પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના શહડોલમાં રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનનો પ્રારંભ કર્યો


લાભાર્થીઓને સિકલ સેલ જિનેટિક સ્ટેટસ કાર્ડનું વિતરણ કર્યું

મધ્યપ્રદેશમાં લગભગ 3.57 કરોડ AB-PMJAY કાર્ડનું વિતરણ શરૂ કરવામાં આવ્યું

રાણી દુર્ગાવતીની 500મી જન્મજયંતિની ઉજવણી રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવશે

"સિકલ સેલ એનિમિયા નાબૂદી માટેનું અભિયાન અમૃતકાળનું મુખ્ય મિશન બનશે"

"અમારા માટે, આદિવાસી સમુદાય માત્ર ચૂંટણી માટેનો કોઇ આંકડો નથી પરંતુ તે ખૂબ જ સંવેદનશીલતા અને લાગણીની બાબત છે"

"ખોટી ગેરંટીઓથી સાવધાન રહો કારણ કે 'નિયત મેં ખોટ ઔર ગરીબ પર ચોટ' (નીતિમાં ખોટ અને ગરીબોને નુકસાન પહોંચાડવાની વૃત્તિ) વાળા લોકો દ્વારા તે આપવામાં આવે છે"

Posted On: 01 JUL 2023 5:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના શહડોલ ખાતે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનની શરૂઆત કરી હતી અને લાભાર્થીઓને સિકલ સેલ જિનેટિક સ્ટેટસ કાર્ડનું વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં લગભગ 3.57 કરોડ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) કાર્ડના વિતરણની શરૂઆત પણ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ 16મી સદીના મધ્યમાં ગોંડવાનાના શાસક રાણી દુર્ગાવતીના સન્માનમાં તેમને યાદ કર્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતી વખતે પ્રધાનમંત્રીએ રાણી દુર્ગાવતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને જણાવ્યું હતું કે, તેમના દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનનો આજથી આરંભ કરવામાં આવી રહ્યો છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, મધ્યપ્રદેશના લોકોને 1 કરોડ આયુષ્માન કાર્ડ ઇશ્યુ કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, બે મુખ્ય પ્રયાસોના સૌથી વધુ લાભાર્થીઓમાં ગોંડ, ભીલ અને અન્ય આદિવાસી સમાજના લોકો છે. તેમણે આ પ્રસંગે લોકોને અને મધ્યપ્રદેશની ડબલ એન્જિન સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આદિવાસી સમુદાયના લોકોના જીવનને સુરક્ષિત રાખવા માટે દેશ આજે આજે શહડોલની ધરતી પરથી સિકલ સેલ એનિમિયાથી મુક્તિનો સંકલ્પ અને આ રોગથી અસરગ્રસ્ત 2.5 લાખ બાળકો અને પરિવારોના જીવન બચાવવાનો મોટો સંકલ્પ લઇ રહ્યો છે. પ્રધાનમંત્રીએ આદિવાસી સમુદાયો સાથેના તેમના અંગત અનુભવને યાદ કરીને, સિકલ સેલ એનિમિયાના પીડાદાયક લક્ષણો અને આનુવંશિક મૂળને રેખાંકિત કર્યા હતા.

વિશ્વમાં નોંધાતા સિકલ સેલ એનિમિયાના 50 ટકાથી વધુ કેસ ભારતમાં જ જોવા મળે છે તેમ છતાં છેલ્લા 70 વર્ષથી સિકલ સેલ એનિમિયાના મુદ્દા પર કોઇ જ ધ્યાન આપવામાં આવ્યું નથી તે બાબતે પ્રધાનમંત્રીએ અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે ભૂતકાળની સરકારો દ્વારા આદિવાસી સમુદાયો પ્રત્યે જે પ્રકારે ઉદાસીનતા દાખવવામાં આવતી હતી તેના પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર જ આનો ઉકેલ શોધવા આગળ વધી રહી છે. વર્તમાન સરકાર માટે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આદિવાસી સમુદાય માત્ર ચૂંટણી માટેનો કોઇ આંકડો નથી પરંતુ તે ખૂબ જ સંવેદનશીલતા અને લાગણીની બાબત છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, તેઓ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા તે પહેલાં તેઓ આ દિશામાં પ્રયાસો કરી રહ્યા હતા જેમાં તેઓ અને મધ્યપ્રદેશના હાલના રાજ્યપાલ શ્રી મંગુભાઇ સી પટેલ આદિવાસી સમુદાયોની મુલાકાત લેતા હતા અને સિકલ સેલ એનિમિયા અંગે જાગૃતિ ફેલાવતા હતા. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં વિવિધ અભિયાનો શરૂ કર્યાં હોવાનું પણ યાદ કર્યું હતું. તેમણે ભારતના પ્રધાનમંત્રી તરીકે જાપાનની મુલાકાત લીધી તે દરમિયાન નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિકની મદદ લેવા વિશે પણ વધુ માહિતી આપી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સિકલ સેલ એનિમિયાની બીમારીને નાબૂદ કરવા માટેનું આ અભિયાન અમૃતકાળનું મુખ્ય મિશન બનશે. તેમણે 2047 સુધીમાં આદિવાસી સમુદાયો અને દેશને સિકલ સેલ એનિમિયાના જોખમમાંથી મુક્ત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આના માટે સરકાર, આરોગ્ય કર્મચારીઓ અને આદિવાસીઓનો સંકલિત અભિગમ હોવો જરૂરી છે. તેમણે માહિતી આપી હતી કે, દર્દીઓ માટે બ્લડ બેંકની સ્થાપના કરવામાં આવી રહી છે, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની વ્યવસ્થા વધારવામાં આવી રહી છે અને સિકલ સેલ એનિમિયાની તપાસમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. તેમણે લોકોને સામે ચાલીને તપાસ કરાવવા માટે આગળ આવવાનો અનુરોધ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રોગ પરિવારને વ્યથાની જાળમાં ધકેલી દેતો હોવાથી તે સમગ્ર પરિવારને અસર કરે છે. પ્રધાનમંત્રીએ ગરીબીની પોતાની પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સરકાર આ પીડા જાણે છે અને દર્દીઓની મદદ કરવા બાબતે સંવેદનશીલ છે. આ પ્રયાસોના પરિણામે ટીબીના કેસમાં ઘટાડો થયો છે અને 2025 સુધીમાં ક્ષય રોગને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે દેશ કામ કરી રહ્યો છે. વિવિધ રોગો સામે આવવાની ઘટનાઓ વિશે તથ્યો આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 2013માં કાલા અઝરના 11,000 કેસ આવ્યા હતા, હવે તે ઘટીને માંડ એક હજાર કરતા ઓછા થઇ ગયા છે. 2013માં મેલેરિયાના 10 લાખ કેસ હતા જે હવે 2022માં ઘટીને 2 લાખથી ઓછા થઇ ગયા છે. તેમજ રક્તપિત્તના કેસ 1.25 લાખથી ઘટીને 70-75 હજાર થઇ ગયા છે.

પ્રધાનમંત્રીએ આયુષ્માન ભારત યોજના કે જેણે તબીબી ખર્ચને કારણે લોકો પરના નાણાકીય બોજને નોંધપાત્ર રીતે ઘટાડ્યો છે તેના પર પ્રકાશ પાડતી વખતે ટિપ્પણી કરી હતી કે, "હાલની સરકાર માત્ર રોગો ઘટાડવા માટે જ નહીં પરંતુ કોઇપણ રોગોની સારવાર પર થતા ખર્ચને પણ ઘટાડવાનો પ્રયત્ન કરે છે". તેમણે જણાવ્યું હતું કે, આજે 1 કરોડ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે જે હોસ્પિટલની મુલાકાત લેતી વખતે જેમને નાણાં ચુકવવા પડતા હોય તેવા ગરીબો માટે 5 લાખ રૂપિયાના ATM કાર્ડ તરીકે કામ કરશે. શ્રી મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે, "ભારતનો કોઇ પણ ભાગ હોય, ત્યાં તમે આ કાર્ડ બતાવી શકો છો અને 5 લાખ રૂપિયાની મફત સારવાર મેળવી શકો છો".

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે આયુષ્માન યોજના હેઠળ સમગ્ર દેશમાં લગભગ 5 કરોડ દર્દીઓએ મફત સારવારનો લાભ લીધો છે, જેનાથી દર્દીઓના એક લાખ કરોડ રૂપિયાથી વધુની બચત થઇ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ આયુષ્માન કાર્ડ ગરીબોની સૌથી મોટી ચિંતા દૂર કરવાની ગેરંટી છે. ભૂતકાળમાં આ 5 લાખ રૂપિયાની ગેરંટી કોઇએ આપી નથી, આ સરકાર છે, આ મોદી છે, કે જેણે આ ગેરંટી આપી છે.

પ્રધાનમંત્રીએ ખોટી ગેરંટી આપનારાઓ વિશે ઉપસ્થિતોને ચેતવ્યા હતા અને લોકોને તેમની ખામીઓ ઓળખવા કહ્યું હતું. મફત વીજળીની ગેરંટીનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેનો અર્થ એ થાય છે કે વીજળીની કિંમતમાં વધારો થશે. એ જ રીતે, જ્યારે કોઇ સરકાર મફત મુસાફરી આપવાની વાતો કરે છે, તેનો અર્થ એ છે કે રાજ્યની પરિવહન વ્યવસ્થા નાશ પામવાની છે, જ્યારે ઊંચુ પેન્શન આપવા માટેના વચનો આપવામાં આવે છે, તો તેનો સ્પષ્ટ સંકેત એવો છે કે, તેના કર્મચારીઓના પગારમાં વિલંબ થવાનો છે. તેમણે ઓફર પર આપવામાં આવતા પેટ્રોલના સસ્તા ભાવનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેનો અર્થ માત્ર એ જ થાય કે લોકો પાસેથી વસુલવામાં આવતા કરના દરમાં હવે વધારો થવાનો છે. રોજગારની ગેરંટી વિશે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એક વાત ચોક્કસ છે નવી રજૂ કરવામાં આવેલી નીતિઓ રાજ્યમાં ઉદ્યોગોને નષ્ટ કરશે. વિપક્ષ પર આકરા પ્રહારો કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “કેટલાક રાજકીય પક્ષોનો અર્થ 'નિયત મેં ખોટ ઔર ગરીબ પર ચોટ' (નીતિમાં ખોટ અને ગરીબોને નુકસાન પહોંચાડવાની વૃત્તિ) છે. છેલ્લા 70 વર્ષોમાં, અગાઉની સરકારો ગરીબો માટે ભાગ્યે જ અનાજ પૂરું પાડી શકતી હતી, પરંતુ વર્તમાન સરકાર ગરીબ કલ્યાણ યોજના દ્વારા 80 કરોડ પરિવારોને મફત અનાજની ગેરંટી આપીને આખી સ્થિતિને પલટાવી રહી છે”. તેમણે આયુષ્માન યોજના દ્વારા 50 કરોડ લાભાર્થીઓને સ્વાસ્થ્ય સુરક્ષા, ઉજ્જવલા યોજનાની 10 કરોડ મહિલા લાભાર્થીઓને મફત ગેસ કનેક્શન અને મુદ્રા યોજના દ્વારા 8.5 કરોડ લાભાર્થીઓને લોન આપવા અંગેની વાત પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ ભૂતકાળની આદિવાસી વિરોધી નીતિઓ વિશે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ આદિવાસી વિદ્યાર્થીઓ સમક્ષ રહેલા ભાષાના પડકારોના ઉકેલ પર ધ્યાન આપ્યું છે. તેમણે ખોટી ગેરંટી આપનારા લોકો દ્વારા NEPના વિરોધ અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે આદિવાસી બાળકોને રહેવાની સુવિધા સાથે શાળાનું શિક્ષણ પૂરું પાડી રહેલી 400થી વધુ નવી એકલવ્ય શાળાઓ વિશે માહિતી આપી હતી. માત્ર મધ્યપ્રદેશમાં જ આવા 24,000 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે.

અગાઉ કરવામાં આવતી ઉપેક્ષાના વિરોધમાં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્તમાન સરકારે આદિજાતિ કલ્યાણ માટે અલગ મંત્રાલયની રચના કરીને અને મંત્રાલયના બજેટમાં ત્રણ ગણો વધારો કરીને આદિવાસી સમુદાયોને પ્રાથમિકતા આપી છે. વન અધિકાર અધિનિયમ હેઠળ 20 લાખ માલિકીખતનું વિતરણ કરવામાં આવ્યું છે. શ્રી મોદીએ પોતાની વાતને આગળ ધપાવતા કહ્યું હતું કે, અગાઉ ચલાવવામાં આવતી લૂંટથી વિપરિત, હવે આદિમહોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા આદિવાસી સમુદાયોને તેમના અધિકારો આપવામાં આવે છે અને તેમની પરંપરાઓનું સન્માન કરવામાં આવે છે.

આદિવાસી વારસાનું સન્માન કરવાનું ચાલુ રાખીને, પ્રધાનમંત્રીએ છેલ્લા 9 વર્ષમાં લેવામાં આવેલા પગલાંઓ વિશે વાત કરી હતી. તેમણે 15 નવેમ્બરના રોજ, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાના નિર્ણય અને વિવિધ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓને સમર્પિત સંગ્રહાલયોના નિર્માણ માટે લેવામાં આવેલા પગલાંઓ ગણાવ્યા હતા. તેમણે ભારતના રાષ્ટ્રપતિ પદ માટે આદિવાસી મહિલાને પસંદ કરવામાં આવ્યા છે તે અંગે ઘણા રાજકીય પક્ષોએ દાખવેલા વલણની પણ નોંધ લીધી હતી. પ્રધાનમંત્રીએ સ્થાનિક ઉદાહરણો આપીને આદિવાસી વિસ્તારોમાં પણ એક જ પરિવારના નામ પર સંસ્થાઓના નામકરણની અગાઉની પ્રથા પર પ્રકાશ પાડ્યો હતો અને શિવરાજસિંહની સરકાર દ્વારા છિંદવાડા યુનિવર્સિટીનું નામ મહાન ગોંડ ક્રાંતિકારી રાજા શંકર શાહના નામ પર તેમજ પાતાલપાણી સ્ટેશનનું નામ તાંત્યા મામાના નામ પર રાખવામાં આવ્યું હોવાનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, વર્તમાન સરકારે શ્રી દલવીરસિંહ જેવા ગોંડ નેતાઓની ઉપેક્ષા અને અનાદરની સ્થિતિમાં સુધારો કર્યો છે.

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, રાણી દુર્ગાવતીની 500મી જન્મજયંતિને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવશે. તેમના જીવન પર એક ફિલ્મ બનાવવામાં આવશે અને તેમની યાદમાં એક સ્મૃતિ સિક્કો તેમજ ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવશે.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતી વખતે, આ પ્રયાસોને હજું આમ જ આગળ પણ ચાલુ રાખવા માટે લોકોને સહકાર આપવાનો અનુરોધ કર્યો હતો અને તેમના આશીર્વાદ માંગ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, રાણી દુર્ગાવતીના આશીર્વાદ અને પ્રેરણા મધ્યપ્રદેશને વિકાસની નવી ઊંચાઇઓ પર પહોંચવામાં અને સાથે મળીને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સક્ષમ બનાવશે.

આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઇ સી પટેલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, રાજ્યોના કેન્દ્રીય મંત્રીઓ, સંસદ સભ્યો, મધ્યપ્રદેશ સરકારના મંત્રીઓ અને વિધાનસભાના સભ્યો સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

આ મિશનનો ઉદ્દેશ્ય ખાસ કરીને આદિવાસી વસ્તીમાં સિકલ સેલ રોગના કારણે ઉદ્ભવતા સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર પડકારોનો ઉકેલ લાવવાનો છે. આ શરૂઆત 2047 સુધીમાં જાહેર આરોગ્ય સમસ્યા તરીકે સિકલ સેલ રોગને નાબૂદ કરવા માટે સરકાર દ્વારા હાલમાં થઇ રહેલા પ્રયાસોમાંથી એક નિર્ણાયક સીમાચિહ્નરૂપ હશે. કેન્દ્રીય બજેટ 2023માં રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનની જાહેરાત કરવામાં આવી હતી. આનો અમલ સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોય તેવા 17 રાજ્યોના 278 જિલ્લાઓમાં કરવામાં આવશે જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, આસામ, ઉત્તરપ્રદેશ, કેરળ, બિહાર અને ઉત્તરાખંડ જેવા રાજ્યોને સમાવી લેવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં લગભગ 3.57 કરોડ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) કાર્ડના વિતરણની શરૂઆત પણ કરી હતી. રાજ્યભરમાં શહેરી સંસ્થાઓ, ગ્રામ પંચાયતો અને વિકાસ વિભાગો ખાતે આયુષ્માન કાર્ડના વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આયુષ્માન કાર્ડ વિતરણ અભિયાન એ કલ્યાણકારી યોજનાઓની 100 ટકા સંતૃપ્તિ સુનિશ્ચિત કરવા માટે દરેક લાભાર્થી સુધી પહોંચવાની પ્રધાનમંત્રીની દૂરંદેશીને સાકાર કરવાની દિશામાં લેવાયેલું એક પગલું છે.

પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન, 16મી સદીના મધ્યમાં ગોંડવાનાનાં શાસક રાણી દુર્ગાવતીના સન્માનમાં તેમને યાદ કર્યા હતા. તેમને મુઘલો સામે આઝાદી માટે લડત આપનારા એક બહાદુર, નીડર અને હિંમતવાન યોદ્ધા તરીકે યાદ કરવામાં આવે છે.

YP/GP/JD


(Release ID: 1936752) Visitor Counter : 320