યુવા બાબતો અને રમત મંત્રાલય
ચોથી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં દેશભરમાંથી 8500 ખેલાડીઓની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી ભાગ લેશેઃ શ્રી અનુરાગ ઠાકુર
ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021માં પાંચ પરંપરાગત રમતોનો સમાવેશ થાય છે: યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય પ્રધાન
ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021નો લોગો, ગીત, જર્સી અને માસ્કોટ આજે પંચકુલામાં લોન્ચ કરવામાં આવ્યા
Posted On:
07 MAY 2022 4:23PM by PIB Ahmedabad
ચોથી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં દેશભરમાંથી 8500 ખેલાડીઓની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી ભાગ લેશે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આજે પંચકુલાના ઈન્દ્રધનુષ ઑડિટોરિયમમાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021ના લોગો, ગીત, જર્સી અને માસ્કોટને લોન્ચ કરતી વખતે આ વાત કહી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશની કુલ વસ્તીમાં માત્ર બે ટકાની ભાગીદારી સાથે હરિયાણાએ દેશને મોટાભાગની રમતગમત સ્પર્ધાઓમાં સૌથી વધુ મેડલ અપાવ્યા છે. હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ, હરિયાણાના નાયબ મુખ્યમંત્રી શ્રી દુષ્યંત ચૌટાલા, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી જ્ઞાનચંદ ગુપ્તા, હરિયાણાના રમતગમત મંત્રી શ્રી સંદીપ સિંહ, ભારત સરકારના પૂર્વ જલ શક્તિ રાજ્ય મંત્રી શ્રી રતનભાઈ લાલ કટારિયા અને હરિયાણાના મુખ્ય સચિવ શ્રી સંજીવ કૌશલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પરંપરાગત રમતોની જાળવણી પર ભાર મૂકતા, શ્રી ઠાકુરે કહ્યું કે પાંચ પરંપરાગત રમતો - ગતકા, કલારીપયટ્ટુ, થાંગ-તા, મલ્લખંભ અને યોગાસન - આગામી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021નો ભાગ હશે. તેમણે કહ્યું કે ખેલો ઈન્ડિયા અંતર્ગત યુથ ગેમ્સ અને તાજેતરમાં પૂર્ણ થયેલી યુનિવર્સિટી ગેમ્સ ચોક્કસપણે યુવાનોને ભવિષ્યમાં મોટા લક્ષ્યો હાંસલ કરવા પ્રેરણા આપશે. યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત સરકાર એથ્લીટ્સનાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે તેના પ્રયાસો પ્રત્યે સભાન છે.

હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલે કહ્યું કે રાજ્ય સરકાર આ કાર્યક્રમ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી રહી છે. તેમણે રાજ્યને ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021ની યજમાની કરવાની તક આપવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, આ રાજ્ય દેશ માટે માત્ર અનાજનું ઉત્પાદન જ નથી કરી રહ્યું પણ તેના ખેલાડીઓ દ્વારા મેડલ પણ અર્જિત કરી રહ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રમતગમત શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે સારી છે.

આ પ્રસંગે હરિયાણાના નાયબ મુખ્યમંત્રી શ્રી દુષ્યંત ચૌટાલા, હરિયાણાના રમતગમત મંત્રી શ્રી સંદીપ સિંહ, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી જ્ઞાનચંદ ગુપ્તા અને પૂર્વ જલ શક્તિ રાજ્ય મંત્રી શ્રી રતનલાલ કટારિયા સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

'જયા' નામનું કાળું હરણ અને 'વિજય' નામનો વાઘ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના માસ્કોટ છે. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ-21 માટે હરિયાણાના માસ્કોટનું નામ 'ધાકડ' છે. હરિયાણામાં 4 જૂનથી 13 જૂન દરમિયાન ચોથી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે.
SD/GP/JD
(Release ID: 1823583)