પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશ મારફતે વિશ્વકર્મા જયંતીના અવસર પર કૌશલ દીક્ષાંત સમારોહને સંબોધન કર્યું
"ઔદ્યોગિક તાલીમ સંસ્થાના 9 લાખથી વધુ વિદ્યાર્થીઓના સ્કીલ કોન્વોકેશન પ્રસંગે આજે ઇતિહાસ રચાયો છે"
"વિશ્વકર્મા જયંતી એ દરેક વ્યક્તિનું સન્માન છે જે સાચા અર્થમાં સખત પરિશ્રમ કરે છે, તે શ્રમનો દિવસ છે"
"ભારતમાં, આપણે હંમેશાં શ્રમિકની કુશળતામાં ભગવાનનું ચિત્રણ જોયું છે, તે વિશ્વકર્માનાં રૂપમાં જોવા મળે છે"
"આને ભારતની સદી બનાવવા માટે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ભારતના યુવાનો શિક્ષણની સાથે સાથે કૌશલ્યમાં પણ એટલા જ નિપુણ હોવા જોઈએ"
" જેમણે આઈટીઆઈમાંથી ટેકનિકલ તાલીમ લીધી છે એવા યુવાનોની ભરતી માટે લશ્કરમાં વિશેષ જોગવાઈ"
"આઇટીઆઇની ભૂમિકા આમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, આપણા યુવાનોએ આ શક્યતાઓનો મહત્તમ લાભ લેવો જોઈએ"
"ભારત કૌશલ્યમાં ગુણવત્તા ધરાવે છે અને વિવિધતા પણ ધરાવે છે"
"જ્યારે એક યુવાન પાસે શિક્ષણની શક્તિ તેમજ કૌશલ્યની શક્તિ હોય છે, ત્યારે તેનો આત્મવિશ્વાસ આપોઆપ વધી જાય છે"
"બદલાતા વૈશ્વિક સંજોગોમાં વિશ્વનો ભારતમાં વિશ્વાસ છે”
Posted On:
17 SEP 2022 3:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે સૌપ્રથમ એવા કૌશલ્ય દીક્ષાંત સમારોહ ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થાનાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં આશરે ૪૦ લાખ વિદ્યાર્થીઓ જોડાયા હતા.
અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, 21મી સદીમાં ભારત જ્યારે પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના 9 લાખથી વધારે વિદ્યાર્થીઓનાં કૌશલ્ય પ્રદાન સમારંભનાં પ્રસંગે આજે ઇતિહાસનું સર્જન થયું છે, ત્યારે 40 લાખથી વધારે વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ રીતે આપણી સાથે જોડાયેલાં છે. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, આ વિદ્યાર્થીઓ તેમનાં કૌશલ્ય સાથે ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ પર નવીનતાનાં માર્ગે પ્રથમ પગલું ભરે છે. તેમણે કહ્યું હતું કે, "હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે તમારી શરૂઆત જેટલી આનંદદાયક છે, તેટલી જ આવતીકાલ સુધીની તમારી યાત્રા પણ વધુ સર્જનાત્મક હશે."
વિશ્વકર્મા જયંતિની વિગતો આપતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સન્માન અને કૌશલ્યના અભિષેકનો ઉત્સવ છે. ભગવાનની મૂર્તિ બનાવતા શિલ્પકારની સરખામણી કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે વિશ્વકર્મા જયંતીનાં પાવન પર્વે વિદ્યાર્થીઓનાં કૌશલ્યોનું સન્માન અને કદર થઈ રહી છે એ આપણા સૌ માટે ગર્વની વાત છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "વિશ્વકર્મા જયંતી એ દરેક વ્યક્તિનું સન્માન છે, જે સાચા અર્થમાં સખત પરિશ્રમ કરે છે, તે શ્રમનો દિવસ છે." પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "ભારતમાં આપણે હંમેશાં શ્રમિકનાં કૌશલ્યમાં ભગવાનનું ચિત્રણ જોયું છે, તેઓ વિશ્વકર્માનાં રૂપમાં જોવા મળે છે." શ્રી મોદીએ વિસ્તૃતપણે જણાવ્યું હતું કે, તેમની પાસે જે કૌશલ્ય છે, તેમાં ક્યાંકને ક્યાંક ઈશ્વરનો અંશ રહેલો છે. તેમણે ઉમેર્યું હતું કે, "હું સમજું છું કે આ કાર્યક્રમ 'કૌશલ્યાંજલિ'ની જેમ ભગવાન વિશ્વકર્માને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ સમાન છે."
છેલ્લાં આઠ વર્ષમાં સરકારની સફળતાઓ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતે ભગવાન વિશ્વકર્માની પ્રેરણાથી નવી યોજનાઓની શરૂઆત કરી છે અને કૌશલ્ય વિકાસ પર ભાર મૂકીને 'શ્રમેવ જયતે'ની પરંપરાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આને ભારતની સદી બનાવવા માટે એ અતિ મહત્ત્વપૂર્ણ છે કે ભારતના યુવાનો શિક્ષણ અને કૌશલ્યમાં પણ એટલાં નિપુણ હોવાં જોઈએ." શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, સરકારે યુવાનોનાં કૌશલ્ય વિકાસ અને નવી સંસ્થાઓનાં સર્જનને પ્રાથમિકતા આપી છે. આપણા દેશમાં સૌપ્રથમ આઈટીઆઈની સ્થાપના ૧૯૫૦માં થઈ હતી. એ પછીના સાત દાયકામાં 10 હજાર આઈટીઆઈની રચના થઈ. અમારી સરકારનાં 8 વર્ષમાં દેશમાં લગભગ 5 હજાર નવી આઈટીઆઈ બનાવવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, છેલ્લાં 8 વર્ષમાં આઇટીઆઇમાં 4 લાખથી વધારે નવી બેઠકોનો ઉમેરો થયો છે."
પ્રધાનમંત્રીએ વિગતે જણાવ્યું હતું કે, આઇટીઆઇ ઉપરાંત દેશભરમાં રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થાઓ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્કિલ્સ અને હજારો કૌશલ્ય વિકાસ કેન્દ્રો પણ ખોલવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શાળા સ્તરે કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકાર 5000થી વધુ કૌશલ્ય કેન્દ્રો પણ ખોલવા જઈ રહી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનાં અમલીકરણ પછી, અનુભવ-આધારિત શિક્ષણને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને શાળાઓમાં કૌશલ્ય અભ્યાસક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી જ્યારે તેમણે વિદ્યાર્થીઓને માહિતી આપી કે, આઇટીઆઇમાં 10મું પાસ થયા પછી આવનારાઓને તેમનું 12મું ક્લિયરિંગ સર્ટિફિકેટ નેશનલ ઓપન સ્કૂલ મારફતે સરળતાથી મળી જશે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "આનાથી તમને વધુ અભ્યાસમાં વધારે અનુકૂળતા રહેશે." પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, જે યુવાનોએ આઈટીઆઈમાંથી ટેકનિકલ તાલીમ લીધી હોય તેવા યુવાનોની ભરતી માટે લશ્કરમાં ખાસ જોગવાઈ છે.
ચોથી ઔદ્યોગિક ક્રાંતિનાં યુગ 'ઇન્ડસ્ટ્રી 4.0' વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓએ ભારતની સફળતામાં મોટી ભૂમિકા અદા કરવાની છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, નોકરીનું સ્વરૂપ સમયની સાથે બદલાતું રહે છે, તેથી સરકારે ખાસ ધ્યાન રાખ્યું છે કે આપણા આઇટીઆઇમાં ભણતા વિદ્યાર્થીઓને પણ દરેક આધુનિક કોર્સની સુવિધા મળવી જોઇએ. અભ્યાસક્રમોની ઉપલબ્ધતા વિશે વિસ્તૃત વર્ણન કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આઇટીઆઇમાં કોડિંગ, એઆઇ, રોબોટિક્સ, થ્રીડી પ્રિન્ટિંગ, ડ્રૉન ટેકનોલોજી અને ટેલિમેડિસિન સાથે સંબંધિત ઘણા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, ભારત પુનઃપ્રાપ્ય ઊર્જા, સૌર ઊર્જા અને ઇલેક્ટ્રિક વાહનોનાં ક્ષેત્રમાં અગ્રેસર રહ્યું છે, ત્યારે આ પ્રકારનાં ક્ષેત્રો સાથે સંબંધિત અભ્યાસક્રમો આપણી ઘણી આઇટીઆઇમાં શરૂ કરવામાં આવ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, "તમારા જેવા વિદ્યાર્થીઓને રોજગારીની તકો મેળવવામાં સરળતા રહેશે."
દરેક ગામને ઓપ્ટિકલ ફાઇબર પ્રદાન કરવા અને લાખો કોમન સર્વિસ સેન્ટર ખોલવાનાં તાજેતરનાં ઘટનાક્રમો વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં જેમ-જેમ ટેકનોલોજી વિસ્તરી રહી છે, તેમ-તેમ રોજગારીની તકો પણ વધી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, આઈટીઆઈમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ગામડાઓમાં વધુને વધુ તકોનું નિર્માણ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ગામમાં મોબાઇલ રિપેરિંગનું કામ હોય કે પછી કૃષિમાં નવી ટેકનોલોજી સાથે સંબંધિત કામ હોય, ખાતરનો છંટકાવ કરવાની વાત હોય કે પછી ડ્રૉનની મદદથી દવાનો પુરવઠો પૂરો પાડવાની વાત હોય, ગ્રામીણ અર્થતંત્રમાં આ પ્રકારની ઘણી નવી રોજગારી ઉમેરવામાં આવી રહી છે." પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આઇટીઆઇની ભૂમિકા આમાં અતિ મહત્ત્વપૂર્ણ છે, આપણા યુવાનોએ આ શક્યતાઓનો મહત્તમ લાભ લેવો જોઈએ." પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, સરકાર પણ આ જ પ્રકારનાં વિઝનને ધ્યાનમાં રાખીને આઇટીઆઇને અપગ્રેડ કરવા સતત કામ કરી રહી છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કૌશલ્ય વિકાસની સાથે-સાથે યુવાનો માટે સોફ્ટ સ્કિલ્સ હોવી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. તેનું ઉદાહરણ આપીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, બિઝનેસ પ્લાન બનાવવા, બૅન્ક પાસેથી લોન મેળવવાની યોજના, જરૂરી ફોર્મ ભરવા અને નવી કંપનીની નોંધણી કરવા જેવી બાબતોને અભ્યાસક્રમના ભાગરૂપે આવરી લેવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સરકારનાં આ પ્રયાસોનું પરિણામ એ છે કે, આજે ભારત કૌશલ્યમાં ગુણવત્તા ધરાવે છે અને વિવિધતા પણ ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં આપણાં આઇટીઆઇ પાસ થયેલા ખેલાડીઓએ વિશ્વ કૌશલ્ય સ્પર્ધાઓમાં ઘણાં મોટાં ઇનામો જીત્યાં છે."
કૌશલ્ય વિકાસ વિશે વિસ્તૃત વર્ણન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જ્યારે એક યુવાન પાસે શિક્ષણની શક્તિ હોય છે અને કૌશલ્યની શક્તિ પણ હોય છે, ત્યારે તેનો આત્મવિશ્વાસ આપોઆપ વધી જાય છે. જ્યારે યુવાનો કુશળતાથી સશક્ત થઈને બહાર આવે છે, ત્યારે તેને પોતાનું કાર્ય કેવી રીતે શરૂ કરવું, સ્વરોજગારની આ ભાવનાને ટેકો આપવો એ માટે એક વિચાર આવે છે." પ્રધાનમંત્રીએ મુદ્રા યોજના, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવી યોજનાઓની શક્તિ પર પ્રકાશ પાડ્યો હતો, જે ગૅરન્ટી વિના લોન પ્રદાન કરે છે.
"ધ્યેય તમારી સમક્ષ છે, તમારે તે દિશામાં આગળ વધવું પડશે. આજે દેશે તમારો હાથ પકડ્યો છે, આવતીકાલે તમારે દેશને આગળ વધારવાનો છે, એવો આગ્રહ પ્રધાનમંત્રીએ કર્યો હતો. આઝાદી કા અમૃત કાલ પ્રત્યે સૌનું ધ્યાન દોરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આપણાં જીવનનાં આગામી 25 વર્ષ ભારત માટેનાં આગામી 25 વર્ષ જેટલાં જ મહત્ત્વપૂર્ણ છે. "તમે બધા મેક ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલ કેમ્પેઇનના નેતા છો. તમે ભારતના ઉદ્યોગની કરોડરજ્જુ જેવા છો અને એટલે જ વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં તમારી મોટી ભૂમિકા છે."
વૈશ્વિક સ્તરે રહેલી તકો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વના ઘણા મોટા દેશોને તેમનાં સ્વપ્નો સાકાર કરવા અને ગતિ જાળવી રાખવા માટે કુશળ કાર્યદળની જરૂર છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં અને વિદેશમાં ઘણી તકો રાહ જોઇ રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "બદલાતા વૈશ્વિક સંજોગોમાં ભારતમાં વિશ્વનો વિશ્વાસ પણ સતત વધી રહ્યો છે. કોરોના કાળમાં પણ ભારતે સાબિત કરી દીધું છે કે કેવી રીતે તેનું કુશળ કાર્યબળ અને તેના યુવાનો સૌથી મોટા પડકારોનો ઉકેલ આપવા માટે સક્ષમ છે." પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતીયો તેમની કુશળતા અને પ્રતિભાને કારણે દરેક દેશમાં આગવી ઓળખ ઊભી કરે છે, પછી તે સ્વાસ્થ્ય સેવાઓ હોય કે હોટેલ-હૉસ્પિટલ મેનેજમેન્ટ, ડિજિટલ સોલ્યુશન હોય કે આપત્તિ વ્યવસ્થાપનનું ક્ષેત્ર હોય.
પોતાનાં સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ કૌશલ્યોને અપગ્રેડ કરવાનું જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જે તેમનાં ભવિષ્યનો પાયો બનશે. શ્રી મોદીએ કહ્યું હતું કે, "જ્યારે કૌશલ્યની વાત આવે છે, ત્યારે તમારો મંત્ર હોવો જોઈએ, 'સ્કિલિંગ', 'રિસ્કિલિંગ' અને 'અપસ્કિલિંગ'!" પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને નવાં કૌશલ્યો શીખવાં અને તેમનું જ્ઞાન વહેંચવા વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મને ખાતરી છે કે, તમે આ ગતિએ આગળ વધશો અને તમારાં કૌશલ્ય સાથે તમે નવા ભારતના વધુ સારાં ભવિષ્યને દિશા આપશો."
YP/GP/JD
(Release ID: 1860195)
Visitor Counter : 227
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam