પ્રધાનમંત્રીનું કાર્યાલય

નોર્વેના પ્રધાનમંત્રીની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

Posted On: 09 JAN 2019 2:18PM by PIB Ahmedabad

મહામહિમ,

પ્રધાનમંત્રી એર્ના સોલ્બર્ગ,

નોર્વેથી અહીં આવેલા બધા જ પ્રતિષ્ઠિત મહેમાનો,

મિત્રો,

જ્યારે હું ગયાં વર્ષે સ્ટૉકહોમમાં પ્રધાનમંત્રી સોલ્બર્ગને મળ્યો હતો, ત્યારે મેં તેમને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું. મને ખુશી છે કે આજે મને ભારતમાં તેમનું સ્વાગત કરવાની તક મળી છે. પ્રધાનમંત્રીજીની આ પ્રથમ ભારત યાત્રા છે. અને એ એટલા માટે પણ વિશેષ છે કે આજે તેઓ રાયસિના ડાયલોગના ઉદઘાટન સમારોહને સંબોધિત કરશે. આ માટે હું તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

મિત્રો,

વર્ષ 2017માં જી-20 સમિટમાં જ્યારે હું પ્રધાનમંત્રી સોલ્બર્ગને મળ્યો હતો, ત્યારે તેમણે મને એક ફૂટબૉલની ભેટ આપી હતી. આમ તો ગયાં વર્ષે વિશ્વનો જાણીતો "ગોલ્ડન બૉલ" એવોર્ડ નોર્વેની મહિલા ફૂટબોલ ખેલાડી "એડા હેગેરબર્ગ"ને મળ્યો છે. હું આ માટે નોર્વેને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પરંતુ, પ્રધાનમંત્રીજીએ મને જે ફૂટબૉલ આપ્યો હતો તેનો કંઈક બીજો જ અર્થ હતો. તે ફૂટબોલની રમતના ગૉલનું પ્રતીક ન હતો, પરંતુ સાતત્યપૂર્ણ ટકાઉ વિકાસના ગૉલ્સનું પ્રતીક હતો. પ્રધાનમંત્રી સોલ્બર્ગે સ્થાયી વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવા માટે વૈશ્વિક પ્રયાસોને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે.

પોતાની આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી સોલ્બર્ગે ભારતમાં નોર્વેના નવા ગ્રીન એમ્બેસીનું પણ ઉદઘાટન કર્યું છે. અને એટલે જ પ્રધાનમંત્રીના વૈશ્વિક પ્રયાસો માટે હું જેટલી પ્રશંસા કરું, ઓછી છે.

ટકાઉ વિકાસ લક્ષ્યો ભારતના વિકાસ લક્ષ્યોને અનુરૂપ પણ છે. અને આપણા માટે એ ખુશીની વાત છે કે બંને દેશો "નોર્વે-ઇન્ડિયા પાર્ટનર-શિપ ઇનિશિયેટિવ" મારફતે માતૃત્વ અને શિશુ સ્વાસ્થ્યના વિષય પર સફળતાપૂર્વક સહકાર આપી રહ્યા છે.

મિત્રો,

ભારત અને નોર્વે વચ્ચેના સંબંધોમાં વેપાર અને રોકાણનું ઘણું મહત્વ છે. નોર્વેના ગવર્મેન્ટ પેન્શન ફંડ ગ્લોબલે ભારતમાં આશરે 12 અબજ ડૉલરનો પોર્ટફોલિયોનું રોકાણ કર્યું છે. મને ખુશી છે કે નોર્વેની 100થી વધારે કંપનીઓના પ્રતિનિધિઓ પ્રધાનમંત્રીજીની સાથે ભારત આવ્યા છે.

ગઈ કાલે ઇન્ડિયા-નોર્વે બિઝનેસ સમિટમાં તેમણે ભારતના બિઝનેસ લીડર્સ સાથે ફળદાયી વાતચીત પણ કરી હતી. મને વિશ્વાસ છે કે, આવનારા સમયમાં પોર્ટફોલિયો રોકાણ અને પ્રત્યક્ષ વિદેશી રોકાણ એમ બંનેમાં નોર્વેની કંપનીઓ ભારતની પ્રચૂર સંભાવનાઓનો લાભ ઉઠાવશે. ખાસ કરીને "સાગરમાલા" કાર્યક્રમ હેઠળ નોર્વેની કંપનીઓ માટે ભારતમાં જહાજ-નિર્માણ, બંદરો અને બંદર-સંચાલિત વિકાસમાં ઘણી તકો સર્જાઇ રહી છે.

મિત્રો,

આને જ લગતો વિષય સમુદ્રી અર્થવ્યવસ્થાનો છે. આ ક્ષેત્ર ભારતના વિકાસ અને સમૃદ્ધિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ભારતની લગભગ 15 ટકા વસ્તી દરિયાકાંઠાના જિલ્લાઓમાં વસે છે. તેમનું જીવન એક રીતે સમુદ્રી અર્થવ્યવસ્થા સાથે સીધું જોડાયેલું છે. અને જો આડકતરી રીતે જોઇએ તો ભારતનાં દરિયાકાંઠાનાં રાજ્યોની વસ્તી 50 કરોડથી વધુ છે. અને સમુદ્રી અર્થવ્યવસ્થા વિષય પર તમે નોર્વેની નિપુણતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકો છો કે નોર્વેની નિકાસમાં 70% હિસ્સો નોર્વેના દરિયાઇ ઉદ્યોગ ધરાવે છે. અને એટલે જ, મને પ્રસન્નતા છે કે આજે આપણે આપણા સંબંધોમાં આ મહત્વપૂર્ણ ક્ષેત્રમાં સહયોગના એક નવાં પાસાનો ઉમેરો કર્યો છે. આપણો દ્વિપક્ષીય મહાસાગર સંવાદ આ ક્ષેત્ર સાથે જોડાયેલ સંબંધિત તમામ ક્ષેત્રોમાં આપણા સહકારને દિશા આપશે.

સાથીઓ,

આંતરરાષ્ટ્રીય મંચ પર પણ ભારત અને નોર્વેનો પરસ્પર ખૂબ જ મજબૂત સહયોગ છે. એવા ઘણા વિષયો છે, જેના પર અમે બંને ખૂબ નજીકથી કામ કરીએ છીએ અને સંકલન કરીએ છીએ, જેમ કે યુએન સિક્યોરિટી કાઉન્સેલ રિફોર્મ્સ, મલ્ટિ-લેટરલ એક્સપોર્ટ કન્ટ્રોલ રિજિમ્સ અને આતંકવાદ. આજે, અમે અમારા સહકારનાં તમામ ક્ષેત્રોની સમીક્ષા કરી છે, અને તેમને નવી ઊર્જા અને દિશા આપવા માટેના વિષયો પર પણ વિગતવાર ચર્ચા કરી છે.

મહામહિમ,

હું ફરી એક વખત ભારત યાત્રાનાં મારાં આમંત્રણનો સ્વીકાર કરવા બદલ તમારો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આજે સાંજે રાયસીના ડાયલોગમાં આપનું સંબોધન સાંભળવા અમે બધા ખૂબ જ ઉત્સુક છીએ. હું આશા રાખું છું કે આપની આ ભારત મુલાકાત ખૂબ જ સુખદ અને સફળ રહેશે.

ધન્યવાદ.

YP/GP/JD


 


(Release ID: 1870798) Visitor Counter : 119