પ્રધાનમંત્રીનું કાર્યાલય

બ્રાઝિલિયામાં 11મા બ્રિક્સ શિખર સંમેલનનાં પૂર્ણ અધિવેશનમાં પ્રધાનમંત્રીનું વક્તવ્ય

Posted On: 15 NOV 2019 2:03PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ બોલ્સોનારો,

રાષ્ટ્રપતિ પુતિન,

રાષ્ટ્રપતિ શી અને

રાષ્ટ્રપતિ રામાફોસા


મિત્ર દેશ બ્રાઝિલની આ સુંદર રાજધાનીમાં 11મા બ્રિક્સ શિખર સંમેલન માટે આવીને મને ઘણો આનંદ થાય છે. હું મારા મિત્ર રાષ્ટ્રપતિ બોલ્સોનારોનો ભવ્ય સ્વાગત અને આ શિખર સંમેલનની ઉત્કૃષ્ટ વ્યવસ્થા માટે હૃદયપૂર્વક આભાર માનું છું.

મહાનુભાવો,

આ સમિટની થીમ – "નવીન ભવિષ્ય માટે આર્થિક વિકાસ", ખૂબ જ સચોટ છે. નવીનતા એ આપણા વિકાસનો આધાર બની ગઈ છે. એટલે એ જરૂરી છે કે આપણે નવીનીકરણ માટે બ્રિક્સ હેઠળ સહયોગને મજબૂત કરીએ. બ્રાઝિલે પોતે જ નવીનતા અને વ્યવહારિક સહકાર માટે ઘણા સફળ પગલાં લીધાં છે. આપણે આગામી વર્ષોમાં બ્રાઝિલની પહેલ પર કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ.

મહાનુભાવો,

10 વર્ષ પહેલાં નાણાકીય કટોકટી અને ઘણી આર્થિક સમસ્યાઓના સમયે બ્રિક્સની શરૂઆત થઈ હતી. 2009માં યેકા-ટેરિન-બર્ગથી શરૂ થયેલી આ યાત્રાએ અનેક નોંધપાત્ર સીમાચિહ્નો પાર કર્યાં છે. વર્ષોથી, બ્રિક્સ દેશો વૈશ્વિક આર્થિક વિકાસનાં મુખ્ય એન્જિન રહ્યા છે. અને અમે સમગ્ર માનવતાના વિકાસમાં આપણું યોગદાન રહ્યું છે. સાથે જ, આપણે શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને બહુધ્રુવીય વિશ્વમાં એક મુખ્ય પરિબળ તરીકે ઉભરી આવ્યા છીએ.

મહાનુભાવો,

હવે આપણે આગામી 10 વર્ષમાં બ્રિક્સની દિશા અને પારસ્પરિક સહકારને વધુ અસરકારક બનાવવા પર વિચાર કરવો પડશે. ઘણાં ક્ષેત્રોમાં સફળતા મળવા છતાં કેટલાંક ક્ષેત્રોમાં પ્રયત્નો વધારવાનો ઘણો અવકાશ છે. વૈશ્વિક અર્થતંત્રના પડકારોને પહોંચી વળવા આપણે બ્રિક્સ સંગઠનના સભ્ય દેશોની વ્યવસ્થા અને પ્રક્રિયાઓને વધારે કાર્યક્ષમ અને પરિણામલક્ષી બનાવવી જોઇએ. આપણે પરસ્પર વેપાર અને રોકાણ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. ઇન્ટ્રા-બ્રિક્સ વેપાર વિશ્વ વેપારમાં ફક્ત 15 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે આપણી સંયુક્ત વસતિ વિશ્વની કુલ વસતિના 40 ટકાથી વધારે છે. સેવા ક્ષેત્ર પાંચેય દેશોમાં જીડીપીનો મોટો હિસ્સો ધરાવે છે. તેથી, સેવાઓમાં વેપાર વધારવાની સારી સંભાવના છે. બ્રિક્સ દેશોની અંદર વેપારનો ખર્ચ ઘટાડવો પણ મહત્વપૂર્ણ છે. આપણા વેપાર પ્રધાન તેમાં 5 ટકાનો ઘટાડો કરવાના લક્ષ્યાંક પર વિચાર કરી શકે છે. વેપારની સુવિધા અને સરળ કસ્ટમ્સ અને બૅન્કિંગ પ્રક્રિયાઓમાં સહકાર દ્વારા વેપારમાં વધુ વેગ આવશે. ટ્રેડ પ્રમોશન એજન્સીઓ વચ્ચેનો કરાર આપણી વચ્ચે 500 અબજ ડૉલરના વેપાર લક્ષ્યાંકને ઝડપથી હાંસલ કરવામાં મદદ કરશે.

મહાનુભાવો,

મને ખુશી છે કે બ્રાઝિલનાં નેતૃત્વ હેઠળ આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી, નવીનતા અને ડિજિટલ અર્થતંત્ર પર ભાર મૂક્યો છે. આઇ-બ્રિક્સ નેટવર્ક ઊભું કરવા, નવી વિજ્ઞાન ટેકનોલોજી ઇનોવેશન આર્કિટેક્ચર, હ્યુમન મિલ્ક બૅન્ક અને બ્રિક્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફ્યુચર નેટવર્ક્સ જેવી અનેક પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રયાસોથી બ્રિક્સમાં નવીનતા ઇકો-સિસ્ટમ અને ટેકનોલોજીમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન મળશે. બ્રિક્સ સ્ટાર્ટ-અપ ચૅલેન્જ અને હૅકાથોન પણ આ ઉદ્દેશ્યમાં મદદરૂપ થશે. આ પ્રયત્નોમાં તબીબી ઉપકરણો, નવા ઊર્જા વિકલ્પો અને દિવ્યાંગો અને વૃદ્ધો માટે નવીનતાઓને પ્રાધાન્ય આપી શકાય છે. આ પહેલ આપણને સમાજ માટે ઉપયોગી સંશોધનને પ્રોત્સાહન આપવામાં પણ મદદરૂપ થશે. આ માટે ભારત બ્રિક્સ ડિજિટલ હેલ્થ સમિટની યજમાની કરશે. આનાથી તંદુરસ્ત જીવનશૈલી માટે નવીન ઉકેલોને પ્રોત્સાહિત કરી શકાશે. તાજેતરમાં જ અમે ભારતમાં 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ'ની શરૂઆત કરી છે. હું ઇચ્છું છું કે તંદુરસ્તી અને સ્વાસ્થ્યનાં ક્ષેત્રમાં આપણી વચ્ચે સંપર્કો અને આદાનપ્રદાન વધે. પાંચેય દેશોમાં આરોગ્યનાં ક્ષેત્રમાં આપણી પાસે પરંપરાગત જ્ઞાન છે. તેને પારસ્પરિક માન્યતા આપીને અને આ ક્ષેત્રમાં પારસ્પરિક સહકાર વધારીને, આપણે હજારો વર્ષોથી સાચવેલી આ વિદ્યાના લાભો સમગ્ર માનવતાને આપી શકીએ છીએ.  હું આ સંબંધમાં બ્રિક્સ દેશો વચ્ચે એક એમઓયુ કરવાનું પણ સૂચવવા માગું છું.

મહાનુભાવો,

હું બ્રિક્સ વિમેન બિઝનેસ એલાયન્સની સ્થાપના બદલ તમામ સભ્યોને અભિનંદન આપું છું. હું આ પહેલ માટે ખાસ કરીને રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માનું છું. ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધી છે. ગત ચૂંટણીમાં મહિલા મતદારો પ્રથમ વખત પુરુષોની સંખ્યાની બરાબર હતાં. અને અત્યાર સુધીમાં સૌથી વધુ મહિલા ઉમેદવારો વિજયી પણ બન્યાં હતાં. અમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલી મહિલા નેતાઓની સંખ્યા લગભગ 14 લાખથી વધુ છે. મેટરનિટી લીવ હોય કે પછી વેતનમાં અંતર ઘટાડવું, અમે મહિલા ઉદ્યમવૃત્તિ અને સશક્તીકરણ માટે છેલ્લાં પાંચ વર્ષમાં અનેક મહત્વપૂર્ણ પગલાં લીધાં છે.

મહાનુભાવો,

આપણા દેશો દરેક આબોહવા ક્ષેત્રને આવરી લે છે. પૂરપ્રભાવિત વિસ્તારો હોય કે દુષ્કાળની શક્યતા ધરાવતા વિસ્તારો હોય, બરફીલા વિસ્તારો હોય કે રણપ્રદેશો હોય, ધરતીકંપનાં ક્ષેત્રો હોય, વગેરે આપણા દેશોમાં મોજુદ છે. ટકાઉ જળ વ્યવસ્થાપન અને સ્વચ્છતા એ શહેરી વિસ્તારોમાં મહત્વપૂર્ણ પડકારો છે. હું ભારતમાં બ્રિક્સના જળ પ્રધાનોની પ્રથમ બેઠક યોજવાનો પ્રસ્તાવ મૂકું છું.

મહાનુભાવો,

બહુપક્ષીયવાદ, આંતરરાષ્ટ્રીય વેપાર અને નિયમો આધારિત વિશ્વ વ્યવસ્થા ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહી છે. ગયાં વર્ષે, આપણે સુધારેલા બહુપક્ષીયવાદ પર ભાર મૂક્યો હતો. મને ખુશી છે કે આ સમિટનું સંયુક્ત નિવેદન આની જરૂરિયાતને ઓળખશે. આપણે સંયુક્ત રાષ્ટ્ર, ડબલ્યુ.ટી.ઓ., વિશ્વ બૅન્ક અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને મજબૂત કરવા અને સુધારવા માટે એક સામૂહિક વ્યૂહરચના બનાવવી જોઇએ.

મહાનુભાવો,

વિશ્વ યુદ્ધ જેવા ખતરાથી માનવતા દૂર થઈ ગઈ છે. પરંતુ વિકાસ અને સુખ-શાંતિ માટે આતંકવાદ સૌથી મોટો ખતરો બનીને ઉભરી આવ્યો છે. 10 વર્ષમાં આતંકવાદના હાથે 2.25 લાખ લોકોએ જીવ ગુમાવ્યા અને સમાજને ઘણું મોટું નુકસાન થયું. આ ઉપરાંત વિવિધ અંદાજ મુજબ વિશ્વનાં અર્થતંત્રને એક ટ્રિલિયન ડૉલરથી વધુનું નુકસાન થયું હતું. અને વિકાસશીલ દેશોની આર્થિક વૃદ્ધિમાં 1.5 ટકા સુધીનો ઘટાડો થયો છે. આતંકવાદ, આતંકવાદને ધિરાણ, માદક દ્રવ્યોની દાણચોરી અને સંગઠિત અપરાધો શંકાનું વાતાવરણ સર્જે છે અને વેપાર-વાણિજ્યને પરોક્ષ રીતે ઊંડું નુકસાન પહોંચાડે છે.

મને ખુશી છે કે આતંકવાદનો સામનો કરવા માટે બ્રિક્સ વ્યૂહરચના પર પ્રથમ સેમિનાર યોજાયો હતો. આપણે આશા રાખીએ છીએ કે આવા પ્રયાસો અને પાંચ કાર્યકારી જૂથોની પ્રવૃત્તિઓથી આતંકવાદ અને અન્ય સંગઠિત અપરાધો સામે બ્રિક્સ સુરક્ષા સહકારમાં વધારો થશે. આ દિશામાં ભારત આતંકવાદના ડિજિટલ ફોરેન્સિક એનાલિસીસ પર એક વર્કશૉપનું આયોજન કરશે.

મહાનુભાવો,

અમારી વચ્ચે વધતો જતો લોકોથી લોકોનો સંબંધ આપણી ભાગીદારીને ઊર્જા પ્રદાન કરશે. હું આ અંગે કેટલાક સૂચનો કરવા માગું છું. બ્રિક્સ દેશો વચ્ચે યુવા શિખર સંમેલનોનું આયોજન કરવું જોઈએ. તેમાં સ્ટાર્ટ અપ્સ, હૅકાથોન, સ્પોર્ટ્સ, ક્રિએટિવિટી જેવી પ્રવૃત્તિઓમાં પાંચેય દેશોના યુવાનો મોટી સંખ્યામાં સહભાગી થાય. ભારતમાં બ્રિક્સ દેશોના વિદ્યાર્થીઓને બ્રિક્સ સંબંધિત વિષયોનો અભ્યાસ કરવા માટે દર વર્ષે ઇન્ટર્નશિપ અને ફેલોશિપ આપવામાં આવશે. આપણે આપણા દેશોની પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવા માટે પણ વિચારવું જોઈએ. ભારતને આ અંગે પહેલ કરવામાં ખુશી થશે. ફિલ્મો આપણા લોકો વચ્ચેના સંબંધોને વધારવાનો એક મહત્વપૂર્ણ માર્ગ હોઈ શકે છે. ભારતમાં અનેક ભાષાઓમાં અને વિશ્વમાં સૌથી વધુ ફિલ્મો બને છે. ભારત આવતા વર્ષે માર્ચમાં મુંબઈમાં બ્રિક્સ ફિલ્મ ટેકનોલોજી સિમ્પોઝિયમનું આયોજન કરશે. મને ખુશી છે કે આપણા દેશો વિઝા વગેરેની વ્યવસ્થાઓમાં સુગમતા લાવી રહ્યા છે. હું રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ ભારતીયો માટે બ્રાઝિલમાં વિઝા મુક્ત પ્રવેશની જાહેરાત કરી એને આવકારું છું. વિઝા, સામાજિક સુરક્ષા સમજૂતીઓ અને લાયકાતોની પારસ્પરિક માન્યતા સાથે આપણા પાંચ દેશોના લોકોને પારસ્પરિક પ્રવાસ અને કામ માટે વધારે અનુકૂળ વાતાવરણ મળશે.

મહાનુભાવો,

અંતમાં, હું ઉત્કૃષ્ટ વ્યવસ્થા અને બ્રિક્સનાં પ્રભાવશાળી નેતૃત્વ માટે રાષ્ટ્રપતિ બોલ્સોનારોને ફરી એકવાર હાર્દિક અભિનંદન આપવા માગું છું. આગામી વર્ષ માટે હું બ્રિક્સના પ્રમુખ રશિયાને પણ અભિનંદન આપું છું અને ભારતના સંપૂર્ણ સાથ સહકારની ખાતરી આપું છું.

ખૂબ ખૂબ આભાર.


 



(Release ID: 1870804) Visitor Counter : 81