જળશક્તિ મંત્રાલય
azadi ka amrit mahotsav

ડબ્લ્યૂએચઓના અહેવાલમાં જાહેર આરોગ્ય અને આર્થિક બચત પર 'હર ઘર જલ' કાર્યક્રમની નોંધપાત્ર અસર વિશે પ્રકાશ પાડવામાં આવ્યો છે


જીવન બચાવવામાં, મહિલાઓ અને દીકરીઓનું સશક્તીકરણ કરવામાં અને ઈઝ ઑફ લિવિંગ- જીવનની સરળતામાં યોગદાન આપવામાં પીવાનાં સુરક્ષિત પાણીની ભૂમિકા આપણે જોઈ રહ્યા છીએ: ડો. વી કે પોલ, નીતિ આયોગ

જલ જીવન મિશનમાં ભારત સરકારનાં રોકાણથી સ્વાસ્થ્ય પર નોંધપાત્ર અનેકગણી અસર પડે છે, જે આ અભ્યાસ દ્વારા બહાર આવી છે: ડો.રાજીવ બહલ

દેશનાં તમામ ઘરો માટે સુરક્ષિત રીતે સંચાલિત પીવાનાં પાણીની ખાતરી કરવાથી ઝાડા-ઊલટીથી થતાં લગભગ 4,00,000 મૃત્યુને ટાળી શકાયાં

ભારતમાં સુરક્ષિત રીતે સંચાલિત પીવાનાં પાણીનાં સાર્વત્રિક કવરેજ સાથે, ઝાડા-ઊલટીના રોગથી લગભગ 14 મિલિયન ડીએએલવાય (ડિસેબિલિટી એડ઼જસ્ટેડ લાઇફ યર્સ) ટાળવાનો અંદાજ છે, જેનાં પરિણામે અંદાજિત ખર્ચની બચત 101 અબજ ડૉલર સુધી થાય છે.

ગ્રામીણ નળનાં પાણીનાં જોડાણો 2019માં 16.64 ટકાથી વધીને 41 મહિનાના ગાળામાં 62.84 ટકા થયાં છે

Posted On: 09 JUN 2023 3:39PM by PIB Ahmedabad

"જીવન બચાવવામાં, મહિલાઓ અને દીકરીઓને સશક્ત બનાવવામાં અને ઈઝ ઑફ લિવિંગ- જીવનની સરળતામાં ફાળો આપવા માટે પીવાનાં સુરક્ષિત પાણીની ભૂમિકાના આપણે સાક્ષી છીએ." નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી. કે. પૌલે આજે અહીં ભારતમાં 'હર ઘર જલ' કાર્યક્રમના નોંધપાત્ર ફાયદાઓ પર પ્રકાશ પાડતા ડબ્લ્યૂએચઓના મહત્વપૂર્ણ અહેવાલના વિમોચન પ્રસંગે આ વાત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "વ્યક્તિઓ અને પરિવારોનાં જીવનને શારીરિક, માનસિક અને આર્થિક રીતે સુધારવા પર કોઈ પણ કાર્યક્રમની આ પ્રકારની સીધી અસર પડતી નથી." ડૉ. પૌલે કાર્યક્રમની ગતિ અને વ્યાપની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, "દર સેકન્ડે એક નવું જોડાણ ઉમેરવામાં આવે છે અને આજે ભારતમાં જાહેર આરોગ્યમાં પરિવર્તન આવે છે."

આ અહેવાલમાં એવો અંદાજ મૂકવામાં આવ્યો છે કે દેશનાં તમામ ઘરો માટે સુરક્ષિત રીતે સંચાલિત પીવાનાં પાણીની ખાતરી કરવાથી ઝાડા-ઊલટીના રોગોને કારણે થતાં લગભગ 400,000 મૃત્યુને ટાળી શકાયાં છે અને આ રોગોથી સંબંધિત આશરે 14 મિલિયન ડિસેબિલિટી એડજસ્ટેડ લાઇફ યર (ડીએએલવાય)ને અટકાવી શકાયા છે. આ સિદ્ધિને કારણે જ 101 અબજ ડૉલર સુધીની અંદાજિત ખર્ચની બચત થશે. આ વિશ્લેષણ ઝાડા-ઊલટીના રોગો પર ધ્યાન કેન્દ્રિત કરે છે કારણ કે તે મોટાભાગના વૉશ WASH -કારણભૂત રોગ બોજ માટે જવાબદાર છે.

જલ શક્તિ મંત્રાલયનાં પેયજળ અને સ્વચ્છતા વિભાગનાં સચિવ શ્રીમતી વિની મહાજન અને સ્વાસ્થ્ય સંશોધન વિભાગના સચિવ, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ ડો. રાજીવ બહલ, ડબ્લ્યૂએચઓના ભારત ખાતેના પ્રતિનિધિ ડૉ. રોડેરિકો એચ. ઑફ્રિન પણ આ અવસરે ઉપસ્થિત રહ્યાં હતાં.  

આઇસીએમઆરના ડીજી ડો.બહલે નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવામાં હર ઘર જલની સિદ્ધિની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "જલ જીવન મિશનમાં ભારત સરકારનું રોકાણ સ્વાસ્થ્ય પર નોંધપાત્ર અનેકગણી અસર ધરાવે છે, જે આ અભ્યાસ દ્વારા બહાર આવ્યું છે."

'હર ઘર જલ' અહેવાલ ઝાડા-ઊલટીના રોગો પર ધ્યાન કેન્દ્રિત કરે છે કારણ કે તે પાણી, સ્વચ્છતા અને સફાઇ  (વૉશ) મુદ્દાઓને લગતા એકંદર રોગનાં ભારણમાં નોંધપાત્ર ફાળો આપે છે.  આ વિશ્લેષણ આ રોગોને દૂર કરવાની તાતી જરૂરિયાત અને જાહેર આરોગ્ય અને આર્થિક સુખાકારીમાં નોંધપાત્ર લાભની સંભાવના પર ભાર મૂકે છે.

2019 પહેલા ગ્રામીણ વિસ્તારોમાં પાણી પુરવઠાની સ્થિતિ પડકારજનક હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 2018માં, ભારતની કુલ વસ્તીના 36 ટકા લોકોને, જેમાં 44 ટકા ગ્રામીણ વસ્તીનો પણ સમાવેશ થાય છે, તેમનાં પરિસરમાં પીવાના પાણીના સ્ત્રોતોની સુલભતાનો અભાવ હતો. અસુરક્ષિત પીવાનાં પાણીના સીધા વપરાશથી આરોગ્ય અને સામાજિક પરિણામો ગંભીર હતાં. આ વિશ્લેષણ સૂચવે છે કે 2019માં, અસુરક્ષિત પીવાનાં પાણીએ, અપૂરતી સ્વચ્છતા અને સફાઇ સાથે, વૈશ્વિક સ્તરે 1.4 મિલિયન મૃત્યુ અને 74 મિલિયન ડીએએલવાયમાં ફાળો આપ્યો હતો.

વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યૂએચઓ) વિવિધ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ (એસડીજી) સૂચકાંકો પર નજર રાખે છે, જેમાં સુરક્ષિત રીતે સંચાલિત પીવાનાં પાણીની સેવાઓ (સૂચક 6.1.1)નો ઉપયોગ કરતી વસતીનું પ્રમાણ અને અસુરક્ષિત પાણી, સ્વચ્છતા અને સફાઇ સાથે સંબંધિત મૃત્યુદરનો સમાવેશ થાય છે (સૂચક 3.9.2). ડબ્લ્યૂએચઓ (WHO) એ પાણી, સ્વચ્છતા અને સફાઇમાં સુધારા સાથે સંકળાયેલા સ્વાસ્થ્ય લાભનો અંદાજ કાઢવા માટે પદ્ધતિઓ અને સાધનો વિકસાવ્યાં છે, ખાસ કરીને અતિસારના રોગો અને અન્ય સંબંધિત આરોગ્ય પરિણામોને ઘટાડવામાં.

આ અહેવાલમાં નળનાં પાણીની જોગવાઈ દ્વારા મહિલાઓ અને છોકરીઓ માટે બચાવવામાં આવેલા જબરદસ્ત સમય અને પ્રયત્નો પર ભાર મૂકવામાં આવ્યો છે. 2018માં, ભારતમાં મહિલાઓ ઘરની જરૂરિયાતોને પહોંચી વળવા માટે દરરોજ સરેરાશ 45.5 મિનિટ પાણી એકત્રિત કરવામાં વિતાવતી હતી. એકંદરે, પરિસરમાં પાણી વિનાનાં ઘરો દરરોજ 66.6 મિલિયન કલાક પાણી એકત્રિત કરવામાં વિતાવે છે, જેમાંથી મોટા ભાગના (55.8 મિલિયન કલાક) ગ્રામીણ વિસ્તારોમાં થાય છે. નળનાં પાણીની જોગવાઈ દ્વારા સાર્વત્રિક કવરેજનાં પરિણામે દૈનિક જળ સંગ્રહ પ્રયત્નોની જરૂરિયાતને દૂર કરીને નોંધપાત્ર બચત થશે.

આ જાહેરાત દરમિયાન ડીડીડબલ્યૂએસનાં સચિવ શ્રીમતી વિની મહાજને જલ જીવન મિશનની નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે ગ્રામીણ નળનાં પાણીનાં જોડાણો 2019માં 16.64% થી વધીને 41 મહિનાના ગાળામાં 62.84% થયાં છે, જે વાર્ષિક માત્ર 0.23%ની તુલનામાં સરેરાશ વાર્ષિક 13.5%નો વધારો દર્શાવે છે.

'હર ઘર જલ' કાર્યક્રમ વિશે:

જલ શક્તિ મંત્રાલય અંતર્ગત જલ જીવન મિશન દ્વારા અમલમાં મૂકવામાં આવેલા હર ઘર જલ કાર્યક્રમની જાહેરાત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટ, 2019ના રોજ કરી હતી. આ કાર્યક્રમનો હેતુ દરેક ગ્રામીણ પરિવારને નળ દ્વારા પીવાનાં શુદ્ધ પાણીનો સસ્તો અને નિયમિત પર્યાપ્ત પુરવઠો આપવાનો છે. આ કાર્યક્રમનાં ઘટકો પાણી પુરવઠા, સ્વચ્છતા અને આરોગ્ય સફાઇ માટેના ડબ્લ્યૂએચઓ/યુનિસેફના સંયુક્ત નિરીક્ષણ કાર્યક્રમ (જેએમપી) સાથે સુસંગત છે, જેનો ઉદ્દેશ સુરક્ષિત રીતે સંચાલિત પીવાનાં પાણીની સેવાઓ માટે એસડીજી 6.1 પર પ્રગતિ પર નજર રાખવાનો છે.

YP/GP/JD


(Release ID: 1931038) Visitor Counter : 391