પ્રધાનમંત્રીનું કાર્યાલય

નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે "આદિ મહોત્સવ"ના ઉદ્‌ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ

Posted On: 16 FEB 2023 3:00PM by PIB Ahmedabad

કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો અર્જુન મુંડાજી, ફગ્ગન સિંહ કુલસ્તેજી, શ્રીમતી રેણુકા સિંહજી, ડૉ. ભારતી પવારજી, બિશેશ્વર ટુડૂજી, અન્ય મહાનુભાવો અને દેશનાં વિવિધ રાજ્યોમાંથી આવેલાં મારાં તમામ આદિવાસી ભાઈઓ અને બહેનો! આદિ મહોત્સવની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આઝાદીના અમૃત મહોત્સવમાં આદિ મહોત્સવ દેશના આદિ વારસાની ભવ્ય રજૂઆત કરી રહ્યો છે. હમણાં મને દેશની આદિવાસી પરંપરાની આ ગૌરવશાળી ઝાંખી જોવાનો મોકો મળ્યો. જાત-જાતના રસ, જાત-જાતના રંગ! આટલા સુંદર પોશાકો, આટલી ગૌરવપૂર્ણ પરંપરાઓ! જુદી જુદી કલાઓ, જુદી જુદી કલાકૃતિઓ! જાત-જાતના સ્વાદ, સંગીતના વિવિધ પ્રકારો, એવું લાગે છે કે જાણે ભારતની અનેકતા, તેની ભવ્યતા, ખભે ખભા મિલાવીને એક સાથે ઊભી થઈ ગઈ છે.

તે ભારતના એ અનંત આકાશ જેવું છે, જેમાં તેની વિવિધતા મેઘધનુષ્યના રંગોની જેમ ઉભરીને સામે આવે છે. અને મેઘધનુષ્યની બીજી વિશેષતા પણ છે. જ્યારે આ અલગ-અલગ રંગો એક સાથે ભેગા થાય છે, ત્યારે પ્રકાશપુંજ બને છે જે વિશ્વને દ્રષ્ટિ પણ આપે છે અને દિશા પણ આપે છે. જ્યારે આ અનંત વિવિધતાઓને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના દોરામાં પરોવી લેવામાં આવે છે, ત્યારે ભારતનું ભવ્ય સ્વરૂપ વિશ્વની સામે આવે છે. ત્યારે ભારત તેના સાંસ્કૃતિક પ્રકાશથી વિશ્વને માર્ગદર્શન આપે છે. આ આદિ મહોત્સવ 'વિવિધતામાં એકતા' આપણાં એ સામર્થ્યને નવી ઊંચાઈ આપી રહ્યો છે. તે 'વિકાસ અને વિરાસત'ના વિચારને વધુ જીવંત બનાવી રહ્યો છે. આ આયોજન માટે હું મારાં આદિવાસી ભાઈ-બહેનો અને આદિવાસી હિત માટે કામ કરતી સંસ્થાઓને અભિનંદન આપું છું.

સાથીઓ,

21મી સદીનું ભારત સબકા સાથ, સબકા વિકાસના મંત્ર પર ચાલી રહ્યું છે. જેને પહેલા દૂર-સુદૂર માનવામાં આવતું હતું, હવે સરકાર દિલ્હીથી ચાલીને તેના સુધી પહોંચે છે. જે પહેલા પોતાની જાતને દૂર-સુદૂર સમજતા હતા, હવે સરકાર તેમને મુખ્ય પ્રવાહમાં લાવી રહી છે. છેલ્લાં 8-9 વર્ષમાં આદિવાસી સમાજને લગતા આદિ મહોત્સવ જેવા કાર્યક્રમો દેશ માટે એક અભિયાન બની ગયા છે. ઘણા કાર્યક્રમોમાં હું પોતે પણ ભાગ લઉં છું. આવું એટલા માટે કેમ કે આદિવાસી સમાજનું હિત મારા માટે અંગત સંબંધો અને લાગણીઓનો વિષય પણ છે. જ્યારે હું રાજકીય જીવનમાં નહોતો, એક સામાજિક કાર્યકર તરીકે, સંગઠનના કાર્યકર તરીકે કામ કરતો હતો, ત્યારે મને ઘણાં રાજ્યોમાં અને એમાં પણ આપણા આપણા આદિવાસી સમૂહની વચ્ચે જવાની તક મળતી હતી. મેં દેશના ખૂણે ખૂણે આદિવાસી સમાજો સાથે, આદિવાસી પરિવારો સાથે કેટલાય સપ્તાહો ગાળ્યા છે. મેં તમારી પરંપરાઓને નજીકથી જોઈ પણ છે, તે જીવી પણ છે અને તેમની પાસેથી ઘણું શીખ્યો પણ છું. ગુજરાતમાં પણ, ઉમરગામથી અંબાજી સુધીના ગુજરાતના સમગ્ર પૂર્વ પટ્ટામાં, તે આદિવાસી પટ્ટામાં, મને મારાં જીવનનાં અત્યંત મહત્વપૂર્ણ વર્ષો મારાં આદિવાસી ભાઈ-બહેનોની સેવામાં ગાળવાનું સૌભાગ્ય મળ્યું હતું. આદિવાસીઓની જીવનશૈલીએ મને દેશ વિશે, આપણી પરંપરાઓ વિશે, આપણા વારસા વિશે ઘણું શીખવ્યું છે. તેથી, જ્યારે હું તમારી વચ્ચે આવું છું, ત્યારે મને એક અલગ જ પ્રકારનાં પોતીકાંપણાંની અનુભૂતિ થાય છે. આપની વચ્ચે પોતીકાં સાથે જોડાવાની લાગણી થાય છે.

સાથીઓ,

આદિવાસી સમાજને લઈને આજે દેશ જે ગૌરવ સાથે આગળ વધી રહ્યો છે તે અગાઉ ક્યારેય બન્યું નથી. જ્યારે હું વિદેશી રાષ્ટ્રના વડાઓને મળું છું, અને તેમને ભેટ આપું છું, ત્યારે મારી કોશીશ રહે છે કે કંઈક ને કંઇક તો મારાં આદિવાસી ભાઈઓ અને બહેનો દ્વારા બનાવાયેલી કંઇક ને કંઇક તો ભેટ હોવી જોઇએ.

આજે, જ્યારે ભારત સમગ્ર વિશ્વમાં મોટા મંચ પર જાય છે, ત્યારે તે આદિવાસી પરંપરાને તેના વારસા અને ગૌરવ તરીકે પ્રસ્તુત કરે છે. આજે ભારત વિશ્વને એ કહે છે કે ક્લાઈમેટ ચૅન્જ, ગ્લોબલ વોર્મિંગ, આવા જે વૈશ્વિક પડકારો છે ને, જો તમારે તેનો ઉકેલ જોઈતો હોય, તો ચાલો મારી આદિવાસી પરંપરાઓની જીવનશૈલી જોઈ લો, તમને રસ્તો મળી જશે. આજે, જ્યારે ટકાઉ વિકાસની વાત આવે છે, ત્યારે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે દુનિયાએ આપણા આદિવાસી સમાજ પાસેથી ઘણું શીખવાની જરૂર છે. આપણે કેવી રીતે વૃક્ષો સાથે, વનો સાથે, નદીઓ સાથે, પર્વતો સાથે આપણી પેઢીઓનો સંબંધ જોડી શકીએ છીએ, આપણે કેવી રીતે પ્રકૃતિમાંથી સંસાધનો લઈને પણ તેને સંરક્ષિત કરીએ છીએ, એનું સંવર્ધન કરીએ છીએ, એની પ્રેરણા આપણાં આદિવાસી ભાઈઓ અને બહેનો આપણને સતત આપતા રહે છે અને આ જ વાત આજે ભારત સમગ્ર વિશ્વને જણાવી રહ્યું છે.

સાથીઓ,

આજે, ભારતના પરંપરાગત અને ખાસ કરીને આદિવાસી સમાજ દ્વારા બનાવેલ ઉત્પાદનોની માગ સતત વધી રહી છે. આજે પૂર્વોત્તરનાં ઉત્પાદનો વિદેશો સુધી નિકાસ કરવામાં આવે છે. આજે વાંસનાં ઉત્પાદનોની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. તમને યાદ હશે કે અગાઉની સરકાર વખતે વાંસ કાપવા અને વાપરવા પર કાયદાકીય નિયંત્રણો લાગેલાં હતાં. અમે વાંસને ઘાસની કેટેગરીમાં લાવ્યા અને તેના પર લાગેલાં તમામ નિયંત્રણો દૂર કર્યાં. આ કારણે વાંસની બનાવટો હવે મોટા ઉદ્યોગનો હિસ્સો બની રહી છે. આદિવાસી ઉત્પાદનો મહત્તમ બજારમાં પહોંચે, તેની ઓળખ વધે, તેની માંગ વધે, સરકાર આ દિશામાં પણ સતત કામ કરી રહી છે. વન ધન મિશનનું ઉદાહરણ આપણી સામે છે. દેશનાં વિવિધ રાજ્યોમાં 3 હજારથી વધુ વન ધન વિકાસ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. 2014 પહેલા, બહુ ઓછી, નાની વન પેદાશો MSPનાં કાર્યક્ષેત્ર હેઠળ આવતી હતી. હવે આ સંખ્યા વધીને 7 ગણી થઈ ગઈ છે. હવે લગભગ 90 લઘુ વન પેદાશો છે જેના પર સરકાર ન્યૂનતમ સમર્થન પ્રાઇસ MSP કિંમત આપી રહી છે. 50 હજારથી વધુ વનધન સ્વ-સહાય જૂથો દ્વારા લાખો આદિવાસી લોકોને લાભ મળી રહ્યો છે. દેશમાં રચાઈ રહેલાં સ્વ-સહાય જૂથોનાં વિશાળ નેટવર્કથી પણ આદિવાસી સમાજને ફાયદો થયો છે. 80 લાખથી વધુ સ્વ-સહાય જૂથો, સેલ્ફ હેલ્પ ગ્રૂપ્સ, હાલમાં વિવિધ રાજ્યોમાં કાર્યરત છે. આ જૂથોમાં સવા કરોડથી વધુ આદિવાસી સભ્યો છે, એમાં પણ આપણી માતાઓ અને બહેનો છે. આનો પણ મોટો લાભ આદિવાસી મહિલાઓને મળી રહ્યો છે.

ભાઇઓ અને બહેનો,

આજે સરકારનો ભાર આદિવાસી કળાને પ્રોત્સાહન આપવા અને આદિવાસી યુવાનોનાં કૌશલ્યો વધારવા પર પણ છે. આ વખતનાં બજેટમાં પરંપરાગત કારીગરો માટે પીએમ-વિશ્વકર્મા યોજના શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. પીએમ-વિશ્વકર્મા હેઠળ તમને નાણાકીય સહાય આપવામાં આવશે, કૌશલ્યની તાલીમ આપવામાં આવશે, તમારી પ્રોડક્ટનાં માર્કેટિંગ માટે સપોર્ટ આપવામાં આવશે. તેનો બહુ મોટો લાભ આપણી યુવા પેઢીને થવાનો છે. અને મિત્રો, આ પ્રયાસો માત્ર અમુક ક્ષેત્રો પૂરતા મર્યાદિત નથી. આપણા દેશમાં સેંકડો આદિવાસી સમુદાયો છે. તેમની પાસે ઘણી બધી પરંપરાઓ અને કુશળતા એવી છે, જેમાં અમર્યાદિત શક્યતાઓ છુપાયેલી છે. તેથી દેશમાં નવી આદિજાતિ સંશોધન સંસ્થાઓ પણ ખોલવામાં આવી રહી છે. આ પ્રયાસોથી આદિવાસી યુવાનો માટે તેમના પોતાના જ વિસ્તારોમાં નવી તકો ઊભી થઈ રહી છે.

સાથીઓ,

20 વર્ષ પહેલા જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો હતો ત્યારે મેં ત્યાં એક વાત નોંધી હતી. આદિવાસી પટ્ટામાં જેટલી પણ શાળાઓ હતી, આટલો મોટો આદિવાસી સમુદાય હતો, પરંતુ અગાઉની સરકારોએ આદિવાસી વિસ્તારોમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ બનાવવાને પ્રાથમિકતા આપી ન હતી. હવે વિચારો, જ્યારે આદિવાસી બાળક સાયન્સ જ નહીં ભણે તો તે ડૉક્ટર-એન્જિનિયર કેવી રીતે બની શકે? અમે તે સમગ્ર પટ્ટામાં આદિવાસી વિસ્તારોમાં શાળાઓમાં વિજ્ઞાન શિક્ષણની વ્યવસ્થા કરીને આ પડકારનો ઉકેલ લાવ્યો. આદિવાસી બાળકો, તેઓ દેશના કોઈપણ ખૂણામાં હોય, તેમનું શિક્ષણ અને તેમનું ભવિષ્ય એ મારી પ્રાથમિકતા છે. આજે દેશમાં એકલવ્ય મૉડલ આવાસી વિદ્યાલયોની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે. 2004થી 2014 વચ્ચેનાં 10 વર્ષમાં માત્ર 90 એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલો ખોલવામાં આવી હતી. પરંતુ, 2014થી 2022 સુધીનાં આ 8 વર્ષમાં 500થી વધુ એકલવ્ય શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં આ પૈકી 400થી વધુ શાળાઓમાં શિક્ષણનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે. આ નવી શાળાઓમાં 1 લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ પણ કરવા માંડ્યા છે. આ વર્ષનાં બજેટમાં આવી શાળાઓમાં લગભગ-લગભગ 40 હજારથી વધુ શિક્ષકો અને કર્મચારીઓની ભરતી કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. અનુસૂચિત જનજાતિના યુવાનોને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં પણ બે ગણો વધારો કરવામાં આવ્યો છે. 30 લાખ વિદ્યાર્થીઓને તેનો લાભ મળી રહ્યો છે.

સાથીઓ,

ભાષાના અવરોધને કારણે આદિવાસી યુવાનોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષામાં અભ્યાસ કરવાનો વિકલ્પ પણ ખોલવામાં આવ્યો છે. હવે આપણા આદિવાસી બાળકો, આદિવાસી યુવાનો પોતાની ભાષામાં અભ્યાસ કરી શકશે, આગળ વધી શકશે.

સાથીઓ,

જ્યારે દેશ છેલ્લી હરોળ પર ઉભેલી વ્યક્તિને પોતાની પ્રાથમિકતા આપે છે, ત્યારે પ્રગતિનો માર્ગ આપોઆપ ખૂલી જાય છે. અમારી સરકાર વંચિતોને પ્રાથમિકતા આપવાના મંત્ર સાથે દેશ વિકાસ માટે નવા આયામોને સ્પર્શી રહ્યો છે. સરકાર આકાંક્ષી જિલ્લાઓ અને આકાંક્ષી તાલુકાઓને વિકસિત કરવા માટે અભિયાન ચલાવી રહી છે, જેમાંથી મોટાભાગના આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારો છે.

આ વર્ષનાં બજેટમાં અનુસૂચિત જનજાતિ માટે આપવામાં આવતાં બજેટમાં પણ 2014ની સરખામણીમાં 5 ગણો વધારો કરવામાં આવ્યો છે. આદિવાસી વિસ્તારોમાં વધુ સારું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે. આધુનિક કનેક્ટિવિટી વધવાની સાથે પ્રવાસન અને આવકની તકો પણ વધી રહી છે. એક સમયે ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત દેશનાં હજારો ગામડાંઓને હવે 4G કનેક્ટિવિટીથી જોડવામાં આવી રહ્યાં છે. એટલે કે જે યુવાનો અલગ-થલગ થવાનાં કારણે અલગતાવાદની જાળમાં ફસાઈ જતા હતા તે હવે ઈન્ટરનેટ અને ઈન્ફ્રા દ્વારા મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ રહ્યા છે. આ 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ' તેનો મુખ્ય પ્રવાહ છે જે દૂર-સુદૂર દેશના દરેક નાગરિક સુધી પહોંચે છે. આ આદિ અને આધુનિકતાના સંગમનો એ ધ્વનિ છે, જેના પર નવા ભારતની બુલંદ ઈમારત ઉભી થશે.

સાથીઓ,

છેલ્લાં 8-9 વર્ષમાં આદિવાસી સમાજની યાત્રા તે પરિવર્તનની સાક્ષી છે કે દેશ કેવી રીતે સમાનતા અને સમરસતાને પ્રાધાન્ય આપી રહ્યો છે. આઝાદી પછી 75 વર્ષમાં પહેલીવાર દેશનું નેતૃત્વ એક આદિવાસીના હાથમાં છે. પ્રથમ વખત કોઈ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ તરીકે સર્વોચ્ચ પદ પર ભારતનું ગૌરવ વધારી રહી છે. દેશમાં આજે પહેલી વાર આદિવાસી ઈતિહાસને આટલી ઓળખ મળી રહી છે.

આપણે સૌ જાણીએ છીએ કે આપણા આદિવાસી સમાજે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કેટલું મોટું યોગદાન આપ્યું છે, તેમણે કેટલી મોટી ભૂમિકા ભજવી હતી. પરંતુ, દાયકાઓથી, ઇતિહાસના તે સુવર્ણ અધ્યાયો પર, તે વીર-વીરાંગનાઓનાં એ બલિદાનો પર પડદો નાખવાના પ્રયાસો થતા રહ્યા. હવે અમૃત મહોત્સવમાં દેશે ભૂતકાળના એ ભુલાઈ-વિસરાઇ ગયેલા અધ્યાયોને દેશની સામે લાવવાની પહેલ કરી છે.

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પર દેશે પ્રથમ વખત આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી શરૂ કરી છે. પ્રથમ વખત વિવિધ રાજ્યોમાં આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયો ખોલવામાં આવી રહ્યાં છે. ગયાં વર્ષે જ મને ઝારખંડના રાંચીમાં ભગવાન બિરસા મુંડાને સમર્પિત મ્યુઝિયમનું લોકાર્પણ કરવાની તક મળી હતી. દેશમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે, પરંતુ તેની છાપ આવનારી ઘણી પેઢીઓમાં જોવા મળશે. આ પ્રેરણા અનેક સદીઓ સુધી દેશને દિશા આપશે.

સાથીઓ,

આપણે આપણા ભૂતકાળને સાચવવાનો છે, કર્તવ્યની ભાવનાને વર્તમાનમાં ચરમસીમાએ લઈ જવાની છે અને ભવિષ્યનાં સપનાઓને સાકાર કરીને જ રહેવાનું છે. આદિ મહોત્સવ જેવાં આયોજનો આ સંકલ્પને આગળ લઈ જવાનું એક મજબૂત માધ્યમ છે. આપણે તેને એક અભિયાન તરીકે આગળ લઈ જવાનું છે, તેને જન આંદોલન બનાવવાનું છે. વિવિધ રાજ્યોમાં વધુને વધુ આવા કાર્યક્રમો યોજાવા જોઈએ.

સાથીઓ,

આ વર્ષે, સમગ્ર વિશ્વ ભારતની પહેલ પર આંતરરાષ્ટ્રીય બાજરી-બરછટ અનાજનાં વર્ષની ઉજવણી પણ કરી રહ્યું છે. બાજરી એ છે જેને આપણે સામાન્ય રીતે મોટાં અનાજ તરીકે જાણીએ છીએ, અને જાડું અનાજ સદીઓથી આપણાં સ્વાસ્થ્યનાં મૂળમાં હતું. અને તે આપણા આદિવાસી ભાઈઓ અને બહેનોના આહારનો મુખ્ય ભાગ રહ્યો છે. હવે ભારતે આ જાડાં અનાજ, જે એક પ્રકારનું સુપર ફૂડ છે, આ સુપર ફૂડને શ્રીઅન્નની ઓળખ આપી છે. જેમ કે શ્રી અન્ન બાજરા, શ્રી અન્ન જુવાર, શ્રી અન્ન રાગી, આવાં ઘણાં નામો છે. અહીંના મહોત્સવના ફૂડ સ્ટૉલ્સ પર પણ શ્રી અન્નના સ્વાદ અને સુગંધને આપણને જોવા મળી રહ્યા છે. આપણે આદિવાસી વિસ્તારોના શ્રીઅન્નનો પણ શક્ય તેટલો વધુ ને વધુ પ્રચાર-પ્રસાર કરવાનો છે. એમાં લોકોને સ્વાસ્થ્ય લાભ તો મળશે જ, આદિવાસી ખેડૂતોની આવક પણ વધશે. મને ખાતરી છે કે, આપણા આ પ્રયાસોથી આપણે સાથે મળીને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરીશું. અને જ્યારે આજે મંત્રાલયે દિલ્હીમાં આટલો મોટો કાર્યક્રમ આયોજિત કર્યો છે. દેશભરમાંથી આપણાં આદિવાસી ભાઈ-બહેનો ઘણી વૈવિધ્યસભર વસ્તુઓ બનાવીને અહીં લાવ્યાં છે. ખાસ કરીને ખેતરમાં ઉત્પાદિત શ્રેષ્ઠ વસ્તુઓ અહીં લઈને આવ્યાં છે. આજે હું દિલ્હીના લોકોને, હરિયાણા નજીકના ગુરુગ્રામ વગેરેના વિસ્તારોના લોકોને, ઉત્તર પ્રદેશના નોઈડા-ગાઝિયાબાદના લોકોને અહીંથી જાહેરમાં આગ્રહ કરું છું અને ખાસ કરીને દિલ્હીના લોકોને વિશેષ આગ્રહ કરું છું કે આપ મોટી સંખ્યામાં આવો. આ મેળો આગામી થોડા દિવસો સુધી ખુલ્લો રહેવાનો છે. તમે જુઓ કે દૂર-સુદૂરનાં જંગલોમાં આ દેશની કેવી કેવી શક્તિઓ આ દેશનું ભવિષ્ય બનાવી રહી છે. જે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સભાન છે, જેઓ ડાઇનિંગ ટેબલ પરની દરેક વસ્તુનું ખૂબ ધ્યાન રાખે છે, ખાસ કરીને આવી માતાઓ અને બહેનો, હું તમને આગ્રહ કરું છું કે તમે આવો અને જુઓ કે આપણાં જંગલોની પેદાશ શારીરિક પોષણ માટે કેટલી સમૃદ્ધ છે. તમને લાગશે અને ભવિષ્યમાં તમે સતત ત્યાંથી જ મગાવશો. હવે જેમ કે અહીં આપણા ઉત્તર-પૂર્વની હળદર છે, ખાસ કરીને આપણા મેઘાલયથી. તેની અંદર જે પોષક મૂલ્યો છે, એવી હળદર કદાચ વિશ્વમાં બીજે ક્યાંય નથી. હવે જ્યારે આપણે તેને લઈશું, ત્યારે આપણને ખબર પડશે કે હા, આ જ હળદરનો ઉપયોગ આપણે આપણાં રસોડામાં કરીશું. અને તેથી જ હું અહીં નજીક આવેલા દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશના લોકોને ખાસ આગ્રહ કરું છું કે તેઓ અહીં આવે અને હું તો ઈચ્છું છું કે દિલ્હી દમ બતાવે કે તે મારાં આદિવાસી ભાઈઓ અને બહેનો જે વસ્તુઓ લઈને આવ્યાં છે તે એક પણ વસ્તુ એમને પાછી લઈ જવાની તક ન મળવી જોઇએ. તમામે તમામ અહીં વેચાઇ જવી જોઇએ. તેમને એક નવો ઉત્સાહ મળશે, આપણને એક સંતોષ મળશે.

આવો, આપણે મળીને આ આદિ મહોત્સવને ચિરસ્મરણીય બનાવી દઈએ, યાદગાર બનાવી દઈએ, બહુ સફળ બનાવી મૂકીએ. આપ સૌને મારા તરફથી ખૂબ-ખૂબ શુભકામનાઓ.

ખૂબ ખૂબ આભાર!

YP/GP/JD

 

 



(Release ID: 1899937) Visitor Counter : 283