટે જરૂરી કૌશલ્યોને પ્રોત્સાહન આપવું પડશે.

સાથીઓ,

ભારતના કૃષિ ક્ષેત્રને પણ આજે નવાં કૌશલ્યોની ખૂબ જ જરૂર છે. રાસાયણિક ખેતી દ્વારા આપણી ધરતી માતા, આપણી ધરતી મા પર બહુ અત્યાચાર થઈ રહ્યો  છે. ધરતીને બચાવવા માટે કુદરતી ખેતી જરૂરી છે અને આ માટે પણ કૌશલ્ય જરૂરી છે. ખેતીમાં પાણીનો સંતુલિત ઉપયોગ કેવી રીતે થાય, એ માટે પણ નવી કુશળતા ઉમેરવી જરૂરી છે. આપણે કૃષિ ઉત્પાદનોની પ્રક્રિયા કરવા, તેમાં મૂલ્ય ઉમેરવા, તેનું પૅકેજિંગ, તેનું બ્રાન્ડિંગ અને તેને ઑનલાઇન વિશ્વ સુધી પહોંચાડવા માટે પણ નવી કુશળતા આવશ્યક છે, જરૂરી છે. તેથી, દેશની વિવિધ સરકારોએ તેમના કૌશલ્ય વિકાસનો વ્યાપ વધુ વિસ્તારવો પડશે. મને વિશ્વાસ છે કે કૌશલ્ય વિકાસ અંગેની આ સભાનતા આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતનાં નિર્માણમાં મોટી ભૂમિકા ભજવશે.

હું ફરી એકવાર શિંદેજી અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તેમને શુભેચ્છા પાઠવું છું. અને જે નવયુવાન દીકરા-દીકરીઓ કૌશલ્યના માર્ગ પર આવ્યા છે, વિચારી રહ્યા છે અને જવા માગે છે, મને લાગે છે કે તેઓએ સાચો રસ્તો પસંદ કર્યો છે. પોતાનાં આ કૌશલ્ય દ્વારા, પોતાની આ ક્ષમતા દ્વારા તે પોતાના પરિવારને પણ ઘણું બધું આપી શકે છે અને દેશને પણ ઘણું બધુ આપી શકે છે. હું ખાસ કરીને આ તમામ યુવાન દીકરા-દીકરીઓને અનેક શુભેચ્છાઓ પાઠવું છું.

તમને એક અનુભવ કહું, એકવાર હું સિંગાપોર ગયો હતો અને સિંગાપોરના પ્રધાનમંત્રી સાથે મારો એક કાર્યક્રમ બન્યો, મારું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત હતું, ઘણાં રોકાણો હતાં પરંતુ તેમનો આગ્રહ હતો કે ગમે તેમ કરીને મારા માટે થોડો સમય કાઢો. તેથી, તે પ્રધાનમંત્રીની વિનંતી હતી તેથી મેં કહ્યું ઠીક છે, હું થોડી ગોઠવણ કરીશ. મેં અને અમારી ટીમે બધું ઘડી કાઢ્યું, ગોઠવણ કરી અને શું અને કોના માટે સમય માગ્યો, તેઓ મને સિંગાપોરમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર જોવા લઈ ગયા, જે આપણે ત્યાં ITI હોય છે એવું જ, અને તેઓ મને ખૂબ ગર્વ સાથે બતાવી રહ્યા હતા, તેઓ કહી રહ્યા હતા કે મેં તેને મોટા દિલથી બનાવ્યું છે અને એક સમય હતો જ્યારે લોકોને આ પ્રકારની સંસ્થામાં આવીને સામાજિક રીતે પ્રતિષ્ઠા મળતી ન હતી, તેઓ શરમ અનુભવતા, તેઓ વિચારતા હતા કે ઓહ તો તમારું બાળક કૉલેજમાં નથી ભણતું. આમ નથી કરતું, ત્યાં જાય છે, પરંતુ કહ્યું જ્યારથી મારું આ કૌશલ્ય કેન્દ્ર વિકસિત થયું છે, મોટા મોટા પરિવારનાં લોકો પણ મને ભલામણ કરે છે કે તેમનાં ઘરોમાં અને તેમના પરિવારમાં પણ કુશળતા માટે આમાં પ્રવેશ મળે. અને ખરેખર તેઓએ તેના પર ખૂબ સરસ ધ્યાન આપ્યું પરંતુ તેના કારણે તેની પ્રતિષ્ઠા વધી. આપણા દેશમાં પણ શ્રમને પ્રતિષ્ઠા,  'શ્રમેવ જયતે', આ જે આપણું કુશળ માનવબળ છે તેની પ્રતિષ્ઠા વધારવી એ સમાજની પણ ફરજ છે.

ફરી એકવાર, હું આ તમામ યુવાનોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને મને તમારા આ કાર્યક્રમમાં આવવાની તક મળી, આ લાખોની સંખ્યામાં, હું જોઇ રહ્યો છું ચારે બાજુ માત્ર નવયુવાનો જ નવયુવાનો દેખાય છે. એ તમામ નવયુવાનોને મળવાનો મોકો આપ્યો. હું મંગલ પ્રભાતજીનો અને શિંદેજીની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું.

નમસ્કાર.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1969261) Visitor Counter : 128