પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશનાં વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો


ક્રિકેટના મહાન ખેલાડીઓ આ પ્રસંગની શોભા વધારે છે

"શિવ શક્તિનું એક સ્થાન ચંદ્ર પર છે, જ્યારે બીજું એક અહીં કાશીમાં છે"

"કાશીમાં આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમની ડિઝાઇન ભગવાન મહાદેવને સમર્પિત છે"

"જ્યારે રમતગમતનું માળખું ઊભું કરવામાં આવે છે, ત્યારે તે માત્ર રમતગમતની યુવા પ્રતિભાને પોષવા પર જ હકારાત્મક અસર નથી કરતું, પરંતુ સ્થાનિક અર્થતંત્ર માટે પણ શુભ સંકેત આપે છે"

"હવે રાષ્ટ્રનો મૂડ છે - જો ખેલેગા વો હી ખિલેગા"

"સરકાર શાળાથી લઈ ઑલિમ્પિક પૉડિયમ પર ટીમના સભ્યની જેમ ખેલાડીઓ સાથે આગળ વધે છે"

"નાનાં શહેરો અને ગામડાંઓમાંથી આવતા યુવાનો આજે દેશનું ગૌરવ બની ગયા છે"

"રાષ્ટ્રના વિકાસ માટે રમતગમતનાં માળખાનું વિસ્તરણ આવશ્યક છે"

Posted On: 23 SEP 2023 3:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો હતો. વારાણસીના ગંજારી, રાજાતલાબમાં આશરે 450 કરોડના ખર્ચે આ આધુનિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે અને તે 30 એકરથી વધુ વિસ્તારમાં પથરાયેલું હશે.

અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ફરી એક વખત વારાણસીની મુલાકાત લેવાની તક મળતાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આ શહેરનો આનંદ શબ્દોથી પર છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગયા મહિનાની 23મી તારીખે જ્યાં ચંદ્રયાને ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું, એ ચંદ્રના શિવ શક્તિ પોઇન્ટ પર ભારત પહોંચ્યાનાં બરાબર એક મહિના પછી તેઓ એ જ દિવસે કાશીની મુલાકાત લઈ રહ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "શિવ શક્તિનું એક સ્થળ ચંદ્ર પર છે, જ્યારે બીજું સ્થળ કાશીમાં છે," તેમણે આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ બદલ દરેકને અભિનંદન આપ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ આ સ્થળનાં મહત્ત્વની પણ નોંધ લીધી હતી, જે માતા વિંધ્યાવાસિનીના માર્ગના આંતરછેદ પર આવેલું છે અને રાજ નારાયણજીનાં ગામ મોતીકોટ સાથે તેની નિકટતા છે.

પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, ભગવાન મહાદેવને સમર્પિત આ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમની ડિઝાઇનથી કાશીના નાગરિકોમાં ગર્વની લાગણી જન્મી છે. તેમણે કહ્યું કે, સ્ટેડિયમમાં શાનદાર ક્રિકેટ મેચો જોવા મળશે જ્યારે યુવા ઍથ્લીટ્સને આંતરરાષ્ટ્રીય ધોરણો ધરાવતાં સ્ટેડિયમમાં ટ્રેનિંગ લેવાની તક મળશે. તેમણે ઉમેર્યું હતું કે, "એનાથી કાશીના નાગરિકોને મોટો લાભ થશે."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ક્રિકેટનાં માધ્યમથી દુનિયા ભારત સાથે જોડાઈ રહી છે અને ઘણા નવા દેશો ક્રિકેટ રમી રહ્યા છે, જેનાં પગલે મોટી સંખ્યામાં મેચો રમાશે. તેમણે કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ આગામી વર્ષોમાં સ્ટેડિયમોની વધતી માગને પૂર્ણ કરશે. પ્રધાનમંત્રીએ બીસીસીઆઇનાં યોગદાન બદલ બીસીસીઆઇનો પણ આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રકારના રમતગમત સાથે સંબંધિત માળખાગત સુવિધાઓના વિકાસની રમત-ગમત પર સકારાત્મક અસર થવાની સાથે પ્રાદેશિક અર્થતંત્ર પર પણ સકારાત્મક અસર પડે છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આ પ્રકારના વિકાસથી વધારે મુલાકાતીઓ આવે છે, જેનાથી આ વિસ્તારમાં હૉટેલ્સ, ખાણીપીણીની લારીઓ, રિક્ષાઓ અને ઑટો ડ્રાઇવરો તેમજ હલેસા મારનારા જેવાં ક્ષેત્રોને મોટો લાભ થાય છે. તેમણે પ્રકાશ પાડ્યો કે તેની રમતગમત કૉચિંગ અને મેનેજમેન્ટ સંસ્થાઓ પર પણ સકારાત્મક અસર પડે છે, જેનાથી યુવાનોને સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ્સમાં સાહસ કરવાનો માર્ગ મોકળો થાય છે. તેમણે ફિઝિયોથેરાપીના અભ્યાસક્રમો અંગે પણ વાત કરી અને કહ્યું કે, આગામી દિવસોમાં વારાણસીમાં એક નવો રમતગમત ઉદ્યોગ આકાર લે તેવી અપેક્ષા છે.

પ્રધાનમંત્રીએ માતા-પિતાઓમાં રમતગમત પ્રત્યેનાં બદલાતાં વલણ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "હવે રાષ્ટ્રનો મૂડ છે – જો ખેલેગા વો હી ખિલેગા (જે રમશે તે ખીલશે)." પ્રધાનમંત્રીએ તાજેતરમાં શહડોલની તેમની મુલાકાત અને ત્યાંનાં આદિવાસી ગામમાં યુવાનો સાથેની તેમની વાતચીતને યાદ કરી હતી તથા ત્યાંના 'મિની બ્રાઝિલ' માટેના સ્થાનિક ગૌરવ અને ત્યાંના ફૂટબૉલ પ્રત્યેના તેમના ઊંડા પ્રેમને યાદ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કાશીમાં રમતગમતમાં થયેલાં પરિવર્તનનું વર્ણન પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ પ્રયાસ કાશીના યુવાનોને રમતગમતની વૈશ્વિક કક્ષાની સુવિધાઓ પ્રદાન કરવાનો છે. એટલા માટે આ સ્ટેડિયમની સાથે 400 કરોડ રૂપિયા સિગરા સ્ટેડિયમ પર ખર્ચ કરવામાં આવી રહ્યા છે, જ્યાં 50થી વધુ રમતો માટે સુવિધાઓ વિકસિત કરવામાં આવી રહી છે. આ પ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ કૉમ્પલેક્ષ બનવા જઈ રહ્યું છે જે દિવ્યાંગોને અનુકૂળ હશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવાં નિર્માણની સાથે-સાથે જૂની વ્યવસ્થાઓમાં પણ સુધારો થઈ રહ્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની રમતગમતની તાજેતરની સફળતા બદલાયેલા અભિગમને આભારી છે, કારણ કે અત્યારે રમતગમતને યુવાનોની ફિટનેસ, રોજગારી અને કારકિર્દી સાથે જોડવામાં આવે છે. 9 વર્ષ પહેલાની સરખામણીએ આ વર્ષે સ્પોર્ટ્સ બજેટમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે.  ખેલો ઇન્ડિયાનાં બજેટમાં ગયાં વર્ષની સરખામણીએ આશરે 70 ટકાનો વધારો થયો છે. સરકાર શાળાથી ઑલિમ્પિક પૉડિયમ સુધી ટીમના સભ્યની જેમ રમતવીરો સાથે આગળ વધે છે." તેમણે કન્યાઓની વધતી જતી ભાગીદારી અને ટોપ્સ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં ભારતે આ વર્ષની એડિશનમાં વધારે મેડલ્સ જીતીને ઇતિહાસ રચ્યો છે, જેમાં તેની સંપૂર્ણ સહભાગિતામાં મેળવેલા તમામ મેડલ્સની કુલ સંખ્યાની સરખામણીમાં ભારતે આ વર્ષની એડિશનમાં વધારે મેડલ્સ જીતીને ઇતિહાસ રચ્યો છે. પ્રધાનમંત્રીએ આગામી એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહેલા રમતવીરોને પણ શુભેચ્છા પાઠવી હતી.

શ્રી મોદીએ દેશનાં દરેક ગામ, શહેર અને ખૂણામાં રમતગમતની સંભવિતતાની હાજરીનો સ્વીકાર કર્યો હતો અને તેમને શોધવાની અને તેમની કુશળતા વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. "નાનાં શહેરો અને ગામડાંઓમાંથી આવતા યુવાનો આજે રાષ્ટ્રનું ગૌરવ બની ગયા છે," એમ શ્રી મોદીએ જણાવતા તેમના માટે વધુને વધુ તકો ઊભી કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે ખેલો ઇન્ડિયાનું ઉદાહરણ આપ્યું હતું, જ્યાં સ્થાનિક પ્રતિભાઓની ઓળખ કરવામાં આવે છે અને સરકાર તેમને આંતરરાષ્ટ્રીય સ્તરના રમતવીરોમાં પરિવર્તિત કરવા આતુર છે. આ પ્રસંગે રમતગમત ક્ષેત્રના દિગ્ગજોની હાજરીને બિરદાવતાં પ્રધાનમંત્રીએ કાશી પ્રત્યે તેમના સ્નેહ માટે તેમનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "નવી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા અને વિકસાવવા માટે સારા કૉચ અને સારું કૉચિંગ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવનારા ઍથ્લીટ્સને કૉચની ભૂમિકા નિભાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં યુવાનોને વિવિધ સ્પોર્ટ્સ અને રમતો સાથે જોડવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે, નવું માળખું નાનાં શહેરો અને ગામડાંઓનાં રમતવીરોને નવી તકો પ્રદાન કરશે. તેમણે ખેલો ઇન્ડિયા અંતર્ગત ઊભી થયેલી માળખાગત સુવિધાઓથી કન્યાઓને લાભ થાય છે એ બદલ ખુશી વ્યક્ત કરી હતી.

તેમણે માહિતી આપી હતી કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ રમતગમતને ઈત્તર પ્રવૃત્તિને બદલે યોગ્ય વિષય તરીકે ગણવામાં આવે છે. મણિપુરમાં સૌ પ્રથમ નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં પણ રમતગમત સાથે સંબંધિત માળખાગત સુવિધાઓનાં વિસ્તરણ માટે હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમણે ગોરખપુરમાં સ્પોર્ટ્સ કૉલેજનાં વિસ્તરણ અને મેરઠમાં મેજર ધ્યાનચંદ યુનિવર્સિટીની સ્થાપનાનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "દેશના વિકાસ માટે રમતગમત સાથે સંબંધિત માળખાગત સુવિધાઓનું વિસ્તરણ આવશ્યક છે." તેમણે દેશની પ્રતિષ્ઠા માટે તેનાં મહત્ત્વ પર નોંધ લીધી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, દુનિયાનાં કેટલાંક શહેરો વૈશ્વિક રમતોત્સવનાં આયોજન માટે જાણીતાં છે અને આ પ્રકારના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવા સક્ષમ રમતગમતનું માળખું દેશમાં વિકસાવવા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સ્ટેડિયમ વિકાસના આ સંકલ્પનું સાક્ષી બનશે, જે માત્ર ઇંટો અને કૉંક્રિટનું માળખું જ નહીં હોય, પણ ભારતનાં ભવિષ્યનું પ્રતીક પણ બનશે.

પ્રધાનમંત્રીએ કાશીનાં લોકોને શહેરમાં ચાલી રહેલા તમામ વિકાસલક્ષી પ્રયાસોનો શ્રેય આપ્યો હતો. "કાશીમાં તમારા વિના કશું જ પ્રાપ્ત થઈ શકતું નથી. તમારાં સમર્થન અને આશીર્વાદથી અમે કાશીના વિકાસના નવા અધ્યાયો લખવાનું ચાલુ રાખીશું," એમ પ્રધાનમંત્રીએ સમાપન કર્યું હતું.

આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, બીસીસીઆઇના અધ્યક્ષ શ્રી રોજર બિન્ની, બીસીસીઆઇના સેક્રેટરી શ્રી જય શાહ, બીસીસીઆઇના વાઇસ પ્રેસિડન્ટ શ્રી રાજીવ શુક્લા, સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી, કપિલ દેવ, દિલીપ વેંગસરકર, મદનલાલ, ગુંડપ્પા વિશ્વનાથ અને ગોપાલ શર્મા સહિતના ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડીઓ તથા ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચાદભૂમિકા

વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ આધુનિક વૈશ્વિક કક્ષાની રમતગમત માળખાગત સુવિધા વિકસાવવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને સાકાર કરવાની દિશામાં એક પગલું હશે. વારાણસીના ગંજારી, રાજાતલાબમાં આશરે 450 કરોડના ખર્ચે આધુનિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે અને તે 30 એકરથી વધુ વિસ્તારમાં પથરાયેલું હશે. આ સ્ટેડિયમનું થિમેટિક આર્કિટેક્ચર ભગવાન શિવ પાસેથી પ્રેરણા લે છે, જેમાં અર્ધચંદ્રાકારના છતના કવર, ત્રિશૂળ આકારની લાઇટ્સ, ઘાટના પગથિયા-આધારિત બેઠક અને અગ્રભાગ પર બિલ્વીપત્ર આકારની ધાતુની ચાદરો માટે ડિઝાઇન વિકસાવવામાં આવી છે. આ સ્ટેડિયમમાં 30,000 પ્રેક્ષકોની ક્ષમતા હશે.

CB/GP/JD



(Release ID: 1959895) Visitor Counter : 172