પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ડિંડીગુલમાં ગાંધીગ્રામ રૂરલ ઇન્સ્ટિટ્યૂટના 36મા પદવીદાન સમારંભમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

Posted On: 11 NOV 2022 6:03PM by PIB Ahmedabad

તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર. એન. રવિજી, તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એમ. કે. સ્ટાલિનજી, ચાન્સલર ડૉ. કે. એમ. અન્નામલાઈજી, વાઇસ ચાન્સલર પ્રોફેસર ગુરમીત સિંહજી, ગાંધીગ્રામ રૂરલ ઇન્સ્ટિટ્યૂટના સ્ટાફ અને સપોર્ટ સ્ટાફ, તેજસ્વી વિદ્યાર્થીઓ અને તેમનાં ગૌરવશાળી માતા-પિતા,

વણક્કમ!

આજે સ્નાતક થઈ રહેલા તમામ યુવા માનસને અભિનંદન. હું વિદ્યાર્થીઓના વાલીઓને પણ અભિનંદન આપું છું.  તમારાં બલિદાનોએ આ દિવસને શક્ય બનાવ્યો છે. શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ પણ પ્રશંસાને પાત્ર છે.

સાથીઓ,

અહીં દિક્ષાંત સમારંભમાં આવવું એ મારા માટે ખૂબ જ પ્રેરણાદાયી અનુભવ છે. ગાંધીગ્રામનું ઉદ્ઘાટન ખુદ મહાત્મા ગાંધીએ કર્યું હતું. પ્રાકૃતિક સૌંદર્ય, સ્થિર ગ્રામીણ જીવન, સરળ પરંતુ બૌદ્ધિક વાતાવરણ, મહાત્મા ગાંધીના ગ્રામીણ વિકાસના વિચારોની ભાવનાને અહીં જોઈ શકાય છે. મારા યુવાન મિત્રો, તમે બધા ખૂબ જ અગત્યના સમયે સ્નાતક થઈ રહ્યા છો. ગાંધીવાદી મૂલ્યો ખૂબ જ પ્રાસંગિક બની રહ્યાં છે. પછી તે સંઘર્ષોનો અંત લાવવાની વાત હોય કે પછી આબોહવાની કટોકટીની વાત હોય, મહાત્મા ગાંધીના વિચારો પાસે આજના ઘણા સળગતા પ્રશ્નોના જવાબો છે. ગાંધીવાદી જીવનશૈલીના વિદ્યાર્થીઓ તરીકે, તમારી પાસે મોટી અસર કરવાની એક મહાન તક છે.

સાથીઓ,

મહાત્મા ગાંધીને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તેમનાં હૃદયની નજીક રહેલા વિચારો પર કામ કરવું. લાંબા સમયથી ખાદીની અવગણના કરવામાં આવી હતી અને તેને ભૂલી જવામાં આવી હતી. પરંતુ 'ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન'નાં આહ્વાન દ્વારા તે ખૂબ જ લોકપ્રિય બની છે. છેલ્લાં 8 વર્ષોમાં ખાદી ક્ષેત્રનાં વેચાણમાં 300 ટકાનો વધારો જોવા મળ્યો છે. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે ગયાં વર્ષે રૂ. ૧ લાખ કરોડથી વધુનું રેકોર્ડ ટર્નઓવર કર્યું છે. હવે, વૈશ્વિક ફેશન બ્રાન્ડ્સ પણ ખાદીને અપનાવી રહી છે. કારણ કે તે ઇકો-ફ્રેન્ડલી ફેબ્રિક છે, પૃથ્વી માટે સારી છે. આ મોટા પાયે ઉત્પાદનની ક્રાંતિ નથી. આ જનસમૂહ દ્વારા ઉત્પાદનની ક્રાંતિ છે. મહાત્મા ગાંધી ખાદીને ગામડાંઓમાં આત્મનિર્ભરતાનાં સાધન તરીકે જોતા હતા. ગામડાંનાં સ્વાવલંબનમાં તેમણે આત્મનિર્ભર ભારતનાં બીજ જોયાં. તેમનાથી પ્રેરિત થઈને અમે આત્મનિર્ભર ભારત તરફ કામ કરી રહ્યા છીએ. તમિલનાડુ સ્વદેશી ચળવળનું મુખ્ય કેન્દ્ર હતું. તે ફરી એકવાર આત્મનિર્ભર ભારતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

સાથીઓ,

મહાત્મા ગાંધીના ગ્રામીણ વિકાસનાં વિઝનને સમજવું મહત્વપૂર્ણ છે. તેઓ ઇચ્છતા હતા કે ગામડાંઓ પ્રગતિ કરે. સાથે જ ગ્રામીણ જીવનનાં મૂલ્યોનું જતન થાય તેવું પણ તેઓ ઇચ્છતા હતા.  ગ્રામીણ વિકાસનું આપણું વિઝન તેમની પાસેથી પ્રેરણા લે છે.  આપણું વિઝન એ છે કે,

“આત્મા ગાંવ કી, સુવિધા શહર કી”

અથવા

“ગ્રામત્તિન્‌ આણ્મા, નગરત્તિન્‌ વસદિ”

શહેરી અને ગ્રામીણ વિસ્તારો અલગ અલગ હોય તે ઠીક છે. તફાવત બરાબર છે. અસમાનતા બરાબર નથી. લાંબા સમય સુધી, શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે અસમાનતા રહી. પરંતુ આજે દેશ આને સુધારી રહ્યો છે. સંપૂર્ણ ગ્રામીણ સ્વચ્છતા કવરેજ, 6 કરોડથી વધુ ઘરોને નળનું પાણી, 2.5 કરોડ વીજળીનાં જોડાણો, વધુ ગ્રામીણ માર્ગો, વિકાસને લોકોનાં ઘરઆંગણે લઈ જઈ રહ્યા છે. સ્વચ્છતા એ મહાત્મા ગાંધીને ખૂબ જ પ્રિય ખ્યાલ હતો. સ્વચ્છ ભારતનાં માધ્યમથી આમાં ક્રાંતિ લાવવામાં આવી છે. પરંતુ અમે ફક્ત મૂળભૂત બાબતો પહોંચાડીને અટકી રહ્યા નથી. આજે તો આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના ફાયદા પણ ગામડાંઓ સુધી પહોંચી રહ્યા છે. લગભગ 2 લાખ ગ્રામ પંચાયતોને જોડવા માટે 6 લાખ કિલોમીટરના ઓપ્ટિક ફાઇબર કૅબલ બિછાવવામાં આવ્યા છે. ઇન્ટરનેટ ડેટાની ઓછી કિંમતનો લાભ ગ્રામીણ વિસ્તારોને મળ્યો છે. અધ્યયનો કહે છે કે શહેરી વિસ્તારો કરતા ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. આ તકોની દુનિયા ખોલે છે. સ્વામિત્વ યોજના હેઠળ, અમે જમીનનો નકશો બનાવવા માટે ડ્રૉનનો ઉપયોગ કરી રહ્યા છીએ. અમે લોકોને પ્રોપર્ટી કાર્ડ પણ આપીએ છીએ.  ખેડૂતો ઘણી એપ્સ સાથે જોડાઈ રહ્યા છે. તેમને કરોડો સોઇલ હેલ્થ કાર્ડની મદદ મળી રહી છે.  ઘણું બધું કરવામાં આવ્યું છે પરંતુ હજી ઘણું કરવાનું બાકી છે. તમે યુવા, તેજસ્વી પેઢી છો. તમે આ પાયા પર નિર્માણ કરવા માટે ખૂબ જ સક્ષમ છો.

સાથીઓ,  

જ્યારે ગ્રામીણ વિકાસની વાત આવે છે, ત્યારે આપણે ટકાઉપણાની કાળજી લેવી જ જોઇએ. યુવાનોએ આમાં નેતૃત્વ પ્રદાન કરવાની જરૂર છે. ટકાઉ કૃષિ એ ગ્રામીણ વિસ્તારોનાં ભવિષ્ય માટે નિર્ણાયક છે. પ્રાકૃતિક ખેતી માટે, કેમિકલ મુક્ત ખેતી માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે ખાતરની આયાત પર દેશની નિર્ભરતાને ઘટાડે છે. તે જમીનનાં સ્વાસ્થ્ય અને માનવ સ્વાસ્થ્ય માટે પણ સારું છે. અમે આ દિશામાં કામ શરૂ કરી દીધું છે. આપણી જૈવિક ખેતીની યોજના ખાસ કરીને પૂર્વોત્તરમાં ચમત્કાર સર્જી રહી છે. ગયા વર્ષનાં બજેટમાં, અમે કુદરતી ખેતી સાથે સંબંધિત એક નીતિ સાથે લાવ્યા છીએ. તમે ગામડાંમાં કુદરતી ખેતી વિશે જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકો છો.

ટકાઉ ખેતીના સંદર્ભમાં, એક વધુ મહત્વપૂર્ણ મુદ્દો છે જેના પર યુવાનોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મોનો-કલ્ચરથી ખેતીને બચાવવાનો સમય પાકી ગયો છે. અનાજ, બાજરી અને અન્ય પાકોની ઘણી મૂળ જાતોને પુનર્જીવિત કરવાની જરૂર છે. સંગમ યુગમાં પણ ઘણા પ્રકારની બાજરીનો ઉલ્લેખ કરવામાં આવે છે. તેમને પ્રાચીન તમિલનાડુના લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી. આ પૌષ્ટિક અને આબોહવા-સ્થિતિસ્થાપક છે. તદુપરાંત, પાકનાં વૈવિધ્યકરણથી જમીન અને પાણીને બચાવવામાં મદદ મળે છે. તમારી પોતાની યુનિવર્સિટી પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરે છે.  છેલ્લાં 8 વર્ષમાં સૌર ઊર્જા સ્થાપિત ક્ષમતામાં લગભગ 20 ગણો વધારો થયો છે. જો ગામડાંમાં સૌર ઊર્જાનો વ્યાપ વધશે તો ભારત ઊર્જામાં પણ આત્મનિર્ભર બની શકે છે.

સાથીઓ,

ગાંધીવાદી ચિંતક વિનોબા ભાવેએ એક વખત નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગ્રામ્ય સ્તરની સંસ્થાઓની ચૂંટણીઓ વિભાજનકારી હોય છે. સમુદાયો અને પરિવારો પણ તેનાથી તૂટી જાય છે. ગુજરાતમાં તેનો સામનો કરવા માટે અમે સમરસ ગ્રામ યોજના શરૂ કરી હતી. જે ગામોએ સર્વસંમતિથી નેતાઓની પસંદગી કરી હતી તેમને કેટલાંક પ્રોત્સાહનો આપવામાં આવ્યાં હતાં. આને કારણે સામાજિક ઘર્ષણો ખૂબ જ ઘટી ગયાં. ભારતભરમાં સમાન પદ્ધતિઓ વિકસાવવા માટે યુવાનો ગ્રામજનો સાથે કામ કરી શકે છે. જો ગામડાંઓને એક કરી શકાય તો તેઓ ગુનાખોરી, ડ્રગ્સ અને અસામાજિક તત્ત્વો જેવી સમસ્યાઓ સામે લડી શકે છે.

મિત્રો,

મહાત્મા ગાંધી અખંડ અને સ્વતંત્ર ભારત માટે લડ્યા હતા. ગાંધીગ્રામ પોતે જ ભારતની એકતાની ગાથા છે. અહીંથી જ હજારો ગ્રામજનો ગાંધીજીની એક ઝલક જોવા માટે ટ્રેનમાં આવ્યા હતા. તેઓ ક્યાંના હતા તેનાથી કોઈ ફરક પડતો ન હતો. મહત્ત્વની વાત એ હતી કે ગાંધીજી અને ગામલોકો બંને ભારતીય હતા. તમિલનાડુ હંમેશાં રાષ્ટ્રીય ચેતનાનું ઘર રહ્યું છે. અહીં સ્વામી વિવેકાનંદનું પશ્ચિમથી પરત ફરતા એક નાયક જેવું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગયાં વર્ષે પણ આપણે 'વીરા વનક્કમ'ના નારા જોયા હતા. તમિલ લોકોએ જે રીતે જનરલ બિપિન રાવત પ્રત્યે પોતાનો આદર દર્શાવ્યો તે ઊંડાણપૂર્વકનો હતો.  આ દરમિયાન કાશી તમિલ સંગમમ ટૂંક સમયમાં કાશીમાં થશે. તે કાશી અને તમિલનાડુ વચ્ચેનાં બંધનની ઉજવણી કરશે. કાશીના લોકો તમિલનાડુની ભાષા, સંસ્કૃતિ અને ઈતિહાસની ઉજવણી કરવા માટે આતુર છે. ક્રિયામાં આ એક ભારત, શ્રેષ્ઠ ભારત છે. એકબીજા પ્રત્યેનો આ પ્રેમ અને આદર આપણી એકતાનો આધાર છે. હું અહીં સ્નાતક થયેલા યુવાનોને અપીલ કરું છું કે તેઓ ખાસ કરીને એકતાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે.

સાથીઓ,

આજે હું એક એવા પ્રદેશમાં છું, જેણે નારી શક્તિની તાકાત જોઈ છે.  રાની વેલુ નાચિયાર જ્યારે અંગ્રેજો સામે લડવાની તૈયારી કરી રહ્યાં હતાં ત્યારે અહીં જ રોકાયાં હતાં. હું જોઉં છું કે યુવતીઓ અહીં સૌથી મોટાં પરિવર્તનકર્તાઓ તરીકે સ્નાતક થઈ રહી છે. તમે ગ્રામીણ મહિલાઓને સફળ કરવામાં મદદ કરશો. તેમની સફળતા એ રાષ્ટ્રની સફળતા છે.

સાથીઓ,

એક એવા સમયે જ્યારે દુનિયાએ એક સદીની સૌથી ખરાબ કટોકટીનો સામનો કર્યો હતો, ત્યારે ભારત એક તેજસ્વી સ્થળ રહ્યું છે. વિશ્વની સૌથી મોટી રસી ઝુંબેશ હોય, સૌથી ગરીબ લોકો માટે ખાદ્ય સુરક્ષા હોય, અથવા વિશ્વનું વિકાસ એન્જિન હોય, ભારતે બતાવ્યું છે કે તે શેનું બનેલું છે.  વિશ્વ અપેક્ષા રાખે છે કે ભારત મહાન કાર્યો કરે.  કારણ કે ભારતનું ભવિષ્ય યુવાનોની 'કેન ડુ' પેઢીના હાથમાં છે.

યુવાનો, જે માત્ર પડકારોને જ સ્વીકારતા નથી, પરંતુ તેનો આનંદ પણ માણે છે, યુવાનો, જે માત્ર પ્રશ્નો જ નથી કરતા, પરંતુ તેના જવાબો પણ શોધે છે, યુવાનો, જે માત્ર નીડર જ નથી, પરંતુ અથાક પણ છે, યુવા, જે માત્ર ઇચ્છા જ નથી રાખતો, પરંતુ પ્રાપ્ત પણ કરે છે. એટલે આજે સ્નાતક થઈ રહેલા યુવાનોને મારો સંદેશ છે કે, તમે નવા ભારતના ઘડવૈયા છો. આગામી 25 વર્ષ દરમિયાન અમૃત કાલમાં ભારતનું નેતૃત્વ કરવાની જવાબદારી તમારા પર છે. ફરી એકવાર, તમને બધાને અભિનંદન.

અને ઓલ ધ બેસ્ટ!

YP/GP/JD


(Release ID: 1875339) Visitor Counter : 212