પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આસામના દિફુમાં ‘શાંતિ, એકતા અને વિકાસ રેલી’ને સંબોધન કર્યું

“લચિત બોર્ફૂકનનું જીવન દેશપ્રેમ અને રાષ્ટ્રશક્તિની પ્રેરણા છે”


“ડબલ એન્જિનની સરકાર સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસની ભાવના સાથે કામ કરી રહી છે”


“અમૃત સરોવરની પરિયોજના સંપૂર્ણપણે લોક ભાગીદારી પર આધારિત છે”


“વર્ષ 2014થી પૂર્વોત્તરમાં મૂશ્કેલીઓ ઘટવા લાગી છે અને વિકાસના કાર્યોમાં વધારો થઇ રહ્યો છે”


“2020માં થયેલી બોડો સમજૂતીના કારણે કાયમી ધોરણે શાંતિના દ્વાર ખુલ્યા છે”


“છેલ્લા 8 વર્ષ દરમિયાન અમે પૂર્વોત્તરના સંખ્યાબંધ વિસ્તારોમાં શાંતિ તેમજ કાયદો અને વ્યવસ્થાની બહેતર સ્થિતિના કારણે AFSPA પાછો ખેંચી લીધો છે”


“આસામ અને મેઘાલય વચ્ચે થયેલી સમજૂતીના કારણે અન્ય બાબતોને પણ પ્રોત્સાહન મળશે. આનાથી સમગ્ર પ્રદેશમાં વિકાસની મહત્વાકાંક્ષા વધુ વેગવાન થશે”


“અગાઉના દાયકાઓમાં આપણે જે વિકાસ નથી કરી શક્યા તેની હવે ભરપાઇ કરવાની છે”

Posted On: 28 APR 2022 12:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના  કારબી એંગલોંગ જિલ્લામાં આવેલા દિફુમાં  ‘શાંતિ, એકતા અને વિકાસ રેલી’ને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પશુ ચિકિત્સા કોલેજ (દિફુ), ડિગ્રી કોલેજ (પશ્ચિમ કારબી એંગલોંગ) અને કૃષિ કોલેજ (કોલોંગા, પશ્ચિમ કારબી એંગલોંગ)નો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પરિયોજનાઓ કુલ રૂપિયા 500 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે અને તેના કારણે પ્રદેશમાં કૌશલ્ય વિકાસ તેમજ રોજગારીની નવી તકોનું સર્જન થશે. પ્રધાનમંત્રીએ 2950 કરતાં વધારે અમૃત સરોવર પરિયોજનાઓ માટે પણ શિલાન્યાસ કર્યો હતો. રાજ્યમાં અમૃત સરોવરો અંદાજે કુલ રૂપિયા 1150 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. આસામના રાજ્યપાલ જગદીશ મુખી અને આસામના મુખ્યમંત્રી હિમ્માંતા બિશ્વશર્મા સહિત અન્ય મહાનુભાવો પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગે સંબોધન આપતા પ્રધાનમંત્રીએ કારબી એંગલોંગના લોકોએ ઉષ્માપૂર્ણ રીતે તેમનું સ્વાગત કર્યું તે બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આઝાદી કા અમૃત મહોત્સવ અને આસામના મહાન સપુત લચિત બોર્ફૂકનની 400મી તિથિ એક સમયગાળામાં આવતા હોવાની નોંધ લીધી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “લચિત બોર્ફૂકનનું જીવન દેશપ્રેમ અને રાષ્ટ્રશક્તિની પ્રેરણા હતું. હું કારબી એંગલોંગમાં આવેલા દેશના મહાન નાયકને વંદન કરું છું.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ‘ડબલ એન્જિન’ની સરકાર સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસની ભાવના સાથે કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, “આજે કારબી એંગલોંગની ભૂમિ પર સંકલ્પ વધુ મજબૂત બન્યો છે. આસામમાં કાયમી ધોરણે શાંતિ અને ઝડપી વિકાસ માટે જે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા તેને પાર પાડવાનું કામ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.”

પ્રધાનમંત્રી મોદીએ નોંધ્યું હતું કે, આજે 2600 સરોવરો કરતાં વધારેના બાંધકામનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે પરિયોજના સંપૂર્ણપણે લોક ભાગીદારી પર આધારિત છે. તેમણે વાત પણ સ્વીકારી હતી કે, આદિવાસી સમુદાયોમાં આવા સરોવરોની ભવ્ય પરંપરા ચાલતી આવી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આવા તળાવોથી ગામડાઓ માટે પાણીનો સંગ્રહ થવાની સાથે સાથે લોકો માટે તે આવકનો સ્રોત પણ બનશે.

પ્રધાનમંત્રીએ તથ્યને પણ રેખાંકિત કર્યું હતું કે, વર્ષ 2014થી પૂર્વોત્તરના પ્રદેશોમાં મૂશ્કેલીઓ ઘટી રહી છે અને વિકાસના કાર્યો આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, “આજે, જ્યારે કોઇ વ્યક્તિ આસામના આદિવાસી વિસ્તારોમાં આવે છે અથવા પૂર્વોત્તરના અન્ય રાજ્યોમાં જાય છે ત્યારે તેઓ પણ અહીં બદલાઇ રહેલી સ્થિતિની પ્રશંસા કરે છે.” પ્રધાનમંત્રીએ ગયા વર્ષે કારબી એંગલોંગના સંખ્યાબંધ સંગઠનોને શાંતિ અને વિકાસની પ્રક્રિયામાં સમાવવામાં આવ્યા તે વાતને યાદ કરી હતી. પ્રધાનમંત્રીએ પોતાની વાતમાં ઉમેર્યું હતું કે, 2020માં કરવામાં આવેલી બોડો સમજૂતીના કારણે અહીં કાયમી ધોરણે શાંતિના દ્વાર ખુલ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એવી રીતે, ત્રિપુરામાં પણ NIFT દ્વારા શાંતિની દિશામાં પગલું ભરવામાં આવ્યું છે. લગભગ અઢી દાયકા જૂની બ્રૂ-રેઆંગનો પણ ઉકેલ આવ્યો હોવાનું પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઘણા લાંબા સમયથી સશસ્ત્ર દળ વિશેષ સત્તા અધિનિયમ (AFSPA)નો અમલ પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જોકે, છેલ્લા આઠ વર્ષ દરમિયાન, પૂર્વોત્તરના સંખ્યાબંધ વિસ્તારોમાં કાયમી ધોરણે શાંતિ જળવાઇ રહી છે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘણી સુધરી ગઇ છે માટે ત્યાંથી AFSPAનો અમલ દૂર કરવામાં આવ્યો છે.” પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરહદી સમસ્યાનો ઉકેલ પણ સબકા સાથ, સબકા વિકાસની ભાવના સાથે લાવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આસામ અને મેઘાલય વચ્ચે થયેલી સમજૂતીના કારણે અન્ય બાબતોને પણ પ્રોત્સાહન મળશે. આનાથી સમગ્ર પ્રદેશમાં વિકાસની મહત્વાકાંક્ષા વધુ વેગવાન થશે.”

આદિવાસી સમુદાયોના ભવ્ય સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં લેતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આદિવાસી સમાજની સંસ્કૃતિ, તેમની ભાષા, તેમનું ભોજન, તેમની કળા, તેમની હસ્ત કારીગરી, આ બધુ ભારતનો ભવ્ય સાંસ્કૃતિક વારસો છે. આ બાબતે તો આસમ વધારે સમૃદ્ધ છે. આ સાંસ્કૃતિક વારસો ભારતને જોડે છે, એક ભારત – શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધારે મજબૂત કરે છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આઝાદીના અમૃતકાળ દરમિયાન, કારબી એંગલોંગ પણ શાંતિ અને વિકાસના નવા ભવિષ્ય તરફ આગેકૂચ કરી રહ્યું છે. હવે આપણે અહીંથી પાછું વળીને જોવાનું નથી. આવનારા વર્ષોમાં, આપણે સૌએ સાથે મળીને વિકાસ કરવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, અગાઉના દાયકાઓમાં જે વિકાસ નથી થયો તેને આપણે સૌએ સાથે મળીને ભરપાઇ કરવાનો છે. પ્રધાનમંત્રીએ પ્રદેશમાં આસામ અને અન્ય રાજ્યોની સરકારોએ સેવા અને સમર્પણની ભાવના સાથે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો જે પ્રકારે અમલ કર્યો તે બદલ સૌની કામગીરીની પ્રશંસા કરી હતી. ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ આગળ આવી તે બદલ તેમણે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને સરકારના તમામ પગલાંઓમાં મહિલાઓના દરજ્જામાં ઉત્કર્ષ, ઇઝ ઓફ લાઇફ અને મહિલાઓના ગૌરવ પર એકધારું ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાતનો પુનરુચ્ચાર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપન વખતે આસામના લોકોને ખાતરી આપી હતી કે, રાજ્યના લોકોએ તેમને જે પ્રેમ અને લાગણીની હૂંફ આપી છે તેને તેઓ પ્રદેશમાં એકધારા વિકાસ માટે પોતાની જાતને સમર્પિત કરીને વ્યાજ સાથે પરત ચુકવશે.

પ્રદેશમાં શાંતિ તેમજ વિકાસ બાબતે પ્રધાનમંત્રીની અતૂટ પ્રતિબદ્ધતાનું ઉદાહરણ કારબી ઉગ્રવાદી સંગઠનો સાથે તાજેતરમાં ભારત સરકાર અને આસામ સરકાર દ્વારા સમાધાનના સમજૂતી કરાર (MoS) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા તેના પરથી મળી જાય છે. સમાધાનના સમજૂતી કરાર પર કરવામાં આવેલા હસ્તાક્ષરથી પ્રદેશમાં શાંતિના નવા યુગનો ઉદય થયો છે.

 

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1820919) Visitor Counter : 148