પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી મોદીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું


“આ મ્યુઝિયમ દરેક સરકારના સહિયારા વારસાનું જીવંત પ્રતિબિંબ છે”


“આ મ્યુઝિયમ આઝાદી કા અમૃત મહોત્સવના સમયમાં ભવ્ય પ્રેરણા બન્યું છે”

“સ્વતંત્ર ભારતમાં બનેલી દરેક સરકારે દેશ આજે જ્યાં છે તે ઊંચાઇએ દેશને લાવવામાં યોગદાન આપ્યું છે. મેં લાલ કિલ્લા પરથી પણ આ વાતનું ઘણી વખત પુનરાવર્તન કર્યું છે”


“તે દેશના યુવાનોને વિશ્વાસ આપે છે કે, સામાન્ય પરિવારમાં જન્મેલી વ્યક્તિ પણ ભારતના લોકશાહી તંત્રમાં સર્વોચ્ચ હોદ્દા પર પહોંચી શકે છે”

“એકાદ- બે અપવાદોને બાદ કરતા, ભારત લોકશાહી ઢબે લોકશાહીનું મજબૂતીકરણ કરવાની ગૌરવપૂર્ણ પરંપરા ધરાવે છે”

“આજે, જ્યારે નવી વૈશ્વિક વ્યવસ્થા ઉભરી રહી છે ત્યારે, દુનિયા આશા અને વિશ્વાસ સાથે ભારત તરફ નજર રાખીને બેઠી છે, તો પછી ભારતે પણ આ પ્રસંગોચિત ઉદયમાન થવા માટે પોતાના પ્રયાસો વધારવા પડશે”

Posted On: 14 APR 2022 2:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે સંબોધન આપતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આજે વિવિધ તહેવારોની ઉજવણી થઇ રહી છે. તેમણે બાબાસાહેબ આંબેડકરણને પણ સ્મરણાંજલી અર્પણ કરતા કહ્યું હતું કે, “બાબાસાહેબ જે બંધારણના મુખ્ય ઘડવૈયા હતા, તે બંધારણે આપણે સંસદીય તંત્રનો પાયો આપ્યો છે. આ સંસદીય તંત્રની મુખ્ય જવાબદારી દેશના પ્રધાનમંત્રીની કચેરીના શિરે હોય છે. મારા માટે આજે આ ખૂબ જ સદભાગ્યની વાત છે કે, મને આજે પ્રધાનમંત્રીનું સંગ્રહાલય રાષ્ટ્રને સમર્પિત કરવાની તક મળી છે.” તેમણે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ભૂતકાળના પ્રધાનમંત્રીઓના પરિવારોને પણ આવકાર્યા હતા અને તેમનું અભિવાદન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું  કે, “આજે દેશ જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે, આ મ્યુઝિયમ એક મહાન પ્રેરણા બન્યું છે. આ 75 વર્ષ દરમિયાન, દેશ સંખ્યાબંધ ગૌરવપૂર્ણ ક્ષણોનો સાક્ષી બન્યો છે. ઇતિહાસના ઝરુખામાં આ ક્ષણોનું મહત્વ અતુલ્ય છે.”

પ્રધાનમંત્રીએ આઝાદી મળી ત્યારથી અત્યાર સુધીમાં રચાયેલી દરેક સરકારે આપેલા યોગદાનની તેમની પ્રશંસાના શબ્દોનો પુનરુચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “સ્વતંત્ર ભારતમાં રચાયેલી દરેક સરકારે દેશ આજે ત્યાં છે તે ઊંચાઇ સુધી તેને લઇ જવામાં યોગદાન આપ્યું છે. મેં આ વાત લાલ કિલ્લા પરથી પણ ઘણી વખત કહી છે.” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ મ્યુઝિયમ દરેક સરકારના સહિયારા વારસાનું જીવંત પ્રતિબિંબ પણ બની ગયું છે. પ્રધાનમંત્રીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, દેશના દરેક પ્રધાનમંત્રીએ બંધારણીય લોકશાહીના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે અપાર યોગદાન આપ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, “તેમને યાદ કરવા એટલે સ્વતંત્ર ભારતની યાત્રા જાણવા સમાન છે. અહીં આવનારા લોકો દેશના પૂર્વ પ્રધાનમંત્રીઓએ આપેલા યોગદાન, તેમની પૃષ્ઠભૂમિ, તેમના સંઘર્ષ અને સર્જનોથી માહિતગાર થશે.”

પ્રધાનમંત્રીએ એ તથ્ય અંગે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી કે, સંખ્યાબંધ પ્રધાનમંત્રીએ ખૂબ સામાન્ય પરિવારમાંથી આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અત્યંત ગરીબ, ખેડૂત પરિવારોમાંથી આવીને દેશના પ્રધાનમંત્રીના હોદ્દા સુધી નેતાઓ પહોંચ્યા તે વાસ્તવિકતા ભારતની લોકશાહી અને તેની પરંપરાઓમાં રહેલો વિશ્વાસ વધારે મજબૂત કરે છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, “તેનાથી દેશના યુવાનોમાં પણ વિશ્વાસ બેસે છે કે એક સામાન્ય પરિવારમાં જન્મેલી વ્યક્તિ પણ ભારતના લોકશાહી તંત્રમાં સર્વોચ્ચ હોદ્દા સુધી પહોંચી શકે છે.” પ્રધાનમંત્રીએ એવી આશા વ્યક્ત કરી હતી કે, આ મ્યુઝિયમ યુવા પેઢીના અનુભવનું વધારે વિસ્તરણ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આપણા યુવાનો સ્વતંત્ર ભારતના મુખ્ય પ્રસંગો વિશે જેટલા વધુ જાણતા હોય, એટલા તેમના નિર્ણયો વધુ સુસંગત હશે.

ભારતને લોકશાહીની જનેતા તરીકે ઓળખવામાં આવે છે તે દરજ્જાની નોંધ લેતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતની લોકશાહીની મહાન વિશેષતા એ છે કે, સમયના વહેણની સાથે તેમાં એકધારું પરિવર્તન આવે છે. દરેક યુગમાં, દરેક પેઢીમાં, લોકશાહીને વધુ આધુનિક અને સશક્ત બનાવવા માટેના એકધારા પ્રયાસો થતા જોવા મળ્યા છે.” પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એકાદ-બે અપવાદોને બાદ કરતા, ભારત લોકશાહી ઢબે લોકશાહીનું મજબૂતીકરણ કરવાની ગૌરવપૂર્ણ પરંપરા ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ‘આથી જ આપણા પર જવાબદારી છે કે, આપણા પ્રયાસોથી આપણે લોકશાહીને વધારે મજબૂત કરવાનું ચાલુ રાખીએ.’ ભારતીય સંસ્કૃતિના સમાવેશી અને અનુકૂલનના ઘટકો પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આપણી લોકશાહી આપણને આધુનિકતા સ્વીકારવા અને નવા વિચારો પર મંથન કરવા માટે પ્રેરણા આપે છે.

ભારતના ભવ્ય ઇતિહાસ અને સમૃદ્ધ યુગને યાદ કરતા પ્રધાનમંત્રીએ ભારતના વારસા ને વર્તમાનના સાચા ચિત્ર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારતમાંથી ચોરીને વિદેશ લઇ જવામાં આવેલો આપણો વારસો પાછો લાવવામાં આવ્યો, ભવ્ય વારસાના સ્થળોની ઉજવણી, જલિયાંવાલા સ્મારક, બાબાસાહેબની યાદમાં પંચતીર્થ, સ્વતંત્રતા સેનાની મ્યુઝિયમ, આદિજાતિ ઇતિહાસ સંગ્રહાલય જેવા સ્થળોએ સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિઓની જાળવણી એ સરકાર દ્વારા આ દિશામાં લેવામાં આવેલા પ્રયાસો છે.

મ્યુઝિયમના લોગોમાં સંખ્યાબંધ હાથ ચક્ર પકડીને ઉભા છે તે અંગે ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ચક્ર 24 કલાક અવિરતતાનું પ્રતીક છે અને આપણી સમૃદ્ધિ તેમજ પરિશ્રમના સંકલ્પનું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, આ સંકલ્પ, સજાગતા અને શક્તિ આવનારા 25 વર્ષમાં ભારતના વિકાસને પરિભાષિત કરવા જઇ રહ્યા છે.

પ્રધાનમંત્રીએ દુનિયામાં બદલાઇ રહેલી વ્યવસ્થાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો અને તે વ્યવસ્થામાં ભારતના બદલાઇ રહેલા દરજ્જાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “આજે, જ્યારે નવી વૈશ્વિક વ્યવસ્થા ઉભરી રહી છે ત્યારે, દુનિયા આશા અને વિશ્વાસ સાથે ભારત તરફ નજર રાખીને બેઠી છે, તો પછી ભારતે પણ આ પ્રસંગોચિત ઉદયમાન થવા માટે પોતાના પ્રયાસો વધારવા પડશે.”

 

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1816887) Visitor Counter : 244