પ્રધાનમંત્રીનું કાર્યાલય

પાણીપત ખાતે 2G ઇથેનોલ પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 10 AUG 2022 7:31PM by PIB Ahmedabad

નમસ્કાર જી,

હરિયાણાના રાજ્યપાલ શ્રી બંડારુ દત્તાત્રેયજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સહયોગી નરેન્દ્ર સિંહ તોમર જી, હરદીપ સિંહ જી, રામેશ્વર તેલીજી, સંસદગણ, વિધાયકગણ, પાણીપતમાં જંગી સંખ્યામાં ઉપસ્થિત મારા પ્રિય ખેડૂતભાઈઓ અને બહેનો, આ કાર્યક્રમ સાથે સંકળાયેલા અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો, આપ સૌને વિશ્વ બાયોફ્યુઅલ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

આજનો આ કાર્યક્રમ પાણીપત, હરિયાણા સહિત સમગ્ર દેશના ખેડુતો માટે ખૂબ જ અગત્યનો છે. આ જે પાણીપતમાં આધુનિક ઇથેનોલ નો પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે, જૈવિક ઇંધણ પ્લાન્ટ બન્યો છે તે તો એક પ્રારંભ માત્ર છે. આ પ્લાન્ટને કારણે દિલ્હી-એનસીઆર અને સમગ્ર હરિયાણામાં પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે. હું હરિયાણાના લોકોને અને ખાસ કરીને ખેડૂત ભાઈઓ તથા બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આમ તો હરિયાણા આજે બેવડા અભિનંદનનું હકદાર છે. કોમનવેલ્થ ગેમ્સમાં હરિયાણાના દિકરા-દીકરીઓએ અત્યંત શાનદાર પ્રદર્શન કરીને દેશનું મસ્તક ઉંચુ કરી દીધું છે અન દેશને ઘણા બધા મેડલ અપાવ્યા છે. રમતના મેદાન પર જે ઊર્જા હરિયાણાના ખેલાડીઓ દર્શાવે છે એવી જ હવે હરિયાણાના ખેતરોમાં પણ ઊર્જા પેદા કરીને દેખાડશે.

સાથીઓ,
પ્રકૃતિની પૂજા કરનારા આપણા દેશમાં બાયોફ્યુઅલ અથવા તો જૈવિક ઇંધણ, કુદરતનું રક્ષણ કરવાનો જ એક પર્યાય છે. આપણા ખેડૂત ભાઈ-બહેન તો તેને સારી રીતે સમજે છે. આપણી વચ્ચે જૈવ ઇંધણ એટલે કે હરિયાળી લાવનારું ઇંધણ, પર્યાવરણ બચાવનારું ઇંધણ. આપ ખેડૂત ભાઈ-બહેન તો સદીઓથી એટલા જાગૃત છો કે બીજ વાવવાથી લઈને પાક ઉગાડવા તથા ત્યાર બાદ તેને બજાર સુધી પહોંચાડવા સુધી કોઇ રણ ચીજને બરબાદ થવા દેતા નથી. ખેડૂત પોતાના ખેતરમાં ઉગનારી પ્રત્યેક ચીજ, તેનો સારી રીતે ઉપયોગ કેવી રીતે થાય તે જાણે છે. જે ખેતરમાં લોકો માટે અન્ન પેદા થાય છે તેનાથી જ પશુઓ માટે ચારો પણ આવે છે. પાકની લલણી બાદ ખેતરમાં જે પરાળી બચી જાય છે તેનો પણ આપણા મોટા ભાગના ખેડૂતો યોગ્ય ઉપયોગ કરવાનું જાણે છે. પરાળીનો ઉપયોગ પશુઓના ચારા માટે થતો હોય છે, ઘણા ગામડાઓમાં માટીના વાસણો બનાવવા માટે પણ પરાળીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ એ પણ સત્ય છે કે હરિયાણા જેવા ક્ષેત્રોમાં જ્યાં અનાજ અને ઘઉંની પેદાશ વધારે થતી હોય છે ત્યાં પરાળીનો સંપૂર્ણ ઉપયોગ થઈ શકતો ન હતો. હવે અહીંના ખેડૂતોને પરાળીના ઉપયોગ માટે વધુ એક સાધન મળી રહ્યું છે. અને તે સાધન છે – આધુનિક ઇથેનોલ  પ્લાન્ટ, જૈવિક ઇંઘણ પ્લાન્ટ. પાણીપતના જૈવિક ઇંધણ પ્લાન્ટમાંથી પરાળીને સળગાવ્યા વિના કામ ચાલી જાય છે. પહેલો લાભ તો એ થશે કે પરાળીને બાળવાથી ધરતી માતાને જે પીડા થતી હતી, જે આગમાં ધરતી માતા સલઘતી હતી તે પીડામાંથી ધરતી માતાને મુક્તિ મળશે. ધરતી માતાને પણ સારું લાગશે કે પરાળીનો હવે યોગ્ય જગ્યાએ ઉપયોગ થઈ રહ્યો છે. બીજો લાભ એ થશે કે પરાળી કાપવાથી લઈને તેને નિકાલ માટે જે નવી વ્યવસ્થા બની રહી છે, નવા મશીનો આવી રહ્યા છે, ટ્રાન્સપોર્ટેશન માટે નવી સવલત કરવામાં આવી રહી છે, જે આ નવો જૈવિક ઇંધણ પ્લાન્ટ લગાવી રહ્યા છે તે તમામથી ગામડાઓમાં રોજગારીની નવી તકો પેદા થશે. ગ્રીન જોબનું ક્ષેત્ર મજબૂત બનશે. ત્રીજો લાભ એ થશે કે જે પરાળી ખેડૂતો માટે બોજારૂપ હતી તે જ તેમના માટે વધારાની આવકનું માઘ્યમ બની જશે. ચોથો લાભ એ થશે કે પ્રદૂષણ ઘટશે, પર્યાવરણના રક્ષણ માટે ખેડૂતોનું યોગદાન વધશે. અને પાંચમો લાભ એ થશે કે દેશને એક વૈકલ્પિક ઇંધણ મળશે. એટલે કે અગાઉ જે પરાળી નુકસાનનું કારણ બનતી હતી તેનાથી આ પાંચ અમૃત નીકળશે. મને આનંદ છે કે દેશના અલગ અલગ હિસ્સામાં આવા ઘણા જૈવિક ઇંધણ પ્લાન્ટ સ્થાપવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

સાથીઓ,
જે લોકોમાં રાજકીય સ્વાર્થ માટે શોર્ટ કટ અપનાવીને, સમસ્યાઓને ટાળી દેવાની પ્રવૃત્તિ હોય છે તેઓ ક્યારેય સમસ્યાઓનોં કાયમી ઉકેલ લાવી શકતા નથી. શોર્ટ કટ અપનાવનારાઓને થોડા સમય માટે વાહવાહી ભલે મળી જાય, રાજકીય લાભ ભલે થઈ જાય પરંતુ સમસ્યા ઘટતી નથી. તેથી જ હું કહું છું કે શોર્ટ કટ અપનાવવાથી શોર્ટ સર્કિટ ચોક્કસ થાય છે. શોર્ટ કટ પર ચાલવાને બદલે અમારી સરકાર સમસ્યાઓનો કાયમી ઉકેલ માટે કાર્ય કરી રહી છે. પરાળીની મુશ્કેલીઓ અંગે વર્ષોથી ઘણું બધું કહેવામાં આવ્યું છે પરંતુ શોર્ટ કટ વાળાઓ તેનો ઉકેલ આપી શક્યા નહીં. અમે ખેડૂતોની પરાળી સાથે સંકળાયેલી સમસ્યાઓને સમજીએ છીએ તેથી જ તેમાંથી રાહત મેળવવા માટેના આસાન વિકલ્પ પણ આપી રહ્યા છીએ.

અમે જે ખેડૂત ઉત્પાદન સંઘ છે, એફપીઓ છે તેમને પરાળીના નિકાલ માટે આર્થિક મદદ કરી. તેની સાથે સંકળાયેલી આધુનિક મશીનોની ખરીદી માટે 80 ટકા સુધીની સબસિડી પણ આપી. હવે પાણીપતમાં સ્થપાયેલો આ જૈવિક ઇંધણ પ્લાન્ટ પણ પરાળીની સમસ્યાના કાયમી ઉકેલમાં મદદ કરનારો છે. આ આધુનિક પ્લાન્ટમાં અનાજ તથા ઘઉંના ભૂસાની સાથે જ મકાઈનો બચેલો હિસ્સો, શેરડીની ગાંઠ, સડેલું અનાજ, આ તમામનો ઉપયોગ ઇથેનોલ બનાવવામાં કરવામાં આવશે. એટલે કે ખેડૂતોની મોટીં ચિંતા દૂર થઈ જશે. આપણા અન્નદાતાઓ મજબૂરીમાં પરાળી બાળતા હતા જેમને આ કારણે બદનામ કરવામાં આવતા હતા તેમને પણ ગર્વ થશે કે તેઓ ઇથેનોલ અને જૈવિક ઇંધણના ઉત્પાદનમાં પણ મદદ કરી રહ્યા છે, રાષ્ટ્ર નિર્માણમાં મદદ કરી રહ્યા છે. ગાય અને ભેંસમાંથી જે ગોબર થાય છે, ખેતરોમાંથી જે કચરો નીકળે છે, તેનો સામનો કરવા માટે સરકાર અન્ય એક યોજના ચલાવી રહી છે, ગોબરધન યોજના પણ શરૂ કરવામાં આવી છે. ગોબરધન યોજના પણ ખેડૂતોની આવક વધારવા માટેનું વધુ એક માધ્યમ બની રહી છે.

સાથીઓ,
આઝાદીના આટલા દાયકાઓ સુધી આપણે ફર્ટિલાઇઝર હોય, કેમિકલ હોય, ખાદ્યતેલ હોય, કાચું તેલ હોય, ગેસ હોય તેના માટે વિદેશો પર વધારે નિર્ભર રહ્યા છીએ. તેથી જ જેવી વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે પુરવઠા શ્રુંખલામાં અવરોધ આવે છે તો ભારત પણ મુશ્કેલીઓથી બચી શકતું નથી. છેલ્લા આઠ વર્ષથી દેશ આ પડકારોના કાયમી ઉકેલ માટે કામ કરી રહ્યો છે. દેશમાં નવા ફર્ટિલાઇઝર પ્લાન્ટ બની રહ્યા છે, નૈનો ફર્ટિલાઇઝરનું ઉત્પાદન થઈ રહ્યું છે. ખાદ્ય તેલ માટે પણ નવા નવા મિશન શરૂ થઈ ગયા છે. આવનારા સમયમાં તે તમામ દેશને સમસ્યાઓના કાયમી સમાધાન તરફ લઈ જશે.

સાથીઓ,
આઝાદીના અમૃતકાળમાં દેશ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા તરફ ઝડપથી આગળ ધપી રહ્યો છે. આપણા ગામડાઓ તથા આપણા ખેડૂતો આત્મનિર્ભરતાના સૌથી મોટા ઉદાહરણ છે. ખેડૂતો પોતાની જરૂરિયાતની ચીજો મહદઅંશે પોતાના ગામમાંથી જ મેળવી લે છે. ગામડાની સામાજિક અને આર્થિક વ્યવસ્થા એવી હોય છે એકબીજાની જરૂરિયાતો પૂરી કરવા માટે પણ સૌ એક સાથે આવી જાય છે. આ જ કારણ છે કે ગામડાના લોકોમાં બચતની પ્રવૃત્તિ પણ ઘણી મજબૂત હોય છે. તેમની આ પ્રવૃત્તિ દેશનો પૈસો બચાવી રહી છે. પેટ્રોલમાં ઇથેનોલ મેળવવાથી છેલ્લા સાતથી આઠ વર્ષમાં દેશના લગભગ લગભગ 50 હજાર કરોડ રૂપિયા વિદેશ જતાં અટક્યા છે. અને લગભગ લગભગ એટલા જ હજાર કરોડ રૂપિયા ઇથેનોલ બ્લેન્ડિંગને કારણે આપણા દેશના ખેડૂતો પાસે ગયા છે. એટલે કે જે પૈસા વિદેશમા જતા હતા તે એક રીતે આપણા ખેડૂતોને મળ્યા છે.

સાથીઓ,
21મી સદીના નવા ભારતમાં અન્ય એક મોટું પરિવર્તન થયું છે. આજે દેશ મોટો સંકલ્પ લઈ રહ્યો છે અને તેને સિદ્ધ કરીને પણ દેખાડી રહ્યો છે. કેટલાક વર્ષ અગાઉ દેશે નક્કી કર્યું હતું કે પેટ્રોલમાં દસ ટકા જેટલું ઇથેનોલ  મેળવવાનો લક્ષ્યાંક પૂરો કરીશું. આપણા ખેડૂત ભાઈ-બહેનોની મદદથી દેશે આ લક્ષ્યાંક સમય કરતાં પહેલાં જ પૂરો કરી દીધો છે. આઠ વર્ષ અગાઉ આપણા દેશમાં ઇથેનોલ નું ઉત્પાદન માત્ર 40 કરોડ લીટરની આસપાસ થતું હતું. આજે લગભગ લગભગ 400 કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન થઈ રહ્યું છે. આટલી મોટી માત્રામાં ઇથેનોલ બનાવવા માટે કાચો માલ આપણા ખેડૂતોના ખેતરોમાંથી જ આવે છે. ખાસ કરીને શેરડીને ખેડૂતોને તેનાથી ઘણો મોટો લાભ થયો છે.

દેશ કેવી રીતે મોટા લક્ષ્યાંકો પ્રાપ્ત કરી રહ્યો છે તેનું હું મારા ખેડૂત ભાઈ-બહેનોને વધુ એક ઉદાહરણ આપું છું. 2014 સુધીમાં દેશમાં માત્ર 14 કરોડની આસપાસ એલપીજી ગેસ કનેક્શન હતા. દેશની અડધી વસતિ માતાઓ, બહેનોને રસોડામાં ધુમાડામાં ધકેલી દેવામાં આવી હતી. બહેનો, દીકરીઓના ખરાબ આરોગ્ય અને અસુવિધાથી જે નુકસાન થાય છે તેની અગાઉ કોઈ પરવા જ કરવામાં આવી ન હતી. મને આનંદ છે કે આજે ઉજ્જવલા યોજનાથી જ નવ કરોડથી વધુ ગેસ કનેક્શન ગરીબ બહેનોને ફાળવવામાં આવ્યા છે. હવે અમે દેશમાં લગભગ લગભગ 100 ટકા એલપીજી કવરેજ સુધી પહોંચી ગયા છીએ. 14 કરોડથી વધીને આજે દેશમાં 31 કરોડ ગેસ કનેક્શન છે. તેનાથી આપણા ગરીબ પરિવાર, મધ્યમ વર્ગના લોકોને ઘણી સારી સવલત થઈ ગઈ છે.

સાથીઓ,
દેશમાં સીએનજી નેટવર્ક વઘારવા તથા પાઇપથી સસ્તો ગેસ ઘરે ઘરે પહોંચાડવા માટે પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે. આપણા દેશમાં 90ના દાયકામાં સીએનજી સ્ટેશન સ્થપાવા શરૂ થઈ ગયા હતા. આઠ વર્ષ અગાઉ સુધી દેશમાં સીએનજીના 800થી પણ ઓછા સ્ટેશન હતા. ઘરોમાં પાઇપથી આવતા ગેસના કનેક્શન પણ થોડા લાખ જેટલા જ હતા. આજે દેશમાં સાડા ચાર હજારથી વધુ સીએનજી સ્ટેશન છે અને પાઇપથી આવતા ગેસના કનેક્શનનો આંક એક કરોડને સ્પર્શી રહ્યો છે. આજે આપણે જ્યારે આઝાદીના 75 વર્ષ પૂરા કરી રહ્યા છીએ તો દેશ એ લક્ષ્યાંક પર પણ કામ કરી રહ્યો છે કે આગામી થોડા વર્ષમાં દેશના 75 ટકાથી વધારે ઘરમાં પાઇપ લાઇન ગેસ પહોંચી ગયો હોય.

સાથીઓ,
આજે જે સેંકડો કિલોમીટર લાંબી ગેસ પાઇપ લાઇન બિછાવવામાં આવી રહી છે, જે આધુનિક પ્લાન્ટ, જે ફેક્ટરીઓ, અમે સ્થાપી રહ્યા છીએ તેનો સૌથી વધારે લાભ આપણી યુવા પેઢીને થશે. દેશમાં ગ્રીન જોબની તકો સતત બનતી રહેશે, રોજગારીની તકો વધશે. આજની સમસ્યાઓ આપણી ભાવિ પેઢીને તકલીફ આપશે નહીં. આ જ તો સાચો વિકાસ છે, આ જ તો વિકાસની સાચી પ્રતિબદ્ધતા છે.

સાથીઓ,
જો રાજકારણમાં જ સ્વાર્થ હશે તો કોઇ પણ આવીને પેટ્રોલ અને ડીઝલ મફતમાં આપવાની જાહેરાત કરી શકે છે. આવા પગલાં આપણા બાળકો પાસેથી તેમનો અધિકાર છીનવી લેશે, દેશને આત્મનિર્ભર બનવાથી રોકશે. આવી સ્વાર્થથી ભરેલી નીતિઓથી દેશના ઇમાનદાર કરદાતાઓ પર પણ બોજો વધતો જ જશે. પોતાના રાજતીય સ્વાર્થ માટે આવી જાહેરાતો કરનારાઓ ક્યારેય નવી ટેકનોલોજી પર રોકાણ કરશે નહીં. તેઓ ખેડૂતોને ખોટા વચનો આપશે પરંતુ ખેડૂતોની આવક વધારવા માટે ઈથેનોલ જેવા પ્લાન્ટ લગાવશે નહીં. તેઓ વધતા જતા પ્રદૂષણ પર માત્ર હવામાં વાતો કરશે પરંતુ તેને રોકવા માટે જે કાંઈ કરવું પડશે તેનાથી દૂર ભાગશે.

મારા પ્રિય ભાઇઓ, બહેનો,

આ નીતિ નથી અનીતિ છે. આ રાષ્ટ્રહિત નથી, આ રાષ્ટ્ર અહિત છે. આ રાષ્ટ્ર નિર્માણ નથી, રાષ્ટ્રને પાછળ ધકેલી દેવાનો પ્રયાસ છે. દેશની સામે જે પડકારો છે તેનો સામનો કરવા માટે ચોખ્ખી દાનત જોઇએ, નિષ્ઠા જોઇએ, નીતિ જોઇએ. તેના માટે પરિશ્રમની પરાકાષ્ઠા કરવી પડે છે અને સરકારને ઘણી મોટી રકમનું રોકાણ કરવું પડે છે. જ્યારે સરકાર પાસે પૈસો જ નહીં હોય, તેની પાસે નાણું જ નહીં હોય તો ઇથેનોલ પ્લાન્ટ, બાયોગેસ પ્લાન્ટ, મોટા મોટા સોલર પ્લાન્ટ, હાઇડ્રોજન ગેસના પ્લાન્ટ જે આજે લગાવવામાં આવી રહ્યા છે તે પણ બંધ પડી જશે. આપણે એ યાદ રાખવાનું છે કે અમે ભલે રહીએ કે ના રહીએ પરંતુ આ રાષ્ટ્ર તો હંમેશાં રહેશે, સદીઓથી રહેતું આવ્યું છે, સદીઓ સુધી રહેનારું છે. તેમાં રહેનારા સંતાનો હંમેશાં રહેશે. આપણને આપણા ભાવિ સંતાનોના ભવિષ્યને બરબાદ કરવાનો કોઈ અધિકાર નથી.

સાથીઓ,
આઝાદી માટે પોતાનું જીવન બલિદાન કરનારાઓએ પણ આ જ શાશ્વત ભાવનાથી કામ કર્યું છે. જો તેઓ પણ એ વખતે પોતાનો જ વિચાર કરતા, પોતાનો જ સ્વાર્થ જોતાં તો તેમના જીવનમાં પણ કોઈ સમસ્યા આવી ન હોત. તેઓ મુશ્કેલીઓથી, ગોળીઓથી, ફાંસીના ફંદામાંથી, યાતનાઓથી બચી જતા પરંતુ તેમના સંતાનો એટલે કે આપણે ભારતના લોકો આજે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા ન હોત. ઓગસ્ટનો આ મહિનો ક્રાંતિનો મહિનો છે. તેથી એક દેશના રૂપમાં આપણે એ સંકલ્પ લેવાનો છે કે એવી કોઈ પ્રવૃત્તિને આગળ ધપવા દઇશું નહીં. આ દેશનું સામૂહિક દાયિત્વ છે.

સાથીઓ,
આઝાદીના આ અમૃત મહોત્સવમાં આજે જ્યારે દેશ તિરંગાના રંગે રંગાયેલો છે ત્યારે કાંઈક એવું પણ બન્યું છે જેના તરફ હું આપનું ધ્યાન દોરવા માગું છું. આપણા વીર સ્વાતંત્ર્ય સેનાનીઓને અપમાનિત કરતાં આ પવિત્ર અવસરને અપવિત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રકારના લોકોની માનસિકતા દેશે પણ સમજવી જરૂરી છે. આપણે જાણીએ છીએ કે કયારેક ક્યારેક કોઈ દર્દી પોતાની લાંબી બીમારીના ઇલાજથી થાકી જાય છે, નિરાશ થઈ જાય છે, સારા સારા ડૉક્ટરની સલાહ લેવા છતાં જ્યારે તેને કોઈ લાભ થતો નથી તો તે ગમે તેટલો ભણેલો ગણેલો કેમ ન હોય પણ તે અંધવિશ્વાસ તરફ આગળ વધવા લાગે છે. એવા જ આપણા દેશના કેટલાક લોકો છે જે નકારાત્મકના વમળમાં ફસાયેલા છે. નિરાશામાં ડૂબેલા છે. સરકાર સામે ઉપરા ઉપરી ખોટું બોલ્યા પછી પણ જનતા જનાર્દન આવા લોકો પર ભરોસો કરવા માટે તૈયાર નથી. આવી હતાશામાં આવા લોકો પણ હવે કાળા જાદૂ તરફ વળતા દેખાઈ રહ્યા છે.

તાજેતરમાં આપણે પાંચમી ઓગસ્ટે જોયું કે કેવી રીતે કાળો જાદૂ ફેલાવનારા ભરપુર પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ લોકો વિચારે છે કે કાળા કપડા પહેરીને, તેમની નિરાશા હતાશાનો કાળ સમાપ્ત થઈ જશે. પરંતુ તેમને ખબર નથી કે તેઓ ગમે તેટલા પ્રયાસો કરી લે, ગમે તેટલો કાળો જાદૂ કરી લે, અંધ વિશ્વાસ કરી લે, જનતાનો ભરોસો હવે તેમની ઉપર બીજી વાર ક્યારેય બેસવાનો નથી. અને હું એમ પણ કહીશ કે આ કાળા જાદુના બદલામાં આઝાદીના અમૃત મહોત્સવનું અપમાન કરે નહીં, તિરંગાનું અપમાન કરે નહીં.

સાથીઓ,
કેટલાક રાજકીય પક્ષોની સ્વાર્થ નીતિથી અલગ અમારી સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સોનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્ર પર કામ કરતી રહેશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે વિકાસ માટે સકારાત્મક વિકાસની ઊર્જા આવી જ રીતે પેદા થતી રહેશે. ફરી એક વાર હરિયાણાના કોટિ કોટિ સાથીઓને, ખેડૂત અને પશુપાલક ભાઈ અને બહેનોને અભિનદન. આવતી કાલે રક્ષા બંધનનો પવિત્ર તહેવાર પણ છે. ભાઈ-બહેનના સ્નેહના પ્રતિક સમાન આ પર્વ નિમિત્તે, દરેક ભાઈ પોતાનું કર્તવ્ય નિભાવવાનો સંકલ્પ દોહરાવે છે. કાલે એક નાગરિક તરીકે પણ આપણે દેશ પ્રત્યે પોતાનું કર્તવ્ય નિભાવવાના સંકલ્પને દોહરાવવો છે. આ જ મનોકામના સાથે હું મારી વાત સમાપ્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.

SD/GP/JD



(Release ID: 1850707) Visitor Counter : 216