પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ગેટ પર 'કર્તવ્ય પથ'નું ઉદઘાટન કર્યું અને નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કર્યું

"ગુલામીનું પ્રતીક કિંગ્સવે એટલે કે રાજપથ આજથી ઇતિહાસનો વિષય બની ગયો છે અને કાયમ માટે ભૂંસાઈ ગયો છે"

"અમારો પ્રયાસ છે કે નેતાજીની ઊર્જા આજે દેશને માર્ગદર્શન આપે. 'કર્તવ્ય પથ' પર નેતાજીની પ્રતિમા તેના માટે એક માધ્યમ બની જશે"

નેતાજી સુભાષ અખંડ ભારતના પહેલા વડા હતા, જેમણે 1947 પહેલાં આંદામાનને આઝાદ કરાવ્યું હતું અને તિરંગો લહેરાવ્યો હતો"

"આજે ભારતનાં આદર્શો અને પરિમાણો તેનાં પોતાનાં છે. આજે ભારતનો સંકલ્પ પોતાનો છે અને તેનાં લક્ષ્યો પોતાનાં છે. આજે, આપણા માર્ગો આપણા છે, આપણાં પ્રતીકો આપણાં પોતાનાં છે"

"દેશવાસીઓની વિચારસરણી અને વર્તન બંને ગુલામીની માનસિકતામાંથી મુક્ત થઈ રહ્યાં છે"

"રાજપથની ભાવના અને માળખું ગુલામીનું પ્રતીક હતું, પરંતુ આજે સ્થાપત્યમાં પરિવર્તન સાથે, તેની ભાવના પણ બદલાઈ ગઈ છે"
"સેન્ટ્રલ વિસ્ટાના શ્રમજીવીઓ અને તેમના પરિવારજનો આગામી પ્રજાસત્તાક દિવસની પરેડમાં મારા વિશેષ અતિથિઓ રહેશે"

"નવા સંસદ ભવન પર કામ કરતા શ્રમિકોને એક ગૅલેરીમાં સન્માનનું સ્થાન મળશે"

"શ્રમેવ જયતે'

Posted On: 08 SEP 2022 9:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'કર્તવ્ય પથ'નું ઉદ્ઘાટન કર્યું હતું. તે સત્તાનાં પ્રતિક તરીકે ભૂતપૂર્વ રાજપથથી, જાહેર માલિકી અને સશક્તીકરણના ઉદાહરણ તરીકે કર્તવ્ય પથ તરફના સ્થળાંતરનું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ઇન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું.

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવના સમયમાં આજે દેશને એક નવી પ્રેરણા અને ઊર્જાનો અનુભવ થયો હતો. "આજે, આપણે ભૂતકાળને પાછળ છોડીને, આવતીકાલના ચિત્રને નવા રંગોથી ભરી રહ્યા છીએ. આજે આ નવી આભા દરેક જગ્યાએ દેખાય છે, નવા ભારતના આત્મવિશ્વાસની આભા છે", એમ તેમણે કહ્યું. તેમણે આગળ કહ્યું , "ગુલામીનું પ્રતીક કિંગ્સવે એટલે કે રાજપથ આજથી ઇતિહાસનો વિષય બની ગયો છે અને કાયમ માટે ભૂંસાઈ ગયો છે. આજે 'કર્તવ્ય પથ'નાં રૂપમાં એક નવો ઇતિહાસ રચાયો છે. હું સ્વતંત્રતાના આ અમૃત કાળમાં, ગુલામીની વધુ એક ઓળખમાંથી મુક્તિ માટે તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે ઇન્ડિયા ગેટ નજીક આપણા રાષ્ટ્રીય નાયક નેતાજી સુભાષચંદ્ર બોઝની એક વિશાળ પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. "ગુલામીના સમયે, ત્યાં બ્રિટિશ રાજના પ્રતિનિધિની પ્રતિમા હતી. આજે દેશે આ જ સ્થળે નેતાજીની પ્રતિમા સ્થાપિત કરીને એક આધુનિક, મજબૂત ભારતને જીવંત પણ બનાવ્યું છે." નેતાજીની મહાનતાને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સુભાષચંદ્ર બોઝ એવી મહાન વ્યક્તિ હતા કે જેઓ પદ અને સંસાધનોના પડકારથી પર હતા. તેમની સ્વીકૃતિ એવી હતી કે આખી દુનિયા તેમને નેતા માનતી હતી. તેમનામાં હિંમત અને સ્વાભિમાન હતું. તેમની પાસે વિચારો હતા, તેમની પાસે સ્વપ્નો હતાં. તેમનામાં નેતૃત્વની ક્ષમતા હતી અને તેમની પાસે નીતિઓ હતી."

તેમણે કહ્યું હતું કે, કોઈ પણ દેશે પોતાના ભવ્ય ભૂતકાળને ભૂલવો ન જોઈએ. ભારતનો ગૌરવશાળી ઇતિહાસ દરેક ભારતીયના લોહીમાં અને પરંપરામાં રહેલો છે. પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે, નેતાજીને ભારતની ધરોહર પર ગર્વ હતો અને સાથે સાથે તેઓ ભારતને આધુનિક બનાવવા માગતા હતા. "જો આઝાદી પછી ભારત સુભાષબાબુના માર્ગે ચાલ્યું હોત, તો આજે દેશ કેટલી ઊંચાઈએ હોત! પરંતુ કમનસીબે, આપણો આ મહાન નાયક આઝાદી પછી વિસરાઇ ગયો. તેમના વિચારો, તેમની સાથે સંકળાયેલાં પ્રતીકોની પણ અવગણના કરવામાં આવી હતી”, એવો તેમણે વસવસો વ્યક્ત કર્યો હતો. તેમણે નેતાજીની 125મી જન્મજયંતીના પ્રસંગે કોલકાતામાં નેતાજીના નિવાસસ્થાને લીધેલી તેમની મુલાકાતને યાદ કરી હતી અને એ સમયે તેમણે અનુભવેલી ઊર્જાને યાદ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અમારો પ્રયાસ છે કે નેતાજીની ઊર્જા આજે દેશને માર્ગદર્શન આપે. 'કર્તવ્ય પથ' પર નેતાજીની પ્રતિમા તેના માટે એક માધ્યમ બની જશે' એમ તેમણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "છેલ્લાં આઠ વર્ષમાં અમે એક પછી એક એવા અનેક નિર્ણયો લીધા છે, જે નેતાજીનાં આદર્શો અને સ્વપ્નોથી છલકાય છે. નેતાજી સુભાષ અખંડ ભારતના પ્રથમ વડા હતા, જેમણે 1947 પહેલા આંદામાનને આઝાદ કરાવ્યું હતું અને તિરંગો લહેરાવ્યો હતો. તે સમયે તેમણે કલ્પના કરી હતી કે લાલ કિલ્લા પર તિરંગો લહેરાવવો કેવો હશે. આઝાદ હિન્દ સરકારના 75 વર્ષ પૂરા થવાના પ્રસંગે જ્યારે મને લાલ કિલ્લા પર તિરંગો ફરકાવવાનું સૌભાગ્ય મળ્યું હતું, ત્યારે મેં વ્યક્તિગત રીતે આ ભાવનાનો અનુભવ કર્યો હતો.” તેમણે લાલ કિલ્લામાં નેતાજી અને આઝાદ હિંદ ફૌઝને સમર્પિત સંગ્રહાલય વિશે પણ વાત કરી હતી. તેમણે વર્ષ 2019માં પ્રજાસત્તાક દિવસની પરેડને પણ યાદ કરી હતી, જેમાં જે દિગ્ગજો માટે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી એ આઝાદ હિન્દ ફૌજની ટુકડીએ કૂચ પણ કરી હતી. એ જ રીતે આંદામાન ટાપુઓમાં પણ ઓળખ અને તેમના જોડાણને મજબૂત બનાવવામાં આવ્યા હતા.

'પંચ પ્રણ' પ્રત્યે રાષ્ટ્રની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અત્યારે ભારતના આદર્શો અને પરિમાણો તેના પોતાના છે. આજે ભારતનો સંકલ્પ પોતાનો છે અને તેના લક્ષ્યો પોતાના છે. આજે આપણા માર્ગો આપણા છે, આપણા પ્રતીકો આપણા પોતાના છે." તેમણે આગળ કહ્યું, "આજે જ્યારે રાજપથનું અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું છે અને તે કર્તવ્ય માર્ગ બની ગયો છે. આજે જ્યારે નેતાજીની પ્રતિમાએ જ્યોર્જ પાંચમાની પ્રતિમાનાં નિશાનને બદલી નાખ્યું છે, ત્યારે ગુલામીની માનસિકતાનો ત્યાગ કરવાનું આ પહેલું ઉદાહરણ નથી. આ ન તો શરૂઆત છે અને ન તો અંત છે. મન અને ભાવનાની સ્વતંત્રતાનું લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે નિશ્ચયની સતત યાત્રા છે." તેમણે રેસકોર્સ રોડના સ્થાને પ્રધાનમંત્રી આવાસનું નામ બદલીને લોક કલ્યાણ માર્ગ, સ્વતંત્રતા દિવસના સમારંભોમાં અને બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીમાં ભારતીય સંગીતના સાધનો જેવા મહત્ત્વપૂર્ણ પરિવર્તનો વિશે પણ વાત કરી હતી. તેમણે ભારતીય નૌકાદળ દ્વારા વસાહતીથી છત્રપતિ શિવાજીની નિશાનીમાં ફેરવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, "એ જ રીતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પણ દેશનાં ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ફેરફારો માત્ર પ્રતીકો સુધી જ મર્યાદિત નથી, પણ દેશની નીતિઓમાં પણ ઉમેરો કરે છે. "આજે દેશે બ્રિટિશ યુગથી ચાલી રહેલા સેંકડો કાયદાઓને બદલી નાખ્યા છે. આટલા દાયકાઓથી બ્રિટિશ સંસદના સમયને અનુસરતા ભારતીય બજેટનો સમય અને તારીખ પણ બદલાઈ ગયા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા હવે દેશના યુવાનોને વિદેશી ભાષાની મજબૂરીમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે." તેમણે ઉમેર્યું હતું કે, "એનો અર્થ એ થયો કે દેશવાસીઓની વિચારસરણી અને વર્તણૂક બંને ગુલામીની માનસિકતામાંથી મુક્ત છે." પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કર્તવ્ય માર્ગ એ માત્ર ઇંટો અને પત્થરોનો માર્ગ નથી, પણ ભારતના લોકતાંત્રિક ભૂતકાળ અને અત્યાર સુધીના આદર્શોનું જીવંત ઉદાહરણ છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, જ્યારે દેશના લોકો અહીં આવશે, ત્યારે નેતાજીની પ્રતિમા અને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક મહાન પ્રેરણાનો સ્ત્રોત બનશે અને તેનાથી તેઓ કર્તવ્યની ભાવનાથી ભરાઈ જશે. પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે તેનાથી ઊલટું, રાજપથ બ્રિટિશ રાજ માટે હતો, જેઓ ભારતના લોકોને ગુલામ માનતા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજપથની લાગણી અને માળખું ગુલામીનું પ્રતીક છે, પણ આજે સ્થાપત્યમાં પરિવર્તન સાથે તેની ભાવનામાં પણ પરિવર્તન આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકથી રાષ્ટ્રપતિ ભવન સુધીનો આ કર્તવ્ય પથ ફરજની ભાવના સાથે વાઇબ્રન્ટ થશે.

પ્રધાનમંત્રીએ શ્રમિક અને કામદારો પ્રત્યે,  માત્ર કર્તવ્ય માર્ગના પુનર્વિકાસમાં ભૌતિક પ્રદાન માટે જ નહીં, પરંતુ તેમના શ્રમની ઊંચાઈ માટે પણ વિશેષ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી, જે રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્યનું જીવંત ઉદાહરણ છે. શ્રમજીવીઓ સાથેની તેમની બેઠક વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ દેશના ગૌરવના સ્વપ્નની પ્રશંસા કરી હતી, જેને તેઓ તેમના હૃદયમાં રાખે છે. સેન્ટ્રલ વિસ્ટાના શ્રમજીવીઓ અને તેમના પરિવારો આગામી પ્રજાસત્તાક દિનની પરેડમાં પ્રધાનમંત્રીના વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રીએ એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી કે, આજે દેશમાં શ્રમ અને શ્રમજીવી (કામદારો)ની સન્માનની પરંપરા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નીતિઓમાં સંવેદનશીલતાની સાથે નિર્ણયોમાં સંવેદનશીલતા જોવા મળે છે અને 'શ્રમેવ જયતે' દેશ માટે મંત્ર બની રહ્યો છે. તેમણે કાશી વિશ્વનાથ ધામ, વિક્રાંત અને પ્રયાગરાજ કુંભમાં કામદારો સાથેની વાતચીતના કિસ્સાઓને યાદ કર્યા હતા. તેમણે માહિતી આપી હતી કે, નવાં સંસદ ભવન પર કામ કરતા કામદારોને એક ગૅલેરીમાં સન્માનનું સ્થાન મળશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે ભારત ભૌતિક, ડિજિટલ અને પરિવહન માળખાગત સુવિધાની સાથે સાંસ્કૃતિક માળખાગત સુવિધા પર પણ કામ કરી રહ્યું છે. સામાજિક માળખાગત સુવિધા માટે તેમણે નવી એઈમ્સ અને મેડિકલ કૉલેજો, આઈઆઈટી, વોટર કનેક્શન્સ અને અમૃત સરોવરના ઉદાહરણો આપ્યા હતા. ગ્રામીણ માર્ગો અને વિક્રમી સંખ્યામાં આધુનિક એક્સપ્રેસવેઝ, રેલવે અને મેટ્રો નેટવર્ક તથા નવા એરપોર્ટ્સ અભૂતપૂર્વ રીતે પરિવહન માળખાનું વિસ્તરણ કરી રહ્યા છે. પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબર અને ડિજિટલ ચૂકવણીના રેકોર્ડ્સે ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક પ્રશંસાનો વિષય બનાવ્યો છે. સાંસ્કૃતિક માળખા વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેનો અર્થ માત્ર આસ્થાના સ્થળો સાથે સંકળાયેલું માળખું જ નથી, પણ તેમાં આપણો ઇતિહાસ, આપણા રાષ્ટ્રીય નાયકો અને આપણા રાષ્ટ્રીય વારસા સાથે સંબંધિત માળખાગત સુવિધાઓ પણ સામેલ છે. તેમણે કહ્યું કે આવી સાઇટ્સનો વિકાસ પણ સમાન તાકીદે થઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "સરદાર પટેલનું સ્ટેચ્યુ ઑફ યુનિટી હોય કે પછી આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓને સમર્પિત સંગ્રહાલય હોય, પીએમ મ્યુઝિયમ હોય કે બાબાસાહેબ આંબેડકર સ્મારક હોય, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક હોય કે પછી રાષ્ટ્રીય પોલીસ સ્મારક હોય, આ સાંસ્કૃતિક માળખાગત સુવિધાનાં ઉદાહરણો છે." શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, તે આપણી સંસ્કૃતિને એક રાષ્ટ્ર તરીકે પરિભાષિત કરે છે. તે વ્યાખ્યાયિત કરે છે કે આપણાં મૂલ્યો શું છે, અને આપણે તેમનું રક્ષણ કેવી રીતે કરી રહ્યા છીએ. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મહત્ત્વાકાંક્ષી ભારત સંપૂર્ણ રીતે સામાજિક માળખાગત સુવિધા, પરિવહન માળખાગત સુવિધા, ડિજિટલ માળખાગત સુવિધા અને સાંસ્કૃતિક માળખાગત સુવિધાને વેગ આપીને જ ઝડપી પ્રગતિ કરી શકે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "મને ખુશી છે કે, આજે દેશને કર્તવ્ય પથ સ્વરૂપે સાંસ્કૃતિક માળખાનું વધુ એક મોટું ઉદાહરણ મળી રહ્યું છે."

પોતાના સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ દેશના દરેક નાગરિકને આહવાન કર્યું હતું અને આ નવનિર્મિત કર્તવ્ય માર્ગને તેની ભવ્યતામાં જોવા આવવા આમંત્રણ પાઠવ્યું હતું. "તેના વિકાસમાં, તમે ભવિષ્યનું ભારત જોશો. અહીંની ઊર્જા તમને આપણા વિશાળ રાષ્ટ્ર માટે એક નવું વિઝન, એક નવી માન્યતા આપશે" એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષનાં જીવન પર આધારિત ડ્રોન શૉનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે આગામી ત્રણ દિવસ સુધી ચાલશે. પ્રધાનમંત્રીએ નાગરિકોને મુલાકાત લેવા અને તસવીરો લેવા પણ અપીલ કરી હતી, જેને #KartavyaPath હેશટેગ સાથે સોશિયલ મીડિયા પર અપલોડ કરી શકાય છે. "હું જાણું છું કે આ આખો વિસ્તાર દિલ્હીના લોકોના ધબકારા છે, અને મોટી સંખ્યામાં લોકો તેમના પરિવાર સાથે સાંજે સમય પસાર કરવા આવે છે. તેમણે જણાવ્યું હતું કે, કર્તવ્ય પથનું આયોજન, ડિઝાઇનિંગ અને લાઇટિંગ પણ આને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "હું માનું છું કે કર્તવ્ય પથની આ પ્રેરણાથી દેશમાં કર્તવ્યનો પ્રવાહ ઊભો થશે અને આ પ્રવાહ આપણને નવા અને વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા તરફ લઈ જશે."

આ પ્રસંગે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપ સિંહ પુરી, કેન્દ્રીય પ્રવાસન મંત્રી શ્રી જી કિશન રેડ્ડી, ભારતનાં સાંસ્કૃતિક રાજ્ય મંત્રીઓ શ્રી અર્જુન રામ મેઘવાલ અને શ્રીમતી મીનાક્ષી લેખી તથા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી શ્રી કૌશલ કિશોર ઉપસ્થિત રહ્યાં હતાં.

 

પશ્ચાદભૂમિકા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'કર્તવ્ય પથ'નું ઉદ્ઘાટન કર્યું હતું. તે સત્તાના પ્રતિક એવા ભૂતપૂર્વ રાજપથથી, જાહેર માલિકી અને સશક્તીકરણનું ઉદાહરણ એવા કર્તવ્ય પથ તરફના સ્થળાંતરનું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ઇન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. આ પગલાં અમૃત કાળમાં નવા ભારત માટે પ્રધાનમંત્રીના બીજા 'પંચ પ્રણ' સાથે સુસંગત છે: 'સંસ્થાનવાદી માનસિકતાના કોઈ પણ ચિહ્નોને દૂર કરો'.

વર્ષોથી, રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા એવન્યુની આસપાસના વિસ્તારોમાં મુલાકાતીઓની અવરજવરમાં વધારો થવાનું દબાણ જોવા મળી રહ્યું હતું, જેના કારણે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર પડતો હતો. તેમાં જાહેર શૌચાલયો, પીવાનું પાણી, શેરી ફર્નિચર અને પાર્કિંગની પૂરતી જગ્યા જેવી પાયાની સુવિધાઓનો અભાવ હતો. આ ઉપરાંત, અપૂરતા સંકેતો, પાણીની સુવિધાઓની નબળી જાળવણી અને આડેધડ પાર્કિંગ હતું. ઉપરાંત, પ્રજાસત્તાક દિનની પરેડ અને અન્ય રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન જાહેર અવરજવર પર ઓછામાં ઓછા પ્રતિબંધો સાથે ઓછું વિક્ષેપજનક રીતે કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી. આર્કિટેક્ચરલ માળખાની અખંડિતતા અને સાતત્યની ખાતરી કરવા સાથે આ ચિંતાઓને ધ્યાનમાં રાખીને પુનર્વિકાસ કરવામાં આવ્યો છે.

કર્તવ્ય પથ સુંદર લેન્ડસ્કેપ્સ, વૉક-વે સાથે લૉન, વધારાની હરિયાળી જગ્યાઓ, નવીનીકૃત નહેરો, નવા સુવિધા બ્લોક્સ, સુધારેલા સંકેતો અને વેન્ડિંગ કિઓસ્કનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત, નવા પેડેસ્ટ્રિયન અંડરપાસ, સુધારેલી પાર્કિંગ સ્પેસ, નવી એક્ઝિબિશન પેનલ્સ અને અપગ્રેડેડ નાઇટ લાઇટિંગ એ કેટલીક અન્ય સુવિધાઓ છે જે જાહેર અનુભવને વધારશે. તેમાં ઘન કચરાનું વ્યવસ્થાપન, સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ, વપરાયેલા પાણીનું રિસાયક્લિંગ, વરસાદી પાણીનો સંગ્રહ, જળ સંરક્ષણ અને ઊર્જા-કાર્યક્ષમ લાઇટિંગ સિસ્ટમ જેવી અનેક ટકાઉપણાની લાક્ષણિકતાઓનો પણ સમાવેશ થાય છે.

નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા, જેનું પ્રધાનમંત્રીએ અનાવરણ કર્યું હતું, તે એ જ જગ્યાએ સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ આ વર્ષની શરૂઆતમાં તેમના દ્વારા પરાક્રમ દિવસ, 23 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. ગ્રેનાઇટની આ પ્રતિમા આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતાજીનાં અપાર યોગદાનને એક ઉચિત શ્રદ્ધાંજલિ છે અને તે તેમના પ્રત્યે દેશનાં ઋણનું પ્રતીક બની રહેશે. મુખ્ય શિલ્પકાર શ્રી અરુણ યોગીરાજ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ 28 ફૂટ ઊંચી પ્રતિમાને મોનોલિથિક ગ્રેનાઇટ પથ્થરમાંથી કોતરવામાં આવી છે અને તેનું વજન 65 મેટ્રિક ટન છે.

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1857954) Visitor Counter : 153