પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઇન્ડિયન એસોસિએશન ઑફ ફિઝિયોથેરાપીસ્ટની નેશનલ કૉન્ફરન્સને સંબોધન કર્યું

"તમે આશા, શારીરિક સ્થિતિસ્થાપકતા અને પુનઃપ્રાપ્તિનાં પ્રતીક છો"
"તમારા વ્યવસાયના વિશિષ્ટ ગુણો મને પ્રેરણા આપે છે"

"જરૂરિયાતમંદોને ટેકો આપવાની ભાવના અને સુસંગતતા, સાતત્ય તેમજ દ્રઢ વિશ્વાસ શાસનમાં પણ વ્યાપ્ત છે"

" સરકાર નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેશનલ્સ બિલ લાવતા ફિઝિયોથેરાપિસ્ટને એક વ્યવસાય તરીકે ખૂબ જ રાહ જોવાતી માન્યતા મળી હતી"

"લોકોને યોગ્ય મુદ્રા, યોગ્ય આદતો, યોગ્ય કસરત વિશે શિક્ષિત કરો”

"જ્યારે યોગની કુશળતાને ફિઝિયોથેરાપિસ્ટની કુશળતા સાથે જોડવામાં આવે છે, ત્યારે તેની શક્તિ અનેકગણી વધી જાય છે"

"ફિઝિયોથેરાપિસ્ટ્સ દ્વારા વીડિયો કન્સલ્ટેશન તુર્કિયે ભૂકંપ જેવી પરિસ્થિતિમાં ઉપયોગી થઈ શકે છે"
"મને પૂરો વિશ્વાસ છે કે ભારત ફિટ હોવાની સાથે સાથે સુપરહિટ પણ થશે"

Posted On: 11 FEB 2023 10:26AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં ઇન્ડિયન એસોસિએશન ઑફ ફિઝિયોથેરાપિસ્ટ્સ (આઇએપી)ની 60મી રાષ્ટ્રીય પરિષદને વીડિયો સંદેશ મારફતે સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ આશા, શારીરિક સ્થિતિસ્થાપકતા અને પુનઃપ્રાપ્તિનાં પ્રતીક સમાન આશ્વાસન પૂરું પાડનારા તરીકે ફિઝિયોથેરાપિસ્ટ્સનાં મહત્વને સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું હતું કે ફિઝિયોથેરાપિસ્ટ માત્ર શારીરિક ઈજાની સારવાર જ નથી કરતા, પરંતુ દર્દીને માનસિક પડકારનો સામનો કરવાની હિંમત પણ આપે છે.

પ્રધાનમંત્રીએ ફિઝિયોથેરાપિસ્ટના વ્યવસાયના વિશિષ્ટ ગુણોની પ્રશંસા કરી હતી અને જરૂરિયાતના સમયે સહાય પૂરી પાડવાની સમાન ભાવના કેવી રીતે શાસનમાં પણ વ્યાપ્ત છે તે સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બૅન્ક ખાતાઓ, શૌચાલયો, નળનું પાણી, નિઃશુલ્ક તબીબી સારવાર અને સામાજિક સુરક્ષાની જાળ ઊભી કરવા જેવી મૂળભૂત જરૂરિયાતોની જોગવાઈમાં સાથસહકાર સાથે દેશના ગરીબ અને મધ્યમ વર્ગ સ્વપ્નો જોવા માટે હિંમત એકઠી કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "અમે દુનિયાને બતાવી દીધું છે કે, તેમની ક્ષમતા સાથે તેઓ નવી ઊંચાઈએ પહોંચવા સક્ષમ છે."

એ જ રીતે, તેમણે દર્દીમાં આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરતા આ વ્યવસાયની લાક્ષણિકતાઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત પણ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ વ્યવસાય 'સબ કા પ્રયાસ'નું પણ પ્રતીક છે, કારણ કે દર્દી અને ડૉક્ટર બંનેએ એ સમસ્યા પર કામ કરવાની જરૂર છે તથા આ બાબત ઘણી યોજનાઓ અને સ્વચ્છ ભારત અને બેટી બચાઓ જેવાં જન આંદોલનોમાં પ્રતિબિંબિત થાય છે.

પ્રધાનમંત્રીએ ફિઝિયોથેરાપીની ભાવના પર ભાર મૂક્યો હતો, જેમાં સુસંગતતા, સાતત્ય અને દ્રઢ વિશ્વાસ જેવા અનેક મુખ્ય સંદેશાઓ છે, જે શાસનની નીતિઓ માટે પણ મહત્ત્વપૂર્ણ છે, એમ તેમણે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવમાં સરકાર નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેશનલ્સ બિલ લાવી એટલે ફિઝિયોથેરાપિસ્ટને એક વ્યવસાય તરીકે બહુ રાહ જોવાતી માન્યતા મળી હતી, આ બિલ દેશની હેલ્થકેર સિસ્ટમમાં ફિઝિયોથેરાપિસ્ટનાં યોગદાનને માન્યતા આપે છે. "આનાથી તમારા બધા માટે ભારતમાં અને વિદેશમાં કામ કરવાનું સરળ બન્યું છે. સરકારે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન નેટવર્કમાં ફિઝિયોથેરાપિસ્ટ્સનો પણ ઉમેરો કર્યો છે. આનાથી તમારા માટે દર્દીઓ સુધી પહોંચવાનું સરળ બન્યું છે," એમ શ્રી મોદીએ કહ્યું. પ્રધાનમંત્રીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને ખેલો ઇન્ડિયાનાં વાતાવરણમાં ફિઝિયોથેરાપિસ્ટ્સ માટે વધી રહેલી તકો વિશે પણ વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ફિઝિયોથેરાપિસ્ટ્સને વિનંતી કરી હતી કે, તેઓ લોકોને યોગ્ય મુદ્રા, યોગ્ય આદતો, યોગ્ય કસરત વિશે જાણકારી આપવાનું કાર્ય હાથ ધરે. "લોકો ફિટનેસ અંગે યોગ્ય અભિગમ અપનાવે તે મહત્ત્વનું છે. તમે આ લેખો અને વ્યાખ્યાનો દ્વારા કરી શકો છો. અને મારા યુવાન મિત્રો તે રીલ્સ દ્વારા પણ કરી શકે છે, " એમ તેમણે જણાવ્યું હતું.

ફિઝિયોથેરાપીના પોતાના વ્યક્તિગત અનુભવનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મારો અનુભવ છે કે, જ્યારે યોગની કુશળતાને ફિઝિયોથેરાપિસ્ટની કુશળતા સાથે જોડવામાં આવે છે, ત્યારે તેની શક્તિ અનેકગણી વધી જાય છે. શરીરની સામાન્ય સમસ્યાઓ, જેમાં ઘણીવાર ફિઝિયોથેરાપીની જરૂર પડે છે, તે યોગમાં પણ કેટલીકવાર હલ થઈ જાય છે. એટલે જ ફિઝિયોથેરાપીની સાથે યોગ પણ તમને આવડવો જ જોઇએ. આનાથી તમારી વ્યાવસાયિક શક્તિમાં વધારો થશે."

ફિઝિયોથેરાપીના વ્યવસાયનો મોટો હિસ્સો વરિષ્ઠ નાગરિકો સાથે સંકળાયેલો હોવાથી પ્રધાનમંત્રીએ અનુભવ અને સોફ્ટ-સ્કિલ્સની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તથા આ વ્યવસાયને શૈક્ષણિક પેપર્સ અને પ્રેઝન્ટેશન મારફતે તેનું દસ્તાવેજીકરણ કરવા અને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરવા જણાવ્યું હતું.

શ્રી મોદીએ આ વ્યવસાયને વીડિયો કન્સલ્ટિંગ અને ટેલિ-મેડિસિનની રીતો વિકસાવવા પણ વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે તુર્કિયેમાં આવેલા ભૂકંપ જેવી પરિસ્થિતિઓમાં આ ઉપયોગી થઈ શકે છે જ્યાં મોટી સંખ્યામાં ફિઝિયોથેરાપિસ્ટ્સની જરૂર છે અને ભારતીય ફિઝિયોથેરાપિસ્ટ્સ મોબાઈલ ફોન દ્વારા મદદ કરી શકે છે અને ફિઝિયોથેરાપિસ્ટ એસોસિએશનને આ દિશામાં વિચારવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, તમારા જેવા નિષ્ણાતોનાં નેતૃત્વમાં ભારત ફિટ થવાની સાથે-સાથે સુપરહિટ પણ બનશે."

 

 

Sharing my remarks at the Indian Association of Physiotherapist National Conference in Ahmedabad. https://t.co/R0KTIp2sRY

— Narendra Modi (@narendramodi) February 11, 2023

YP/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 



(Release ID: 1898257) Visitor Counter : 191