ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે, શ્રી પીયૂષ ગોયલે ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તના ઉત્પાદનો માંગવા માટે કહ્યું જેથી ભારત વસ્તુ અને સેવાઓમાં વૈશ્વિક અગ્રણી બની શકે
કોઇપણ ભોગે ગ્રાહકોના હિતોનું રક્ષણ થવું જ જોઇએ પરંતુ નાના વ્યાવસાયિકો અને વેપારીઓની કનડગત માટે કાયદાનો દુરુપયોગ ના થવો જોઇએ: શ્રી ગોયલ
શ્રી ગોયલે કાનૂની માપ-વિદ્યા અધિનિયમની અમુક જોગવાઇઓને ડીક્રિમિનલાઇઝ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
શ્રી ગોયલે ગ્રાહકોના અધિકારોને લાગુ કરવા અને વેચાણકર્તાઓ દ્વારા ઉલ્લંઘન બદલ દંડ કરવાના વિભાગના પ્રયાસોની પ્રશંસા કરી
Posted On:
15 MAR 2022 6:33PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ, કાપડ તેમજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે કાયદાનો અસરકારક રીતે અમલ કરવો જરૂરી છે અને ઉચ્ચ ગુણવત્તાના ઉત્પાદનો અને સેવાઓને પ્રોત્સાહન આપવું જરૂરી છે પરંતુ નાના વ્યાવસાયિકો અને વેપારીઓની કનડગત માટે કાયદાની જોગવાઇઓનો દુરુપયોગ ના થવો જોઇએ.
વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે આખા દિવસ માટે યોજવામાં આવેલા “નિષ્પક્ષ ડિજિટલ ફાઇનાન્સ” નામના કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે શ્રી ગોયલે નાના વ્યાવસાયિકોની દુર્દશા પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, “કાયદાના નામે નાના વેપારીઓ અને નાના વ્યાવસાયિકોની કનડગત કરવામાં આવે છે તેને રોકવી જરૂરી છે.”
આ પ્રસંગના ઉદ્ઘાટન વખતે તેમણે આપેલા સંબોધનમાં મંત્રીશ્રીએ કાનૂની માપવિદ્યા અધિનિયમ (લીગલ મેટ્રોલોજી એક્ટ)માં અમુક જોગવાઇઓને ડીક્રિમિનલાઇઝ (અપરાધમુક્ત) કરવાની જરૂરિયાતના મુદ્દાને ટાંક્યો હતો અને ગ્રાહકોના હિતો તેમજ અધિકારોનું રક્ષણ કરવા માટે વિવિધ સત્તામંડળો દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલોની પ્રશંસા કરી હતી, પરંતુ તેમણે સૌ હિતધારકોને અનુરોધ કર્યો હતો કે, ડીક્રિમિનલાઇઝેશનના મુદ્દે સૌએ ચર્ચા કરવી જોઇએ.
શ્રી ગોયલે ઉદ્ઘાટન પ્રસંગે આપેલા તેમના સંબોધન દરમિયાન કાનૂની માપવિદ્યા અધિનિયમની કેટલીક જોગવાઇઓને ડીક્રિમિનલાઇઝ કરવાની જરૂરિયાતને લગતા મુદ્દાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો અને તમામ હિતધારકોને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ તેમજ ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડીક્રિમિનલાઇઝેશનની અસરો અંગે વિચાર-વિમર્શ કરવા માટે અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ તેમજ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી શ્રી અશ્વિની કુમાર ચૌબે, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી સુશ્રી સાધ્વી નિરંજન જ્યોતિ, રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ (NCDRC)ના અધ્યક્ષ શ્રી જસ્ટિસ આર.કે. અગ્રવાલ, ઇન્ફોસિસના બિન-કાર્યકારી અધ્યક્ષ શ્રી નંદન નીલેકણી અને અન્ય મહાનુભાવોએ પણ હાજરી આપી હતી.
શ્રી ગોયલે જણાવ્યું હતું કે, અંદાજે 90,000 લોકોએ કાનૂની માપવિદ્યા અધિનિયમ 2009ની વિવિધ કલમો હેઠળ પ્રથમ ગુના માટે ફરિયાદો નોંધાવી છે અને આમાંથી લગભગ 90% કેસો કાનૂની માપવિદ્યા અધિનિયમની ત્રણ કલમો હેઠળ એટલે કે કલમ 33, 36(1) અને 25 હેઠળ નોંધાયેલા છે, જે વજન માપવા માટે ચકાસણી કર્યા વગરના વજનકાંટાનો ઉપયોગ, બિન- પ્રમાણભૂત ઉત્પાદનોના વેચાણ અને બિન-પ્રમાણભૂત વજનકાંટા તેમજ માપકોનો ઉપયોગ કરવા સંબંધિત ગુનાઓ સાથે સંકળાયેલી છે.
તેમણે પ્રથમ ગુના કે, જેને સંયુક્ત કરી શકાય છે અને દ્વિતિય ગુના કે જેના માટે કાનૂની માપવિદ્યા અધિનિયમ હેઠળ કેદ થઇ શકે છે તેનો વાર્ષિક ડેટા શેર કર્યો હતો. 2018-19માં, પ્રથમ ગુના હેઠળ નોંધાયેલા કેસોની સંખ્યા 89,724 હતી જ્યારે દ્વિતિય ગુના હેઠળ માત્ર 11 કેસ નોંધાયા હતા. એવી જ રીતે, 2019-20માં, પ્રથમ ગુના હેઠળ નોંધાયેલા કેસોની સંખ્યા 91,818 હતી જ્યારે દ્વિતિય ગુના હેઠળ માત્ર 2 કેસ નોંધાયા હતા. વર્ષ 2020-21માં પ્રથમ ગુના હેઠળ કુલ 84,824 કેસ નોંધવામાં આવ્યા હતા જ્યારે દ્વિતિય ગુના હેઠળ એકપણ કેસ નોંધાયો નહોતો.
તેમણે જણાવ્યું હતું કે, “પ્રથમ ગુના હેઠળ નોંધાયેલા કેસોની સંખ્યા ઘણી મોટી છે અને દ્વિતિય ગુના હેઠળ નોંધાયેલા કેસો લગભગ નથી તેમ કહી શકાય એટલા છે જે આપણા સૌના દ્વારા તે બાબત પર મનોમંથન માટે આહ્વાન કરે છે. આથી, જરૂરી છે કે કાયદાનો દુરુપયોગ કરીને નાના ઉદ્યોગસાહસિકોની પજવણી ના કરવામાં આવે તે આપણે સુનિશ્ચિત કરીએ.” તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આવતા વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસે કાનૂની માપવિદ્યા અધિનિયમની અમુક જોગવાઇઓનું ડીક્રિમિનલાઇઝેશન કરવાની કામગીરી તેના અંતિમ તબક્કે પહોંચી ગઇ હશે અને તેમણે સૌ હિતધારકોને આ બાબતે વિચારવિમર્શ કરવા માટે અનુરોધ કર્યો હતો.
શ્રી ગોયલે ગેરમાર્ગે દોરતી જાહેરાતો સામે ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીઓનાં દૃષ્ટાંતો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દુનિયામાં નંબર 1 હોવાનો દાવો કરતી ટૂથપેસ્ટ કંપની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આવા જ પ્રકારની અન્ય એક કાર્યવાહી ગણતરીના સમયમાં જ તેમણે સ્ટોક વેચી નાંખ્યો હોવાનો દાવો કરતી એક કંપની સામે કરવામાં આવી હતી
તેમણે ઉમેર્યું હતું કે, “જો તમે ગ્રાહકોની તાકાત અંગે જાણવા માંગતા હોવ તો, ભારતને જુઓ અને સક્રિય ગ્રાહકો દ્વારા ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનોની માંગ કરવાથી કેવી રીતે ભારતીય કંપનીઓને વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહન મળ્યું છે તેના પર નજર કરો.”
તેમણે જણાવ્યું હતું કે, આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે. હકોની સાથે સાથે અધિકારીઓ અને ગ્રાહકોની જવાબદારીઓ પણ આવે છે. તેમણે જણાવ્યું હતું કે, “મેં ગ્રાહકોને સુવિધા પૂરી પાડવા માટે ગ્રાહક અદાલતોની સુનાવણીઓ વર્ચ્યુઅલ માધ્યમથી કરવા માટે સૂચન કર્યું છે.”
શ્રી ગોયલે ભારતીય માનક બ્યૂરો (BIS) દ્વારા હાથ ધરવામાં આવતા ગુણવત્તા માનકીકરણ કાર્ય વિશે પણ વાત કરી હતી તેમજ તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ગ્રાહકોને ગુણવત્તા, શુદ્ધતા અને પારદર્શિતાનો લાંબા સમયથી બાકી રહેલો અધિકાર હોલમાર્કિંગ દ્વારા આપવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2021 સુધીમાં, 1.3 લાખ કરતાં વધારે ઝવેરીઓએ સોનાના હોલમાર્કવાળા દાગીનાનાં વેચાણ માટે BIS પાસે નોંધણી કરાવી છે, જ્યારે BIS દ્વારા માન્યતા પ્રાપ્ત 987 એસેઇંગ અને હોલમાર્કિંગ કેન્દ્રો દેશમાં કાર્યરત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા ‘સબકા સાથ, સબકા વિકાસ ને સબકા પ્રયાસ’ના સંદેશને આગળ ધપાવતા તેમણે તમામ રાજ્ય સરકારોને, ઉદ્યોગ સંગઠનોને અને અન્ય હિતધારકોને અનુરોધ કર્યો હતો કે, ગ્રાહક સુરક્ષા માટે હાનિકારક હોય અને હાલ અમલીકૃત કાયદાને અવરોધવાનો પ્રયાસ કરતી અન્યાયી વ્યાપારી પ્રથાઓ સામે કડક પગલાં લેતી વખતે વાસ્તવિક વ્યાપાર તકોને મંજૂરી આપવા વચ્ચે સંતુલન લાવવા માટે તેમણે શ્રેષ્ઠ પ્રયાસો કરવા જોઇએ.
તેમણે એ બાબતે પણ પ્રકાશ પાડ્યો હતો કે, વ્યવસાયોએ નવા નીતિગત નિર્ણયોને સહકાર આપવો જોઇએ જે ગ્રાહકોની સુરક્ષાને આગળ વધારવાના આશયથી લેવામાં આવ્યા હોય છે અને તેમને અનુરોધ કર્યો હતો કે, વ્યવસાયો તેમજ ગ્રાહક સુરક્ષા માટે સર્વાંગી માહોલનું સર્જન કરવા માટે તેઓ સરકાર સાથે મળીને રચનાત્મક રીતે કામ કરે.
તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગ્રાહકોએ વધુ જાગૃત રહેવાની જરૂર છે, તેમણે ગુણવત્તાયુક્ત ઉત્પાદનોની માંગ કરવી જોઇએ અને તે રીતે ભારતને ઉચ્ચ ગુણવત્તાના ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવામાં દુનિયાભરમાં અગ્રેસર બનાવવાનો પ્રયાસ કરવો જોઇએ.
કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલે ઇ-દાખીલ પોર્ટલની પ્રગતિની પ્રશંસા કરી હતી જેની મદદથી ગ્રાહકો ઑનલાઇન ફરિયાદો નોંધાવી શકે છે અને સતામંડળોને અનુરોધ કર્યો હતો કે તેઓ તમામ કેસોમાં વર્ચ્યુઅલ સુનાવણીની સુવિધા પૂરી પાડે. ‘ન્યાયમાં વિલંબ એ ન્યાય ના ઇનકાર સમાન છે’ એક બાબત પર પ્રકાશ પાડતા તેમણે વિવિધ રાજ્ય અને જિલ્લા ગ્રાહક પંચોમાં ખાલી પડી રહેલી જગ્યાઓની સંખ્યા તેમજ સર્વોચ્ચ અદાલતને આ બાબતમાં હસ્તક્ષેપ કરવો પડ્યો તે તથ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે તમામ રાજ્ય સરકારોને અનુરોધ કર્યો હતો કે, વહેલામાં વહેલી તકે આવી જગ્યાઓ પર ભરતી કરવામાં આવે.
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ નંદન નિલેકણીએ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પોતાના સંબોધન દરમિયાન ખાસ કરીને બદલાતા ડિજિટલ પ્લેટફોર્મ સાથે બદલાવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, વધી રહેલા જટિલ ડિજિટલ પ્રોટોકોલ સાથે દરેક વ્યક્તિએ વધારે જટિલ ગ્રાહક નિવારણ પદ્ધતિઓ માટે તૈયાર રહેવું જરૂરી છે, જેમાં સરકાર દ્વારા તંદુરસ્ત અભિગમ અપનાવવામાં આવે તે જરૂરી છે. આ સંદર્ભમાં, તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ધ્યાનમાં રાખીને ગ્રાહક તકરાર નિવારણ પદ્ધતિને ફરીથી ડિઝાઇન કરવાની અને બહુભાષી ફોર્મેટમાં ઑનલાઇન વિવાદ નિવારણ પદ્ધતિ ઉપલબ્ધ કરાવવા માટે સ્પીચ ટુ સ્પીચ, સ્પીચ ટુ ટેક્સ્ટ અને ટેક્સ્ટ ટુ સ્પીચ ઓપન પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે એ બાબતે પણ પ્રકાશ પાડ્યો હતો કે, આજના ડિજિટલ વ્યવહારો બહુપક્ષીય છે અને આથી આવા વિવાદોના નિરાકરણ માટે બહુપક્ષીય આવશ્યકતાઓ પણ છે. ડિજિટલ ફાઇનાન્સની વ્યાપકતા અને ગતિમાં અભૂતપૂર્વ ઝડપ સાથે, ભારતે ગ્રાહક નિવારણના નવા યુગની શરૂઆત કરવી જોઇએ અને દરેક ભારતીયને સરળ ગ્રાહક નિવારણની સુલભતા પ્રાપ્ત થાય તેની પણ ખાતરી કરવી જોઇએ.
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ તેમજ ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ પોતાના સંબોધન દરમિયાન, ડિજિટલ ટેકનોલોજી અને નવા વ્યવસાય મોડેલો નાણાકીય સેવાઓ સાથે ગરીબ અને વંચિત પરિવારો સુધી પહોંચવાની આપણી ક્ષમતાને સંપૂર્ણપણે બદલી રહ્યા છે તે બાબતને રેખાંકિત કરી હતી. સરકારે હંમેશા વધુ નાણાકીય સર્વસમાવેશીતા લાવવાનો પ્રયાસ કર્યો છે અને આ બાબત એ વાસ્તવિકતામાં વધુ સારી રીતે પ્રતિબિંબિત થાય છે કે, અહીં માર્ચ 2017 થી માર્ચ 2021 દરમિયાન નાણાકીય સમાવેશીતા (FI) માં 24%નો સુધારો નોંધાયો હતો અને ફેબ્રુઆરી 2022 સુધીમાં UPI દ્વારા 8 અબજ કરતાં વધુ આર્થિક વ્યવહારો કરવામાં આવ્યા છે તેમજ ભારત દ્વારા વિવિધ કોવિડ રાહત કાર્યક્રમોના 428 મિલિયન પ્રાપ્તકર્તાઓને UPIના માધ્યમથી ચૂકવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેમણે ગ્રાહકો માટે ડિજિટલ ફાઇનાન્સ, વધુ મજબૂત, સલામત અને સુરક્ષિત બનાવવા માટે સંયુક્ત પ્રયાસો હાથ ધરવાનો પણ અનુરોધ કર્યો હતો.
ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ તેમજ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી શ્રી અશ્વિની કુમાર ચૌબેએ પોતાના સંબોધન દરમિયાન, ગ્રાહકોની સુરક્ષા અને સશક્તિકરણને કેન્દ્ર સ્થાને રાખે તેવા આવિષ્કારી નિયમનકારી અભિગમો અને ડિજિટલ ફાઇનાન્સિયલ સેવાઓ તેમજ ઉત્પાદનોની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. શ્રી ચૌબેએ સંબોધનમાં અવલોકન કર્યું હતું કે, ડિજિટલ ફાઇનાન્સ ગ્રાહકોને વધુ સુલભ અને સસ્તી સેવાઓ પ્રદાન કરે છે અને મહામારી દરમિયાન તેણે વ્યવસાયોને જીવંત રાખ્યા છે. જો કે, ગ્રાહકો સમક્ષ નવા જોખમો પણ ખુલ્લા પડ્યા છે જે ગ્રાહકોના વિશ્વાસ પર પ્રતિકૂળ અસર કરે છે, નાણાકીય બજારોમાં અસ્થિરતા ઉભી કરે છે અને ડિજિટલ નાણાકીય સેવાઓના ઉપાડ અને વપરાશને નિરુત્સાહ કરે છે જેથી નાણાકીય સમાવેશીતામાં પ્રાપ્ત થયેલી સફળતા ધોવાઇ જાય છે. આથી, વ્યૂહાત્મક નિયમન અને સમયસર હસ્તક્ષેપ હોવો આવશ્યક છે, જે ડિજિટલ ફાઇનાન્સની ક્ષિતિજનું વિસ્તરણ કરવામાં બહેતર ગ્રાહક સુરક્ષાને પ્રતિબિંબિત કરે છે.
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ તેમજ ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ તેમજ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી શ્રી અશ્વિની કુમાર ચૌબેએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત તેની આઇકોનિક એક સપ્તાહ ચાલનારી ઉજવણીના ભાગરૂપે ગ્રાહક બાબતો વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવેલા વર્ચ્યુઅલ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું.
NCDRCના અધ્યક્ષ આદરણીય શ્રી જસ્ટિસ આર.કે. અગ્રવાલે પોતાના સંબોધન દરમિયાન, ડિજિટાઇઝેશનના વૈશ્વિક યુગમાં દુનિયાએ જોયેલી ટેકનોલોજિકલ પ્રગતિમાં આમૂલ પરિવર્તન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, ડિજિટલ નાણાકીય સેવાઓ ઉત્પાદકતા, પહોંચ, નાણાકીય સમાવેશીતા તેમજ કાર્યક્ષમતા વધારવા માટે એક મહત્વપૂર્ણ સાધન બની ગઇ છે – આ માત્ર કોઇ એકલ વ્યક્તિ અને કોર્પોરેટ માટે નહીં, પરંતુ સમગ્ર દેશ માટે છે. NCDRCના અધ્યક્ષે પોતાના સંબોધનના સમાપન વખતે, તમામ ગ્રાહકો માટે શ્રેષ્ઠ જોખમ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે નાણાકીય નિયમનકારો, ટેલિકોમ ઓપરેટર્સ અને સેન્ટ્રલ પેમેન્ટ સિસ્ટમ સત્તામંડળની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો.
રાષ્ટ્રીય લૉ યુનિવર્સિટી દિલ્હી દ્વારા ગ્રાહક બાબતો વિભાગના સહયોગથી યોજવામાં આવેલી નિબંધ લેખન સ્પર્ધા અને અર્થતંત્રને નષ્ટ કરતી દાણચોરી અને બનાવટ પ્રવૃતિઓ સામે FICCI સમિતિ (CASCADE) દ્વારા ગ્રાહક બાબતોના વિભાગના સહયોગથી યોજવામાં આવેલી આંતર શાળા ઑનલાઇન ચિત્રકામ સ્પર્ધાના વિજેતાઓને મંત્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા. આ સ્પર્ધાઓનું આયોજન વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ 2022ની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું.
દરમિયાન, શ્રી ગોયલે અન્ય મંત્રીઓ અને મહાનુભાવો સાથે મળીને નીચે ઉલ્લેખિત પુસ્તકોનું વિમોચન કર્યું હતું:
- સર્વોચ્ચ અદાલત, NCDRC અને SCDRC દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણયોનું ત્રિમાસિક ડાયજેસ્ટ જે નેશનલ લૉ યુનિવર્સિટી, દિલ્હી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
- ઉત્પાદન જવાબદારી અને વારંવાર પૂછાતા પ્રશ્નો અંગે ગ્રાહક પુસ્તિકા
- ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 માટે પુસ્તિક
- ગ્રાહક જ રાજા છે (5મી આવૃત્તિ)
ગ્રાહક બાબતોના વિભાગના સચિવ શ્રી રોહિતકુમાર સિંહ, અધિક સચિવ સુશ્રી નીધિ ખાતે તેમજ અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964