પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 9મા વિશ્વ આયુર્વેદ અધિવેશનના સમાપન સમારંભમાં સંબોધન આપ્યું
ત્રણ રાષ્ટ્રીય આયુષ સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું
“આયુર્વેદ સારવારથી પણ વિશેષ છે અને સુખાકારીને પ્રોત્સાહન આપે છે”
“સમગ્ર દુનિયા દ્વારા આરોગ્ય અને સુખાકારીના વૈશ્વિક તહેવાર તરીકે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે”
“આપણે હવે ‘રાષ્ટ્રીય આયુષ સંશોધન કન્સોર્ટિયમ’ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ”
“આયુષ ઉદ્યોગ 8 વર્ષ પહેલાં લગભગ 20 હજાર કરોડ રૂપિયાનો હતો તે આજે વધીને લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે”
“પરંપરાગત ચિકિત્સાનું ક્ષેત્ર નિરંતર વિસ્તરણ પામી રહ્યું છે અને આપણે તેની દરેક સંભાવનાઓનો પૂરેપૂરો લાભ લેવાનો છે”
“‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ એટલે આરોગ્યનું સાર્વત્રિક વિઝન”
Posted On:
11 DEC 2022 5:58PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 9મા વિશ્વ આયુર્વેદ અધિવેશનના સમાપન સમારંભમાં સંબોધન આપ્યું હતું. તેમણે આ પ્રસંગે ત્રણ રાષ્ટ્રીય આયુષ સંસ્થાઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ ત્રણ સંસ્થાઓ – ગોવામાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા (AIIA), ગાઝિયાબાદમાં રાષ્ટ્રીય યુનાની ચિકિત્સા સંસ્થા (NIUM) અને દિલ્હીમાં રાષ્ટ્રીય હોમિયોપેથી સંસ્થા (NIH) છે. આ ત્રણેય સંસ્થાઓ સંશોધન અને આંતરરાષ્ટ્રીય સહયોગને વધુ મજબૂત કરશે અને લોકો માટે પરવડે તેવી આયુષ સેવાઓની સુવિધા પણ પૂરી પાડશે. લગભગ 970 કરોડ રૂપિયાના કુલ અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ સંસ્થાઓ લગભગ 500 હોસ્પિટલ બેડના ઉમેરાની સાથે સાથે 400 જેટલા વિદ્યાર્થીઓનો પણ ઉમેરો કરશે.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા, પ્રધાનમંત્રીએ દુનિયાભરમાંથી 9મા વિશ્વ આયુર્વેદ અધિવેશનમાં આવેલા તમામ પ્રતિનિધિઓનું ગોવાની સુંદર ભૂમિ પર સ્વાગત કર્યું હતું અને વિશ્વ આયુર્વેદ અધિવેશનની સફળતાઓ માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, અત્યારે આઝાદીના અમૃતકાળની યાત્રા ચાલી રહી છે ત્યારે વિશ્વ આયુર્વેદ અધિવેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમૃતકાળના મુખ્ય સંકલ્પોમાંથી એક ભારતના વૈજ્ઞાનિક, જ્ઞાન અને સાંસ્કૃતિક અનુભવ દ્વારા વૈશ્વિક કલ્યાણ સુનિશ્ચિત કરવાનો છે અને આયુર્વેદ તેના માટે એક મજબૂત અને અસરકારક માધ્યમ છે. ભારતની G-20ની અધ્યક્ષતાનો ઉલ્લેખ કરતાં, પ્રધાનમંત્રીએ G-20 ની થીમ ‘વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’ (એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય) વિશે માહિતી આપી હતી.
પ્રધાનમંત્રીએ એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી કે, દુનિયાના 30 થી વધુ દેશોએ આયુર્વેદને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ તરીકે માન્યતા આપી છે. તેમણે આયુર્વેદની વ્યાપક સ્વીકૃતી સુનિશ્ચિત કરવા માટે વધુ સતત કાર્ય કરવા માટે સૌને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજે ઉદ્ઘાટન કરવામાં આવેલી ત્રણ રાષ્ટ્રીય સંસ્થાઓ આયુષ આરોગ્ય સંભાળ પ્રણાલીને નવી ગતિ આપશે.
આયુર્વેદના દાર્શનિક આધાર પર ધ્યાન દોરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આયુર્વેદ સારવારથી પણ વિશેષ છે અને સુખાકારીને પ્રોત્સાહન આપે છે”. તેમણે આગળ ટાંક્યું હતું કે, દુનિયા વિવિધ વલણોમાં આવેલા બહુવિધ ફેરફારોમાંથી પસાર થયા પછી આ પ્રાચીન જીવનશૈલી તરફ આગળ વધી રહી છે. પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કર્યો હતો કે, ભારતમાં આયુર્વેદ બાબતે ઘણું કામ થઇ રહ્યું છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમણે આયુર્વેદને લગતી સંસ્થાઓને પ્રોત્સાહન આપ્યું હતું અને ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની પ્રગતિ માટે કામ કર્યું હતું. પરિણામે, પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “વિશ્વ આરોગ્ય સંસ્થાએ જામનગરમાં પરંપરાગત દવાઓ માટેનું પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર સ્થાપ્યું છે. વર્તમાન સરકારનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે સરકાર દ્વારા અલગ આયુષ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે જેના કારણે આયુર્વેદ પ્રત્યે લોકોમાં ઉત્સાહ અને વિશ્વાસમાં વધારો થયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે એઇમ્સની જેમ જ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાની પણ સ્થાપના કરવામાં આવી રહી છે. આ વર્ષની શરૂઆતમાં યોજવામાં આવેલા વૈશ્વિક આયુષ આવિષ્કાર અને રોકાણ સંમેલનને યાદ કરતા પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, પરંપરાગત દવાના ક્ષેત્રમાં ભારતના પ્રયાસોની WHO દ્વારા ભરપૂર પ્રશંસા કરવામાં આવી છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, દુનિયા અત્યારે આરોગ્ય અને સુખાકારીના વૈશ્વિક તહેવાર તરીકે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહી છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, “એક એવો સમય હતો જ્યારે યોગને નિમ્ન કક્ષાની પદ્ધતિ તરીકે જોવામાં આવતા હતા, પરંતુ આજે, તે સમગ્ર માનવજાત માટે આશા અને અપેક્ષાઓનો સ્રોત બની ગયા છે”.
વૈશ્વિક સુમેળ, આજની દુનિયામાં આયુર્વેદની સરળતા અને સ્વીકૃતિમાં થયેલા વિલંબ અંગે અફસોસ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ સૌને કહ્યું હતું કે, અદ્યતન વિજ્ઞાન માત્ર પુરાવાને જ પવિત્ર ગ્રંથ માને છે. ‘ડેટા આધારિત પુરાવા’ના દસ્તાવેજીકરણ તરફ સતત કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણી પાસે આયુર્વેદના પરિણામો તેમજ આપણી તરફેણમાં પ્રભાવો છે, પરંતુ પુરાવાની દૃષ્ટિએ આપણે પાછળ રહી ગયા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આધુનિક વૈજ્ઞાનિક માપદંડો પરના દરેક દાવાને ચકાસવા માટે આપણા તબીબી ડેટા, સંશોધન અને જર્નલ્સને એક સાથે લાવવાની જરૂર છે. આ સંદર્ભે કરવામાં આવેલ કાર્યો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ પુરાવા આધારિત સંશોધન ડેટા માટે આયુષ સંશોધન પોર્ટલ બનાવવાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં લગભગ 40 હજાર સંશોધન અભ્યાસનો ડેટા ઉપલબ્ધ થયો છે અને કોરોના સમયગાળા દરમિયાન, આપણી પાસે આયુષ સંબંધિત લગભગ 150 વિશિષ્ટ સંશોધન અભ્યાસો હતા. તેમણે ઉમેર્યું હતું કે, “આપણે હવે ‘રાષ્ટ્રીય આયુષ સંશોધન કન્સોર્ટિયમ’ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આયુર્વેદ જીવન જીવવાની એક રીત પણ છે. અંતિમ વપરાશકર્તા પાસે જ્ઞાનના અભાવના કારણે ખામી સર્જાવાથી ખોટી રીતે કામ કરતા મશીન અથવા કોમ્પ્યુટર સાથે સમરૂપતા અંગે દોરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આયુર્વેદ આપણને શીખવે છે કે શરીર અને મન એકસાથે અને એકબીજા સાથે સુમેળમાં હોવા જોઇએ. આયુર્વેદની વિશેષતા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ‘સારી ઊંઘ’ આજે મેડિકલ સાયન્સ માટે ચર્ચાનો એક મોટો વિષય છે, પરંતુ ભારતના આયુર્વેદના નિષ્ણાતોએ સદીઓ પહેલાં આ અંગે વિગતવાર લખ્યું હતું. અર્થવ્યવસ્થામાં પણ આયુર્વેદના મહત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ આયુર્વેદના ક્ષેત્રમાં રહેલી નવી તકો જેવી કે જડીબુટ્ટીઓની ખેતી, આયુષ દવાઓનું ઉત્પાદન અને પુરવઠો અને ડિજિટલ સેવાઓ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ ક્ષેત્રોમાં આયુષ સ્ટાર્ટઅપ્સ માટે વિશાળ અવકાશ રહેલો છે. આયુર્વેદના ક્ષેત્રમાં તમામ માટે તકો વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે આયુષ ક્ષેત્રમાં હાલમાં લગભગ 40,000 MSME સક્રિય છે. આયુષ ઉદ્યોગ 8 વર્ષ પહેલાં લગભગ 20 હજાર કરોડ રૂપિયાનો હતો તે આજે વધીને લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. તેમણે કહ્યું હતું કે, “આનો અર્થ એ થયો કે છેલ્લા 7-8 વર્ષમાં 7 ગણી વૃદ્ધિ થઇ છે.” તેમણે આ ક્ષેત્રના વૈશ્વિક વિકાસ અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, હર્બલ મેડિસિન (ઔષધીય ચિકિત્સા) અને મસાલા માટેનું વર્તમાન વૈશ્વિક બજાર લગભગ 120 અબજ ડૉલર અથવા રૂપિયા 10 લાખ કરોડનું છે. તેમણે ઉમેર્યું હતું કે, “પરંપરાગત દવાનું આ ક્ષેત્ર નિરંતણ વિસ્તરણ પામી રહ્યું છે અને આપણે તેની દરેક સંભાવનોનો પૂરેપૂરો લાભ ઉઠાવવાનો છે. ગ્રામીણ અર્થવ્યવસ્થા માટે, આપણા ખેડૂતો માટે કૃષિનું એક સંપૂર્ણપણે નવું ક્ષેત્ર ખુલી રહ્યું છે, જેમાં તેમને ખૂબ જ સારા ભાવ પણ મળશે. આમાં યુવાનો માટે હજારો અને લાખો નવી નોકરીઓનું સર્જન થશે,”
ખાસ કરીને ગોવા જેવા રાજ્ય માટે આયુર્વેદ અને યોગ પર્યટનની તકોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ગોવામાં શરૂ કરવામાં આવેલી અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા (AIIA) આ દિશામાં એક મહત્વપૂર્ણ શરૂઆત સાબિત થઇ શકે છે.
પ્રધાનમંત્રીએ વન અર્થ વન હેલ્થ (એક પૃથ્વી, એક આરોગ્ય)ના ભવિષ્યવાદી વિઝન અંગે સમજણ આપી હતી. ભારતે આ વિઝન દુનિયા સમક્ષ મૂક્યું છે. તેમણે કહ્યું હતું કે, “‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’નો અર્થ આરોગ્યનું સાર્વત્રિક વિઝન છે. સમુદ્રી પ્રાણીઓ હોય, જંગલી પ્રાણીઓ હોય, મનુષ્ય હોય કે પછી વનસ્પતિ હોય, તેમનું સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલું છે. આપણે તેમને એકલા જોવાને બદલે, તેમને સંપૂર્ણતામાં જોવા પડશે. આયુર્વેદનું આ સર્વગ્રાહી વિઝન ભારતની પરંપરા અને જીવનશૈલીનો એક ભાગ છે”. તેમણે આયુષ અને આયુર્વેદને સંપૂર્ણતામાં આગળ લઇ જવાનો રોડમેપ કેવી રીતે બનાવી શકાય તેની ચર્ચા કરવા માટે આયુર્વેદ અધિવેશનને આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત, ગોવાના રાજ્યપાલ શ્રી પી.એસ. શ્રીધરન પિલ્લઇ, કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી સર્બાનંદા સોનોવાલ, કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી ડૉ. મુંજપરા મહેન્દ્રભાઇ, કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્ય મંત્રી શ્રી શ્રીપદ યેસો નાઇક અને વિજ્ઞાન ભારતના પ્રમુખ ડૉ. શેખર માંડે ઉપસ્થિત રહ્યા હતા.
પૃષ્ઠભૂમિ
વિશ્વ આયુર્વેદ અધિવેશન (WAC) અને આરોગ્ય એક્સ્પોનું 9મું સંસ્કરણ 50 થી વધુ દેશો, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને આયુર્વેદના અન્ય હિતધારકોનું પ્રતિનિધિત્વ કરતા 400થી વધુ વિદેશી પ્રતિનિધિઓની સક્રિય ભાગીદારીનું સાક્ષી બન્યું છે. WACના 9મા સંસ્કરણની થીમ “એક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ” રાખવામાં આવી છે.
આ પ્રસંગે ત્રણ સંસ્થાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે - ગોવામાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા (AIIA), ગાઝિયાબાદમાં રાષ્ટ્રીય યુનાની ચિકિત્સા સંસ્થા (NIUM) અને દિલ્હીમાં રાષ્ટ્રીય હોમિયોપેથી સંસ્થા (NIH) છે. આ ત્રણેય સંસ્થાઓ સંશોધન અને આંતરરાષ્ટ્રીય સહયોગને વધુ મજબૂત કરશે અને લોકો માટે પરવડે તેવી આયુષ સેવાઓની સુવિધા પણ પૂરી પાડશે. લગભગ 970 કરોડ રૂપિયાના કુલ અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ સંસ્થાઓ લગભગ 500 હોસ્પિટલ બેડના ઉમેરાની સાથે સાથે 400 જેટલા વિદ્યાર્થીઓનો પણ ઉમેરો કરશે.
YP/GP/JD
(Release ID: 1882595)
Visitor Counter : 349
Read this release in:
Tamil
,
Telugu
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Malayalam