પ્રધાનમંત્રીનું કાર્યાલય

ગુજરાતમાં PMJAY-MA યોજના આયુષ્માન કાર્ડ્સના વિતરણ પ્રસંગે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

Posted On: 17 OCT 2022 10:15PM by PIB Ahmedabad

નમસ્કાર!

ધનતેરસ અને દિવાળી હવે સામે જ દેખાઇ રહી છે. ધનતેરસ અને દિવાળી પહેલાં આપણા ગુજરાતમાં આરોગ્યનો મહાઉત્સવ ઉજવાઇ રહ્યો છે. આપણે અહીંયા ધનતેરસ પર આપણે ભગવાન ધન્વંતરીની પૂજા કરીએ છીએ. ભગવાન ધન્વંતરીને આયુર્વેદના પિતામહ કહેવામાં આવે છે અને એવું કહેવાય છે કે દેવતાઓની સારવાર ભગવાન ધન્વંતરી દ્વારા કરવામાં આવી હતી. તેથી એમ કહી શકાય કે તેઓ આરોગ્યની પ્રેરણાના આ ઇષ્ટ દેવ છે. અને આરોગ્ય કરતાં મોટું ધન, આરોગ્ય કરતાં મોટું સૌભાગ્ય, બીજું શું હોઇ શકે? અને આપણે ત્યાં તો શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે-

આરોગ્યમ પરમં ભાગ્યમ્!

અને મારા માટે ખુશીની વાત એ છે કે, આજે આપણા ભૂપેન્દ્રભાઇના નેતૃત્વમાં જે કામ આજે કરવામાં આવ્યું છે, આમ તો દિવાળીના તહેવારોમાં આવું કામ કરવા અંગે કોઇ વિચારતું પણ નથી. બધા લોકો રજાના મૂડમાં છે. જ્યારે આજે અહીં આ કાર્યક્રમ પૂરો થશે તેની સાથે આજ રાત સુધીમાં દોઢથી બે લાખ લોકો સુધી કાર્ડ પહોંચાડવાની ઝુંબેશ ચાલી રહી છે. અને 50 લાખ લોકોને કાર્ડ આપવાનું કામ, હું તો, સરકારના તમામ આપણા સાથીઓને, જુના જુના બધા જ સાથીઓ છે, તેમજ સરકારી અધિકારીઓને આજે હું અભિનંદન આપું છું કે તમે દિવાળીમાં આટલું મોટું કામ તમે હાથમાં લીધું છે, તમારી આ મહેનત રંગ લાવશે. અને આપણે ત્યાં તો કહેવાય છે કે સર્વ સંતુ નિરામયા એટલે કે બધા રોગમુક્ત રહે, આપણા પૂર્વજોની જે કલ્પના હતી, જે ચિંતન હતું, તે વ્યક્તિના, તે પરિવારના, તે સમાજના, સૌથી મોટા સુરક્ષા કવચરૂપી આ મંત્ર આ જે આ આયુષ્માન યોજના ચલાવી રહી છે. એક સાથે અભિયાન ચલાવીને 50 લાખ પરિવારો એટલે કે ગુજરાતની અડધી વસતી સુધી પહોંચવાનું એક મોટું કામ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લો હોય, તાલુકો હોય કે પછી ગ્રામ પંચાયત હોય, તમામ સ્તરે લાભાર્થીઓને શોધીને, જેમને કાર્ડ ન મળ્યા હોય તેવા લોકો સુધી પહોંચવું ખરેખર અભિનંદનને પાત્ર કામ છે, જેના કારણે વડીલો માટે તે આશીર્વાદરૂપ રહેશે. આપણે સૌ જાણીએ છીએ કે આખી દુનિયામાં પ્રગતિશીલ દેશો સમૃદ્ધ દેશો છે, ત્યાં વીમા વિશે આપણે સાંભળતા આવ્યા છીએ, આપણે ભારતમાં તેમનાથી એક ડગલું આગળ વધી ગયા છીએ, આપણે માત્ર હેલ્થ ઇન્શ્યોરન્સ જ નહીં, પરંતુ હેલ્થ એશ્યોરન્સનું આટલું મોટું સ્વપ્ન જોયું છે. અને આ સપનાને સાકાર કરવા માટે તમારો સાથ અને સહકાર મળ્યો છે.

આજનો આ કાર્યક્રમ એક પ્રકારે, જ્યારે રાજકીય દૃશ્ટિએ સ્થિર સરકાર હોય અને તેમની કાર્ય સંસ્કૃતિ સંપૂર્ણ રીતે સંવેદનશીલ હોય અને સમાજને સમર્પિત હોય, ત્યારે કેવા અદ્ભુત પરિણામો આવી શકે છે તેનું ઉદાહરણ પૂરું પાડે છે, અને આજે આખો દેશ અને ગુજરાત આ જોઇ રહ્યા છે. પહેલા શું હતું, ત્યાં શું હતું. પહેલાં સરકાર હતી, બધું જ હતું પણ કોઇએ યોજના અમલમાં મૂકવામાં આવે તો, બસ એક મોટા સભાગૃહની અંદર દીવો પ્રગટાવો, રિબીન કાપો અથવા સારું ભાષણ કરો એટલે વાત પૂરી થઇ જતી હતી. જે લોકો જાગૃત હતા, તેઓ યોજનાનો લાભ લેતા હતા, કેટલાય લોકોનો લાભ તો વચેટિયાઓ લઇ લેતા હતા, અને યોજના આ રીતે ખતમ થઇ જતી હતી. અમે આ આખો રિવાજ જ બદલી નાંખ્યો છે. પૈસાનો ખર્ચ થાય, પણ તેનો લાભ પણ હોવો જોઇએ, માત્ર યોજના લોન્ચ કરી દો, દીવો પ્રગટાવી દો, રિબીન કાપી નાંખો, એટલું જ કામ નથી હોતું, સરકાર ઘરે-ઘરે જઇને સામે ચાલીને જરૂરિયાતમંદ લોકોને શોધે, તેમની પાસે પહોંચે અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવે, એ પ્રકારનું આ ખૂબ જ મોટું પગલું લેવામાં આવ્યું છે. આ પગલું ભરીને આપણે આગળ વધી રહ્યા છીએ.

આજે જ્યારે યોજના બને છે, ત્યારે સૌથી પહેલા તો સામાન્ય લોકોને શું તકલીફ છે, તેમની જરૂરિયાત શું છે, લાંબા ગાળે તેમાં શું ફેરફાર કરવાની જરૂર છે, તે અંગે સરકાર પૂરે પૂરો અભ્યાસ કરે છે. ગરીબોના જીવનમાં, મધ્યમ વર્ગના લોકોના જીવનમાં કયા કયા અવરોધો આવે છે, કઇ કઇ અડચણો આવે છે, તેને રોકવાનું કામ કરવામાં આવે છે. અને તેનો ફાયદો એ થાય છે કે, નીતિ ખૂબ સારી બની શકે છે, અભ્યાસ કર્યા પછી નીતિ ઘડવામાં આવે છે, જેથી તેમાં સૌનો સમાવેશ થાય છે. અને નીતિ ઘડ્યા પછી જો એવું કંઇક લાગે છે કે તેમાં કંઇક વધારો કરવાની જરૂર છે, જેમ કે આજે આપણા ભૂપેન્દ્રભાઇની સરકારે તેનો વ્યાપ વધાર્યો છે, લાભાર્થીઓની સંખ્યામાં વધારો કર્યો છે, તો મધ્યમ વર્ગના કેટલાય લોકો તેના લાભાર્થી બની ગયા છે અને આ તમામ યોજનાઓનો લાભ સરકાર તમામ લોકોને તેમના ઘર સુધી જઇને પહોંચાડે, તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ.

સાથીઓ,

જ્યારે દેશનો નાગરિક સશક્ત બને છે, ત્યારે તે પાવરફુલ બને છે, અને આપ સૌ જાણો જ છો કે જ્યારે તમે બધા પાવરફુલ હોવ ત્યારે, તો પછી વચ્ચે કંઇ જ નથી આવતું, ભાઇ, અને આથી જ અમે ભારતના તમામ નાગરિકોને સશક્ત બનાવાનો – એમ્પાવર કરવાનો, જેમાં ખાસ કરીને માતાઓ અને બહેનોને સશક્ત બનાવવાનો નિર્ણય લીધો છે. આજે ગરીબોને મફત ગેસ કનેક્શન મળવાના કારણે તેમને પહેલાં જે પ્રકારે લાકડાના ધૂમાડાના વચ્ચે જીવન જીવવું પડતું હતું, તેમાંથી છૂટકારો અપાવીને, રસોડામાં તેમને થતી બીમારીઓથી આપણે તેમને બચાવી શક્યા છીએ. આપણે ગરીબોને પાકું ઘર આપીએ, પાકી છતવાળું ઘર આપીએ, જેના કારણે તેમના જીવનમાં પણ સુધરો આવે, અને કેટલીય નાની પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે, જ્યારે તેમને નળમાંથી પાણી મળે, પીવાનું શુદ્ધ પાણી મળે, શૌચાલયો બનવાથી, આ બધી બાબતો એવી છે કે તે રોગને આવતા અટકાવે છે, ઘરની બહાર જ તેને રોકી દે છે. અમે આ તમામ મૂળભૂત કાર્યો પર ધ્યાન આપી રહ્યા છીએ અને તાજેતરમાં જ જ્યારે આટલી મોટી વૈશ્વિક મહામારી આવી ત્યારે અમે કોઇ ગરીબ પરિવારને ચૂલો ઓલવવા નથી દીધો. 80 કરોડ લોકોને બેથી અઢી વર્ષથી મફતમાં ભોજન પહોંચે તેની ચિંતા કરી છે, કારણ કે આટલી મોટી મહામારી આવી તેવી સ્થિતિમાં મારા દેશમાં કોઇના ઘરે ચૂલો ન સળગે એવું તો ન ચાલે.

એટલું જ નહીં, જો બાળકો સ્વસ્થ નહીં હોય તો દેશ પણ સ્વસ્થ નહીં રહે, આપણે કુપોષણમાંથી બહાર આવવું જ પડશે. અને હવે તો ગુજરાતે એક મોટું અભિયાન શરૂ કર્યું છે, આપણા સી.આર. પાટીલે એક મોટા લક્ષ્ય સાથે કામ શરૂ કર્યું છે કે દરેક વ્યક્તિ તેમાંથી બહાર આવે, આયુષ્માન ભારત યોજના, PMJAY, આપણી સરકારના પ્રયાસોને કારણે ખૂબ જ સારા દૃશ્ટાંત બની છે, આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગઇ છે, અને આજે તો ગુજરાતના ગામડે ગામડે, મેં કહ્યું તેમ 50 લાખ આયુષ્માન કાર્ડ આ દિવાળીના દિવસોમાં આપવાનું ખૂબ જ મોટું કામ અમે હાથમાં લીધું છે. અને પહેલાં એક એવો જમાનો હતો કે, ઘરમાં કોઇ બીમાર પડે અને ખાસ કરીને આપણી માતાઓ, બહેનો બીમાર પડે તો શું સ્થિતિ હતી સાહેબ, મંગળસૂત્ર ગિરવે મૂકવું પડતું હતું. 5 હજાર 10 હજાર લાવીને બીમારીનો ઇલાજ કરવો પડતો હતો, આવા દિવસો આપણે જોયા છે. આજે એ બધી જ મજબૂરી દૂર થઇ ગઇ છે અને આજે આયુષ્માન કાર્ડ છે, જાણે કે તમારી પાસે સોનુ હોય હોય તો અને તમે કહે કે અડધી રાતે કામમાં આવે, એવું આ સોનુ છે, એવું અમે કહીએ છીએ. જેમ કે સોનુ અડધી રાતે કામ આવે છે ને, એવી જ રીતે મેં જે આયુષ્માન કાર્ડ આપ્યું છે ને, એ પણ સોનુ જ છે, અડધી રાતે તમને કામમાં આવે છે, કાર્ડ લઇને જાઓ હોસ્પિટલના દરવાજા ખુલી જશે, તરત તમારી તપાસ શરૂ થઇ જશે, બોલો સોનાની જેમ કામ કરે છે નહીં? અને એટલે જ હું કહું છું કે આ તો 5 લાખનું ATM છે, જે રીતે આપણે જરૂર પડે ત્યારે ATM માંથી પૈસા ઉપાડી લઇએ છીએ ને, અને એવી જ રીતે આ પણ તમને મદદ કરે છે. આનો લાભ સમાજના વધુને વધુ લોકોને પ્રાપ્ત થવો જોઇએ અને ભગવાને આપણને આશીર્વાદ આપ્યા છે તે કૃપા સૌના પર રહેવી જોઇએ. અમે ઇચ્છીએ છીએ કે દરેક વ્યક્તિનું આયુષ્ય લાંબુ હોય, ધારો કે આપણે એવું નક્કી કરીએ કે 30 વર્ષની કોઇ વ્યક્તિ પરિવારમાં મોભી છે અને તેને આયુષ્માન કાર્ડ મળ્યું છે અને ધારો કે તે 70 વર્ષ જીવે છે તો તેના એકલાના ખાતામાં બીમારીની શું વ્યવસ્થા છે? ખબર છે કે દર વર્ષે 5 લાખ રૂપિયા એટલે કે દોઢથી બે કરોડ રૂપિયા તેમને અથવા તેમના પરિવારમાં કોઇ પણ વ્યક્તિને બીમારી આવે તો સરકાર તેના પૈસા આપશે. જ્યાં સુધી તે દોઢ થી બે કરોડ રૂપિયાની વાત કરીએ તો, તેની પાસે દર વર્ષે 5 લાખ રૂપિયા તેમના માટે ઉપલબ્ધ છે. આજે જો કેટલીય બીમારીઓ અથવા અલગ અલગ બીમારીઓની સર્જરી કરાવવી પડે તો સામાન્ય માણસે તો રોજગારી ગુમાવવી પડે છે. આજે આના કારણે તે સ્વસ્થ રહી શકે છે, હમણાં જ પીયૂષભાઇને જોયા, શરીર કેટલું ઘટી ગયું છે, વિચારો, જો આજે આ કાર્ડ ન હોત તો, આયુષ્માન કાર્ડ ન હોત તો, તમારા પીયૂષ ભાઇની જિંદગી કેટલી પરેશાનીમાં હોત. તેથી જ બધી યોજનાઓનો લાભ, વાસ્તવમાં સમાજને તાકાત આપે છે, આથી જ આયુષ્માન વાસ્તવમાં તમારા પરિવારનો સૌથી મોટો ઉદ્ધારક છે, સૌથી મોટો સંકટમોચન છે.

ભાઇઓ તથા બહેનો,

અત્યાર સુધીમાં અમે દેશમાં ઘણી બધી યોજનાઓ બનાવી છે, જેનો લાભ અત્યાર સુધીમાં 4 કરોડ લોકોએ લીધો છે. આપણા જ ગુજરાતમાં પણ લગભગ 50 લાખ લોકોએ તેનો લાભ લીધો છે. અને આ બધી સારવારોને કારણે આજે તેઓ સુખી જીવન જીવી રહ્યા છે અને તેમના પૈસા પણ કેટલા બધા બચી ગયા છે. તમે જરાક વિચારો, એક એક વ્યક્તિને જઇને પૂછ્યું તો કોઇ કહે 5 લાખ, કોઇ કહે 8 લાખ, આ બધા પૈસા લોકોના જ બચી ગયા છે, હવે એક પૈસો પણ ખર્ચાતો નથી, અને આ લોકો સ્વસ્થ થઇને બાળકનો ઉછેર કરે છે. એટલે કે, આ કામ અમે કર્યું છે અને મને સંતોષ છે કે આયુષ્માન ભારતનો લાભ આજે વધુને વધુ લોકો લઇ રહ્યા છે અને કોઇને બીમારી નહીં થાય, પરંતુ જો થઇ જાય તો તેણે મજબૂરીમાં જીવવું ન પડે, તેમને બીમારીના ઇલાજની વ્યવસ્થા મળે, તેની ચિંતા અમે કરીએ છીએ. અને હું તો કહીશ કે માતાઓ અને બહેનોને આનાથી ઘણી મોટી શક્તિ મળી છે, અને આપણે ત્યાં તો એવી સ્થિતિ છે કે, તમે જાણો છો ને, માતાઓ અને બહેનો પોતાની ચિંતા ઓછી કરે છે, કોઇ માતા બીમાર પડે, ખૂબ પીડાતી હોય, પરંતુ ઘરમાં કોઇને ખબર પણ પડવા દેતી નથી, એકધારું પોતાનું કામ કરતી રહે છે, કારણ કે તેના મનમાં એક જ વિચાર હોય છે કે ઘરના બધા લોકોને ખબર પડી જશે કે મને બીમારી છે, અને આ બધા લોકો દવાના પૈસા ખર્ચશે તો દેવુ વધી જશે, અને તેથી તે પોતાની બીમારી છુપાવે છે, અને બધું સહન કર્યા કરે છે. હવે આજે તમે જ વિચારો કે આ આપણી માતાઓ ક્યાં સુધી આ બધુ સહન કરતી રહેશે, અને આ દીકરો એ માતાઓને મુશ્કેલીમાંથી બહાર નહીં કાઢે, તો કોણ તેમને બહાર કાઢશે ભાઇ, તેથી અમે આ યોજના લઇને આવ્યા છીએ કે, હવે આપણી માતાઓને તેમની બીમારી છુપાવવાની જરૂર જ ન પડે અને ઘરના બાળકોની ચિંતામાં તેમણે દવાથી દૂર રહેવાની વાત બદલવી નહીં પડે, અને પૈસા સરકાર ચુકવશે, તમારી બીમારી દૂર થઇ જાય તેની ચિંતા સરકાર કરશે.

મારું એવું માનવું છે કે, મારી માતાઓ અને બહેનો, ખાસ કરીને જો તમને તકલીફ હોય તો અચૂક આયુષ્માન કાર્ડ લો અને જો તમે બીમાર પડો તો ભલે તમારે બે દિવસ હોસ્પિટલમાં રહેવું પડે, બે દિવસ ઘરમાં બાળકોની તકલીફ પડશે, પણ પછીથી શાંતિ થઇ જશે, પણ ક્યારેક માતાઓ અને બહેનો વિચારે છે કે, બાળકોને બે દિવસ મુશ્કેલી પડશે, પરંતુ એકવાર તમારે તપાસ કરાવી લેવી જોઇએ. અને મને યાદ છે કે, જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે મેં ચિરંજીવી યોજના શરૂ કરી હતી, આ ચિરંજીવી યોજના આવી તે પહેલા શું થતું હતું, પ્રસૂતિ સમયે માતા કે બાળકનું મૃત્યુ થયું હતું અથવા માતા અને બાળક બંને મૃત્યુ પામ્યા હતા, અમે તેમને બચાવવા માટે ચિરંજીવી યોજના લઇને આવ્યા હતા, અને હોસ્પિટલમાં બધાની સંભાળ લેવાનું શરૂ થયું. આજે ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં એવા દાખલા મળી રહેશે કે જેમની પ્રસૂતિ ઘરમાં કરવામાં આવતી હશે. આ રીતે, અમે તેવા બાળકોના જન્મ પછી પણ આ બાળ સંભાળ આપવાની યોજના લાવ્યા છીએ, તેવી જ રીતે અમે ખિલખિલાટ યોજના લઇને આવ્યા છીએ, બાળ મિત્ર યોજના પણ લાવ્યા છીએ, અને આ બધાને કારણે, તેમના જીવનમાં ખૂબ જ મોટું પરિવર્તન લાવ્યા છીએ, અને સાથે સાથે તે સમયે ગુજરાતમાં મુખ્યમંત્રી અમૃતમ યોજના- મા યોજના લાવ્યા અને આજે PMJAY-MA, આખી યોજના હવે નવી બની છે. તેમાં PMJAY યોજના અને મા યોજના બંનેને જોડી દેવામાં આવી છે અને, PMJAY-MA  યોજના બની ગઇ છે અને PMJAY-NAનું તો આજે ગુજરાત સરકારે વિસ્તરણ પણ કર્યું છે.

અને મને વિશ્વાસ છે કે તમને પહેલાં પણ બધા લાભો મળ્યા જ છે, આજે પણ મળી રહ્યા છે અને લાભોમાં વધારો પણ થઇ રહ્યો છે, જેના કારણે તમે મુશ્કેલીના સમયમાં, તેનું વિસ્તરણ થવાથી લાભ લઇ શકશો. આજે માત્ર ગુજરાતમાં જ નહીં, આપણા સાથી દેશોના અનેક ભાગોમાં પણ આપણા ગુજરાતીઓ બહાર જાય છે, દેશવાસીઓ બહાર જાય છે, ગુજરાતની બહાર અન્ય રાજ્યોમાં જાય છે, હવે જો તેઓ ત્યાં હોય તો શું કરે, મેં કહ્યું ને કે, એવું સોનુ છે કે તમે મુંબઇ જાઓ અને ત્યાં હોવ તો તમે આનાથી ત્યાં પણ ઇલાજ કરાવી શકો છો, તમે કલકત્તા ગયા હોવ અને તમને કંઇક થાય તો ત્યાં પણ તમારો ઇલાજ થઇ શકે છે, તેનાથી ઇલાજની તમામ જગ્યાએ વ્યવસ્થા મળશે, તેની ચિંતા આજે અમે કરીએ છીએ. અને તેના કારણે પરિવારના સભ્યો ભલે ગમે ત્યાં રહેતા હોય, તેઓ પણ તેનો લાભ લઇ શકે છે, આખા પરિવારને તેનો લાભ મળે છે, એટલું જ નહીં, જે લોકો બહારના રાજ્યોમાંથી આવ્યા છે, જેઓ પોતાના રાજ્યમાં હોય અને કોઇ સમસ્યા છે અને તેમના રાજ્યોની હોસ્પિટલોમાં પણ તેમને સેવાનો લાભ મળે, એટલે કે ભારતના નાગરિકોને આરોગ્યની સુવિધા આખા હિન્દુસ્તાનમાં ખૂણે ખૂણે મળી શકે, એવું આ સોનુ તમારા હાથમાં છે, ક્યારેય પણ મુંઝાવું નહીં પડે, તેની ચિંતા અમે કરીએ છીએ.

મને આજે આપ સૌને મળવાનો મોકો મળ્યો, તેનો મને ઘણો આનંદ છે, તમારા ખર્ચ વિશેની ચિંતાઓ હવે હળવી થઇ ગઇ છે, હું આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું, ખૂબ ખૂબ આભાર.

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1868747) Visitor Counter : 255