પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

1 જુલાઈ, 2022થી અધિસૂચિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ

પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓના ગેરકાયદેસર ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર નજર રાખવા રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે નિયંત્રણ કક્ષો સ્થાપિત થશે

અસરકારક અમલીકરણ અને તમામ હિતધારકો દ્વારા સહિયાર પ્રયાસો થકી જ પ્રતિબંધને સફળતા મળશે

SUPsના પ્રતિબંધની સફળતા માટે જાહેર જનતાની ભાગીદારી મહત્વપૂર્ણ

Posted On: 28 JUN 2022 1:04PM by PIB Ahmedabad

ભારતના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વર્ષ 2022ના અંત સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓને તબક્કાવાર રીતે સંપૂર્ણપણે દૂર કરવાની અપીલને અનુરૂપ ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રાલયે 12 ઓગસ્ટ, 2021ના રોજ પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપનના સંશોધિત નિયમો, 2021ને અધિસૂચિત કર્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવાના ઉત્સાહને આગળ વધારીને દેશવાસીઓ દ્વારા કચરા અને નિકાલ ન થતા હોય એવા પ્લાસ્ટિકના કચરાથી પેદા થતા પ્રદૂષણને ઘટાડવા એક નિર્ણાયક પગલું લીધું છે. ભારત ઓછો વપરાશ ધરાવતી અને કચરો પેદા કરવાની વધારે સંભવિતતા ધરાવતી ઓળખ કરાયેલી સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓના ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને વપરાશ પર 1 જુલાઈ, 2022થી સમગ્ર દેશમાં પ્રતિબંધ મૂકશે.

જમીન અને દરિયાઈ એમ બંને પ્રકારના પારિસ્થિતિક તંત્રો પર સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરાની નુકસાનકારક અસર થાય છે, જેમાં દુનિયાભરમાં દરિયાઈ પર્યાવરણ થયેલી અસરો જાણીતી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓના કારણે થતા પ્રદૂષણની સમસ્યા મહત્વપૂર્ણ પર્યાવરણલક્ષી પડકાર બની ગઈ છે, જેનો સામનો દુનિયાના તમામ દેશો કરી રહ્યાં છે.

વર્ષ 2019માં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રની ચોથી પર્યાવરણ સભામાં ભારતે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદનોના પ્રદૂષણની સમસ્યા પર એક સંકલ્પ લીધો હતો અને આ અતિ મહત્વપૂર્ણ મુદ્દા પર વૈશ્વિક સમુદાયે ધ્યાન કેન્દ્રીત કરવાની તાતી જરૂર હોવાનું સ્વીકાર્યું હતું. યુએનઇએ 4માં આ સંકલ્પનો સ્વીકાર એક નોંધપાત્ર પગલું હતું. તાજેતરમાં માર્ચ, 2022માં સંયુક્ત રાષ્ટ્રની પાંચમી પર્યાવરણ સભાની બેઠક સંપન્ન થઈ હતી, જેમાં ભારતે પ્લાસ્ટિકના પ્રદૂષણ પર વૈશ્વિક કામગીરી કરવા માટે સંકલ્પ પર તમામ સભ્ય દેશો સાથે રચનાત્મક જોડાણ કર્યું હતું.

ભારત સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરા દ્વારા પેદા થતા પ્રદૂષણને ઓછામાં ઓછું કરવા વિવિધ પગલાં લેવાનો સંકલ્પ કર્યો છે. પ્રતિબંધિત ચીજવસ્તુઓની યાદીમાં સામેલ છે – પ્લાસ્ટિકની સ્ટિક સાથે ઇયર બડ્સ, ફુગ્ગાઓ માટે પ્લાસ્ટિકની સ્ટિક, પ્લાસ્ટિકના ધ્વજ, કેન્ડી સ્ટિક્સ, આઇસ-ક્રીમ સ્ટિક્સ, સુશોભન માટે પોલીસ્ટાયરિન (થર્મોકોલ), પ્લાસ્ટિકની પ્લેટ, કપ, ગ્લાસ, કાંટા, ચમચી, છરી, સ્ટ્રો, ટ્રે જેવી કટલેરી, મીઠાઈના બોક્ષ ફરતી રેપિંગ કે પેકિંગ ફિલ્મ, ઇન્વિટેશન કાર્ડ, સિગારેટના પેકેટ, 100 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતાં પ્લાસ્ટિક કે પીવીસી બેનર્સ, સ્ટિરર્સ.

પ્લાસ્ટિકના કચરાના વ્યવસ્થાપનના સંશોધિન નિયમો, 2021 પણ 30 સપ્ટેમ્બર, 2021થી 75 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી તથા 31 ડિસેમ્બર, 2022થી 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્લાસ્ટિક કેરી બેગના ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે.

પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રાલયે 16 ફેબ્રુઆરી, 2022ના રોજ પ્લાસ્ટિકના કચરાના વ્યવસ્થાપન માટે સંશોધિત નિયમો, 2022 તરીકે પ્લાસ્ટિકના પેકેજિંગ પર ઉત્પાદકોની વધારાની જવાબદારી પર માર્ગદર્શિકા પણ અધિસૂચિત કરી છે. ઉત્પાદકની વધારાની જવાબદારી (ઇપીઆર) ઉત્પાદનનો સંપૂર્ણ નાશ ન થાય ત્યાં સુધી તેનું પર્યાવરણને અનુકૂળ અસરકારક વ્યવસ્થાપન કરવા માટે ઉત્પાદકને જવાબદાર બનાવે છે. માર્ગદર્શિકા પ્લાસ્ટિક પેકેજિંગના કચરાના ફરતાં અર્થતંત્રને મજબૂત કરવા, પ્લાસ્ટિક પેકેજિંગના નવા વિકલ્પોના વિકાસને પ્રોત્સાહન આપવા અને વ્યવસાયો દ્વારા પર્યાવરણને અનુકૂળ પ્લાસ્ટિક પેકેજિંગ તરફ અગ્રેસર થવા માટે આગામી પગલાં પ્રદાન કરવા માળખું પ્રદાન કરશે.

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસિકતા મંત્રાલય અને કેન્દ્રીય પેટ્રોકેમિકલ્સ ઇજનેરી સંસ્થા (સિપેટ) અને તેમના રાજ્યના કેન્દ્રો સાથે CPCB/SPCBs/PCCsના જોડાણ સાથે એમએસએમઇ એકમોને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓના વિકલ્પોનું ઉત્પાદન કરવા માટે ટેકનિકલ સહાય પ્રદાન કરવા ક્ષમતા નિર્માણ કાર્યશાળાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારના ઉદ્યોગસાહસોને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા ટેકો આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

ભારત સરકારે સમગ્ર દેશમાં તમામ વિકલ્પોની પહોંચને વેગ આપવા અને ઉપલબ્ધ કરાવવા માટે નવીનતાને પ્રોત્સાહન આપવા અને ઇકોસિસ્ટમ પ્રદાન કરવા વિવિધ પગલાં પણ લીધા છે.

1 જુલાઈ, 2022થી ઓળખ કરાયેલી સિંગલ યુઝ પ્લાસ્ટિક (એસયુપી)ની ચીજવસ્તુઓ પર પ્રતિબંધને અસરકારક રીતે લાગુ કરવા રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે નિયંત્રણ કક્ષો સ્થાપિત થશે તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓના ગેરકાયદેસર ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર નજર રાખવા વિશેષ અમલીકરણ ટીમોની રચના થશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રતિબંધિત કોઈ પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓની રાજ્ય વચ્ચે હેરફેર અટકાવવા સરહદ પર ચેક પોઇન્ટ સ્થાપિત કરવાનું કહેવાયું છે.

પ્લાસ્ટિકના કુચક્રને નિયંત્રણમાં લેવા મદદરૂપ થવા નાગરિકોનું સશક્તિકરણ કરવા સીપીસીબી ફરિયાદ નિવારણ એપ શરૂ થઈ છે. મોટી સંખ્યામાં જનતા સુધી પહોંચવા પ્રકૃતિ-મેસ્કોટ પણ 5 એપ્રિલના રોજ પ્રસ્તુત થયો હતો.

સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકને સંપૂર્ણપણે નાબૂદ કરવા જાગૃતિ લાવવા માટે વિવિધ પગલાં લીધા છે. જાગૃતિ અભિયાન ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગ, કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સરકારો, નિયમનકારક સંસ્થાઓ, નિષ્ણાતો, નાગરિક સંસ્થાઓ, સંશોધન અને વિકાસ તથા શૈક્ષણિક સંસ્થાઓને એકમંચ પર લાવે છે.

મંત્રાલય માને છે કે, પ્રતિબંધને સફળતા એના અસરકારક અમલીકરણ દ્વારા અને તમામ હિતધારકોના સહિયારા પ્રયાસો તથા જનતાની ઉત્સાહભેર ભાગીદારી દ્વારા જ મળશે.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1837542) Visitor Counter : 1339