પ્રધાનમંત્રીનું કાર્યાલય

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત અંગે પ્રધાનમંત્રીએ આપેલા અખબારી નિવેદનનો મૂળપાઠ

Posted On: 25 FEB 2020 1:47PM by PIB Ahmedabad

મારા મિત્ર અને યુ.એસ.ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ,

અમેરિકન પ્રતિનિધિમંડળના આદરણીય સભ્યો,

મહિલાઓ અને સજ્જનો,

નમસ્તે

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં ફરી એકવાર ઉષ્માભર્યું સ્વાગત છે. હું ખાસ કરીને એ બાબતે ખુશ છું કે, તેઓ પોતાના પરિવાર સાથે આ પ્રવાસ પર આવ્યા છે. છેલ્લા આઠ મહિનામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મારી વચ્ચેની આ પાંચમી મુલાકાત છે. પ્રમુખ ટ્રમ્પનું ગઇકાલે મોટેરામાં અભૂતપૂર્વ અને ઐતિહાસિક સ્વાગત કરવામાં આવ્યું તે હંમેશ માટે યાદ રહેશે. ગઇ કાલે ફરી એ વાત સ્પષ્ટ થઇ ગઇ કે અમેરિકા અને ભારત વચ્ચેનો સંબંધ માત્ર બે સરકારો વચ્ચેનો સંબંધ નથી, પરંતુ લોકો દ્વારા સંચાલિત, લોકો દ્વારા કેન્દ્રિત છે. આ સંબંધ 21મી સદીની સૌથી મહત્વપૂર્ણ ભાગીદારીમાં છે. અને તેથી આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મેં આપણા સંબંધોને વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે લઇ જવાનો નિર્ણય લીધો છે. સંબંધોને આ સ્તરે લાવવામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું અમૂલ્ય યોગદાન રહ્યું છે.

મિત્રો,

આજની અમારી ચર્ચામાં, અમે આ સહભાગીદારીના દરેક મહત્વપૂર્ણ પાસાઓ પર સકારાત્મક રીતે વિચાર કર્યો છે - ભલે તે સંરક્ષણ અને સુરક્ષાની વાત હોય, ઉર્જા વ્યૂહાત્મક ભાગીદારી હોય, ટેકનોલોજીમાં સહયોગ હોય, વૈશ્વિક જોડાણની વાત હોય, વેપાર સંબંધો હોય કે પછી લોકો વચ્ચેના સંબંધોની વાત હોય. ભારત અને યુએસ વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સહયોગમાં થઇ રહેલી વૃદ્ધિ આપણી વ્યૂહાત્મક ભાગીદારીનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. અત્યાધુનિક સંરક્ષણ સાધનો અને પ્લેટફોર્મ પર પારસ્પરિક સહયોગના કારણે ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો થયો છે. આપણા સંરક્ષણ ઉત્પાદકો એકબીજાની પુરવઠા સાંકળનો હિસ્સો બની રહ્યા છે. ભારતીય દળો આજે યુ.એસ.એ.ના દળો સાથે સૌથી વધુ પ્રશિક્ષણ કવાયત હાથ ધરી રહ્યા છે. વિતેલા કેટલાક વર્ષોમાં, આપણા સુરક્ષા દળો વચ્ચે આંતર કાર્યક્ષમતામાં અભૂતપૂર્વ વધારો થયો છે.

મિત્રો,

એ જ રીતે, અમે આપણી વતન-ભૂમિનું રક્ષણ કરવા અને આંતરરાષ્ટ્રીય અપરાધ સામે લડવા માટે પણ સહકાર વધારી રહ્યા છીએ. આજે, વતન-ભૂમિની સુરક્ષા અંગેનો નિર્ણય આ સહયોગને વધુ વેગવાન બનાવશે. આજે અમે આતંકવાદીઓના સમર્થકોને જવાબદાર ઠેરવવાના અમારા પ્રયાસોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ડ્રગ્સ અને ઓપિયોઇડ કટોકટી સામેની લડતને પ્રાથમિકતા આપી છે. આજે, અમે ડ્રગ્સની હેરાફેરી, નાર્કો- ટેરરિઝમ અને સંગઠિત અપરાધ જેવી ગંભીર સમસ્યાઓને લગતું નવું વ્યવસ્થાતંત્ર તૈયાર કરવા અંગે પણ સંમત થયા છીએ. મિત્રો, થોડા સમય પહેલાં સ્થાપવામાં આવેલી અમારી વ્યૂહાત્મક ઉર્જા ભાગીદારી વધુ મજબૂત બની રહી છે. અને આ ક્ષેત્રમાં પરસ્પર રોકાણ વધ્યું છે. ઓઇલ અને ગેસ માટે અમેરિકા ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સ્રોત બની ગયું છે. છેલ્લા ચાર વર્ષમાં અમારો કુલ ઉર્જા સંબંધિત વેપાર લગભગ 20 અબજ ડૉલરનો રહ્યો છે. અક્ષય ઉર્જા હોય કે પરમાણુ ઉર્જા, દરેક બાબતે આપણા સહયોગને ઉર્જા મળી રહી છે.

મિત્રો,

એવી જ રીતે, ઇન્ડસ્ટ્રી 4.0 અને 21મી સદીની અન્ય ઉભરતી ટેકનોલોજીઓ પણ ભારત અને યુએસ વચ્ચેની ભાગીદારી, આવિષ્કાર અને તેના પરના ઉદ્યોગોને નવી સ્થિતિઓ સ્થાપિત કરી રહી છે. ભારતીય વ્યાવસાયિકોની પ્રતિભાએ ટેકનોલોજીના ક્ષેત્રમાં અમેરિકન કંપનીઓના નેતૃત્વને મજબૂત બનાવ્યું છે.

મિત્રો,

ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ આર્થિક ક્ષેત્રમાં ખુલ્લાપણું અને ન્યાયી તેમજ સંતુલિત વેપાર માટે પ્રતિબદ્ધ છે. આપણા દ્વિપક્ષીય વેપારમાં છેલ્લા ત્રણ વર્ષમાં બે આંકડામાં વૃદ્ધિ જોવા મળી છે અને તે વધુ સંતુલિત પણ બન્યો છે. જો ઉર્જા, નાગરિક એર-ક્રાફ્ટ, સંરક્ષણ અને ઉચ્ચ શિક્ષણની વાત કરવામાં આવે તો, છેલ્લા ચાર-પાંચ વર્ષ દરમિયાન માત્ર આ ચાર ક્ષેત્રોએ જ ભારત અને અમેરિકાના આર્થિક સંબંધોમાં લગભગ 70 અબજ ડૉલરનું યોગદાન આપ્યું છે. આમાંનું ઘણું બધું પ્રમુખ ટ્રમ્પની નીતિઓ અને નિર્ણયોને કારણે જ શક્ય બન્યું છે. મને પૂરો વિશ્વાસ છે કે, આવનારા સમયમાં આ આંકડામાં નોંધપાત્ર રીતે વધારો થશે. જ્યાં સુધી દ્વિપક્ષીય વેપાર સંબંધિત વાત છે તો, અમારા વાણિજ્ય મંત્રી વચ્ચે સકારાત્મક મંત્રણા થઇ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને હું આજે સંમત થયા છીએ કે અમારા વાણિજ્ય મંત્રીઓ વચ્ચે જે સમજૂતી થઇ છે, તો ચાલો આપણી ટીમોને જ તે કાયદેસર બનાવવા દઇએ. અમે મોટા વેપાર સોદા માટે વાટાઘાટો શરૂ કરવા પણ સંમત થયા છીએ. અમને આશા છે કે તે પરસ્પર હિતમાં સારાં પરિણામો આપશે. મિત્રો, વૈશ્વિક સ્તરે ભારત અને અમેરિકાનો સહકાર આપણા સમાન લોકશાહી મૂલ્યો અને ઉદ્દેશ્યો પર આધારિત છે. આ સહકાર કાયદા આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે જેમાં ખાસ કરીને ઇન્ડો-પેસિફિક અને વૈશ્વિક સામાન્ય બાબતો માટે મહત્વપૂર્ણ છે. અમે બંને વિશ્વમાં કનેક્ટિવિટી સંબંધિત માળખાકીય સુવિધાઓના વિકાસમાં દીર્ઘકાલિન અને પારદર્શક ધીરાણના મહત્વ પર સંમત છીએ. આપણી આ પરસ્પર સમજણ માત્ર એકબીજાના જ નહીં, પરંતુ વિશ્વના હિતમાં છે.

મિત્રો,

ભારત અને અમેરિકા વચ્ચેની આ ખાસ મિત્રતાનો સૌથી મહત્વનો પાયો આપણા લોકોથી લોકો વચ્ચેના સંબંધો છે. વ્યાવસાયિકો હોય કે વિદ્યાર્થીઓ, યુ.એસ.એ.માં પ્રવાસી ભારતીયો આમાં સૌથી મોટું યોગદાન આપનારા રહ્યા છે. ભારતના આ રાજદૂતો તેમની પ્રતિભા અને મહેનતથી માત્ર યુ.એસ.એ.ની અર્થવ્યવસ્થામાં યોગદાન આપે છે એવું નથી પરંતુ તેના બદલે, અમે અમેરિકન સમાજને તેમના લોકશાહી મૂલ્યો અને સમૃદ્ધ સંસ્કૃતિથી પણ સમૃદ્ધ બનાવી રહ્યા છીએ. મેં રાષ્ટ્રપતિ ટ્રમ્પને વિનંતી કરી છે કે, તેઓ અમારા વ્યાવસાયિકોના સામાજિક સુરક્ષા યોગદાન પર સંપૂર્ણીકરણ કરાર પર બંને પક્ષોની ચર્ચાને આગળ ધપાવે. તે પરસ્પરિક હિતમાં રહેશે.

મિત્રો,

રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાતે આ તમામ પરિમાણોમાં આપણા સંબંધોને વધુ મજબૂત બનાવવામાં ઐતિહાસિક ભૂમિકા નિભાવી છે. ફરી એકવાર, હું ભારત આવવા બદલ અને ભારત-યુ.એસ. વચ્ચેના સંબંધોને નવી ઊંચાઇ સુધી લઇ જવા બદલ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છું.

આભાર.

SD/GP



(Release ID: 1869226) Visitor Counter : 95