સહકાર મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 100મા આંતરરાષ્ટ્રીય સહકારી દિવસના પ્રસંગે આજે નવી દિલ્હીમાં આયોજિત સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા

Posted On: 04 JUL 2022 6:39PM by PIB Ahmedabad

આપણા સહકારી આંદોલનનો એક મજબૂત પાયો તૈયાર થઈ ગયો છે અને એના પર એક મજબૂત ઇમારત બનાવવાનું કામ આપણે અને આગામી પેઢીઓએ કરવાનું છે

 

સહકારનો વિચાર આધુનિક સમયને અનુરૂપ બનાવી, ટેકનોલોજી અને વ્યવસાયિકતા સાથે જોડીને ક્ષેત્રને 100 વર્ષ વધારે આગળ લઈ જવાનું કામ આપણે કરવાનું છે

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશની આઝાદીના 75મા વર્ષમાં કેન્દ્રીય સહકારિતા મંત્રાલયની રચના કરીને સહકારી આંદોલનમાં પ્રાણ ફૂંકવાનું કામ કર્યું છે

 

દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે અને આપણે સંકલ્પ લેવાનો છે કે, વર્ષ 2047 દેશમાં સહકારી ક્ષેત્રની કામગીરીનું શિખરનું વર્ષ હશે

 

દુનિયાએ મૂડીવાદ અને સામ્યવાદ બંને મોડલને અપનાવ્યાં છે, પણ બંને આત્યંતિક મોડલ છે, સહકારી મોડલ મધ્યમ માર્ગ છે અને ભારત માટે સૌથી વધુ ઉચિત છે

 

હાલ પ્રચલિત આર્થિક મોડલને કારણે જે અંતુલિત વિકાસ થયો છે, તેને સર્વસ્પર્શી અને સર્વસમાવેશક બનાવવા માટે સહકારી ક્ષેત્રનું મોડલ લોકપ્રિય બનાવવાનું પડશે, જેથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ થશે

 

આખી દુનિયામાં 30 લાખ સહકારિતા સમિતિઓમાંથી 8,55,000 ભારતમાં છે અને લગભગ 13 કરોડ લોકો એની સાથે સીધા જોડાયેલા છે અને દેશના 91 ટકા ગામ એવા છે, જેમાં એક યા બીજી સહકારી સમિતિ કાર્યરત છે

 

અનેક લોકોને લાગે છે કે, સહકારી ક્ષેત્ર નિષ્ફળ નિવડ્યું છે, પણ તેમણે વૈશ્વિક આંકડાઓ પર નજર નાંખવી જોઈએ કે ઘણા દેશોની જીડીપીમાં સહકારી ક્ષેત્રનું પ્રદાન બહુ મોટું છે

 

આપણા દેશમાં સહકારી ક્ષેત્રના હાર્દને જાળવવામાં આવ્યું છે અને અમૂલ, ઇફકો અને કૃભકોનો નફો ખેડૂતોના બેંક ખાતામાં સીધો જમા કરવાનું કામ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે

 

સાથસહકાર શરૂઆતથી ભારતીય સંસ્કૃતિનો આત્મા રહ્યો છે અને ભારતે આખી દુનિયાને સહકારી ક્ષેત્રનો વિચાર આપ્યો છે

 

સહકારી આંદોલનને સાથસહકારનો સિદ્ધાંત લાંબું જીવન આપી શકે છે, કેટલીક પીએસીએસ બંધ થઈ કે નાદાર જાહેર થઈ એનું મૂળ કારણ સહકારના સિદ્ધાંતોને છોડવામાં રહેલું છે

 

દેશમાં વંચિત વર્ગના 70 કરોડ લોકોને આર્થિક સ્વરૂપે આત્મનિર્ભર બનાવવા માટે સાથસહકારનો માર્ગ અપનાવવાથી વધારે સારો માર્ગ એક પણ નથી, લોકો છેલ્લાં 70 વર્ષથી વિકાસનું સ્વપ્ન જોવાની સ્થિતિમાં પણ નહોતાં, કારણ કે અગાઉની સરકારોએ ગરીબી દૂર કરવાનું સૂત્ર આપ્યું હતું

 

કરોડો લોકોના જીવનસ્તરને સુધાર્યા વિના તેમને દેશના આર્થિક વિકાસ સાથે જોડી શકાય અને વર્ષ 2014માં શ્રી નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બન્યા પછી તેમના જીવનમાં મૂળભૂત પરિવર્તન આવ્યું છે, મોદીજીએ દરેક વ્યક્તિની આકાંક્ષાઓ અને અપેક્ષાઓને વધારી છે, જેમને સહકારી ક્ષેત્ર પૂરી કરી શકે છે

 

આત્મનિર્ભરતા એટલે ટેકનોલોજી અને ઉત્પાદનના ક્ષેત્રમાં આત્મનિર્ભર થવું એટલું નહીં, પણ દરેક વ્યક્તિને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવી અને જ્યારે આવું થશે ત્યારે દેશ પોતાની રીતે આત્મનિર્ભર બની જશે

 

મોદી સરકારે દેશની 65,000 પ્રાથમિક કૃષિ ક્રેડિટ સમિતિઓ (પીએસીએસ)ના કમ્પ્યુટરાઇઝેશનનો નિર્ણય લીધો છે, જેનાથી પીએસીએસ, જિલ્લા સહકારી બેંક, રાજ્ય સહકારી બેંક અને નાબાર્ડ ઓનલાઇન થઈ જશે

 

કેન્દ્ર સરકારે પીએસીએસના સંદર્ભમાં મોડલ બાય-લૉ (Model By-laws) રાજ્યોને તેમના સૂચનો માટે મોકલ્યો છે, જેથી પીએસીએસને બહુઉદ્દેશી અને બહુપરિમાણીય બનાવી શકાય

 

સહકારિતા મંત્રાલય સહકારી સમિતિઓને સંપન્ન, સમૃદ્ધ અને પ્રાસંગિક બનાવવા માટે શક્ય દરેક સુધારો કરવા માટે સક્રિય રીતે કામ કરી રહ્યું છે

 

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 100મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસના પ્રસંગે આજે નવી દિલ્હીમાં આયોજિત એક સમારંભમાં મુખ્ય અતિથિ સ્વરૂપે સામેલ થયા હતા. સહકારિતા મંત્રાલય અને ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ (એનસીયુઆઈ) દ્વારા આયોજિત કાર્યક્રમના મુખ્ય વિષય સહકાર સાથે એક આત્મનિર્ભર ભારત અને શ્રેષ્ઠ વિશ્વનું નિર્માણ હતો. સમારંભમાં કેન્દ્રીય ડેરી અને મત્સ્ય પાલન મંત્રી શ્રી પરશોત્તમ રુપાલા, સહકારી રાજ્ય મંત્રી શ્રી બી એલ વર્મા, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સુરેશ પ્રભુ, સહકારિતા મંત્રાલયના સચિવ શ્રી જ્ઞાનેશ કુમાર, આઈસીએ-એપીના અધ્યક્ષ ડો. ચંદ્રપાલ સિંહ અને એનસીયુઆઈના અધ્યક્ષ દિલીપ સંઘાણી સહિત દેશભરમાંથી સહકારી સાથે સાથે જોડાયેલા અનેક ગણમાન્ય વ્યક્તિ સામેલ થયા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0016MU6.jpg

 

પોતાના સંબોધનમાં શ્રી અમિત શાહ કહ્યું હતું કે, જ્યારે આપણે સહકારિતા ક્ષેત્રના 100 વર્ષની ઉજવણી કરી રહ્યાં છીએ, ત્યારે આપણે બાબત યાદ રાખવી જોઈએ કે, અત્યાર સુધી આપણે સારી કામગીરી કરી છે. તેમણે કહ્યું હતું કે, અનેક ખામીઓ હોવા છતાં સહકારી ક્ષેત્રએ આજે જે મુકામ હાંસલ કર્યું છે તેનાથી હું ગૌરવનો અનુભવ કરું છું. તેમણે જણાવ્યું હતું કે, આપણા સહકારી આંદોલનનો એક મજબૂત પાયો તૈયાર થઈ ગયો છે અને તેના પર એક મજબૂત ઇમારત બનાવવાનું કામ આપણે અને આગામી પેઢીઓએ કરવાનું છે. સહકારી ક્ષેત્રના વિચારોને આધુનિક સમયને અનુરૂપ બનાવીને, ટેકનોલોજી અને વ્યવસાયિકતા સાથે જોડીને એને 100 વર્ષ આગળ લઈ જવાનું કામ કરવાનું છે. તેમણે કહ્યું હતું કે, આજનો દિવસ સહકારી ક્ષેત્રમાં કામ કરતાં તમામ લોકોને જાગૃત કરવાનો દિવસ છે. દિવસ સહકારી ક્ષેત્રને આધુનિક બનાવીને, લોકો વચ્ચે સહયોગ અને તેમના યોગદાનને ચેનલાઇઝ કરીને, સમુદાયો વચ્ચે સમાનતા અને તેમને સહસમૃદ્ધિનો માર્ગ દેખાડવાનો દિવસ છે.

શ્રી અમિત શાહે કહ્યું હતું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે અને આપણે સંકલ્પ લેવાનો છે કે, દેશની આઝાદીનું 100 વર્ષ એટલે કે વર્ષ 2047માં દેશમાં સહકારી ક્ષેત્રની કામગીરી કે વિકાસના શિખરનું વર્ષ હશે. તેમણે કહ્યું હતું કે, દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતની કલ્પનાને ચરિતાર્થ કરવા માટે સહકારી ક્ષેત્ર અગ્રેસર છે. છેલ્લાં 100 વર્ષમાં પૂરી દુનિયાએ સામ્યવાદ અને મૂડીવાદના મોડલને અપનાવ્યું, પણ સહકારી ક્ષેત્રના મધ્યમ માર્ગનું મોડલ સંપૂર્ણ વિશ્વને એક નવું, સફળ અને ટકાઉ આર્થિક મોડલ પ્રદાન કરે છે. તેમણે કહ્યું હતું કે, હાલ પ્રચલિત આર્થિક મોડલના કારણે જે અસંતુલિત વિકાસ થયો, તેને સર્વસ્પર્શી અને સર્વસમાવેશક બનાવવા માટે સહકારી ક્ષેત્રના મોડલને લોકપ્રિય બનાવવું પડશે, જેથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ થશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0023WOQ.jpg

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં પોતાના 100થી 125 વર્ષના આંદોલન દરમિયાન સહકારી ક્ષેત્રએ પોતાનું એક અલગ સ્થાન ઊભું કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, દુનિયાભરમાં લગભગ 12 ટકાથી વધારે વસ્તી 30 લાખથી વધારે સહકારી સમિતિઓના માધ્યમ સાથે જોડાઈ ગઈ છે. દુનિયાની સંયુક્ત સહકારી અર્થવ્યવસ્થા વિશ્વનું પાંચમું સૌથી મોટું આર્થિક એકમ છે અને એક બહુ મોટી ઉપલબ્ધિ છે. તેમણે કહ્યું હતું કે, અનેક લોકોના મનમાં ખોટી ધારણા છે કે સહકારી ક્ષેત્ર નિષ્ફળ નિવડ્યું છે, પણ તેમણે વૈશ્વિક આંકડા પર નજર નાંખવી જોઈએ, જેથી જાણકારી મળે કે ઘણા દેશોની જીડીપીમાં સહકારી ક્ષેત્રનું બહુ મોટું યોગદાન છે. તેમણે ઉમેર્યું હતું કે, વિશ્વની 300થી સૌથી મોટી સહકારી સમિતિઓમાં અમૂલ, ઇફકો અને કૃભકો સ્વરૂપે ભારતની ત્રણ સમિતિઓ પણ સામેલ છે. તેમણે કહ્યું હતું કે, આપણે દેશમાં સહકારી ક્ષેત્રના હાર્દને બચાવીને રાખ્યું છે અને તેના પરિણામે સ્વરૂપે અમૂલ, ઇફકો અને કૃભકોનો નફો સીધો ખેડૂતોના બેંક ખાતામાં પહોંચાડવાનું કામ કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે કર્યું છે. તેમણે કહ્યું હતું કે, સહકારિતા ક્ષેત્ર શરૂઆતથી ભારતીય સંસ્કૃતિનો આત્મા રહી છે અને ભારતે આખી દુનિયાને સહકારી ક્ષેત્રનો વિચાર આપ્યો છે. આખી દુનિયાની 30 લાખ સહકારી સમિતિઓમાંથી 8,55,000 ભારતમાં છે અને લગભગ 13 કરોડ લોકો સીધા એની સાથે જોડાયેલા છે. દેશના 91 ટકા ગામ એવા છે, જેમાં એક યા બીજી સહકારી સમિતિ છે.

શ્રી અમિત શાહે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ દેશની આઝાદીના 75મા વર્ષમાં કેન્દ્રીય સહકારિતા મંત્રાલયની રચના કરીને સહકારી આંદોલનમાં પ્રાણ ફૂંકવાનું કામ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આપણા દેશમાં અનેક ક્ષેત્રોમાં સહકારી મંડળીઓનું યોગદાન બહુ મોટું છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, સહકારી ક્ષેત્રમાં આપણી ઘણી ઉપલબ્ધિઓ હાંસલ કરવા છતાં સંતોષકારક સ્થિતિ નથી. દેશમાં 70 કરોડ લોકો વંચિત વર્ગમાં સામેલ છે અને તેમને દેશના વિકાસ સાથે જોડીને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે સહકારી ક્ષેત્રમાં સામેલ કરવાથી વધારે શ્રેષ્ઠ કામગીરી બીજી કોઈ હોઈ શકે. તેમણે કહ્યું હતું કે, 70 કરોડ લોકો છેલ્લાં 70 વર્ષમાં વિકાસનું સ્વપ્ન જોવાની સ્થિતિમાં પણ નહોતાં, કારણ કે અગાઉની સરકારો ગરીબી દૂર કરોના સૂત્રો આપતી હતી. તેમણે કહ્યું હતુ કે, કરોડો દેશવાસીઓનું જીવનસ્તર સુધાર્યા વિના, તેમના ખાવાપીવાની ચિંતા કર્યા વિના, તેમના આરોગ્યની ચિંતા કર્યા વિના તેમને દેશના આર્થિક વિકાસ સાથે જોડી શકાય. પણ વર્ષ 2014માં શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશના પ્રધાનમંત્રી બન્યા પછી તેમના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે. અત્યારે લોકોના ઘર, વીજળી, ભોજન, આરોગ્ય અને ગેસ જેવી તમામ મૂળભૂત સુવિધાઓ મળી રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003Y3KC.jpg

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ કહ્યું હતું કે, આજે દેશનો દરેક વ્યક્તિ પોતાના આર્થિક વિકાસનું સ્વપ્ન જોઈ રહ્યો છે, કારણ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દરેક વ્યક્તિની આકાંક્ષાઓને વેગ આપ્યો છે અને આકાંક્ષાઓ અને અપેક્ષાઓ ફક્ત અને ફક્ત સહકારી ક્ષેત્ર પૂરી કરી શકે છે. સ્વપ્ન જોતા અને આકાંક્ષા ધરાવતા 70 કરોડ લોકોનો જે જનસમૂહ મોદીજીએ ઊભો કર્યો છે તેને સહકારી ક્ષેત્ર મારફતે ચેનલાઇઝ કરીને સહકારી સમિતિઓના માધ્યમથી આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ કરવો જોઈએ.

શ્રી અમિત શાહે કહ્યું હતું કે, આત્મનિર્ભરતાનો અર્થ ફક્ત ટેકનિક અને ઉત્પાદનના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનો નથી, પણ દરેક વ્યક્તિને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો પણ છે અને જ્યારે આવું થશે, ત્યારે દેશ પોતાની રીતે આત્મનિર્ભર બની જશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત સરકાર વિચારને આગળ વધારી રહી છે. સહકારી ક્ષેત્ર 70 કરોડ લોકોની આકાંક્ષાઓને એક મંચ પ્રદાન કરીને તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા સાચો સહકાર છે. ઓછી મૂડી ધરાવતા બહુ બધા લોકો એકમંચ પર આવીને મોટી મૂડીની સાથે એક નવો ઉદ્યોગસાહસ શરૂ કરવો સહકાર છે અને મને પૂરી ખાતરી છે કે, આવું કરવાથી 70 કરોડ લોકો આત્મનિર્ભર બનશે. તેમણે કહ્યું હતું કે, લક્ષ્યાંક હાંસલ કરવા માટે આપણે પોતાના પર કઠોર નિયંત્રણની સાથે સાથે સહકારના વર્તમાન સ્વરૂપને બદલીને એક નવા દ્રષ્ટિકોણની સાથે આગળ વધવું પડશે.

દેશના પ્રથમ સહકારિતા મંત્રીએ કહ્યું હતું કે, મોદી સરકારે દેશની 65,000 પ્રાથમિક કૃષિ ક્રેડિટ સમિતિઓ (પીએસીએસ)ના કમ્પ્યુટરીકરણનો નિર્ણય કર્યો છે, જેનાથી પીએસીએસ, જિલ્લા સહકારી બેંક, રાજ્ય સહકારી બેંક અને નાબાર્ડ ઓનલાઇન થઈ જશે, જેનાથી વ્યવસ્થામાં પારદર્શકતા આવશે. તેમણે કહ્યું હતું કે, પીએસીએસ રાજ્યોનો વિષય છે અને કેન્દ્રએ પીએસીએસના સંદર્ભમાં મોડલ બાય-લૉ (Model By-laws) રાજ્યોને તેમના સૂચનો માટે મોકલ્યાં છે, જેથી પીએસીએસને બહુઉદ્દેશીય અને બહુપરિમાણીય બનાવી શકાય. તેમણે એવું પણ કહ્યું હતું કે, ઝડપથી (Model By-laws)ને સહકારી સમિતિઓને પણ સૂચનો માટે મોકલવામાં આવશે. તેમણે કહ્યું હતુ કે, 25 પ્રકારની કામગીરીઓને પીએસીએસ સાથે જોડવામાં આવશે, જેનાથી રોજગારીની તકો વધશે. પેટાનિયમો પીએસીએસને ઘણા બધા કાર્ય અને સુવિધાઓ આપીને ગામને પ્રવૃતિઓનું કેન્દ્ર બનાવશે. તેમણે કહ્યું હતું કે, મને પૂરી ખાતરી છે કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 70 કરોડ આકાંક્ષી લોકોને સહકારી ક્ષેત્રના માધ્યમથી સર્વસમાવેશક આર્થિક વિકાસનું મોડલ ઉપલબ્ધ કરાવશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, સહકારી મંત્રાલય સહકારી સમિતિઓને સંપન્ન, સમૃદ્ધ અને પ્રાસંગિક બનાવવા માટે દરેક શક્ય સુધારો કરવા માટે સક્રિય સ્વરૂપે કામ કરી કહી છે. સાથે સાથે તેમણે ઉમેર્યું હતું કે, કાયદો ફક્ત નજર રાખી શકે છે, પણ સહકારી જેવા ક્ષેત્રને સુધારવા માટે આપણે પોતાના પર કેટલાંક નિયંત્રણ મૂકવા પડશે અને નિયંત્રણો ભાવનાત્મક હોવા જોઈએ. તેમણે એવું પણ કહ્યું હતું કે, સરકારે તાલીમ માટે એક રાષ્ટ્રીય સહકારી યુનિવર્સિટી બનાવવાનો નિર્ણય લીધો છે, જે રાષ્ટ્રીય સહકારી સંઘ સાથે જોડાઈને દેશના સહકારી ક્ષેત્રના લોકોને તાલીમ આપવાની વ્યવસ્થા કરશે.

 

શ્રી અમિત શાહે કહ્યું હતું કે, અમૂલને ઓર્ગેનિક ઉત્પાદનોની વિશ્વસનિયતાને પારખીને પ્રમાણિત કરવાનું કામ સુપરત કરવામાં આવ્યું છે. અમૂલ પોતાની બ્રાન્ડ સાથે તમામ ઓર્ગેનિક ઉત્પાદનો દેશ અને દુનિયાના બજારમાં માર્કેટમાં પ્રસ્તુત કરવાનું કામ કરશે, જેથી ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને પોતાના ઉત્પાદનોના ઓછામાં ઓછા 30 ટકા વધારે ભાવ મળશે. તેમણે કહ્યું હતું કે, સરકારે નક્કી કર્યું છે કે, બે મોટા સહકારી નિકાસ હાઉસની નોંધણી કરવામાં આવશે, જે દેશભરની સહકારી સંસ્થાઓના ઉત્પાદનોની ગુણવતાનું ધ્યાન રાખશે, તેમની પ્રોડક્શન ચેનલને વૈશ્વિક બજારને અનુરૂપ બનાવશે અને ઉત્પાદનોના નિકાસનું એક માધ્યમ બનશે. તેમણે કહ્યું હતું કે, સરકારે ઇફકો અને કૃભકોના બિયારણ સુધારવા માટે જોડવાનું કામ કર્યું છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ તેમની વાત પૂર્ણ કરતાં કહ્યું હતું કે, સરકારે તાજેતરમાં લીધેલા નિર્ણય અંતર્ગત સહકારી સમિતિઓને બી જીઇએમ દ્વારા ખરીદવાની મંજૂરી આપી દીધી છે. સહકારી મંત્રાલય પીએસીએસનો એક ડેટાબેઝ પણ બનાવી રહ્યો છે. તેમણે ઉમેર્યુ હતું કે, સહકારી આંદોલનનો સાથસહકારનો સિદ્ધાંત લાંબું જીવન આપી શકે છે અને સાથસહકારના સિદ્ધાંતોને છોડવો કેટલીક પીએસીએસ બંધ થવાનું કે Defunct થવાનું મૂળ કારણ છે. તેમણે સહકારી ક્ષેત્રના તમામ કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે, સહકારી ક્ષેત્રને લાંબું જીવન આપવા, પ્રાસંગિક બનાવવા, દેશના અર્થતંત્રમાં પ્રદાન કરવના અને 70 કરોડ આંકાક્ષી લોકોને આત્મનિર્ભર બનાવવા માટે સાથસહકારના સિદ્ધાંતોને આત્મસાત કરો.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1839229) Visitor Counter : 255