પ્રધાનમંત્રીનું કાર્યાલય

ગુજરાતના અમદાવાદમાં એસજીવીપી ગુરુકુળ ખાતે ભાવ વંદના પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીનો સંદેશ


"પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનું જીવનચરિત્ર એવાં વ્યક્તિત્વનું નિઃસ્વાર્થ જીવન રજૂ કરશે જે જ્ઞાનની ખોજ અને સમાજની સેવા માટે સમર્પિત રહ્યા"

"શાસ્ત્રીજીએ સમયની જરૂરિયાતો અનુસાર પ્રાચીન જ્ઞાનને અપનાવવા અને જડતા ટાળવા પર ભાર મૂક્યો"

"સ્વતંત્રતા ચળવળનો પાયો નાખવામાં સંતો અને ભક્તિ ચળવળે મુખ્ય ભૂમિકા ભજવી હતી"

Posted On: 20 MAR 2022 10:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાતના અમદાવાદમાં SGVP ગુરુકુળ ખાતે ભાવ વંદના પર્વના અવસર પર સંબોધન કર્યું હતું. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનાં જીવન ચરિત્ર - 'શ્રી ધર્મજીવન ગાથા'નાં વિમોચન પ્રસંગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મહાન વ્યક્તિત્વોનાં કાર્યો અને કથાઓ ઘણીવાર લેખિતમાં નોંધાવાને બદલે માત્ર સ્મૃતિ અને મૌખિક પરંપરામાં જ રહે છે. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનું જીવનચરિત્ર એવાં વ્યક્તિત્વનું નિઃસ્વાર્થ જીવન લેખિત સ્વરૂપમાં રજૂ કરશે કે જેઓ જ્ઞાનની ખોજ અને સમાજની સેવા માટે સમર્પિત રહ્યા હતા, એમ તેમણે કહ્યું હતું. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના સર્વનાં કલ્યાણનાં સૂત્રનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે 'સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસ'નું તેમનું વિઝન શાસ્ત્રીજી મહારાજ જેવા મહાપુરુષો પાસેથી પ્રેરણા લે છે અને 'સર્વજન હિતાય અને સર્વજન સુખાય'ની ફિલસૂફી પર આધારિત છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, પ્રાચીન ભારતની ગુરુકુળ પરંપરા ‘સર્વજન હિતાય’નું મૂર્ત સ્વરૂપ છે, જેમ કે ગુરુકુળમાં જીવનનાં તમામ ક્ષેત્રના વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરતા હતા. આ પરંપરા તેમાં ભવ્ય ભૂતકાળ અને ભવ્ય ભવિષ્યને જોડવાનાં બીજનું વહન કરે છે. આ પરંપરા દેશના સામાન્ય લોકોને ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રેરણા આપે છે. શાસ્ત્રીજીએ તેમનાં ગુરુકુળ દ્વારા સમગ્ર વિશ્વમાં અનેક જીવનનું ઘડતર કર્યું હતું. "તેમનું જીવન કેવળ ઉપદેશ કે આદેશો નહોતા પરંતુ શિસ્ત અને તપસ્યાનો સતત પ્રવાહ હતો….અને તે આપણને ફરજના માર્ગ પર સતત માર્ગદર્શન આપતા રહે છે", એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

એસજીવીપી ગુરુકુળ સાથેનાં તેમનાં અંગત જોડાણને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ આ મહાન સંસ્થાનાં પ્રાચીન જ્ઞાનમાં આધુનિકતાના તત્વોની નોંધ લીધી હતી. શાસ્ત્રીજીએ પ્રાચીન શાણપણને સમયની જરૂરિયાતો અનુસાર અપનાવવા અને જડતાને ટાળવા પર ભાર મૂક્યો હતો, એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સંતો અને ભક્તિ આંદોલને સ્વતંત્રતા ચળવળનો પાયો નાખવામાં ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું કે ગુરુકુળ પરિવાર આઝાદી કા અમૃત મહોત્સવ અને અમૃત કાલમાં યોગદાન આપવા માટે આગળ આવી શકે છે. મહામારી અને યુક્રેનની સ્થિતિ જેવી કટોકટીને કારણે સર્જાયેલી અનિશ્ચિતતાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ આત્મનિર્ભરતાનાં મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે ગુરુકુળ પરિવારને વોકલ ફોર લોકલ બનવા કહ્યું હતું. તેમણે તેમને રોજિંદા ઉપયોગની વસ્તુઓની સૂચિ બનાવવા અને આયાતી વસ્તુઓ પર નિર્ભરતાની હદ માપવા કહ્યું હતું. જો કોઈ ભારતીયના પરસેવાથી બનેલી વસ્તુ ઉપલબ્ધ હોય તો તેને હંમેશા પસંદ કરવી જોઈએ. તેવી જ રીતે, પરિવાર સિંગલ યુઝ પ્લાસ્ટિકને ટાળીને સ્વચ્છ ભારત અભિયાનમાં યોગદાન આપી શકે છે. તેમણે તેમને સ્વચ્છતામાં સુધારો કરવા માટે સ્ટેચ્યુ ઑફ યુનિટી અથવા સ્થાનિક પ્રતિમાઓ જેવાં સ્થળોએ નિયમિતપણે જૂથોમાં જવા કહ્યું હતું. તેમણે રાસાયણિક અને અન્ય નુકસાનથી ધરતી માતાને બચાવવા કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. આમાં ગુરુકુળ મુખ્ય ભૂમિકા ભજવી શકે છે, એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

તેમણે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના ઉપદેશને અનુસરીને નવતર રીતે આઝાદી કા અમૃત મહોત્સવને ઉજવવા ગુરુકુળ પરિવારને વિનંતી કરીને સમાપન કર્યું હતું.

SD/GP/JD



(Release ID: 1807484) Visitor Counter : 230