પ્રધાનમંત્રીનું કાર્યાલય

બેંગલુરુમાં ઇસરોનાં કેન્દ્રમાંથી પરત ફર્યા બાદ દિલ્હીમાં જનમેદનીને પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

Posted On: 26 AUG 2023 3:30PM by PIB Ahmedabad

ભારત માતા કી જય.

ભારત માતા કી જય.

ભારત માતા કી જય.

આજે સવારે હું બેંગલુરુમાં હતો, ખૂબ જ વહેલી સવારે પહોંચ્યો હતો અને નક્કી કર્યું હતું કે ભારત જઈને દેશને આટલી મોટી સિદ્ધિ અપાવનારા વૈજ્ઞાનિકોનાં દર્શન કરું અને અને તેથી હું વહેલી સવારે ત્યાં ગયો. પરંતુ જે રીતે જનતા જનાર્દને સવારથી જ સૂર્યોદય થાય એ પહેલાં જ હાથમાં ત્રિરંગો લઈને ચંદ્રયાનની સફળતાની જે રીતે ઉજવણી કરી ખૂબ જ પ્રેરણાદાયક હતું અને હવે સખત તાપમાં સૂર્ય બરાબર તપી રહ્યો છે અને આ મહિનાનો તાપ તો સૂર્ય ચામડીને પણ ચીરી નાખે છે. આટલા સખત તાપમાં આપ સૌનું અહીં આવવું અને ચંદ્રયાનની સફળતાની ઉજવણી કરવી અને મને પણ આ ઉજવણીનો ભાગ બનવાનું સૌભાગ્ય મળે, એ પણ મારું સૌભાગ્ય છે. અને તે માટે હું આપ સૌને અભિનંદન આપું છું.

આજે જ્યારે હું સવારે ઇસરો પર પહોંચ્યો ત્યારે મને પણ ચંદ્રયાન દ્વારા જે તસવીરો લેવામાં આવી હતી એ તસવીરોને પહેલી વાર રિલીઝ કરવાનું પણ સૌભાગ્ય મને મળ્યું. કદાચ હવે તો તમે પણ તે તસવીરો ટીવી પર જોઈ હશે. એ સુંદર તસવીરો, પોતાનામાં જ એક બહુ જ મોટી વૈજ્ઞાનિક સફળતાની જીવતી જાગતી તસવીર આપણી સમક્ષ પ્રસ્તુત થઈ. સામાન્ય રીતે દુનિયામાં એવી પરંપરા છે કે આ પ્રકારનાં સફળ અભિયાનની સાથે તેમને કેટલાક પોઈન્ટને નામ આપવામાં આવે છે, તેથી ઘણું વિચાર્યા પછી મને લાગ્યું કે ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યું છે તેને એક નામ આપવામાં આવ્યું અને તે નામ આપવામાં આવ્યું છે 'શિવ શક્તિ' અને જ્યારે શિવની વાત આવે છે, ત્યારે તે શુભમ હોય છે અને જ્યારે શક્તિની વાત આવે છે, ત્યારે તે મારા દેશની નારી શક્તિની વાત હોય છે. જ્યારે શિવની વાત આવે છે ત્યારે હિમાલય યાદ આવે છે અને જ્યારે શક્તિની વાત થાય છે, ત્યારે કન્યાકુમારી યાદ આવે છે, હિમાલયથી કન્યાકુમારી સુધીની આ ભાવનાને એ પોઇન્ટમાં પ્રતિબિંબિત કરવા માટે, તેનું નામ 'શિવ શક્તિ' નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે જ 2019માં, ચંદ્રયાન-2, તે સમયે આ નામ રાખવાની ચર્ચા મારી સામે આવી હતી, પરંતુ મન તૈયાર નહોતું, અંદર ને અંદર મને સંકલ્પ કર્યો હતો કે જ્યારે આપણે આપણી યાત્રામાં સાચા અર્થમાં સફળ થઈશું ત્યારે પોઈન્ટ 2ને પણ નામ મળશે. અને ચંદ્રયાન-3માં સફળ થયા તેથી આજે ચંદ્રયાન-2નો જે પોઇન્ટ હતો એનું પણ નામકરણ કર્યું અને અને તે બિંદુનું નામ રાખ્યું છે  'તિરંગા'. દરેક સંકટ સામે ઝઝૂમવાનું સામર્થ્ય તિરંગા આપે છે, તિરંગો દરેક સ્વપ્નને સાકાર કરવાની પ્રેરણા આપે છે અને તેથી ચંદ્રયાન 2માં વિફળતા મળી, ચંદ્રયાન 3માં સફળતા મળી તો  પ્રેરણા બન્યો તિરંગો. અને તેથી ચંદ્રયાન-2નાં બિંદુને હવે તિરંગા તરીકે ઓળખવામાં આવશે. આજે સવારે મેં એક વધુ મહત્વની વાત કહી છે કે 23 ઑગસ્ટ ભારતની વૈજ્ઞાનિક વિકાસ યાત્રામાં એક સીમાચિહ્નરૂપ છે અને તેથી દર વર્ષે ભારત 23 ઑગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવશે.

સાથીઓ,

હું તાજેતરમાં જ બ્રિક્સ શિખર સંમેલન માટે દક્ષિણ આફ્રિકામાં હતો, આ વખતે દક્ષિણ આફ્રિકાનાં બ્રિક્સ શિખર સંમેલનની સાથે સાથે સમગ્ર આફ્રિકાને ત્યાં આમંત્રિત કરવામાં આવ્યું હતું. અને બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ્યે જ દુનિયાની એવી કોઈ વ્યક્તિ હશે, જેણે ચંદ્રયાન વિશે વાત ન કરી હોય, અભિનંદન ન આપ્યા હોય અને મને ત્યાં જે અભિનંદન મળ્યા છે, તે મેં પહોંચતા જ તમામ વૈજ્ઞાનિકોને સુપરત કરી દીધા છે અને હું તમને બધાને પણ એ સુપરત કરી રહ્યો છું કે આખી દુનિયાએ અભિનંદન પાઠવ્યાં છે.

સાથીઓ,

દરેક વ્યક્તિ એ જાણવાનો પ્રયાસ કરતો હતો ચંદ્રયાનની આ સફર વિશે, આ કાલાતીત સિદ્ધિ વિશે અને નવા ભારત, નવાં સપનાઓ, નવા સંકલ્પો અને નવી સિદ્ધિઓ, એક પછી એક, દુનિયાની અંદર એક નવો પ્રભાવ, આપણા ભારતીય તિરંગાનું સામર્થ્ય આપણી સફળતાઓના આધારે, સિદ્ધિઓના આધારે આજે દુનિયા અનુભવ પણ કરી રહી છે, સ્વીકાર પણ કરી રહી છે અને સન્માન પણ આપી રહી છે.  

સાથીઓ,

બ્રિક્સ સમિટ બાદ મારે ગ્રીસ જવાનું થયું, 40 વર્ષ વીતી ગયા છે જ્યારે કોઈ ભારતીય પ્રધાનમંત્રીએ ગ્રીસની મુલાકાત લીધી ન હતી. આ મારું સદ્‌ભાગ્ય છે કે ઘણાં કામ જે બાકી રહી જાય છે તે મારે જ કરવા પડે છે. ગ્રીસમાં પણ જે રીતે ભારતનું માન- સન્માન, ભારતનું સામર્થ્ય  અને ગ્રીસને લાગે છે કે ભારત અને ગ્રીસ વચ્ચેની મિત્રતા, ગ્રીસ એક રીતે યુરોપનું પ્રવેશદ્વાર બનશે અને ભારત અને ગ્રીસની દોસ્તી, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના સંબંધોને મજબૂતી આપવાનું ખૂબ મોટું માધ્યમ બનશે.

સાથીઓ,

આવનારા દિવસોમાં આપણી પણ કેટલીક જવાબદારીઓ છે. વૈજ્ઞાનિકોએ આપણું કામ કર્યું છે. ઉપગ્રહ હોય, ચંદ્રયાનની યાત્રા હોય, સામાન્ય માણસનાં જીવનમાં તેની ખૂબ જ મોટી અસર પડે છે અને તેથી આ વખતે મારા દેશની યુવા શક્તિને વિજ્ઞાન પ્રત્યે રસ વધે, ટેક્નૉલોજીમાં રસ વધે, આપણે આ બાબતને આગળ વધારવાની છે આપણે માત્ર ઉત્સવ, ઉત્સાહ, ઉમંગ, નવી ઊર્જા માત્ર આટલેથી અટકી જનારાં લોકો નથી, આપણે એક સફળતા પ્રાપ્ત કરીએ છીએ તો ત્યાંજ મજબૂત કદમ રાખીને નવી છલાંગ માટે તૈયાર થઈ જઈએ છીએ. અને તેથી, સુશાસન માટે, લાસ્ટ માઇલ ડિલિવરી માટે, સામાન્ય માણસનાં જીવનને સુધારવા માટે આ અવકાશ વિજ્ઞાન કેવી રીતે ઉપયોગી થઈ શકે, આ ઉપગ્રહો કેવી રીતે કામ આવી શકે, આ આપણી યાત્રા કેવી રીતે ઉપયોગી થઈ શકે, તેને આપણે આગળ વધારવાનું છે. અને તેથી જ હું સરકારના તમામ વિભાગોને જાણ કરી રહ્યો છું કે તેઓએ પોતપોતાના સંબંધિત વિભાગોમાં સામાન્ય જનતાને લગતાં કામો છે, એ કામોમાં સ્પેસ સાયન્સનો, સ્પેસ ટેક્નૉલોજીનો અને ઉપગ્રહોની શક્તિનો ઉપયોગ ડિલિવરીમાં કેવી રીતે કરવો જોઈએ, ઝડપી પ્રતિસાદ માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો, પારદર્શિતામાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો, સંપૂર્ણતામાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો, તે તમામ બાબતોની દિશામાં તેઓ તેમની સમસ્યાઓને શોધી કાઢે. અને હું આગામી દિવસોમાં દેશના યુવાનો માટે હૅકાથોનનું આયોજન કરવા માગું છું. તાજેતરમાં, દેશના લાખો વિદ્યાર્થીઓએ ઘણી હેકાથોનમાં 30-30, 40-40 કલાક સુધી નોન-સ્ટોપ કામ કર્યું છે અને મહાન વિચારો આપ્યા છે અને તેમાંથી એક વાતાવરણ ઊભું થયું છે. હું આવનારા દિવસોમાં આવા હેકાથોનની મોટી શ્રેણી ચલાવવા માગું છું જેથી કરીને દેશનું જે  યુવા દિમાગ છે, યુવા પ્રતિભા છે અને જન સામાન્યની તકલીફો છે એનું નિરાકરણ આ સ્પેસ સાયન્સ, સેટેલાઇટ ટેક્નૉલોજીનો ઉપયોગ કરી શકાય, તે દિશામાં આપણે કામ કરીશું. આ સાથે આપણે નવી પેઢીને પણ વિજ્ઞાન તરફ આકર્ષવાની છે. 21મી સદી ટેક્નૉલોજી આધારિત છે અને વિશ્વમાં માત્ર એ જ દેશ આગળ વધવાનો છે જે વિજ્ઞાન અને ટેક્નૉલોજીમાં મહારથ ધરાવતો હોય. અને તેથી 2047માં આપણા દેશને વિકસિત ભારત બનાવવાનાં સ્વપ્નને પાર પાડવા માટે આપણે વિજ્ઞાન અને ટેક્નૉલોજીના માર્ગે વધુ મજબૂતાઈથી આગળ વધીએ તે સમયની માગ છે. આપણી નવી પેઢીને વૈજ્ઞાનિક સ્વભાવ સાથે આગળ વધવા બાળપણથી જ તૈયાર કરવી પડશે. અને તેથી જ આ વિશાળ સફળતા મળી છે, આ જે ઉમંગ છે, જે ઉત્સાહ છે, તેને હવે શક્તિમાં ચેનલાઈઝ કરવાનો છે અને શક્તિમાં ચેનલાઈઝ કરવા માટે, MyGov પર 1 સપ્ટેમ્બરથી ક્વિઝ સ્પર્ધા શરૂ થશે, જેથી આપણા નવયુવાનો નાના નાના સવાલ-જવાબ જોશે તો ધીમે ધીમે તેમાં તેમની રુચિ વધશે. અને નવી શિક્ષણ નીતિમાં વિજ્ઞાન અને ટેક્નૉલોજી માટે ઘણી બધી ભરપૂર વ્યવસ્થા કરવામાં આવી છે. આપણી નવી શિક્ષણ નીતિ એક એવી શિક્ષણ નીતિ છે જે આના પર ઘણો ભાર મૂકે છે અને તેમાં જવાનો માર્ગ બનશે આપણી ક્વિઝ સ્પર્ધા. આજે અહીંથી હું દેશના નવયુવાનોને, મારા દેશના વિદ્યાર્થીઓને અને દરેક શાળાને કહેવા માગું છું કે શાળાનો એક કાર્યક્રમ બને કે ચંદ્રયાનને લગતી આ ક્વિઝ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લે. દેશના કરોડો કરોડો યુવાનો આનો હિસ્સો બને અને જો આપણે તેને આગળ લઈ જઈએ તો મને લાગે છે કે તે ઘણું મોટું પરિણામ આપશે.

આજે તમે બધા મારી સમક્ષ આવ્યા છો, તેથી હું તમારું ધ્યાન બીજી એક બાબત તરફ દોરવા માગું છું. ભારત પ્રત્યે વિશ્વની જિજ્ઞાસા ઘણી વધી છે, આકર્ષણ વધ્યું છે, વિશ્વાસ વધ્યો છે, પરંતુ આ બધું હોવા છતાં, કેટલાક પ્રસંગો એવા હોય છે જ્યારે તેને આ વસ્તુઓનો અહેસાસ થવો જોઈએ. આપણા બધાની સામે તત્કાલ એક અવસર આવવાનો છે અને ખાસ કરીને દિલ્હીના લોકો માટે એક તક આવવાની છે અને તે છે G-20 સમિટ. એક રીતે જોઈએ તો દુનિયાનું ખૂબ જ મોટું  નિર્ણાયક નેતૃત્વ, તે આપણી દિલ્હીની ધરતી પર હશે, ભારતમાં હશે. આખું ભારત યજમાન છે, પણ મહેમાનો તો દિલ્હી આવવાના છે.

આખો દેશ G-20ની યજમાની કરી રહ્યો છે, પરંતુ સૌથી વધુ જવાબદારી મારાં દિલ્હીના ભાઈઓ અને બહેનોની છે, દિલ્હીના મારા નાગરિકોની છે. અને તેથી જ આપણી દિલ્હીએ કરી બતાવવું પડશે કે દેશની પ્રતિષ્ઠાને એક અંશ પણ આંચ ન આવે. મારાં દિલ્હીનાં ભાઈઓ અને બહેનોને દેશની આન-બાન-શાનનો ઝંડો ઊંચો કરવાનું સૌભાગ્ય મળ્યું છે. અને જ્યારે દુનિયાભરમાંથી આટલી મોટી સંખ્યામાં મહેમાનો આવે છે ત્યારે અગવડ તો પડવાની જ છે. જો આપણાં ઘરે 5-7 મહેમાનો આવી જાય તો ઘરનાં લોકો મુખ્ય સોફા પર બેસતા નથી, તેઓ બાજુમાં નાની ખુરશી પર બેસી જાય છે કારણ કે મહેમાનને જગા આપે છે. આપણે ત્યાં પણ 'અતિથિ દેવો ભવ'ના આપણા સંસ્કાર છે, આપણા તરફથી જેટલું વધારે માન, સન્માન સ્વાગત આપણે દુનિયાને આપીશું , એ સન્માન આપણું વધારશે, આપણું ગૌરવ વધારશે, આપણી પ્રતિષ્ઠા વધારશે અને તેથી જ 5મી સપ્ટેમ્બરથી લઈને 15મી તારીખ સુધી અહીં ઘણી બધી પ્રવૃત્તિઓ થવાની છે. દિલ્હીનાં લોકોને આવનારા દિવસોમાં જે અસુવિધાનો સામનો કરવો પડશે તેની ક્ષમાયાચના હું અત્યારે જ કરી લઉં છું અને હું તેમને વિનંતી કરું છું કે આ મહેમાનો આપણા સૌના છે, આપણને થોડી મુશ્કેલી પડશે, થોડી અસુવિધા થશે, બધી ટ્રાફિક વ્યવસ્થા બદલાઈ જશે, ઘણી જગ્યાએ જતા અટકાવવામાં આવશે, પરંતુ કેટલીક વસ્તુઓ જરૂરી હોય છે અને આપણે તો  જાણીએ છીએ કે પરિવારમાં લગ્ન પણ હોયને તો ઘરના બધા લોકો કહે છે, નખ કાપતી વખતે ભલે થોડું લોહી નીકળ્યું હોય, તો પણ લોકો કહેશે, અરે ભાઈ, ધ્યાન રાખજો, ઘરમાં પ્રસંગ છે, કોઈ મોટી ઇજા ન થાય, કંઈ ખરાબ ન થવું જોઈએ. તો આ એક મોટો અવસર છે, એક પરિવાર તરીકે, આ બધા મહેમાનો આપણા છે, આપણા બધાના પ્રયત્નોથી, આપણું G-20 સમિટ શાનદાર હોય, રંગબેરંગી હોય, આપણી આખી દિલ્હી રંગ-રાગથી ભરેલી હોય, આ કામ દિલ્હીનાં મારા નાગરિક ભાઇ-બહેન કરી બતાવશે એ મને પૂરો વિશ્વાસ છે.

મારાં વહાલાં ભાઇઓ-બહેનો, મારા પરિવારજનો

થોડા દિવસો પછી રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. બહેન ભાઈને રાખડી બાંધે છે. અને આપણે તો કહેતા આવ્યા છીએ, ચંદા મામા. નાનપણથી શીખવવામાં આવે છે ચંદા મામા, આપણને નાનપણથી શીખવવામાં આવે છે કે ધરતી માતા, ધરતી માતા છે, ચંદા મામા છે એટલે કે આપણી ધરતી માતા ચંદા મામાની બહેન છે અને આ રાખીનો તહેવાર, આ પૃથ્વી માતા લૂનરને રાખડીનાં રૂપમાં મોકલીને ચંદા મામાની સાથે રાખડીનો તહેવાર મનાવવા જઈ રહી છે. અને તેથી જ આપણે પણ રાખડીનો આવો શાનદાર તહેવાર મનાવીએ, એવા ભાઈચારાનું, એવા બંધુત્વનું, એવું પ્રેમનું વાતાવરણ બનાવીએ જેથી જી-20 સમિટમાં પણ ચારે તરફ આ બંધુત્વ, આ ભાઇચારો, આ પ્રેમ, આ આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાનો દુનિયાને પરિચય કરાવીએ. મને વિશ્વાસ છે કે આવનારા તહેવારો શાનદાર હશે અને સપ્ટેમ્બર મહિનો આપણા માટે અનેક રીતે વિશ્વમાં ફરી એકવાર, આ વખતે ચંદ્રયાનની સફળતાથી વૈજ્ઞાનિકોએ જે ધ્વજ લહેરાવ્યો છે, આપણે દિલ્હીવાસીઓ જી-20ના અતિથિ સત્કારને અદ્‌ભૂત રીતે કરીને આ ઝંડાને નવી તાકાત આપીશું એવો મને પૂરો વિશ્વાસ છે. આવા તાપમાં અહીં આવવા માટે આપ સૌને, આપણા વૈજ્ઞાનિકોના મહોત્સવને સામૂહિક રીતે ઉજવવા માટે ત્રિરંગો લહેરાવવા માટે હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, મારી સાથે બોલો-

ભારત માતા કી જય. ભારત માતા કી જય.

ભારત માતા કી જય.

ખૂબ ખૂબ આભાર.

CB/GP/JD



(Release ID: 1952508) Visitor Counter : 158