પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ત્રિપુરાનાં અગરતલામાં રૂ. 4350 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ મુખ્ય પહેલનો શિલાન્યાસ, ઉદ્‌ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરી

પીએમએવાય – શહેરી અને ગ્રામીણ યોજનાઓ હેઠળ બે લાખથી વધુ લાભાર્થીઓ માટે ગૃહ પ્રવેશ કાર્યક્રમનો શુભારંભ કર્યો
"મા ત્રિપુરા સુંદરીનાં આશીર્વાદથી ત્રિપુરાની વિકાસ યાત્રા નવી ઊંચાઈઓ સર કરી રહી છે"

"જ્યારે ગરીબો માટે ઘરો બનાવવાની વાત આવે છે ત્યારે ત્રિપુરા અગ્રણી રાજ્યોમાંનું એક છે"

"આજે ત્રિપુરાની સ્વચ્છતા, માળખાગત વિકાસ અને ગરીબોને ઘરો પ્રદાન કરવા માટે ચર્ચા થઈ રહી છે"
"ત્રિપુરા થઈને ઉત્તરપૂર્વ વિસ્તાર આંતરરાષ્ટ્રીય વેપાર માટે પ્રવેશદ્વાર બની રહ્યો છે"

"આયુષ્માન ભારત યોજના અંતર્ગત પૂર્વોત્તરનાં ગામડાંઓમાં 7,000થી વધારે સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે"
"અહીંના લોકલને ગ્લોબલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે"

Posted On: 18 DEC 2022 6:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રૂ. 4350 કરોડથી વધારે મૂલ્યની વિવિધ મુખ્ય પહેલનો શિલાન્યાસ, ઉદ્‌ઘાટન અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી અને ગ્રામીણ હેઠળ લાભાર્થીઓ માટે ગૃહ પ્રવેશ કાર્યક્રમનો શુભારંભ, અગરતલા બાયપાસ (ખૈરપુર-અમતાલી) એનએચ-08ને પહોળો કરવા માટે કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ, પીએમજીએસવાય III હેઠળ 230 કિલોમીટરથી વધુ લંબાઈ ધરાવતા 32 માર્ગો માટે શિલાન્યાસ અને 540 કિલોમીટરથી વધુ અંતરને આવરી લેતા 112 માર્ગોના સુધારણા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ આનંદનગર ખાતે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હૉટલ મેનેજમેન્ટ અને અગરતલા સરકારી ડેન્ટલ કૉલેજનું ઉદ્‌ઘાટન પણ કર્યું હતું.

જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોનો સમારંભની શરૂઆતની આતુરતાપૂર્વક રાહ જોવા બદલ આભાર માન્યો હતો અને મેઘાલયમાં કાર્યક્રમોને કારણે થયેલા સહેજ વિલંબ બદલ માફી પણ માગી હતી, જ્યાં તેમણે દિવસની શરૂઆતમાં શિલાન્યાસ કર્યો હતો અને વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ છેલ્લાં 5 વર્ષથી સ્વચ્છતા અભિયાનનાં સંબંધમાં રાજ્યમાં હાથ ધરવામાં આવેલા પ્રશંસનીય કાર્યોને બિરદાવ્યાં હતાં અને ટિપ્પણી કરી હતી કે, ત્રિપુરાનાં લોકોએ જ તેને જન આંદોલનમાં પરિવર્તિત કર્યું છે. જેનાં કારણે વિસ્તારવાર નાનાં રાજ્યોની વાત કરવામાં આવે તો ત્રિપુરા ભારતનું સૌથી સ્વચ્છ રાજ્ય બનીને સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, "મા ત્રિપુરા સુંદરીનાં આશીર્વાદથી ત્રિપુરાની વિકાસ યાત્રા નવી ઊંચાઈઓની સાક્ષી બની રહી છે."

પ્રધાનમંત્રીએ ત્રિપુરાનાં લોકોને કનેક્ટિવિટી, કૌશલ્ય વિકાસ અને ગરીબોનાં ઘર સાથે સંબંધિત યોજનાઓ સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સ માટે અભિનંદન પાઠવ્યાં હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ત્રિપુરાને આજે તેની પ્રથમ ડેન્ટલ કૉલેજ મળી રહી છે." તેમણે કહ્યું હતું કે, ત્રિપુરાના યુવાનોને હવે રાજ્ય છોડ્યાં વિના ડૉક્ટર બનવાની તક મળશે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે, આજે રાજ્યમાંથી 2 લાખથી વધુ ગરીબ લોકો તેમનાં નવાં પાકાં ઘરોમાં ગૃહ પ્રવેશ કરી રહ્યા છે, જ્યાં મકાનોનાં માલિક આપણી માતા અને બહેનો છે. પ્રધાનમંત્રીએ આ કુટુંબોની મહિલાઓને અભિનંદન આપવાની તક ઝડપી લીધી હતી, જેઓ સૌપ્રથમ વાર ઘરમાલિક બનશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "જ્યારે ગરીબો માટે મકાનોનું નિર્માણ કરવાની વાત આવે છે, ત્યારે ત્રિપુરા અગ્રણી રાજ્યોમાંનું એક છે." તેમણે શ્રી માણિક સહાજી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલાં કાર્યોની પ્રશંસા કરી હતી. જ્યારે તેઓ સ્થળ પર જઇ રહ્યા હતા ત્યારે હજારો સમર્થકો તરફથી તેમને મળેલાં ઉષ્માભર્યા સ્વાગત પર પણ તેમણે ટિપ્પણી કરી હતી.

પ્રધાનમંત્રીએ દિવસની શરૂઆતમાં ઉત્તર પૂર્વીય પરિષદની બેઠકને યાદ કરીને ત્રિપુરા સહિત પૂર્વોત્તરનાં તમામ રાજ્યો માટે ભવિષ્યના વિકાસનાં રોડ મેપ પર થયેલી ચર્ચાઓ પર જાણકારી આપી હતી. તેમણે 'અષ્ટ આધાર' અથવા 'અષ્ટ લક્ષ્મી' અથવા આઠ પૂર્વોત્તર રાજ્યોના વિકાસ માટેના આઠ મુખ્ય મુદ્દાઓ વિશે માહિતી આપી. ત્રિપુરાની ડબલ એન્જિન ધરાવતી સરકાર વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વિકાસની પહેલને વેગ આપવા સતત પ્રયાસો થઈ રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, ડબલ એન્જિન ધરાવતી સરકાર અગાઉ પૂર્વોત્તર રાજ્યો વિશે માત્ર ચૂંટણી અને હિંસાનાં કૃત્યો દરમિયાન જ વાત કરવામાં આવતી હતી. તેમણે કહ્યું હતું કે, "અત્યારે ત્રિપુરાની સ્વચ્છતા, માળખાગત વિકાસ અને ગરીબોને ઘરો પૂરાં પાડવાં માટે ચર્ચા થઈ રહી છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર માળખાગત વિકાસ માટે હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે અને રાજ્ય સરકાર જમીની સ્તરે પરિણામો બતાવીને તેને શક્ય બનાવી રહી છે. તેમણે કહ્યું હતું કે, "છેલ્લાં 5 વર્ષમાં ત્રિપુરાનાં ઘણાં ગામડાંઓને રોડ કનેક્ટિવિટી મળી છે અને ત્રિપુરાનાં તમામ ગામડાઓને માર્ગો સાથે જોડવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે." પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આજે જે પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તેનાથી રાજ્યનું રોડ નેટવર્ક વધારે મજબૂત થશે, રાજધાનીમાં ટ્રાફિક સરળ થશે અને જીવન સરળ બનશે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, "ત્રિપુરા થઈને ઉત્તરપૂર્વ વિસ્તાર આંતરરાષ્ટ્રીય વેપાર માટે પ્રવેશદ્વાર બની રહ્યો છે." તેમણે અગરતલા-અખૌરા રેલવે લાઇન અને ભારત-થાઇલેન્ડ-મ્યાનમાર હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ખુલનારા નવા માર્ગો વિશે માહિતી આપી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે અગરતલાના મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ટર્મિનલનાં નિર્માણ સાથે કનેક્ટિવિટીને વેગ મળ્યો છે. તેનાં પરિણામે ત્રિપુરા પૂર્વોત્તરનાં એક મહત્વપૂર્ણ લોજિસ્ટિક હબ તરીકે વિકસી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ત્રિપુરામાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવાના સરકારનાં પ્રયાસોને શ્રેય આપ્યો હતો, જે આજના યુવાનો માટે અતિ ઉપયોગી છે. તેમણે ઉમેર્યું હતું કે, "ત્રિપુરાની ડબલ એન્જિન સરકારના પ્રયાસોને કારણે જ ઘણી પંચાયતો હવે ઑપ્ટિકલ ફાઇબર સાથે જોડાઈ ગઈ છે."

સામાજિક માળખાગત સુવિધાઓને મજબૂત કરવા ડબલ એન્જિન ધરાવતી સરકારના પ્રયાસો પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ આયુષ્માન ભારત યોજનાનું ઉદાહરણ આપ્યું હતું, જે અંતર્ગત પૂર્વોત્તરનાં ગામડાંઓમાં 7,000થી વધારે સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અહીં ત્રિપુરામાં આવાં લગભગ એક હજાર કેન્દ્રો સ્થાપિત કરવામાં આવી રહ્યાં છે. એ જ રીતે આયુષ્માન ભારત – પીએમ જય યોજના હેઠળ ત્રિપુરાના હજારો ગરીબ લોકોને રૂ.5 લાખ સુધીની નિઃશુલ્ક સારવારની સુવિધા મળી છે." શ્રી મોદીએ આગળ જણાવ્યું હતું કે, "શૌચાલયો હોય, વીજળી હોય કે ગેસનું જોડાણ હોય, આ પ્રકારનું વિસ્તૃત કાર્ય પ્રથમ વખત હાથ ધરવામાં આવ્યું છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ડબલ એન્જિન સરકાર સસ્તા ભાવે પાઇપ્ડ ગેસ લાવવા અને દરેક ઘરમાં પાઇપ દ્વારા પાણી પહોંચાડવા માટે ઝડપથી કામ કરી રહી છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, ત્રિપુરાનાં 4 લાખ નવાં કુટુંબોને ફક્ત 3 વર્ષમાં પાઇપલાઇન મારફતે પાણીની સુવિધા સાથે જોડવામાં આવ્યાં છે.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના વિશે વાત કરી હતી, જેનો લાભ ત્રિપુરાની 1 લાખથી વધારે ગર્ભવતી માતાઓને મળ્યો છે, જે અંતર્ગત પોષણયુક્ત આહાર માટે દરેક માતાનાં બૅન્ક ખાતામાં હજારો રૂપિયા સીધા જમા કરાવવામાં આવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પરિણામે આજે હૉસ્પિટલોમાં વધુને વધુ પ્રસૂતિઓ થઈ રહી છે અને માતા અને બાળક બંનેનો જીવ બચાવી રહી છે. આપણી માતાઓ અને બહેનો માટે આત્મનિર્ભરતા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે મહિલાઓની રોજગારી માટે સેંકડો કરોડનું વિશેષ પૅકેજ બહાર પાડ્યું છે. તેમણે રાજ્ય સરકારના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, "ડબલ એન્જિન સરકાર પછી ત્રિપુરામાં મહિલા સ્વ-સહાય જૂથોની સંખ્યામાં 9 ગણો વધારો થયો છે."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "દાયકાઓથી ત્રિપુરામાં એવા પક્ષોનું શાસન રહ્યું છે, જેમની વિચારધારાએ મહત્ત્વ ગુમાવી દીધું અને જેઓ તકવાદની રાજનીતિ કરે છે." તેમણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ત્રિપુરા કેવી રીતે વિકાસથી વંચિત રહ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આનાથી સૌથી વધુ અસર ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓ જ થઈ હતી. "આ પ્રકારની વિચારધારા, આ પ્રકારની માનસિકતાથી જનતાને ફાયદો થઈ શકતો નથી. તેઓ માત્ર નકારાત્મકતા કેવી રીતે ફેલાવવી તે જાણે છે અને તેમની પાસે કોઈ સકારાત્મક એજન્ડા નથી." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ડબલ એન્જિનવાળી સરકાર જ છે જે સંકલ્પ ધરાવે છે તેમજ સિદ્ધિ માટેનો સકારાત્મક માર્ગ પણ ધરાવે છે.

સત્તાની રાજનીતિને કારણે આપણા આદિવાસી સમાજને થયેલાં મોટા પાયે નુકસાનનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ આદિવાસી સમાજ અને આદિવાસી વિસ્તારોમાં વિકાસના અભાવ પર સંતાપ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભાજપે આ રાજકારણ બદલી નાખ્યું છે અને એટલે જ તે આદિવાસી સમાજની પ્રથમ પસંદગી બન્યો છે." તેમણે તાજેતરમાં યોજાયેલી ગુજરાતની ચૂંટણીઓને યાદ કરી હતી અને 27 વર્ષ પછી પણ ભાજપને મળેલી જંગી જીતમાં આદિવાસી સમાજનાં પ્રદાનને શ્રેય આપ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, "આદિવાસીઓ માટે અનામત રાખવામાં આવેલી 27 બેઠકોમાંથી ભાજપે 24 બેઠકો જીતી છે."

પ્રધાનમંત્રીએ આદિવાસી સમુદાયોની સુખાકારી માટે હાથ ધરવામાં આવેલાં વિકાસ કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો અને યાદ કર્યું હતું કે, અટલજીની સરકારે જ સૌ પ્રથમ આદિવાસીઓ માટે અલગ મંત્રાલય અને અલગ બજેટની વ્યવસ્થા કરી હતી. તેમણે કહ્યું હતું કે, "આદિવાસી સમુદાય માટે બજેટ જે 21,000 કરોડ રૂપિયા હતું, તે આજે 88 હજાર કરોડ રૂપિયા છે." પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યાવૃત્તિ પણ બમણાથી વધારે થઈ ગઈ છે. "2014 પહેલા આદિવાસી વિસ્તારોમાં 100થી ઓછી એકલવ્ય મૉડલ શાળાઓ હતી જ્યારે આજે આ સંખ્યા 500થી વધુ સુધી પહોંચી રહી છે. ત્રિપુરા માટે પણ આ પ્રકારની 20થી વધારે શાળાઓને મંજૂરી આપવામાં આવી છે." તેમણે એ વાત તરફ પણ સૌનું ધ્યાન દોર્યું હતું કે અગાઉની સરકારો માત્ર 8-10 વન પેદાશો પર એમએસપી આપતી હતી જ્યારે ભાજપ સરકાર 90 વન પેદાશો પર એમએસપી આપી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, "અત્યારે આદિવાસી વિસ્તારોમાં 50,000થી વધારે વન ધન કેન્દ્રો છે, જે આશરે 9 લાખ આદિવાસીઓને રોજગારી પૂરી પાડે છે, જેમાંની મોટા ભાગની મહિલાઓ છે."

પ્રધાનમંત્રીએ એમ પણ ધ્યાન દોર્યું હતું કે, આદિવાસીઓ માટે ગૌરવનો અર્થ શું થાય છે તે ભાજપ સરકાર જ સમજે છે અને તેથી 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, સમગ્ર દેશમાં 10 આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયોની સ્થાપના થઈ રહી છે અને ત્રિપુરામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ તાજેતરમાં મહારાજા બિરેન્દ્ર કિશોર માણિક્ય સંગ્રહાલય અને સાંસ્કૃતિક કેન્દ્રનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ત્રિપુરા સરકાર પણ આદિવાસી યોગદાન અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે અને ત્રિપુરાની આદિવાસી કલા અને સંસ્કૃતિને આગળ વધારનારી હસ્તીઓને પદ્મ સન્માન એનાયત કરવાનાં સૌભાગ્ય પર પ્રકાશ પાડ્યો હતો.

પ્રધાનમંત્રીએ ત્રિપુરાના નાના ખેડૂતો અને ઉદ્યોગસાહસિકો માટે શ્રેષ્ઠ તકોનું સર્જન કરવા ડબલ એન્જિન ધરાવતી સરકારનાં પ્રયાસોનો પુનરોચ્ચાર કર્યો હતો. શ્રી મોદીએ ત્રિપુરાથી અનાનસના વિદેશ પહોંચવાનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, "અહીંના લોકલને ગ્લોબલ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે." એટલું જ નહીં, અહીંથી બાંગ્લાદેશ, જર્મની અને દુબઈમાં સેંકડો મેટ્રિક ટન અન્ય ફળો અને શાકભાજીની નિકાસ પણ કરવામાં આવી છે અને તેનાં પરિણામે, ખેડૂતોને તેમનાં ઉત્પાદનના ઊંચા ભાવ મળી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ત્રિપુરાના લાખો ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ પાસેથી અત્યાર સુધીમાં રૂ. ૫૦૦ કરોડથી વધુની રકમ મળી છે. તેમણે ત્રિપુરામાં અગર-લાકડા ઉદ્યોગ પર પણ પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, તે ત્રિપુરાના યુવાનો માટે નવી તકો અને આવકનું સાધન બનશે.

સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ત્રિપુરા હવે રાજ્યમાં વિકાસના ડબલ એન્જિનનાં આગમન સાથે શાંતિ અને વિકાસના પથ પર અગ્રેસર થઈ ગયું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મને ત્રિપુરાનાં લોકોની ક્ષમતા પર સંપૂર્ણ વિશ્વાસ છે. આ વિશ્વાસ સાથે અમે વિકાસની ગતિને વેગ આપીશું, તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન, " એમ શ્રી મોદીએ સમાપન કર્યું.

ત્રિપુરાના મુખ્યમંત્રી પ્રોફેસર (ડૉ) માનિક સાહા, ત્રિપુરાના રાજ્યપાલ શ્રી સત્યદેવ નારાયણ આર્ય, ત્રિપુરાના નાયબ મુખ્યમંત્રી શ્રી જિષ્ણુ દેવ વર્મા અને રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી કુ. પ્રતિમા ભૂમિક અને અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.

 

 

પશ્ચાદભૂમિકા

પ્રધાનમંત્રીનું નોંધપાત્ર ધ્યાન એ સુનિશ્ચિત કરવા તરફ છે કે દરેકને પોતાનું ઘર હોય. પ્રદેશમાં આ સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરીને પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ હેઠળ લાભાર્થીઓ માટે ગૃહ પ્રવેશ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. રૂ. 3400 કરોડથી વધારેના ખર્ચે વિકસાવવામાં આવેલાં આ મકાનોમાં 2 લાખથી વધારે લાભાર્થીઓને આવરી લેવામાં આવશે.

માર્ગ કનેક્ટિવિટી સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે પ્રધાનમંત્રીએ અગરતલા બાયપાસ (ખયેરપુર-અમતાલી) એનએચ-08ને પહોળો કરવા માટેના પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન કર્યું હતું, જે અગરતલા શહેરમાં ટ્રાફિકની ગીચતાને હળવી કરવામાં મદદરૂપ થશે. તેમણે પીએમજીએસવાય III (પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના) હેઠળ 230 કિલોમીટરથી વધારે લંબાઈ ધરાવતા 32 માર્ગો માટે અને 540 કિલોમીટરથી વધારે અંતરને આવરી લેતાં 112 માર્ગોને સુધારવા માટે શિલારોપણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ આનંદનગરમાં સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હૉટલ મેનેજમેન્ટ અને અગરતલા સરકારી ડેન્ટલ કૉલેજનું ઉદ્‌ઘાટન પણ કર્યું હતું.

 


*****

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1884669) Visitor Counter : 195