પ્રધાનમંત્રીનું કાર્યાલય
માલદીવ્સની સત્તાવાર મુલાકાત દરમિયાન પીપલ્સ મજલિસને પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
Posted On:
08 JUN 2019 2:59PM by PIB Ahmedabad
પીપલ્સ મજલિસના આદરણીય સ્પીકર, માલદીવ્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મારા પ્રિય મિત્ર મહામહિમ શ્રી મોહમ્મદ નશીદ,
પીપલ્સ મજલિસના માનનીય સભ્યો
મહાનુભાવો,
પ્રતિષ્ઠિત મહેમાનો,
નમસ્કાર (ગુડ ઇવનિંગ).
હું તમને 1.3 અબજ ભારતીયો વતી અને મારા વતી અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર તહેવારનો આનંદ અને ઉત્સાહ આજે પણ આપણી સાથે છે. હું તમને અને માલદીવ્સના તમામ લોકોને આ પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
માનનીય સ્પીકર,
માલદીવ્સ ૧૦00થી વધુ ટાપુઓની માળા છે. તે માત્ર હિંદ મહાસાગર ક્ષેત્રનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું એક દુર્લભ રત્ન છે. તેની અસીમ સુંદરતા અને પ્રાકૃતિક ખજાનો સદીઓથી આકર્ષણનું કેન્દ્ર રહ્યાં છે. આ દેશ કુદરતની તાકાત સામે માનવીનાં અદમ્ય સાહસનું એક જ્વલંત ઉદાહરણ છે. માલદીવ્સ વેપાર, લોકો અને સંસ્કૃતિના સતત પ્રવાહનું સાક્ષી રહ્યું છે. અને માલે, આ સુંદર રાજધાની, ફક્ત વાદળી સમુદ્રોના પ્રવાસીઓ માટેનું જ પ્રવેશદ્વાર માત્ર નથી. તે સમગ્ર વિશ્વ માટે સ્થિર, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ હિન્દ મહાસાગર ક્ષેત્ર માટે પણ ચાવીરૂપ છે.
માનનીય સ્પીકર,
માલદીવ્સમાં અને આ પ્રતાપી મજલિસમાં આજે આપ સૌની સાથે હોવું એ મારા માટે ખૂબ જ આનંદની વાત છે, સન્માનની વાત છે. મને એ વાતનો લહાવો મળ્યો છે કે માનનીય શ્રી નશીદની અધ્યક્ષ તરીકે વરણી થયા પછી મજલિસે તેની પ્રથમ બેઠકમાં જ મને આમંત્રણ આપવાનું સર્વાનુમતે ઠરાવ્યું હતું. આપની આ ચેષ્ટાએ દરેક ભારતીયનાં હૃદયને સ્પર્શી લીધું છે અને તેમનું ગૌરવ અને સન્માન વધાર્યું છે. અને આ માટે, આદરણીય સ્પીકરજી, હું આપનો અને આ ગરિમાશાળી ગૃહના તમામ આદરણીય સભ્યોનો મારા વતી અને સમગ્ર ભારત વતી હૃદયપૂર્વક આભાર માનું છું.
માનનીય સ્પીકર,
માલદીવ્સની આ મારી બીજી મુલાકાત છે. અને એક રીતે જોવા જઈએ તો મજલિસની ઐતિહાસિક કાર્યવાહીનો હું બીજી વાર સાક્ષી બની રહ્યો છું. ગયા નવેમ્બરમાં રાષ્ટ્રપતિ સોલિહના શપથગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહેવા બદલ હું ખૂબ જ ખુશ હતો અને મને ઘણું સૌભાગ્ય મળ્યું હતું. તે પ્રસંગની ઉજવણી એક ખુલ્લાં સ્ટેડિયમમાં હજારો લોકોની વચ્ચે કરવામાં આવી હતી, જે લોકશાહીનો એક પ્રખ્યાત અને ઐતિહાસિક વિજય હતો, જેની શ્રદ્ધા, હિંમત અને નિશ્ચય તે વિજયનો પાયો હતો. તે સમારંભ એક જબરજસ્ત અનુભવ હતો. માલદીવ્સમાં સાચી લોકશાહીની ઊર્જાનો મને પ્રથમદર્શી અનુભવ થયો. તે દિવસે, મેં માલદીવ્સના સામાન્ય નાગરિકની લોકશાહી પ્રત્યેનું સમર્પણ અને પ્રતિબદ્ધતા અને સાથે સાથે સ્પીકરશ્રી, તમારા જેવા નેતાઓ પ્રત્યે તેમના પ્રેમ અને આદરનો સાક્ષી બન્યો. અને આજે, હું તમને બધાને, માલદીવ્સમાં લોકશાહીના ધ્વજવાહકોને સલામ કરું છું.
માનનીય સ્પીકર,
આ ગૃહ, આ મજલિસ માત્ર ઇંટો અને પથ્થરોથી બાંધવામાં આવેલી ઇમારત માત્ર નથી. તે કોઈ સામાન્ય લોકોનો મેળાવડો નથી. તે લોકશાહીનું તે ઊર્જા કેન્દ્ર છે જ્યાં રાષ્ટ્રની નાડી અને તેનાં હૃદયના ધબકારા આ ગૃહના દરેક સભ્યના વિચારો અને અવાજમાં ગુંજે છે. અહીં તમારા પ્રયત્નો દ્વારા લોકોનાં સપના અને આકાંક્ષાઓ સાકાર થાય છે. અહીં વિવિધ વિચારધારાઓ અને પક્ષો સાથે જોડાયેલા સભ્યો દેશમાં લોકશાહી, વિકાસ અને શાંતિ માટે તેમની સામૂહિક ઇચ્છાને સ્થાયી સિદ્ધિઓમાં પરિવર્તિત કરવા માટે એકત્રિત થાય છે.
આ જ રીતે, કેટલાક મહિના પહેલાં, માલદીવ્સના લોકોએ સામૂહિક રીતે સમગ્ર વિશ્વ સમક્ષ લોકશાહીનું એક જ્વલંત ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. તમારી તે યાત્રા પડકારોથી ભરેલી હતી. પરંતુ માલદીવે દેખાડી દીધું, તમે બધાએ દેખાડી દીધું કે આખરે લોકો જ જીતે છે. આ કોઈ સામાન્ય સફળતા નહોતી. તમારી આ સિદ્ધિ સમગ્ર વિશ્વમાં લોકશાહી માટે શક્તિનો એક મહાન સ્રોત છે. અને માલદીવ્સની આ સિદ્ધિ પર સૌથી વધુ ખુશ અને સૌથી વધુ ગર્વ કોણ હોઈ શકે?
જવાબ સ્પષ્ટ છે.
અલબત્ત, તે તમારો સૌથી નજીકનો મિત્ર અને પડોશી દેશ તથા વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત છે. આજે, આ ભવ્ય સભામાં, હું ભારપૂર્વક કહેવા માગું છું કે માલદીવ્સમાં લોકશાહીને મજબૂત કરવાના હેતુ માટે ભારત અને તમામ ભારતીયો હંમેશાં તમારી સાથે રહ્યા છે અને હંમેશા રહેશે.
માનનીય સ્પીકર,
ભારતમાં પણ, અમે તાજેતરમાં જ માનવજાતના ઇતિહાસમાં સૌથી મોટી લોકશાહી કવાયત પૂર્ણ કરી છે. 1.3 અબજ ભારતીયો માટે આ માત્ર એક સામાન્ય ચૂંટણી નહોતી, પરંતુ એક ઉજવણી હતી, લોકશાહીનો મહાપર્વ હતો. બે તૃતીયાંશથી વધુ પાત્ર મતદાતાઓ, એટલે કે 600 મિલિયનથી વધુ લોકો, મતદાન કરવા માટે આવ્યા હતા. તેઓએ વિકાસ અને સ્થિરતા માટે પ્રચંડ જનાદેશ આપ્યો.
માનનીય સ્પીકર,
મારી સરકારનો મૂળભૂત મંત્ર "સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ (સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે) માત્ર ભારત માટે જ નથી. તે વિશાળ વિશ્વમાં, ખાસ કરીને આપણા પડોશમાં, મારી સરકારની વિદેશ નીતિ અને અભિગમનો પાયો પણ છે.
'પડોશી પ્રથમ' અમારી પ્રાથમિકતા છે. અને પડોશી દેશમાં માલદીવ્સ પ્રાથમિકતા છે. અને એટલા માટે જ આજે હું તમારી વચ્ચે ઊભો છું એ કોઈ યોગાનુયોગ નથી.
ગયા વર્ષે ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિ સોલિહે મુલાકાત લીધી એ ભારત પ્રથમ દેશ હતો. અને હવે, માલદીવ્સ તરફથી સ્નેહપૂર્ણ આમંત્રણ મને અહીં લાવ્યું છે, જે આ નવા કાર્યકાળમાં મારું પ્રથમ વિદેશી સ્થળ બન્યું છે. અને થોડા સમય અગાઉ જ હું નસીબદાર અને વિશેષાધિકાર અનુભવું છું કે રાષ્ટ્રપતિ સોલિહે મને વિદેશીઓ માટે માલદીવ્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું. મારી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ખરેખર મારી પાસે શબ્દો નથી.
માનનીય સ્પીકર,
ભારત અને માલદીવ્સ વચ્ચેના સંબંધો ઇતિહાસ કરતાં પણ જૂના છે. આદિકાળથી, વાદળી પાણીએ આપણા કિનારાઓને ધોઈ નાખ્યા છે. આપણને જોડતા વિશાળ સમુદ્રનાં મોજાઓ આપણા લોકો વચ્ચે મિત્રતાના સંદેશવાહક રહ્યાં છે. તેઓએ આપણી સંસ્કૃતિઓ અને સભ્યતાઓને પણ પોષણ આપ્યું છે. આપણા સંબંધોને મહાસાગરોની ઊંડાઈ અને વિસ્તરણનાં આશીર્વાદ મળ્યાં છે. માલદીવ્સ અને ભારત વચ્ચે હજારો વર્ષોથી વેપાર ફૂલ્યોફાલ્યો છે, જેમાં મારાં ગૃહ રાજ્ય ગુજરાતનો પણ સમાવેશ થાય છે. 2500થી વધુ વર્ષ પહેલાં માલદીવે લોથલ સાથે વેપાર કર્યો હતો, જેને વિશ્વનાં સૌથી જૂનાં બંદરોમાં ગણવામાં આવે છે. ત્યાર બાદ સુરત જેવાં શહેરો સાથે વેપાર ચાલુ રહ્યો હતો. ભારતીય બાળકોએ પણ માલદીવ્સની કોડીઓના ખજાનાનો લોભ રાખ્યો છે. સંગીત, સંગીતનાં સાધનો, રીતરિવાજો અને પરંપરાઓ આપણા સહિયારા વારસાનું આબેહૂબ ઉદાહરણ છે.
ઉદાહરણ તરીકે દિવેહી ભાષા લો. 'વીક'ને ભારતમાં 'હફ્તા' (સપ્તાહ) કહે છે, અને દિવેહીમાં પણ. ચાલો જોઈએ અઠવાડિયાના દિવસોના નામ. દિવેહીમાં 'રવિવાર' આદિત્થા છે, જે આદિત્ય અથવા સૂર્ય સાથે સંબંધિત છે. સોમવારને હોમા કહેવામાં આવે છે જે 'સોમ' અથવા ચંદ્ર સાથે સમાનતા ધરાવે છે.
દિવેહીમાં 'ધુનિયે' એ ભારતમાં 'દુનિયા' જેવું જ છે, જે વિશ્વ માટે વપરાય છે. અને 'દુનિયા' પણ માલદીવ્સનું જાણીતું નામ છે. અને તે ફક્ત આ વિશ્વ વિશે જ નથી. આપણી ભાષાઓ વચ્ચેની સમાનતા સ્વર્ગ અને નર્ક સુધી પણ વિસ્તરે છે. દિવેહી શબ્દો 'સુવુગે' અને નરકા હિન્દીમાં 'સ્વર્ગ' અને 'નરક' જેવા જ છે.
આવી સમાનતાઓની સૂચિ ખૂબ લાંબી હોઈ શકે છે. જો હું ચાલુ રાખું, તો આપણી પાસે એક આખો શબ્દકોશ હશે.
એટલું કહેવું પૂરતું છે કે દરેક પગલે આપણને ખ્યાલ આવે છે કે આપણે એક જ બગીચાનાં ફૂલો છીએ. અને એટલા માટે જ, માલદીવ્સના સાંસ્કૃતિક વારસાને જાળવવામાં, તેની હસ્તપ્રતોનું જતન કરવામાં અને દિવેહીના શબ્દકોશ વિકસાવવામાં તમારી સાથે સહયોગ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને આ જ કારણ છે કે ઐતિહાસિક શુક્રવારની મસ્જિદનાં સંરક્ષણ માટે ભારતના સહયોગની ઘોષણા કરતા મને આજે ખૂબ જ આનંદ થયો. આ પ્રકારની પરવાળાની મસ્જિદ માલદીવ્સની બહાર બીજે ક્યાંય અસ્તિત્વમાં નથી. સેંકડો વર્ષ પહેલાં માલદીવ્સના જ્ઞાની લોકોએ સમુદ્રની સંપત્તિનો ઉપયોગ કરીને તેનાં વિશિષ્ટ સ્થાપત્યની રચના કરી હતી. આ પ્રકૃતિ પ્રત્યેના તેમના આદર અને સંવાદિતાની સાક્ષી પૂરે છે.
અફસોસની વાત એ છે કે, આજે આ જ દરિયાઈ સંપત્તિ પ્રદૂષણથી જોખમનો સામનો કરી રહી છે. જેમ કે, આ ભવ્ય કોરલ મસ્જિદનું સંરક્ષણ પણ સમગ્ર વિશ્વને આપણાં પર્યાવરણના સંરક્ષણ માટે સંદેશ આપશે.
માનનીય સ્પીકર,
માલદીવ્સની આઝાદી, લોકશાહી, સમૃદ્ધિ અને શાંતિનું સમર્થન કરવા ભારત તેની સાથે ખભેખભો મિલાવીને ઊભું છે. પછી તે 1988ની ઘટના હોય કે પછી 2004ની સુનામી જેવી કુદરતી આપત્તિઓ સામે લડવાનું હોય કે પછી તાજેતરની પાણીની તંગી હોય. અમને ગર્વ છે કે અમે તમારી સાથે ઊભા રહ્યા છીએ, દરેક સમયે અને દરેક પગલે તમારા પ્રયત્નોને ટેકો આપ્યો છે.
અને હવે, વિકાસ, સમૃદ્ધિ અને સ્થિરતા માટે આપણા બંને દેશોમાં મજબૂત જનાદેશે આપણા સહકાર માટે નવા માર્ગો ખોલ્યા છે. 1.4 અબજ અમેરિકન ડૉલરનાં આર્થિક પૅકેજનાં અમલીકરણમાં પ્રોત્સાહક પ્રગતિ થઈ છે, જે અંગે રાષ્ટ્રપતિ સોલિહની ભારતની મુલાકાત દરમિયાન સંમતિ સધાઈ હતી.
તમારા મહાન દેશ સાથે ભારતના વિકાસલક્ષી સહકારનું અવિરત ધ્યાન માલદીવ્સના લોકોનો સામાજિક અને આર્થિક વિકાસ છે. પછી તે ટાપુ પર પાણીનાં પુરવઠા અને સાફસફાઈની વાત હોય, માળખાગત સુવિધાઓ ઊભી કરવાની વાત હોય, સ્વાસ્થ્ય અને શૈક્ષણિક સુવિધાઓ વિકસાવવાની વાત હોય: ભારતનો સાથ સહકાર હંમેશા લોકોનાં કલ્યાણ પર કેન્દ્રિત રહેશે તથા માલદીવ્સની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ પર આધારિત રહેશે.
અમારા ડઝનબંધ સામાજિક પ્રભાવ અને અન્ય સહકારના પ્રોજેક્ટ્સ આ દેશના સામાન્ય લોકોનાં જીવનને સ્પર્શે છે અને તેમનાં જીવનની સુધારણા માટે તમારા પ્રયત્નોમાં ફાળો આપે છે. માલદીવ્સમાં લોકશાહી અને સમૃદ્ધિ માટે ભારત એક ભરોસાપાત્ર, મજબૂત અને અગ્રણી ભાગીદાર બની રહેશે. અને આ સહયોગ માલદીવ્સની જનતાના પ્રતિનિધિઓનાં રૂપમાં તમારા હાથને મજબૂત કરશે.
માનનીય સ્પીકર,
બે દેશો વચ્ચેના સંબંધો માત્ર તેમની સરકારો સુધી મર્યાદિત નથી. તે તેમના લોકો વચ્ચેના મજબૂત સંબંધોથી ઊર્જા મેળવે છે. એટલે હું એ તમામ પ્રયાસોને વિશેષ મહત્વ આપું છું, જે લોકો વચ્ચે આદાનપ્રદાનને પ્રોત્સાહન આપે છે. એટલે મને વિશેષ પ્રસન્નતા છે કે આજે આપણે આપણા દેશોની વચ્ચે એક નવી ફેરી સર્વિસ શરૂ કરવા માટે સહમત થયા છીએ. મને એ વાતની પણ ખુશી છે કે ગયા વર્ષે વિઝા સુવિધા સમજૂતી સંપન્ન થઈ હતી, જેનાં કારણે માલદીવ્સના હજારો લોકો માટે વેપાર, તબીબી સંભાળ, શિક્ષણ, આરામ, ટૂરિઝમ વગેરે માટે ભારત આવવાનું સરળ બન્યું છે.
માનનીય સ્પીકર,
પારસ્પરિક સહકારને આગળ ધપાવતી વખતે, આપણે આજે આપણી આસપાસની વિશાળ અનિશ્ચિતતાઓ અને ગંભીર પડકારોને પણ ધ્યાનમાં રાખવાં પડશે. તકનીકી પ્રગતિ, બહુ-ધ્રુવીય વિશ્વમાં આર્થિક અને વ્યૂહાત્મક શક્તિની ધરીમાં પરિવર્તન, સ્પર્ધા અને હરીફાઈને કારણે થતા વિક્ષેપોથી ઘણા પડકારો ઉભરી રહ્યા છે.
જો કે, હું આવા ત્રણ વિષયો પર વાત કરવા માગું છું જે આપણા બંને દેશો માટે સૌથી મહત્વપૂર્ણ છે.
માનનીય સ્પીકર,
આતંકવાદ આપણા સમયનો બહુ મોટો પડકાર છે. આ કોઈ એક રાષ્ટ્ર કે પ્રદેશ દ્વારા જ પડકારનો સામનો કરવાનો નથી. તે બધી માનવજાત માટે એક પડકાર છે. એક પણ દિવસ એવો નથી જતો કે જ્યારે આતંકવાદનો ભયાનક ચહેરો પોતાની જાતને ન બતાવે, અને ક્યાંક નિર્દોષનો જીવ લઈ લે. આતંકવાદીઓ પાસે બૅન્કો નથી હોતી. તેમની પાસે તેમની પોતાની ટંકશાળ નથી, કે શસ્ત્રોની ફૅક્ટરીઓ પણ નથી. પરંતુ તેમના માટે ન તો નાણાં કે ન તો શસ્ત્રોનો પુરવઠો ઓછો હોય તેવું લાગે છે. તેઓ આ ક્યાંથી મેળવે છે? તેમને જોઈતી સગવડો કોણ પૂરી પાડે છે?
આતંકવાદની રાજ્ય પ્રાયોજકતા એ સૌથી મોટો ખતરો છે.
તે ખરેખર ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે હજી પણ કેટલાક લોકો કહેવાતા 'સારા' અને 'ખરાબ' આતંકવાદીઓ વચ્ચેના તફાવતની ભ્રમણાનો આશરો લે છે. આ કૃત્રિમ તફાવતો પર ચર્ચા કરવામાં આપણે પૂરતો સમય ગુમાવ્યો છે. તે હવે સહન કરી શકાય તેવું નથી. આતંકવાદ સામે અસરકારક રીતે લડવા માટે માનવતાને ટેકો આપતા તમામ દળોએ એક થવું જ જોઇએ.
આજનાં નેતૃત્વ માટે લિટમસ ટેસ્ટ એ છે કે તેઓ આતંકવાદ અને કટ્ટરપંથીકરણનાં કાળાં દળો સાથે જે રીતે વ્યવહાર કરે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે વૈશ્વિક સંમેલન અને આબોહવા પરિવર્તનનાં ગંભીર જોખમ પર ઘણી પરિષદો માટે સક્રિયપણે ગોઠવણ કરી છે. આતંકવાદના મુદ્દે કેમ નહીં?
હું તમામ વૈશ્વિક સંસ્થાઓ અને તમામ અગ્રણી દેશોને અપીલ કરું છું કે તેઓ નિર્ધારિત સમયમર્યાદાની અંદર આતંકવાદ પર વૈશ્વિક પરિષદનું આયોજન કરે, જેથી આતંકવાદીઓ અને તેમના સમર્થકો જે છટકબારીઓનો ઉપયોગ કરે છે તેને દૂર કરવાં માટે અર્થપૂર્ણ અને પરિણામલક્ષી ચર્ચાઓ થઈ શકે. જો આપણે પગલાં લેવામાં વધુ વિલંબ કરીશું, તો આપણી વર્તમાન અને ભાવિ પેઢીઓ આપણને ક્યારેય માફ નહીં કરે.
માનનીય સ્પીકર,
મેં જળવાયુ પરિવર્તનનો ઉલ્લેખ કર્યો. તેમાં કોઈ શંકા નથી કે તે આપણા સમયની વાસ્તવિકતા છે.
સૂકાતી નદીઓ અને હવામાનની અનિશ્ચિતતા આપણાં કૃષિ અને ખેડૂતો પર પ્રતિકૂળ અસર કરે છે. પરંતુ, તેનાથી પણ વધુ, પીગળતી હિમનદીઓ અને વધતી જતી દરિયાઇ સપાટી માલદીવ્સ જેવા દેશો માટે અસ્તિત્વનો ખતરો બની ગઈ છે. દરિયાઇ પ્રદૂષણે પરવાળાના ટાપુઓ અને મહાસાગર પર આધારિત આજીવિકા પર વિનાશ વેર્યો છે.
માનનીય સ્પીકર,
આ જોખમો તરફ વિશ્વનું ધ્યાન આકર્ષિત કરવા માટે સમુદ્રનાં ઊંડાણમાં વિશ્વની પ્રથમ કૅબિનેટ બેઠક યોજવાના તમારાં આમૂલ અને હિંમતવાન પગલાંને કોણ ભૂલી શકે છે?
માલદીવે સ્થાયી વિકાસને પ્રોત્સાહન આપવા માટે અન્ય કેટલીક અનુકરણીય પહેલ પણ હાથ ધરી છે.
મને પ્રસન્નતા છે કે તે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં સામેલ થઈ ગયું છે. ભારત દ્વારા સંયુક્તપણે હાથ ધરવામાં આવેલાં આ જોડાણને શરૂ કરવાની પહેલે વિશ્વના કેટલાય દેશોને આપણી પૃથ્વીને બચાવવા માટે વ્યવહારિક પગલાં લેવા માટે એક મંચ પૂરો પાડ્યો છે. નવીનીકરણીય ઊર્જા આબોહવા પરિવર્તનની ઘણી પ્રતિકૂળ અસરોને ઘટાડવા માટે એક શક્તિશાળી વિકલ્પ છે.
આ વિશિષ્ટ સમુદાય વર્ષ 2022 સુધીમાં ભારતના 175 ગીગાવૉટ પુનઃપ્રાપ્ય ઊર્જાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકથી પરિચિત છે અને તેને હાંસલ કરવામાં થયેલી પ્રગતિ તમામ અપેક્ષાઓને વટાવી ગઈ છે.
અને તાજેતરમાં જ ભારતના સહયોગથી માલેની શેરીઓમાં 2,500 ઊર્જા-કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ એલઇડી સ્ટ્રીટ લાઇટ્સ ઝળહળી ઊઠી છે. અને માલદીવ્સમાં બે લાખથી વધુ એલઇડી બલ્બ ઘરો અને દુકાનો સુધી પહોંચી ગયા છે. તે કિંમતી વીજળી અને પર્યાવરણને બચાવવામાં મદદ કરશે, અને વીજળીના બિલમાં પણ ઘટાડો કરશે.
ભારતે નાના ટાપુઓની જરૂરિયાતો અને ચિંતાઓ પર વિશેષ ધ્યાન આપ્યું છે. અમે તેમની ઘણી વિશિષ્ટ મુશ્કેલીઓને દૂર કરવા માટે જ આગળ આવ્યા નથી, પરંતુ વિવિધ વૈશ્વિક સ્તરે પણ એ માટે અમારો અવાજ ઉઠાવ્યો છે, તે મુશ્કેલીઓને ઉજાગર કરી છે અને તેનાં નિવારણ માટે હાકલ કરી છે. જો કે, દરેક વ્યક્તિએ તેમાં જોડાવાની જરૂર છે જેથી આપણે સામૂહિક પ્રયત્નોનાં જરૂરી સ્તર સુધી પહોંચી શકીએ. પરંતુ આપણે એમ માનવામાં ખોટાં હોઇશું કે માત્ર તકનીકી ઉકેલો જ આપણને આબોહવા પરિવર્તનના પડકાર સામે લડવામાં મદદ કરી શકે છે. આપણાં મૂલ્યો, અભિગમો, જીવનશૈલી અને સમાજોમાં પરિવર્તન લાવ્યા વિના આબોહવામાં પરિવર્તનની પ્રતિકૂળ અસરોને પર્યાપ્ત રીતે ઘટાડવાનું શક્ય બનશે નહીં. પ્રાચીન ભારતીય માન્યતા પૃથ્વીને આપણી માતા અને આપણને બધાને તેના સંતાનો તરીકે ગણે છે. જો આપણે આ ગ્રહને આપણી માતા માનીએ છીએ, તો આપણે ફક્ત તેનો આદર અને સંરક્ષણ કરી શકીએ છીએ, અને તેને નુકસાન પહોંચાડી શકતા નથી. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આ ઘર, આપણી પૃથ્વી, એ વારસો છે જે આપણે આપણી ભાવિ પેઢીઓ માટે વિશ્વાસમાં રાખીએ છીએ, અને તે આપણી માલિકીની મિલકત નથી.
માનનીય સ્પીકર,
ત્રીજો વિષય ઇન્ડો-પેસિફિક છે, જે આપણો સહિયારો પ્રદેશ છે. તે વિશ્વની 50 ટકા વસ્તી ધરાવતો પ્રદેશ છે અને ધર્મ, સંસ્કૃતિ, ભાષાઓ, ઇતિહાસ અને રાજકીય અને આર્થિક વ્યવસ્થાઓની વિશાળ વિવિધતા ધરાવે છે. પરંતુ તે ઘણા અનુત્તરિત પ્રશ્નો અને વણઉકેલાયેલા વિવાદો સાથેનો એક પ્રદેશ પણ છે. હિંદ-પ્રશાંત- ઇન્ડો-પેસિફિક પ્રદેશ આપણાં અસ્તિત્વનો એક અવિભાજ્ય ભાગ છે. તે આપણી જીવાદોરી રહી છે અને વેપાર અને સમૃદ્ધિ માટેનો ધોરીમાર્ગ પણ છે. દરેક અર્થમાં તે આપણાં સહિયારાં ભવિષ્યની ચાવી છે. એટલે મેં જૂન, 2018માં સિંગાપોરમાં કહ્યું હતું કે, ઇન્ડો-પેસિફિકમાં ઉદારતા, સંકલન અને સંતુલન સુનિશ્ચિત કરવા માટે દરેકે સાથે મળીને કામ કરવું પડશે. માત્ર આનાથી જ રાષ્ટ્રો વચ્ચે વિશ્વાસ સુનિશ્ચિત થશે. માત્ર આ જ નિયમ-આધારિત વ્યવસ્થા અને બહુપક્ષીયવાદને ચાલુ રાખવાની ખાતરી આપશે.
માનનીય સ્પીકર,
4 વર્ષ પહેલાં મેં હિંદ મહાસાગર ક્ષેત્ર માટે ભારતનું વિઝન અને પ્રતિબદ્ધતાને S.A.G.A.Rનાં સ્વરૂપમાં વ્યક્ત કરી હતી, જેનો હિન્દીમાં અર્થ સમુદ્ર થાય છે. આ સંક્ષિપ્ત શબ્દનો અર્થ છે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઑલ ઇન ધ રિજન, જે ઇન્ડો-પેસિફિકમાં સહકાર માટે આપણા માટે એક બ્લુપ્રિન્ટ છે.
સર્વસમાવેશકતાના આ સિદ્ધાંત પર આજે ફરી એકવાર ભાર મૂકવા માગું છું. હું એ વાતનો પણ પુનરોચ્ચાર કરવા માગું છું કે ભારત પોતાની ક્ષમતાઓ અને શક્તિઓનો ઉપયોગ માત્ર પોતાની સમૃદ્ધિ અને સુરક્ષા માટે જ નહીં કરે. અમે આ વિસ્તારમાં અન્ય દેશોની ક્ષમતા વિકસાવવા પણ પ્રયાસ કરીશું, માનવતાની સહાય સાથે આપત્તિના સમયમાં તેમની સાથે સંપર્ક સાધીશું તથા તમામ માટે સહિયારી સુરક્ષા, સમૃદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરીશું. એક સક્ષમ, મજબૂત અને સમૃદ્ધ ભારત માત્ર દક્ષિણ એશિયા અને ઇન્ડો-પેસિફિકમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં શાંતિ, વિકાસ અને સુરક્ષાનો મજબૂત સ્તંભ બનશે.
માનનીય સ્પીકર,
આ વિઝનને સાકાર કરવા અને બ્લ્યુ ઇકોનોમીનો લાભ લેવા સહકાર આપવા માટે આપણી પાસે માલદીવ્સથી વધારે યોગ્ય ભાગીદાર ન હોઈ શકે. કારણ કે આપણે દરિયાઈ પડોશી છીએ. કારણ કે આપણે મિત્રો છીએ. અને મિત્રોમાં નાનું-મોટું, મજબૂત કે નબળું કોઈ હોતું નથી.
શાંતિપૂર્ણ અને સમૃદ્ધ પડોશનો પાયો વિશ્વાસ, સદ્ભાવના અને સહકાર પર આધારિત છે. અને આ વિશ્વાસ એ શ્રદ્ધામાંથી ઉદ્ભવે છે કે આપણે એકબીજાની ચિંતાઓ અને હિતો પ્રત્યે સંવેદનશીલ રહીશું. જેથી આપણે બંને વધુ સમૃદ્ધિ અને વધુ સુરક્ષાનો આનંદ માણી શકીએ.
તે ત્યારે જ શક્ય છે જ્યારે આપણો પરસ્પર વિશ્વાસ અને આત્મવિશ્વાસ માત્ર સારા સમયમાં જ નહીં, પરંતુ મુશ્કેલીઓના સમયે પણ મજબૂત હોય.
માનનીય સ્પીકર,
"વસુધૈવ કુટુમ્બકમ" એ આપણી ફિલસૂફી અને નીતિ બંને છે. તેનો અર્થ એ છે કે આખું વિશ્વ એક જ કુટુંબ છે. આપણા યુગના સૌથી મહાન વ્યક્તિ, મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે "આપણા પડોશીઓ સુધી આપણી સેવાઓ વિસ્તૃત કરવાની કોઈ મર્યાદા નથી". ભારતે પોતાની ઉપલબ્ધિઓને હંમેશા દુનિયા સાથે અને ખાસ કરીને પોતાના પડોશીઓ સાથે શેર કરી છે. એટલે આપણી વિકાસલક્ષી ભાગીદારી લોકોને સશક્ત બનાવવા માટે છે, તેમને નબળા પાડવા માટે નહીં. કે આપણા પરનું તેમનું અવલંબન વધારવા માટે પણ નહીં. કે ખરેખર આવનારી પેઢીઓના ખભા પર દેવાનો અશક્ય બોજ લાદવા માટે પણ નહીં.
માનનીય સ્પીકર,
આ જટિલ સંક્રાંતિઓનો સમય છે, પડકારોથી ભરેલો છે. જો કે, પડકારો પણ તકો લાવે છે. અત્યારે ભારત અને માલદીવ્સ પાસે નીચેની તકો છેઃ
● સારા પડોશીઓ અને મિત્રો બનવા દુનિયા માટે એક આદર્શ સ્થાપિત કરવા માટે;
● આપણા સહકારનાં માધ્યમથી સમૃદ્ધિ લાવવા માટે, જેથી આપણા લોકોની આર્થિક, સામાજિક અને રાજકીય આકાંક્ષાઓ પૂર્ણ થાય;
● આપણા વિસ્તારમાં સ્થિરતા, શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા સંયુક્તપણે કામ કરવું;
● વિશ્વની સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ લેનની સુરક્ષા સુનિશ્ચિત કરવા;
● આતંકવાદને હરાવવા માટે;
● આતંકવાદ અને ઉગ્રવાદને પોષતાં પરિબળોને આપણા કિનારાઓથી દૂર રાખવાં;
● તંદુરસ્ત અને સ્વચ્છ વાતાવરણ માટે જરૂરી ફેરફારો લાવવા માટે.
ઇતિહાસ અને આપણા લોકો એવી અપેક્ષા રાખશે કે આપણે આ તકોનો પૂરેપૂરો ઉપયોગ કરીએ અને તેને જતી ન કરીએ. ભારત આ પ્રયાસોમાં સંપૂર્ણ સહકાર આપવા અને માલદીવ્સ સાથેની તેની અમૂલ્ય મૈત્રીને ગાઢ બનાવવા દ્રઢતાપૂર્વક કટિબદ્ધ છે. હું આજે તમને આ ગૌરવપૂર્ણ પ્રતિજ્ઞાનું પુનરાવર્તન કરું છું.
તમે મને તમારી વચ્ચે રહેવાનો જે વિશેષાધિકાર આપ્યો છે અને તમે મને જે સન્માન આપ્યું છે તે બદલ હું ફરી એક વાર તમારો આભાર માનું છું. તમારી મિત્રતા માટે હું તમારો આભાર માનું છું.
તમારો ખૂબ ખૂબ આભાર.
SD/GP
(Release ID: 1871263)
Visitor Counter : 139