પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગુવાહાટીથી ન્યૂ જલપાઇગુડીને જોડતી આસામની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી


નવા ઇલેક્ટ્રિફાઇડ સેક્શન અને નવા બાંધવામાં આવેલા ડેમૂ/મેમૂ શેડનું લોકાર્પણ કર્યું

“પૂર્વોત્તરની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ પર્યટન ક્ષેત્રને વેગ આપશે અને કનેક્ટિવિટીમાં વધારો કરશે”

“નવા ભારતના નિર્માણ માટે છેલ્લાં 9 વર્ષ અભૂતપૂર્વ સિદ્ધિઓના રહ્યાં છે”

“અમારી સરકારે ગરીબોના કલ્યાણને પ્રાથમિકતા આપી છે”

“માળખાકીય સુવિધા દરેક માટે છે અને તેમાં કોઇ ભેદભાવ નથી કરવામાં આવતો, માળખાકીય સુવિધાઓનો વિકાસ એ સાચો સામાજિક ન્યાય અને સાચી બિનસાંપ્રદાયિકતા છે”

“ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપવામાં આવેલા વેગના સૌથી વધુ લાભાર્થીઓ પૂર્વ અને પૂર્વોત્તર ભારતના રાજ્યો રહ્યાં છે”

“ભારતીય રેલ્વે ગતિની સાથે સાથે લોકોના હૃદય, સમાજ અને તકોને જોડવાનું માધ્યમ બની ગયું છે”

Posted On: 29 MAY 2023 1:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આસામની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ વંદે ભારત એક્સપ્રેસ ગુવાહાટીને ન્યૂ જલપાઇગુડી ગુવાહાટી સાથે જોડશે અને બંને સ્ટેશવો વચ્ચેની મુસાફરીમાં 5 કલાક 30 મિનિટનો સમય લાગશે. પ્રધાનમંત્રીએ નવા ઇલેક્ટ્રોફાઇડ સેક્શનના 182 કિલોમીટરના રૂટનું પણ લોકાર્પણ કર્યું હતું અને આસામના લુમડિંગ ખાતે નવા બાંધવામાં આવેલા ડેમૂ/મેમૂ શેડનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પૂર્વોત્તરના જોડાણ માટે આજનો દિવસ એક ખૂબ જ મોટો દિવસ છે કારણ કે વિકાસલક્ષી ત્રણ કાર્યો એકસાથે પૂર્ણ થઇ રહ્યાં છે. પ્રધાનમંત્રીએ વિગતવાર જણાવ્યું કે, સૌપ્રથમ તો પૂર્વોત્તર પ્રદેશને આજે તેની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ મળી રહી છે તેમજ આ ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ છે જે પશ્ચિમ બંગાળને જોડે છે. બીજું કે, આસામ અને મેઘાલયમાં અંદાજે 425 કિલોમીટરના રેલ્વે ટ્રેકનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે. અને, ત્રીજું કામ એ છે કે, આસામના લુમડિંગમાં એક નવા બાંધવામાં આવેલા ડેમૂ/મેમૂ શેડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ આ મહત્વપૂર્ણ અવસર પર આસામ, મેઘાલય અને પશ્ચિમ બંગાળ સહિત સમગ્ર પૂર્વોત્તરના નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુવાહાટી – ન્યૂ જલપાઇગુડી વંદે ભારત ટ્રેન આસામ અને પશ્ચિમ બંગાળ વચ્ચેના સદીઓ જૂના સંબંધોને વધુ મજબૂત બનાવશે. આના કારણે પ્રવાસની સરળતામાં વધારો થશે અને વિદ્યાર્થીઓને મોટો લાભ મળશે તેમજ પર્યટન અને વ્યવસાયથી ઉદ્ભવતી નોકરીની તકોમાં પણ વધારો થશે. તેમણે આગળ જણાવ્યું હતું કે, આ વંદે ભારત ટ્રેન કામાખ્યા માતા મંદિર, કાઝીરંગા, માનસ રાષ્ટ્રીય ઉદ્યાન અને પોબીટોરા વન્યજીવ અભયારણ્યને કનેક્ટિવિટી પૂરી પાડશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું કે, આ ટ્રેન શિલોંગ, મેઘાલયમાં ચેરાપુંજી અને અરુણાચલ પ્રદેશમાં તવાંગ અને પાસીઘાટમાં પ્રવાસ અને પર્યટનમાં વધારો કરશે.

NDA સરકારે સત્તાનું સુકાન સંભાળ્યું તેના 9 વર્ષ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આ વર્ષો દરમિયાન દેશે અસંખ્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે અને નવા ભારતની દિશામાં આગળ વધીને અભૂતપૂર્વ વિકાસનો સાક્ષી બન્યો છે. તેમણે સ્વતંત્ર ભારતના નવા ઉદ્ઘાટન કરવામાં આવેલા ભવ્ય સંસદ ભવન પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે, તે ભારતના હજાર વર્ષ જૂના લોકતાંત્રિક ઇતિહાસને તેની ભવિષ્યની સમૃદ્ધ લોકશાહી સાથે જોડશે. ભૂતકાળની સરકારોનો ઉલ્લેખ કરીને, પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, 2014 પહેલાંના કૌભાંડોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા, જેમાં ગરીબો અને વિકાસમાં પાછળ રહેલા રાજ્યોને સૌથી વધુ અસર થઇ હતી. પ્રધાનમંત્રીએ ઘરો, શૌચાલય, નળના પાણીના જોડાણો, વીજળી, ગેસ પાઇપલાઇન, એઇમ્સના વિકાસ, રસ્તાઓ, રેલ્વે, એરવેઝ, એરવેઝને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જળમાર્ગો, બંદરો અને મોબાઇલ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાના ઉદાહરણો આપ્યા હતા અને ટિપ્પણી કરી હતી કે, અમારી સરકારે ગરીબોના કલ્યાણને પ્રાથમિકતા આપી છે. તેમણે એ વાતને રેખાંકિત કરી હતી કે, સરકારે આ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પૂરી તાકાતથી કામ કર્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોકોના જીવનને સરળ બનાવે છે, રોજગારીની તકોનું સર્જન કરે છે અને વિકાસનો આધાર બને છે તે વાત નોંધ લેતા પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને મળેલી ગતિ અંગે સમગ્ર વિશ્વમાં ચર્ચા થઇ રહી છે. પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગરીબ, પછાત, દલિતો, આદિવાસીઓ અને સમાજના અન્ય વંચિત વર્ગોને મજબૂત અને સશક્ત બનાવે છે. વિકાસનું આ સ્વરૂપ સામાજિક ન્યાય અને બિનસાંપ્રદાયિકતાનું શુદ્ધ સ્વરૂપ છે એ વાતને રેખાંકિત કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક માટે છે અને તે ભેદભાવ કરતું નથી”.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, માળખાકીય સુવિધાઓને જે વેગ આપવામાં આવ્યો છે તેના કારણે સૌથી વધુ લાભ પૂર્વ અને પૂર્વોત્તર ભારતના રાજ્યોને થયો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અગાઉના સમયમાં પૂર્વોત્તરના લોકો દાયકાઓ સુધી મૂળભૂત સુવિધાઓથી પણ વંચિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 9 વર્ષ પહેલાં સુધી વીજળી, ટેલિફોન અથવા સારી રેલ અને રોડ એર કનેક્ટિવિટી ધરાવતા ન હોતા ધરાવતા તેવા મોટી સંખ્યામાં ગામો અને પરિવારો પૂર્વોત્તર પ્રદેશના જ હતા

પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રમાં સેવાની ભાવના સાથે રેલ કનેક્ટિવિટી માટે જે કામ કરવા આવ્યા છે તેનું ઉદાહરણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પૂર્વોત્તરમાં રેલ્વેની કનેક્ટિવિટી એ સરકારની ઝડપ, વ્યાપકતા અને ઇરાદાનો પુરાવો છે. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું હતું કે, બ્રિટિશ સામ્રાજ્યના સમયમાં આ પ્રદેશના કુદરતી સંસાધનોને લૂંટવાના હેતુથી પણ આસામ, ત્રિપુરા અને બંગાળ રેલ્વેથી જોડાયેલા હતા. જો કે, આઝાદી પછી, આ પ્રદેશમાં રેલ્વેના વિસ્તરણની અવગણના કરવામાં આવી હતી અને આખરે 2014 પછી વર્તમાન સરકાર તેના માટે કામે લાગી છે.

શ્રી મોદીએ આગળ કહ્યું હતું કે, તેમણે પૂર્વોત્તરના લોકોની સંવેદનશીલતા અને સુવિધાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પરિવર્તનનો સ્થાનિક લોકોને વ્યાપકપણે અનુભવ થયો છે. તેમણે એવી માહિતી આપી હતી કે, 2014 પહેલાં પૂર્વોત્તર માટે સરેરાશ રેલવે બજેટ લગભગ 2500 કરોડ રૂપિયા ફાળવવામાં હતું, જે આ વર્ષે વધીને 10 હજાર  રૂપિયા કરતાં પણ વધુ થઇ ગયું છે અને આ બજેટ ચાર ગણો વધારો થયો હોવાનું બતાવે છે. હવે મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય અને સિક્કિમના પાટનગરોને દેશના બાકીના ભાગો સાથે જોડવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, ખૂબ જ ટૂંક સમયમાં પૂર્વોત્તરના તમામ પાટનગરોને બ્રોડગેજ નેટવર્ક સાથે જોડવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટ પર એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, પૂર્વોત્તરમાં નવી રેલ લાઇનો પહેલાં કરતા ત્રણ ગણી ઝડપે નાખવામાં આવી રહી છે અને પહેલાંના સમયની સરખામણીએ 9 ગણી ઝડપી રેલવે લાઇનોનું ડબલિંગ કરવામાં આવી રહ્યં છે અને તેમણે ઉમેર્યું હતું કે, “સરકારના વિકાસ કાર્યોની વ્યાપકતા અને ગતિ અભૂતપૂર્વ રહી છે”. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, રેલ્વે લાઇનનું ડબલિંગ કરવાનું કામ છેલ્લાં 9 વર્ષમાં શરૂ થયું હતું અને સરકાર ખૂબ જ ઝડપી ગતિએ સંતૃપ્તિ સ્તર તરફ આગળ વધવા માટે કામ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ પૂર્વોત્તરના ઘણા દૂરના વિસ્તારો રેલ્વેથી જોડાયેલા છે તેના માટે વિકાસની ગતિને શ્રેય આપ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, લગભગ 100 વર્ષ પછી નાગાલેન્ડને તેનું બીજું રેલવે સ્ટેશન મળ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હવે વંદે ભારત સેમી હાઇ-સ્પીડ ટ્રેન અને તેજસ એક્સપ્રેસ એ જ પાથ પર દોડી રહી છે, જ્યાં એક સમયે ઓછી ગતિ માટે સક્ષમ નેરોગેજ લાઇનો ઊભી હતી. તેમણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા ભારતીય રેલ્વેના વિસ્ટા ડોમ કોચનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ગુવાહાટી રેલ્વે સ્ટેશન પર પ્રથમ ટ્રાન્સજેન્ડર ટી સ્ટોલનો ખાસ ઉલ્લેખ કર્યો હતો અને ટિપ્પણી કરી હતી કે, “ભારતીય રેલ્વે ગતિ સાથે લોકોના હૃદય, સમાજ અને તકોને જોડવાનું માધ્યમ બની ગયું છે”. તેમણે આગળ જણાવ્યું હતું કે, જેઓ સમાજ પાસેથી વધુ સારા વર્તનની અપેક્ષા રાખે છે તેમને સન્માનભર્યું જીવન આપવાની દિશામાં હાથ ધરાયેલો આ એક પ્રયાસ છે. 'વન સ્ટેશન, વન પ્રોડક્ટ' યોજના પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ પૂર્વોત્તરમાં રેલ્વે સ્ટેશનો પર સ્ટોલ સ્થાપિત કરવામાં આવ્યા છે જેમાં લોકલ ફોર વોકલ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક કારીગરો, શિલ્પકારો અને કારીગરો માટે નવું બજાર ઉપલબ્ધ થાય છે. તેમણે પૂર્વોત્તરમાં સેંકડો સ્ટેશનો પર આપવામાં આવતી Wi-Fi સુવિધાનું ઉદાહરણ પણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “સંવેદનશીલતા અને ગતિના આ સંયોજનથી જ પૂર્વોત્તર પ્રદેશ પ્રગતિના માર્ગ પર આગળ વધશે અને વિકસિત ભારતની દિશામાં આગળ વધવાનો માર્ગ મોકળો કરશે.

પૃષ્ઠભૂમિ

અત્યાધુનિક ટેકનોલોજી અને સુવિધાઓથી સજ્જ વંદે ભારત એક્સપ્રેસ પ્રદેશના લોકોને ઝડપ અને આરામદાયકતા સાથે મુસાફરી કરવા માટેનું માધ્યમ પૂરું પડશે. આ ટ્રેનના કારણે આ પ્રદેશમાં પર્યટનને પણ વેગ મળશે. આ ટ્રેન ગુવાહાટીને ન્યૂ જલપાઇગુડી સાથે જોડતી હોવાથી, આ બે સ્થળોને જોડતી હાલની સૌથી ઝડપી ટ્રેનની સરખામણીમાં તેમાં મુસાફરીમાં લગભગ એક કલાકનો સમય બચાવી શકાશે. વંદે ભારત ટ્રેન આ બંને સ્ટેશનો વચ્ચેનું અંતર 5 કલાક 30 મિનિટમાં આવરી લેશે , જ્યારે હાલની સૌથી ઝડપી ટ્રેન આટલી જ મુસાફરીને આવરી લેવા માટે 6 કલાક 30 મિનિટનો સમય લે છે.

પ્રધાનમંત્રીએ નવા ઇલેક્ટ્રોફાઇડ સેક્શનના 182 કિલોમીટરના રૂટનું લોકાર્પણ કર્યું હતું. આનાથી વધુ ઝડપે દોડતી ટ્રેનો સાથે પ્રદૂષણમુક્ત પરિવહન પૂરું પાડવામાં મદદ મળશે અને ટ્રેનોના દોડાવવાનો સમય ઓછો થઇ જશે. તે મેઘાલયમાં પ્રવેશવા માટે ઇલેક્ટ્રિક ટ્રેક્શન પર ચાલતી ટ્રેનોના દરવાજા પણ ખોલશે.

પ્રધાનમંત્રીએ આસામના લુમડિંગ ખાતે નવા બાંધવામાં આવેલા ડેમૂ/મેમૂ શેડનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ નવી સુવિધા આ પ્રદેશમાં કાર્યરત ડેમૂ રેકને જાળવી રાખવા માટે મદદરૂપ થશે, જેના કારણે વધુ સારી રીતે પરિચાલનની શક્યતા રહેશે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1928080) Visitor Counter : 250