પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સુરત તિરંગા યાત્રાને સંબોધન કર્યું


"આપણો રાષ્ટ્રધ્વજ પોતે જ દેશના કાપડ ઉદ્યોગ, દેશની ખાદી અને આપણી આત્મનિર્ભરતાનું પ્રતીક રહ્યો છે."

"આપણો તિરંગો ભારતની એકતા, ભારતની અખંડિતતા અને ભારતની વિવિધતાનું પ્રતીક છે"

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જનભાગીદારીનાં આ અભિયાનો નવા ભારતનો પાયો મજબૂત કરશે"

Posted On: 10 AUG 2022 6:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે સુરતમાં તિરંગા રેલીને સંબોધન કર્યું હતું. તેમણે પોતાનાં સંબોધનની શરૂઆત સૌને અમૃત મહોત્સવની શુભેચ્છા આપીને કરી હતી અને યાદ કર્યું હતું કે, થોડા જ દિવસોમાં ભારતને આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે સૌ આ ઐતિહાસિક સ્વતંત્રતા દિવસની તૈયારી કરી રહ્યા છીએ, કારણ કે ભારતના દરેક ખૂણામાં તિરંગો ફરકાવવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ગુજરાતનો દરેક ખૂણો ઉત્સાહથી ભરેલો છે અને સુરતે તેની કીર્તિમાં વધારો જ કર્યો છે. તેમણે કહ્યું, "આજે સમગ્ર દેશનું ધ્યાન સુરત પર છે. એક રીતે જોવા જઈએ તો સુરતની તિરંગા યાત્રામાં મિની ઈન્ડિયા જોવા મળી રહ્યું છે. સમાજના તમામ વર્ગના લોકો સાથે મળીને આમાં સામેલ છે." પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સુરતે તિરંગાની વાસ્તવિક એકતાની શક્તિ દર્શાવી છે.  પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સુરતે ભલે તેના ધંધા અને તેના ઉદ્યોગોને કારણે વિશ્વ પર એક આગવી ઓળખ ઉભી કરી હોય પરંતુ આજે સમગ્ર વિશ્વ માટે આ તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બનશે.

ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ સુરતનાં લોકોને બિરદાવ્યાં હતાં, જેમણે તિરંગા યાત્રામાં આપણાં સ્વાતંત્ર્ય સંગ્રામની ભાવનાને જીવંત કરી હતી. તેમણે કહ્યું, "એક કપડાં વેચનારો છે, દુકાનદાર છે, કોઈ લૂમ્સનો કારીગર છે, કોઈ સીવણ અને ભરતકામનો કારીગર છે, અન્ય કોઇ પરિવહનમાં છે, તે બધા જોડાયેલા છે." તેમણે સુરતના સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગના પ્રયાસોની પ્રશંસા કરી હતી, જેમણે આને એક ભવ્ય કાર્યક્રમમાં પરિવર્તિત કર્યું હતું. પ્રધાનમંત્રીએ તિરંગા અભિયાનમાં આ જન ભાગીદારી (જનભાગીદારી) માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા, ખાસ કરીને શ્રી સંવર પ્રસાદ બુધિયા અને 'સાકેત - સેવા એ જ ધ્યેય' જૂથ સાથે સંકળાયેલા સ્વયંસેવકોને, જેમણે આ પહેલ શરૂ કરી હતી. પ્રધાનમંત્રીએ વધુમાં આ પહેલને સશક્ત બનાવનાર સાંસદ શ્રી સી આર પાટીલજીનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આપણો રાષ્ટ્રધ્વજ પોતે જ દેશના ટેક્સટાઇલ ઉદ્યોગ, દેશની ખાદી અને આપણી આત્મનિર્ભરતાનું પ્રતીક રહ્યો છે." તેમણે જણાવ્યું હતું કે, સુરતે આ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતનો આધાર હંમેશા તૈયાર કર્યો છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતે બાપુ સ્વરૂપે આઝાદીની લડતનું નેતૃત્વ કર્યું હતું અને આઝાદી પછી એક ભારત, શ્રેષ્ઠ ભારતનો પાયો નંખનારા લોહપુરુષ સરદાર પટેલ જેવા નાયકો આપ્યા હતા. બારડોલી સત્યાગ્રહ અને દાંડીયાત્રાથી નીકળેલા સંદેશાએ સમગ્ર દેશને એક કર્યો હતો.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતના તિરંગામાં માત્ર ત્રણ રંગો જ નથી, પણ તે આપણા ભૂતકાળનાં ગૌરવ, વર્તમાન પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા અને ભવિષ્યનાં આપણાં સ્વપ્નોનું પણ પ્રતિબિંબ છે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, આપણો તિરંગો ભારતની એકતા, ભારતની અખંડિતતા અને ભારતની વિવિધતાનું પ્રતીક છે. આપણા લડવૈયાઓએ ત્રિરંગામાં દેશનું ભવિષ્ય જોયું, દેશનાં સપનાં જોયાં, અને તેને ક્યારેય કોઈ પણ રીતે ઝૂકવા ન દીધો. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આઝાદીનાં 75 વર્ષ પછી જ્યારે આપણે નવા ભારતની સફર શરૂ કરી રહ્યાં છીએ, ત્યારે તિરંગો ફરી એક વખત ભારતની એકતા અને ચેતનાનું પ્રતિનિધિત્વ કરે છે.

પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે, દેશભરમાં યોજાઈ રહેલી તિરંગા યાત્રાઓ હર ઘર તિરંગા અભિયાનની શક્તિ અને નિષ્ઠાનું પ્રતિબિંબ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, "13થી 15 ઑગસ્ટ સુધી ભારતનાં દરેક ઘરમાં તિરંગો ફરકાવવામાં આવશે. સમાજના દરેક વર્ગ, દરેક જાતિ અને સંપ્રદાયના લોકો સ્વયંભૂ રીતે એક જ ઓળખ સાથે જોડાઈ રહ્યા છે. આ ભારતના નિષ્ઠાવાન નાગરિકની ઓળખ છે."

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ભારતમાતાનાં સંતાનની ઓળખ છે. પ્રધાનમંત્રીએ હર ઘર તિરંગા અભિયાનમાં પુરુષ અને મહિલાઓ, યુવાનો, વડીલો, દરેક વ્યક્તિ પોતપોતાની ભૂમિકા ભજવી રહ્યા છે, એ અંગે અપાર સંતોષ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે હર ઘર તિરંગા અભિયાનને કારણે ઘણાં ગરીબ લોકો, વણકરો અને હાથવણાટનાં કામદારોને પણ વધારાની આવક થઈ છે. આઝાદી કા અમૃત મહોત્સવમાં આપણા સંકલ્પોને નવી ઊર્જા પ્રદાન કરતી આ પ્રકારની ઘટનાઓનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ પોતાનાં સંબોધનનું સમાપન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જનભાગીદારીનાં આ અભિયાનો નવા ભારતનો પાયો મજબૂત કરશે."

SD/GP/JD


(Release ID: 1850633) Visitor Counter : 275