કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કલ્પના કરવામાં આવેલી એક અનોખી વિભાવના એવા રાષ્ટ્રીય રોજગાર મેળાએ સરકારની ભરતી પ્રક્રિયાને સંસ્થાગત સ્વરૂપ આપ્યું
મંત્રીશ્રીએ કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયની 9 વર્ષની સિદ્ધિઓ વિશે મીડિયાને સંબોધન કર્યું હતું; તેઓ કહે છે કે, છેલ્લાં 9 વર્ષમાં સરકારે ભરતી પ્રક્રિયાને ઝડપી, પારદર્શક અને નિષ્પક્ષ બનાવીને પ્રાથમિકતા આપી છે
"મિશન કર્મયોગી" એક ગેમ-ચૅન્જિંગ સુધારો સાબિત થશે, જેની કલ્પના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા "નિયમો-આધારિત" અભિગમથી "ભૂમિકા-આધારિત" શિક્ષણ માટે - એક નમૂનારૂપ ફેરફાર સાથે ક્ષમતા નિર્માણ માટે કરવામાં આવી હતી: ડો. જિતેન્દ્ર સિંહ
રાષ્ટ્રીય રોજગાર મેળામાં નવીન પરિવર્તનો, તળિયેથી માંડીને ટોચનાં સ્તર સુધી સનદી અધિકારીઓ માટે વધુ મજબૂત ક્ષમતા નિર્માણ અને તાલીમ માળખું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેક્નૉલોજીનો વધુ ઉપયોગ અને વિચારોના મુક્ત આદાનપ્રદાન માટે "ચિંતન શિબિર"નું નિયમિત આયોજન મંત્રાલય માટે ભવિષ્યનો માર્ગ છેઃ ડો. જિતેન્દ્ર સિંહ
Posted On:
09 JUN 2023 4:27PM by PIB Ahmedabad
કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી; પ્રધાનમંત્રી કાર્યાલય, કાર્મિક, જાહેર ફરિયાદો, પેન્શન, પરમાણુ ઊર્જા અને અંતરિક્ષ રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કલ્પના કરવામાં આવેલી એક અનોખી વિભાવના એવા "રાષ્ટ્રીય રોજગાર મેળા"એ સરકારની ભરતી પ્રક્રિયાને સંસ્થાગત સ્વરૂપ આપ્યું છે.
કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયની 9 વર્ષની સિદ્ધિઓ વિશે મીડિયાને માહિતી આપતા ડો.જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, મોટાભાગના વહીવટી અને શાસન સુધારાઓની વિશેષતા યુવા-કેન્દ્રિત છે અને રોજગાર મેળો યુવાનોને સરકારી નોકરીઓ પૂરી પાડવાની એક મોટી અને સાહસિક પહેલ તરીકે અલગ તરી આવે છે, ઉપરાંત વિવિધ યોજનાઓ દ્વારા લાખો રોજગારની તકોનું સર્જન કરે છે.

મંત્રીશ્રીએ રોજગાર મેળા મારફતે કેન્દ્ર સરકાર અને સહકારી રાજ્ય સરકારો 10 લાખ નિમણૂક પત્રોનું મિશન મોડમાં વિતરણ કરવાની જાણકારી આપી હતી.
ડો.જિતેન્દ્ર સિંહે મે, 2023માં છેલ્લા રોજગાર મેળામાં પ્રધાનમંત્રી મોદીને ટાંકીને કહ્યું હતું કે, "છેલ્લાં 9 વર્ષમાં સરકારે ભરતી પ્રક્રિયાને ઝડપી, પારદર્શક અને નિષ્પક્ષ બનાવીને પ્રાથમિકતા આપી છે."તેમણે ભરતી પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓને પણ યાદ કરી હતી. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, સ્ટાફ સિલેક્શન બૉર્ડને નવી ભરતીમાં સામેલ થવા માટે આશરે 15-18 મહિનાનો સમય લાગતો હતો, જ્યારે અત્યારે આ પ્રક્રિયામાં ફક્ત 6-8 મહિનાનો સમય લાગે છે.
અન્ય યુવા-કેન્દ્રિત ભરતી સુધારાઓનો ઉલ્લેખ કરતા ડો.જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ગ્રૂપ બી નોન ગેઝેટેડ અને નીચલી જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા હતા, જેનાં કારણે વધુ પારદર્શિતા આવી હતી, પેપર-આધારિત પરીક્ષાઓનાં સ્થાને કમ્પ્યૂટર આધારિત પરીક્ષાઓ શરૂ કરવામાં આવી હતી, વિવિધ પોસ્ટ્સ માટે એસએસસી પરીક્ષાઓમાં પ્રાદેશિક ભાષાઓ શરૂ કરવામાં આવી હતી, જેનાં પગલે સરકારી નોકરીઓ માટે યુવાનોની ભાગીદારીમાં વધારો થયો હતો.
નવ વર્ષના વહીવટી સુધારાઓ પર ભાર મૂકતા ડો.જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, "મિશન કર્મયોગી" એક ગેમ-ચેન્જિંગ સુધારો સાબિત થશે, જેની કલ્પના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા "નિયમો-આધારિત" અભિગમથી "ભૂમિકાઓ-આધારિત" શિક્ષણ માટે નમૂનારૂપ ફેરફાર સાથે ક્ષમતા નિર્માણ માટે કરવામાં આવી હતી. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, કોઈ પણ જગ્યાએ, કોઈપણ સમયે શિક્ષણ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવેલી આઇજીઓટી કર્મયોગી એપ્લિકેશન ઉપરાંત નવી ભરતી થયેલા લોકોને પ્રારંભિક તાલીમ આપવા માટે અભ્યાસક્રમોનું ઓનલાઇન મોડ્યુલ કર્મયોગી પ્રારંભ શરૂ કરવામાં આવેલ છે.
મંત્રીએ માહિતી આપી હતી કે ક્ષમતા નિર્માણ પંચ (સીબીસી)ની સ્થાપના ક્ષમતા નિર્માણ માટે વિશ્વસનીય અને એકસમાન અભિગમનું નિર્માણ કરવા માટે કરવામાં આવી છે. સીબીસી દ્વારા સિવિલ સર્વિસ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન્સ માટે રાષ્ટ્રીય ધોરણો શરૂ કરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, દરેક કેન્દ્રીય તાલીમ સંસ્થાઓમાં ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થાપિત કરવામાં આવી રહ્યાં છે. સીબીસી તમામ મંત્રાલયો/વિભાગો/સંસ્થાઓ (એમડીઓ)ને વાર્ષિક ક્ષમતા નિર્માણ યોજના વિકસાવવામાં મદદ કરે છે. 11 જૂન 2023ના રોજ નેશનલ ટ્રેનિંગ કૉન્ક્લેવનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે.

કર્મચારી વ્યવસ્થાપન માટેનું નોડલ મંત્રાલય એવાં કર્મચારી મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલાં અનેક પગલાંઓ વિશે માહિતી આપતા ડો.જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ડીઓપીટીએ કેન્દ્ર સરકારની નોકરીઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા અને તેમને વ્યાવસાયિક તેમજ પારિવારિક જીવન વચ્ચે સંતુલન પ્રદાન કરવા માટે નક્કર પ્રયાસો કર્યા છે.
મંત્રીશ્રીએ ચાઇલ્ડ કેર લીવ (સીસીએલ)નું ઉદાહરણ ટાંકીને જણાવ્યું હતું કે, 730 દિવસની સીસીએલની ગ્રાન્ટના અનુસંધાનમાં કેટલાંક નવાં પગલાં પણ લેવામાં આવ્યાં છે અને તે છે જેમ કે ચાઇલ્ડ કેર લીવ પરના કર્મચારીને યોગ્ય સક્ષમ ઑથોરિટીની પૂર્વ મંજૂરી સાથે હેડક્વાર્ટર છોડવાની મંજૂરી આપવામાં આવી શકે છે, લીવ ટ્રાવેલ કન્સેશન (એલટીસી)નો લાભ લઈ શકાય છે. જ્યારે કર્મચારી સીસીએલ પર હોય છે અને વિદેશી મુસાફરી પર પણ આગળ વધી શકે છે જો યોગ્ય સક્ષમ અધિકારીઓની મંજૂરી અગાઉથી લેવામાં આવે તો. તદુપરાંત, સીસીએસ (રજા) નિયમો, 1972ના નિયમ 43-સી ની જોગવાઈઓ હેઠળ બાળ સંભાળ રજાનો લાભ લેતા સરકારી કર્મચારીના હેતુ માટે બાળ સંભાળ રજા માટે લઘુતમ અવધિ ફરજિયાત 15 દિવસથી ઘટાડીને 5 દિવસ અને વિકલાંગ બાળકના કિસ્સામાં 22 વર્ષની મર્યાદા દૂર કરવામાં આવી છે.
ડૉ. જિતેન્દ્ર સિંહે એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે, વિકલાંગતા ધરાવતી મહિલા કર્મચારીઓને 01 જુલાઈ, 2022થી દર મહિને રૂ. 3,000/- વિશેષ ભથ્થું બાળ સારસંભાળ માટે આપવામાં આવ્યું છે, જેમાં ડીએમાં 50 ટકાનો વધારો થવા પર 25 ટકાનો વધારો થશે.
એ જ રીતે, એનપીએસ હેઠળ આવરી લેવામાં આવેલા ગુમ થયેલા કર્મચારીઓના પરિવારોને હવે એફઆઈઆર નોંધાવ્યાના 6 મહિનાની અંદર ફેમિલી પેન્શન મળી શકે છે અને 7 વર્ષ સુધી રાહ જોવી નહીં પડે, જે પછી કર્મચારીને મૃત માનવામાં આવે છે. સરકારી કર્મચારી 7 વર્ષની નોકરી પૂર્ણ કરતા પહેલા મૃત્યુ પામે તેવા કિસ્સાઓમાં પણ, કુટુંબ પેન્શન પ્રથમ 10 વર્ષ માટે છેલ્લા પગારના 50% ના વધારાના દરે અને ત્યારબાદ છેલ્લા પગારના 30%ના દરે ફેમિલી પેન્શન કુટુંબને ચૂકવવાપાત્ર રહેશે.
શાસનમાં પારદર્શકતા અને જવાબદારી વિશે બોલતા શ્રી સિંહે કહ્યું હતું કે, સ્વચ્છ અને અસરકારક સરકાર માટે માનદંડ મજબૂત ફરિયાદ નિવારણ વ્યવસ્થા છે. નિકાલમાં સુધારો કરવા અને સમયમર્યાદામાં ઘટાડો કરવા માટે 10 પગલાંની સીપીજીઆરએસ સુધારા પ્રક્રિયા અપનાવવામાં આવી છે, જેનાં પરિણામે સાપ્તાહિક નિકાલનો દર 95થી 100 ટકા થયો છે. કેન્દ્રીય મંત્રાલયો/વિભાગોના નિકાલનો સરેરાશ સમય વર્ષ 2021માં 32 દિવસથી સુધરીને વર્ષ 2022માં 27 દિવસ થઈ ગયો છે, જે એપ્રિલ, 2023માં 17 દિવસ થઈ ગયો છે.
ડો. સિંહે સ્વચ્છતા ૧.૦ અને ૨.૦ અભિયાનોનાં સફળ આયોજન માટે ડીએઆરપીજી ટીમની અનેક પ્રશંસા કરી હતી. પહેલીવાર સમાજમાં એ વાતનો અહેસાસ થયો કે સ્વચ્છતા તમને પૈસા પણ અપાવી શકે છે. સ્વચ્છતા અભિયાન 2.0 એક લાખથી વધુ ઓફિસ સાઇટ્સમાં હાથ ધરવામાં આવ્યું હતું, 89.85 લાખ ચોરસ ફૂટ જગ્યા મુક્ત કરવામાં આવી હતી અને ઇલેક્ટ્રોનિક સ્ક્રેપ સહિત ઓફિસના ભંગારના નિકાલથી રૂ. 370.83 કરોડની આવક થઈ હતી. વધુમાં ડો.જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, જ્યારે કોવિડ ત્રાટક્યો ત્યારે આ મંત્રાલયનાં કામને એક દિવસ માટે પણ અસર થઈ ન હતી, બલકે ઘણી વાર તો પરિણામ પણ વધુ હતું.
ડિજિટલ કાયાપલટ વિશે વાત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય સચિવાલયનાં તમામ 75 મંત્રાલયો/વિભાગોમાં ઇ-ઓફિસ વર્ઝન 7.0 અપનાવવામાં આવ્યું છે. આ એક પ્રશંસનીય સિદ્ધિ છે કે કેન્દ્રીય સચિવાલયમાં આજે તમામ ફાઇલોમાંથી 89.6 ટકા ફાઇલો પર ઇ-ફાઇલ્સ તરીકે પ્રક્રિયા કરવામાં આવી રહી છે. વર્ષ 2022માં ડીએઆરપીજીએ કેન્દ્રીય સચિવાલય મેન્યુઅલ ઑફ ઓફિસ પ્રોસિજર (સીએસએમઓપી) તૈયાર કરી છે, જેનો ઉદ્દેશ સરકારી પ્રક્રિયાઓ અને કાર્યવાહીઓમાં સરળતા, કાર્યદક્ષતા અને પારદર્શકતા લાવવાનો છે, જે ત્વરિત પ્રતિક્રિયાશીલ અને જવાબદાર શાસન તરફ દોરી જાય છે.
ડો. જિતેન્દ્ર સિંહે અંતમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રોજગાર મેળામાં નવીન ફેરફારો, નીચેથી લઈને ટોચ સુધી સનદી અધિકારીઓ માટે વધુ મજબૂત ક્ષમતા નિર્માણ અને તાલીમ માળખું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેક્નૉલોજીનો વધુ ઉપયોગ અને વિચારોના મુક્ત આદાનપ્રદાન માટે "ચિંતન શિબિર"નું નિયમિત આયોજન મંત્રાલય માટે ભવિષ્યનો માર્ગ છે.
YP/GP/JD
(Release ID: 1931087)
Visitor Counter : 297
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Nepali
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali
,
Odia
,
Tamil
,
Kannada