પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ તમિલ નવા વર્ષની ઉજવણી નિમિત્તે આપેલા સંબોધનનો મૂળપાઠ

Posted On: 13 APR 2023 10:55PM by PIB Ahmedabad

વનક્કમ!

આપ સૌને તમિલ પુત્તાંડુની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારા સૌના પ્રેમ, મારા તમિલ ભાઇ અને બહેનોના સ્નેહના કારણે જ આજે મને તમારી વચ્ચે તમિલ પુત્તાંડુની ઉજવવા કરવાની તક મળી રહી છે. પુત્તાંડુ, એ પ્રાચીનતામાં અર્વાચીનતાનો તહેવાર છે! આટલી પ્રાચીન તમિલ સંસ્કૃતિ અને દર વર્ષે પુત્તાંડુથી નવી ઉર્જા સાથે આગળ વધતા રહેવાની આ પરંપરા ખરેખર અદ્ભુત છે! આ જ વાત તમિલનાડુ અને તમિલ લોકોને આટલા બધા ખાસ બનાવે છે. આથી જ, મને હંમેશા આ પરંપરા પ્રત્યે ઘણું આકર્ષણ રહ્યું છે અને તેની સાથે મારું ભાવનાત્મક જોડાણ પણ રહ્યું છે. જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે મણિનગર વિધાનસભા સીટ પરથી હું ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યો હતો, તે વિસ્તારમાં ઘણી મોટી સંખ્યામાં તમિલ મૂળના લોકો રહેતા છે, તેઓ મારા મતદારો હતા, તેઓ મને ધારાસભ્ય પણ બનાવતા હતા અને તેમણે જમને મુખ્યમંત્રી પણ બનાવ્યો હતો. અને તેમની સાથે મેં વિતાવેલી પળો મને હંમેશા યાદ છે. મારા સદ્ભાગ્યના કારણે જ જેટલો પ્રેમ મેં તમિલનાડુને આપ્યો છે, એના કરતાં ઘણો વધારે પ્રેમ તમિલ લોકોએ હંમેશા તે મને પાછો આપ્યો છે.

મિત્રો,

આઝાદીના 75 વર્ષ પૂરા થયા છે ત્યારે આ વખતે લાલ કિલ્લા પરથી મેં આપણા વારસા પર ગૌરવ લેવાની વાત કરી હતી. તે જેટલું વધારે પ્રાચીન હોય છે, તેટલું જ તે સમયની કસોટીમાં વધુ પરખાયેલું હોય છે. તેથી જ, તમિલ સંસ્કૃતિ અને તમિલ લોકો, બંને તેમના સ્વભાવથી શાશ્વત છે અને વૈશ્વિક પણ છે. ચેન્નઇથી કેલિફોર્નિયા. મદુરાઇથી મેલબોર્ન. કોઇમ્બતુરથી કેપટાઉન સુધી. સાલેમથી સિંગાપોર સુધી. ગમે ત્યાં જશો, તમને તમિલ લોકો મળશે, જેઓ તેમની સંસ્કૃતિ અને પરંપરાઓ પોતાની સાથે લઇ ગયા છે. પોંગલ હોય કે પુથાન્ડુ, સમગ્ર વિશ્વમાં તેઓ દરેક તહેવારોની ઉજવણી કરતા જોવા મળે છે. તમિલને વિશ્વની સૌથી જૂની ભાષા ગણવામાં આવે છે. દરેક ભારતીયને આ વાત પર ગૌરવ છે. તમિલ સાહિત્યને પણ ખૂબ જ વ્યાપક સન્માન મળે છે. તમિલ ફિલ્મ ઉદ્યોગે આપણને કેટલીક સૌથી પ્રતિષ્ઠિત કૃતિઓ આપી છે.

મિત્રો,

સ્વતંત્રતા સંગ્રામમાં પણ તમિલ લોકોનું યોગદાન ખૂબ જ મહત્વનું રહ્યું છે. આઝાદી મળ્યા બાદ, દેશના પુનર્નિર્માણમાં પણ તમિલનાડુના લોકોની પ્રતિભાએ દેશને નવી ઊંચાઇઓ સુધી લઇ જવાનું કામ કર્યું છે. શું તમે વિચારી શકો છો કે, સી. રાજગોપાલાચારી અને તેમની દાર્શનિકતા વગર આધુનિક ભારતની વાત પૂર્ણ થઇ શકે? કે. કામરાદ અને સામાજિક કલ્યાણ સાથે જોડાયેલા તેમના કાર્યો આપણને સૌને આજે પણ યાગ છે. એવો કયો યુવક હશે જે ડૉ. કલામથી પ્રેરિત નહીં હોય? ચિકિત્સા, કાયદા અને શિક્ષણશાસ્ત્રના ક્ષેત્રોમાં તમિલ લોકોનું યોગદાન અતુલ્ય રહ્યું છે. મેં ઘણી વાર 'મન કી બાત' કાર્યક્રમમાં તમિલનાડુના લોકોએ આપેલા યોગદાનની ચર્ચા કરી છે.

મિત્રો,

ભારત, સમગ્ર વિશ્વની સૌથી પ્રાચીન લોકશાહી છે - લોકશાહીની માતા છે. આની પાછળ અનેક ઐતિહાસિક સંદર્ભો રહેલા છે, ઘણા અકાટ્ય પુરાવા છે. આમાંનો એક મહત્વપૂર્ણ સંદર્ભ તમિલનાડુનો પણ છે. તમિલનાડુમાં ઉત્તિરમેરુર નામની જગ્યા ખૂબ જ વિશેષ છે. અહીં 1100 થી 1200 વર્ષ પહેલાંના એક શિલાલેખમાં ભારતના લોકતાંત્રિક મૂલ્યો વિશે ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આજે પણ તેને વાંચી શકાય છે. અહીં જે શિલાલેખ મળ્યા છે તેમાં, તે સમયે ત્યાંની ગ્રામસભા માટે સ્થાનિક બંધારણ જેવું હતું તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, વિધાનસભાનું સંચાલન કેવી રીતે થવું જોઇએ, તેના સભ્યોની યોગ્યતા શું હોવી જોઇએ, સભ્યોને ચૂંટવાની પ્રક્રિયા શું હોવી જોઇએ, એટલું જ નહીં, તે યુગમાં પણ કોઇને ગેરલાયકાત કેવી રીતે કરી શકાય છે તે બધુ જ એ લોકોએ નક્કી કર્યું હતું. સેંકડો વર્ષ પહેલાંની એ વ્યવસ્થામાં લોકશાહીનું ખૂબ જ ઝીણવટપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે.

મિત્રો,

તમિલ સંસ્કૃતિમાં એવું ઘણું બધું છે, જેણે ભારતને એક રાષ્ટ્ર તરીકે આકાર આપ્યો છે. જેમ કે, આપણી પાસે ચેન્નઇથી 70 કિલોમીટર દૂર કાંચીપુરમ નજીક તિરુ-મુક્કુદલ ખાતે વેંકટેશ પેરુમાલ મંદિર છે. ચૌલ સામ્રાજ્ય દરમિયાન નિર્માણ પામેલું આ મંદિર પણ લગભગ 1100 વર્ષ જૂનું છે. આ મંદિરમાં ગ્રેનાઇટના પથ્થરો પર લખેલું છે કે, તે સમયે ત્યાં 15 બેડની હોસ્પિટલ આવેલી હતી. 1100 વર્ષ જૂના પત્થરો પરના શિલાલેખ, તે સમયની તબીબી પ્રક્રિયાઓ વિશે લખાયેલા છે, તેમાં ડૉક્ટરને મળતા પગાર વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં 1100 વર્ષ જૂની હર્બલ દવાઓ વિશે પણ ઉલ્લેખ કરવમાં આવ્યો છે. આરોગ્ય સંભાળ સાથે સંકળાયેલા આ શિલાલેખો તમિલનાડુનો, ભારતનો એક મહાન વારસો છે.

મિત્રો,

મને બરાબર યાદ છે, થોડા સમય પહેલાં જ્યારે હું ચેસ ઓલિમ્પિયાડના ઉદ્ઘાટન માટે તમિલનાડુ આવ્યો હતો. ત્યાં મેં તિરુવારુર જિલ્લાના પ્રાચીન શિવ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો. આ ખૂબ જ પ્રાચીન ચતુરંગ વલ્લભનાથર મંદિર, ચેસની રમત સાથે સંકળાયેલું છે. તેવી જ રીતે, ચૌલ સામ્રાજ્ય દરમિયાન તમિલનાડુમાંથી અન્ય દેશોમાં વેપાર કરવામાં આવતો હોવા અસંખ્ય સંદર્ભો મળે છે.

ભાઇઓ અને બહેનો,

એક રાષ્ટ્ર તરીકે આપણા સૌની જવાબદારી હતી કે આ વારસાને આગળ લઇ જઇએ, ગૌરવ સાથે તેને સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરીએ. પરંતુ પહેલાંના સમયમાં શું થયું તે આપ સૌ જાણો જ છો. હવે તમે બધાએ મને આ સેવા કરવાનું સૌભાગ્ય આપ્યું છે. જ્યારે મેં સંયુક્ત રાષ્ટ્રમાં તમિલ ભાષામાં તમિલ વાક્ય સાથે મારા સંબોધનની શરૂઆત કરી હતી તે મને બરાબર યાદ છે. એ વખતે, દેશ અને દુનિયાના ઘણા લોકોએ મને મેસેજ કરીને તેમની ખુશી વ્યક્ત કરી હતી. મને શ્રીલંકાના જાફનાની મુલાકાત લેવાની તક મળી હતી. હું જાફનાની મુલાકાત લેનાર ભારતનો પ્રથમ પ્રધાનમંત્રી હતો. શ્રીલંકામાં તમિલ સમુદાયના કલ્યાણ માટે, ત્યાંના લોકોએ લાંબા સમય સુધી મદદ માટે પ્રતિક્ષા કરવી પડી હતી. અમારી સરકારે તમિલ લોકો માટે ઘરો બનાવીને તેમના માટે પણ ઘણાં કામ કર્યા છે. ત્યાં જ્યારે ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે એક ખૂબ જ રસપ્રદ ઘટના પણ બની હતી. તમિલ પરંપરા મુજબ, ગૃહ પ્રવેશ કરતા પહેલાં, ઘરની બહાર લાકડા ઉપર દૂધ ઉકાળવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. મેં તેમાં પણ ભાગ લીધો હતો અને મને યાદ છે કે જ્યારે તે વિડિયો તામિલનાડુમાં જોવા મળ્યો હતો, ત્યારે સૌ લોકોએ મારા પર ખૂબ જ પ્રેમ વરસાવ્યો હતો. ડગલેને પગલે તમને લાગશે કે મારું મન તમિલનાડુ સાથે, તમિલ લોકો સાથે કેટલું જોડાયેલું છે. તમિલ લોકોની એકધારી સેવા કરવાનું ચાલુ રાખવાની આ લાગણી મને નવી ઊર્જા આપે છે.

મિત્રો,

તમે બધા જ જાણો છો કે, તાજેતરમાં જ સંપન્ન થયેલા 'કાશી તમિલ સંગમમ્'ને કેટલી સફળતા મળી હતી. આ કાર્યક્રમમાં, આપણે પ્રાચીનતા, અર્વાચીનતા અને વિવિધતાની એક સાથે ઉજવણી કરી હતી. આ આયોજનોમાં તમિલ સાહિત્યના સામર્થ્યનું દર્શન થયું હતું. કાશીમાં તમિલ સંગમમ્ દરમિયાન, ટૂંકા ગાળામાં જ, હજારો રૂપિયાના તમિલ ભાષાના પુસ્તકોનું વેચાણ થયું હતું. તમિલ શીખવતા પુસ્તકોનો પણ ત્યાં જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. મિત્રો, હિન્દી ભાષી ક્ષેત્રમાં અને તે પણ આજના ડિજિટલ યુગમાં ઑનલાઇન દુનિયામાં, કાશીમાં હિન્દી ભાષી લોકો, આ રીતે તમિલ પુસ્તકો પસંદ કરે છે, હજારો રૂપિયાના તમિલ પુસ્તકો ખરીદે છે તે આપણા દેશના સાંસ્કૃતિક જોડાણની સૌથી મોટી તાકાત છે.

મને લાગે છે કે, તમિલ લોકો વગર કાશીવાસીઓનું જીવન અધૂરું છે અને હું કાશીવાસી થઇ ગયો છું. અને કાશી વગર તમિલ લોકોનું જીવન પણ અધૂરું જ છે. આવી આત્મીયતા, જ્યારે કોઇ તમિલનાડુથી કાશી આવે છે ત્યારે સરળતાથી દેખાઇ આવે છે. હું કાશીનો સાંસદ હોવાના કારણે, મારા માટે આ વિશેષ ગૌરવની વાત છે. મેં જોયું છે કે કાશીમાં હોડી ચલાવનારા લોકો છે, ભાગ્યે જ કોઇ હોડી ચલાવનારો એવો હશે જે તમિલમાં 50-100 વાક્યો ન બોલી શકતો હોય. ત્યાં આટલો બધો તાલમેલ જોવા મળે છે. આપણા સૌના માટે બીજી એક સૌભાગ્યની વાત છે કે, બનારસ હિંદુ યુનિવર્સિટીમાં સુબ્રહ્મણ્યમ ભારતીજીના નામે એક ચેરની સ્થાપના કરવામાં આવી છે. સુબ્રમણ્યમ ભારતીજીએ કાશીમાં ઘણો સમય વિતાવ્યો હતો, ત્યાંથી ઘણું શીખ્યા હતા. એવું પણ પહેલી વખત જ બન્યું છે કે કાશી વિશ્વનાથ મંદિર કે જેનું ટ્રસ્ટ ખૂબ જ પ્રાચીન છે તેવા આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં પહેલીવાર તામિલનાડુના એક સજ્જનને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે, આ પણ પ્રેમ છે. આ તમામ પ્રયાસો એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરનારા છે.

મિત્રો,

તમિલ સાહિત્યમાંથી આપણને અતિતનું જ્ઞાન તેમજ ભવિષ્ય માટે પ્રેરણા પણ મળે છે. તમિલનાડુ પાસે તો એવું સાહિત્ય છે, જેમાંથી ઘણા બે હજાર વર્ષથી પણ વધુ જૂના સાહિત્યો છે. ઉદાહરણ તરીકે જોઇએ તો, સંગમ સાહિત્ય પરથી જાણી શકાય છે કે, પ્રાચીન તમિલનાડુમાં ઘણા પ્રકારના મિલેટ્સ શ્રી અન્નનો ઉપયોગ કરવામાં આવતો હતો. પ્રાચીન તમિલ સાહિત્ય 'અગનાનૂરુ'માં મિલેટ્સ (બરછટ અનાજ)ના ખેતરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહાન તમિલ કવયિત્રી અવ્વૈયરે તેમની એક સુંદર કવિતામાં સ્વાદિષ્ટ 'વરગુ અરિસી ચોરુ' વિશે લખ્યું છે. આજે પણ જો કોઇ પૂછે કે, ભગવાન મુરુગનને નૈવેદ્ય તરીકે કયું ભોજન પ્રિય છે, તો જવાબ મળે છે - 'તેનુમ તિનૈ માવુમ'. આજે, ભારતે કરેલી પહેલના પરિણામે, આખું વિશ્વ આપણી હજારો વર્ષ જૂની મિલેટ્સની પરંપરા સાથે જોડાઇ રહ્યું છે. મારી ઇચ્છા છે કે આજે આપણા નવા વર્ષનો એક સંકલ્પ પણ મિલેટ્સ સાથે સંકળાયેલો હોય. આપણો સંકલ્પ હોવો જોઇએ કે, આપણે આપણા ભોજનમાં મિલેટ્સને સ્થાન આપીશું અને અન્ય લોકોને પણ આમ કરવા માટે પ્રેરણા આપીશું.

મિત્રો,

હવે થોડા સમય પછી અહીં તમિલ કલાકારો દ્વારા કળા પ્રદર્શન પણ રજૂ કરવામાં આવવાનું છે. તે આપણી કળા અને સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું પણ પ્રતીક છે. આપણા સૌનું કર્તવ્ય છે કે, આપણે તેને સમગ્ર વિશ્વમાં લઇ જઇએ, તેનું પ્રદર્શન કરીએ, સૌને બતાવીએ. આ ઉપરાંત, કળાના આ સ્વરૂપો કેવી રીતે સમયની સાથે વિસ્તરણ પામી રહ્યા છે તેના પર પણ આપણે સૌએ ધ્યાન આપવું જોઇએ. તેઓ આજની યુવા પેઢીમાં આ જેટલા વધુ લોકપ્રિય થશે, તેટલી જ વધુ તેઓ આગામી પેઢી સુધી તે પહોંચશે. આથી જ, યુવાનોને આ કળા વિશે જણાવવું જોઇએ, તેમને આ કળા શીખવવી જોઇએ, તે આપણા સૌની સામૂહિક જવાબદારી છે. અને મને આનંદ છે કે આજનું આ આયોજન પણ આનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.

ભાઇઓ અને બહેનો,

આઝાદીના અમૃતકાળમાં આપણા સૌની જવાબદારી છે કે, આપણે આપણા તમિલ વારસા વિશે જાણીએ અને દેશ તેમજ દુનિયામાં આપણે ગૌરવભેર સૌને તેના વિશે જણાવીએ. આ વારસો આપણી એકતા અને 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવનાનું પ્રતિક છે. આપણે તમિલ સંસ્કૃતિ, સાહિત્ય, ભાષા અને તમિલ પરંપરાને સતત આગળ લઇ જવાની છે. આ ભાવના સાથે જ હું મારી વાતને અહીં સમાપ્ત કરું છું. ફરી એક વાર, પુત્તાંડુ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને મુરુગનજીનો પણ આભાર માનું છું કે મને આ મહત્વપૂર્ણ અવસરમાં ભાગ લેવાની તેમણે મને તક આપી. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આભાર.

 

YP/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 


(Release ID: 1916444) Visitor Counter : 252