ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે તિરુવનંતપુરમમાં સધર્ન ઝોનલ કાઉન્સિલની 30મી બેઠકની અધ્યક્ષતા કરી


Posted On: 03 SEP 2022 5:07PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ આગામી ઓણમ તહેવાર પર કેરળના લોકોને શુભેચ્છા પાઠવી હતી. કેરળ પ્રાકૃતિક સૌંદર્યનું પ્રતીક છે, ઓણમ કેરળ માટે જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિનો મુખ્ય તહેવાર છે.

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં છેલ્લાં આઠ વર્ષમાં ઝોનલ કાઉન્સિલનું ક્લેવર બદલાઇ ગયું છે અને કાઉન્સિલો દ્વારા યોજાતી બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલાં 'હર ઘર તિરંગા' અભિયાનમાં નાગરિકોએ તેમનાં રાજ્ય, જાતિ, ધર્મથી ઉપર ઉઠીને પોતાનાં ઘર પર તિરંગો ફરકાવીને એકતા અને દેશભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

 

દેશનાં ઉજ્જવળ ભવિષ્ય માટે આઝાદી કા અમૃત મહોત્સવના આગામી અગિયાર મહિના દરમિયાન દેશભક્તિની ભાવનાને જમીની સ્તર પર લઈ જવા માટે સૌએ સાથે મળીને કામ કરવાની જરૂર છે.

 

તિરુવનંતપુરમ ખાતે આજે મળેલી સધર્ન ઝોનલ કાઉન્સિલની 30મી બેઠકમાં કુલ 26 મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, 9 મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું, 17 મુદ્દાઓ વધુ વિચારણા માટે અનામત રાખવામાં આવ્યા હતા, જેમાંથી 9 મુદ્દાઓ આંધ્ર પ્રદેશનાં પુનર્ગઠન સાથે સંબંધિત છે.

 

કેન્દ્રીય ગૃહ પ્રધાને આંધ્ર પ્રદેશ અને તેલંગાણાને તેમના પડતર મુદ્દાઓનું પરસ્પર સમાધાન કરવા વિનંતી કરી

 

દક્ષિણ ભારત સાથે પ્રધાનમંત્રીને વિશેષ લગાવ છે, એટલે જ વર્ષ 2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ શ્રી નરેન્દ્ર મોદીએ સાગરમાલા પ્રોજેક્ટની સાથે દરિયા કિનારાનાં રાજ્યોના વિકાસ માટે મુખ્ય બંદરોનાં અપગ્રેડેશન માટે વિવિધ યોજનાઓ શરૂ કરી હતી.

 

વર્ષ 2014 અગાઉ ઝોનલ કાઉન્સિલની બેઠકોમાં ઉકેલાતા મુદ્દાઓની ટકાવારી 43 હતી, જે હવે વધીને 64 ટકા થઈ ગઈ છે.

 

ઝોનલ કાઉન્સિલની બેઠકોમાં 2006થી 2013 વચ્ચે 104 મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, 2014થી 2022 સુધીમાં 555 મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી અને તેમાંથી 64 ટકા મુદ્દાઓ પરસ્પર સંમતિથી ઉકેલવામાં આવ્યા હતા.

 

76,000 કરોડ રૂપિયાની કિંમતની 108 પરિયોજનાઓ પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે 1,32,000 કરોડ રૂપિયાની 98 પરિયોજનાઓનું નિર્માણ ચાલી રહ્યું છે અને તટીય રાજ્યો માટે 'સાગરમાલા' હેઠળ 2 લાખ કરોડ રૂપિયાની યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે.

 

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ બ્લૂ રિવોલ્યુશન માટે દરિયા કિનારાના જિલ્લાઓના સર્વાંગી વિકાસ માટે કુલ રૂ. 7,737 કરોડના ખર્ચે 61 પરિયોજનાઓનું નિર્માણ ચાલી રહ્યું છે.

 

વર્ષ 2015થી અત્યાર સુધીમાં દક્ષિણનાં રાજ્યો આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને તેલંગાણામાં મત્સ્યપાલન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ યોજના માટે રૂ. 4,206 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે અને તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં બંદરો અને મત્સ્યપાલન માટે મૂળભૂત માળખાગત સુવિધાઓ વિકસાવવા 56 પ્રોજેક્ટ્સ માટે રૂ. 2,711 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

 

આપણા 7,500 કિલોમીટર લાંબા દરિયાકિનારામાંથી લગભગ 4,800 કિલોમીટર દક્ષિણ ઝોનલ કાઉન્સિલ સાથે જોડાયેલાં રાજ્યોમાં સ્થિત છે, દેશનાં 12 મુખ્ય બંદરોમાંથી 7 આ ક્ષેત્રમાં આવેલાં છે.

 

ભારતમાં માછીમારીનાં 3,461 ગામડાંઓમાંથી 1,763 ગામડાંઓ સધર્ન ઝોનલ કાઉન્સિલ વિસ્તારમાં આવેલાં છે અને દરિયાઈ ઉત્પાદનોનો વેપાર અને નિકાસ વધારવાની અપાર સંભાવનાઓ રહેલી છે.

 

કેન્દ્રીય ગૃહ મંત્રીએ સધર્ન ઝોનલ કાઉન્સિલનાં તમામ રાજ્યોને પાણીની વહેંચણી સાથે સંબંધિત સમસ્યાઓનું સંયુક્ત સમાધાન શોધવાની અપીલ કરી હતી.

 

સધર્ન ઝોનલ કાઉન્સિલની સ્ટેન્ડિંગ કમિટીની 12મી બેઠકમાં કુલ 89 મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, જેમાંથી 63 મુદ્દાઓ પરસ્પર સંમતિથી સમાધાન કરવામાં આવ્યા હતા, જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

 

ઝોનલ કાઉન્સિલની બેઠકોના મુખ્ય ઉદ્દેશો છે – કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના વિવાદોનું સુખદ સમાધાન અને આંતર-રાજ્ય વિવાદો પરસ્પર સમજૂતી દ્વારા ઉકેલવા, રાજ્યો વચ્ચે પ્રાદેશિક સહકારને પ્રોત્સાહન આપવું, સમાન રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર તમામ રાજ્યો માટે મનોમંથન કરવા માટે એક મંચ પ્રદાન કરવો અને તમામ હિતધારકો વચ્ચે સહકારને મજબૂત કરવા માટે એક સહયોગી વ્યવસ્થા સ્થાપિત કરવી.

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના સર્વાંગી વિકાસ માટે દેશ સમક્ષ ટીમ ઇન્ડિયાની કલ્પના મૂકી છે અને બધાં રાજ્યો સાથે મળીને ટીમ ઇન્ડિયાની રચના કરે છે.

 

ગૃહ મંત્રાલયે અત્યંત તકેદારી સાથે નશીલા દ્રવ્યોની સમસ્યા પર કડક હાથે કામ લેવાનો પ્રયાસ કર્યો છે, રાજ્યોએ 'નાર્કો કોઓર્ડિનેશન સેન્ટર (એનસીઓઆરડી)ની નિયમિત બેઠકો યોજવી જોઈએ અને તેમને જિલ્લા સ્તરે લઈ જવી જોઈએ.

 

12 લાખથી વધુ માછીમારોને QR-સક્ષમ પીવીસી આધાર કાર્ડ આપવામાં આવ્યા છે, જેનાથી દરિયા કિનારાનાં રાજ્યોમાંથી માછીમારોની ઓળખ કરવાની સુવિધા તો મળશે જ, સાથે-સાથે દેશની દરિયાઈ સુરક્ષા પણ મજબૂત થશે.

 

ફોરેન્સિક સાયન્સ લેબ સ્થાપિત કરવા માટેની નીતિ તૈયાર કરવામાં આવી છે અને તેને રાજ્યોને મોકલવામાં આવી છે, જેનાથી દોષિત ઠેરવવાનો દર વધશે.

 

મોદી સરકારનું લક્ષ્ય છે કે દર પાંચ કિલોમીટરે એક બૅન્ક શાખા હોય, આ માટે સધર્ન ઝોનલ કાઉન્સિલનાં સભ્ય રાજ્યોએ પોતપોતાના વિસ્તારનાં દરેક ગામથી પાંચ કિલોમીટરની અંદર બૅન્કિંગ સુવિધાઓ પૂરી પાડવાના પ્રયાસો કરવા જોઈએ અને સહકારી બૅન્કોને શાખાઓ ખોલવા માટે રાજી કરવી જોઈએ.

 

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે તિરુવનંતપુરમમાં સધર્ન ઝોનલ કાઉન્સિલની 30મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુના મુખ્યમંત્રીઓ, પુડુચેરી, આંદામાન અને નિકોબાર ટાપુઓના લેફ્ટનન્ટ ગવર્નરો, લક્ષદ્વીપના વહીવટકર્તા, સધર્ન ઝોનલ કાઉન્સિલ રાજ્યોના મુખ્ય સચિવો, કેન્દ્રીય ગૃહ સચિવ, આંતર-રાજ્ય પરિષદ સચિવાલયના સચિવ અને રાજ્ય અને કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ તેમનાં પ્રારંભિક સંબોધનમાં કુદરતી સૌંદર્યનાં નિવાસસ્થાન એવાં કેરળના લોકોને 'ઓણમ'ની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, ઓણમ કેરળનો જ નહીં, પણ ભારતીય સંસ્કૃતિનો મુખ્ય તહેવાર છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ વર્ષ દેશના ઇતિહાસમાં ખૂબ મહત્વનું છે કારણ કે આ વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવનાં વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલાં 'હર ઘર તિરંગા' અભિયાનમાં દેશવાસીએ તેમનાં રાજ્ય સાથે જોડાણ, જ્ઞાતિ, ધર્મથી ઉપર ઊઠીને પોતાનાં ઘરો પર તિરંગો ફરકાવીને એકતા અને દેશભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. શ્રી શાહે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવા બદલ તમામ રાજ્યોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દેશનાં ઉજ્જવળ ભવિષ્ય માટે આઝાદી કા અમૃત મહોત્સવના આગામી અગિયાર મહિનામાં દેશભક્તિની આ ભાવનાને જમીની સ્તર પર લાવવા માટે સૌએ સાથે મળીને કામ કરવાની જરૂર છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં છેલ્લાં આઠ વર્ષમાં ઝોનલ કાઉન્સિલનાં ક્લેવરમાં પરિવર્તન આવ્યું છે અને તેની બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 2014 પહેલા ઝોનલ કાઉન્સિલની એક વર્ષમાં સરેરાશ બે બેઠકો થતી હતી, જે આ સરકારે વધારીને 2.7 કરી દીધી છે. સ્થાયી સમિતિઓની સરેરાશ 1.4 બેઠકો થતી હતી, આ સરકારે આને પણ લગભગ બમણી કરીને 2.75 કરી દીધી છે. વર્ષ 2014 પહેલા ઝોનલ કાઉન્સિલની બેઠકોમાં ઉકેલાયેલા મુદ્દાઓની ટકાવારી 43 હતી, હવે તે વધીને 64 ટકા થઈ ગઈ છે. 2006થી 2013ની વચ્ચે, ઝોનલ કાઉન્સિલની બેઠકોમાં 104 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, 2014થી 2022 સુધીમાં, 555 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને તેમાંથી 64 ટકા પરસ્પર સંમતિથી ઉકેલવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દરિયાકાંઠાનાં 9 રાજ્યોમાંથી 4 રાજ્યો અને 3માંથી 4 કેન્દ્ર શાસિત પ્રદેશો સધર્ન ઝોનલ કાઉન્સિલનાં સભ્ય છે, જેનો અર્થ એ થયો કે કુલ 7,500 કિલોમીટર લાંબા દરિયાકિનારામાંથી આશરે 4,800 કિલોમીટરનો સમુદ્રતટ આ રાજ્યો હેઠળ આવે છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, ભારતનાં 12 મુખ્ય બંદરોમાંથી 7 મુખ્ય બંદરો આ વિસ્તારમાં આવેલાં છે. આ સાથે હવે ભારતનાં કુલ ૩,૪૬૧ માછીમારી ગામોમાંથી ૧,૭૬૩ માછીમારી ગામો આ ઝોનમાં છે અને દરિયાઈ પેદાશોના વેપાર અને નિકાસમાં વધારો થવાની અપાર સંભાવનાઓ રહેલી છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી દક્ષિણ ભારત સાથે વિશેષ લગાવ ધરાવે છે અને એટલે જ વર્ષ 2014માં પ્રધાનમંત્રી બન્યા પછી શ્રી નરેન્દ્ર મોદીએ સાગરમાલા પ્રોજેક્ટ સાથે દરિયા કિનારે આવેલાં રાજ્યોનાં વિકાસ માટે મુખ્ય બંદરોનાં અપગ્રેડેશન માટે વિવિધ યોજનાઓ શરૂ કરી છે. તેમાંથી રૂ. 76,000 કરોડનાં મૂલ્યનાં 108 પ્રોજેક્ટ પૂર્ણ થયાં છે, જ્યારે રૂ. 13,2000 કરોડનાં મૂલ્યનાં 98 પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે. આ રીતે સાગરમાલા હેઠળ દરિયા કિનારાનાં રાજ્યો માટે રૂ. 2,00,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં કુલ પ્રોજેક્ટનો અમલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, દરિયા કિનારાનાં જિલ્લાઓનાં સંપૂર્ણ વિકાસ માટે રૂ. 7,737 કરોડનાં મૂલ્યનાં 61 પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે. બ્લૂ રિવોલ્યુશન માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના ચલાવવામાં આવી રહી છે. વર્ષ 2015થી અત્યાર સુધીમાં દક્ષિણનાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને તેલંગાણામાં મત્સ્યપાલન માળખાગત વિકાસ ભંડોળ યોજના માટે રૂ. 4,206 કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે. તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં રૂ. 2,711 કરોડનાં ખર્ચે બંદર અને મત્સ્યપાલનનાં મૂળભૂત માળખાગત સુવિધાનાં વિકાસ માટે 56 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, આજે તિરુવનંતપુરમમાં યોજાયેલી સધર્ન ઝોનલ કાઉન્સિલની 30મી બેઠકમાં 26 મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, 9 મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું, 17 મુદ્દાઓ વધુ વિચારણા માટે અનામત રાખવામાં આવ્યા હતા, જેમાંથી 9 મુદ્દાઓ આંધ્ર પ્રદેશનાં પુનર્ગઠન સાથે સંબંધિત હતા. શ્રી શાહે આંધ્ર પ્રદેશ અને તેલંગાણાને તેમનાં વિલંબિત મુદ્દાઓનું સમાધાન કરવા અપીલ કરી હતી, જેનો લાભ તેમનાં રાજ્યોનાં લોકોને મળવાની સાથે સાથે સંપૂર્ણ દક્ષિણ ક્ષેત્રનાં વિકાસ તરફ પણ દોરી જશે. તેમણે કાઉન્સિલનાં તમામ સભ્ય રાજ્યોને પાણીની વહેંચણી સાથે સંબંધિત સમસ્યાઓનું સંયુક્ત સમાધાન શોધવા અપીલ કરી હતી. શ્રી શાહે જણાવ્યું હતું કે, સ્થાયી સમિતિની 12મી બેઠકમાં કુલ 89 મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી અને તેમાંથી 63 મુદ્દાઓનું સમાધાન પારસ્પરિક સમજૂતીથી થયું હતું, જે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે ઝોનલ કાઉન્સિલની બેઠકના મુખ્ય ઉદ્દેશ્યો છે – કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના વિવાદોનું સૌહાર્દપૂર્ણ સમાધાન અને આંતર-રાજ્ય વચ્ચે પરસ્પર સમજૂતી દ્વારા ઉકેલ, રાજ્યો વચ્ચે પ્રાદેશિક સહકારને પ્રોત્સાહન આપવું, તમામ રાજ્યોને સમાન રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર મનોમંથન કરવા માટે એક મંચ પ્રદાન કરવો અને તમામ હિતધારકો વચ્ચે સહકારને મજબૂત કરવા માટે એક સહયોગ પ્રણાલીની સ્થાપના કરવી. શ્રી શાહે જણાવ્યું હતું કે, દેશના સંપૂર્ણ વિકાસ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટીમ ઇન્ડિયાનો ખ્યાલ દેશની સમક્ષ મૂક્યો છે અને તમામ રાજ્યો સાથે મળીને ટીમ ઇન્ડિયાનું નિર્માણ કરે છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયે નશીલા દ્રવ્યોની સમસ્યા સામે કડકાઈથી કામ લેવાનો પ્રયાસ કર્યો છે. તેમણે તમામ રાજ્યોમાંથી એનસીઓઆરડીની નિયમિત બેઠકો યોજવા અને તેમને જિલ્લા સ્તરે લઈ જવા પર ભાર મૂક્યો હતો. શ્રી શાહે માહિતી આપી હતી કે, 12 લાખથી વધારે માછીમારોને ક્યૂઆર-સક્ષમ પીવીસી આધારકાર્ડ આપવામાં આવ્યાં છે. તેનાથી દરિયાકિનારાનાં રાજ્યોનાં માછીમારોને માન્યતા મળવાની સાથે-સાથે દરિયા કિનારાની સુરક્ષા પણ મજબૂત થશે. ગૃહ મંત્રીએ કહ્યું કે ફોરેન્સિક સાયન્સ લેબ સ્થાપિત કરવાની નીતિ તૈયાર કરીને રાજ્યોને મોકલવામાં આવી છે. આનાથી દોષિત ઠેરવવાનો દર વધશે. તેમણે કહ્યું કે, મોદી સરકારનું લક્ષ્ય છે કે દર પાંચ કિલોમીટરમાં એક બૅન્ક શાખા હોય, આ માટે સધર્ન ઝોનલ કાઉન્સિલનાં સભ્ય રાજ્યોએ પોતાના વિસ્તારનાં દરેક ગામથી પાંચ કિલોમીટરની અંદર બૅન્કિંગ સુવિધાઓ પૂરી પાડવાના પ્રયાસો કરવા જોઈએ અને સહકારી બૅન્કોને શાખાઓ ખોલવા માટે રાજી કરવી જોઈએ. તેનાથી સરકારી યોજનાઓનો લાભ ડીબીટી મારફતે લાભાર્થીઓ સુધી સીધો પહોંચાડવામાં મદદ મળશે. 

YP/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1856586) Visitor Counter : 178