પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ તુર્કિયે અને સીરિયામાં 'ઓપરેશન દોસ્ત'માં સામેલ એનડીઆરએફના જવાનો સાથે વાતચીત કરી


"ધરતીકંપ દરમિયાન ભારતના ઝડપી પ્રતિસાદે સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. તે આપણી બચાવ અને રાહત ટીમોની સજ્જતાનું પ્રતિબિંબ છે"

"ભારતે તેની આત્મનિર્ભરતાની સાથે સાથે તેની નિઃસ્વાર્થતાને પણ પોષી છે"

"વિશ્વમાં જ્યાં પણ કોઈ આપત્તિ આવે છે, ભારત પ્રથમ પ્રતિસાદ આપનાર તરીકે તૈયાર જોવા મળે છે"

"આપણે 'તિરંગા' સાથે જ્યાં પણ પહોંચીએ છીએ, ત્યાં એક ખાતરી થઈ જાય છે કે હવે જ્યારે ભારતીય ટીમો આવી ગઈ છે, ત્યારે પરિસ્થિતિ સારી થવા લાગશે"

"એનડીઆરએફે દેશના લોકો વચ્ચે ઘણી સારી પ્રતિષ્ઠા ઊભી કરી છે. દેશના લોકો તમારા પર ભરોસો કરે છે"

"આપણે વિશ્વની શ્રેષ્ઠ રાહત અને બચાવ ટીમ તરીકેની આપણી ઓળખને મજબૂત બનાવવી પડશે. આપણી પોતાની તૈયારી જેટલી સારી હશે, તેટલી જ સારી રીતે આપણે વિશ્વની સેવા કરી શકીશું"

Posted On: 20 FEB 2023 7:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ ભૂકંપગ્રસ્ત તુર્કિયે અને સીરિયામાં 'ઓપરેશન દોસ્ત'માં સામેલ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો સાથે વાતચીત કરી હતી.

આ કર્મચારીઓને સંબોધતા પ્રધાનમંત્રીએ ભૂકંપગ્રસ્ત તુર્કિયે અને સીરિયામાં 'ઓપરેશન દોસ્ત'માં તેમનાં મહાન કાર્ય માટે તેમની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ વસુધૈવ કુટુમ્બકમ્‌ની વિભાવનાને વિસ્તૃત રીતે રજૂ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તુર્કિયે અને સીરિયામાં ભારતીય ટીમે સમગ્ર વિશ્વ આપણા માટે એક પરિવાર હોવાની ભાવનાને પ્રતિબિંબિત કરી છે.

કુદરતી આપત્તિના સમયે ઝડપી પ્રતિક્રિયા આપવાના સમયનાં મહત્વને સૂચવીને પ્રધાનમંત્રીએ 'ગોલ્ડન અવર'નો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, તુર્કિયેમાં એનડીઆરએફની ટીમે ઝડપી પ્રતિસાદ આપવાથી સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત થયું છે. તેમણે કહ્યું કે ઝડપી પ્રતિસાદ ટીમની સજ્જતા અને તાલીમ કુશળતાને પ્રકાશિત કરે છે.

ટીમના સભ્યોને તેમના પ્રયાસો માટે આશીર્વાદ આપનાર એક માતાની તસવીરોને યાદ કરીને, પ્રધાનમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી બચાવ અને રાહત કામગીરીની દરેક તસવીર જોયા પછી દરેક ભારતીયને જે ગર્વની લાગણી થઈ હતી એ વાતની નોંધ લીધી હતી. પ્રધાનમંત્રીએ વ્યાવસાયિકોના અજોડ- વિશિષ્ટ ગુણો અને માનવીય સ્પર્શ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, જ્યારે કોઈ વ્યક્તિ આઘાતનો સામનો કરી રહી હોય અને તેણે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું હોય, ત્યારે તે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રધાનમંત્રીએ ટીમ દ્વારા દાખવવામાં આવેલાં કરૂણાપૂર્ણ કાર્યોની પણ પ્રશંસા કરી હતી.

ગુજરાતમાં વર્ષ 2001માં આવેલા ધરતીકંપને યાદ કરીને અને ત્યાંના સ્વયંસેવક તરીકેના પોતાના સમયને યાદ કરીને પ્રધાનમંત્રીએ કાટમાળ દૂર કરવાની કામગીરીની મુશ્કેલી અને તેની નીચેથી લોકોને શોધવાની કામગીરીની મુશ્કેલી અને ભુજમાં હૉસ્પિટલ પોતે જ ધરાશાયી થઈ હોવાથી સમગ્ર તબીબી વ્યવસ્થાને કેવો ફટકો પડ્યો હતો તે વિશે ભારપૂર્વક જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ 1979માં મચ્છુ ડેમની દુર્ઘટનાને પણ યાદ કરી હતી. "આ આપત્તિઓમાં મારા અનુભવોના આધારે, હું તમારી સખત મહેનત, ભાવના અને લાગણીઓની પ્રશંસા કરી શકું છું. આજે હું તમને બધાને સલામ કરું છું.", એમ પ્રધાનમંત્રીએ કહ્યું.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે લોકો પોતાની જાતને મદદ કરવા સક્ષમ છે તેમને આત્મનિર્ભર કહેવામાં આવે છે, પણ જેમની પાસે જરૂરિયાતના સમયે અન્યને મદદ કરવાની ક્ષમતા છે, તેમને નિઃસ્વાર્થ કહેવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, આ બાબત માત્ર વ્યક્તિઓને જ નહીં, પણ રાષ્ટ્રોને પણ લાગુ પડે છે. એટલે જ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતે પોતાની આત્મનિર્ભરતાની સાથે પોતાની નિઃસ્વાર્થતાને પણ પોષી છે. પ્રધાનમંત્રીએ યુક્રેનમાં તિરંગાની ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, "આપણે જ્યાં પણ 'તિરંગા' સાથે પહોંચીએ છીએ, ત્યાં ખાતરી મળી જાય છે કે હવે જ્યારે પણ ભારતીય ટીમો આવી ગઈ છે, ત્યારે પરિસ્થિતિ વધુ સારી થવાનું શરૂ થઈ જશે." પ્રધાનમંત્રીએ તિરંગાને સ્થાનિક લોકોમાં મળેલાં સન્માન વિશે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રીએ એ પણ યાદ કર્યું હતું કે કેવી રીતે ઓપરેશન ગંગા દરમિયાન યુક્રેનમાં તિરંગાએ દરેક માટે ઢાલ તરીકે કામ કર્યું હતું. એ જ રીતે, ઓપરેશન દેવી શક્તિમાં અફઘાનિસ્તાનથી ખૂબ જ પ્રતિકૂળ સંજોગોમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ જ પ્રતિબદ્ધતા કોરોના મહામારી દરમિયાન સ્પષ્ટ થઈ હતી, જ્યારે ભારતે દરેક નાગરિકને સ્વદેશ પરત લાવ્યું હતું તથા દવાઓ અને રસીઓનો પુરવઠો પૂરો પાડીને વૈશ્વિક સ્તરે ગણના મેળવી હતી. 

પ્રધાનમંત્રીએ 'ઓપરેશન દોસ્ત' મારફતે ભારતની માનવતા પ્રત્યેની કટિબદ્ધતા પર ભાર મૂકતા કહ્યું હતું કે, "જ્યારે તુર્કિયે અને સીરિયામાં ધરતીકંપ આવ્યો હતો, ત્યારે ભારત પ્રથમ પ્રતિભાવ આપનારાઓમાંનું એક હતું. તેમણે નેપાળમાં ધરતીકંપ અને માલદિવ્સ અને શ્રીલંકામાં ઊભી થયેલી કટોકટીનાં ઉદાહરણો ટાંક્યાં હતાં તથા કહ્યું હતું કે, ભારત સૌથી પહેલાં મદદ માટે આગળ આવ્યું છે. તેમણે નોંધ્યું હતું કે, ભારતીય દળો તેમજ એનડીઆરએફમાં અન્ય દેશોનો વિશ્વાસ પણ વધી રહ્યો છે. પ્રધાનમંત્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી કે, એનડીઆરએફે વર્ષોથી દેશના લોકો વચ્ચે સારી પ્રતિષ્ઠા ઊભી કરી છે. તેમણે કહ્યું હતું કે, "દેશના લોકો એનડીઆરએફ પર વિશ્વાસ કરે છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે એનડીઆરએફ આ ક્ષેત્રમાં પહોંચે છે, ત્યારે લોકોનો વિશ્વાસ અને આશા સુનિશ્ચિત થાય છે. તેમણે કહ્યું હતું કે, આ પોતે જ એક મોટી ઉપલબ્ધિ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે કૌશલ્ય સાથે કોઈ દળમાં સંવેદનશીલતા ઉમેરવામાં આવે છે, ત્યારે તે દળની તાકાત અનેકગણી વધી જાય છે.

આપત્તિના સમયે રાહત અને બચાવ માટે ભારતની ક્ષમતાને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આપણે વિશ્વની શ્રેષ્ઠ રાહત અને બચાવ ટીમનાં રૂપમાં આપણી ઓળખ મજબૂત કરવી પડશે. આપણી પોતાની તૈયારી જેટલી સારી હશે, તેટલી જ સારી રીતે આપણે વિશ્વની સેવા કરી શકીશું." સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ એનડીઆરએફની ટીમના પ્રયાસો અને અનુભવોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, તેઓ સ્થળ પર બચાવ કામગીરી કરી રહ્યા હતા, તેમ છતાં તેઓ છેલ્લાં 10 દિવસથી મન અને હૃદયનાં માધ્યમથી હંમેશા તેમની સાથે જોડાયેલા રહ્યા છે.

YP/GP/JD

 

 



(Release ID: 1900882) Visitor Counter : 193