ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં નડાબેટમાં સીમા દર્શન માટે નવનિર્મિત પર્યટન સુવિધાઓનું લોકાર્પણ કર્યું

Posted On: 10 APR 2022 6:55PM by PIB Ahmedabad

શ્રી અમિત શાહે નડાબેટ બોર્ડર આઉટપોસ્ટ સૈનિક સંમેલનમાં સંબોધન આપ્યું અને જવાનો સાથે ભોજન કર્યું તેમજ સંવાદ પણ કર્યો

તમામ દેશવાસીઓને રામનવમીની શુભેચ્છા પાઠવી, જીવનમાં દરેક ભૂમિકા કેવી રીતે નિભાવવી જોઇએ તેના માટે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું જીવન સર્વશ્રેષ્ઠ આદર્શ છે

ભગવાન શ્રી રામ એવી રીતે જીવન જીવ્યા હતા કે તેમાં તેમણે એકપણ શબ્દ બોલ્યા વગર એક આદર્શ પુત્ર, આદર્શ પતિ, આદર્શ રાજા અને આદર્શ સેનાપતિની ભૂમિકા કેવી રીતે નિભાવવી જોઇએ, તેનો સર્વશ્રેષ્ઠ આદર્શ રજૂ કર્યો જેથી લોકો વર્ષો વર્ષ અને યુગો યુગો સુધી પ્રેરણા લઇ શકે

આજે નડાબેટના આ સીમા દર્શન વાળા પર્યટન સ્થળે હું આવ્યો છું તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની કલ્પનાઓને બંને હાથ જોડીને હું વંદન કરવા માંગુ છુ

પ્રધાનમંત્રી મોદીજીની આ પરિકલ્પનાઓને જ્યાં સુધી કોઇ પોતે અહીં આવીને ના જુએ ત્યાં સુધી આ બહુઆયામી પરિકલ્પનાને કોઇ સમજી શકે નહીં

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં સરકારે તમામ CAPFના જવાનો અને તેમના પરિવારજનોની સુવિધાઓ વધે, તે માટે ખૂબ જ કામ કર્યું છે જેમાં દેશમાં હેલ્થ ચેકઅપ અને હાઉસિંગ સેટિસ્ફેક્શન રેશિયોથી માંડીને ડ્યૂટીના રેશનલાઇઝેશન સુધીના કાર્યો કરવામાં આવી રહ્યાં છે

આયુષ્માન CAPF કાર્ડ અંતર્ગત જો તમારાં પરિવારમાં કોઇપણ વ્યક્તિને કોઇપણ બીમારી આવે તો તેઓ કાર્ડ લઇને હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી શકે છે

જ્યારથી શ્રી નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી તરીકે આરૂઢ થયા છે ત્યારથી દેશને દુનિયામાં તમામ ક્ષેત્રોમાં સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડવાનો આયોજનબદ્ધ રીતે પ્રયાસ થઇ રહ્યો છે

આ પ્રયાસ સફળ થવાનું મૂળ કારણ એ છે કે, આપણા સીમા સુરક્ષા દળના જવાનો સરહદ પર અભેદ્ય સુરક્ષાનું સુદર્શન ચક્ર લઇને ઉભા છે, તમે સરહદોની સુરક્ષા કરો છો એટલે જ સરહદો પર વિકાસ કાર્યો કરવાનું શક્ય બન્યું છે

રેતીના તોફાન, ધગધગતો તાપ, હાડ થીજવી દેનારી ઠંડી જેવી તમામ સ્થિતિઓ વચ્ચે એકાગ્રતા સાથે આખા જીવન દરમિયાન કર્તવ્યનો મંત્ર સાકાર કરીને BSFના જવાનો દેશની 6385 કિલોમીટર લાંબી સરહદની સુરક્ષા કરે છે

1965માં 25 બટાલિયન સાથે આ સંગઠનની શરૂઆત થઇ હતી, આજે 193 બટાલિયન અને 60 આર્ટિલરી રેજિમેન્ટના 2,65,000 જવાનોની મોટી સેના બની ગઇ છે

આખો દેશ અને દેશનો દરેક નાગરિક માને છે કે આ સંગઠન અને સેના ભારતની સુરક્ષાની ગેરેન્ટી છે

કાશ્મીર ખીણ પ્રદેશમાં ઘુસણખોરી રોકવાની હોય, પૂર્વોત્તરમાં અને કેટલાક ડાબેરી ઉગ્રવાદી વિસ્તારોમાં આંતરિક સુરક્ષા સંભાળવાની હોય, ક્રીકના દુર્ગમ વિસ્તારોમાં ઢીંચણ સુધીના કીચડમાં કલાકો સુધી સજાગ રહેવાનું હોય તો પણ દુનિયામાં એવું બીજું કોઇ સુરક્ષા દળ નહીં હોય જે આટલી મુશ્કેલ પરિસ્થિતિઓમાં BSFની જેમ કામ કરે

અહીં BSFની વીરગાથાઓ જોઇને નાના નાના બાળકો આપણા બોર્ડર ગાર્ડિંગ ફોર્સ પ્રત્યે સન્માનની ભાવનાને સંસ્કારના રૂપમાં આત્મસાત કરે, તેઓ પણ નિશ્ચય કરે કે દેશની સુરક્ષાના ક્ષેત્રમાં મારે પણ કંઇ કરવું જોઇએ

હું આજે આખા દેશની જનતા વતી જીવનપર્યંત કર્તવ્યના નારાને ચરિતાર્થ કરનારા BSFના નાનામાં નાના જવાનથી માંડીને ડીજી સુધીના તમામ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માંગુ છુ અને આપની વીરતાને સલામ કરવા માંગુ છુ

અહીં આવીને જ્યારે આપણે નડાબેટના સંપૂર્ણ પ્રદર્શન સ્થળ અને અહીંથી બોર્ડર સુધી જઇશું ત્યારે ખબર પડશે કે આપણા સીમા પ્રહરીઓ કેટલી મુશ્કેલ પરિસ્થિતિઓમાં આપણી સુરક્ષા માટે કામ કરી રહ્યા છે

અહીં આવવાથી બાળકોનાં માનસમાં દેશભક્તિની ભાવનાની સાથે સાથે આપણા સશસ્ત્ર દળો અને આપણી સરહદોની સુરક્ષા સાથે જોડાવાની એક લાગણી ઉભી થશે

લોકો જ્યારે અહીંયા આવશે તો પર્યટનને પ્રોત્સાહન મળશે અને સરહદી ગામડાઓમાંથી સ્થળાંતરણ થવાની જે મોટી સમસ્યા છે તે દૂર થઇ જશે તેમજ રોજગારીની તકોનું પણ સર્જન થશે, દેશની અંદર જે વિકાસ થઇ રહ્યો છે તેના લાભો સરહદોના છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવાની આ એક શરૂઆત છે

નડાબેટમાં સીમા દર્શન કાર્યક્રમ પર 125 કરોડ રૂપિયાનો ખર્ચ ગુજરાત સરકારે કર્યો છે

મને આજે ખૂબ જ સ્પષ્ટ રીતે પરિકલ્પના છે કે, 10 વર્ષ પછી નડાબેટનું આ સેક્ટર બનાસકાંઠા જિલ્લામાં ઓછામાં ઓછા પાંચ લાખ લોકો માટે રોજગારીનું કેન્દ્ર બની જશે

તેની પ્રસિદ્ધિ કરવી જોઇએ, અહીં નાના બાળકો વધુમાં વધુ સંખ્યામાં આવે તે પ્રકારની વ્યવસ્થા કરવી જોઇએ અને અહીં આવનારા લોકો બનાસકાંઠામાં ઓછામાં ઓછી એક રાત રોકાઇને બનાસકાંઠા પણ જરૂરથી જોઇને જાય

બાળકોને રમવાની સુવિધાઓ અને આકાશને આંબતો 100 ફુટ ઊંચો તિરંગો, આ બધુ જ અહીં આકર્ષણનું કેન્દ્ર બનશે

અહીંયા 6 ગેલેરી બનાવવામાં આવી છે જે આપણને દેશની તમામ સરહદોનો પરિચય કરાવશે

ગુજરાતના પર્યટન માટે એક ગેલેરી અને નડાબેટ તેમજ બનાસકાંઠા માટે પણ એક ગેલેરી બનાવવામાં આવી છે

આપણા દેશના પ્રધાનમંત્રી મોદીજીએ બોર્ડર ટુરિઝમનું એક ખૂબ જ મોટું સપનું જોયું છે, અહીં બીટિંગ રીટ્રિટ સમારંભ આકર્ષણનું કેન્દ્ર બનશે

મને પૂરો ભરોસો છે કે, બોર્ડર ટુરિઝમના માધ્યમથી બોર્ડરની સુરક્ષા, બોર્ડરના સીમા પ્રહરીઓ સાથે જનતાનો સંવાદ અને સીમા પ્રહરીઓ પ્રત્યે જનતાનાં મનમાં એક આકર્ષણનો ભાવ લાવવાના ત્રણેય ઉદ્દેશ આ કાર્યક્રમથી પૂરા થશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા નડાબેટમાં સીમા દર્શન માટે નવનિર્મિત પર્યટન સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું. શ્રી અમિત શાહે નડાબેટ બોર્ડર આઉટપોસ્ટ સૈનિક સંમેલનમાં સંબોધન આપ્યું અને જવાનો સાથે ભોજન કર્યું તેમજ સંવાદ પણ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને સીમા સુરક્ષા દળ (BSF)ના મહાનિદેશક સહિત અનેય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સંબોધન આપતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, કોઇપણ સીમા સુરક્ષા દળ હોય, ખાસ કરીને BSFનું કામ ખૂબ જ મુશ્કેલ હોય છે. રેતીના તોફાન, ધગધગતો તાપ, હાડ થીજવી દેનારી ઠંડી જેવી તમામ સ્થિતિઓ વચ્ચે એકાગ્રતા સાથે આખા જીવન દરમિયાન કર્તવ્યનો મંત્ર સાકાર કરીને BSFના જવાનો દેશની 6385 કિલોમીટર લાંબી સરહદની સુરક્ષા કરે છે. જ્યારથી શ્રી નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી તરીકે આરૂઢ થયા છે ત્યારથી દેશને દુનિયામાં તમામ ક્ષેત્રોમાં સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડવાનો આયોજનબદ્ધ રીતે પ્રયાસ થઇ રહ્યો છે. આ પ્રયાસ સફળ થવાનું મૂળ કારણ એ છે કે, આપણા સીમા સુરક્ષા દળના જવાનો સરહદ પર અભેદ્ય સુરક્ષાનું સુદર્શન ચક્ર લઇને ઉભા છે, તમે સરહદોની સુરક્ષા કરો છો એટલે જ સરહદો પર વિકાસ કાર્યો કરવાનું શક્ય બન્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ તો એ સરહદ છે જ્યાં BSF અને સૈન્યના જવાનોએ ઉત્કૃષ્ટ પરાક્રમ કરી બતાવ્યું છે. લડાઇમાં લગભગ 1000 ચોરસ કિલોમીટર વિસ્તાર પાકિસ્તાન પાસેથી છીનવી લઇને અહીં વિજય ધ્વજ ફરકાવવાનું કામ બોર્ડ સિક્યોરિટી ફોર્સે કર્યું છે. ખૂબ જ લાંબા સમય સુધી, જ્યાં સુધી સમજૂતી ના થઇ ત્યાં સુધી, BSF એડમિનિસ્ટ્રેશનમાં પણ જોડાયેલું રહ્યું અને 1965માં 25 બટાલિયન સાથે આ સંગઠનની શરૂઆત થઇ હતી, આજે 193 બટાલિયન અને 60 આર્ટિલરી રેજિમેન્ટના 2,65,000 જવાનોની મોટી સેના બની ગઇ છે. આખો દેશ અને દેશનો દરેક નાગરિક માને છે કે આ સંગઠન અને સેના ભારતની સુરક્ષાની ગેરેન્ટી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, કાશ્મીર ખીણ પ્રદેશમાં ઘુસણખોરી રોકવાની હોય, પૂર્વોત્તરમાં અને કેટલાક ડાબેરી ઉગ્રવાદી વિસ્તારોમાં આંતરિક સુરક્ષા સંભાળવાની હોય, ભારત- બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદે બંને દેશો વચ્ચેના સંબંધોમાં સૌહાર્દ જાળવી રાખીને દેશના તમામ હિસ્સાની સુરક્ષા કરવાની હોય, ક્રીકના દુર્ગમ વિસ્તારોમાં ઢીંચણ સુધીના કીચડમાં કલાકો સુધી સજાગ રહેવાનું હોય તો પણ દુનિયામાં એવું બીજું કોઇ સુરક્ષા દળ નહીં હોય જે આટલી મુશ્કેલ પરિસ્થિતિઓમાં BSFની જેમ કામ કરે.  

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નડાબેટમાં સીમા દર્શન કાર્યક્રમ પર 125 કરોડ રૂપિયાનો ખર્ચ ગુજરાત સરકારે કર્યો છે. અહીં BSFની વીરગાથાઓ જોઇને નાના નાના બાળકો આપણા બોર્ડર ગાર્ડિંગ ફોર્સ પ્રત્યે સન્માનની ભાવનાને સંસ્કારના રૂપમાં આત્મસાત કરે, તેઓ પણ નિશ્ચય કરે કે દેશની સુરક્ષાના ક્ષેત્રમાં મારે પણ કંઇ કરવું જોઇએ, જેથી દેશની સુરક્ષા કરી રહેલા પ્રહરીઓ પ્રત્યો તેમનું સન્માન કરવાની અને તેમના પ્રત્યેની સંવેદના હંમેશા માટે તેમના દિલમાં જાગૃત રહેશે. ગુજરાત સરકાર હવે એવું પણ આયોજન કરવાની છે કે, પાંચમાં ધોરણથી આઠમા ધોરણ સુધીના દરેક વિદ્યાર્થીની સ્કૂલના પર્યટનનું સેન્ટર હવે આ નડાબેટ બનવા જઇ રહ્યું છે. તેનાથી BSFના ત્યાગ, સમર્પણ, બલિદાન અને વીરતા સૌ બાળકો પોતાની સાથે લઇને નાગરિક સમાજમાં જશે અને જ્યારે તેઓ નાગરિક બનશે ત્યારે તેમના જીવનના અંતિમ વર્ષ સુધી આ સન્માન જળવાયેલું રહેશે. ગુજરાત સરકાર અહીંના આસપાસના વિસ્તારોમાં રહેવાની સુવિધા માટે પણ સારું આયોજન કરી રહી છે અને ગુજરાતના દરેક નાગરિકે ઓછામાં ઓછા બે દિવસ બનાસકાંઠાની સરહદે વિતાવવા જોઇએ જેથી તેઓ સરહદની મુશ્કેલીઓ સાથે જોડાશે અને સરહદને જાણવાનું કામ કરી શકશે.

આ પહેલાં, નડાબેટમાં સીમા દર્શન માટે નવનિર્મિત પર્યટન સુવિધાઓનું લોકાર્પણ કર્યા પછી શ્રી અમિત શાહે તમામ દેશવાસીઓને રામનવમીની શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે, રામનવમી ચૈત્રી નવરાત્રીની સમાપ્તિ સાથે એક એવા વ્યક્તિત્વનો જન્મનો દિવસ પણ છે જેમનો જન્મદિવસ હજારો વર્ષોથી કરોડો લોકો તેમના ઘરોમાં ઉજવે છે. તેમણે ઉમેર્યું હતું કે, જીવનમાં દરેક ભૂમિકા કેવી રીતે નિભાવવવી જોઇએ તેના માટે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું જીવન સર્વશ્રેષ્ઠ આદર્શ છે. ભગવાન શ્રી રામ એવી રીતે જીવન જીવ્યા હતા કે તેમાં તેમણે એકપણ શબ્દ બોલ્યા વગર એક આદર્શ પુત્ર, આદર્શ પતિ, આદર્શ રાજા અને આદર્શ સેનાપતિની ભૂમિકા કેવી રીતે નિભાવવી જોઇએ, તેનો સર્વશ્રેષ્ઠ આદર્શ રજૂ કર્યો જેથી લોકો વર્ષો વર્ષ અને યુગો યુગો સુધી પ્રેરણા લઇ શકે. આથી તેઓ આજે આપણા આરાધ્ય છે, આપણે સૌ ભગવાન તરીકે તેમની પૂજા કરીએ છીએ અને તેમણે ચિંધેલા માર્ગે ચાલવાનો પ્રયાસ કરીએ છીએ.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની કઠીનમાં કઠીન સરહદોની સુરક્ષા કરનારા સીમા સુરક્ષા દળ (BSF)ના આપણા જવાનો જે માઇનસ 40 ડિગ્રી ટેમ્પરેચરથી લઇને 45 ડિગ્રી ટેમ્પરેચર વાળી સરહદો પર પોતાના જીવની બાજી લગાવીને આખા દેશની સુરક્ષા કરે છે, BSFના કેટલાય જવાનોએ તેમનો જીવ આપી દીધો છે, તે સૌને આજે યાદ કરીને આખા દેશ વતી હું તેને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માંગુ છુ. તેમણે કહ્યું હતું કે, હું આજે આખા દેશની જનતા વતી જીવનપર્યંત કર્તવ્યના નારાને ચરિતાર્થ કરનારા BSFના નાનામાં નાના જવાનથી માંડીને ડીજી સુધીના તમામ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માંગુ છુ અને આપની વીરતાને સલામ કરવા માંગુ છુ. શ્રી શાહે જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે પણ દેશ પર સંકટની ઘડી આવી છે ત્યારે BSFના જવાનોએ વીરતા બતાવવામાં કોઇ જ ખામી રાખી નથી. એક મહાવીર ચક્ર, ચાર કિર્તી ચક્ર, તેર વીર ચક્ર, તેર શૌર્ય ચક્ર અને અને બલિદાનોની ગાથા BSF પોતાની સાથે લઇને આગળ વધી રહ્યું છે અને આ વીરતાનો જે અનોખો સંગમ BSFમાં થયો છે તેના પર આખો દેશ ગૌરવ કરે છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે નડાબેટના આ સીમા દર્શન વાળા પર્યટન સ્થળે હું આવ્યો છું તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની કલ્પનાઓને બંને હાથ જોડીને હું વંદન કરવા માંગુ છુ. પ્રધાનમંત્રી મોદીજીની આ પરિકલ્પનાઓને જ્યાં સુધી કોઇ પોતે અહીં આવીને ના જુએ ત્યાં સુધી આ બહુઆયામી પરિકલ્પનાને કોઇ સમજી શકે નહીં. અહીં આવીને જ્યારે આપણે નડાબેટના સંપૂર્ણ પ્રદર્શન સ્થળ અને અહીંથી બોર્ડર સુધી જઇશું ત્યારે ખબર પડશે કે આપણા સીમા પ્રહરીઓ કેટલી મુશ્કેલ પરિસ્થિતિઓમાં આપણી સુરક્ષા માટે કામ કરી રહ્યા છે. અહીં આવવાથી બાળકોનાં માનસમાં દેશભક્તિની ભાવનાની સાથે સાથે આપણા સશસ્ત્ર દળો અને આપણી સરહદોની સુરક્ષા સાથે જોડાવાની એક લાગણી ઉભી થશે. તેમણે જણાવ્યું હતું કે, લોકો જ્યારે અહીંયા આવશે તો પર્યટનને પ્રોત્સાહન મળશે અને સરહદી ગામડાઓમાંથી સ્થળાંતરણ થવાની જે મોટી સમસ્યા છે તે દૂર થઇ જશે તેમજ રોજગારીની તકોનું પણ સર્જન થશે, દેશની અંદર જે વિકાસ થઇ રહ્યો છે તેના લાભો સરહદોના છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવાની આ એક શરૂઆત છે. શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, મને આજે ખૂબ જ સ્પષ્ટ રીતે પરિકલ્પના છે કે, 10 વર્ષ પછી નડાબેટનું આ સેક્ટર બનાસકાંઠા જિલ્લામાં ઓછામાં ઓછા પાંચ લાખ લોકો માટે રોજગારીનું કેન્દ્ર બની જશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ અહીં પર્યટકો માટે ફર્નિચર અને ઇન્ટિરિયર વર્કની સાથે ત્રણ આગમન પ્લાઝા બનાવ્યા છે, વિશ્રામ સ્થળો બનાવ્યા છે, 500 લોકોની ક્ષમતા વાળો ઓડિટોરિયમ બનાવ્યું છે, ચેન્જિંગ રૂમ બનાવ્યો છે, 22 દુકાનો અને રેસ્ટોરન્ટ બનાવ્યા છે, ડેકોરેટિવ લાઇટિંગ થવાનું છે અને અહીંની 30% વીજળી સોલર આધારિત છે, તેથી એ પ્રકારે અહીંયા આધુનિકથી આધુનિક સેક્ટર બનાવવાનું કામ કરવામાં આવ્યું છે. બાળકોને રમવાની સુવિધાઓ અને આકાશને આંબતો 100 ફુટ ઊંચો તિરંગો, આ બધુ જ અહીં આકર્ષણનું કેન્દ્ર  બનશે. અહીંયા 6 ગેલેરી બનાવવામાં આવી છે જે આપણને દેશની તમામ સરહદોનો પરિચય કરાવશે. ગુજરાતના પર્યટન માટે એક ગેલેરી અને નડાબેટ તેમજ બનાસકાંઠા માટે પણ એક ગેલેરી બનાવવામાં આવી છે. અહીં BSFની ત્રણેય વિંગ એટલે કે સમુદ્રી, વાયુ અને આર્ટિલરીનો પરિચય આપતી એક ગેલેરી પણ તૈયાર કરવામાં આવશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આપણા દેશના પ્રધાનમંત્રી મોદીજીએ બોર્ડર ટુરિઝમનું એક ખૂબ જ મોટું સપનું જોયું છે, અહીં બીટિંગ રીટ્રિટ સમારંભ આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમણે જણાવ્યું હતું કે, મને પૂરો ભરોસો છે કે, બોર્ડર ટુરિઝમના માધ્યમથી બોર્ડરની સુરક્ષા, બોર્ડરના સીમા પ્રહરીઓ સાથે જનતાનો સંવાદ અને સીમા પ્રહરીઓ પ્રત્યે જનતાનાં મનમાં એક આકર્ષણનો ભાવ લાવવાના ત્રણેય ઉદ્દેશ આ કાર્યક્રમથી પૂરા થશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, મોદીજીએ સરહદોની સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સંખ્યાબંધ પહેલ હાથ ધરી છે. તેમણે તમામ લોકોને અને ખાસ કરીને બનાસકાંઠાના લોકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, બનાસકાંઠા માત્ર ગુજરાત નહીં પરંતુ આખા દેશમાં નડાબેટના કારણે આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથે જ તેનાથી આપણી સરહદની અંદર પર્યટનની સુવિધાઓ મળશે અને દેશભરના લોકોને BSFની વીરતાને નજીકથી જોવાની તક મળશે.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1815475) Visitor Counter : 353