પ્રધાનમંત્રીનું કાર્યાલય
USAના રાષ્ટ્રપતિ સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આપેલી ટિપ્પણીનો મૂળપાઠ
પોસ્ટેડ ઓન:
11 APR 2022 2:20PM by PIB Ahmedabad
રાષ્ટ્રપતિ બાઇડેન, સૌથી પહેલાં તો હું આપના ઉષ્માભર્યા શબ્દો બદલ આપનો આભાર વ્યક્ત કરવા માગું છું. આજે, આપણા સંરક્ષણ અને વિદેશ મંત્રીઓ થોડા સમયમાં જ “2+2” ફોર્મેટમાં મુલાકાત કરવા જઇ રહ્યા છે. તે પહેલાં, તેમની વાતચીતને દિશા આપવા માટે આપણી આ બેઠક ઘણી મહત્વપૂર્ણ છે. અને તમે આ વર્ચ્યુઅલ બેઠક યોજવાની પહેલ કરી છે, તે માટે પણ હું આપને અભિનંદન પાઠવું છું.
મહામહિમ,
મેં ગયા વર્ષે જ્યારે સપ્ટેમ્બર મહિનામાં વોશિંગ્ટનની મુલાકાત લીધી હતી, અને જેના વિશે તમે હમણાં જ ઉલ્લેખ કર્યો હતો, ત્યારે તમે કહ્યું હતું કે. ભારત-USની ભાગીદારી કેટલીય વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ લાવવામાં યોગદાન આપી શકે છે. હું આપના આ અભિપ્રાય સાથે સંપૂર્ણપણે સંમત છું. વિશ્વની બે લોકશાહી એટલે કે સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહી તરીકે, આપણે કુદરતી એકબીજાના ભાગીદાર છીએ. અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણા સંબંધોમાં જે પ્રકારે પ્રગતિ થઇ છે, જે પ્રકારે સંબંધોને નવી ગતિ પ્રાપ્ત થઇ છે, તેની કલ્પના કરવી કદાચ આજથી એક દાયકા પહેલાં પણ મુશ્કેલ હતી.
મહામહિમ,
આપણી વચ્ચે આજનો આ સંવાદ એવા સમયે થઇ રહ્યો છે જ્યારે યુક્રેનની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. થોડા અઠવાડિયા પહેલાં, 20,000થી વધુ ભારતીયો યુક્રેનમાં ફસાયેલા હતા અને તેમાંથી મોટા ભાગના યુવાન વિદ્યાર્થીઓ હતા. ઘણા પ્રયત્નો કર્યા પછી, અમે તેમને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં અમે સફળ થયા છીએ, જો કે, એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન, મેં યુક્રેન અને રશિયા બંનેના રાષ્ટ્રપતિઓ સાથે ઘણી વખત ફોન પર વાર્તાલાપ કર્યો હતો. મેં તેમને માત્ર શાંતિ માટે અપીલ કરી નથી, પરંતુ રાષ્ટ્રપતિ પુતિનને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે સીધી વાતચીત કરવાનું સૂચન પણ આપ્યું હતું. યુક્રેન મુદ્દે અમારી સંસદમાં ખૂબ જ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
તાજેતરમાં બુચા શહેરમાં નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હોવાના ખૂબ જ ચિંતાજનક સમાચાર આવ્યા હતા. અમે આ ઘટનાને તાત્કાલિક વખોડી કાઢી છે અને આ અંગે નિષ્પક્ષ તપાસની માગ પણ કરી છે. અમને આશા છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાતચીત દરમિયાન શાંતિ માટેનો માર્ગ મોકળો થઇ શકશે.
મહામહિમ,
અમે યુક્રેનમાં નાગરિકોની સુરક્ષા તેમજ તેમને માનવતાવાદી સહાયનો પુરવઠો વિના અવરોધો પ્રાપ્ત થાય તે વાત પર પણ ખાસ ભાર મૂક્યો છે, જેનો તમે શરૂઆતમાં જ ઉલ્લેખ કર્યો હતો. અમે યુક્રેન અને તેના પડોશી દેશોમાં દવાઓ તેમજ અન્ય રાહત સામગ્રીનો જથ્થો પહોંચ્યો છે. અને યુક્રેન દ્વારા કરવામાં આવેલી માગને ધ્યાનમાં રાખીને, અમે ટૂંક સમયમાં દવાઓનું બીજું કન્સાઇનમેન્ટ મોકલી રહ્યા છીએ.
મહામહિમ,
આપના કાર્યકાળની શરૂઆતમાં જ આપે એક ખૂબ જ મહત્વપૂર્ણ સૂત્ર આપ્યું હતું – લોકશાહી પરિણામ આપી શકે છે. ભારત અને US વચ્ચેની ભાગીદારીની સફળતા એ આ સૂત્રને સાકાર કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
આ વર્ષે, ભારત પોતાની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. અને આપણે પણ આપણા રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની પણ ઉજવણી કરી રહ્યા છીએ. મને પૂરો ભરોસો છે કે આવનારા 25 વર્ષ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સ સાથેની મિત્રતા ભારતની વિકાસ યાત્રાનો એક અભિન્ન હિસ્સો બની રહેશે.
ફરી એકવાર આજની બેઠક બદલ આપનો ખુબ ખુબ આભાર.
અસ્વીકરણ: આ પ્રધાનમંત્રીની ટિપ્પણીનો અંદાજિત અનુવાદ છે. મૂળ ટિપ્પણીઓ હિન્દીમાં આપવામાં આવી હતી.
(રીલીઝ આઈડી: 1850190)
મુલાકાતી સંખ્યા : 115