પ્રધાનમંત્રીનું કાર્યાલય
નવા સંસદ ભવનનું રાષ્ટ્રને લોકાર્પણ કરવા માટે યોજાયેલા સમારંભમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
Posted On:
28 MAY 2023 3:41PM by PIB Ahmedabad
લોકસભાના આદરણીય અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી, રાજ્યસભાના ઉપાધ્યક્ષ શ્રી હરિવંશજી, માનનીય સંસદસભ્યો, તમામ વરિષ્ઠ લોકપ્રતિનિધિઓ, વિશેષ મહેમાનો, અન્ય તમામ મહાનુભાવો અને મારા પ્રિય દેશવાસીઓ!
દરેક દેશના વિકાસની યાત્રામાં કેટલીક એવી ક્ષણો આવતી હોય છે, જે હંમેશ માટે અમર બની જાય છે. કેટલીક તારીખો સમયના લલાટ પર ઇતિહાસના અમીટ હસ્તાક્ષર બની જાય છે. આજની આ તારીખ, 28 મે 2023નો આ દિવસ, આવો જ એક શુભ પ્રસંગ છે. દેશની સ્વતંત્રતાના 75 વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અમૃત મહોત્સવમાં ભારતના લોકોએ તેમની લોકશાહીને સંસદના આ નવનિર્મિત ભવનની ભેટ આપી છે. આજે સવારે જ સંસદ ભવન પરિસરમાં સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. હું તમામ દેશવાસીઓને ભારતની લોકશાહીની આ સોનેરી પળ બદલ અભિનંદન પાઠવું છું.
મિત્રો,
આ માત્ર ઇમારત નથી. તે 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને સપનાંઓનું પ્રતિબિંબ છે. તે દુનિયાને ભારતના સંકલ્પનો સંદેશ આપી રહેલું આપણી લોકશાહીનું મંદિર છે. આ નવું સંસદ ભવન યોજનાને યથાર્થ સાથે, નીતિને નિર્માણ સાથે, ઇચ્છાશક્તિને ક્રિયાશક્તિ સાથે, સંકલ્પને સિદ્ધિ સાથે જોડતી મહત્વની કડી સાબિત થશે. આ નવું ભવન આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાંને સાકાર કરવાનું માધ્યમ બનશે. આ નવી ઇમારત આત્મનિર્ભર ભારતના સૂર્યોદયની સાક્ષી બનશે. આ નવું ભવન વિકસિત ભારતના સંકલ્પોને સિદ્ધ થઇ રહેલા જોશે. આ નવું ભવન નૂતન તેમજ પુરાતન સહઅસ્તિત્વ માટે પણ એક આદર્શરૂપ છે.
મિત્રો,
નવા માર્ગો પર આગળ વધવાથી જ નવી કિર્તીમાન સ્થાપિત થઇ શકે છે. આજે, નવું ભારત નવા લક્ષ્યો નિર્ધારિત કરી રહ્યું છે, નવા માર્ગો ઘડી રહ્યું છે. નવો જુસ્સો ધરાવે છે, નવો ઉત્સાહ ધરાવે છે. નવી યાત્રા છે, નવી વિચારધારા છે. દિશા નવી છે, દૃષ્ટિ નવી છે. સંકલ્પ નવો છે, વિશ્વાસ નવો છે. અને આજે ફરી એકવાર સમગ્ર વિશ્વ ભારત તરફ, ભારતના સંકલ્પનની મક્કમતાને, ભારતના લોકોની પ્રખરતાને, ભારતીય જનશક્તિની જીજીવિશાને, સન્માન અને આશાની ભાવનાથી જોઇ રહ્યું છે. હવે જ્યારે ભારત આગળ વધે છે ત્યારે વિશ્વ આગળ વધે છે. સંસદનું આ નવું ભવન ભારતના વિકાસથી વિશ્વના વિકાસનું પણ આહ્વાન કરશે.
મિત્રો,
આજે આ ઐતિહાસિક અવસર પર થોડા સમય પહેલાં જ સંસદની આ નવી ઇમારતમાં પવિત્ર સેંગોલની પણ સ્થાપના કરવામાં આવી છે. મહાન ચોલ સામ્રાજ્યમાં, સેંગોલને કર્તવ્યપથના, સેવાના માર્ગના, રાષ્ટ્રના માર્ગના પ્રતીક તરીકે માનવામાં આવતું હતું. રાજાજી અને આદિનમના સંતોના માર્ગદર્શન હેઠળ, આ જ સેંગોલ સત્તાના સ્થાનાંતરણનું પ્રતીક બની ગયું હતું. તમિલનાડુથી ખાસ પધારેલા આદિનમના સંતો આજે સવારે આપણને આશીર્વાદ આપવા માટે સંસદ ભવનમાં ઉપસ્થિત રહ્યા હતા. હું તેમને ફરીથી શ્રદ્ધાપૂર્વક વંદન કરું છું. તેમના જ માર્ગદર્શન હેઠળ લોકસભામાં આ પવિત્ર સેંગોલની સ્થાપના કરવામાં આવી છે. થોડા દિવસ પહેલાં જ, તેના ઇતિહાસ સાથે સંકળાયેલી ઘણી માહિતી મીડિયામાં સામે આવી છે. હું તેની વિગતમાં બહુ ઊંડો ઉતરવા માંગતો નથી. પરંતુ હું માનું છું કે, આપણે આ પવિત્ર સેંગોલને તેની ગરિમા પાછી આપી શક્યા છીએ, તેનું માન-મર્યાદા પરત કરવામાં સફળ થયા છીએ, તે આપણા માટે સૌભાગ્યની વાત છે. જ્યારે પણ આ સંસદ ભવનમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે ત્યારે આ સેંગોલ આપણને સૌને પ્રેરણા આપતું રહેશે.
મિત્રો,
ભારત માત્ર લોકશાહી દેશ નથી પરંતુ લોકશાહીની જનેતા પણ છે, મધર ઓફ ડેમોક્રેસી પણ છે. ભારત આજે વૈશ્વિક લોકશાહીનો પણ ખૂબ મોટો આધાર છે. લોકશાહી આપણા માટે માત્ર એક વ્યવસ્થા નથી, પરંતુ તે એક સંસ્કાર છે, એક વિચાર છે, એક પરંપરા છે. આપણા વેદ આપણને સભાઓ અને સમિતિઓના લોકશાહી આદર્શો શીખવાડે છે. મહાભારત જેવા ગ્રંથોમાં ગણ (પ્રજા) અને ગણતંત્ર (પ્રજાસત્તાક)ની વ્યવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણે વૈશાલી જેવા પ્રજાસત્તાક જીવી જાણ્યા છીએ. આપણે ભગવાન બસવેશ્વરના અનુભવના ભાથાને આપણું ગૌરવ માન્યું છે. તમિલનાડુમાં મળેલો ઇ.સ. 900નો શિલાલેખ આજે પણ બધાને આશ્ચર્યમાં મૂકી દે છે. આપણી લોકશાહી જ આપણી પ્રેરણા છે, આપણું બંધારણ જ આપણો સંકલ્પ છે. આ પ્રેરણા, આ સંકલ્પનું સૌથી શ્રેષ્ઠ પ્રતિનિધિ જો કોઇ હોય તો તે આપણી આ સંસદ છે. અને આ સંસદ દેશની જે સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે, તેનો ઉદ્ઘોષ કરે છે - शेते निपद्य-मानस्य चराति चरतो भगः चरैवेति, चरैवेति- चरैवेति॥ કહેવાનો અર્થ એ છે કે, જે અટકી જાય છે તેનું નસીબ પણ અટકી જાય છે. પરંતુ જે ચાલતા રહે છે, તેનું નસીબ આગળ વધે છે, ઊંચાઇઓને સ્પર્શે છે. અને આથી જ, એકધારા ચાલતા રહો, ચાલતા રહો. ગુલામી પછી, આપણા ભારતે ઘણું બધું ગુમાવ્યા પછી તેની નવી યાત્રાનો પ્રારંભ કર્યો છે. એ યાત્રા અનેક ચડાવ-ઉતારમાંથી પસાર થઇ છે, અનેક પડકારોને પાર કરીને, આઝાદીના અમૃતકાળમાં પ્રવેશી ચુકી છે. આઝાદીનો આ અમૃતકાળ - વારસાનું જતન કરીને વિકાસના નવા આયામો ઘડવાનો અમૃતકાળ છે. આઝાદીનો આ અમૃતકાળ - દેશને નવી દિશા આપવાનો અમૃતકાળ છે. આઝાદીનો આ અમૃતકાળ - અનંત સપનાંઓ અને અસંખ્ય આકાંક્ષાઓને પૂરી કરવાનો અમૃતકાળ છે. આ અમૃતકાળનું આહ્વાન છે કે,-
મુક્ત માતૃભૂમિને નવું માન જોઇએ,
નવીન પર્વ માટે, નવો પ્રાણ જોઇએ,
મુક્ત ગીત થઇ રહ્યું છે, નવીન રાગ જોઇએ,
નવીન પર્વ માટે, નવો પ્રાણ જોઇએ.
અને તેથી જ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા જઇ રહેલું આ કાર્યસ્થળ પણ એટલું જ નવીન હોવું જોઇએ, આધુનિક હોવું જોઇએ.
મિત્રો,
એક સમય હતો જ્યારે ભારતની ગણતરી વિશ્વના સૌથી સમૃદ્ધ અને વૈભવી દેશોમાં થતી હતી. ભારતના શહેરોથી માંડીને મહેલો સુધી, ભારતના મંદિરોથી લઇને શિલ્પો સુધી, ભારતના સ્થાપત્યે ભારતની કુશળતાની ઘોષણા કરી હતી. સિંધુ સંસ્કૃતિના નગર આયોજનથી માંડીને મૌર્ય સ્તંભો અને સ્તૂપ સુધી, ચોલા દ્વારા બાંધવામાં આવેલા ભવ્ય મંદિરોથી લઇને જળાશયો અને મોટા બંધો સુધી, ભારતના ચાતુર્યએ સમગ્ર દુનિયાના પ્રવાસીઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા. પરંતુ સેંકડો વર્ષની ગુલામીએ આપણી પાસેથી આ ગૌરવ છીનવી લીધું. એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે આપણે બીજા દેશોમાં થતા બાંધકામોથી આકર્ષિત થવા માંડ્યા હતા. 21મી સદીનું નવું ભારત, ઉચ્ચ ભાવનાથી ભરેલું ભારત, હવે ગુલામીની એ વિચારસરણીને પાછળ છોડી રહ્યું છે. આજે ભારત ફરી એકવાર પ્રાચીન કાળના તે ભવ્ય પ્રવાહને પોતાની તરફ ફેરવી રહ્યું છે. અને સંસદનું આ નવું ભવન આ પ્રયાસનું જીવંત પ્રતીક બની ગયું છે. આજે નવા સંસદ ભવન જોઇને દરેક ભારતીય ગૌરવથી છલકાઇ રહ્યો છે. આ ઇમારત વારસાની સાથે સાથે આર્કિટેક્ચર પણ ધરાવે છે. આમાં કળાની સાથે સાથે કૌશલ્ય પણ છે. તેમાં સંસ્કૃતિ પણ છે અને બંધારણનો સ્વર પણ છે.
તમે જોઇ રહ્યા છો કે, લોકસભાનો આંતરિક ભાગ અહીં પણ જુઓ, અહીં પણ જુઓ, રાષ્ટ્રીય પક્ષી મોર પર આધારિત છે. રાજ્યસભાનો આંતરિક ભાગ રાષ્ટ્રીય ફૂલ કમળ પર આધારિત છે. અને આપણું રાષ્ટ્રીય વૃક્ષ વડ પણ સંસદના પરિસરમાં છે. આપણા દેશના જુદા જુદા ભાગોની વિવિધતાને, આ નવા ભવને તે બધાને સમાવી લીધા છે. તેમાં રાજસ્થાનથી લાવવામાં આવેલા ગ્રેનાઇટ અને સેન્ડસ્ટોન લગાવવામાં આવ્યા છે. તમે જે લાકડાનું કામ જોઇ રહ્યા છો તે મહારાષ્ટ્રમાંથી આવ્યું છે. ઉત્તરપ્રદેશના ભદોહીના કારીગરોએ આના માટે પોતાના હાથ વડે જાતે ગાલીચો વણ્યો છે. એક રીતે જોવામાં આવે તો, આ ભવનના દરેક કણમાં આપણને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાના દર્શન થઇ શકશે.
મિત્રો,
સંસદના જૂના ભવનમાં દરેક માટે પોતાનું કામ પૂરું કરવું ઘણું મુશ્કેલ થઇ રહ્યું હતું તે વાત આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. ટેક્નોલોજી સાથે સંકળાયેલી સમસ્યાઓ હતી, બેઠકની જગ્યા સાથે સંકળાયેલો પડકાર હતો. એટલા માટે છેલ્લા દોઢ - બે દાયકાથી સતત ચર્ચા ચાલી રહી હતી કે દેશને નવા સંસદ ભવનની જરૂર છે. અને આપણે એ પણ જોવાનું રહેશે કે આવનારા સમયમાં બેઠકોની સંખ્યામાં વધારો થશે, સાંસદોની સંખ્યા વધશે તો એ લોકો ક્યાં બેસશે?
અને તેથી જ સમયની માંગ હતી કે, સંસદની નવી ઇમારતનું નિર્માણ કરવામાં આવે. અને મને એ વાતનો આનંદ છે કે, આ ભવ્ય ભવન સંપૂર્ણ રીતે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તમે જોઇ શકો છો કે, આ સમયે પણ આ હોલમાં સૂર્યપ્રકાશ સીધો જ આવી રહ્યો છે. વીજળીનો ઓછામાં ઓછો વપરાશ થાય, દરેક જગ્યાએ અદ્યતન ટેક્નોલોજીવાળા ગેજેટ હોય, આ બધી જ બાબતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
મિત્રો,
આજે સવારે જ હું આ સંસદ ભવનના નિર્માણમાં જોડાયેલા શ્રમિકોના સમૂહને મળ્યો. આ સંસદ ભવને લગભગ 60 હજાર શ્રમિકોને રોજગાર આપવાનું કામ પણ કર્યું છે. તેમણે આ નવી ઇમારત માટે પોતાનો પરસેવો રેડ્યો છે. મને ખુશી છે કે સંસદમાં તેમના શ્રમને સમર્પિત ડિજિટલ ગેલેરી પણ તૈયાર કરવામાં આવી છે. અને વિશ્વમાં કદાચ પ્રથમ વખત આવું બન્યું હશે. હવે સંસદના નિર્માણમાં તેમનું યોગદાન પણ અમર થઇ ગયું છે.
મિત્રો,
જો કોઇ નિષ્ણાત છેલ્લાં નવ વર્ષનું મૂલ્યાંકન કરે તો તેમને જણાશે કે આ નવ વર્ષ ભારતમાં નવા નિર્માણના, ગરીબોના કલ્યાણના રહ્યાં છે. આજે સંસદની નવી ઇમારતના નિર્માણ પર આપણને ગૌરવ છે, તેથી મને એ વાતનો પણ સંતોષ છે કે છેલ્લાં 9 વર્ષમાં ગરીબો માટે 4 કરોડ મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે જ્યારે આપણે આ ભવ્ય ઇમારતને જોઇને માથું ઊંચું કરી રહ્યા છીએ ત્યારે છેલ્લાં 9 વર્ષમાં બાંધવામાં આવેલા 11 કરોડ શૌચાલયથી પણ મને સંતોષ છે, જેના કારણે મહિલાઓની ગરિમાનું રક્ષણ થયું છે અને તેમનું માથું ઊંચુ કર્યું છે. આજે જ્યારે આપણે આ સંસદ ભવનમાં સુવિધાઓ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે મને એ વાતનો સંતોષ છે કે, છેલ્લાં 9 વર્ષમાં અમે ગામડાઓને જોડવા માટે 4 લાખ કિલોમીટર કરતાં વધુ લંબાઇના માર્ગોનું નિર્માણ કર્યું છે. આજે જ્યારે આપણે આ ઇકો-ફ્રેન્ડલી ઇમારત જોઇને ખુશ છીએ ત્યારે મને એ વાતનો સંતોષ છે કે, અમે પાણીનું એક એક ટીપું બચાવવા માટે 50 હજારથી વધુ અમૃત સરોવરનું નિર્માણ કર્યું છે. આજે જ્યારે આપણે આ નવા સંસદ ભવનની લોકસભા અને રાજ્યસભા જોઇને ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે મને સંતોષ છે કે, આપણે દેશમાં 30 હજારથી વધુ નવી પંચાયતના ભવનનું પણ નિર્માણ કર્યું છે. મતલબ કે, પંચાયત ભવનથી લઇને સંસદ ભવન સુધી અમારી નિષ્ઠા એક જ રહી છે, અમારી પ્રેરણા એક જ રહી છે-
દેશનો વિકાસ, દેશની જનતાનો વિકાસ.
મિત્રો,
આપ સૌને ધ્યાનમાં હશે જ, કે 15 ઓગસ્ટે મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે - આ જ સમય છે, યોગ્ય સમય છે. દરેક દેશના ઇતિહાસમાં એક એવો સમય આવે છે, જ્યારે દેશની ચેતના નવેસરથી જાગે છે. ભારતમાં આઝાદીના 25 વર્ષ પહેલાં, 1947ની પહેલાંના 25 વર્ષ યાદ કરો, ભારતમાં આઝાદીના 25 વર્ષ પહેલાં, આવો જ સમય આવી ગયો હતો. ગાંધીજીના અસહકાર આંદોલને આખા દેશને એક આસ્થાથી છલકાવી દીધો હતો. ગાંધીજીએ દરેક ભારતીયને સ્વરાજના સંકલ્પ સાથે જોડ્યા હતા. આ તે સમય હતો જ્યારે દરેક ભારતીય આઝાદી માટે લડી રહ્યો હતો. આના પરિણામ રૂપે આપણે 1947માં ભારતની આઝાદી મેળવી. આઝાદીનો આ અમૃતકાળ પણ ભારતના ઇતિહાસનો એક આવો જ પડાવ છે. આજથી 25 વર્ષ પછી, ભારત તેની આઝાદીના 100 વર્ષ પૂરાં કરશે. આપણી પાસે 25 વર્ષનો અમૃત કાળખંડ છે. આ 25 વર્ષ દરમિયાન, આપણે સાથે મળીને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે. આ લક્ષ્ય મોટું છે, આ લક્ષ્ય મુશ્કેલ પણ છે, પરંતુ દરેક દેશવાસીએ આજથી જ તેના માટે સખત મહેનત કરવી પડશે, નવા સંકલ્પો લેવાના છે, નવી ગતિ પકડવી પડશે. અને ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે, આપણે સૌ ભારતીયોનો વિશ્વાસ, માત્ર ભારત સુધી જ સિમિત નથી રહેતો. આપણી આઝાદીની લડાઇએ તે સમયે દુનિયાના અનેક દેશોમાં એક નવી ચેતના જગાવી હતી. આપણી આઝાદીની લડાઇથી ભારત તો આઝાદી થયું જ અને સાથે સાથે અનેક દેશોને પણ આઝાદીના માર્ગે આગળ વધવાની પ્રેરણા મળી. ભારતના વિશ્વાસે અન્ય દેશોના વિશ્વાસને ટેકો આપ્યો હતો. અને તેથી, જ્યારે ભારત જેવો વિવિધતાથી ભરેલો દેશ, આટલી મોટી વસ્તી ધરાવતો દેશ, અનેક પડકારો સામે લડતો દેશ, એક વિશ્વાસ સાથે આગળ વધે છે, ત્યારે તે વિશ્વના ઘણા દેશોને પ્રેરણા પણ આપે છે. ભારતની દરેક સફળતા, આવનારા દિવસોમાં દુનિયાના અલગ અલગ ભાગોમાં જુદા જુદા દેશોની સફળતાના રૂપમાં પ્રેરણાનું કારણ બનવાની છે. આજે જો ભારત ઝડપથી ગરીબી દૂર કરે છે, તો તે ઘણા દેશોને ગરીબીમાંથી બહાર આવવાની પ્રેરણા પણ આપે છે. ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ બીજા અનેક દેશોની તાકાત બનશે. આથી જ, ભારતની જવાબદારી મોટી બની જાય છે.
અને મિત્રો,
સફળ થવાનો ભરોસો હોવો એ જ સફળતાની પ્રથમ શરત છે. આ નવું સંસદ ભવન આ ભરોસાને નવી ઊંચાઇ આપવા જઇ રહ્યું છે. વિકસિત ભારતના નિર્માણમાં આપણા સૌના માટે આ એક નવી પ્રેરણા બનશે. આ સંસદ ભવન દરેક ભારતીયની ફરજની ભાવના જાગૃત કરશે. મને વિશ્વાસ છે કે, આ સંસદમાં જે લોકપ્રતિનિધિઓ નવી પ્રેરણા લઇને બેસશે, તેઓ લોકશાહીને નવી દિશા આપવાનો પ્રયત્ન કરશે. આપણે પ્રથમ રાષ્ટ્રની ભાવના સાથે આગળ વધવું પડશે - इदं राष्ट्राय इदं न मम આપણે કર્તવ્યના માર્ગને સર્વોપરી રાખવો પડશે- कर्तव्यमेव कर्तव्यं, अकर्तव्यं न कर्तव्यं આપણે આપણા વર્તન દ્વારા દૃશ્ટાંતો બેસાડવા પડશે - यद्यदा-चरति श्रेष्ठः तत्तदेव इतरो जनः। આપણે આપણી જાતને સતત સુધારતા રહેવાની છે – उद्धरेत् आत्मना आत्मानम्। આપણે આપણા પોતાના નવા માર્ગોનું નિર્માણ કરવાનું છે – अप्प दीपो भव: આપણે આપણી જાતને ખપાવી દેવી પડશે, તપાવવી પડશે – तपसों हि परम नास्ति, तपसा विन्दते महत। આપણે જન કલ્યાણને આપણો જીવનમંત્ર બનાવવો પડશે – लोकहितं मम करणीयम्, જ્યારે આપણે સંસદના આ નવા ભવનમાં આપણી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશું ત્યારે દેશવાસીઓને પણ નવી પ્રેરણા મળશે.
મિત્રો,
દુનિયાની સૌથી મોટી લોકશાહીને આ નવું સંસદ ભવન નવી ઉર્જા અને નવી તાકાત પૂરી પાડશે. અમારા શ્રમિકોએ પોતાના પરસેવાથી આ સંસદ ભવન આટલું ભવ્ય બનાવ્યું છે. હવે આપણે સૌ સાંસદોની જવાબદારી છે કે આપણે તેમને આપણા સમર્પણથી તેને હજી પણ વધુ દિવ્ય બનાવીએ. એક રાષ્ટ્ર તરીકે આપણે સૌ 140 કરોડ ભારતીયોનો સંકલ્પ જ આ નવી સંસદની પ્રાણ-પ્રતિષ્ઠા છે. અહીં લેવામાં આવનારો દરેક નિર્ણય આવનારી સદીઓની શોભા વધારનારો છે. અહીં લેવામાં આવનારો દરેક નિર્ણય આવનારી પેઢીઓને સશક્ત બનાવનારો હશે. અહીં લેવામાં આવનારો દરેક નિર્ણય ભારતના ઉજ્જવળ ભવિષ્યનો આધાર બનશે. ગરીબ, દલિત, પછાત, આદિવાસી, દિવ્યાંગ, સમાજના દરેક વંચિત પરિવારના સશક્તિકરણનો માર્ગ, વંચિતોને પ્રાધાન્ય આપવાનો માર્ગ અહીંથી જ પસાર થાય છે. આ નવા સંસદ ભવનની દરેક ઇંટ, દરેક દિવાલ, દરેક કણ ગરીબોના કલ્યાણ માટે સમર્પિત છે. આગામી 25 વર્ષમાં સંસદના આ નવા ભવનમાં બનનારા નવા કાયદા ભારતને વિકસિત ભારત બનાવશે. આ સંસદમાં બનેલા કાયદા ભારતને ગરીબીમાંથી બહાર કાઢવામાં મદદ કરશે. આ સંસદમાં બનનારા કાયદા દેશના યુવાનો અને મહિલાઓ માટે નવી તકોનું સર્જન કરશે. મને ખાતરી છે કે, સંસદની આ નવી ઇમારત નવા ભારતના નિર્માણનો આધાર બનશે. એક સમૃદ્ધ, સશક્ત અને વિકસિત ભારત, નીતિ, ન્યાય, સત્ય, ગૌરવ અને કર્તવ્યપથ પર વધુ મજબૂત બનીને ચાલે તેવું ભારત. હું ફરી એકવાર ભારતના તમામ લોકોને નવા સંસદ ભવન બદલ અભિનંદન પાઠવું છું. આભાર!
YP/GP/JD
(Release ID: 1927893)
Visitor Counter : 542
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Nepali
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam