મંત્રીમંડળ

કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં સહકારી ચળવળને મજબૂત કરવા અને પાયા સુધી તેની પહોંચને વધુ ઊંડી બનાવવા માટે મંજૂરી આપી

Posted On: 15 FEB 2023 3:49PM by PIB Ahmedabad
  • દરેક આવરી ન લેવાયેલી પંચાયતમાં આર્થિક દ્રષ્ટિએ નભી શકે એવી- વ્યવહારુ પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટીઓ (પીએસીએસ)ની સ્થાપના કરવી, દરેક આવરી ન લેવાયેલ પંચાયત/ગામમાં આર્થિક દ્રષ્ટિએ વ્યવહારુ ડેરી સહકારી મંડળીઓ તથા દરેક દરિયાકિનારાની પંચાયત/ગામમાં તેમજ મોટાં જળાશયો ધરાવતી પંચાયત/ગામમાં આર્થિક રીતે વ્યવહારુ મત્સ્ય પાલન સહકારી મંડળીઓ સ્થાપિત કરવી તથા હાલની પીએસીએસ/ડેરી/મત્સ્યપાલન સહકારી મંડળીઓને મજબૂત કરવી.
  • આગામી પાંચ વર્ષમાં 2 લાખ બહુહેતુક પીએસીએસ/ડેરી/મત્સ્યપાલન સહકારી મંડળીઓ સ્થાપિત કરવાનો પ્રારંભિક લક્ષ્યાંક.
  • મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયની વિવિધ યોજનાઓના સમન્વય મારફતે નાબાર્ડ, રાષ્ટ્રીય ડેરી વિકાસ બૉર્ડ (એનડીડીબી) અને રાષ્ટ્રીય મત્સ્ય પાલન વિકાસ બૉર્ડ (એનએફડીબી)ની સહાયથી 'સંપૂર્ણ સરકાર' અભિગમનો ઉપયોગ કરીને અમલમાં મૂકવાની યોજના.
  • પીએસીએસ/ડેરી/મત્સ્યપાલન સહકારી મંડળીઓને તેમની વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં વિવિધતા લાવવા માટે જરૂરી માળખાગત સુવિધાઓ સ્થાપિત કરવા અને તેનું આધુનિકીકરણ કરવા સક્ષમ બનાવશે.
  • ખેડૂત સભ્યોને તેમનાં ઉત્પાદનનું માર્કેટિંગ કરવા, તેમની આવક વધારવા, ધિરાણની સુવિધાઓ અને ગ્રામ્ય સ્તરે અન્ય સેવાઓ મેળવવા માટે જરૂરી ફોરવર્ડ અને બેકવર્ડ લિંકેજ પૂરાં પાડશે

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં સહકારી ચળવળને મજબૂત કરવા અને પાયાનાં સ્તરે તેની પહોંચ વધારે ગાઢ બનાવવાની મંજૂરી આપી દીધી છે. ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં દીર્ઘદ્રષ્ટાં નેતૃત્વ હેઠળ અને માનનીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહનાં સક્ષમ માર્ગદર્શન હેઠળ સહકારિતા મંત્રાલયે દરેક ન આવરી લેવાયેલી પંચાયતમાં આર્થિક રીતે વ્યવહારુ પેક્સ સ્થાપિત કરવા, દરેક આવરી ન લેવાયેલી પંચાયત/ગામમાં વ્યવહારુ ડેરી સહકારી મંડળીઓ અને દરેક દરિયાકિનારાની પંચાયત/ગામ તેમજ વિશાળ જળાશયો ધરાવતાં પંચાયત/ગામમાં વ્યવહારુ મત્સ્યપાલન સહકારી મંડળીઓ સ્થાપિત કરવાની યોજના ઘડી કાઢી છે અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રાલયની વિવિધ યોજનાઓના સમન્વય મારફતે 'સંપૂર્ણ સરકાર' અભિગમનો ઉપયોગ કરીને હાલની પીએસીએસ/ડેરી/મત્સ્યપાલન સહકારી મંડળીઓને મજબૂત કરવાની યોજના છે. શરૂઆતમાં આગામી પાંચ વર્ષમાં 2 લાખ પીએસીએસ/ડેરી/મત્સ્ય પાલન સહકારી મંડળીઓની સ્થાપના કરવામાં આવશે. પ્રોજેક્ટનાં અમલીકરણ માટેની કાર્યયોજના નાબાર્ડ, રાષ્ટ્રીય ડેરી વિકાસ બૉર્ડ (એનડીડીબી) અને રાષ્ટ્રીય મત્સ્યપાલન વિકાસ બૉર્ડ (એનએફડીબી) દ્વારા તૈયાર કરવામાં આવશે.

વર્તમાન યોજના હેઠળ સમન્વય માટે નીચેની યોજનાઓની ઓળખ કરવામાં આવી છેઃ

  1. પશુપાલન અને ડેરી વિભાગ:
  1. ડેરી વિકાસ માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ (એનપીડીડી), અને
  2. ડેરી પ્રોસેસિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (ડીઆઇડીએફ)

 

  1. મત્સ્યપાલન વિભાગ:
  1. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (પીએમએમએસવાય) અને
  2. મત્સ્યપાલન અને એક્વાકલ્ચર માળખાગત સુવિધાનો વિકાસ (એફઆઈડીએફ)

 

તેનાથી દેશભરના ખેડૂત સભ્યોને તેમનાં ઉત્પાદનોનું માર્કેટિંગ કરવા, તેમની આવક વધારવા, ધિરાણની સુવિધાઓ મેળવવા અને ગ્રામ્ય સ્તરે જ અન્ય સેવાઓ મેળવવા માટે જરૂરી ફોરવર્ડ અને બેકવર્ડ જોડાણો ઉપલબ્ધ થશે. જે પ્રાથમિક સહકારી મંડળીઓને પુનર્જીવિત કરી શકાતી નથી, તેમને સંકેલી લેવા માટે ઓળખી કાઢવામાં આવશે, અને તેમનાં સંચાલનના ક્ષેત્રમાં નવી પ્રાથમિક સહકારી મંડળીઓની સ્થાપના કરવામાં આવશે.

ઉપરાંત નવી પીએસીએસ/ડેરી/મત્સ્ય પાલન સહકારી મંડળીઓની સ્થાપના કરવાથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકોનું સર્જન થશે, જે ગ્રામીણ અર્થતંત્ર માટે અનેકગણી અસર કરશે. આ યોજના ખેડૂતોને તેમનાં ઉત્પાદનો માટે વધુ સારા ભાવો પ્રાપ્ત કરવા, તેમનાં બજારોનાં કદને વિસ્તૃત કરવા અને તેમને પુરવઠા શૃંખલામાં એકીકૃત રીતે વણી લેવામાં પણ સક્ષમ બનાવશે.

 

 

 

 

 

ગૃહ અને સહકારિતા મંત્રીની અધ્યક્ષતામાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી; મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી; સંબંધિત સચિવો; નાબાર્ડ, એનડીડીબીના ચેરમેન અને એનએફડીબીના ચીફ એક્ઝિક્યુટિવ સભ્યો તરીકે એમ એક ઉચ્ચ સ્તરીય આંતર-મંત્રાલય સમિતિ (આઈએમસી)ની રચના કરવામાં આવી છે અને યોજનાનાં સરળ અમલીકરણ માટે સમન્વય માટે નિર્ધારિત યોજનાઓની માર્ગદર્શિકામાં યોગ્ય સુધારા-વધારા સહિત જરૂરી પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે. રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે સમિતિઓની રચના પણ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ કાર્યયોજનાનાં અમલીકરણ પર કેન્દ્રિત અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવાનો છે.

પંચાયત સ્તરે પીએસીએસની વાયેબિલિટી વધારવા અને તેમની વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં વિવિધતા લાવવા મંત્રાલયે તમામ હિતધારકો સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી પીએસીએસના મૉડલ બાયલોઝ-આદર્શ પેટાકાયદા તૈયાર કર્યા છે. પીએસીએસના આ નમૂનારૂપ પેટાકાયદા તેમને 25થી વધારે વ્યાવસાયિક પ્રવૃત્તિઓ હાથ ધરવા સક્ષમ બનાવશે, જેમાં ડેરી, મત્સ્યપાલન, ગોડાઉન સ્થાપિત કરવા, અનાજની ખરીદી, ખાતરો, બિયારણો, એલપીજી/સીએનજી/પેટ્રોલ/ડિઝલ ડિસ્ટ્રિબ્યુટરશિપ, ટૂંકા ગાળાનાં અને લાંબા ગાળાનું ધિરાણ, કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ, કોમન સર્વિસ સેન્ટર્સ, સામાન્ય સેવા કેન્દ્રો, વાજબી ભાવની દુકાનો, સામુદાયિક સિંચાઈ, બિઝનેસ કોરસપોન્ડન્ટ પ્રવૃત્તિઓ, કોમન સર્વિસ સેન્ટર વગેરેનો સમાવેશ થાય છે. આ નમૂનારૂપ પેટાકાયદાઓને 5 જાન્યુઆરી, 2023ના રોજ તમામ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને સંબંધિત રાજ્ય સહકારી કાયદાઓ અનુસાર યોગ્ય ફેરફારો કર્યા પછી પીએસીએસ દ્વારા તેને અપનાવવા માટે વહેંચવામાં આવ્યા છે.

સહકારિતા મંત્રાલય દ્વારા એક રાષ્ટ્રીય સહકારી ડેટાબેઝ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોની સહકારી મંડળીઓનાં રજિસ્ટ્રારની મદદથી પંચાયત અને ગ્રામ્ય સ્તરે સહકારી મંડળીઓનું દેશવ્યાપી મેપિંગ હાથ ધરવામાં આવ્યું છે. જાન્યુઆરી, 2023માં પીએસીએસનો વિસ્તૃત ડેટાબેઝ વિકસાવવામાં આવ્યો છે અને પ્રાથમિક ડેરી/મત્સ્યપાલન સહકારી મંડળીઓનો ડેટાબેઝ ફેબ્રુઆરીનાં અંત સુધીમાં વિકસાવવામાં આવશે. આ કવાયત પીએસીએસ, ડેરી અને મત્સ્ય પાલન સહકારી મંડળીઓ દ્વારા સેવા ન આપતી પંચાયતો અને ગામોની યાદી પૂરી પાડશે. રાષ્ટ્રીય સહકારી ડેટાબેઝ અને ઓનલાઇન કેન્દ્રીય પોર્ટલનો ઉપયોગ નવી સહકારી મંડળીઓની રચનાની રિઅલ ટાઇમ દેખરેખ માટે કરવામાં આવશે.

પીએસીએસ/ડેરી/મત્સ્યપાલન સહકારી મંડળીઓને તેમના સંબંધિત જિલ્લા અને રાજ્ય સ્તરનાં ફેડરેશનો સાથે જોડવામાં આવશે. 'સંપૂર્ણ-સરકાર' અભિગમનો ઉપયોગ કરીને, આ સોસાયટીઓ તેમની પ્રવૃત્તિઓમાં વિવિધતા લાવવા માટે જરૂરી માળખાગત સુવિધાઓ સ્થાપિત કરવા અને આધુનિકરણ કરવા સક્ષમ બનશે, જેમ કે દૂધ પરીક્ષણ કરતી પ્રયોગશાળાઓ, બલ્ક મિલ્ક કુલર્સ, મિલ્ક પ્રોસેસિંગ એકમો, બાયોફ્લોક તળાવોનું નિર્માણ, માછલીના કિઓસ્ક, હેચરીનો વિકાસ, ઊંડા સમુદ્રમાં માછીમારી કરતા જહાજો હસ્તગત કરવા વગેરે.

પ્રાઇમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (પીએસીએસ), આશરે 98,995ની સંખ્યા ધરાવે છે અને 13 કરોડનો સભ્ય આધાર ધરાવે છે, જે દેશમાં ટૂંકા ગાળાનાં સહકારી ધિરાણ (એસટીસીસી) માળખાનું સૌથી નીચું સ્તર છે, જે સભ્ય ખેડૂતોને ટૂંકા ગાળાનાં અને મધ્યમ ગાળાનાં ધિરાણ અને અન્ય ઇનપુટ સેવાઓ જેવી કે બિયારણ, ખાતર, જંતુનાશક વિતરણ વગેરે પ્રદાન કરે છે. તેમને નાબાર્ડ દ્વારા 352 જિલ્લા કેન્દ્રીય સહકારી બૅન્કો (ડીસીસીબી) અને 34 રાજ્ય સહકારી બૅન્કો (એસટીસીબી) મારફતે પુનઃધિરાણ આપવામાં આવે છે.

પ્રાથમિક ડેરી સહકારી મંડળીઓ, જેની સંખ્યા આશરે ૧,૯૯,૧૮૨ છે અને લગભગ ૧.૫ કરોડ સભ્યો ધરાવે છે, તેઓ ખેડૂતો પાસેથી દૂધની ખરીદી, સભ્યોને દૂધની ચકાસણીની સુવિધા, પશુઆહાર વેચાણ, વિસ્તરણ સેવાઓ વગેરે પૂરી પાડે છે.

પ્રાથમિક મત્સ્ય પાલન સહકારી મંડળીઓ, જેની સંખ્યા આશરે 25,297 છે અને આશરે 38 લાખ સભ્યો ધરાવે છે, તે સમાજના સૌથી વધુ હાંસિયામાં ધકેલાયેલા વર્ગોમાંના એકને સેવા પૂરી પાડે છે, તેમને માર્કેટિંગ સુવિધાઓ પૂરી પાડે છે, માછીમારીનાં સાધનો, માછલીનાં બિયારણ અને આહારની ખરીદીમાં મદદ કરે છે અને મર્યાદિત ધોરણે સભ્યોને ધિરાણની સુવિધા પણ પૂરી પાડે છે.

જો કે, હજી પણ 1.6 લાખ પંચાયતો પીએસીએસ વિનાની છે અને લગભગ 2 લાખ પંચાયતો કોઈ પણ ડેરી સહકારી મંડળી વિનાની છે. દેશનાં ગ્રામીણ અર્થતંત્રને ટકાવી રાખવામાં આ પ્રાથમિક સ્તરની સહકારી મંડળીઓએ ભજવેલી મહત્ત્વની ભૂમિકાને ધ્યાનમાં રાખીને દેશમાં સહકારી ચળવળને વધુ મજબૂત બનાવવા, તળિયા સુધી તેની પહોંચ વધુ ઊંડી બનાવવા અને જે તે કિસ્સા મુજબ તમામ પંચાયતો/ગામડાંઓને આવરી લેવા માટે આ પ્રકારની સોસાયટીઓ સ્થાપીને તેમનાં વ્યવસ્થિત વિતરણને સંબોધવા સહિયારા પ્રયાસો કરવાની જરૂર છે.

YP/GP/JD

 



(Release ID: 1899564) Visitor Counter : 389