પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રોજગાર મેળાને સંબોધન કર્યું

વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી ભરતી થયેલા લોકોને 70,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું

"સરકાર દ્વારા ભરતી થવા માટે આજના કરતા સારો સમય બીજો કોઈ હોઈ શકે નહીં"

"તમારા તરફથી કરવામાં આવેલો નાનકડો પ્રયાસ કોઈનાં જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે"

"આજે ભારત એ દેશોમાં સામેલ છે, જેનાં બૅન્કિંગ ક્ષેત્રને સૌથી મજબૂત માનવામાં આવે છે"

"ખોટ અને એનપીએ માટે જાણીતી બૅન્કોની તેમના રેકોર્ડ નફા માટે ચર્ચા થઈ રહી છે"

"બૅન્કિંગ ક્ષેત્રના લોકોએ મને કે મારાં વિઝનને ક્યારેય નિરાશ કર્યા નથી"

"સામૂહિક પ્રયાસોથી ભારતમાંથી ગરીબી સંપૂર્ણપણે નાબૂદ થઈ શકે છે. અને દેશના દરેક સરકારી કર્મચારીની આમાં મોટી ભૂમિકા છે"

Posted On: 22 JUL 2023 12:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે રાષ્ટ્રીય રોજગાર મેળાને સંબોધન કર્યું હતું અને વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી ભરતી થયેલા લોકોને 70,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. દેશભરમાંથી પસંદ કરવામાં આવેલી નવી ભરતીઓ વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં સરકારમાં જોડાશે, જેમાં મહેસૂલ, નાણાકીય સેવાઓ, પોસ્ટ, શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, સંરક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કેન્દ્રીય જાહેર ક્ષેત્રનાં સાહસો, જળ સંસાધન, કર્મચારી અને તાલીમ અને ગૃહ મંત્રાલય તેમજ અન્યનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીનાં સંબોધન દરમિયાન દેશભરનાં 44 સ્થળોને આ મેળા સાથે જોડવામાં આવ્યાં હતાં.

આ મેળાવડાને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ ભરતી થયેલા યુવાન લોકો માટે જ યાદગાર દિવસ નથી પણ દેશ માટે પણ ઐતિહાસિક દિવસ છે, કારણ કે આજનો દિવસ એ દિવસ છે, જ્યારે તિરંગાને બંધારણ સભાએ વર્ષ 1947માં સૌપ્રથમ વખત તેનાં વર્તમાન સ્વરૂપમાં સ્વીકાર્યો હતો. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ ખૂબ જ પ્રેરણાની વાત છે કે, આ મહત્ત્વપૂર્ણ દિવસે સરકારી સેવાઓ માટે નવી ભરતી થયેલા લોકોને તેમનો નિમણૂક પત્ર મળી રહ્યો છે, સાથે જ તેમણે તેમને દેશનું નામ આગળ વધારવા પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે નવી ભરતી થયેલા લોકોને વિકસિત ભારતનાં લક્ષ્યમાં યોગદાન આપવાની તક મળી રહી છે, તે તેમની મહેનત અને દ્રઢ નિશ્ચયનું પરિણામ છે. પ્રધાનમંત્રીએ આ મહત્ત્વપૂર્ણ પ્રસંગે ભરતી થયેલા લોકોને અને તેમનાં પરિવારજનોને અભિનંદન પાઠવ્યાં હતાં.

આઝાદી કા અમૃત કાલમાં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દરેક નાગરિકે ભારતને 'વિકસિત ભારત' બનાવવાનો સંકલ્પ લીધો છે. તેમણે તાજેતરનાં વર્ષોમાં દુનિયામાંથી ભારત પ્રત્યેનાં વિશ્વાસ, મહત્ત્વ અને આકર્ષણનો મહત્તમ લાભ ઉઠાવવા પર ભાર મૂકતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગામી 25 વર્ષ નવી ભરતી થયેલા લોકો અને દેશ માટે અતિ મહત્ત્વપૂર્ણ છે. તેમણે અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં ભારતના ઉદય પર પ્રકાશ પાડ્યો કેમ કે 10 પરથી છલાંગ લગાવી વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. તેમણે એ વાતનો પણ પુનરોચ્ચાર કર્યો હતો કે, મોટા ભાગના અર્થતંત્ર નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "દુનિયામાં ટોચનાં 3 અર્થતંત્ર બનવું એ ભારત માટે એક મહાન સિદ્ધિ હશે." તેમણે જણાવ્યું હતું કે, તેનાથી દરેક ક્ષેત્રમાં રોજગારીની તકો વધશે અને સામાન્ય નાગરિકોની આવકમાં પણ વધારો થશે. તેમણે ટકોર કરી હતી કે, સરકાર દ્વારા ભરતી થવામાં આજથી વધુ સારો સમય બીજો કોઈ હોઈ શકે નહીં કારણ કે નવા અધિકારીઓને તેના અમૃત કાળમાં દેશની સેવા કરવાની સુવર્ણ તક મળી છે. તેમણે સૂચવ્યું હતું કે, તેઓની પ્રાથમિકતાઓ વિકસિત ભારતનાં લક્ષ્યો સાથે પણ પોતાની જાતને સાંકળી લેવાની સાથે દેશનાં લોકોની સેવા કરવાની અને ઈઝ ઑફ લિવિંગ- જીવન જીવવાની સરળતા વધારવા માટે તેમની સમસ્યાઓનું સમાધાન કરવાની હોવી જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "તમારા તરફથી કરવામાં આવેલો નાનો પ્રયાસ કોઈનાં જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જનતા એ ઈશ્વરનું સ્વરૂપ છે અને તેમની સેવા કરવી એ સ્વયં ઈશ્વરની સેવા કરવા જેવું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નવા ભરતી થયેલાએ સંતોષની સૌથી મોટી લાગણીને મેળવવા માટે અન્યની સેવા કરવાની માન્યતા સાથે કામ કરવું જોઈએ.

આજના કાર્યક્રમમાં સારી સંખ્યામાં ભરતી થઈ છે એવાં બૅન્કિંગ ક્ષેત્ર વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ અર્થતંત્રનાં વિસ્તરણમાં બૅન્કિંગ ક્ષેત્રની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ છેલ્લાં નવ વર્ષની સફરને યાદ કરતાં કહ્યું હતું કે, "અત્યારે ભારત એવા દેશોમાં સામેલ છે, જેમનું બૅન્કિંગ ક્ષેત્ર સૌથી મજબૂત માનવામાં આવે છે." ભૂતકાળમાં આ ક્ષેત્ર પર રાજકીય સ્વાર્થની ખરાબ અસર પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે ભૂતકાળના 'ફોન બૅન્કિંગ'નો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે શક્તિશાળી લોકોના ફોન કૉલ પર લોનનું વિતરણ કરવામાં આવતું હતું. તેમણે કહ્યું હતું કે, આ લોન ક્યારેય ભરપાઇ કરવામાં આવી નથી. આ કૌભાંડોએ દેશનાં બૅન્કિંગ ક્ષેત્રની કમર તોડી નાખી હતી, એમ તેમણે કહ્યું હતું. તેમણે પરિસ્થિતિને ફરીથી પ્રાપ્ત કરવા માટે 2014 પછી લીધેલાં પગલાઓની સૂચિ આપી. તેમણે સરકારી બૅન્કોનાં વ્યવસ્થાપનને મજબૂત કરવા, વ્યાવસાયિકતા પર ભાર મૂકવા અને નાની બૅન્કોને મોટી બૅન્કોમાં એકીકૃત કરવાનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, 5 લાખ સુધીની થાપણોનો વીમો કરીને 99 ટકાથી વધારે થાપણો સુરક્ષિત થઈ ગઈ છે, જે બૅન્કિંગ વ્યવસ્થામાં નવેસરથી વિશ્વાસ તરફ દોરી ગયું છે. બૅન્કરપ્સી કોડ જેવા કાયદાઓ દ્વારા, બૅન્કોને નુકસાનથી સુરક્ષિત કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકારી સંપત્તિને લૂંટનારાની મિલકત ટાંચમાં લઈને તેમના પર પકડ મજબૂત કરીને, નુકસાન અને એનપીએ માટે જાણીતી બૅન્કોની ચર્ચા તેમના રેકોર્ડ નફા માટે થઈ રહી છે.

પ્રધાનમંત્રીએ બૅન્કિંગ ક્ષેત્રના કર્મચારીઓની સખત મહેનત પર ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, " બૅન્કિંગ ક્ષેત્રનાં લોકોએ મને કે મારાં વિઝનને ક્યારેય નિરાશ કર્યા નથી." પ્રધાનમંત્રીએ 50 કરોડ જન ધન ખાતાઓ ખોલીને જન ધન ખાતા યોજનાને મોટી સફળતા અપાવવામાં બૅન્કિંગ ક્ષેત્રના પ્રયાસોને બિરદાવ્યા હતા. મહામારી દરમિયાન કરોડો મહિલાઓનાં ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આ એક મોટી મદદ હતી.

એમએસએમઇ ક્ષેત્રને સુધારવા માટેના પ્રયાસો પર બોલતાં પ્રધાનમંત્રીએ મુદ્રા યોજનાનો ઉલ્લેખ કર્યો હતો, જે ઉદ્યોગસાહસિકોને કોલેટરલ-ફ્રી લોન પૂરી પાડે છે. તેમણે આ યોજનાને સફળ બનાવવા બદલ બૅન્કિંગ ક્ષેત્રની પ્રશંસા કરી હતી. એ જ રીતે, જ્યારે સરકારે મહિલા સ્વસહાય જૂથો માટે લોનની રકમ બમણી કરી અને એમએસએમઈ ક્ષેત્રને લોન આપીને મદદ કરી, જેણે નાના ઉદ્યોગોને સુરક્ષિત કરીને 1.5 કરોડ નોકરીઓ બચાવી, ત્યારે પણ બૅન્કિંગ ક્ષેત્ર એ સફળ પ્રયાસો કર્યા. તેમણે પીએમ કિસાન સન્માન નિધિને ભવ્ય સફળતા અપાવવા બદલ બૅન્ક કર્મચારીઓનો આભાર પણ માન્યો હતો. સ્વનિધિ યોજનામાં 50 લાખથી વધુ સ્ટ્રીટ વૅન્ડર્સને મદદ કરવામાં આવી હતી. "મને ખાતરી છે કે, તમે તમારા 'નિયુક્ત પત્ર' (નિમણૂક પત્ર) સાથે બૅન્કિંગને ગરીબોનાં સશક્તીકરણનું સાધન બનાવવા માટે 'સંકલ્પ પત્ર' લેશો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નીતિના તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં 13 કરોડ ભારતીયોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં આવ્યાં છે. તેમણે આમાં સરકારી કર્મચારીઓની સખત મહેનતને બિરદાવી હતી અને પાકાં મકાનો, શૌચાલયો અને વીજળીનાં જોડાણો માટેની યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. "જ્યારે આ યોજનાઓ ગરીબો સુધી પહોંચી, ત્યારે તેમનું મનોબળ પણ વધ્યું. આ સફળતા એ વાતનું પ્રતીક છે કે જો આપણે સાથે મળીને ભારતમાંથી ગરીબી દૂર કરવાના પ્રયાસો વધારીએ તો ભારતમાંથી ગરીબી સંપૂર્ણપણે દૂર થઈ શકે છે. અને ચોક્કસપણે, દેશના દરેક સરકારી કર્મચારીની આમાં મોટી ભૂમિકા છે," એમ પ્રધાનમંત્રીએ કહ્યું.

પ્રધાનમંત્રીએ દેશમાં ગરીબીમાં ઘટાડો થવાનાં અન્ય એક પાસાં પર પણ પ્રકાશ પાડ્યો હતો, જે નિઓ-નવ- મધ્યમ વર્ગનું વિસ્તરણ છે, જે રોજગારીની નવી તકોનું સર્જન કરી રહ્યો છે. નવ-મધ્યમ વર્ગની વધતી જતી માગ અને આકાંક્ષાઓ ઉત્પાદનને આગળ ધપાવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનાં કારખાનાંઓ અને ઉદ્યોગોમાં ઉત્પાદન વધવાનો સૌથી વધુ લાભ દેશના યુવાનોને જ થાય છે. તેમણે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, ભારત કેવી રીતે દરરોજ નવા વિક્રમોનું સર્જન કરી રહ્યું છે, પછી તે મોબાઇલ ફોનની નિકાસ હોય, વર્ષ 2023માં પ્રથમ 6 મહિનામાં વેચાયેલી કારની સંખ્યા હોય અને ઇલેક્ટ્રિક વાહનોનું વિક્રમ વેચાણ હોય. તેમણે ઉમેર્યું હતું કે, "આ પ્રકારની તમામ પ્રવૃત્તિઓથી દેશમાં રોજગારી અને રોજગારીની તકો વધી રહી છે."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સમગ્ર વિશ્વ ભારતની પ્રતિભા પર નજર રાખી રહ્યું છે." તેમણે દુનિયામાં ઘણાં વિકસિત અર્થતંત્રોમાં ઊંચી સરેરાશ વયને કારણે કાર્યકારી વસતિમાં ઘટાડો થવાના મુદ્દાની નોંધ લીધી હતી. એટલે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સમય ભારતના યુવાનો માટે મહેનત કરવાનો અને તેમનાં કૌશલ્યો અને ક્ષમતાઓ વધારવાનો છે. ભારતની આઇટી પ્રતિભાઓ, ડૉક્ટર્સ અને નર્સોની મોટી માગ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દરેક દેશ અને દરેક ક્ષેત્રમાં ભારતીય પ્રતિભાઓ માટે સન્માન સતત વધી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં 9 વર્ષમાં સરકારે કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ આશરે 1.5 કરોડ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. તેમણે 30 કૌશલ્ય ભારત આંતરરાષ્ટ્રીય કેન્દ્રો સ્થાપિત કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેથી યુવાનોને વૈશ્વિક તકો માટે તૈયાર કરી શકાય. પ્રધાનમંત્રીએ દેશભરમાં નવી મેડિકલ કૉલેજો, આઇટીઆઇ, આઇઆઇટી અને ટેકનિકલ સંસ્થાઓનાં નિર્માણ પર પણ વાત કરી હતી અને જાણકારી આપી હતી કે, વર્ષ 2014 સુધી આપણાં દેશમાં ફક્ત 380 મેડિકલ કૉલેજો હતી, જ્યારે છેલ્લાં 9 વર્ષમાં આ સંખ્યા વધીને 700થી વધારે થઈ ગઈ છે. તેમણે નર્સિંગ કૉલેજોની સંખ્યામાં નોંધપાત્ર વધારાનો પણ ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "વૈશ્વિક માગને પૂર્ણ કરતી કુશળતાઓ ભારતના યુવાનો માટે લાખો નવી તકોનું સર્જન કરશે."

સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નિમણૂક પામેલા તમામ અત્યંત હકારાત્મક વાતાવરણમાં સરકારી સેવામાં જોડાઈ રહ્યા છે અને આ હકારાત્મક વિચારસરણીને આગળ ધપાવવાની જવાબદારી હવે તેમના ખભા પર છે. પ્રધાનમંત્રીએ તેમને શિક્ષણ અને સ્વ-વિકાસની પ્રક્રિયા ચાલુ રાખવા તથા સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલાં ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ આઇજીઓટી કર્મયોગીનો મહત્તમ લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.

પશ્ચાદભૂમિકા

રોજગાર મેળો રોજગાર નિર્માણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની કટિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે. રોજગાર મેળો રોજગાર સર્જનને આગળ વધારવામાં અને યુવાનોને તેમનાં સશક્તીકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરવામાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે તેવી અપેક્ષા છે.

નવા ભરતી થયેલાઓને આઇજીઓટી કર્મયોગી પોર્ટલનાં ઓનલાઇન મોડ્યુલ કર્મયોગી પ્રારંભ દ્વારા તાલીમ આપવાની તક પણ મળી રહી છે, જ્યાં 'કોઇ પણ જગ્યાએ કોઇ પણ ઉપકરણ' શીખવાનાં ફોર્મેટ માટે 400થી વધુ ઇ-લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

*****

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1941681) Visitor Counter : 130