ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હી ખાતે ‘ગ્લોબલ ટ્રેન્ડ્સ ઇન ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ એન્ડ ટેરરિઝમ’ થીમ પર ત્રીજી ‘નો મની ફોર ટેરર’ મંત્રી સ્તરીય પરિષદનું પ્રથમ સત્ર યોજાયું
"નો મની ફોર ટેરર"નું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે 'એક મન - એક અભિગમ'ના સિદ્ધાંતને અપનાવવો પડશે
આતંકવાદની સહાયક પ્રણાલીના કારણે પણ દુનિયા સમક્ષ આતંકવાદ જેટલું જ જોખમ છે, આપણે સૌએ સાથે મળીને તેનો પર્દાફાશ કરવાનો છે
આતંકવાદ અને કટ્ટરપંથી સામગ્રી ફેલાવવાના નવા માધ્યમ તરીકે ડાર્ક નેટનો ઉપયોગ થઇ રહ્યો છે, તેને રોકવા માટે આપણે સંયુક્ત રીતે મજબૂત પરિચાલન પ્રણાલી માટે કામ કરવું પડશે
નાર્કો ટેરર આજે આતંકવાદને નાણાંકીય સહાય પૂરી પાડવા માટેનું મોટું માધ્યમ બની ગયું છે, તેને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે આપણે સંયુક્ત પ્રયાસો હાથ ધરવા પડશે
આતંકવાદીનું રક્ષણ કરવું એ પણ આતંકવાદને પ્રોત્સાહન આપવા જેવું જ છે
Posted On:
18 NOV 2022 12:24PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હી ખાતે ‘ગ્લોબલ ટ્રેન્ડ્સ ઇન ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ એન્ડ ટેરરિઝમ’ થીમ પર ત્રીજી ‘નો મની ફોર ટેરર’ મંત્રી સ્તરીય પરિષદના પ્રથમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીએ આ સત્રમાં પોતાના પ્રારંભિક સંબોધનમાં જણાવ્યું હતું કે આતંકવાદ બેશકપણે, વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સૌથી ગંભીર જોખમ છે પરંતુ, આતંકવાદને આર્થિક સહાય પહોંચાડવી એ આતંકવાદ કરતાં પણ વધુ ખતરનાક છે, કારણ કે આવું ભંડોળ આપીને આતંકવાદના 'માર્ગો અને પદ્ધતિઓ'ને પોષવામાં આવે છે. આ ઉપરાંત, આતંકવાદને આપવામાં આવતું ભંડોળ દુનિયાભરના દેશોની અર્થવ્યવસ્થાને નબળી પાડે છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભારત આતંકવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં વખોડી કાઢે છે અને અમે માનીએ છીએ કે કોઇ પણ કારણ નિર્દોષ લોકોના જીવ લેવા જેવા કૃત્યને યોગ્ય ઠેરવી શકતું નથી. સમગ્ર દુનિયામાં આતંકવાદી હુમલાનો ભોગ બનેલા લોકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આપણે આ દુષ્ટતા સાથે ક્યારેય બાંધછોડ કરવી જોઇએ નહીં.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, ભારત કેટલાક દાયકાઓથી સરહદ પારથી પ્રાયોજિત કરવામાં આવતા આતંકવાદનો શિકાર બન્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય સુરક્ષા દળો અને નાગરિકોએ નિરંતર અને સંકલિત રીતે અત્યંત ગંભીર આતંકવાદી હિંસાની ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાયનો એક સામૂહિક અભિગમ એવો છે કે આતંકવાદને તેના તમામ સ્વરૂપોમાં વખોડવો જોઇએ, પરંતુ, ટેકનોલોજીની ક્રાંતિના કારણે આતંકવાદના સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સતત વિકસિત થઇ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આજે, આતંકવાદીઓ અને આતંકવાદી સમૂહો આધુનિક શસ્ત્રો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના દૂષણ અને સાઇબર તેમજ નાણાકીય અવકાશની ગતિશીલતાને સારી રીતે સમજે છે અને તેનો ઉપયોગ કરી જાણે છે. તેમણે જણાવ્યું હતું કે, "ડાયનામાઇટથી મેટાવર્સ" અને "એકે-47થી વર્ચ્યુઅલ એસેટ"માં આતંકવાદનું આ પરિવર્તન ચોક્કસપણે દુનિયાના દેશો માટે ચિંતાનો વિષય છે અને આપણે બધાએ તેની સામે એક સામાન્ય વ્યૂહરચના ઘડવા માટે સાથે મળીને કામ કરવું પડશે. શ્રી શાહે ઉમેર્યું હતું કે અમે એ પણ જાણીએ છીએ કે આતંકવાદના જોખમને કોઇપણ ધર્મ, રાષ્ટ્રીયતા અથવા જૂથ સાથે જોડાઇ શકે નહીં અને તેને જોડવા જોઇએ પણ નહીં.
શ્રી અમિત શાહે કહ્યું કે, આતંકવાદનો મુકાબલો કરવા માટે, આપણે સુરક્ષા આર્કિટેક્ચર તેમજ કાનૂની અને નાણાકીય પ્રણાલીને મજબૂત કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેમણે કહ્યું હતું કે, આ બધું જ હોવા છતાં આતંકવાદીઓ હિંસા કરવા, યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને નાણાકીય સંસાધનો એકત્ર કરવા માટે સતત નવા નવા માર્ગો શોધી રહ્યા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આતંકવાદીઓ દ્વારા કટ્ટરપંથી સામગ્રીનો પ્રસાર કરવા માટે ‘ડાર્ક નેટ’નો ઉપયોગ થાય છે અને આ પ્રકારે તેમની ઓળખ છુપાવવામાં આવે છે. આ ઉપરાંત, ક્રિપ્ટોકરન્સી જેવી વર્ચ્યુઅલ એસેટના ઉપયોગમાં વધારો થયો છે. તેમણે કહ્યું હતું કે, આપણે આ ડાર્ક નેટ પ્રવૃત્તિઓની રૂપરેખાને સમજવાની અને તેના ઉકેલો શોધવાની જરૂર છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, દુર્ભાગ્યવશ એવા પણ દેશો છે કે જેઓ આતંકવાદ સામે લડવાના આપણા સામૂહિક સંકલ્પને નબળો પાડવા માંગે છે અથવા તો તેમાં અવરોધો ઉભા કરે છે. તેમણે કહ્યું હતું કે, આપણે જોયું છે કે કેટલાક દેશો આતંકવાદીઓને રક્ષણ પૂરું પાડે છે અને તેમને આશરો આપે છે, કોઇ આતંકવાદીનું રક્ષણ કરવું એ આતંકવાદને પ્રોત્સાહન આપવા સમાન જ છે. તેમણે કહ્યું હતું કે, આ આપણી સામૂહિક જવાબદારી છે કે, આવા તત્વોને તેમના ઇરાદાઓમાં આપણે ક્યારેય સફળ ન થવા દઇએ. શ્રી શાહે જણાવ્યું હતું કે, ઑગસ્ટ, 2021 પછી, દક્ષિણ એશિયાઇ ક્ષેત્રમાં પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે અને શાસનમાં આવેલા પરિવર્તન તેમજ અલ કાયદા અને ISISનો વધતો પ્રભાવ પ્રાદેશિક સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પડકાર તરીકે ઉભરી આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ નવા સમીકરણોએ ટેરર ફાઇનાન્સિંગની સમસ્યાને વધુ ગંભીર બનાવી દીધી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, ત્રણ દાયકા પહેલાં સમગ્ર દુનિયાએ આવા જ એક શાસન પરિવર્તનના ગંભીર પરિણામો ભોગવવા પડ્યા હતા, જેનું પરિણામ આપણે સૌએ 9/11ના ભયાનક હુમલામાં જોયું છે. તેમણે જણાવ્યું હતું કે, આ પૃષ્ઠભૂમિમાં દક્ષિણ એશિયાઇ ક્ષેત્રમાં ગયા વર્ષે થયેલા ફેરફારો આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. તેમણે ઉમેર્યું હતું કે, અલ કાયદા સાથે દક્ષિણ એશિયામાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોએ આતંક ફેલાવવાનું એકધારું ચાલુ રાખ્યું છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આતંકવાદીઓના સુરક્ષિત આશ્રયસ્થાનો કે તેમને મળતા સંસાધનોની આપમે ક્યારેય અવગણના કરવી જોઇએ નહીં. તેમણે કહ્યું હતું કે, આવા તત્વોના બેવડા વલણને પણ આપણે ઉઘાડું પાડવું પડશે કે જેઓ આતંકીઓના પ્રાયોજક છે અને સમર્થન આપે છે, અને આના માટે, આ પરિષદ, સહભાગી દેશો અને સંસ્થાઓ આ પ્રદેશ સમક્ષ રહેલા પડકારો સામે પસંદગીયુક્ત અથવા આત્મસંતુષ્ટીનો પરિપ્રેક્ષ્ય ન રાખે એ પણ ઘણું મહત્વનું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આતંકવાદને ભંડોળ પૂરું પાડવાની સમસ્યા વ્યાપક બની ગઇ છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતે ટેરર ફાઇનાન્સિંગને રોકવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આતંકવાદને આપવામાં આવતા ભંડોળ સામે ભારતની વ્યૂહરચના આ છ આધારસ્તંભો પર આધારિત છે:
કાનૂની અને ટેકનોલોજીકલ માળખાને મજબૂત બનાવવું
વ્યાપક દેખરેખ માળખાની રચના કરવી
કાર્યક્ષમ ગુપ્તચર માહિતીના આદાનપ્રદાનના વ્યવસ્થાતંત્ર અને તપાસ તેમજ પોલીસ કામગીરીને મજબૂત બનાવવી
મિલકત જપ્ત કરવાની જોગવાઇ
કાનૂની સંસ્થાઓ અને નવી ટેકનોલોજીઓનો દુરુપયોગ અટકાવો અને,
આંતરરાષ્ટ્રીય સહયોગ અને સંકલન સ્થાપિત કરવું
શ્રી શાહે જણાવ્યું હતું કે, આ દિશામાં ભારતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA)માં સુધારો કરીને, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને મજબૂત બનાવીને અને નાણાકીય ગુપ્તચરોને નવી દિશા આપીને આતંકવાદ અને તેને પૂરા પાડવામાં આવતા ભંડોળ સામેની લડાઇને મજબૂત બનાવી છે. તેમણે જણાવ્યું હતું કે, અમારા નિરંતર પ્રયાસોના પરિણામે જ ભારતમાં આતંકવાદી ઘટનાઓમાં ધરખમ ઘટાડો થયો છે, જેના પરિણામે આતંકવાદને કારણે થતા જે આર્થિક નુકસાન વેઠવું પડતું હતું તેમાં પણ ઘટાડો થયો છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત માને છે કે આતંકવાદનો સામનો કરવાની સૌથી અસરકારક વ્યૂહરચના આંતરરાષ્ટ્રીય સંકલન અને રાષ્ટ્રો વચ્ચે વાસ્તવિક સમયમાં અને પારદર્શક સહયોગ છે. તેમણે એવો પણ અભિપ્રાય આપ્યો હતો કે, આતંકવાદ સામેની લડાઇમાં પ્રત્યાર્પણ, કાનૂની કાર્યવાહી, ગુપ્ત માહિતીનું આદાનપ્રાદન, ક્ષમતા નિર્માણ અને "કોમ્બેટિંગ ધ ફાઇનાન્સિંગ ઓફ ટેરરિઝમ (CFT)" જેવા ક્ષેત્રોમાં વિવિધ દેશો વચ્ચે પારસ્પરિક સહકાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આતંકવાદીઓ અને આતંકવાદી સમૂહો સરહદો પાર તેમના સંસાધનો સાથે સરળતાથી સંકલન કરે છે અને તેમની સાથે જોડાય છે તેને જોતાં આપણો પરસ્પર સહયોગ વધુ મહત્વપૂર્ણ બની જાય છે.
શ્રી અમિત શાહે કહ્યું કે, નશીલા દ્રવ્યોના ગેરકાયદેસર વેપારના ઉભરતા વલણો અને નાર્કો-ટેરરનો પડકાર, ટેરર ફાઇનાન્સિંગ સાથે સંકળાયેલું એક નવું પરિમાણ ઉમેર્યું છે. તેમણે કહ્યું હતું કે આને ધ્યાનમાં રાખીને તમામ દેશો વચ્ચે ઘનિષ્ઠ સહયોગની જરૂર છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર જેવી બહુપક્ષીય સંસ્થાઓ અને ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) જેવા પ્લેટફોર્મની ઉપસ્થિતિ “કોમ્બેટિંગ ધ ફાઇનાન્સિંગ ઓફ ટેરરિઝમ (CFT)”ના ક્ષેત્રમાં આતંકવાદને રોકવાની દૃષ્ટિએ સૌથી અસરકારક છે. તેમણે જણાવ્યું હતું કે, મની લોન્ડરિંગ અને આતંકવાદીઓને આપવામાં આવતા ભંડોળને રોકવા અને તેમની સામે લડવા માટે વૈશ્વિક માપદંડો નક્કી કરવા અને તેને અમલમાં મૂકવા માટે FATF ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આપણી સમક્ષ વર્ચ્યુઅલ અસ્કયામત રૂપમાં એક નવો પડકાર ઉભો છે કારણ કે આતંકવાદીઓ દ્વારા આર્થિક લેવડદેવડ માટે વર્ચ્યુઅલ અસ્કયામતોની નવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, વર્ચ્યુઅલ અસ્કયામત ચેનલો, ફંડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડાર્ક નેટના ઉપયોગને રોકવા માટે, આપણે "મજબૂત અને કાર્યક્ષમ પરિચાલન તંત્ર" તૈયાર કરવા તરફ તાલમેલપૂર્વક કામ કરવાની જરૂર છે. શ્રી શાહે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર, IMF, ઇન્ટરપોલ અને અન્ય હિતધારકો જેમ કે કાયદાના અમલીકરણની એજન્સીઓ, નાણાકીય તપાસકર્તાઓ અને વિવિધ દેશોના નિયમનકારો આ સંદર્ભમાં વધુ સકારાત્મક પ્રભાવ પાડી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, આપણે આ પડકારોને ઊંડાણપૂર્વક સમજવા જરૂરી છે અને ટેરર ફાઇનાન્સિંગની નવી ટેકનિકોને રોકવા માટે અને તાજેતરમાં જે પ્રકારે નવી દિલ્હીમાં ઇન્ટરપોલ મહાસભાનું સંપન્ન થઇ એવી રીતે વૈશ્વિક સ્તરે પ્રયાસો હાથ ધરવા જરૂરી છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભારત ગુપ્ત માહિતીના આદાનપ્રદાન, અસરકારક સરહદ નિયંત્રણ માટે ક્ષમતા નિર્માણ, આધુનિક ટેકનોલોજીનો દુરુપયોગ અટકાવવા, ગેરકાયદે નાણાંકીય પ્રવાહ પર દેખરેખ અને નિવારણ તેમજ તપાસ અને ન્યાયિક પ્રક્રિયાઓમાં સહયોગ દ્વારા આતંકવાદ સામે લડવાના તમામ પ્રયાસો હાથ ધરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, "નો મની ફોર ટેરર" (આતંક માટે નાણાં નહીં)ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વૈશ્વિક સમુદાયે આતંકવાદને આપવામાં આવતા ભંડોળની "મોડ - મીડિયમ - મેથડ"ને સમજવાની જરૂર છે અને તેના પર કાર્યવાહી કરવા માટે 'એક મન, એક અભિગમ'ના સિદ્ધાંતને અપનાવવો જરૂરી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આપણે આ પરિષદની શરૂઆત આજે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધન સાથે કરી છે અને આ બે દિવસમાં આતંકવાદને ભંડોળ પૂરા પાડવાના વિવિધ આયામો પર અર્થપૂર્ણ ચર્ચા કરવામાં આવશે અને વર્તમાન સમય માટે તેમજ ભવિષ્યના પડકારો માટે અર્થપૂર્ણ ઉકેલો પર વિચાર કરવામાં આવશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, ભારતના ગૃહ મંત્રી તરીકે તેઓ આ પરિષદને ખાતરી આપે છે કે, 'નો મની ફોર ટેરર'ના લક્ષ્ય પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા એટલી જ મજબૂત છે જેટલી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમારો ઉત્સાહ છે! શ્રી શાહે જણાવ્યું હતું કે, સાથી પેનલિસ્ટ વક્તાઓ પાસેથી તેમના વિચારો સાંભળવા ખૂબ જ સારા લાગશે અને આવતીકાલે, સમાપન સત્રમાં, શ્રી અમિત શાહ કેટલાક સંબંધિત મુદ્દાઓ પર તેમના વિચારો રજૂ કરવા માંગશે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1876966)
Visitor Counter : 393