માહિતી અને પ્રસારણ મંત્રાલય

સરકારનાં 9-વર્ષ પર નેશનલ કૉન્કલેવનાં સમાપન સત્ર દરમિયાન નાણાં મંત્રીએ મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષસ્થાન સંભાળ્યું


સરકારનાં સક્ષમ નેતૃત્વ અને સારા નીતિગત નિર્ણયોને કારણે જ યુવાનોમાં તેમનાં ભવિષ્ય વિશેની ધારણામાં સુધારો થયો છે: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી

પ્રધાનમંત્રી ગતિ શક્તિ ભારતને પાયાનું માળખું પૂરું પાડે છે, જેથી 'ગતિ' તેમજ 'પ્રગતિ' સુનિશ્ચિત થશેઃ શ્રી અનુરાગ ઠાકુર

આ વર્ષે ખેલો ઇન્ડિયા ગેમ્સમાં 25 નવા નેશનલ રેકોર્ડ બનાવવામાં આવ્યા છે, જેમાંથી 21 ભારતની દીકરીઓએ બનાવ્યા છે: શ્રી અનુરાગ ઠાકુર

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વએ છેલ્લાં 9 વર્ષમાં જવાબદાર સરકારનાં ઉદાહરણ દ્વારા લોકોની માનસિકતા બદલી છેઃ નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ

નાણાં મંત્રીએ જીએસટીમાં મુખ્ય સુધારાઓ, જૂના કાયદાઓ રદ કરવા, ઇન્સોલ્વન્સી અને બૅન્ક્રપ્સી કૉડ, મહિલા સશક્તીકરણ, સ્ટાર્ટ-અપ્સ અને કોવિડ-19 મહામારી દરમિયાન અન્ય મુખ્ય સુધારાઓ વિશે વાત કરી

Posted On: 27 MAY 2023 9:24PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે વિજ્ઞાન ભવનનાં પ્લેનરી હૉલમાં આયોજિત સરકારનાં 9 વર્ષ પર રાષ્ટ્રીય સંમેલનનાં સમાપન સત્રની મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરી હતી. કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે દિવસની શરૂઆતમાં ઉદ્‌ઘાટન કરેલા આ કાર્યક્રમમાં ત્રણ વિષયોનાં સત્રો યોજાયા હતા, જેમાં વિવિધ ક્ષેત્રોના પેનલિસ્ટોએ તેમનાં મંતવ્યો વ્યક્ત કર્યાં હતાં અને 'યુવા શક્તિ' સાથે વાતચીત પણ કરી હતી.

સમાપન સત્રમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન, માહિતી અને પ્રસારણ સચિવ શ્રી અપૂર્વ ચંદ્રા અને પ્રસાર ભારતીનાં સીઇઓ શ્રી ગૌરવ દ્વિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001B5BY.jpg

શ્રી અનુરાગ ઠાકુરે મુખ્ય અતિથિ અને અન્ય સહભાગીઓને આવકારતાં જણાવ્યું હતું કે, છેલ્લા એક દાયકામાં ભારતની છબીમાં પરિવર્તન આવ્યું છે. મંત્રીએ કહ્યું કે સરકારનાં સક્ષમ નેતૃત્વ અને સારા નીતિગત નિર્ણયોને કારણે જ યુવાનોમાં તેમનાં ભવિષ્ય વિશેની ધારણામાં સુધારો થયો છે. તેમણે ૯ વર્ષ પહેલાં દેશ જે પડકારોનો સામનો કરી રહ્યો હતો તેના વિશે દરેકનું ધ્યાન દોર્યું. તેમણે ઉમેર્યું હતું કે, "પરંતુ 9 વર્ષ પછી, ભારત હવે એક મંદ અર્થતંત્ર રહ્યું નથી અને સૌથી ઝડપથી વિકસતાં અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે, જે બ્રિટિશ અર્થતંત્રને પણ પાછળ છોડીને 5મું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે."

મંત્રીએ યાદ કર્યું હતું કે, કેન્દ્ર સરકારે કેવી રીતે કોવિડ-19 મહામારીનો સામનો કર્યો હતો, જે પ્રધાનમંત્રીની 'જાન હૈ તો જહાં હૈ' અને 'જાન ભી, જહાં ભી'નાં સૂત્રને અનુરૂપ છે. "વૈજ્ઞાનિકો કોવિડ રસી વિકસાવવા માટે રોકાયેલા હતા. એક નહીં પરંતુ બે રસી વિકસિત કરવામાં આવી હતી અને લગભગ 220 કરોડ કોવિડ રસીના ડોઝ લોકોને વિના મૂલ્યે પૂરા પાડવામાં આવ્યા હતા," એમ તેમણે ઉજાગર કર્યું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002NYQW.jpg

ખાસ કરીને કોવિડ-19 મહામારીના સમયમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાના સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડતા મંત્રીએ જણાવ્યું હતું કે, 80 કરોડ લોકોને 28 મહિના સુધી વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવ્યું હતું અને આ સંદર્ભમાં સરકાર દ્વારા આશરે રૂ. 4 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મહામારી દરમિયાન વેપાર-વ્યવસાયો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પહોંચી વળવા માટે, ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગૅરંટી સ્કીમ જેવી વિવિધ યોજનાઓ રજૂ કરવામાં આવી હતી, જેનાં કારણે વેપાર-ધંધા ફક્ત ટકી શક્યા એટલું જ નહીં, પરંતુ હવે વિકસિત પણ થયા છે. તેમણે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે સરકારના પ્રયાસો પર પણ ભાર મૂક્યો હતો અને ઉમેર્યું હતું કે, અત્યારે ભારત ગર્વભેર વિશ્વમાં ત્રીજા ક્રમની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તરીકે ઊભું છે, જેમાં દેશમાં 100 યુનિકોર્નનો પણ સમાવેશ થાય છે.

શ્રી અનુરાગ ઠાકુરે વીતેલાં 9 વર્ષમાં સરકારની વિક્રમી ઉપલબ્ધિ પર પ્રકાશ પાડતા કહ્યું કે આ સરકારે ન માત્ર ડિજિટલ ટેક્નૉલોજીનાં માધ્યમથી પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરી, પરંતુ 3.5 કરોડ લાભાર્થીઓને પાકાં મકાનોની પણ ખાતરી આપી, 12 કરોડ શૌચાલયોનું નિર્માણ કર્યું, 11.7 કરોડ પરિવારોને નળનું પાણીનું કનેક્શન, 9.6 કરોડ મહિલાઓને ઉજ્જવલા ગેસ કનેક્શન,  100 કરોડથી વધારે એલઇડી બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે, છેલ્લાં 9 વર્ષમાં માર્ગ નિર્માણની ગતિ ચાર ગણી વધી ગઈ છે અને સાથે સાથે એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, તમામ ગામોનું વિદ્યુતીકરણ થાય. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, પીએમ ગતિ શક્તિ ભારતને પાયાનું માળખું પ્રદાન કરી રહી છે, જેથી 'ગતિ' તેમજ 'પ્રગતિ' સુનિશ્ચિત થઈ શકે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં 9 વર્ષમાં રમતગમત માટે બજેટનો ખર્ચ રૂ. 864 કરોડથી ત્રણ ગણો વધીને રૂ. 2700 કરોડ થયો છે. ખેલો ઇન્ડિયા, યૂથ ગેમ્સ, યુનિવર્સિટી ગેમ્સ અને વિન્ટર ગેમ્સ જેવી યોજનાઓ દ્વારા શરૂઆત કરવામાં આવી છે, જેમાં લગભગ 15,000 રમતવીરો ભાગ લઈ ચૂક્યા છે. તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, આ વર્ષે ખેલો ઇન્ડિયા ગેમ્સમાં 25 નવા રાષ્ટ્રીય વિક્રમોનું સર્જન થયું હતું, જેમાંથી 21 ભારતની દિકરીઓએ બનાવ્યા હતા.

શ્રી અનુરાગ ઠાકુરે ભારતનાં ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કુશળતા પર પ્રકાશ પાડ્યો હતો અને યાદ કર્યું હતું કે કેવી રીતે વૈશ્વિક સ્તરે તેની પ્રશંસા કરવામાં આવી છે, જેમાં ગૂગલના સીઇઓ સુંદર પિચાઇનો પણ સમાવેશ થાય છે. મંત્રીએ જણાવ્યું હતું કે, આ મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે જ 21 કરોડ મહિલાઓ તેમનાં બૅન્ક ખાતામાં 31,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર મેળવી શકી છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, "જે 3.5 કરોડ પરિવારોને પાકાં મકાનો પૂરાં પાડવામાં આવ્યા6 એમાંથી 75 ટકા રજિસ્ટ્રી મહિલાઓનાં નામે કરવામાં આવી છે." તેમણે એમ પણ કહ્યું કે સરકારે સુનિશ્ચિત કર્યું છે કે હવાઈ ચપ્પલમાં લોકો હવે હવાઈ જહાજમાં મુસાફરી કરી શકે છે. ત્યારબાદ તેમણે એમ પણ કહ્યું હતું કે રસ્તાઓનાં નિર્માણની ઝડપી ગતિને કારણે વિવિધ શહેરો વચ્ચેનું અંતર અને સમય પણ નોંધપાત્ર રીતે ઘટી ગયો છે.

મંત્રીશ્રીએ અંતમાં જણાવ્યું હતું કે, વિશ્વ ભારતમાં આશા જોઇ રહ્યું છે અને સરકારના પ્રયાસોથી ભારત વર્ષ ૨૦૪૭ પહેલાં જ વિકસિત બનવાનાં લક્ષ્યને સાકાર કરવા માટે ઝડપભેર આગળ વધી રહ્યું છે.

નાણામંત્રીએ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનાં માધ્યમથી સરકારના ઇરાદાને ઉજાગર કરીને પોતાનાં સંબોધનની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વનો ઉલ્લેખ કરતા શ્રીમતી સીતારમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રીએ તેમની અથાગ મહેનતથી લોકોનો વિશ્વાસ અને શ્રદ્ધા પ્રાપ્ત કરી છે અને તે લોકોમાં તેમની લોકપ્રિયતા દ્વારા પ્રગટ થાય છે અને ઉમેર્યું હતું કે, લોકોની માનસિકતા પણ બદલાઈ છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00396HL.jpg

પ્રધાનમંત્રી સાથેની તેમની ચર્ચાની મિનિટ્સ શેર કરતા, નાણાં પ્રધાને કહ્યું, "તે તેમની સલાહ હતી કે કોવિડનાં નામે કોઈ નવો કર લાગુ કરવો જોઈએ નહીં અને અમે રસીથી લઈને ખોરાકનાં વિતરણ સુધીના લોકો પાસેથી કોઇ ચાર્જ લીધો નહીં. એટલું જ નહીં, કોવિડ -19 મહામારી પછી પણ, કરમાં વધારો કરવામાં આવ્યો ન હતો."

સુધારાના મુદ્દા પર બોલતાં શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ 1,500 પ્રાચીન કાયદાઓને દૂર કરીને સતત સુધારાને પ્રોત્સાહન આપ્યું હતું, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે આ પ્રકારના કાયદાઓ નાગરિકોને પરેશાન કરવાનું સાધન અને ભ્રષ્ટાચારનું સાધન ન બની જાય.

વસ્તુ અને સેવા કર (જીએસટી) વ્યવસ્થા હેઠળ એક રાષ્ટ્ર, એક કરવેરાનું ઉદાહરણ ટાંકીને નાણાં મંત્રીએ કહ્યું હતું કે, આ સરકારે તમામ રાજ્યો સાથે મજબૂત કાયદો લાવવાની સાથે સામાન્ય અને વ્યાવસાયિક લોકોને ઈઝ ઑફ લિવિંગ- જીવન જીવવાની સરળતા પ્રદાન કરવા માટે જીએસટીની મજબૂત વ્યવસ્થા પણ ઊભી કરી છે.

નાણામંત્રીએ મહિલાઓની સુરક્ષાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ પર પોતાનાં ભાષણનાં માધ્યમથી મહિલા સુરક્ષાના મુદ્દાનો ઉકેલ આણ્યો." પ્રધાનમંત્રીએ ઘણી છોકરીઓ સેનિટરી પેડ્સની અછતને કારણે બિનઆરોગ્યપ્રદ રીતો અપનાવતી હોવા વિશે જ વાત કરી ન હતી, પરંતુ, તેમણે તેમને 1 રૂપિયાના ખર્ચે પૂરાં પાડીને તેને પોસાય તેવા પણ બનાવ્યા હતા. નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, આ કોઈ નાના માનસિકતા પરિવર્તનના મુદ્દાઓ નથી.

સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમના સંદર્ભમાં શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, સન્માનપૂર્વક વ્યવસાય બંધ કરવો એ અગાઉ કલંક હતું, પરંતુ ઇન્સોલ્વન્સી એન્ડ બૅન્કરપ્સી કોડ (આઇબીસી) લાગુ થવાથી યુવાનો વ્યવસાય શરૂ કરી શકે છે અને નિષ્ફળતાના કિસ્સામાં તેને સન્માનપૂર્વક બંધ પણ કરી શકે છે.

સશસ્ત્ર દળોમાં મોટા પાયે પરિવર્તન વિશે વાત કરતા શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, અગાઉ કાયમી કમિશન માત્ર છોકરાઓ માટે જ ઉપલબ્ધ હતું, પણ પ્રધાનમંત્રીના નિર્દેશો પર હવે આ ક્ષેત્ર મહિલાઓ માટે પણ ખોલવામાં આવ્યું છે; જેનાથી સેના, નૌકાદળ, હવાઈ દળ અને તટરક્ષક દળમાં પણ આગળની હરોળમાં સ્થાયી કમિશન મેળવવાની તેમની આકાંક્ષાઓ પૂર્ણ થશે.

શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, "આ તમામ ઉદાહરણો એક મોટાં પરિવર્તનનો સંકેત આપે છે, જ્યારે નેતૃત્વ તમામ હિતધારકો સાથે મળીને તેમની માનસિકતા બદલવા માટે કામ કરે છે, ત્યારે આ ફેરફારો થાય છે. ભારત ખૂબ જ જટિલ દેશ છે અને નિર્ણય લેવાની પ્રક્રિયા અનેક લેયર્સ અને સ્તરોમાંથી પસાર થાય છે."

યુક્રેન, યમન અને સુદાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવાનાં ઉદાહરણો ટાંકીને શ્રીમતી સીતારમણે કહ્યું હતું કે, આ સરકાર ભારતની બહારનાં લોકોનાં દ્રષ્ટિકોણને બદલી રહી છે, જે પ્રતિબદ્ધ અને સમર્પિત સરકારમાં જોવા મળે છે, જે ભારતનાં હિતોને પ્રાથમિકતા આપે છે. "આ દર્શાવે છે કે પ્રધાનમંત્રી દરેક નાગરિકને ગંભીરતાથી લે છે; દરેક નાગરિકને સાંભળવામાં આવે છે અને દરેક નાગરિકને પ્રતિસાદ આપવામાં આવે છે, એમ નાણાં મંત્રીએ ઉમેર્યું હતું

YP/GP/JD



(Release ID: 1927806) Visitor Counter : 210