પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહના 21 સૌથી મોટા અનામી ટાપુઓનાં નામ 21 પરમવીર ચક્ર વિજેતાઓનાં નામ પરથી આપવાના સમારંભમાં ભાગ લીધો



નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વિપ પર બનનારાં નેતાજીને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકનાં મૉડલનું અનાવરણ કર્યું

"જ્યારે ઇતિહાસ રચાય છે, ત્યારે ભાવિ પેઢીઓ ફક્ત તેને યાદ કરે છે, આકારણી કરે છે અને તેનું મૂલ્યાંકન કરે છે, એટલું જ નહીં પરંતુ તેમાંથી સતત પ્રેરણા પણ મેળવે છે"

"આ દિવસને આઝાદી કા અમૃત કાલના એક મહત્વપૂર્ણ અધ્યાય તરીકે ભાવિ પેઢીઓ દ્વારા યાદ કરવામાં આવશે"

"આજે પણ સેલ્યુલર જેલની કોટડીઓમાંથી અપાર પીડાની સાથે અભૂતપૂર્વ જુસ્સાના અવાજો સંભળાય છે"

"બંગાળથી લઈને દિલ્હી અને આંદામાન સુધી દેશનો દરેક ભાગ નેતાજીના વારસાને સલામ કરે છે અને તેમની કદર કરે છે"

"આપણી લોકતાંત્રિક સંસ્થાઓ અને કર્તવ્ય પથની સામે નેતાજીની ભવ્ય પ્રતિમા આપણને આપણાં કર્તવ્યોની યાદ અપાવે છે"

"જે રીતે સમુદ્ર વિવિધ ટાપુઓને જોડે છે, તેવી જ રીતે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવના ભારતમાતાનાં દરેક સંતાનને એકતાંતણે બાંધે છે”

"દેશની એ ફરજ છે કે જે સૈનિકોએ પોતાને રાષ્ટ્રીય રક્ષા માટે સમર્પિત કર્યા છે તેમને સેનાનાં યોગદાનની સાથે વ્યાપકપણે સ્વીકૃતિ મળવી જોઈએ"

"હવે લોકો ઇતિહાસને જાણવા અને જીવવા માટે આંદામાન અને નિકોબાર ટાપુઓ પર આવી રહ્યા છે"

Posted On: 23 JAN 2023 2:12PM by PIB Ahmedabad

પરાક્રમ દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહના 21 સૌથી મોટા અનામી ટાપુઓને 21 પરમવીર ચક્ર વિજેતાઓનાં નામ આપવા માટે આયોજિત એક સમારંભમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ પર નિર્માણ પામનારાં નેતાજીને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકના મૉડલનું અનાવરણ પણ કર્યું હતું.

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ સૌને પરાક્રમ દિવસના અવસર પર શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિના પ્રસંગે દેશભરમાં આ પ્રેરક દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આજનો દિવસ આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહો માટે ઐતિહાસિક છે અને કહ્યું હતું કે, "જ્યારે ઇતિહાસ રચાય છે, ત્યારે ભવિષ્યની પેઢીઓ તેને માત્ર યાદ કરે છે, તેની આકારણી કરે છે અને તેનું મૂલ્યાંકન કરે છે, એટલું જ નહીં પણ સાથે-સાથે તેમાંથી સતત પ્રેરણા પણ મેળવે છે." પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહના 21 ટાપુઓનાં નામકરણ સમારંભ આજે યોજાઈ રહ્યો છે અને હવે તેમને 21 પરમવીર ચક્ર વિજેતાઓનાં નામ તરીકે ઓળખવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝનાં જીવનનાં સન્માનમાં,  તેઓ જે ટાપુ પર રોકાયા હતા ત્યાં એક નવા સ્મારકનો શિલાન્યાસ થઈ રહ્યો છે. તેમણે નોંધ્યું હતું કે, આ દિવસને આઝાદી કા અમૃત કાલના મહત્ત્વપૂર્ણ અધ્યાય તરીકે ભવિષ્યની પેઢીઓ યાદ રાખશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નેતાજીનું સ્મારક અને નવાં નામ ધરાવતા 21 ટાપુઓ યુવા પેઢી માટે સતત પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.

આંદામાન અને નિકોબાર ટાપુઓના ઇતિહાસ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, અહીં સૌ પ્રથમ વખત તિરંગો ફરકાવવામાં આવ્યો હતો અને ભારતની પ્રથમ સ્વતંત્ર સરકારની રચના થઈ હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વીર સાવરકર અને તેમના જેવા અન્ય અનેક વીરોએ આ જ ભૂમિ પર દેશ માટે તપસ્યા અને બલિદાનનાં શિખરને સ્પર્શ કર્યો હતો. તેમણે કહ્યું, "ભારે પીડાની સાથે તે અભૂતપૂર્વ જુસ્સાના અવાજો આજે પણ સેલ્યુલર જેલની કોટડીઓમાંથી સંભળાય છે." પ્રધાનમંત્રીએ સંતાપ વ્યક્ત કર્યો હતો કે, આંદામાનની ઓળખ સ્વતંત્રતા સંગ્રામની યાદોને બદલે ગુલામીનાં પ્રતીકો સાથે સંકળાયેલી રહી અને તેમણે કહ્યું હતું કે, "આપણાં ટાપુઓનાં નામોમાં પણ ગુલામીની છાપ રહી હતી." પ્રધાનમંત્રીએ ચાર-પાંચ વર્ષ અગાઉ ત્રણ મુખ્ય ટાપુઓનાં નામ બદલવા માટે પોર્ટ બ્લેરની તેમની મુલાકાતને યાદ કરી હતી અને માહિતી આપી હતી કે, "આજે રોસ ટાપુ નેતાજી સુભાષચંદ્ર બોઝ ટાપુ બની ગયો છે, હેવલોક અને નીલ ટાપુઓ સ્વરાજ અને શહીદ ટાપુ બની ગયા છે." તેમણે નોંધ્યું હતું કે, સ્વરાજ અને શહીદનાં નામ નેતાજીએ પોતે આપ્યાં હતાં, પણ આઝાદી પછી પણ તેમને કોઈ મહત્ત્વ આપવામાં આવ્યું નહોતું. પ્રધાનમંત્રીએ કહ્યું, "જ્યારે આઝાદ હિંદ ફૌજ સરકારે 75 વર્ષ પૂર્ણ કર્યાં, ત્યારે અમારી સરકારે આ નામો ફરીથી સ્થાપિત કર્યાં."

પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું હતું કે ભારતની 21મી સદી એ જ નેતાજીને યાદ કરે છે, જે ભારતની આઝાદી પછી એક સમયે ઇતિહાસનાં પાનાઓમાં ખોવાઈ ગયા હતા. તેમણે ઉજાગર કર્યું કે આસમાનને આંબતો ભારતીય ધ્વજ, જે આજે એ જ સ્થળે ફરકાવવામાં આવે છે, જ્યાં નેતાજીએ આંદામાનમાં સૌ પ્રથમ વાર તિરંગો ફરકાવ્યો હતો અને ટિપ્પણી કરી હતી કે, આ ધ્વજ તમામ દેશવાસીઓનાં હૃદયને દેશભક્તિથી ભરી દે છે, જેઓ આ સ્થળની મુલાકાત લે છે. તેમણે નોંધ્યું હતું કે, તેમની યાદમાં જે નવું સંગ્રહાલય અને સ્મારક બનવા જઈ રહ્યું છે, તે આંદામાનની યાત્રાને વધારે યાદગાર બનાવશે. પ્રધાનમંત્રીએ વર્ષ 2019માં દિલ્હીના લાલ કિલ્લા પર જેનું ઉદ્‌ઘાટન થયું હતું એ નેતાજી મ્યુઝિયમ વિશે પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, આ સ્થળ લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગયું છે. તેમણે બંગાળમાં તેમની ૧૨૫મી જન્મજયંતિ અને પરાક્રમ દિવસ તરીકે જાહેર થવાના દિવસે યોજાયેલા વિશેષ કાર્યક્રમોની પણ નોંધ લીધી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "બંગાળથી લઈને દિલ્હી અને આંદામાન સુધી દેશનો દરેક ભાગ નેતાજીના વારસાને સલામ કરે છે અને તેમની કદર કરે છે."

પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે સંબંધિત કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો, જે આઝાદી પછી તરત જ થવાં જોઇતાં હતાં અને તેમણે જાણકારી આપી હતી કે, છેલ્લાં 8-9 વર્ષમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્વતંત્ર ભારતની પ્રથમ સરકાર 1943માં દેશનાં આ ભાગમાં બની હતી અને દેશ તેને વધારે ગર્વ સાથે સ્વીકારી રહ્યો છે. તેમણે નોંધ્યું હતું કે, આઝાદ હિંદ સરકારની રચનાનાં 75 વર્ષ પૂર્ણ થવાં પર દેશે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવીને નેતાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે નેતાજીનાં જીવન સાથે સંબંધિત ફાઈલોને સાર્વજનિક કરવાની માગ દાયકાઓ સુધી હતી અને નોંધ્યું હતું કે, આ કામ સંપૂર્ણ નિષ્ઠા સાથે કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે આપણી લોકતાંત્રિક સંસ્થાઓ અને કર્તવ્ય પથની સામે નેતાજીની ભવ્ય પ્રતિમા આપણને આપણાં કર્તવ્યોની યાદ અપાવે છે."

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે દેશોએ તેમનાં નિકટવર્તી વ્યક્તિત્વો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને ઉચિત સમયે લોકો સાથે જોડ્યાં છે તથા સક્ષમ આદર્શોનું સર્જન કર્યું છે અને વહેંચ્યાં છે, તેઓ જ વિકાસ અને રાષ્ટ્રનિર્માણની દોડમાં ઘણા આગળ વધ્યા છે, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત આઝાદી કા અમૃત કાલમાં આ જ પ્રકારનાં પગલાં લઈ રહ્યું છે.

21 ટાપુઓનાં નામકરણ કરવા પાછળ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નો અનોખો સંદેશ ઉજાગર કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ દેશ માટે કરવામાં આવેલાં બલિદાનોની અમરતા તથા ભારતીય સૈન્યની વીરતા અને શૌર્યનો સંદેશ છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 21 પરમવીર ચક્ર વિજેતાઓએ ભારત માતાની સુરક્ષા માટે સર્વસ્વ બલિદાન આપ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે, ભારતીય સેનાનાં બહાદુર સૈનિકો વિવિધ રાજ્યોમાંથી આવ્યાં છે, તેઓ વિવિધ ભાષાઓ અને બોલીઓ બોલતા હતાં અને વિવિધ જીવનશૈલી જીવતાં હતાં, પણ મા ભારતીની સેવા અને માતૃભૂમિ પ્રત્યેની અતૂટ ભક્તિએ જ તેમને એકતાંતણે બાંધી રાખ્યાં હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જેમ સમુદ્ર વિવિધ ટાપુઓને જોડે છે, તેવી જ રીતે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવના ભારતમાતાનાં દરેક સંતાનને એકતાંતણે બાંધે છે." પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મેજર સોમનાથ શર્મા, પીરુ સિંહ, મેજર શૈતાન સિંહથી માંડીને કૅપ્ટન મનોજ પાંડે, સૂબેદાર જોગિન્દર સિંહ અને લાન્સ નાયક આલ્બર્ટ એક્કા, વીર અબ્દુલ હમીદ અને મેજર રામાસ્વામી પરમેશ્વરનથી માંડીને તમામ 21 પરમવીર સુધી, દરેકનો એક જ સંકલ્પ હતો - નેશન ફર્સ્ટ! ઇન્ડિયા ફર્સ્ટ! આ દ્વીપોનાં નામે હવે આ સંકલ્પ કાયમ માટે અમર થઈ ગયો છે. આંદામાનમાં એક ટેકરી પણ કારગિલ યુદ્ધના કૅપ્ટન વિક્રમ બત્રાનાં નામે સમર્પિત કરવામાં આવી રહી છે."

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આંદામાન અને નિકોબાર ટાપુઓનું નામકરણ માત્ર પરમવીર ચક્ર વિજેતાઓને જ નહીં, પણ ભારતીય સશસ્ત્ર દળોને પણ સમર્પિત છે. આપણી સેનાને આઝાદીના સમયથી જ યુદ્ધોનો સામનો કરવો પડ્યો હતો એ બાબતને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણાં સશસ્ત્ર દળોએ તમામ મોરચે પોતાની બહાદુરી સાબિત કરી છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "આ દેશની ફરજ છે કે, જે સૈનિકો આ રાષ્ટ્રીય સંરક્ષણ કામગીરી માટે પોતાની જાતને સમર્પિત કરે છે, તેમને સૈન્યનાં યોગદાનની સાથે વ્યાપકપણે સ્વીકૃતિ મળવી જોઈએ." પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "આજે દેશ આ જવાબદારી અદા કરી રહ્યો છે અને સૈનિકો અને સેનાઓનાં નામે તેને માન્યતા આપવામાં આવી રહી છે."

પ્રધાનમંત્રીએ આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહોની સંભવિતતા પર પ્રકાશ ફેંકતા કહ્યું હતું કે, આ જળ, પ્રકૃતિ, પર્યાવરણ, પ્રયાસ, પરાક્રમ, પરંપરા, પ્રવાસન, પ્રબુદ્ધતા અને પ્રેરણાની ભૂમિ છે તથા તેમણે સંભવિતતાને ઓળખવાની અને તકોને ઓળખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ છેલ્લાં 8 વર્ષમાં થયેલી કામગીરી પર પ્રકાશ પાડ્યો હતો અને જાણકારી આપી હતી કે, વર્ષ 2014ની સરખામણીમાં વર્ષ 2022માં આંદામાનની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. તેમણે રોજગારીમાં વૃદ્ધિ અને પ્રવાસનને લગતી આવકની નોંધ પણ લીધી હતી. પ્રધાનમંત્રીએ એ હકીકત તરફ ધ્યાન દોર્યું હતું કે, આંદામાન સાથે સંબંધિત સ્વતંત્રતાના ઇતિહાસ વિશે જિજ્ઞાસા પણ વધી રહી હોવાથી આ સ્થળની ઓળખમાં પણ વિવિધતા આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, "હવે લોકો ઇતિહાસને જાણવા અને જીવવા માટે પણ અહીં આવી રહ્યા છે." તેમણે આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહની સમૃદ્ધ આદિવાસી પરંપરાની નોંધ પણ લીધી હતી અને કહ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે સંબંધિત સ્મારક અને સૈન્યની બહાદુરીનું સન્માન કરવાથી ભારતીયોમાં મુલાકાત લેવાની નવી આતુરતા પેદા થશે.

પ્રધાનમંત્રીએ દાયકાઓની લઘુતાગ્રંથિ અને આત્મવિશ્વાસના અભાવને કારણે, ખાસ કરીને વિકૃત વૈચારિક રાજકારણને કારણે દેશની સંભવિતતાને ઓળખવામાં અગાઉની સરકારના પ્રયાસો પર દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આપણાં હિમાલયનાં રાજ્યો, ખાસ કરીને ઉત્તરપૂર્વનાં રાજ્યો હોય કે આંદામાન અને નિકોબાર જેવા દરિયાઈ ટાપુ વિસ્તારો હોય, આ પ્રકારના વિસ્તારોના વિકાસની દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી છે, કારણ કે આ વિસ્તારોને દૂરનાં, દુર્ગમ અને અપ્રસ્તુત વિસ્તારો ગણવામાં આવ્યા હતા." તેમણે એમ પણ નિરીક્ષણ કર્યું હતું કે ભારતમાં ટાપુઓ અને ટાપુઓની સંખ્યાનો હિસાબ જાળવવામાં આવ્યો નથી. સિંગાપોર, માલદિવ્સ અને સેશેલ્સ જેવા વિકસિત ટાપુ રાષ્ટ્રોનું ઉદાહરણ ટાંકીને પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ દેશોનો ભૌગોલિક વિસ્તાર આંદામાન અને નિકોબાર કરતાં ઓછો છે, પણ તેઓ તેમનાં સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીને નવી ઊંચાઈએ પહોંચ્યા છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનાં ટાપુઓમાં પણ આવી જ ક્ષમતા છે અને દેશ આ દિશામાં આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રીએ 'સબમરીન ઓપ્ટિકલ ફાઇબર' મારફતે આંદામાનને ઝડપી ઇન્ટરનેટ સાથે જોડવાનું ઉદાહરણ આપ્યું હતું, જે ડિજિટલ પેમેન્ટ અને અન્ય જટિલ સેવાઓને પ્રોત્સાહન આપે છે અને પ્રવાસીઓને લાભ આપે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "હવે દેશમાં કુદરતી સંતુલન અને આધુનિક સંસાધનોને એકસાથે આગળ વધારવામાં આવી રહ્યાં છે."

આઝાદીની લડતને નવી દિશા આપનાર ભૂતકાળના આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહની સરખામણી કરવા સાથે પ્રધાનમંત્રીએ તેમનાં સંબોધનનું સમાપન કરતાં જણાવ્યું હતું કે, આ વિસ્તાર ભવિષ્યમાં દેશના વિકાસને પણ નવી ગતિ આપશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મને વિશ્વાસ છે કે, આપણે એવા ભારતનું નિર્માણ કરીશું કે જે સક્ષમ હોય અને આધુનિક વિકાસની ઊંચાઈઓ સર કરી શકે."

 આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને આંદામાન અને નિકોબાર ટાપુઓનાં લેફ્ટનન્ટ ગવર્નર એડમિરલ ડી કે જોશી, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચાદભૂમિકા

આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહનાં ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને અને નેતાજી સુભાષચંદ્ર બોઝની સ્મૃતિનું સન્માન કરવા માટે પ્રધાનમંત્રી દ્વારા વર્ષ 2018માં આ ટાપુની તેમની મુલાકાત દરમિયાન રોસ દ્વીપ સમૂહનું નામ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ રાખ્યું હતું. નીલ આઇલેન્ડ અને હેવલોક આઇલેન્ડનું નામ પણ શહીદ દ્વિપ અને સ્વરાજ દ્વિપ રાખવામાં આવ્યું હતું.

દેશના વાસ્તવિક જીવનના નાયકોને આદર આપવો એને પ્રધાનમંત્રી દ્વારા હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. આ ભાવનાને આગળ વધારતા હવે દ્વીપ સમૂહના 21 સૌથી મોટા અનામી દ્વીપોનાં નામ 21 પરમવીર ચક્ર વિજેતાઓનાં નામ પર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સૌથી મોટા અનામી ટાપુનું નામ પ્રથમ પરમ વીર ચક્ર પુરસ્કારથી સન્માનિતનાં નામથી, બીજા સૌથી મોટા અનામી ટાપુનું નામ બીજા પરમવીર ચક્ર પુરસ્કારથી સન્માનિતનાં નામથી  કરવામાં આવશે, અને એ રીતે. આ પગલું આપણા નાયકોને એક શાશ્વત શ્રદ્ધાંજલિ હશે, જેમાંના ઘણાએ રાષ્ટ્રની સાર્વભૌમત્વ અને અખંડિતતાની સુરક્ષા માટે અંતિમ બલિદાન આપ્યું હતું.

આ ટાપુઓનાં નામ ૨૧ પરમવીર ચક્ર વિજેતાઓનાં નામ પર રાખવામાં આવ્યા છે. મેજર સોમનાથ શર્મા; સૂબેદાર અને ઑનરરી કૅપ્ટન (તત્કાલીન લાન્સ નાયક) કરમ સિંઘ, એમ.એમ. બીજા લેફ્ટનન્ટ રામા રાઘોબા રાણે; નાયક જદુનાથ સિંઘ; કંપની હવાલદાર મેજર પીરુ સિંઘ; કૅપ્ટન જી.એસ.સલારિયા; લેફ્ટનન્ટ કર્નલ (તત્કાલીન મેજર) ધનસિંહ થાપા; સૂબેદાર જોગીન્દર સિંઘ; મેજર શૈતાન સિંહ; CQMH. અબ્દુલ હમીદ; લેફ્ટનન્ટ કર્નલ અરદેશર બુર્ઝોરજી તારાપોર; લાન્સ નાયક આલ્બર્ટ એક્કા; મેજર હોશિયાર સિંહ; બીજા લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ; ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખોન; મેજર રામાસ્વામી પરમેશ્વરન; નાયબ સૂબેદાર બાના સિંહ; કૅપ્ટન વિક્રમ બત્રા; લેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે; સૂબેદાર મેજર (તે સમયે રાઇફલમેન) સંજય કુમાર; અને સૂબેદાર મેજર રિટાયર્ડ (ઑનરરી કૅપ્ટન) ગ્રેનેડિયર યોગેન્દ્ર સિંહ યાદવ.

YP/GP/JD



(Release ID: 1892996) Visitor Counter : 395