યુવા બાબતો અને રમત મંત્રાલય
શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી અનુરાગ ઠાકુરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત નવી દિલ્હીમાં યુવા સંવાદ “ઇન્ડિયા@2047” કાર્યક્રમમાં સંબોધન આપ્યું
ભારતીય મૂલ્યો, નૈતિકતા, જ્ઞાન અને મોડલોને દુનિયામાં લઇ જવાની જવાબદારી આપણા યુવાનો પર છે: શ્રી ધર્મેન્દ્ર પ્રધાન
યુવાનો પોતાના વિચારો વ્યક્ત કરી શકે તે માટે એક મંચ પૂરું પાડવા માટે, સમગ્ર દેશમાં પાયાના સ્તરે 750 યુવા સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશેઃ શ્રી અનુરાગ ઠાકુર
યુવાનોએ રાષ્ટ્ર નિર્માણમાં સૌથી મોટું યોગદાન આપીને દેશને વિશ્વ ગુરુ બનાવવો પડશેઃ રમતગમત મંત્રી
અમૃત કાળ દરમિયાન યુવાનોએ અમૃત ધ્યેયો નક્કી કરવા જોઇએ અને તેમને પ્રાપ્ત કરવા માટે પોતાની ફરજો સંપૂર્ણ જવાબદારી સાથે નિભાવવી જોઇએ: શ્રી ઠાકુર
Posted On:
12 AUG 2022 5:18PM by PIB Ahmedabad
કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ તેમજ ઉદ્યોગ સાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન તેમજ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આજે નવી દિલ્હી ખાતે યુવા સંવાદ "ઇન્ડિયા@2047" કાર્યક્રમમાં સંબોધન આપ્યું હતું. આ પ્રસંગે યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિસિથ પ્રામાણિક પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બોક્સર નિકહત ઝરીન, રેસ વોકર પ્રિયંકા ગોસ્વામી, ભારતીય હોકી ટીમના ખેલાડી શ્રી પી.આર. શ્રીજેશ, પર્વતારોહક શ્રીમતી અરુણિમા સિંહા અને પ્રેરક વક્તા શ્રીમતી આભા મર્યાદા બેનર્જી પણ ઉપસ્થિત રહ્યા હતા. યુવા કાર્યક્રમ સચિવ શ્રી સંજય કુમાર અને અન્ય મહાનુભાવોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા શ્રી પ્રધાને જણાવ્યું હતું કે, હજારો વર્ષના ઇતિહાસ પર નજર કરીએ તો, આપણી યુવા શક્તિએ જ આપણા દેશનું ભાગ્ય ઘડવાનું બીડું ઝડપ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, શહીદ ભગત સિંહ, શહીદ બાજી રાઉત, રાણી ગાઇદિન્લયુ અને તેમના જેવા અસંખ્ય લોકોએ આપણને પ્રેરણા આપી અને તેમની પોતાની યુવાવસ્થા દરમિયાન આગળ વધીને નેતૃત્વ કર્યું છે. મંત્રી મહોદયે કહ્યું હતું કે, ભારત પોતાની સમૃદ્ધ સંસ્કૃતિના વિશાળ મૂળિયા ધરાવે છે. આ ધરોહરને આગળ ધપાવવાની જવાબદારી આપણા ઉત્સાહી યુવા જનસમુદાયની છે.
તેમણે આગળ કહ્યું હતું કે, 21મી સદીમાં ભારતીય મૂલ્યો, નૈતિકતા, જ્ઞાન અને મોડલોને દુનિયા સમક્ષ લઇ જવાની જવાબદારી આપણા યુવાનો પર છે. જે ભાવના અને પ્રામાણિકતા સાથે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ આઝાદી માટે લડ્યા હતા તેવી જ રીતે, આપણા આજના યુવાનોએ પણ ભારતને વધુ ઊંચાઇઓ પર લઇ જવા માટે, અને તેમાં પણ ખાસ કરીને અમૃત કાળના આ 25 વર્ષ દરમિયાન તેમણે પોતાનામાં આવી જ ભાવના અને પ્રામાણિકતા કેળવવી જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, આખી દુનિયા અત્યારે ભારત તરફ મોટી આશા સાથે જોઇ રહ્યું છે.
શ્રી પ્રધાને દેશના યુવાનોને અનુરોધ કર્યો હતો કે, તેમણે તેમના અધિકારો પ્રત્યે જાગૃત થવાની સાથે સાથે રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજો અને જવાબદારીઓ પ્રત્યે પણ જાગૃત થવું જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક સમસ્યાઓના ઉકેલ લાવવા માટે તેમણે વધુ મોટી જવાબદારી ઉપાડવી જોઇએ.
શ્રી પ્રધાને ઉમેર્યું હતું કે, આપણા યુવાનોની પ્રતિભા, ધગશ અને જુસ્સો આપણને પ્રેરણા આપનારા છે અને તેનાથી આપણો ઉત્સાહ વધે છે. તેમણે યુવા સંવાદનું આયોજન કરવા બદલ રમતગમત અને યુવા બાબતોના મંત્રાલયની પ્રશંસા કરી હતી. ખાસ કરીને આપણે જ્યારે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરી રહ્યા છીએ અને આપણી આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ તેવા નિર્ણાયક સમયમાં આ પહેલ શરૂ કરવામાં આવી તે મહત્વપૂર્ણ છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ સંવાદોથી દેશમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થશે.
આ પ્રસંગે સંબોધન આપતા શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હંમેશા કહે છે તેમ, યુવાનો એવા એન્જિન છે જેઓ દેશને સફળતાની દિશામાં દોરી જાય છે. હવે આપણા યુવાનોનું કર્તવ્ય છે તે તેઓ અમૃતકાળ દરમિયાન દેશને સફળતાના શિખરે લઇ જાય. અમૃત કાળ દરમિયાન, યુવાનોએ અમૃત લક્ષ્યો નિર્ધારિત કરવા જોઇએ અને આ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તેમણે પોતાની ફરજો ખૂબ જ જવાબદારીપૂર્વક નિભાવવી જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, યુવાનોએ રાષ્ટ્ર નિર્માણમાં સૌથી મોટું યોગદાન આપવું પડશે અને દેશને વિશ્વ ગુરુ બનાવવો પડશે.
શ્રી ઠાકુરે આગળ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા હોય તેવા વિવિધ મુદ્દાઓ પર યુવાનો પોતાના અભિપ્રાયો વ્યક્ત કરી શકે તે માટે તેમને એક મંચ પૂરો પાડવાના ઉદ્દેશથી યુવા બાબતોનો વિભાગ દ્વારા સમગ્ર દેશમાં 750 યુવા સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મંત્રી મહોદયે જણાવ્યું હતું કે, દેશમાં યુવાનોની પ્રગતિ અને વિકાસ માટે ચાર 'ઇ' (E) મુખ્ય છે જેમાં – શિક્ષણ (એજ્યુકેશન), રોજગાર (એમ્પ્લોયમેન્ટ), ઉદ્યોગ સાહસિકતા (એન્ટરપ્રેન્યોરશીપ), સશક્તિકરણ (એમ્પાવર્મેન્ટ) છે. સ્વૈચ્છિક સેવાના મહત્વ પર પ્રકાશ પાડતા મંત્રી મહોદયે જણાવ્યું હતું કે, દરેક યુવાન સ્વયંસેવાના માધ્યમથી રાષ્ટ્રની સેવા કરી શકે છે. ઊર્જા અને પર્યાવરણનું સંરક્ષણ, ફિટ ઇન્ડિયા, સ્વચ્છ ભારત, વ્યસન મુક્તિ અભિયાન, પોષણ અભિયાન – આ કેટલાક એવા મુખ્ય ક્ષેત્રો છે જેમાં યુવાનો તેમનું મૂલ્યવાન યોગદાન આપી શકે છે.
શ્રી અનુરાગ ઠાકુરે યુવાનોને 'હર ઘર તિરંગા અભિયાન'માં ભાગ લેવા માટે અનુરોધ કર્યો હતો. તિરંગો 130 કરોડ ભારતીયોની એકતાનું પ્રતિક છે. તેમણે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના પ્રાણોની આહૂતિ આપી દીધી હતી, પરંતુ દેશને વિશ્વ ગુરુ બનાવવા માટે યુવાનો તરફથી "બલિદાન નહીં યોગદાન"ની જરૂર છે.
ઉપસ્થિતોની સભાને સંબોધન આપતા, યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિસિથ પ્રામાણિકે રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભાગીદારીની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો. શ્રી પ્રામાણિકે મહામારીના સમય દરમિયાન NYKS અને NSS ના સ્વયંસેવકો દ્વારા અગ્ર હરોળના યોદ્ધાઓની જે ભૂમિકા નિભાવવામાં આવી હતી તેની તેમણે પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીના 'સંકલ્પ સે સિદ્ધિ મંત્ર'માંથી પ્રેરણા લઇને ભારતના યુવાનો હવે નોકરી શોધનારને બદલે રોજગાર સર્જક બન્યા છે.
યુવા કાર્યક્રમ સચિવ શ્રી સંજય કુમારે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, ભારતની વસ્તીમાં યુવાનોનો હિસ્સો હોવાથી રાષ્ટ્રનું નિર્માણ કરવામાં યોગદાન આપવાની જવાબદારી તેમના પર છે.
આ સંવાદ સત્રમાં બોક્સર નિકહત ઝરીન, રેસ વોકર પ્રિયંકા ગોસ્વામી, ભારતીય હોકી ટીમના ખેલાડી શ્રી પી.આર. શ્રીજેશ, પર્વતારોહક શ્રીમતી અરુણિમા સિન્હા અને પ્રેરક વક્તા શ્રીમતી આભા મર્યાદા બેનર્જીએ યુવાનો સાથે તેમના અનુભવોનું આદાનપ્રદાન કર્યું હતું. શ્રી અનુરાગ ઠાકુરે પણ સહભાગીઓના વિવિધ પ્રશ્નોના જવાબો આપ્યા હતા.
સમગ્ર દેશમાં યોજવામાં આવનારા 750 યુવા સંવાદ કાર્યક્રમો, તેમાં ભાગ લેનારા યુવાનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વિવિધ મુદ્દાઓ પર તેમના વિચારો વ્યક્ત કરવાની તક પૂરી પાડશે. આ ઉપરાંત, આવા આયોજનો તેમને એકબીજા સાથે જોડાવા અને તેમના મંતવ્યોનું આદાનપ્રદાન કરવા માટે પણ એક મંચ પ્રદાન કરશે.
SD/GP/JD
(Release ID: 1851378)
Visitor Counter : 267